Dhup-Chhanv - 5 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 5

અપેક્ષાના સવાલોએ લક્ષ્મી ભૂતકાળ માં ધકેલી દીધી હતી. હવે ઉંમરની સાથે સાથે લક્ષ્મીનું હ્રદય પણ નબળું પડી ગયું હતું. લક્ષ્મીને શું જવાબ આપવો તે કંઈ સમજાયું નહીં. પણ અપેક્ષાને જણાવ્યા વગર છૂટકો ન હતો. લક્ષ્મીને જાણે ડૂમો ભરાઈ ગયો. કંઇક કહેવા માંગતી હોય અને ન કહી શકતી હોય તેવું અપેક્ષાને લાગ્યું તેણે ભારપૂર્વક લક્ષ્મીને પૂછ્યું કે, " શું થયું છે મા, કંઇક કહું તો ખબર પડે. " અને લક્ષ્મીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.

રડતાં રડતાં લક્ષ્મી બોલતી હતી કે, " તારા પપ્પા, તારા પપ્પા... "
અપેક્ષા: શું થયું મારા પપ્પાને...??
લક્ષ્મી: તારા પપ્પા અહીં આવ્યા છે અમદાવાદમાં અને આપણને મળવા માંગે છે.

અપેક્ષા લક્ષ્મીની આ વાત સાંભળીને જાણે ડઘાઈ જ ગઈ હતી. અપેક્ષા સફાળી બેઠી થઈ ગઈ અને બોલી ઉઠી કારણ કે આટલા વર્ષૉમાં ક્યારેય પપ્પા આવવાના છે... એ વાત અપેક્ષાએ સાંભળી ન હતી અને આટલા વર્ષો પછી પપ્પા આવવાના છે તે વાત સાંભળીને જ અપેક્ષાનું મગજ જાણે કામ કરતું બંધ થઈ ગયું હતું. તેને શૉક લાગ્યો હોય તેવો ઝટકો લાગ્યો. માને શું જવાબ આપવો તેની સમજણ પડી જ નહીં. પણ જવાબ આપ્યા વગર છૂટકો પણ નહોતો.અપેક્ષાએ લક્ષ્મી ને પૂછ્યું," મમ્મી તારો શું વિચાર છે ? મારી તો જરા પણ ઈચ્છા નથી પણ પછી તારી ઈચ્છા હોય તો તું જાણે. હવે આટલા વર્ષે પપ્પાને આપણી યાદ આવી અત્યાર સુધી ક્યાં હતા...?? અને તને કોણે સમાચાર આપ્યા..?? "

લક્ષ્મીનું મન વિચલિત થઈ ગયું હતું. અપેક્ષાને શું જવાબ આપવો કંઈજ સમજાતું ન હતું. અપેક્ષા એ જાણે તેને ઉંઘમાંથી ઉઠાડી તેમ ઢંઢોળી અને બોલી," મમ્મી તારી શું ઇચ્છા છે હું તને પૂછું છું...?? "

લક્ષ્મી: તું જેમ કહે તેમ હું કરવા માંગુ છું. તું જ કહે શું કરવું જોઈએ આપણે બેટા.

અપેક્ષા: તને જે ગમે તે કરી શકે છે મમ્મી. અત્યાર સુધી તો અમારા માટે જીવી છે. હવે તું એકલી જ રહે છે.અમે અમારું ફોડી લઈએ છીએ. હવે બાકીની તારી જિંદગી છે તું તારી રીતે અને તારા માટે પણ જીવી શકે છે તારી જેમ ઈચ્છા હોય તેમ તું કરી શકે છે મમ્મી.

અને અપેક્ષાનો આ જવાબ સાંભળીને લક્ષ્મીના મનને ટાઢક વળી, તેણે હાશ અનુભવી. અને તેની આંખનો ખૂણો ભીનો થઈ ગયો.

અપેક્ષા પોતાની માની પરિસ્થિતિ સમજતી હતી.

વિજય શહેરની ફાઈવસ્ટાર હૉટેલમાં રોકાયો હતો. આ શતરંજની બાજી જેવી જિંદગીમાં જુદા જુદા પાસા ફેંકી ફેંકીને વિજય હવે થાકી ગયો હતો હવે તેને કિંગ પણ નહતું બનવું કે કોઈ બાજી પણ જીતવી ન હતી.

જિંદગીના અઢી દાયકા તેણે પણ ખૂબ સ્ટ્રગલ વેઠી હતી. આટલા મોટા માણસ બનવા માટે તેણે પોતાની અને સાથે બીજી ત્રણ જિંદગી હોમી દીધી હતી લક્ષ્મીની અને પોતાના બે દેવરૂપ જેવા માસૂમ બાળકોની. પણ હવે તેને ચાન્સ મળ્યો છે તો તે બગડેલી શતરંજી બાજી સુધારવા માંગતો હતો.

પોતે તો ઘણાં વર્ષો પહેલાં જ અભયશેઠની કંપની છોડી અહીં ઈન્ડિયા પોતાની પત્ની લક્ષ્મી અને બાળકો પાસે આવી જવા માંગતો હતો પણ અભયશેઠે પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં પોતાની દીકરી નિલીમાનો હાથ વિજયના હાથમાં સોંપી જીવનભર તેની કાળજી રાખવાનું વચન લઇ દેહત્યાગ કર્યો હતો.

અભયશેઠ એક ખ્યાતનામ વ્યક્તિત્વ, એક હોનહાર બિઝનેસ મેન, ન્યૂયોર્કના ટોપ બિઝનેસ મેનોની યાદીમાં તેમનું પણ નામ સામેલ હતું. કરોડપતિ અભયશેઠે વિજયને પોતાના દિકરા કરતાં વિશેષ સાચવ્યો હતો અને દિકરા કરતાં વધારે વિશ્વાસ મૂકીને સમગ્ર બિઝનેસનો વહીવટ વિજયના નેક હાથમાં સોંપીને તેમણે પોતાનો છેલ્લો દમ તોડયો હતો અને હરિ શરણું સ્વિકાર્યું હતું.

વિજય મહેતા કઈરીતે ન્યૂયોર્ક પહોંચ્યો અને કઈરીતે પોતાની સ્ટ્રગલ વાળી જિંદગી પસાર કરી, નિલીમા સાથે લગ્ન કર્યા કે નહિ જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....
~જસ્મીન

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED