સાજીશ - 9 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાજીશ - 9

૯. તલાશીનું અભિયાન... !

દિલીપ, રજની, માલા અને ધીરજ ફરીથી એક વાર સી.આઈ.ડી.ના હેડક્વાર્ટરમાં આવેલ દિલીપની ચેમ્બરમાં બેઠાં હતાં. ઘણી મહેનત કરવા છતાંય ચારમાંથી કોઈને પણ કંઈ નહોતું સૂઝતું.

તેમના હાથમાં પુરાવાઓ આવી આવીને નીકળી જતા હતા. કેસની ફરીથી તપાસ કરવા માટે તેમને સાચી દિશા નથી મળી એવું પણ તેઓ કહી શકે તેમ નહોતાં.

તેઓ પૂરી રફતારથી પોતાની મંઝિલ તરફ આગળ વધતાં હતાં.

તેમનો દરેક પ્રહાર સાચી જગ્યાએ જ થતો હતો.

દરેક તીર નિશાન પર ચોંટતું હતું.

એક એક અનુમાનો અને શંકાઓ સાચાં પડતાં હતાં. પરંતુ તેમ છતાંય હજુ સુધી એમના હાથમાં કશુંય નહોતું આવ્યું.

તેઓ કોઈ પરિણામ પર નહોતાં પહોંચી શક્યાં. તપાસ જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ પાછી આવીને અટકી ગઈ હતી.

‘એક વાત મને નથી સમજાતી, દિલીપ... !' છેવટે ધીરજ વ્યાકુળતાથી બોલી ઊઠ્યો.

‘કઈ વાત... ?' દિલીપે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું. ‘તેં સોમચંદને આટલી સહેલાઈથી શા માટે છોડી દીધો... ?’

‘એટલા માટે કે સોમચંદને છોડી મૂકવા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો !!

'કેમ..?’

‘કોઈ પણ માણસને અટકમાં રાખવા માટે પુરાવાઓ તથા મજબૂત આધાર હોવો જરૂરી છે. જ્યારે સોમચંદને આપણે અજિત મરચંટના કેસમાં સાંકળી શકીએ એવા કોઈ પુરાવાઓ આપણી પાસે નથી.’

‘લે, કર વાત... !' ધીરજ બોલ્યો, ‘રોક્સી ક્લબના આ ફોટાઓ સોમચંદ વિરુદ્ધ મજબૂત પુરાવો નથી... ? અજિત મરચંટનું ખૂન થયું ત્યારે કલાક-દોઢ કલાક સુધી તે મીનાક્ષી ટૉકીઝમાં ગેરહાજર રહ્યો અને આ સમય દરમિયાન પોતે ક્યાં હતો એ વાતનો પણ સોમચંદ પાસે કોઈ સાક્ષી કે પુરાવો નથી.... શું આ બધી વાતોને પુરાવાઓ ન કહી શકાય...?'

'આ બધા સોમચંદ વિરુદ્ધના પુરાવાઓ છે તથા બધી વાતો એની સામે જ આંગળી ચીંધે છે, એ હું કબૂલ કરું છું.'

‘તો પછી...?'

‘પણ ધીરજ... !’ દિલીપનો અવાજ એકદમ ગંભીર અને શાંત હતો, ‘આને મજબૂત પુરાવાઓ ન જ કહી શકાય... ! આ પુરાવાઓના આધારે આપણે સોમચંદ જેવા માણસને અટકમાં લઈને તેની વિરુદ્ધ કોર્ટમાં ગુનો પુરવાર કરી શકીએ તેમ નથી. તું પોતે જ વિચાર... રોક્સી ક્લબના આ ફોટાઓના આધારે આપણે કોર્ટમાં શું પુરવાર કરી શકીશું ? માત્ર એટલું જ કે સોમચંદ એક શરાબી, જુગારી અને અય્યાશ માણસ છે... ! પોતાના અખબારમાં એ સમાજસેવા તથા માનવતાની મોટી મોટી વાતો કરે છે... દેહવિક્રય વિરુદ્ધ આંદોલન ચલાવે છે... બાળમજૂરોનો બચાવ કરે છે...! પરંતુ હકીકતમાં એ શું છે...? એનાથી વધુ નાલાયક, નીચ, હરામખોર અને બદમાશ માણસ બીજો કોઈ નથી .. ! બેવડું જીવન જીવે છે...! ભલો-ભોળો, દયાળુ અને પરગજુ લાગતો આ માણસ અંદરખાનેથી એટલો જ નીચ અને હલકી કોટિનો છે... ! આવા માણસની કોઈ જાત કે દિન-ઈમાન નથી હોતાં... ! આ ફોટાઓ દ્વારા આપણે ભલે ગમે તેટલી કાગારોળ મચાવીએ પરંતુ સોમચંદ શરાબી, જુગારી અને અય્યાશ છે, એનાથી વધુ કશુંય પુરવાર થઈ શકે તેમ નથી. ખાસ તો અજિત મરચંટના ખૂનમાં એનો કોઈ હાથ તો એવું તો બિલકુલ પુવાર કરી શકાય તેગ નથી.' ધીરજ કંઈ ન બોલ્યો, એણે વ્યાકુળતાથી ખુરશી પર પાસું બદલ્યું,  દિલીપની દલીલ પણ એકદમ સાચી હતી. માત્ર ફોટાઓથી કંઈ વળે તેમ નહોતું. ધીરજ જે ફોટાઓને હુકમના એક્કા સમાન માનતો હતો એ જ ફોટાઓ દિલીપની દલીલ સાંભળ્યા પછી હવે તેને સાવ મામૂલી લાગતા હતા. આ ફોટાઓને અજિત મરચંટના ખૂનકેસ સાથે કશીયે નિસ્બત નહોતી. આ ફોટાઓ પરથી તો માત્ર સોમચંદનું ચારિત્ર્ય જ ઉજાગર થતું હતું. ‘મિસ્ટર દિલીપ, સોમચંદ મીનાક્ષી ટૉકીઝમાંથી એક કલાક સુધી ગુમ રહ્યો એ બાબતમાં તમે શું કહો છો... '' માલાએ પૂછ્યું.

‘બહુ મજાનો સવાલ પૂછ્યો છે તે... !' દિલીપે સિગારેટનો કસ ખેંચતાં કહ્યું, ‘સોમચંદના એક-દોઢ કલાક સુધી મીનાક્ષી ટૉકીઝમાં ગેરહાજર રહેવાથી ઘણા સવાલો ઊભા થયા છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. પોતાની કાર બગડી હોવા વિશે એણે જે ખુલાસો કર્યો છે તે સાચો છે એ પુરવાર કરવા માટે પણ એની પાસે કોઈ સાક્ષી નથી. જો તે કાર રિપેર કરાવવા માટે કોઈ ગેરેજમાં કે કારીગર પાસે ગયો હોત તોપણ એના ખુલાસાને સમર્થન મળી જાત, પરંતુ આવું તો કશુંય બન્યું જ નથી. એના કહેવા મુજબ એણે જાતે જ કાર રિપેર કરી હતી !'

‘મિસ્ટર દિલીપ... !' માલા ઉત્સાહભર્યા અવાજે બોલી, ‘શું આના પરથી જ પુરવાર નથી થતું કે જે એક-દોઢ કલાકના સમયનો સોમચંદ પાસે કોઈ સાથી કે પુરાવો નથી, એ જ એક કલાક દરમિયાન એણે અજિત મરચંટનું ખૂન કર્યું છે.. ! અને વાત સાચી જ છે..! અજિત મરચંટનું ખૂન આ સમયગાળા દરમિયાન જ થયું હતું.

‘તારી વાત પોતાના સ્થાને એકદમ સાચી છે.. !' દિલીપે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘સોમચંદનું અજિતનું ખૂન થયું એ સમયગાળા દરમિયાન ગાયબ રહેવું ઘણા સવાલો ઊભા કરે છે...! અજિત મરચંટના ખૂનમાં સોમચંદનો જ હાથ છે એ વાત પ્રત્યે આ મુદ્દાઓ સ્પષ્ટ રીતે સંકેત કરે છે. પરંતુ યાદ રાખો...! આ મુદ્દાઓ ‘સંકેત કરે છે... ! માત્ર સંકેત જ... ! એક-દોઢ કલાક પોતે ક્યાં વિતાવ્યો એનો કોઈ સાક્ષી કે પુરાવો સોમચંદ પાસે ન હોવાને કારણે માત્ર આ એક જ મુદ્દા પરથી ખાતરીપૂર્વક પુરવાર નથી થઈ જતું કે અજિત મરચંટનું ખૂન સોએ સો ટકા સોમચંદે જ કર્યું છે... ! આ મુદ્દો જ્યારે સોમચંદનો વકીલ કોર્ટમાં ઉઠાવશે ત્યારે એનો આપણી પાસે કોઈ જવાબ નહીં હોય...! આપણે ચૂપચાપ બેસીને તમાશો જોવા સિવાય બીજું કશુંય નહીં કરી શકીએ અને સોમચંદ ‘બેનિફિટ ઑફ ડાઉટ' એટલે કે શંકાનો લાભ મેળવીને તાબડતોબ માનભેર છૂટી જશે... !'

દિલીપની દલીલ સાંભળીને ત્રણેય સ્તબ્ધ બની ગયાં. કોઈ કશુંય બોલ્યું નહીં

‘મારી વાત ખોટી હોય તો કહો... !' તેમને ચૂપ જોઈને દિલીપ ફરીથી બોલ્યો.

'ના, મિસ્ટર દિલીપ... !’ માલાએ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘તમારી દલીલ એકદમ વ્યાજબી છે. માત્ર આટલા પુરાવાઓના આધારે આપણે સોમચંદને અજિત મરચંટના ખૂનકેસમાં ગુનેગાર ઠરાવી શકીએ તેમ નથી... !'

'તો શું સોમચંદે અજિત મરચંટનું ખૂન નથી કર્યું એમ તમે કહેવા માગો છો ?' ધીરજે પૂછ્યું.

'ના...'

'તો...?’

'મારા તથા માલાના કથનનો અર્થ એવો બિલકુલ નથી થતો... ! '

'તો શું થાય છે... ?'

'સાંભળ... !' દિલીપ સિગારેટની રાખ ટેબલ પર પડેલી ઍશટ્રેમાં ખંખેરતાં બોલ્યો, ‘આ પુરાવાઓને કારણે સોમચંદ પરની મારી શંકા દૂર થવાને બદલે ઊલટી વધુ મજબૂત બની છે. અજિત મરચંટના ખૂનમાં ચોક્કસ સોમચંદનો જ હાથ છે એવું મને સ્પષ્ટ રીતે લાગે છે. પરંતુ તેને પકડવા માટે આ પુરાવાઓ ઘણા કમજોર છે. આપણે હજુ આનાથી પણ વધુ મજબૂત પુરાવાઓ જોઈશે...!'

પણ મજબૂત પુરાવાઓ આપણને ક્યાંથી મળશે, દિલીપ... ?’ રજનીએ પૂછ્યું. એનો ઉત્સાહ થોડો ઢીલો પડી ગયો હતો.

'એ જ તો હવે આપણે વિચારવાનું છે... !' ચારેય મોં વકાસીને એકબીજા સામે જોવા લાગ્યાં. આ કેસ એક પછી એક અણધાર્યા વળાંક લેતો હતો. એક ભેદ ઉકેલાય ત્યાં બીજો ભેદ ઉત્પન્ન થતો હતો. ક્યારે શું થશે એની કોઈનેય ખબર નહોતી. તેઓ તપાસમાં જેમ જેમ આગળ વધતાં હતાં તેમ તેમ કેસ વધુ ને વધુ ગુંચવાતો જતો હતો. ક્યાંય કોઈ દિશા નહોતી સૂઝતી.

દિલીપ જેવા ધુરંધર જાસૂસે પણ અગાઉ કોઈ કેસમાં આટલી મૂંઝવણ કે અકળામણ નહોતી અનુભવી. પરંતુ તેમ છતાંય એ કોઈ સંજોગોમાં હિંમત હારે તેમ નહોતો.

નાગપાલની સોબતમાં રહીને કોઈ પણ પરિસ્થિતિ સામે લડી લેવાનું તે બરાબર શીખી ગયો હતો. - અને આ જ એનું સૌથી મોટું જમાપાસું હતું.

રાતના બે વાગ્યા હતા. વિશાળગઢના આલીશાન રાજમાર્ગો સૂનકાર ભાસતા હતા.

દિવસના સમયે ચિક્કાર ભીડવાળી સડકો પર અત્યારે ભાગ્યે જ કોઈક માનવીનાં દર્શન થતાં હતાં.

ક્યારેક કોઈક પોલીસ પેટ્રોલકાર જોરજોરથી સાયરન વગાડતી પસાર થઈ જતી તો ક્યારેક રાઉન્ડમાં નીકળેલ ચોકીદારનો સિસોટી વગાડવાનો અવાજ શાંત વાતાવરણમાં ગુંજી ઊઠતો હતો.

આવા નિઃસ્તબ્ધ વાતાવરણમાં એક કાર ‘ધર્મજગત' અખબારની ઑફિસ સામે પહોંચીને ઊભી રહી. ઑફિસની ઇમારત અંધકારમાં ડૂબેલી હતી. ક્યાંય કશીયે હિલચાલ કે સળવળાટ નહોતાં. ઑફિસની બધી કામગીરી ઠપ્પ હતી.

આ ઇમારતમાં અખબારનો સંપાદકીય વિભાગ હતો જ્યારે પ્રેસ અહીંથી અડધો કિલોમીટર દૂર હતું. ઑફિસ રાતના બાર વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી અને આ દરમિયાન અખબારનાં બધાં પેજના લે-આઉટ બનીને છાપવા માટે પ્રેસમાં ચાલ્યાં જતાં હતાં.

ત્યાર બાદ ઑફિસમાં કોઈ કામ બાકી નહોતું રહેતું. બાર વાગ્યે ઑફિસને તાળું લાગી જતું તે સવારે દસ વાગ્યે ઊઘડતું હતું. અખબારની બાઉન્ડરીની લગોલગ પહોંચીને ઊભી રહેલી કાર કાળા કલરની એસ્ટીમ કાર હતી. કારમાં અત્યારે દિલીપ, રજની, માલા અને ધીરજ મોજૂદ હતાં. ‘દિલીપ... ! અહીંથી આપણને સોમચંદ વિરુદ્ધ કોઈ પુરાવાઓ મળશે એવું તને લાગે છે ખરું...?' ધીરજે એકદમ ધીમા અવાજે પૂછ્યું.

'મળવા તો જોઈએ... !' દિલીપે પણ એવા જ અવાજે જવાબ આપ્યો.

અંદર દાખલ થતાં પહેલાં અહીં કોઈ ચોકીદાર છે કે નહીં એની તપાસ કરી લઈએ...!' માલા ધીમેથી ગણગણી. બધાની નજર ઇમારતના મુખ્ય દરવાજા તરફ સ્થિર થઈ ગઈ. પરંતુ ત્યાં તેમને કોઈ જ ન દેખાયું.

ચારે તરફ ગહન સન્નાટો છવાયેલો હતો.

‘કમાલ કહેવાય... !' રજની આશ્ચર્યથી બબડી, અહીં કોઇ સિક્યોરિટી ગાર્ડ પણ નથી... !

‘આમાં નવાઈ પામવા જેવું કશુંય નથી... !' દિલીપ બોલ્યો, આ કોઈ સોના-ચાંદીનો શોરૂમ કે મોટું શોપિંગ કોમ્પ્લેક્ષ નથી કે જેને કારણે ચોકીદારની જરૂર પડે... ! આ એક અખબારની ઑફિસ છે... અહીં ચોરી કરવા આવનારને ફોગટનો જ ફેરો થાય... ! અહીંથી તેમને કાગળિયાં સિવાય કશુંય ન મળે... !' રજનીએ ધીમેથી માથું હલાવ્યું.

એ જ વખતે જોરજોરથી સાયરન વગાડતી એક પોલીસ પેટ્રોલકાર પસાર થઈ ગઈ. પરંતુ કોઈનુંય ધ્યાન એસ્ટીમ તરફ ન ગયું. ત્યાં આ રીતે સડકને કિનારે કાર ઊભી રહેવી સાધારણ વાત હતી.

દિલીપે કારની હેડલાઇટ બુઝાવી નાખી હોવાને કારણે અંદર કોઈ હાજર છે કે નહીં એનું અનુમાન કરવું પણ મુશ્કેલ હતું. કાળી કાર જાણે અંધકારનો જ એક ભાગ બનીને ઊભી હતી.

‘તમે ત્રણેય કારમાં જ બેસો...!' દિલીપ બોલ્યો, સૌથી પહેલાં હું મુખ્ય ફાટકનું તાળું ઉઘાડું છું. હું સંકેત કરું એટલે તમે પણ આવી જજો... ! આપણે ચારેય એક સાથે જઈશું ને એ જ સમયે કોઈક અહીંથી નીકળશે તો નાહક જ તેને આપણી ઉપર શંકા ઊપજશે !'

‘ઓ.કે... તને યોગ્ય લાગે તેમ કર... !'

દિલીપ કારમાંથી નીચે ઊતરીને ઑફિસના મુખ્ય ફાટક તરફ આગળ વધ્યો.

વચ્ચે સ્ટેજ અટકીને એણે ચારે તરફ સાવચેતીભરી નજર દોડાવી. ક્યાંય કોઈ જ નહોતું દેખાતું.

ચોમેર સન્નાટો છવાયેલો હતો.

સડક દૂર દૂર સુધી ઉજ્જડ હતી. દિલીપ મુખ્ય ફાટક પાસે પહોંચ્યો. ફાટક પર મોટું તાળું લટકતું‌ હતું.

બધું ઝપાટાબંધ કરવું પડશે..!' એ સ્વગત બબડ્યો.

ત્યાર બાદ એણે ગજવામાંથી‘માસ્ટર કી'નો ઝૂડો કાઢ્યો જેમાં જુદી જુદી જાતની નાની-મોટી પંદર-વીસ જેટલી ચાવીઓ હતી. એણે તાળાના કી-હૉલનું નિરીક્ષણ કર્યા બાદ ઝૂડામાંથી એક ચાવી પસંદ કરી, તાળાના છેદમાં ભરાવીને તેને ફેરવી.પરંતુ એ ચાવી લાગુ ન પડી.

એણે બીજી ચાવી ટ્રાય કરી જોઈ પણ વ્યર્થ.

ત્રીજા પ્રયાસમાં ખટાક્' અવાજ સાથે તાળું ઊઘડી ગયું.

એના ચહેરા પર હર્ષની રેખાઓ ફરી વળી. ત્યાર બાદ એણે કાર તરફ હાથ લંબાવીને સંકેત કરતાં જ રજની, માલા અને ધીરજ પણ ત્યાં આવી પહોંચ્યાં.

દિલીપ ફાટક ઉંઘાડીને અંદર દાખલ થઈ ગયો. બાકીનાં ત્રણેયે પણ એનું અનુકરણ કર્યું.

ફાટક વટાવતાં નાનકડું કંપાઉન્ડ હતું જ્યાં રદ્દી કાગળનાં મોટાં મોટાં બંડલો તથા ઑફસેટ મશીનોના નકામા સ્પેરપાર્ટ્સ પડ્યા હતા.

કંપાઉન્ડને છેડે ઉપરના ભાગમાં લઈ જતી સીડી હતી. ચારેય સીડી ચડીને પહેલાં માળ પર પહોંચ્યાં. સંપાદકીય વિભાગ આ જ માળ પર હતો. તેમણે જોયું તો ઑફિસના દરવાજા પર પણ તાળું મારેલું હતું.

'આ તો અહીં પણ તાળું છે !' માલા બોલી.

'વાંધો નહીં... એ પણ હમણાં જ ખુલી જશે... !' દિલીપે માસ્ટર કીની મદદથી એ તાળું પણ ઉઘાડી નાખ્યું. ચારેય અંદર પ્રવેશ્યાં.

સામે જ એક વિશાળ હૉલમાં પંદર-વીસ જેટલાં ટેબલો હતાં જેના ૫૨ કાગળો પડ્યા હતા. કચરાટોપલીઓ પણ કાગળના ડૂચાઓથી ભરેલી હતી. અમુક ટેબલો પર કૉમ્પ્યૂટર દેખાતાં હતાં. એક ખૂણામાં બે ટેલિપ્રિન્ટર પણ હતાં. દિવસના સમયે આ જ હૉલમાં ધમાલભર્યું વાતાવરણ રહેતું હતું.

કર્મચારીઓ આમથી તેમ દોડાદોડી કરતા રહેતા હતા.

પરંતુ અત્યારે ત્યાં શાંતિ છવાયેલી હતી. વિશાળગઢ શહેરની સાથે સાથે જાણે કે સમાચારોની દુનિયા પણ ગાઢ નિદ્રામાં ડૂબી ગઈ હતી.

‘દિલીપ... !' રજની ધીમેથી બોલી, 'હું માનું છું ત્યાં સુધી આપણને સોમચંદની વિરુદ્ધ કોઈક પુરાવાઓ તેની ચેમ્બરમાંથી જ મળશે. અહીં તપાસમાં સમય બગાડવા જેવું થશે !'

દિલીપે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

હૉલ વટાવીને ચારેય સીધાં સોમચંદની ચેમ્બરમાં ઘૂસી ગયાં. વળતી જ પળે તેઓ જાણે ટાંકણી શોધવી હોય એ રીતે ત્યાંની તલાશી લેવા લાગ્યાં.

જે વસ્તુ જ્યાંથી ઊંચકો ત્યાં જ પાછી મૂકજો ... !' દિલીપ પુસ્તકોના એક રેંક પર નજર દોડાવતાં બોલ્યો, કોઈ વસ્તુ આડી- અવળી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો... !'

‘આ બાબતમાં તમે બિલકુલ બેફિકર રહેજો, મિસ્ટર દિલીપ... ! એવું કશુંય નહીં થાય... !' માલાએ કહ્યું. તે પણ તલાશીના કામમાં પૂરેપૂરો સહકાર આપતી હતી.

સોમચંદની ચેમ્બર બહુ મોટી નહોતી. માંડ દોઢસો ફૂટ જેટલી હતી. ત્યાં લાકડાનો એક નાનકડો કબાટ પણ હતો.

માલાએ એ કબાટ પણ ઉધાડી જોયો. એમાં પણ ઢગલાબંધ પુસ્તકો પડ્યાં હતાં. માલા એ પુસ્તકોને આમતેમ ખસેડીને જોવા લાગી,

રજની અને ધીરજ પણ બારીકાઈથી એક એક વસ્તુની તલાશી લેતાં હતાં.

દિલીપ અત્યારે રેકમાં પડેલી ફાઈલો ઉથલાવતો હતો. તે એક પછી એક ફાઈલ ઝપાટાબંધ ઉથલાવીને યથાસ્થાને ગોઠવી દેતો હતો.

ફાઈલોમાં અખબારને લગતા કાગળ-પત્રો સિવાય બીજું કંઈ નહોતું.

‘કોઈને કંઈ મળ્યું...?' તલાશી લેતાં લેતાં જ ધીરજે પૂછ્યું,

'ના.'

‘આપણે પુરાવાઓ શોધવા માટે નાહક જ આપણી સમય બગાડીએ છીએ એવું મને લાગે છે !' ધીરજના અવાજમાં આ વખતે કંટાળાનો સૂર હતો.

'કેમ?'

આ સમયની બરબાદી નથી તો બીજું શું છે ? પુરાવાઓ મેળવવાનો એક સીધો ને સટ ઉપાય મને સૂઝે છે.. !'

‘કેવો ઉપાય... ?'

‘ધોબીપછાડ... !'

‘ધોબીપછાડ...?’

‘હા....

'એ વળી શું... ?’

'સોમચંદને પકડીને થોડો મેથીપાક જમાડી દઈએ...! એ આપોઆપ જ સામેથી પુરાવાઓ કાઢી આપશે ! લાતનાં ભૂત ક્યારેય વાતથી નથી માનતાં... ! સોમચંદ પણ મને લાતનો જ ભૂત હોય એવું લાગે છે... ! મેથીપાક જમાડ્યા વગર એની અક્કલ ઠેકાણે નહીં જ આવે... '

'રહેવા દે... રહેવા દે.. ! તારો ઉપાય તારી પાસે જ રાખ અને ચૂપચાપ તારું કામ કર... !' દિલીપ મોં મચકોડતાં બોલ્યો. ધીરજ ચૂપ થઈ ગયો.

એ જ વખતે માલા જે કબાટની તલાશી લેતી હતી એનું નીચેનું ખાનું એણે ઉઘાડ્યું.

ખાનું ઊઘડતાં જ તે એકદમ ચમકી ગઈ. એણે જોયું તો તેમાં એક રિવૉલ્વર પડી હતી.

‘મિસ્ટર દિલીપ, જરા અહીં આવો તો...!' એણે તીવ્ર અવાજે કહ્યું . દિલીપની સાથે સાથે રજની અને ધીરજ પણ સ્ફૂર્તિથી એની પાસે પહોંચી ગયાં. પછી રિવૉલ્વર જોઈને તેઓ પણ ચમક્યાં.

‘આ કોની રિવૉલ્વર છે... ?' ધીરજ આશ્ચર્યથી બોલી ઊઠ્યો.

આ રિવૉલ્વર સોમચંદના ખાનામાં પડી છે એટલે તેની પોતાની જ હોવી જોઈએ...!' રજનીએ પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં કહ્યું. ધીરજ ધીમેથી માથું હલાવી રહી ગયો.

જ્યારે દિલીપ એકીટશે રિવૉલ્વર સામે તાકી રહ્યો હતો. ‘માલા, તેં આ રિવૉલ્વરને હાથ તો નથી લગાવ્યો ને ?’

એણે પૂછ્યું.

‘ના...' માલાએ નકારમાં માથું હલાવ્યું, ‘રિવૉલ્વર જોતાં જ મેં તમને બોલાવી લીધા હતા... !'

‘વેરી ગુડ... !'

દિલીપે ગજવામાંથી રૂમાલ કાઢીને તેની મદદથી રિવૉલ્વર ઊંચકી તે બત્રીસ કેલિબરની કોલ્ટ રિવૉલ્વર હતી.

‘મિસ્ટર દિલીપ... !' રિવૉલ્વર બનાવટ પારખીને માલા લીધી.

ઉત્સાહભેર બોલી ઊઠી, ‘તમને યાદ હોય તો અજય પણ બત્રીસ કેલિબરની કોલ્ટ રિવોલ્વર વડે જ ખૂન કરતો હતો.. !'

‘એટલે... ?’ દિલીપે મૂંઝવણભરી નજરે એની સામે જોતાં પૂછ્યું, 'તું કહેવા શું માગે છે...?'

‘હું માત્ર એટલું જ કહેવા માગું છું કે...' માલા એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે બોલી, ચોક્કસ આ જ રિવૉલ્વર વડે અજિત મરચંટનું ખૂન કરવામાં આવ્યું છે. આ રિવૉલ્વરના રૂપમાં આપણને સોમચંદ વિરુદ્ધ એક મજબૂત પુરાવો મળી ગયો છે... !' દિલીપની આંખોમાં પણ ઉત્સાહભરી ચમક ફરી વળી હતી.

‘તું સાચું કહે છે, માલા... !' એ ગંભીર અવાજે બોલ્યો, ‘જો ખરેખર અજિત મરચંટના ખૂનમાં આ જ રિવૉલ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો આપણને સોમચંદ વિરુદ્ધ એક જડબેસલાક પુરાવો મળી ગયો છે !'

વાત પૂરી કર્યા બાદ એણે રૂમાલ સહિત રિવૉલ્વરને કોટના ગજવામાં મૂકી દીધી.

ત્યાર બાદ તેમણે બારીકાઈથી ચેમ્બરની તલાશી લીધી. પરંતુ તેમને રિવૉલ્વર સિવાય ખાસ કોઈ અગત્યની વસ્તુ ન મળી. છેવટે તેઓ આવ્યાં હતાં એ જ રીતે ચૂપચાપ ત્યાંથી વિદાય થઈ ગયાં.

જતી વખતે ઑફિસ તથા ફાટકને ફરીથી તાળાં મારવાનું તેઓ નહોતાં ભૂલ્યાં.

***************