જનકરાજા વિદેહી પુરુષ કહેવાતા હતા. રાજપાટ-રાણીઓ, વૈભવ હોવા છતાં દેહાતીત દશામાં વર્તતા હતા. કારણ કે, તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમને જે જ્ઞાની પુરુષ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું, તે જ્ઞાની પુરુષના પુત્ર તપસ્વીમુનિ હતા. ખૂબ તપ-ધ્યાન કરે. પિતાજી મહાન જ્ઞાની છે, છતાં પોતે તપસ્યા કર્યા કરે. તેમાં તપસ્યાથી અહંકાર આવી ગયો કે, હું કંઈક છું. પિતા-પુત્ર વાતચીત થાય ત્યારે, પુત્ર જ્ઞાની પિતાને કહે, આપની પાસે એ આત્મજ્ઞાન છે તો મને આપો. પણ, પેલો તપસ્યાનો અહંકાર રાખી આત્મજ્ઞાન મેળવવા જતા અહંકાર નડતો હતો. તેથી પિતાએ પુત્રને કહ્યું, ‘હે બેટા, તારે કંઈક આત્મજ્ઞાનનો ઉપદેશ જોઈતો હોય તો જનકરાજાને ત્યાં જા ! તે મુનિશ્રી તો જનકરાજાને ત્યાં ગયા. જંગલમાં આશ્રમ હતો, ત્યાંથી ચાલતા ચાલતા રાજાના મહેલ સુધી પહોંચ્યા. જ્ઞાની ગુરુદેવે જનકરાજાને તપસ્વીપુત્ર જ્ઞાન ઉપદેશ લેવા આવે છે, એવી સૂચના આપી દીધેલી. ત્યાં રાજાશ્રીને પોતાના આગમનની જાણ કરી. રાજાએ દરવાનને કહ્યું, મુનિશ્રીને થોડીવાર થોભાવો, સ્વાગતની તૈયારીઓ કરો. અને રાજા પોતે સોનાના હિંડોળા ઉપર બંને બાજુમાં રાણીઓને બેસાડી અને પછી કહ્યું, મુનિનું કંકુ-ચોખાથી, ફૂલહાર કરી અંદર રાજમહેલમાં લઈ આવો.
મુનિ જ્યારે રાજમહેલમાં પ્રવેશ્યા ત્યારે તેમણે તો રાજવૈભવનો ઠઠારો જોયો. જનકરાજા સોનાના હિંડોળા ઉપર બંને બાજુએ રાણીઓના ખભે હાથ મૂકી મસ્તીમાં બેઠેલા હતા. મુનિને તો મનમાં તિરસ્કાર આવ્યો કે, હેં ! આ શું ? આવા વિલાસી પુરુષ પાસેથી શો ઉપદેશ લેવાનો ! છતાં પિતાશ્રીની આજ્ઞા હતી એટલે કંઈ બોલ્યા નહીં. ચૂપચાપ મહેલમાં અંદર આવ્યા. રાજાશ્રીએ ‘આવો, પધારો મુનિરાજ’, કહીને સન્માન કર્યું. ‘લાંબી મુસાફરી કરી આવ્યા છો, હાથ-પગ ધોઈ, ફ્રેશ થઈ જાવ. જોડે જમીશું ને પછી જ્ઞાનગોષ્ટી કરીશું’ કહ્યું.
રાજાએ મુનિશ્રીને જમવા બેસાડ્યા. સોનાની થાળી-વાટકાઓ ને બત્રીસ ભાતના ભોજન. મુનિને સામે પાટલે બેસાડ્યા. પોતે આ બાજુના પાટલા ઉપર બેઠા. મુનિ પાટલા તરફ જતા હતા ત્યાં જ જરાક ઊંચે નજર ગઈ ત્યાં તો ધ્રાસકો પડ્યો, કે ‘અરે ! આ શું ? માથા ઉપર ઘંટ લટકે છે, તેય હમણાં પડું પડું થઈ રહ્યો છે.’ રાજાએ કળા કરેલી, એક મોટો ઘંટ બરાબર મુનિના માથા ઉપર લટકાવેલો, એવા પારદર્શક તારથી બાંધેલો. તે મુનિ તો ગભરાઈ ગયેલા. પણ જમવા માટે પાટલા ઉપર બેસી ગયા.
બત્રીસ ભાતના ભોજનો, રાજા આગ્રહ કરી કરીને જમાડે, પણ મુનિ તો જેમ તેમ જમ્યા. કારણ કે, જમવામાં તો શાનું ચિત્ત હોય ! એમનું ચિત્ત તો પેલા ઘંટમાં જ ચોંટેલું કે હમણાં પડશે તો મારું શું થશે ?
જમી રહ્યા બાદ રાજાએ પાન આપતા આપતા પૂછ્યું, ‘મહારાજ ભોજન કેવું લાગ્યું? કઈ વાનગી સૌથી વધારે ભાવી?’ ત્યારે મુનિ તો ચોખ્ખા બોલા, તપસ્વીઓને કપટની ભાંજગડ ના હોય, હોય માત્ર એક અહંકારની ભાંજગડ, એમણે તો જેમ છે તેમ ચોખ્ખું કહી દીધું કે, ‘હે રાજા ! સાચું કહું તમને ? આ માથા ઉપર ઘંટ લટકતો હતો, તેથી મારું ચિત્ત તો ત્યાં ભયથી ઘંટમાં ચોંટેલું રહ્યું હતું. તેથી મેં શું ખાધું તે જ મને ખબર નથી.’
ત્યારે જનકવિદેહી બોલ્યા, ‘હે મુનિશ્રી ! આ જમ્યા ત્યાં તમારું ચિત્ત ગેરહાજર હતું. એક અવતારના મરણના ભયથી તમારું ચિત્ત બત્રીસ ભાતના ભોજનમાં નહીં રહેતા ઘંટમાં જતું રહ્યું, ત્યારે અનંત અવતારના મરણ સમા આ રાણીઓ-રાજવૈભવમાં અમારું ચિત્ત તો રહેતું હશે ? અમારું ચિત્ત તો આ વૈભવ-વિલાસમાં રહેતું જ નથી. અમારું ચિત્ત તો નિરંતર આત્મસ્વરૂપમાં જ રહે છે. નિરંતર આત્માના અનંત સમાધિ સુખમાંથી ચિત્ત આઘું-પાછું જતું જ નથી.
બસ, તપસ્વી મુનિ તો નમી પડ્યા કે ઓહોહો ! આટલી બધી તપસ્યા પણ મોતના ભય વખતે કામ ના લાગી ! ખરું તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે. તે જ અનંત સમાધિનો માર્ગ છે. મુનિને આત્મજ્ઞાની રાજા પ્રત્યે સમર્પણ બુદ્ધિ થઈ. રાજાને ઉપદેશ આપવા માટે વિનંતી કરી. રાજા કહે છે, ‘મુનિ, આપના પિતાશ્રી એ જ મારા ગુરુદેવ છે. એમની પાસેથી તો આપને સર્વસ્વ જ્ઞાન પ્રાપ્ત થશે.’ મુનિનો અહંકાર ઊતરી ગયો. આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે ‘હું કંઈ જ જાણતો નથી’ એ ભાવ એમને આવી ગયો અને આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે પાત્ર બની ગયા !