ધૂપ-છાઁવ - 110 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 110

લગ્નની તારીખ વિશે ચર્ચા પૂર્ણ થયા બાદ કૃષ્ણકાંતજી પોતાના ઘરે જવા માટે નીકળ્યા અને ધીમંત શેઠ પણ લક્ષ્મીને અને અપેક્ષાને તેમના ઘરે મૂકવા જવા માટે ઉભા થયા. લક્ષ્મીએ ના જ પાડી પરંતુ ધીમંત શેઠ જીદ કરીને તે બંનેને મૂકવા માટે ગયા.
રસ્તામાં ધીમંત શેઠની ગાડીમાં ફરીથી લગ્નની તારીખ બાબતે ચર્ચા ચાલી એટલે લક્ષ્મીએ હું આવતીકાલે સવારે તમને ફાઈનલ તારીખ આપણે કઈ રાખવી છે તે જણાવી દઉં..તેમ કહ્યું.
થોડીક જ વારમાં લક્ષ્મીબાનું ઘર આવી ગયું એટલે લક્ષ્મીબા નીચે ઉતરીને પોતાના ઘર તરફ રવાના થયા અને અપેક્ષા ધીમંત શેઠને બાય કહેવા માટે ઉભી રહી ધીમંત શેઠે પણ અપેક્ષા સાથે વાત કરવાના ઈરાદાથી પોતાની બારીનો કાચ નીચે ઉતાર્યો અને અપેક્ષાને સ્પર્શ કરવાના ઈરાદાથી તેમણે પોતાનો હાથ લંબાવ્યો અપેક્ષાએ પહેલી જ વાર ધીમંત શેઠના હાથ ઉપર પોતાના પરવાળા જેવા સુંદર હોઠવડે એક માદક મીઠું મધુરું ચુંબન કર્યું અને ખુલ્લા દિલે પહેલી જ વાર પોતાના પ્રેમનો એકરાર કર્યો અને તે બોલી કે, "આઈ લવ યુ.."
ધીમંત શેઠે પણ અપેક્ષાનો નાજુક હાથ પોતાના હાથમાં લીધો અને પ્રેમથી ચૂમી લીધો અને તેમણે પણ અપેક્ષાને, "આઈ લવ યુ સો મચ.." કહ્યું. બંને થોડી ક્ષણો માટે જાણે દુન્યવી ભાન ભૂલીને એકબીજાનામાં ખોવાઈ ગયા અને આંખો દ્વારા જાણે એકબીજાની અંદર ઉતરી ગયા તેમજ આંખોમાં આંખો પરોવીને પોતાના પ્રેમનો અહેસાસ અને એકરાર કરતા રહ્યા.
ધીમંત શેઠને લાગી રહ્યું હતું કે પોતે સ્વર્ગમાં છે અને સ્વર્ગની અપ્સરા સાથે પ્રેમલીલા કરી રહ્યા છે આજે ઘણાં બધાં સમય પછી તેમને સાચો આનંદ અને સુખની અનુભૂતિ થઈ હતી. તે ખૂબજ ખુશ હતાં. બંને માટે જાણે સમય સ્થિર થઈ ગયો હતો.
બંને પ્રેમથી છૂટા પડ્યા. અપેક્ષા ખુશ થતી થતી પોતાના ઘરમાં પ્રવેશી અને ધીમંત શેઠે પોતાની કારને પોતાના ઘર તરફ હંકારી મૂકી.
અપેક્ષા હાથ મોં ધોઈને નાઈટડ્રેસમાં આવી ગઈ અને પાણી પીવા માટે ડ્રોઈંગ રૂમમાં આવી અને જોયું તો મા હજુ સોફા ઉપર જ બેઠેલી હતી માને આમ બેઠેલી જોઈને તે પણ માની બાજુમાં ગોઠવાઈ ગઈ અને માને પૂછવા લાગી કે, "શું વિચારે છે મા? મારા લગ્ન વિશે જ કંઈક વિચારી રહી છે ને?"
લક્ષ્મીએ એકદમ શાંતિથી જવાબ આપ્યો, "હા બેટા, જિંદગી પણ કેવી છે નહીં? મને તારા ભવિષ્યની ખૂબજ ચિંતા હતી કે વાત ન પૂછો અને ભગવાને મારી ઝોળીમાં તારું સુખ કેવું નાંખી દીધું બેટા આ દરરોજ હું તેની પૂજા કરું છું તેનું જ પરિણામ છે તેણે મારી પ્રાર્થના સાંભળી લીધી છે હવે મને કોઈ જ ચિંતા રહી નથી હવે કદાચ મને મોત આવે તો પણ વાંધો નથી."
અને અપેક્ષાએ પોતાની માના હોઠ ઉપર પોતાનો હાથ મૂકી દીધો અને તે બોલવા લાગી કે, "શું મા તું પણ કંઈ પણ વિચાર્યા વગર બોલ્યા કરે છે. હજી તો તારે ઘણું બધું જીવવાનું છે ભાઈના પેલા નાના ટેણિયા ઋષિને પણ તારે જ પરણાવવાનો છે" અને તેણે પોતાની માના ખભા ઉપર પોતાનું માથું ઢાળી દીધું અને તેની આંખમાં પાણી આવી ગયું.
લક્ષ્મી પોતાની દીકરીના ગાલ ઉપર પંપાળવા લાગી.. અપેક્ષાના ગરમ આશ્રુએ તેના હાથનો સ્પર્શ કર્યો અને તેણે પોતાના બંને હાથ વડે અપેક્ષાનો નાજુક ચહેરો પકડી લીધો અને તે પોતાની દીકરીની સામે જોઈને તેને પૂછવા લાગી કે, "કેમ બેટા રડે છે તું ખુશ નથી આ લગ્નથી?" અને અપેક્ષા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. લક્ષ્મીની આંખો પણ ભરાઇ આવી.
"બસ મા હવે ખુશીથી પણ ડર લાગે છે?" અપેક્ષા એટલું જ બોલી શકી તેના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો પરંતુ તે લક્ષ્મીની આગળ વધુ રડવા નહોતી માંગતી તેથી ઉભી થઈ અને પોતાના બંને હાથ વડે પોતાનું મોં લૂછ્યું અને પોતાના રૂમમાં ચાલી ગઈ.

મોં ધોઈને ફ્રેશ થઈ અને પોતાના બેડમાં આડી પડી ગઈ અને વિચારવા લાગી કે, ભાઈ અને ભાભી મારા લગ્નમાં આવશે કે નહીં આવે? મારા લગ્ન નિર્વિધ્ને પરીપૂર્ણ તો થશે ને? ખરેખર ધીમંત શેઠ મને ખૂબજ લવ કરે છે? હું તેમને પ્રેમ તો આપી શકીશ ને તેમને સુખી તો કરી શકીશ ને? હવે પછીનું મારું જીવન સુંદર તો જશે ને...?? ધીમંત શેઠ મારાથી દશ વર્ષ મોટા છે તો મારાથી દશ વર્ષ મોટી વ્યક્તિ સાથે હું લગ્ન કેમ કરી રહી છું અને હું હજી તો એકદમ યંગ અને બ્યુટીફુલ છું અને તે આ ઉંમર વટાવી ચૂક્યા છે તો મને કોઈ રોકટોક તો નહીં કરે ને? મારી લાઈફ મને મારી રીતે જીવવા તો દેશે ને? ઑહ નો કંઈજ સમજમાં નથી આવતું મારું તકદીર મને જે બાજુ ખેંચી રહ્યું છે તે બાજુ હું તેની પાછળ પાછળ ખેંચાઈ રહી છું? આ બધા સવાલો મારે કોને પૂછવા? અને અવઢવમાં પડેલી અપેક્ષાને ક્યારે નીંદર આવી ગઈ તેની તેને પણ ખબર ન પડી...

આ બાજુ ધીમંત શેઠની દશા પણ કંઈક આવી જ હતી આજે નીંદર રાણી તેમનાથી રિસાઈ ગયા હતા. તે પણ અસંખ્ય વિચારોમાં ગૂમ થઈ ગયા હતા અને વિચારી રહ્યા હતા કે, હું ખૂબજ નશીબદાર છું કે મને અપેક્ષા જેવી નાદાન, ભોળી, નિખાલસ મારો બિઝનેસ સંભાળી લે તેવી અને ખૂબજ રૂપાળી છોકરી પત્ની તરીકે મળી રહી છે. ઈશ્વરનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. મારા જીવનમાં આવી નિખાલસ અને આટલી સુંદર કોઈ વ્યક્તિ આવશે તેવી તો મેં કલ્પના પણ નહોતી કરી. હું તેને ખૂબજ પ્રેમ આપીશ અને તેના ચરણોમાં દુનિયાનું તમામ સુખ સમર્પિત કરી દઈશ. તે માંગે તે પહેલા તે વસ્તુ હું તેની સામે હાજર કરી દઈશ..હું હંમેશા તેને ખુશ જ રાખવાની કોશિશ કરીશ... આઈ લવ યુ અપેક્ષા આઈ લવ યુ..અને મનમાં એ વિચાર સાથે તેમણે પોતાની પાસે રહેલા પીલોને પોતાની બાથમાં ભીડી દીધું જાણે તે અપેક્ષાને પોતાની બાથમાં ભીડી રહ્યા હોય તેમ અને કોઈ સુમધુર સ્વપ્નની દુનિયામાં ખોવાઈ ગયા.

શું અપેક્ષાના મનમાં ચાલી રહેલા આ બધા અઢળક સત્ય સવાલોનો જવાબ તેને મળશે? અને મળશે તો કોની પાસેથી મળશે? અને હવે કઈ તારીખે અપેક્ષા અને ધીમંત શેઠ લગ્નના સુમધુર બંધનમાં બંધાય છે?
જોઈએ આગળના શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
25/8/23