Runanubandh - 39 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ - 39

પ્રીતિ માસી સાથે એમના ઘરે ગઈ હતી. માસીએ એને પાણી આપીને શાંત પાડવાની કોશિષ કરી હતી. પ્રીતિના જીવનમાં આમ ક્યારેય કોઈએ એને અપમાનિત કરી નહોતી. અને સાસરે આવી ત્યારથી એક પછી એક રોજ કોઈને કોઈ કારણથી પ્રીતિનું અપમાન જ થતું હતું. પ્રીતિની સહન કરવાની શકતી પુરી થતા એ ખુબ જ ક્રોધિત થઈ અને જેટલો પણ મનમાં ગુસ્સો ભરાયો હતો એ બધો જ એણે કાઢી નાખ્યો હતો. એને થયું કે, આમ જ જો સાસરે રહેવાનું હોય તો હવે મારે રહેવું જ નથી. કેટલાય વિચારોની વચ્ચે આંસુ સારતી પ્રીતિને માસીએ હિમ્મત આપવાની કોશિષ કરી હતી. માસી બોલ્યા,
"તારે કંઈ ખાવું છે?"

"ના માસી! મને કઈ જ ખાવું નથી, તમે જો મને તમારો ફોન આપો તો મારે મારા પપ્પા સાથે વાત કરવી છે."

"હા બેટા." માસીએ પ્રીતિને ફોન આપ્યો હતો.

પ્રીતિએ એના પપ્પાને ફોન કર્યો હતો. રિંગ જઈ રહી હતી.

"હેલ્લો" અજાણ્યા નંબરને જોઈને ફોન ઉપાડતા પરેશભાઈ બોલ્યા હતા.

"હેલ્લો પપ્પા! હું પ્રીતિ બોલું છું."

"ઓહો.. પ્રીતિ! તું આ કોના ફોન માંથી વાત કરે છે? તારો ફોન ક્યાં?"

"પપ્પા, આ નંબર મારી સામે રહેતા માસીનો છે. મારો ફોન ભાવિનીએ લઈ લીધો એટલે હું માસીના ફોનમાંથી વાત કરું છું."

"કેમ તારો ફોન લઈ લીધો? અને તારો અવાજ કેમ ઢીલો છે? શું થયું? તું પહેલા શાંતિથી વાત કર."

"પપ્પા આજ ઘરે બહુ મોટો ઝગડો થયો, એમાં હું પણ આજ ઘણું બોલી છું. એટલે ગુસ્સે થઈને અજય મારા ઉપર હાથ ઉપાડવા જ જતા હતા ત્યાં જ ભાવિનીએ એને રોકી લીધા. પપ્પા હું હવે અહીં રહી શકું એમ નથી. મને તમે અહીંથી લઈ જાવ?"

"બેટા, તું ચિંતા ન કર હું અને કુંદન હમણાં જ ત્યાં આવવા માટે નીકળીએ છીએ. તું બિલકુલ હિમ્મત ન હારતી. હું તારી પાસે આવું જ છું. તું પહેલા બેનને ફોન આપ મારે એમની સાથે વાત કરવી છે."

પ્રીતિ એ માસીને ફોન આપે છે.

" હેલ્લો"

"હેલ્લો બેન, મારી દીકરી આજ થોડી તકલીફમાં છે. તમે હું ન આવું ત્યાં સુધી એને તમારી પાસે જ રાખજો. મને અહીંથી ત્યાં આવતા ૫/૬ કલાક થશે. તમે ત્યાં સુધી મારી દીકરીની જવાબદારી લેશો ને?"

"હા ભાઈ, તમે ચિંતા ન કરો. તમે આવો ત્યાં સુધી પ્રીતિ મારી પાસે જ રહેશે. એ હું જવાબદારી લઉં છું."

"તમારો ખુબ ખુબ આભાર બહેન."

પરેશભાઈએ ફોન મૂકીને બધી જ વાત કુંદનબેનને કરી હતી. કુંદનબેન અજયના આવા વલણથી ખુબ ગુસ્સે થયા હતા. એમને હસમુખભાઈ પર પણ ગુસ્સો આવ્યો હતો. એક તો આટલો ત્રાસ અને એમાં પણ ફોન લઈ લીધો, પ્રીતિ પાડોશીને ત્યાંથી ફોન કરે એવી પ્રીતિની લાચારી કુંદનબેનને જળમૂળથી હલાવી ગઈ હતી. કુંદનબેનને પરેશભાઈએ સમજાવતા કહ્યું કે, તું શાંત રહે આ સમયે શાંતિથી વિચારીને આગળ વધવા જેવું છે. તું તારો ગુસ્સો શાંત પાડ અને ઝડપથી તૈયાર થા. આપણે હમણાં જ નીકળવું છે.

પરેશભાઈએ પોતાની દીકરીને ફૂલની જેમ ઉછેરી અને મોટી કરી અને અજયના હાથમાં પ્રીતિનો હાથ એક વિશ્વાસ પર જ મુક્યો હતો કે, પ્રીતિની દરેક પરિસ્થિતિમાં અજય એનો પૂરો સાથ આપશે, પણ લગ્નજીવનમાં ત્રણ વર્ષમાં જ પ્રીતિની આવી હાલત જોઈ પરેશભાઈ ખુબ જ દુઃખી હતી. આ દર્દની વેદના એક પિતા જ જાણી શકે, એ દર્દની તમે કલ્પના પણ ન કરી શકો એવો એક વસવસો પિતાના મનને ઠેસ પહોંચાડતો હોય છે. અહીં પરેશભાઈને પણ ક્ષણિક એમ થયું કે, પ્રીતિ માટે અજયની પસંદગી મેં ઉતાવળમાં કરી નાખી. કુંદનબેન અને પરેશભાઈ આંખે રસ્તે ચિંતા કરતા ભાવનગર પહોંચી ગયા હતા.

પરેશભાઈની ગાડી આજ જેવી અજયના ઘર પાસે ઉભી કે કાગડોળે રાહ જોતી પ્રીતિ માસીના ઘરેથી પોતાના મમ્મીપપ્પા પાસે આવી હતી. એમને જોઇને ભાવુક થયેલ પ્રીતિ મમ્મીને વળગી પડી હતી.

હસમુખભાઈ તરત જ પરેશભાઈ અને કુંદનબેનને જોઈને બહાર આવ્યા અને બધાને અંદર આવવા કહ્યું હતું. પ્રીતિ પણ પોતાના માતાપિતા સાથે અંદર આવી હતી. ભાવિની બધા માટે પાણી લાવી હતી. પાણી પીધા બાદ પરેશભાઈએ હળવેકથી વિવેકથી વાત ઉચ્ચારતા પૂછ્યું, "કેમ અચાનક આટલી મોટી પરિસ્થિતિ ઉભી થઈ?"

કોણ શું બોલે એ વિચારે બધા ચૂપ હતા. કારણકે, પરેશભાઈ આમ તારતોતરત આવે એ કલ્પના બહારની વાત હતી. પ્રીતિએ કોઈ જ સંકોચ વગર બોલવાનું શરૂ કર્યું, "મમ્મીને મારુ કોઈ જ કામ ગમતું નથી. અને ન કાંઈ કરું તો પણ ગમતું નથી. હું એ ન હોય ત્યારે આખું ઘર બરાબર સાચવું જ છું ને! પણ એ આવે એટલે કામ નો વિશ્વાસ મારા પર રાખતા નથી. મને ફક્ત એવું જ કામ આપે જે કામ કરેલું દેખાય નહીં, આથી બધાને એમ થાય કે હું કઈ જ કરતી નથી. શાક સમારવાનું, કપડાં સુકવવાના, ઘરની સાફસફાઈ એ હું કરું. તેઓ ફક્ત વઘાર કરે અને કપડાં ધોવે.. છતાં મારી વાત એમ થાય કે હું કઈ કરતી નથી.

ભીંડા લાંબા નહીં ગોળ સમારવાના, ટીંડોળા ગોળ નહીં લાંબા જ સમારવાના, ગુવાર જીણી હોય તો આખી નાખવી.. અરે આમ સુધારીએ કે નહીં મથલ શાક તો ચડેલું જ આપું છું ને! છતાં એમ જ સુધારું તો કહે બહુ જાડી ચીર રાખી પાતળી રાખવાની.. કોઈ બાજુથી ન પહોંચાય... કપડાં હાથે જ ધોવાના, અરે મારા ધોયેલ કપડા ક્યારેક ફરી ધોવે...આખી દુનિયા મશીનના કપડાં ધોયેલ પહેરે છે, હવે તો હોસ્પિટલમાં પણ મશીનમાં જ કપડાં ધોવાય છે. પણ અમારા કપડાં મશીનમાં નહીં જ ધોવાના. કામ માટે બેન આવે એની પર પણ કચકચ કરીને કામ છોડાવી જ નાખે. વળી, દાળભાત કૂકરમાં નહીં છુટા તપેલામાં જ બાફ્વાના તો જ એનો સ્વાદ સારો આવે. મારે જોબ, સ્ટડી પણ કરવું હોય હું ક્યારે નવરી થાવ? ભાત તો ઠીક કે તપેલામાં થઈ જ જાય પણ દાળ બાફતાં સમય ને ગેસ બંને બગડે તો પણ હું એમ જ કરું કે જેમ મમ્મી કરવાનું કહે છે. તો પણ દાળ કાચી છે, ભાત બહુ ગળી ગયા છે. અરે મને તો ક્યારેક એમ જ થાય કે મમ્મીને હું જ નથી ગમતી એટલે જ એ એમ કરે છે."

"પ્રીતિ બસ, કરજે હો.. મમ્મી તું જે કહે છે સાવ એવું નથી કરતા."

"હા, તમે તો કાયમ એમનો જ પક્ષ લો છો. હું સાચી છું કે નહીં એ એકવાર પણ જાણવાની કોશિષ કરી છે?"

"ભાભી તમે ક્યારેય કોઈ વાત પૂછવાની પણ જરૂર લાગી છે?"

"ભાવિની તું તો બોલ જ નહીં, તું સાસરે જઈશને ત્યારે બધું જ તને સમજાશે."

પ્રીતિ ખુબ જ ગુસ્સામાં બોલી રહી હતી. એનો અવાજ તો વધુ જ હતો, પણ શ્વાસ પણ થોડા વધુ ઝડપથી લઈ રહી હતી. સામાન્ય અને સાદી દેખાતી પ્રીતિનું રોદ્રરૂપ આજ બધાયે જોયું હતું. બધાને સડસડાટ સામે જવાબ આપી ઝાટકી રહી હતી. હા, એ વાત સાચી કે એના શબ્દો ખુબ કડવા હતા પણ ભારોભાર સાચા હતા. આથી જ બધાને પ્રીતિના બોલવાથી તકલીફ થઈ રહી હતી.

અજય પણ ખુબ ગુસ્સામાં હતો. કે મારા જ ઘરમાં રહી મારા જ પરિવારનું અપમાન પ્રીતિ કરે છે. આથી એ પણ પ્રીતિને સંભળાવી જ રહ્યો હતો.

પ્રીતિ બોલી, બસ આવી જ વાત સવારના થઈ અને અજય મારા પર હાથ ઉપાડવાની કોશિષ કરી હતી.

શું કહેશે બધું જ જાણ્યાબાદ પરેશભાઈ? કેવો હશે કુંદનબેનનો સીમાબહેનને પ્રશ્ન?
શું પ્રીતિ અને અજયનું સહજીવન પહેલા જેવું થશે? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED