સાજીશ - 1 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

સાજીશ - 1

સનસનાટીભરી રહસ્યકથા

કનુ ભગદેવ

૧. નાગપાલની મૂંઝવણ... !

દિલીપની પ્રશ્નાર્થ નજર સામે બેઠેલા નાગપાલના ચિંતાતુર ચ્હેરા સામે મંડાયેલી હતી, નાગપાલને એણે આટલો ચિંતાતુર ક્યારેય નહોતો જોયો. નાગપાલ રહી રહીને પોતાના હાથમાં જકડાયેલી પાઇપમાંથી કસ ખેંચતો હતો, ઑફિસમાં 'પ્રિન્સ હેનરી’ તમાકુની કડવી-મીઠી મહેક પ્રસરેલી હતી. અત્યારે એની સામે ટેબલ પર એક ખુલ્લી ફાઈલ પડી હતી જેમાં વિશાળગઢમાંથી પ્રગટ થતાં સવાર-સાંજનાં જુદાં જુદાં અખબારોનાં કટિંગો મોજૂદ હતાં.

‘શું વાત છે, અંકલ... ?' છેવટે દિલીપે ચુપકીદીનો ભંગ કરતાં પૂછ્યું : 'આજે તમે કંઈક વધારે પડતા ચિંતામાં લાગો છો... !' ‘હા... !’ નાગપાલ પાઇપમાંથી કસ ખેંચીને મોંમાંથી ધુમાડાના ગોટા ઉડાડતાં બોલ્યો : ‘ચિંતા જેવી જ વાત છે.'

‘શું ફરીથી આપણા દુશ્મન દેશોએ આપણી વિરુદ્ધ કોઈ કાવતરું ઘડ્યું છે...?'

'ના... એવી કોઈ વાત નથી... !' નાગપાલે નકારમાં માથું હલાવ્યું.

‘તો...?'

‘પુત્તર !’ નાગપાલનો અવાજ પૂર્વવત્ ગંભીર હતો, ‘છેલ્લા એકાદ મહિનાથી એક રહસ્યમય ખૂની શહેરમાં વિચિત્ર ઢબે એક પછી એક ખૂનો કરતો જાય છે અને અત્યાર સુધીમાં તે અલગ અલગ સ્થળે જઈને છ જણને મોતને ઘાટ ઉતારી ચૂક્યો છે એ તો તું જાણતો જ હોઈશ... !'

'હા, જાણું છું અંકલ... !' દિલીપ ગંભીરતાથી માથું હલાવતાં બોલ્યો : ‘ખરેખર એ ખૂનીએ આજની તારીખમાં આખા શહેરમાં ભયનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે. એ શયતાન ક્યારે, ક્યાં પહોંચીને કોના પ્રાણ હરી લેશે એનું કંઈ જ નક્કી નથી.'

રાઇટ... !' આ વખતે નાગપાલના અવાજમાં થોડો ઉત્સાહ હતો, ‘હું એ જ ખૂનીની વાત કરું છું. સૌથી વધુ ધ્યાન આપવા લાયક બાબત એ છે કે અત્યાર સુધીમાં થયેલાં બધાં ખૂનો પ્રિ-પ્લાન બનાવીને યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યાં છે. આ કારણસર જ તે ક્યારે ઘટનાસ્થળે આવી, પોતાનું કામ પતાવીને ચાલ્યો જાય છે એની કોઈને કંઈ ખબર નથી પડતી. વિશાળગઢની પોલીસ એને શોધી શોધીને થાકી ગઈ છે... ! હતાશ અને નિરાશ થઈ ગઈ છે એટલે એ કેસની તપાસ આપણા વિભાગને સોંપવામાં આવી છે. પોલીસે ફાઈલમાં પોતાનો ફાઇનલ રિપોર્ટ મૂકીને આ કેસની તપાસ ખાસ કૅપ્ટન દિલીપે એટલે કે તારે જ કરવી એવો આગ્રહ રાખ્યો છે. આજની તારીખમાં તેમની નજરે એકમાત્ર તું જ એ રહસ્યમય ખૂનીને શોધી શકે તેમ છો... ! અને છેલ્લાં પાંચ વર્ષમાં તે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે જે કામ કરી બતાવ્યું છે, એ જોતાં તેમની આ અપેક્ષા ગેરવ્યાજબી પણ નથી... !'

‘અંકલ... !' સહસા દિલીપનો અવાજ લાગણીથી ગળગળો થઈ ગયો, ‘આજે હું જે કંઈ છું તે તમને જ આભારી છે……… ! તમારી સોબતની જ અસર છે... ! તમારી પાસેથી જ હું બધું શીખ્યો છું. જો તમે ન હોત તો આજે આ કૅપ્ટન દિલીપનું પણ કોઈ વજૂદ ન હોત ! તમારી બુદ્ધિમત્તા, નીડરતા, સાહસ અને દિલેરી સામે હું તો રાઈના દાણા સમાન છું … ! તમે મને બચપણથી જ સગા દીકરાની જેમ ઉછેરીને આ સ્ટેજ સુધી પહોંચાડ્યો, એનો આભાર વ્યક્ત કરવા માટે કોઈ પણ શબ્દો ટૂંકા પડે તેમ છે...!'

‘તું આવું માને છે એ તારી મહાનતા છે...! બાકી મેં જે કંઈ કર્યું છે એ મારી ફરજના જ એક ભાગ રૂપે કર્યું છે. કોઈ પણ પિતા પોતાના સંતાનની પ્રગતિ માટે ભલે ગમે તેટલા ભરચક પ્રયાસો કરે... પણ જો સંતાનને જ પોતાની પ્રગતિમાં કંઈ રસ ન હોય તો...? એની ઇચ્છા પ્રગતિને બદલે પરગતિ કરવાની હોય તો બિચારો પિતા પણ શું કરે...? બાપ બિચારો પેટે પાટા બાંધીને દીકરાને કૉલેજમાં એડમિશન અપાવે પણ દીકરો કૉલેજને બદલે ગર્લફ્રેન્ડને લઈને થિયેટરમાં ફિલ્મ જોવા પહોંચી જાય તો બાપનો પણ શું દોષ કાઢવો...? આજના ઇન્ટરનેટ યુગમાં મોટે ભાગે એવું જ બનતું હોય છે. પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને દીકરા-દીકરી, દીપડા કે દીપડી બની જતાં હોય છે. તારે પ્રગતિ કરવી હતી એટલે તે મારા સંસ્કારો ગ્રહણ કર્યા. પરિણામે આજે માત્ર હું જ નહીં, બલ્કે આખો દેશ તારે માટે ગર્વ અનુભવે છે. અને તારા જેવો બહાદુર સહકારી રૂપે મને મળ્યો છે એનું હું ગૌરવ લઈ શકું છું. ખેર, હવે આપણે મુદ્દાની વાત પર આવીએ… !' કહીને નાગપાલે એની સામે પોલીસનો ફાઇનલ રિપોર્ટ મૂક્યો.

દિલીપે ઉપર ઉપરથી રિપોર્ટ વાંચ્યો. એમાં ખૂની વિશે ઘણી સનસનાટી ભરેલી વાતો લખી હતી. એણે રિપોર્ટ વાંચીને નાગપાલને આપ્યો જે નાગપાલે પુનઃ ફાઈલમાં મૂકી દીધો.

‘અંકલ... !' દિલીપ બોલ્યો : ‘રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ખૂની કોણ છે એ પોલીસ નથી જાણી શકી. એટલું જ નહીં, ખૂની વિરુદ્ધ તેઓ કોઈ પુરાવા પણ નથી મેળવી શક્યા.'

'હા...' નાગપાલે પાઇપમાંથી કસ ખેંચતાં ગંભીર અવાજે કહ્યું : ‘અલબત્ત, ખૂની સુધી પહોંચવા માટે પોલીસે પોતાનાથી બનતા બધા જ પ્રયાસો કર્યા છે પરંતુ તેમની બધી દોડાદોડી અને મહેનત નકામી ગઈ છે. ખૂની ખૂબ જ ચાલાક, તીવ્ર બુદ્ધિશાળી તથા માસૂમ અને ખૂબસૂરત દેખાવ ધરાવતો કોઈક શખ્સ છે. તે દરેક વખતે કોઈ ને કોઈ નવો વેશ ધારણ કરી, પોતાનું કામ પાર પાડીને આંખના પલકારામાં જ બનાવના સ્થળેથી ગાયબ થઈ જાય છે. વેશપરિવર્તનની કળામાં નિપુણ હોવાથી જ તે નથી પકડાયો. તું બનાવના સ્થળે જઈન જે જે માણસોને પૂછશે, એ બધા તેના દેખાવનું જુદું જુદું વર્ણન જ તને જણાવશે. પોલીસની આ ફાઈલમાં તેને ‘બહુરૂપી ખૂની' નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ‘બહુરૂપી ખૂની' વિશે હું બીજી અમુક ખાસ વાતો તને જણાવું છું. પહેલું, અત્યાર સુધીમાં એણે જે છ શખ્સોને મોતને ઘાટ ઉતાર્યા છે, એ છયે છ જણ અપરાધી હતા. બધા પર ખૂન અને લૂંટ જેવા આરોપો હતા અને સજા ભોગવી ચૂકેલા ગુનેગારો હતા. બીજી દૃષ્ટિએ જોઈએ તો ખૂની જે કંઈ કરે છે તે કાયદો અને વ્યવસ્થાની તરફેણમાં જ કરે છે. કાયદાએ જે કરવું જોઈએ એ જ તે કરે છે. પરંતુ એનો અર્થ એવો બિલકુલ નથી થતો કે આપણે એના પ્રત્યે આંખ આડા કાન કરીને બેસી રહીએ... ! કાયદો હાથમાં લેવાનો અધિકાર આમજનતાને નથી. કાયદાનું કામ કાયદાએ પોતે જ કરવાનું હોય છે... ! કોઈ સાધારણ હાથમાં કાયદો લઈને સડક પર ખુલ્લેઆમ ન્યાય કરવા નીકળી પડે એ વાત ટોટલી ગેરકાયદેસર જ છે... !'

‘તમારી વાત બિલકુલ સાચી છે, અંકલ... !' દિલીપ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં બોલ્યો : ‘પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે ખૂની આ બધા ગુનેગારોનાં ખૂન શા માટે કરે છે....?’

'એ જ તો કંઈ ભેજામાં નથી ઊતરતું... !' નાગપાલના અવાજમાં મૂંઝવણનો સૂર હતો, ‘આ ઉપરાંત ખૂનીની એક બીજી ખાસિયત એ છે કે ખૂન કર્યા પછી તે ઘટનાસ્થળે ગંજીપત્તાંનાં બાવન પત્તાંમાંથી ત્રણ પત્તાં - ગુલામ, બેગમ તથા બાદશાહનાં— મૂકી જાય છે.'

એણે એક કવરમાંથી ગંજીપત્તાંની જોડનાં ત્રણ પાનાં કાઢીને દિલીપને બતાવ્યાં. દિલીપે જોયું તો એ પાનાં કાગળનાં નહીં પણ પ્લાસ્ટિકનાં હતાં.

‘ખૂની ઘટનાસ્થળે ગુલામ, બેગમ, બાદશાહ શા માટે મૂકી જાય છે... ?' એણે આશ્ચર્યથી પૂછ્યું.

એ વાતનું રહસ્ય પણ અકબંધ જ છે.’ નાગપાલ બોલ્યો,

‘તું આ ફાઈલ લઈ જઈને નિરાંતે તેનો અભ્યાસ કરી લે... ! ખૂની ચૂપ નહીં બેસે એમ હું માનું છું. ટૂંક સમયમાં જ તે પોતાનું પરાક્રમ બતાવશે અને તારે એને અટકાવવાનો છે. એટલું જ નહીં, પોલીસના હવાલે પણ કરવાનો છે. હંમેશની જેમ આ વખતે પણ તું સફળ થઈશ એની મને પૂરી ખાતરી છે. મારી શુભેચ્છાઓ અને આશીર્વાદ તારી સાથે જ છે. આ કેસમાં જો તને કોઈની મદદની જરૂર પડે તો બેધકડ લેજે... ! રજની અને ધીરજ હમણાં નવાં જ છે. શાંતા તો તારી આંટી સાથે મુંબઈ ગઈ છે અને ક્યારે પાછી ફરશે એ કંઈ નક્કી નથી.'

'ઓ.કે. અંકલ... !' દિલીપે એના હાથમાંથી ફાઈલ લઈને ઊભા થતાં કહ્યું. ત્યાર બાદ નાગપાલના ચરણસ્પર્શ કરીને તે ઑફિસમાંથી બહાર નીકળી ગયો.

એ સીધો પોતાના ફ્લેટ પર પહોંચ્યો અને પછી તેનો આખો દિવસ ‘બહુરૂપી ખૂની'ની ફાઈલ વાંચવામાં જ વીત્યો. 'બહુરૂપી ખૂનીનું ચરિત્ર ખૂબ જ રહસ્યમય હતું. દિલીપની માન્યતા પ્રમાણે ખૂની લાગણીશીલ હતો અને લાગણીને વશ થઈને ખૂનો કરતો હતો. પરંતુ સાથે જ ખૂનની કાર્યપ્રણાલી પરથી તે અત્યંત બુદ્ધિશાળી પણ હતો અને બહુ સમજી-વિચારીને દરેક પગલું યોજનાબદ્ધ રીતે ભરતો હતો. ખૂની ખૂબ જ ભણેલો ગણેલો પણ લાગતો હતો જે જોખમી હતું. કારણ કે આ જાતના ગુનેગારને પકડવાનું અત્યંત કપરું થઈ પડે છે. દિલીપ તથા નાગપાલની માન્યતામાં એક વાત બિલકુલ સરખી હતી.

નાગપાલના કહેવા મુજબ ખૂની ચૂપ નહોતો બેસવાનો અને ટૂંક સમયમાં જ પોતાનું પરાક્રમ બતાવવાનો હતો. ફાઈલનો અભ્યાસ કર્યા પછી દિલીપ પણ આ જ પરિણામ પર પહોંચ્યો હતો.

'અને બન્યું પણ એમ જ... ! રાત્રે દસ વાગ્યે નાગપાલનો ફોન આવ્યો. એના કહેવા મુજબ ‘બહુરૂપી ખૂની' બંદ૨૨ોડ પર આવેલ ચાંદની બારમાં વધુ એક ખૂન કરીને અદશ્ય થઈ ગયો હતો. દિલીપ તરત જ પૂરપાટ વેગે પોતાની કારમાં ચાંદની બારમાં પહોંચ્યો.

આ દરમિયાન પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. દિલીપ બારમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં ચહેરા પરથી જ છેલબટાઉ જેવી લાગતી પંદર-વીસ યુવતીઓ એક ખૂણામાં ધ્રૂજતી હાલતમાં ઊભી હતી. તેમના ચહેરા પર છવાયેલો ભય અને ગભરાટ સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. પોલીસ હવે પોતાની શી હાલત કરશે એની તેમને ખબર નહોતી. યુવતીઓની બાજુમાં જ સ્ટાફના કર્મચારીઓ તથા શરાબ અને શબાબની મોજ માણવા આવેલા અય્યાશ ગ્રાહકો ભયભીત મુદ્રામાં ઊભા હતા.

એ સિવાય હૉલ ખાલી હતો.

'આવો, મિસ્ટર દિલીપ... !' સ્થાનિક પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ આગળ વધીને દિલીપ પાસે પહોંચતાં બોલ્યો : ‘હું તમારી જ રાહ : જોતો હતો.'

‘તો આ ‘બહુરૂપી ખૂની’નો સાતમો શિકાર છે, એમ ને ?’ ‘હા...'

દિલીપની નજર હૉલની બરાબર વચ્ચે, જમીન પર પડેલા મૃતદેહ પર સ્થિર થઈ ગઈ. મરનારની ઉંમર પાંત્રીસેક વર્ષની હતી અને ચહેરા પરથી જ તે સડકછાપ બદમાશ જેવો લાગતો હતો.

‘મિસ્ટર દિલીપ... !’ સબ-ઇન્સપેક્ટર પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં બોલ્યો : ‘ખૂનીએ ખૂબ જ ક્રૂરતાથી આ ખૂન કર્યું છે. એણે મરનારના લમણા પર ગોળી ઝીંકી છે, જે અંદર જ ક્યાંક અટવાઈ ગઈ છે. મરનારની ખોપરીમાં જે રીતે ગોળી વાગી છે, એના પરથી પુરવાર થઈ જાય છે કે ગોળી મારતી વખતે ખૂની એની ખૂબ જ નજીકમાં હતો.' દિલીપે ધીમેથી માથું હલાવ્યા બાદ આગળ વધીને મૃતદેહનું નિરીક્ષણ કર્યું.

મૃતદેહની બાજુમાં જ ગંજીપત્તાંનાં ત્રણ પાનાં – ગુલામ, બેગમ અને બાદશાહ— પડ્યાં હતાં.

દિલીપ સિગારેટ પેટાવીને મૃતદેહની આજુબાજુમાં ચક્કર મારતો કસ ખેંચવા લાગ્યો.

'મરનાર કોણ છે એ બાબતમાં કંઈ જાણવા મળ્યું?' છેવટે એણે પૂછ્યું.

‘હા... ઘણું બધું જાણવા મળ્યું છે... !' સબ-ઇન્સ્પેક્ટરે જવાબ આપ્યો, ‘આ નંગનું નામ જમશેદ હતું અને તે એક ખતરનાક ગુનેગાર હતો. અગાઉ ચાર-પાંચ ખૂનોમાં તે સંડોવાયેલો હતો પણ પુરાવાના અભાવે છૂટી ગયો હતો. બે-ત્રણ વખત જેલની હવા ખાઈ ચૂક્યો છે !'

‘જમશેદ... !’ દિલીપ સ્વગત બબડ્યો. પછી પૂછ્યું : ‘જમશેદ અવારનવાર અહીં આવતો હતો કે પછી આજે પહેલી જ વાર આવ્યો હતો ?’

‘મૅનેજરના કહેવા પ્રમાણે જમશેદ અવારનવાર અહીં આવતો હતો. અહીંથી એનું ઘર પણ બહુ દૂર નથી.' એના ઘેર બનાવની જાણ કરી દીધી છે?'

'હા... મેં હમણાં જ એક સિપાહીને ત્યાં મોકલ્યો છે.'

દિલીપે હવે ગોઠણભેર બેસીને જમશેદના માથા પર વાગેલ ગોળીનું નિશાન જોયું. નિશાન જોઈને તે સમજી ગયો કે ખૂનીએ બત્રીસ કેલિબરની રિવૉલ્વરમાંથી ગોળી છોડીને જમશેદને શૂટ કર્યો છે. આ ઉપરાંત એ એવા પરિણામ પર પહોંચ્યો કે ખૂની અચૂક નિશાનબાજ હતો.

દિલીપ મૃતદેહનું નિરીક્ષણ કરતો હતો ત્યાં જ એકાએક બારરૂમમાં કોઈ સ્ત્રીના કરુણ આક્રંદનો અવાજ ગુંજી ઊઠ્યો. દિલીપે ઊભા થઈને અવાજની દિશામાં નજર કરી. એણે જોયું તો ત્રીસેક વર્ષની એક યુવતી બે સિપાહીઓ સાથે અંદર આવી હતી. આવતાંવેંત તે જમશેદના મૃતદેહ પર માથું પછાડી પછાડીને રડવા લાગી. એનું રુદન ભલભલાં કઠોર કાળજાનાં માનવીને પણ હચમચાવી મૂકે એવું હતું. આગંતુક યુવતી જમશેદની પત્ની છે એ વાત દિલીપ સમજી ગયો. સિપાહી પાસેથી તેને એનું નામ પણ જાણવા મળી ગયું. એનું નામ સલમા હતું.

દિલીપ અત્યારે સી.આઈ.ડી. હેડક્વાર્ટરની એક ચેમ્બરમાં બેઠો હતો. એની બાજુમાં જ રજની પરમાર તથા ધીરજ બેઠાં હતાં. જ્યારે એ ત્રણેયની સામે ગમગીન ચહેરે જમશેદની પત્ની સલમા બેઠી હતી. એની આંખો હજુ પણ ભીની હતી. પતિના મોતનો આઘાત એના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો.

રહી રહીને એના મોંમાંથી ડૂસકાં નીકળતાં હતાં.

‘સલમા... !’ દિલીપે એની આંખોમાં પોતાની આંખો પરોવતાં, મુદ્દાની વાત પર આવતાં પૂછ્યું : 'જમશેદ એક ગુનેગાર છે એની તને અગાઉથી જ ખબર હતી...?'

‘અમારાં લગ્ન થયાં એ વખતે મને કંઈ ખબર નહોતી... !' સલમા ધીમેથી બોલી : ‘ત્યારે તો હું તેને ખૂબ જ નેક અને શરીફ માણસ માનતી હતી. જમશેદે પણ પોતે કોઈક ગેરેજમાં કામ કરે છે એવું જણાવ્યું હતું. પરંતુ જમશેદને પાણીની જેમ પૈસા વાપરતો જોઈને મને એના પર શંકા ઊપજી અને પછી તો એનું અસલી રૂપ મારી સામે આવી ગયું. એના બધા મિત્રો પણ લફંગા હતા. પરંતુ બધું જાણ્યા પછી પણ મારાથી કંઈ થઈ શકે તેમ નહોતું. ગમે તેમ તોય એ મારો પતિ હતો... !'

‘જમશેદ ક્યારેય જેલમાં પણ ગયો હતો... ?' દિલીપે પૂછ્યું. બે-ત્રણ વખત... ! પરંતુ એક વાત હું જરૂર કહીશ, સાહેબ.. !' સલમા બોલી :

‘આપને કદાચ મારી વાત પર ભરોસો નહીં બેસે... પરંતુ જમશેદ છેલ્લા બે મહિનાથી એકદમ સુધરી ગયો હતો. એણે જાકુબીના બધા ધંધા છોડી દીધા હતા.'

સલમાની વાત સાંભળીને દિલીપની સાથે સાથે ૨જની તથા ધીરજ પણ ચમકી ગયાં. 'તો છેલ્લા બે મહિના દરમિયાન જમશેદે કોઈ ગેરકાયદેસર કામ નહોતું કર્યું એમ તું કહેવા માગે છે... ?' રજનીએ એક એક શબ્દ પર ભાર મૂકતાં પૂછ્યું.

‘હા... મેમસા'બ... !' સલમા ધીમેથી માથું હલાવતાં મક્કમ અવાજે બોલી, ‘મેં જ તો તેને જાકુબીના ધંધા છોડી દેવા માટે ધીમે ધીમે સમજાવ્યો હતો. એણે મારા સોગંદ ખાઈને ભવિષ્યમાં પોતે કોઈ ખોટું કામ નહીં કરે એવું મને વચન આપ્યું હતું. ૫૨મદિવસે તો પોતે હવે શરાબ પણ છોડી દેવાનો છે એમ એ કહેતો હતો.’ દિલીપે વારાફરતી રજની તથા ધીરજ સામે જોયું.

મામલો ખૂબ જ ગૂંચવાડાભર્યો હતો.

'જો તારા કહેવા પ્રમાણે જમશેદ ખરેખર સુધરી ગયો હોય તો પછી એનું ખૂન શા માટે થયું ?'

'ખબર નથી, સાહેબ... ! મને પોતાને પણ આ વાતની ખૂબ જ નવાઈ લાગે છે... !'

‘ખેર...’ દિલીપે સિગારેટની રાખ ઍશટ્રેમાં ખંખેરતાં પૂછ્યું :

'જમશેદના ખૂન માટે તને કોઈના પર શંકા છે... ?'

‘ના, સાહેબ... ! કોઈના પર શંકા નથી... ! જમશેદ ખૂબ જ નીડર અને હિંમતવાન હતો. એની આજુબાજુના બધા માણસો તેનાથી ડરતા હતા. તેમનામાંથી કોઈ જ એને મારી નાખવાની હિંમત કરી શકે તેમ નહોતું.’

'અર્થાત્ ખુની કોઈક અજાણ્યો જ છે, ખરું ને ?'

'એ તો હવે મને શું ખબર પડે, સાહેબ... !'

દિલીપે સિગારેટના બે-ત્રણ કસ ખેંચ્યા. તપાસમાં આગળ વધવા માટે તેને કોઈ કડી નહોતી મળતી.

‘હું એક વાત કહું, દિલીપ... ?' સહસા કશુંક વિચારીને રજની બોલી.

'બોલ... !' દિલીપે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

‘ખૂની જે કોઈ હોય તે .. પણ એ ખૂબ જ ચાલાક અને રહસ્યમય છે. અત્યાર સુધીમાં એણે કરેલાં સાતેય ખૂનો તેની અસીમ બુદ્ધિમત્તાનો પરિચય આપે છે. તપાસમાં આગળ વધી શકાય એવો કોઈ આધાર કે પુરાવો એણે બાકી નથી રાખ્યો. એટલું જ નહીં, તેને પોલીસનો પણ કોઈ ભય નથી એટલા માટે જ એણે ખૂન કર્યા પછી જાણી જોઈને ગંજીપત્તાંનાં ગુલામ, બેગમ, બાદશાહ મૂક્યાં છે. જેથી પોલીસને ખાતરી થઈ જાય કે આ બધાં ખૂનો એક જ માણસ કરે છે. અલબત્ત, આ ગંજીપત્તાં મૂકવા પાછળ શું કારણ છે, એ હવે તપાસનો વિષય છે.'

પરંતુ આ બધાં ખૂનોમાં એક વાત બિલકુલ સરખી છે... ! ધીરજ પહેલી જ વાર વાતચીતમાં ભાગ લેતાં બોલ્યો : ‘માર્યા ગયેલા સાતેય જણ ગુનેગાર હતા. .. ! હવે સવાલ એ છે કે ખૂની ગનેગારોનાં જ ખૂન શા માટે કરે છે?’

‘હા... આ મુદ્દો પણ અગત્યનો છે... !' દિલીપે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું : ‘હું માનું છું ત્યાં સુધી માર્યા ગયેલા આ બધા ગુનેગારોને એકબીજા સાથે કંઈકને કંઈક સંબંધ જરૂર હોવો જોઈએ ! રજની...' એણે રજની સામે જોયું, ‘તું જમશેદની પહેલાં જે છ જણા માર્યા ગયા છે, તેમના અખબારોમાં છપાયેલા ફોટા લાવીને સલમાને બતાવ... ! સલમા તેમને ઓળખતી હોય એ બનવાજોગ છે... !'

રજની ઊભી થઈને બહાર નીકળી ગઈ.

દસેક મિનિટ પછી તે ‘બહુરૂપી ખૂની’ની ફાઈલ લઈને પાછી ફરી. ફાઈલમાં કેસને લગતા તમામ દસ્તાવેજો મોજૂદ હતા. ખુરશી પર બેઠા પછી એણે ફાઈલમાંથી થોડાં કટિંગો કાઢીને સલમા સામે મૂક્યાં. એ કટિંગોમાં ‘બહુરૂપી ખૂની'ના હાથે મોતને ઘાટ ઊતરી ચૂકેલા બધા ગુનેગારોના ફોટા હતા.

‘આ ફોટાઓ જો, સલમા... !' દિલીપ બોલ્યો : ‘એને ઓળખવાનો પ્રયાસ કર... ! તારી કોઈ પણ જુબાની અમને તારા પતિના ખૂની સૂધી પહોંચવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. આ ફોટાઓ ધ્યાનથી જોઈને કહે કે તે આમાંથી કોઈને અગાઉ ક્યારેય તારા પતિ સાથે જોયો હતો ?'

સલમાએ વારાફરતી બધા ફોટાઓનું નિરીક્ષણ કર્યું અને છેવટે એક માણસના ફોટા પર આંગળી મૂકતાં બોલી : 'સાહેબ, બાકી પાંચ જણ કોણ છે એની તો મને ખબર નથી, પરંતુ આ માણસને મેં ઘણી વખત મારા પતિ જમશેદ સાથે જોયો હતો.'

ત્રણેયે જોયું તો એ ફોટો ચમનલાલ નામના એક બદમાશનો હતો.

'ઓહ... તો તે ચમનલાલને કેટલીયે વાર તારા પતિ સાથે જોયો હતો, એમ ને ?' દિલીપે પૂછ્યું. ‘હા....

‘દિલીપ... !' એકાએક કંઈક વિચારીને ધીરજ બોલ્યો : ‘સલમાએ ભલે ચમનલાલને જ જમશેદ સાથે જોયો હોય... પરંતુ બાકીના પાંચેય પણ જમશેદ સાથે સંકળાયેલા હોય અને સલમાની જાણ બહાર તેઓ મળતા હોય એ બનવાજોગ છે.’

‘રાઇટ... !’ દિલીપે ધીમેથી માથું હલાવતાં કહ્યું : ‘હવે એક વાત તો હું દાવા સાથે કહી શકું તેમ છું કે આ સાતેય જણ ચોક્કસ કોઈક ને કોઈક રીતે એકબીજા સાથે સંકળાયેલા હતા... ! 'સલમા !' એણે સલમા સામે જોયું, ‘હવે મારા એક સવાલનો જવાબ આપ... ! તું ચમનલાલ સિવાય તારા પતિના બીજા કોઈ મિત્રને ઓળખે છે...? કોઈ એવો મિત્ર કે જે હજી જીવતો હોય…?'

સલમા વિચારમાં પડી ગઈ.

‘હા, સાહેબ... !' થોડી પળો સુધી વિચાર્યા બાદ તે ઉત્સાહભેર બોલી : ‘જમશેદનો એક બીજો મિત્ર પણ અવારનવાર અમારે ઘેર આવતો હતો. બંને ક્યારેક ક્યારેક તો કલાકો સુધી રૂમમાં પુરાઈને ધીમા અવાજે વાતો કરતા હતા.'

‘વેરી ગુડ... !’ દિલીપે ખુરશી પરથી ઊભા થતાં પૂછ્યું : ‘નામ શું છે એનું... ?'

‘એના નામની તો મને ખબર નથી, સાહેબ !' સલમાએ જવાબ આપ્યો, ‘હા, એનો દેખાવ કેવો હતો એ હું જરૂર જણાવી શકું તેમ છું.'

'વાંધો નહીં... દેખાવ વિશે જણાવી દે.. !'

‘સાહેબ, એની ઊંચાઈ લગભગ પોણા છ ફૂટ જેટલી, શરીર દૂબળું, આંખો ભૂરી, વાંકડિયા વાળ... ! ઉપરાંત એના ડાબા ગાલ પર કોઈક જૂના જખમનું લાંબું નિશાન છે. આ નિશાનને કારણે એનો હેરો ખૂબ જ ભયંકર લાગતો હતો...!'

'ઓ.કે., મારી સાથે ચાલ... !'

ધીરજ, રજની અને સલમા પણ ઊભાં થયાં. દિલીપ તેમને લઈને રેકોર્ડરૂમમાં પહોંચ્યો.

'રજની, તું જરા અપરાધીઓની રેકોર્ડ ફાઈલ લઈ આવ...!' દિલીપ બોલ્યો.

એનું દિમાગ ઝપાટાબંધ કામે લાગી ગયું હતું. રજનીએ રેકોર્ડમાંથી એક જાડી ફાઈલ કાઢી લાવીને તેની સામે મૂકી.

‘આ જો, સલમા... !' દિલીપ સલમાની સામે ફાઈલ ઉઘાડતાં બોલ્યો : ‘આ ફાઈલમાં સજા ભોગવી ચૂકેલા તમામ ગુનેગારોની ફોટા સહિત વિગતો છે. જો આપણે જમશેદના ખૂનીને શોધવો હોય તો તાબડતોબ તે હમણાં જણાવ્યું એ જમશેદના દોસ્ત સુધી પહોંચવું જરૂરી છે. નહીં તો ખૂની એને પણ મોતને ઘાટ ઉતારી દેશે... !'

ત્યાર બાદ તેઓ ધ્યાનથી ફાઈલ તપાસવા લાગ્યાં. સલમા ઝીણવટથી ફાઈલમાં મોજૂદ અપરાધીના ફોટાને એક એક કરીને નીખરતી હતી.

પરંતુ આખી ફાઈલ જોયા પછી પણ એમાં તેને જમશેદના મિત્રનો ફોટો ક્યાંય ન દેખાયો.

‘ના, સાહેબ... ! આમાંથી કોઈ નથી... !' એણે દિલીપ સામે જોઈને નકારમાં માથું હલાવતાં કહ્યું.

ત્રણેયના ચ્હેરા પર નિરાશા ફરી વળી. દિલીપે સલમાનો આભાર માનીને તેને વિદાય કરી લીધી. હવે દિલીપ સામે એક નવી મુશ્કેલી હતી. આ કેસમાં આગળ વધવા માટે એણે કોઈ પણ સંજોગોમાં સલમાએ જણાવેલ જમશેદના કથિત દોસ્તને શોધી કાઢવો પડે તેમ હતો.

છેવટે થાકી-હારીને એણે અંધારામાં એક તીર છોડ્યું. એણે વિશાળગઢનાં તમામ પોલીસ સ્ટેશનોમાં જમશેદના મિત્રના દેખાવનું વર્ણન મોકલીને જો આવો કોઈ માણસ નજરે ચડે તો તાબડતોબ એને અટકમાં લઈને પોતાને જાણ કરવાની સૂચના આપી. એટલું જ નહીં, આ કામ એણે પોલીસખાતાના બાતમીદારોને પણ સોંપી દેવાનો આદેશ આપ્યો. દિલીપે અંધારામાં છોડેલું આ તીર આબાદ નિશાન ૫૨ ચોંટી ગયું. સાંજના છ વાગ્યા હતા. દિલીપ હેડક્વાર્ટરમાં રજની તથા ધીરજ સાથે બેઠો હતો ત્યાં જ અચાનક ટેબલ પર પડેલ ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. ‘હલ્લો...’ દિલીપે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું : ' કૅપ્ટન દિલીપે હિયર!'

‘સા'બ... જય માતાજી !' સામે છેડેથી એક ગંભી૨ પરંતુ આત્મીયતાથી ભરપૂર અવાજ એના કાને અથડાયો, ‘બાતમીદાર ડબલઝેડ બોલું છું... !'

‘બોલ ભાઈ... !' દિલીપે કોમળ અવાજે કહ્યું.

‘સા'બ... ! સવારે આપે જે ગુનેગારનું વર્ણન જણાવ્યું છે એને હું બહુ સારી રીતે ઓળખું છું.'

‘શાબાશ... !' દિલીપ પ્રશંસાભર્યા અવાજે બોલ્યો, કોણ છે એ...?'

‘સા’બ... ! એનું નામ અજિત મરચંટ છે અને તે ધોબીઘાટમાં રહે છે... ! સરનામું લખી લો...!'

દિલીપે એક પેડ પર સામેથી કહેવાયેલ સરનામું લખી લીધું. ત્યાર બાદ બાતમીદારનો આભાર માનીને એણે રિસીવર મૂક્યું ત્યારે એના ચ્હેરા પર હજા૨ વૉલ્ટના બલ્બ જેવી ચમક પથરાઈ ગઈ હતી. એણે ફોન પર થયેલી વાતચીતની વિગત રજની તથા ધીરજને જણાવી દીધી અને પછી પળનોય વિલંબ કર્યા વગર એ બંનેને લઈને પોતાની કારમાં ધોબીઘાટ તરફ રવાના થઈ ગયો. વીસ મિનિટમાં જ તેઓ ત્યાં પહોંચી ગયાં.

ધોબીઘાટ વિશાળગઢનો એક બદનામ વિસ્તાર હતો. આ વિસ્તારમાં મોટા બદમાશો જ વસતા હતા. અહીંનાં બધાં મકાનો કાચાં અને ઝૂંપડપટ્ટી જેવાં હતાં. બહુમાળી ઇમારતો પણ જૂની અને ખખડધજ હતી. અહીં નજીવી વાતોમાં પણ છૂરી ઊછળતી હતી. ઉપરાંત આ વિસ્તારની સૌથી મોટી ખાસિયત એ હતી કે આખાય વિસ્તારમાં નાની-મોટી ગલીઓની ભુલભુલામણી ભરેલી જાળ હતી. દિલીપ રજની તથા ધીરજને લઈને સાંકડી ગલીમાં આવેલ ત્રણ માળની એક જૂની ઇમારત પાસે પહોંચ્યો. અગાઉ કેટલીયે વખત તે અહીં આવી ચૂક્યો હોવાથી આ વિસ્તારથી થોડો પરિચિત હતો.

ચારે તરફ શોર મચેલો હતો. ક્યાંકથી બાળકોનો શોર ગુંજતો હતો. કોઈક મકાનમાં જોરજો૨થી ટેપ વાગતું હતું તો ક્યાંકથી ટી.વી.નો અવાજ ગુંજતો હતો.

ત્રણેય ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલ છ નંબરના રૂમ પાસે પહોંચ્યાં.

પરંતુ રૂમના દરવાજા પર તાળું મારેલું જોઈને તેમના ચહેરા પર નિરાશા ફરી વળી.

'અજિત ક્યાંક બહાર ગયો લાગે છે... !' રજની ધીમેથી બબડી.

‘ક્યાં ગયો હશે ?'

'કોઈક પાડોશીને પૂછીએ… !' ધીરજ બાજુની રૂમ તરફ આગળ વધ્યો.

એ જ વખતે રૂમનો દ૨વાજો ઉઘાડીને મેલાંઘેલાં વસ્ત્રોમાં સજ્જ એક યુવતીએ બહાર ડોકિયું કર્યું. એના હાથમાં છ મહિનાનું એક બાળક તેડી રાખેલું હતું.

‘આ તમારી બાજુમાં રહેતો માણસ ક્યાં ગયો છે એની તમને કંઈ ખબર છે... ?' ધી૨જે પૂછ્યું.

'તમે અજિતની વાત કરો છો?’

‘હા...'

‘મને ખબર નથી... !' યુવતી રુક્ષ અવાજે બોલી : ‘એ તો ચોવીસમાંથી વીસ કલાક બહાર જ હોય છે... ! ક્યારેક જ અહીં આવે છે... ! જ્યારે જોશો ત્યારે તાળું જ મારેલું હશે... !'

‘શું એના ઘરમાં બીજું કોઈ નથી... ?'

'ના.'

એણે લગ્ન નથી કર્યાં ?

‘લગ્ન કર્યાં હોત તો આ રીતે રૂમ પર તાળું હોત ખરું...? અને આમેય કોનું માથું ફર્યું છે કે એ નાલાયક સાથે લગ્ન કરે...!' યુવતી છણકો કરતાં બોલી : ‘હરામખોર જ્યારે જુઓ ત્યારે આજુબાજુની રૂમોમાં ડોકિયાં કરતો હોય છે...! જાણે અહીં રહેતી બધી સ્ત્રીઓ એની પરણેતર હોય એવું વર્તન કરે છે. પરમદિવસે જ મારે એના ગાલ પર તમાચો મારવો પડ્યો હતો. બસ, ત્યારનો તે ગયો તે ગયો... ! હજુ સુધી એનું થોબડું મને નથી દેખાયું... !' ધીરજના એરા પર નિરાશા છવાઈ ગઈ.

‘એ પાજી વિશે બીજું કંઈ પૂછવું છે...?'

'ના...'

‘તો પછી નમસ્તે... !' કહેતાંની સાથે જ યુવતીએ જોરથી દરવાજો બંધ કરી દીધો. ધીરજ નિરાશ ચહેરે થોડે દૂર ઊભેલાં દિલીપ તથા રજની તરફ આગળ વધ્યો. એ બંને બધું સાંભળી ચૂક્યાં હતાં.

'આ સ્ત્રી તો જબરી ભારાડી નીકળી... !' ધીરજ બબડ્યો, ‘સીધા સવાલોના પણ જલેબીના ગૂંચળા જેવા જવાબ આપતી હતી.’

'એણે જિંદગીમાં ઘણી થપાટો ખાધી લાગે છે !’

‘એને હવે પડતી મૂકો... !’ રજની બોલી, ‘અજિત વિશે બીજા કાઈકને પૂછીએ.. !'

તેમણે આગળ વધીને બે-ત્રણ જણને અજિત વિશે પૂછપરછ કરી, પરંતુ બધાએ એવો જ જવાબ આપ્યો કે અજિત ભાગ્યે જ પોતાની રૂમમાં હોય છે... ! ક્યારેક ક્યારેક તો કેટલાય દિવસો સુધી નથી દેખાતો.

'હવે એક જ ઉપાય છે... !' દિલીપે વિચારવશ અવાજે કહ્યું, આપણે મોડી રાત્રે અહીં આવીને અજિતની રૂમ પર ત્રાટકવું પડશે. ત્યારે જ 'આપણા હાથમાં આવશે... ! પરંતુ અજિત મોડી રાત્રે પોતાની રૂમમાં હશે જ એ વાતની શી ખાતરી છે?’ધીરજે પૂછ્યું. કોઈ ખાતરી નથી પણ પ્રયાસ કરવામાં આપણું શું જાય છે ?’

'ઓ.કે....'

ત્રણેય વાતો કરતાં કરતાં કાર પાસે પહોંચ્યાં.

એ જ વખતે સંજોગોએ એક અણધાર્યો વળાંક લીધો. રજની અને ધીરજ કારમાં બેસી ચૂક્યાં હતાં જ્યારે દિલીપ ડ્રાઇવિંગ સીટ પર બેસવા જતો હતો ત્યાં જ અચાનક એની નજર સામે સડક તરફથી આવતા એક શખ્સ પર પડી. એ માનવીના વાળ વાંકડિયા હતા... આંખો ભૂરી હતી અને ડાબા ગાલ પર કોઈક જૂના જખમનું નિશાન હતું. એનું શરીર દૂબળું હતું અને ઊંચાઈ આશરે પોણા છ ફૂટ જેટલી હતી. ‘અજિત મરચંટ... !' દિલીપ ઉત્સાહભેર બોલી ઊઠ્યો.

અજિત તેમનાથી અજાણ મસ્તીથી સિસોટી વગાડતો તેમની તરફ ચાલ્યો આવતો હતો. અજિતનું નામ સાંભળતાં જ રજની અને ધીરજ કારમાંથી ઊતરી આવ્યાં.

ત્રણેય લાંબાં લાંબાં ડગલાં ભરતાં અજિતની પાસે પહોંચીને ઊભાં રહ્યાં.

‘અજિત.. !’ દિલીપે એની આંખોમાં પોતાની આંખો પરોવતાં કહ્યું.

પળભર માટે અજિત ડઘાઈ ગયો.

'હા, બોલો... ! મારું નામ જ અજિત મરચંટ છે... !' એ બોલ્યો.

‘અમે સી.આઈ.ડી. ડિપાર્ટમેન્ટ તરફથી આવીએ છીએ... ! તને થોડી પૂછપરછ કરવાની છે. અમારી સાથે ચાલ... !'

‘સ... સી.આઈ.ડી... !' અજિત મરચંટની બધી મસ્તી કપૂરની જેમ ઊડી ગઈ.

એણે પળભર માટે કશુંક વિચાર્યું અને પછી એકાએક જ પીઠ ફેરવીને પૂરેપૂરી તાકાતથી દોટ મૂકી.

‘ખબરદાર, અજિત.. !' દિલીપ જોરથી બરાડ્યો, પરંતુ એના બરાડાની અજિત પર કોઈ અસર ન થઈ. દિલીપ પણ એની પાછળ દોડ્યો. રજની તથા ધીરજે પણ તેનું અનુકરણ કર્યું. આ નંગ છટકવો ન જોઈએ... !' દોડતાં દોડતાં જ દિલીપે ઊંચા અવાજે કહ્યું. પરંતુ અજિતને જાણે પાંખો ફૂટી હોય એમ તે સ્ફૂર્તિથી દોડતો હતો. પછી દોડતો દોડતો જ તે એક સાંકડી ગલીમાં ઘૂસી ગયો. એની પાછળ પાછળ દિલીપ પણ ગલીમાં પ્રવેશ્યો. આ દરમિયાન એણે ગજવામાંથી પોતાની રિવોલ્વર ખેંચી કાઢી હતી. ‘અજિત... !' એણે ધમકીભર્યા અવાજે કહ્યું : ‘ઊભો રહે, નહીં તો હું તને શૂટ કરી નાખીશ... !'

જોકે આ માત્ર ધમકી જ હતી. એ કોઈ સંજોગોમાં ગોળી નહોતો છોડવાનો... ! ગોળી છોડવાથી કોઈ લાભ નહોતો. એ તો અજિતને જીવતો પકડવા માગતો હતો.

પરંતુ દિલીપની ધમકીની પરવાહ કર્યા વગર અજિત દોડતો દોડતો તરત જ બીજી ગલીમાં ઘૂસી ગયો. એ ગલી વધુ સાંકડી હતી.

દિલીપે પીઠ ફેરવીને જોયું રજની અને ધીરજ તેની પાછળ જ દોડતાં આવતાં હતાં.

દિલીપ તાબડતોબ અજિતની પાછળ પાછળ બીજી સાંકડી ગલીમાં પ્રવેશ્યો.

પરંતુ ગલીમાં પ્રવેશતાં જ એના આશ્ચર્યનો પાર ન રહ્યો. અજિત ગલીમાં ક્યાંય નહોતો. તે એકાએક જાદુના જોરે જાણે કે ગુમ થઈ ગયો હતો. એ જ વખતે રજની અને ધીરજ પણ ત્યાં આવી પહોંચ્યાં.

‘અરે...’ અજિતને ગુમ જોઈને રજની આશ્ચર્યથી બોલી ઊઠી, 'અજિત અચાનક ક્યાં ગાયબ થઈ ગયો ?

દિલીપ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આખી ગલી વેરાન અને ઉજ્જડ હતી એટલે કોઈને પૂછી શકાય તેમ પણ નહોતું. એ ગલી વચ્ચેથી જ બે દિશામાં ફંટાઈ ગઈ હતી. જ્યારે એક માર્ગ સીધો હતો, અર્થાત ત્રણ દિશા હતી. અજિત ત્રણમાંથી કોઈ પણ દિશામાં જઈ શકે તેમ હતો,

‘હવે શું કરીશું... ?' ધી૨જ બબડ્યો.

'હવે એક જ ઉપાય છે... !' દિલીપ બોલ્યો : ‘તમે બંને આ ડાબી-જમણી ગલીઓમાં જાઓ... ! હું સામેની દિશામાં જાઉં છું.'

'ઓ.કે....

‘એક વાત ખાસ યાદ રાખજો... ! એ કોઈ સંજોગોમાં ન છટકવો જોઈએ... ! એને કોઈ પણ ભોગે જીવતો જ પકડવાનો છે... !'

રજની અને ધીરજ ડાબી-જમણી ગલીમાં ચાલ્યાં ગયાં.

દિલીપે સીધો જતો માર્ગ પકડ્યો હતો. પરંતુ એ માર્ગ બહુ લાંબો નહોતો. સો-દોઢસો ડગલાં ચાલતાં જ તે ડાબી તરફ ફંટાઈ જતો હતો. આ વિસ્તારમાં ખરેખર ગલીઓની ભુલભુલામણી ભરેલી માયાજાળ હતી. એક ગલી પૂરી નહોતી થતી ત્યાં જ બીજી ગલી શરૂ થઈ જતી હતી.

દિલીપ બીજી ગલીમાં વળ્યો ત્યાં જ એકાએક એણે એક માનવઆકૃતિને એક અન્ય સાંકડી ગલીમાં ઘૂસતી જોઈ. એની સમસ્ત ઇન્દ્રિયો સજાગ બની ગઈ. આકૃતિની એણે માત્ર એક ઝલક જ જોઈ હોવા છતાંય તે અજિત મરચંટ છે એવું તેને લાગ્યું. દિલીપ આંધીની જેમ દોડીને એ ગલીમાં ઘૂસ્યો. એનું અનુમાન સાચું હતું. એ માનવી અજિત જ હતો.

'ઊભો રહે, અજિત... !' દિલીપ એની સામે રિવૉલ્વર તાકીને જોરથી બરાડ્યો, ‘ઊભો રહી જા...'

પરંતુ અજિત જાણે કે બહેરો બની ગયો હતો.

દિલીપે એના માથાથી એક ફૂટ અઘ્ધર હવામાં ગોળી છોડી અને ત્યાર બાદ વાઘની જેમ છલાંગ મારતો અજિત તરફ ધસી ગયો.

અજિતે પીઠ ફેરવીને જોયું તો એનું કાળજું મોંમાં આવી ગયું. દિલીપ અને તેની વચ્ચે હવે થોડાં ડગલાંનું જ અંતર બાકી રહ્યું હતું.

‘તું બચી નહીં શકે, અજિત... !' દિલીપ ફરીથી બરાડ્યો. એ ગલી આગળ પુનઃ એક તરફ વળતી હતી.

અજિત જાણે યમરાજ પાછળ પડ્યા હોય એમ આંધીની જેમ દોડીને એ ગલીમાં વળ્યો. પરંતુ ગલીમાં વળતાં જ સામેથી પૂરપાટ વેગે આવતા એક મોટરસાઇકલ સાથે જોરથી અથડાયો.

ટક્કર એટલી જોરદાર હતી કે તે ફૂટબૉલની જેમ ઊછળીને ગલીમાં દૂર જઈ પડ્યો. સાથે જ એની દારુણ ચીસ ગલીના એક ખૂણાથી બીજા ખૂણા સુધી ફરી વળી.

એ જ વખતે રજની અને ધીરજ પણ ત્યાં આવી પહોંચ્યાં. ગોળીનો અવાજ સાંભળતાં જ તેઓ સમજી ગયાં હતાં કે દિલીપે અજિત મરચંટને શોધી કાઢ્યો છે.

બીજી તરફ મોટરસાઇકલની ટક્કર ખાઈને ઊથલી પડેલા અજિતની ચેતના લુપ્ત થઈ ગઈ હતી.

************