Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 34

૩૪

જૂનોગઢનો અજેય રા’

સિદ્ધરાજને ત્યાં ખાંખાખોળા કરતો મૂકીને રા’ખેંગાર સીધો જરાક નીચેની ખીણનો માર્ગ પકડીને રાણકદેવીની રણવાસીગઢીએ જવા માટે ઊપડી ગયો હતો. સિદ્ધરાજ એવે અજાણ્યે માર્ગે પાછળ પડે એ શક્ય ન હતું. રા’ રણવાસગઢીએપહોંચ્યો ત્યારે ભરભાખળું થવા આવ્યું હતું. દોઢીઓ વટાવતો એ અંદર ગયો. ઉતાવળે દેવીના મંદિર પાસે પહોંચી ગયો. અંદર દીવાઓનો પ્રકાશ દેખાયો. એણે અંદર નજર કરી. ત્યાંનું દ્રશ્ય જોઇને એક ઘડીભર એ બારણા પાસે બહાર જ થોભી ગયો. 

અંદર મંદિરમાં પ્રગટેલી દીપાવલિથી મંદિર આખું ઝળાહળાં શોભી રહ્યું હતું. ત્યાં તેણે માની મૂર્તિ સામે ઊભેલી રાણકને દીઠી. એની આંખો મીંચેલી હતી, માથું નમાવેલું હતું. એણે માની સામે બે હાથ જોડ્યા હતાં. એના મોં ઉપર કોઈ અપાર્થિવ પ્રકાશ છવાઈ રહ્યો હતો. તે શાંત પથ્થર જેવી એકચિત્ત બની ગયેલી જણાતી હતી. એની અને મા જુગદંબાની મૂર્તિમાં જાણે અંતર ન હોય એમ હવામાં એકાકારી જણાતી હતી.

રા’ એ દ્રશ્ય જોઈ જ રહ્યો. પોતે જયતિલક કરાવવા આવ્યો છે, કેકાણ એનો ઉતાવળો થતો હણહણી રહ્યો છે, ચારણભાટની બિરદાવલીની વાણીના પડઘા ઊઠવા માંડ્યા છે, પ્રભાતની રણભેરીઓ જાગી ગઈ છે – એ સઘળું જાણે અસ્તિત્વમાં જ ન હોય તેમ ખેંગાર આંહીં એક ક્ષણભર સ્થિર થઇ ગયો. એમ ને એમ બે પળ વીતી ગઈ, એટલામાં રાણકનું નતમસ્તક ઊંચું થતું રા’એ દીઠું. એની આંખ હવે ઊઘડી હતી, પણ એ મા સામે જાણે મીટ માંડીને જોઈ રહી હતી. પોતે કાંઈ પ્રશ્ન નાખ્યો હોય – ને એના પ્રત્યુત્તર માટે અધીર હોય તેમ એ વારંવાર બહુ ધીમા શબ્દે – ‘બોલો મા! બોલો! જવાબ વાળો –’  એમ જાણે કહી રહી હતી. રા’ના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. સમય ભૂલીને આ દ્રશ્ય એકીટશે એ જોઈ જ રહ્યો. પણ એણે આ શું જોયું? દે’ની આંખમાંથી ખરખર ખરખર આંસુ વહી રહ્યાં હતાં! ગિરનારના ડુંગરને મૂળથી ડોલી જતો કલ્પી શકાય, એવી એ વસ્તુ હતી. એક પળ વધારે ગઈ. રાણકદેવી, જાણે કાંઈ સાંભળતી હોય ને તેનો પ્રત્યુત્તર આપતી હોય તેમ, માત્ર  હોઠ ઊઘડે એવા ધીમા શબ્દે બોલી રહી હતી. રા’એ કાન સરવા કર્યા. છૂટક શબ્દો એને કાને આવતા હતા: ‘ભલે મા! ભલે... દેવત્વનો વારસો... રા’નો. એ અમારે મન અમૂલખ ચીજ છે!’ ‘બેમાંથી એક રહે, કાં? કાં રા’નું અજેયત્વ...કાં..’ ‘ભલે મા! સર્વનાશ હોં!’ ‘કોનો રહ્યો છે?’ ‘નમાલો પણ નીકળે.’ ‘વંશવેલો – માના ખોળામાં જ ભલે મારાં બાળક રમતાં! હું પણ ક્યાં માના ખોળામાં નથી? ભલે મા! દેવત્વ રહો... બાકી... બધું ભલે ક્ષીણ હોં!; બીજી જ ક્ષણે રાણકદેવીનું ધીરું મીઠું પોતાને પરિચિત એવું મધુરું હાસ્ય રા’ને કાને પડ્યું. તે ચમકી ગયો. માના ઘરમાં જેમ દીકરી કોડભર્યા લાડ કરે તેમ લાડ કરતી રાણકદેવી હસતી હસતી બોલી રહી હતી: ‘મા! તમે આપ્યું છે. તમે આટલું તો જવા દ્યો – અજેયત્વ અમારે એટલું ઘણું છે! તમે કાંઈ દીકરીના આંસુ દેખી શકવાના હતાં? મને ખબર હોય નાં!’

ખેંગાર કાંઈ સમજ્યો નહી. રાણકદેવીના શબ્દો તૂટક સંભળાતા હતાં. પણ કોની સામે એ બોલે છે – કોણ સામેથી બોલે છે – એને કંઈ ખબર પડી નહિ.

‘હા! હા! હા! મા! એમ કંઈ હોય – ? માના આશીર્વાદ વિના નહિ. આશીર્વાદ આપો મા!’

ખેંગાર એકલો રાણકદેવીના શબ્દો સાંભળતો હતો. પણ તે કોના પ્રત્યુત્તર રૂપે હતા એ કાંઈ એને સમજાતું ન હતું.

રાણકદેવી પાછી શાંત થઇ ગઈ, એક પળ એમ ને એમ ચાલી ગઈ. હવામાં ગુંજતો રાણકદેવીનો દ્રઢ શબ્દ માત્ર રા’ ખેંગારને કાને પડ્યો: ‘દેવત્વ!’

ફરીને પણ એ જ શબ્દ સંભળાયો: એટલો જ દ્રઢ; વધારે સ્થિર, વધારે શાંત: ‘દેવત્વ’, થોડી વાર પછી ત્રીજી વખત પણ એ સંભળાયો: ‘દેવત્વ! મા! બીજું કાંઈ જ નહિ, જુગજુગ સુધી કાંઈ નહિ!’ થોડી વાર શાંતિ થઇ ગઈ અને પછી ઓચિંતું મુક્ત, પ્રસન્ન, નીભ્રાંત એવું દે’નું ખડખડ ધીમું શાંત હાસ્ય સંભળાયું.

ખેંગારને કાંઈ જ ગમ પડી નહિ; દેખીતી રીતે રાણકદેવીના ધીમા શબ્દો કોઈ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા હતા: ‘દેવત્વ!’

તેણે ફરીને અંદર દ્રષ્ટિ કરી,  અને તે કાંઈ જોતો ન હોય, જોતો હોય તે માનતો ન હોય, માનતો હોય તે સમજતો ન હોય, સમજતો હોય તે સ્વપ્ન સમજતો હોય, એમ ફાટી આંખે જોઈ જ રહ્યો. મા જુગદંબા અંબા ભવાનીના હાથમાંથી કંકુનો વરસાદ વરસી રહ્યો હતો!

રાણકદેવી પોતાના ખોળામાં નતમસ્તકે એ કંકુ ઝીલી રહી હતી. તેણે માને ચરણે માથું મૂક્યું. થોડી વાર પછી બહાર આવવા માટે એણે પગ ઉપાડ્યો.

ખેંગાર ત્યાંથી એકદમ સરી ગયો.  

 તેણે ચંદ્રચૂડ, રાયઘણ, શેરઘણ, ભા દેવુભા, સૌને આ બાજુ ઉતાવળે આવતા જોયા. એટલે પાછો તે રાણકદેવીના મંદિર તરફ ચાલ્યો.

દે’ એને સામે જ મળી. એની આંખમાં નિર્મળ તેજસ્વિતા પ્રકાશી રહી હતી. એના કપાળમાં ચંદન ચચર્યું હતું. એના કેશ પાછળ છુટ્ટા લટકતા હતા. એના શરીરમાં એક પ્રકારનું દિવ્યત્વ પ્રકાશી રહ્યું હતું. એના હાથમાં કંકાવટી હતી. રા’ એની સામે જોઈ રહ્યો.

‘દે’! ધારાગઢ દરવાજો ભેળાણો છે, હું જાઉં છું! મને જયતિલક કરો – આ આપણી રા’ની શમશેર –’ રા’ એ કપાળ આગળ ધર્યું. શમશેરને બે હાથમાં રાખી રાણક સામે ધરી.

‘માનો આશિર્વાદ છે, મારા રા’...’ રાણકદેવીએ કંકુનો ચાંદલો કરતાં કહ્યું. 

‘ – કે વિજય આપણો છે!’ ખેંગારે ઉતાવળે કહ્યું. રાણકદેવી તેની સામે જોઈ રહી. ‘વિજય?’ તેણે ધીમો, દ્રઢ, કાંઇક તીક્ષ્ણ અવાજ કર્યો. ‘વિજય એ તો માનવનો વારસો છે. પામરને પરાજય મળે. માનવીને વિજય મળે. દેવને અજેયત્વ મળે. રા’ જૂનોગઢનો – મારો રા’ એ વિજયને નહિ – અજેયત્વને ઓળખે છે! એને કોઈ જીતશે નહિ. દેવોને ક્યાંય વિજયની ભૂખ દીઠી છે? વિજય કોક દી પરાજય પામે. રા’ મારા! તમે તો દેવ છો. આપણો વારસો દેવત્વનો. જીત-હારની જુગાર-રમત એ તો માનવ માટે છે!’

રા’ સાંભળી રહ્યો. રાણકદેવીના ‘દેવત્વ!’ શબ્દનો રણકાર એના કાનમાં રમી રહ્યો.

એ ત્યાં ક્ષણભર ઊભો. દે’ની સામે એણે જોયું. રાણકદેવીએ એની સામે જોયું. ‘રા’! માનો આશીર્વાદ છે: આપણે અજેય હતા, અજેય રહીશું!’

‘માએ શું કહ્યું દે’?’ રા’ની સમક્ષ મંદિરનું દ્રશ્ય ખડું થયું.

‘એ જ.’ રાણકદેવીની દ્રષ્ટિ ખેંગાર સામે ન હતી. તે સામેની ભૈરવી ગિરનારી શિખરમાળા તરફ જોઈ રહી હતી. ‘રા’!’ તેણે ધીમા શાંત, દ્રઢ અવાજે કહ્યું: ‘માએ કહ્યું છે, જો આ સામે રહ્યાં ડગે, તો રા ડગે, તો એ ડગે! એ બંને અણનમ રહેવા નિર્માયા છે – રા’ને ગિરનારી શિખર!’

રા’ સાંભળી રહ્યો.

ગિરનારના ભૈરવી ખડકોમાંથી રણવાસની રણગીતાવલિના પડઘા આવી રહ્યા હતા:

‘માની ખળકે વીજળીચૂડી આવે પડછંદ!

ગાજે ગિરનારી કંદરા ને બાજે રણછંદ!’

રા’એ તલવાર સંભાળી, ગિરનારને મસ્તક નમાવ્યું. દેવીને નિહાળતો એ ત્યાંથી સીધો રણભૂમિમાં જવા નીકળ્યો.