ભયાનક વાયરો એવો રે વાયો,
જાણે કર્યો પ્રેમનો સંપૂર્ણ સફાયો,
કેમ રે પ્રીત સાચવીશ વિખરાતા?
દોસ્ત! સ્નેહ અચાનક નફરત માં પલટાયો.
અજય દ્વારા જે પ્રીતિ પર હાથ ઉઠાવવાની કોશિષ થઈ એનો પરેશભાઈને પણ ઊંડો ઘા થયો હતો. છતાં એમને ખુબ ધીરજ રાખી હતી. પરેશભાઈએ વિનંતી કરી કે, પ્રીતિ અત્યારે ખુબ વ્યાકુળ છે, એને માનસિક શાંતિ માટે ઘરે લઈ જાવ છું. પછી એને સમજાવીને પાછી મૂકી જઈશ, એમ કહી હસમુખભાઈની રજા લીધી હતી. કુંદનબેન ફક્ત એટલું જ બોલ્યા કે, હસતા મોઢે મારી દીકરી હરખાતી સાસરે આવી હતી. આજ આંસુ સારતી જોઈ બહુ દુઃખ થયું. ચાલો હવે, અમે રજા લઈએ એમ કહી સીમાબહેનને પોતાના મનમાં ચાલી રહેલ વેદના ઠેલવતા કહ્યું હતું.
પ્રીતિ ખુબ અતિશય દુઃખી હતી. પોતાના જીવનમાં ક્યારેય આટલી એ દુઃખી નહોતી. અજયના સાથ વગર એ સાવ ભાંગી પડી હતી. બહુ જ મોટી જિંદગીની પછડાટ એનાથી પચાવી અસહ્ય જ હતી. પરેશભાઈ અને કુંદનબેન સમાજ શું કહેશે એ વિચારને પડતો મુક્યો અને પોતાની દીકરીને અત્યારે સાચવવી એ જ યોગ્ય રસ્તો અપનાવ્યો હતો. માતાપિતાનો યોગ્ય સાથ જ પ્રીતિને અત્યારે હૂફરૂપ હતો. ખરેખર આવા માતાપિતા ભાગ્યથી જ મળે! બાકી આપણા હિન્દુ સમાજમાં દીકરીને સાચી પરવરીશ આપ્યા બાદ પેરેન્ટ્સ એને જ પોતાની પરિસ્થિતિ જાતે હલ કરવા કહે છે, એ યોગ્ય જ છે પણ જયારે દીકરીનું શોષણ જ થતું હોય તો એવા સમયે વડીલો જો એની ફરજ બજાવે તો પણ દીકરીનું શોષણ થતું અટકે છે. હા, હું પણ એ વાતનો વિરોધ જ કરું છું કે દીકરી કહે એજ સાચું પણ ખરેખર શું સાચું છે એ જાણીને દીકરીને સાથ આવો એ પેરેન્ટ્સની ફરજ પણ છે જ. અહીં તો પ્રીતિના એરેન્જ મેરેજ છે પણ લવ મેરેજ હોય તો પણ દીકરીને ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો પેરેન્ટ્સે એને મદદ કરવી જ જોઈએ. આપણો ધર્મ પણ કહે છે, કે નિયાણીને દુઃખી ન કરવી એક ભાણ્યો એટલે સો બ્રાહ્મણ... તો વિચારો એમની તકલીફમાં સાસરે માથું ન મરાય એમ વિચારી ચૂપ રહેનાર પેરેન્ટ્સ કેટલા કર્મના દોષમાં હશે!
પ્રીતિ પોતાના ઘરે આવી ગઈ હતી. પ્રીતિને હાશકારો અવશ્ય હતો જ પણ મન શાંત થતા એને વિચાર આવ્યો કે, અજયે એકવાર પણ મને ન રોકી! શું મારુ એના જીવનમાં એટલું જ મહત્વ હતું? કહેવાય છે કે હું એની અર્ધાંગિની પણ મારી સાથે કંઈ પણ થાય એની એને ખરેખર કોઈ અસર થતી જ નહીં હોય. એક નાનો હાથમાં ચીરો પડે તો લોહી આવી જાય, પણ મારા એના જીવનમાંથી નીકળી જવાની વાતની એને કોઈ જ અસર જ નહીં! આ અર્ધાંગિની ફક્ત એક સિમ્બોલ જેવું જ લાગ્યું. હું ખરેખર અજય ને કે અજય મને સમજી શક્યા જ નહીં. લગ્નજીવનમાં પણ અમે બંનેએ પોતાનું જીવન સ્ટેબલ રહે એટલે સ્ટડીને ધ્યાન આપ્યું પણ દાંપત્ય જીવન સ્ટેબલ રાખવા મારા સિવાય કોઈએ ધ્યાન આપ્યું ખરું? પ્રીતિનું મગજ ખુબ ફાટફાટ થઈ રહ્યુ હતું. આ બધા વિચારો
કરતા પ્રીતિ થાકીને ઊંઘ આવી ગઈ હતી.
પરેશભાઈ અને કુંદનબેન થાકના લીધે ઊંઘી જ ગયા હતા. પણ ઘડી ઘડી ઊંઘ ઉડી જતી હતી.
આ તરફ હસમુખભાઈને જે થયું એ પસંદ તો નહોતું જ પણ એમને પરિસ્થિતિ સ્વીકારતા જ શીખ્યું હતું. વહુ ઘરેથી પિયર જતી રહી છતાં સીમાબહેનનું પેટનું પાણી પણ હલતું નહોતું. એ તો બિન્દાસ બોલતા હતા કે, દીકરીનો બાપ છે એ તો નમતો જ રહે. આપણે દીકરાવાળા છીએ, ચાર દિવસમાં દીકરીને મુકવા આવશે, પરણેલી દીકરી બાપના ઘરે કેટલા દહાડા શોભે? સમાજ પૂછશે એટલે આપમેળે જેમ લઈ ગયા એમ મૂકી પણ જશે જ.. અજય તું ચિંતા ન કરજે, અને ફોન તો તું કરતો જ નહીં એ ગઈ છે તો ફોન એને જ કરવો જોઈએ ને! અજયને સીમાબહેને અયોગ્ય વાત કરીને પટ્ટી પડાવી દીધી હતી. ગુસ્સો શાંત થયા બાદ પણ એમને એ ન થયું કે વહુ પિયર જતી રહી પણ મેં દીકરાને એના પર હાથ ઉપાડવાની વાત નું સોરી કહેવાનું સમજાવ્યું જ નહીં. બસ, એ પોતાના અહમને અયોગ્ય વાતથી સંતોષતા રહ્યા હતા.
પરેશભાઈ સવારે ઉઠ્યા ત્યારે પ્રીતિ જાગી ગઈ હતી. એને વાંચનનો ખુબ શોખ હતો એ વાંચતી હતી. પરેશભાઈ એની પાસે ગયા અને પ્રેમથી પૂછ્યું,
"બેટા ઊંઘ આવી ગઈ હતી?"
"હા, પપ્પા થોડીવાર બધા વિચાર આવ્યા પછી ઊંઘ આવી ગઈ હતી."
"ઓકે સરસ. અજયકુમારનો ફોન હતો?
"ના પપ્પા અજયનો ફોન નથી. અને મેં પણ કર્યો નથી."
"ઓકે, તારે ફોન કરવો છે?"
"ના. પપ્પા મને ખુબ દુઃખ છે કે અજય ક્યારેય મને સમજી નથી શક્યા, આજ જે એણે હાથ ઉપાડવાની કોશિષ કરી એ પણ મને પસંદ નથી. અને વધુ દુઃખ તો એ વાતનું થયું કે, હું અહીં આવી તો પણ એકવાર એમણે મને રોકી નહી કે એની ભૂલનો એને અફસોસ થયો."
"જો દીકરા મારે તને આવું ન કહેવાય, પણ અનુભવ પરથી કહું છું કે, એને તારી ખરેખર જરૂર હશે તો એ ફોન કરશે. અને તું એના ફોન ની રાહ જોજે. એ ક્યારે સામેથી ફોન કરે એ જોવાનું છે. અને એક ખાસ વાત બેટા, ક્યારેય કોઈ કુટુંબનું, કે મિત્ર કે કોઈપણ કહે કેમ અહીં છે તો એમ કહેજે કે, સ્લેટની પરીક્ષા આપવાની છે એટલે આવી છું. હકીકત કોઈને કહીશ નહીં. કારણકે, આજ સાચું બોલીયે તો કોઈ સાથ આપતું નથી પણ વાતને એટલી ચગાવે છે કે આપણી જિંદગી વધુ બગડે છે. અને આપણા જ લોકો આપણી વિરુદ્ધ જઈને મજા લે છે. મને સમાજનો કોઈ ડર છે જ નહીં. પણ મને અજયના મનમાં તારે માટે કેટલી લાગણી છે, એનાથી જ મતલબ છે. અને મારુ મન કહે છે એનો ફોન આવશે જ."
"હા, પપ્પા હું તમારી વાતનું ધ્યાન રાખીશ."
પ્રીતિ અને અજય એકબીજાના ફોનની રાહ જોતા રહ્યા, અને દિવસો વીતવા લાગ્યા હતા. પણ હવે બંને ફોનની રાહ જ જોતા હતા તો પહેલ થવી શક્ય જ નહોતી. પણ કુદરતની મરજી હંમેશા સત્ય સાથે જ હોય છે.
ભાવિનીની સગપણની વાતો ખુબ ચાલી રહી હતી. હવે એક જગ્યાએ ભાવિનીનું નક્કી જ થઈ ગયું હોય એટલી હદે વાત પાક્કી થઈ ગઈ હતી. પણ જો ઘરમાં ભાભી હોવા છતાં ભાભી સતત પિયર જ હોય તો ભાવિનીને માટે આવેલ સારું ઠેકાણું હાથમાંથી જાય એમ હતું. ભાવિનીની જ્યાં વાત ચાલુ હતી, એમને તો એમ કહીને વાત ટાળ્યા કરી કે, વહુ પિયર આંટો મારવા ગઈ છે. એક તો માંડ એને સેટ થયું જવાનુંને ક્યાં તરત બોલાવી આથી એ હાજર નથી. સીમાબહેને વાત સમાજમાં બહાર પાડતા સાચવી જ લીધી હતી. કારણકે, એમને સમાજનો વિચાર પહેલા આવતો હતો.
સીમાબહેને સારો પરિવાર અને એમાંય તે ખુબ રૂપિયાવાળા હોય એવા આ છોકરાને ભાવિની માટે હાથમાંથી ન જાય અને પ્રીતિ પણ પાછી આવી જાય એ માટે અજયને પ્રીતિને ફોન કરીને પૂછવા કહ્યું, કે "પ્રીતિ આગળ શું વિચારે છે?" અજય મમ્મીની વાત સાંભળીને ચૂપ જ રહ્યો.
શું અજય પ્રીતિને ફોન કરશે?
શું પ્રીતિ બધું જ ભૂલી આગળ વધશે? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻