સાચા સુખનું શોધન ! Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચા સુખનું શોધન !

આ સંસારમાં મનુષ્યોએ શેમાં શેમાં સુખ માન્યું છે ? માણસને નાની-મોટી સફળતાઓ મળે ત્યારે સુખ લાગે. સફળતા મળી ને રાત્રે સૂવાનું ના મળે કે રાત્રે ખાવાનું-પીવાનું ઠેકાણું ના પડ્યું તો એ સફળતા મળી, પણ એ સુખ કે દુઃખ ? આ હાફુસની કેરી હોય, તે તેના પ્રમાણથી વધારે ખવડાવ ખવડાવ કરે તો પછી તમને શું થાય ? પછી દુઃખ થાય. કંટાળો આવે. એટલે જે સુખનું પ્રમાણ વધી જાય કે ઘટી જાય એટલે દુઃખ થાય. એ સુખ કહેવાય જ નહીં ને !

આપણે આ દુઃખમાંથી શોધખોળ શી કરવાની ? સનાતન સુખની. આ સુખ તો ઘણું ભોગવ્યું. એનાથી સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. સર્વ દુઃખોથી મુક્ત શી રીતે થાય, એ જાણવા માટે જ આ જીવન જીવવાનું છે.

જગતમાં બધા જ સુખ ખોળે છે, પણ સુખની વ્યાખ્યા જ નથી નક્કી કરતા. ‘સુખ એવું હોવું જોઈએ કે જેના પછી ક્યારેય પણ દુઃખ ના આવે.’ એવું એકેય સુખ આ જગતમાં હોય તો ખોળી કાઢ જા. શાશ્વત સુખ તો પોતામાં-સ્વમાં જ છે. પોતે અનંત સુખનું ધામ છે ને લોકો નાશવંત ચીજમાં સુખ ખોળવા નીકળ્યા છે !

આ સંસારીઓના સુખ કેવા છે ? શિયાળાનો દહાડો અને અગાશીનો મહેમાન અને લક્કડિયા હિમની શરૂઆત, ટૂંકી રજઈ અને તું લંબુસ. તે માથું ઢાંકે ત્યારે પગ ઉઘાડા રહે, પગ ઢાંકે ત્યારે માથું ઉઘાડું રહે. તે મૂઆ આખી રાત કાઢે તેવું આ સંસારનું સુખ છે. હકીકતમાં આ જગતમાં દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. દુઃખ એ અવસ્તુ છે. કલ્પનાથી ઊભું કરેલું છે. જલેબીમાં દુઃખ છે, એમ કલ્પના કરે તો તેને તેમાં દુઃખ લાગે. ને સુખ છે એમ કલ્પે તો સુખ લાગે. માટે તે યથાર્થ નહીં. જેને સુખ કહ્યું તો તેને બધાએ એક્સેપ્ટ કરવું જ જોઈએ. યુનિવર્સલ ટ્રુથ હોવું જોઈએ. પણ તું જેમાં સુખ માને છે, તેમાં બીજાને અપાર દુઃખ લાગે તેવું આ જગત છે.

સંસારમાં રહેવું અને શાંતિપૂર્વક જીવવું, એને માટે બે રસ્તા છે. એક તો વ્યવહારમાં પ્રામાણિકતા જોઈશે. વ્યવહારમાં સર્વાંશ પ્રામાણિકતા રહી શકે નહીં, તો કંઈક અંશે પ્રામાણિકતા જોઈશે, લેવડ-દેવડમાં બધામાં અને બીજું શું જોઈશે ? કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના હો એ જ ધર્મ છે. બસ ત્યારે કોઈ કહેશે કે કોઈક મને ગાળો દેશે તો ? જો એણે દીધેલી ગાળો તને ગમતી હોય, તો તું ફરી એવી ગાળો આપ અને આ વ્યવહાર એની જોડે ચાલુ રાખ. આપણને એની જોડે આ વ્યવહાર પસંદ ના હોય ને ગાળો ના ગમતી હોય, તો એ વ્યવહાર બંધ જ કરી દો. જેની જોડે વ્યવહાર તને પસંદ હોય, તેની જોડે જ વ્યવહાર કર. જો તમારે સુખ જ જોઈતું હોય, તો તમે રાત-દિવસ લોકોને સુખ જ આપ્યા કરો. જે રીતે બને તે રીતે, વાણીથી, વર્તનથી, ગમે તેનાથી. પણ બધાને સુખ આપો.

હવે જીવમાત્રને સુખ આપવું એનાથી પુણ્ય બંધાય અને પોતાને સુખ જ મળે. અને કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ આપ્યું એનાથી પાપ જ બંધાય અને દુઃખ જ પડે.

તમારાથી કોઈને દુઃખ થશે તો તેનો તો મોક્ષ અટક્યો, પણ તે તમારો પણ મોક્ષ અટકાવશે. મારે કોઈનેય દુઃખ ના દેવાય. કોઈનેય દુઃખ આપીને કિંચિત્માત્ર પણ સુખી થઈએ, એવી ક્યારેય આશા રાખવી નહીં. એટલે કેમ બધાને સુખ વર્તે એ જોવું આપણે. બીજું કશું જોવું નહીં.

દાન એટલે કોઈ પણ જીવને સુખ આપવું. મનુષ્ય હોય કે બીજા જાનવરો હોય, બધાને સુખ આપવું એનું નામ દાન કહેવાય. બધાંને સુખ આપ્યું એટલે તરત એનું ‘રિએક્શન’ આપણને સુખ ઘેર બેઠા આવે, એટલે સુખ જ આપ્યા કરવાનું છે. પછી બીજું વધારે સુખ ના અપાય તો કોઈ એવો દુઃખી માણસ હોય, ભૂખ્યો હોય તો એને કંઈક ખાવાનું-પીવાનું આપીએ, તો એને શાંતિ વળે. કપડાં ના હોય તો આપણા પહેરેલા કપડાં હોય, તે એને આપીએ તો એને શાંતિ વળી જાય. અગર તો એને કંઈક દુઃખ હોય અને પાંચ રૂપિયા આપીએ તો દુઃખ એનું જાય. એટલે કોઈના મનને સુખ આપ્યું હોય તો આપણા મનને સુખ પ્રાપ્ત થાય, એ જ વ્યવહાર છે બધો. કારણ કે, જીવમાત્રની અંદર ભગવાન રહેલા છે, એનું બહારનું કામ નથી જોવાનું. મહીં ભગવાન રહ્યા છે, માટે આપણે એને બધી ‘હેલ્પ’ કરવી જોઈએ. અને એ ‘હેલ્પ’ કરી તો ‘હેલ્પ’નું પરિણામ આપણે ત્યાં આવશે અને ભગવાન રહેલા છે, એટલે કોઈને દુઃખ દીધું તો પરિણામે આપણને દુઃખ આવશે.

જો એ આપણને દુઃખ આપે, તે દહાડે આપણને એ દુઃખ સહન કરવાની શક્તિ હોય તો આપણે એ વ્યવહાર કરો અને સહનશક્તિ ના હોય તો પછી આપણે એ રહેવા દો. આપણી શક્તિ જોઈ લેવી જોઈએ કે ના જોઈ લેવી જોઈએ ? કોઈ એવા હોય તો એને તો કશો વાંધો જ નહીં કે તુમ હમકો કાટેગા, તો હમ તુમકો કાટેગા, એવું હોય તો કંઈ વાંધો નથી. એમને દુઃખ લાગતુંયે નથી.

આપણા ઘેર લગન હોય તો, ગામમાં આપણે આમને ત્યાં દશ લાડવા મોકલાવ્યા, બીજા આમને ત્યાં પાંચ લાડવા મોકલ્યા, તે શા હારુ મોકલાવીએ છીએ ? વ્યવહાર છે ને ! પછી કોઈક દહાડો એને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો એ આપણે ત્યાં લાડવા મોકલાવે એટલે વ્યવહાર સારો સાચવીએ. આ તો આપીને લેવાનું છે. સુખ આપીને સુખ લેવાનું છે અને દુઃખ આપીને દુઃખ લેવાનું છે. એટલે આપણને જે જોઈતું હોય તે બીજાને આપવાનું, આ ભગવાનનો કાયદો છે.

જેમ ખેતર હોય છે તે ખેડૂત ઘઉંના દાણા નાખે છે, તે એક મણ નાખે તો કેટલા ઘઉં લઈ આવે છે ? ત્રીસ મણ ઘઉં લઈ આવે છે. એવું એક મણ સુખ આપે બધાને, તો ત્રીસ મણ સુખ લઈ આવે. માટે સુખ આપવાનું કરો અને કોઈ આપણને દુઃખ આપે છે તે પાછલા ચોપડાનો હિસાબ છે તે જમે કરી લો ને નવું ધીરશો નહીં. નહીં તો નવો વેપાર ચાલુ થશે.

આ બધા ધર્મો ચાલે છે એ વ્યવહારિક ધર્મો છે, વ્યવહારિક એટલે વ્યવહાર ચલાવવા માટે. આ વ્યવહાર ધર્મેય કહે છે, કે કોઈને દુઃખ કે ત્રાસ ના આપવો. તમારે સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપજો. અને જો દુઃખ આપશો તો ગમે તે માણસ તમને દુઃખ આપશે જ, આનું નામ વ્યવહારિક ધર્મ કહેવાય.

જયારે સાચો ધર્મ તો પોતાની વસ્તુનો સ્વભાવ છે. એ આત્મધર્મ છે; પોતાનો સ્વાભાવિક ધર્મ છે, ‘એમાં તો નિરંતર પરમાનંદ આવશે.’ સુખ પોતાની મહીં જ છે. આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે તો સુખ જ પ્રાપ્ત થાય.

આત્મા પ્રાપ્ત કરવો એટલે ‘પોતે ખરેખર કોણ છે’ એ જાણવું જોઈએ ફક્ત. પોતાના સ્વરૂપનું, ‘હું કોણ છું’ એવું ભાન જ્ઞાની પુરુષ પાસેથી થઈ જાય અને જ્ઞાની પુરુષની આજ્ઞામાં જ રહેવાય તો કાયમના સુખની પ્રાપ્તિ થઈ જાય. પછી કાયમનું સુખ વર્તે !

એટલે ટૂંકમાં આ દુનિયામાં જાણવા જેવું જ બીજું કશું નથી. (૧) જો દુનિયાદારીનું સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપવાની તૈયાર કરો ને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો, આટલું જ જાણવાનું જરૂર છે અને (૨) મોક્ષે જવું હોય તો પોતાની જાતને જાણવું કે ‘હું કોણ છું.’ એટલું જ બસ ! એ બે જ વાત જાણવા આ બધા શાસ્ત્રો છે !!