Dhup-Chhanv - 4 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 4

" ધૂપ-છાઁવ " પ્રકરણ-4

લક્ષ્મી શામળાની પોળમાં જ એક ઓરડીમાં ભાડે રહેવા લાગી અને આજુબાજુ વાળાના ઘરકામ કરી પોતાનું અને પોતાના બે છોકરાઓનું ગુજરાન ચલાવતી, કેટલીયે વાર લક્ષ્મી ભૂખ્યા પેટે સૂઇ જતી. માસૂમ ફૂલ જેવા બાળકોને કોળિયા ભરાવતાં ભરાવતાં કેટલીયે વાર લક્ષ્મીની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વર્ષી જતાં. નાના બાળકોના માસૂમ સવાલ, " મમ્મી, તું કેમ રડે છે..? " નો લક્ષ્મી પાસે કોઈ જવાબ ન હતો. આવા ગોઝારા કેટલાય દિવસો લક્ષ્મીએ ભર જુવાનીની સાક્ષીએ વિતાવ્યા હતા.


કેટલીએ વાર વિજયના મિત્રોને તે પૂછ્યા કરતી હતી કે વિજયના કોઈ સમાચાર મળે છે કે નહિ પણ હંમેશાં તેને નિરાશા જ મળતી....અને હવે આટલા વર્ષે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું અને વિજયના સમાચાર આવ્યા છે...એ વિચારે જ જાણે સમય સ્થિર થઈ ગયો હતો, હ્રદયે ધબકવાનું બંધ કરી દીધું હતું અને આ વાતની જાણ અપેક્ષાને થતાં તેના શું પ્રત્યાઘાત હશે...?? આ વાતની જાણ અપેક્ષાને કરું કે ન કરું....?? લક્ષ્મી અસમંજસમાં પડી ગઈ હતી...!!


લક્ષ્મીએ કદી પોતાનો વિચાર જ નહોતો કર્યો, બાળકો માટે જ તે જીવતી હતી, પોતાની શું ઈચ્છા છે અથવા પોતાને શું જોઈએ છે કે શું ગમે છે તેવું વિચારવાનો કદી તેને સમય જ મળ્યો ન હતો. અને હવે જ્યારે દુનિયાની દરેક મુશ્કેલીનો સામનો કરીને તે એકલી જીવન જીવવા માટે ટેવાઈ ગઈ હતી ત્યારે અચાનક વિજયના સમાચાર તેને તેના ખાસ મિત્ર આલોકે આપ્યા અને જણાવ્યું કે વિજય પૈસેટકે ખૂબજ સુખી છે. પચ્ચીસ લાખની તો એલેન્ટ્રા ગાડી લઈને આવ્યો છે. તમને બધાને ખૂબજ યાદ કરે છે, મળવા માંગે છે અને પાછળના થોડાક વર્ષો તે તમારી સાથે જીવવા માંગે છે.

લક્ષ્મીના કોમળ હાથ અપેક્ષાના વાળમાં ફરી રહ્યા હતા અને મન ક્યાંક બીજે ભટકતું હતું, આટલા વર્ષો પછી વિજયના સમાચારે, શાંત પાણીમાં પથ્થર મારીએ અને જે તરંગો ઉત્પન્ન થાય તેમ તેના શાંત જીવનમાં તરંગો ઉત્પન્ન થયા હતા અને ખળભળાટ મચાવી દીધો હતો.

વિજયને મળી ન હતી તો મનોમન વિચારી રહી હતી કે, વિજય કેમ હશે...?? કેવી તબિયત હશે તેની...?? કેવો લાગતો હશે...?? આટલા વર્ષો ક્યાં રહ્યો હશે...?? એકલો- અટુલો કેવી રીતે જિંદગી જીવ્યો હશે...?? અમારી કદી તેને યાદ શુધ્ધા નહિ આવી હોય...?? કે પછી તેણે બીજા લગ્ન કરી લીધા હશે...?? અને આ વિચારે જ તેની આંખમાંથી અશ્રુ સરી પડ્યા, અપેક્ષાના કપાળ ઉપર અશ્રુ પડતાં જ અપેક્ષા સફાળી બેઠી થઈ ગઈ અને બોલી ઉઠી, " મા, શું થયું, કેમ અત્યારે સવાર સવારમાં તારી આંખમાં આંસુ... રાત્રે કોઈ ખરાબ સ્વપ્ન જોયું છે કે શું...??

લક્ષ્મી: ના ના, એવું કંઇ નથી બેટા.
અપેક્ષા: તો શું થયું મા...?? કોઈ કંઇ બોલી ગયું...કે પછી કોઈ ખરાબ સમાચાર છે...?? કે પછી ભાઈની યાદ આવી ગઈ...??

પતિ છોડીને ચાલ્યો ગયો પછી સુંદર, માસુમ બે બાળકોની સામે જોઈને લક્ષ્મી પોતાના દુઃખદાયી દિવસો પસાર કરી રહી હતી અને અક્ષત પોતાને ગમતી વૈભવી નામની છોકરી સાથે લગ્ન કરીને યુ.એસ.એ. ચાલ્યો ગયો હતો એટલે લક્ષ્મીની તો ઘડપણની લાકડી પણ તેના હાથમાંથી છીનવાઈ ગઈ હતી. હવે માત્ર અપેક્ષા જ તેના જીવનનો સહારો હતી.

અપેક્ષાના સવાલોએ તેને ભૂતકાળમાં ધકેલી દીધી હતી. હવે ઉંમરની સાથે સાથે લક્ષ્મીનું હ્રદય પણ નબળું પડી ગયું હતું. લક્ષ્મીને શું જવાબ આપવો તે કંઈ સમજાયું નહીં. પણ અપેક્ષાને જણાવ્યા વગર છૂટકો ન હતો. લક્ષ્મીને જાણે ડૂમો ભરાઈ ગયો. કંઇક કહેવા માંગતી હોય અને ન કહી શકતી હોય તેવું અપેક્ષાને લાગ્યું તેણે ભારપૂર્વક લક્ષ્મીને પૂછ્યું કે, " શું થયું છે મા, કંઇક કહું તો ખબર પડે. " અને લક્ષ્મીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.

રડતાં રડતાં લક્ષ્મી બોલતી હતી કે, " તારા પપ્પા, તારા પપ્પા... "
અપેક્ષા: શું થયું મારા પપ્પાને...??
લક્ષ્મી: તારા પપ્પા અહીં આવ્યા છે અમદાવાદમાં અને આપણને મળવા માંગે છે....

અપેક્ષાના શું પ્રત્યાઘાત છે, વાંચો આગળના પ્રકરણમાં.....

~જસ્મીન


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED