Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 32

૩૨

બહેનનાં હેત!

રા’ના ડુંગરી કિલ્લામાં રણયુદ્ધ એ મહોત્સવનો પ્રસંગ હોય એમ જણાતું હતું. ત્યાં ક્યાંય થાકના ચિહ્ન ન હતાં. રા’ને લીલીબા ભાગી ત્યારે ચટપટી થઇ હતી. એના ઉપર ને દેશળ-વિશળ ઉપર એણે જાપ્તો પણ રાખ્યો હતો. પણ એ સ્વભાવથી કુટુંબપ્રેમી હતો; અને દિલાવરી જુદ્ધનો રસિયો જીવ હતો. એ આ વાત જાણે ભૂલી ગયેલો જણાયો. જોકે એણે એક સાવચેતી રાખી હતી: પોતાના ડુંગરી મહાલયમાં રાતવાસો રહેવાની. ગમે તે પક્ષે, ગમે તે દુશ્મન, ગમે તે રીતે આવે, પણ એ મહાલયમાંથી એને બહાર જવાનો કોઈ ને કોઈ માર્ગ તો જરૂર મળી રહે, અને એક વખતે એ બહાર હોય, પછી ભલેને ખુદ જૂનોગઢી દુર્ગ પણ એના હાથમાં ન હોય, પણ એના હાથમાં  તલવાર હોય, ગીરનાં જંગલ હોય ને ઘોડાની પીઠ હોય, પછી એને કોઈ નમાવી જાય, એ વાત ભૂતો ન ભવિષ્યતિ જેવી.

સિદ્ધરાજ મહારાજને પણ અત્યારે ચિંતા એ જ હતી. દેશુભાએ બતાવેલ રસ્તો તો બરોબર નીકળ્યો હતો. પણ રા’ સપડાશે? હાથમાં આવશે? ને છેક આંહીં, કાંઇક દુદા-હમીર જેવું બન્યું તો? એ પોતે હરપળે સાવધ હતો. એને દેશુભામાં બહુ અક્કલ લાગી ન હતી.. અત્યારે ઠીક છે એનો ઉપયોગ; બાકી એના ઉપર આધાર રખાય નહિ. એટલામાં પરશુરામ આવ્યો એટલે સૌ આગળ વધ્યા – રા’ના અંત:પુરના મહાલય તરફ દેશળે વિશળને મોકલ્યો હતો ત્યાં ધારાગઢ પાસેની મોટી ચોકીએ; એ પણ આંહીં જ મળી જવાનો હતો.

દેશળના કહેવા પ્રમાણે, હવે તેઓ બહુ નજીક આવી પહોંચ્યા હતાં. બહુ જ શાંતિથી તે આગળ વધવા લાગ્યા. રા’ના મહાલયની રણગીતાવલિના શબ્દો વધુ ને વધુ સ્પષ્ટ સંભળાતા હતાં. અને ડુંગરમાંથી એના ઊઠતા પડછંદા, અણનમ જોદ્ધાની કેસરરંગભીની વાણી જેવા જણાતા હતા! સાવચેતી માટે પહેલાં દેશળ એકલો આગળ વધ્યો. આ રસ્તાનું દ્વાર એક ટેકરીના પેટાળમાં નીકળતું હતું. ત્યાં એક માણસ ઉપરના ખડક ઉપર બેઠો રહેતો, એ એના ધ્યાનમાં હતું. તે બહુ જ ધીમે પગલે દ્વાર પાસે આવ્યો. આજે તો ત્યાં કોઈ હતું નહિ. તેણે ધીમેથી સરીને ઉપર નજર કરી, નિહાળી નિહાળીને જોયું; કોઈ બેઠેલ લાગ્યું નહિ, પરંતુ અંધકાર હતો હતો અને કોઈ ગુપચુપ બેઠું હોય તો?

‘દેશુભા! શું છે?’ સિદ્ધરાજે ધીમેથી પૂછ્યું.

‘ત્યાં ખડક ઉપર કોઈ બેઠું છે કે નહિ એ જોવું જોઈએ.’

સિદ્ધરાજે અનુમાન કર્યું: આ માર્ગ ઉપર કોઈની નજર ઉપરથી હોવી જ જોઈએ. તેણે આડેસરની બોલાવ્યો: ‘આડેસર, ધીમેથી જા, ઉપર કોઈ બેઠું હોય તો એ...’

સિદ્ધરાજે નીચેની ખીણ બતાવી. આડેસર ઉપર ગયો ને બે ક્ષણમાં જ કોઈના ગબડવાનો અવાજ આવ્યો.

‘દેશુભા!’ સિદ્ધરાજે આ છેલ્લા બનાવ પછી આની નાડ આગળથી માપી લેવાનો નિર્ણય કર્યો હતો: ‘હવે ક્યાં જાવું છે?’

‘આપણે પ્રભુ! પેલો – ઉજાસ આવે – ત્યાં; રા’નો એ શસ્ત્રાગારખંડ છે. રા’ અત્યારે ત્યાં હોવો જોઈએ! આપણે ત્યાં પહોંચી જઈએ.’

‘આંહીં રા’નું માણસ કેટલુંક રહે છે?’

‘આંહીં? બહુ બહુ તો પચાસ-પોણોસો: આ કિલ્લેબંધીના ચારેતરફના ચોકીદારો છે એ. રા’ તો આંહીંથી સોઢલની ગઢીએ જાય છે – જુદ્ધે ચડે ત્યારે – અને પછી ત્યાંથી સેન ભેગું થાય છે. આ શિરસ્તો છે. પછી કોણ જાણે ફર્યું હોય તો! પણ આમ કેમ થયું?

‘હા, પણ આમ કેમ થયું? તમે તો કોઈ ઓળખીતાની ચોકી આંહીં ધારી’તી ને?’

‘માએ તો વિહુભા સાથે કહેવરાવ્યું’તું, ત્યાં થોભણ બેઠાં હશે! પછી કોણ જાણે કેમ થયું? આ તો કોક બીજો નીકળ્યો! સારું થયું, હું ચેતી ગયો. થોભણ હોત તો કાંઇક ને કાંઇક બોલતો હોત!’

દેશળે આ વાત કરી ન હતી. પૂછ્યું ત્યારે દેશળે ઉતાવળની વાત કરી હતી. એમાં પોતાનું મહત્વ સિદ્ધ કરવાનો જ એનો હેતુ લાગ્યો. જ્યારે આવું જોખમભર્યું કામ કરવા નીકળ્યા, ત્યારે ઝીણામાં ઝીણી વિગત ધારી ન નીકળેલ તો શું કરવું એનો કાંઈ ખ્યાલ દેશળને ન હતો. એટલે હવે સિદ્ધરાજે પોતે  યોજના માંડી: ‘પરશુરામ! જે બહાર આવે તે સૂઈને જ આગળ વધે! ઊભા થવાની વાત નહિ; અને ધીમે ધીમે ચારે તરફ ગોઠવાતા જાઓ. પેલો તો, આડેસર પહોંચી ગયો નાં?’

‘એ તો પહોંચી ગયો તળિયે, પ્રભુ!’ 

‘કોણ હતો?’

‘એ તો કોને ખબર? જે હોય તે.’

‘ઠીક. પણ બે જણા ઉપર જઈને ક્યાંક છુપાઈ જાઓ; જરાક હિલચાલ દેખે કે તરત ખબર આપી દેવી! દેશુભા આપણે આગળ વધો. આડેસર! તું ને ધુબાકો અમારી ભેગા રે’જો. બેસીને કે સુઇને સૌએ આગળ વધવું.’

‘એક પગદંડી છે – આટલામાં – એ પકડીએ તો? એ માથોડાપૂર ઘાસમાં છે. આંહીં ક્યાંક છે. આ રહી!’ દેશળે પગદંડી બતાવી. એમાં છુપાઈને આગળ જવાય તેવું હતું.

‘આડેસર! તું પહેલો જા – થોડેક અંતરે. પછી દેશુભા આવશે. ધુબાકા તું છેલ્લે રહેજે. કાંઇક જરા પણ શંકા પડે કે તરત શાંત થઇ જજો!’

પગદંડીને આધારે આધારે રા’ના શસ્ત્રાગારે સૌ આવી ગયા. ત્યાં શસ્ત્રાગારમાં દીપાવલિ શોભી રહી હતી. તેનો આછો ઉજાસ બહાર પડતો હતો. શસ્ત્રાગારની બહાર ઓટલા ઉપર માત્ર બે-ચાર સૈનિકો બેઠેલા એમણે જોયા.

‘દેશુભા! શસ્ત્રાગારમાં માણસો રહે છે? કેટલાક?’

‘ચોકીદારી તો ચારેતરફની કોટભીંતે રહી ગઈ, પ્રભુ! આંહીં કોઈ આવે એ શંકા જ નહિ નાં! આંહીં તો આ ચાર-પાંચ બેઠાં છે એ જ; પાછળની બાજુ કદાચ કોઈ નહિ હોય!’

જયદેવે દેશુભાને ઈશારત કરી, શસ્ત્રાગારના પાછળના ભાગમાં જવાની. આગળનો રસ્તો એમણે છોડી દીધો. થોડી વાર પછી સૌ શસ્ત્રાગારની પાછળના ભાગ તરફ આવી ગયા હતા. આવીને ગુપચુપ થોભ્યા. અંદરથી એક-બે જણાના અવાજ આવતા હતા.

‘આડેસર! જો તો – પેલો ગોખલો દેખાય એમાંથી – અંદર કોણ કોણ છે?’

ધુબાકો ને આડેસર અંધારામાં જમીનસરખા થઇ સરપની પેઠે એકદમ ધીમે સરતા ગયા. એક જણ ચારે પગે થયો. બીજો જણ એના ઉપર ઊભો થયો. થોડી વારમાં એ પાછા આવ્યા.

‘અંદર રા’ છે, પ્રભુ!’

‘છે?’ જયદેવને પોતાની મહેનત ફળતી લાગી. રા’ને પકડી લેવાય તો જુદ્ધ તરત પૂરું થાય!’

‘બીજું કોણ છે?’

‘કોઈ બાઈ માણસ છે.’

‘રા’ને હવે આંહીંથી ભાગવાનો કોઈ માર્ગ છે, દેશુભા?’

‘ના, પ્રભુ!મારી જાણમાં તો નથી!’

‘ધુબાકા! તું ને આડેસર પેલા સૈનિકો બેઠા છે એ બાજુ પાછા પહોંચી જાઓ,’ બહુ ધીમે અવાજે જયદેવે કહ્યું, ‘અમારો અવાજ થતો સાંભળો કે તરત એમને પૂરા કરી નાખજો; ને રા’ નીકળે તો રોકી લેજો. ઉપડો! જોજો –’ જયદેવને ઘડીભર લાગ્યું કે રા’ને આંહીં જ સપડાવી દેવાશે.

દેશળ આગળ ચાલ્યો. એની પાછળ જયસિંહદેવ હતો.બંને જણા પછવાડેના દ્વાર પાસે આવીને ઊભા રહ્યા; એક તરફ ગુપચુપ ભીંતસરસા ઊભાઊભા અંદરની ચર્ચા જોવા લાગ્યા. અંદર દીપકનો પ્રકાશ હતો. ખેંગાર તૈયારી કરી રહ્યો હતો. જયદેવે જોયું. પણ ત્યાં રાણકદેવી ન હતી. રા’ની બહેન લીલીબાને જયદેવે ઓળખી: ‘દેશુભા! આ તો મા લાગે છે!’

‘શંકા ન પડે માટે એ આંહીં રહ્યાં લાગે છે!’

હવે જયદેવને લીલીની ભયંકર કુનેહનો ખ્યાલ આવ્યો. રા’ને ઠેઠ સુધી એણે અંધારામાં રાખ્યો હોય એમ જણાયું. હજી આંહીં સુધી કોઈ વાત આવી ન હતી.

અંદર બોલાસ થયો. જયદેવે કાન દીધા. રા’ બોલતો જણાયો: ‘પૂજારી આવ્યો નહિ, લીલી! ને દે’ને મંદિરે જવું પડ્યું: પૂજારી મોડો પડ્યો લાગે છે!’

‘જરાક એ છે પણ ભંગેરી જેવો હો, ભાઈ!’ લીલીએ જવાબ આપ્યો, અને જવાબ આપતાં જ એણે એક ચકળવકળ દ્રષ્ટિ બારણા તરફ નાખી. કોઈ ત્યાં હતું નહિ. એને કોઈના આવવાનો ખોટો ભણકારો પડ્યો હતો. જયસિંહદેવ એની દ્રષ્ટિનો મર્મ સમજી ગયો. એ રાહ જોઈ રહી હતી – દેશુભાના આવવાની!

‘ભાઈ! પણ તમે નસીબદાર હોં!’ લીલી બોલી: ‘મા ભવાનીનો આશીર્વાદ પ્રસાદ લઈને ભાભી પોતે આવશે પૂજારીને બદલે.’

જયદેવને સાંકળી બેઠી: રાણકદેવી કાલીમંદિરમાં આશીર્વાદ માગવા ગઈ હતી. એના આવવાની આંહીં રાહ જોવાતી હતી. રા’નીકળવાની તૈયારી કરી રહ્યો હતો.

‘પણ લીલી! તેં વિહુને મોકલ્યો’તો ને તપાસ કરવા! એ પણ આવ્યો નહિ! દેહુભા દેખાણો નહિ!’

‘દેહુભા તો વખતે રાહ જોતો હોય, પણ વિહુભાને તો કહ્યું’તું કે તું તારે દુદા કે હમીરને કહીને તરત પાછો આવજે; પૂજારી આવે કે તરત આંહીં મોકલે!’

‘પણ પૂજારીને આટલો ખોટી કેમ થાય?’

‘હું એ જ કહું છું! ક્યાંક ભંગેરી ભૂલી ગયો હોય નહિ.’

લીલીબાએ બોલીને ફરીથી એક ચોરી દ્રષ્ટિ પાછળ ફેંકી લીધી. જયસિંહદેવ એ જોઈ રહ્યો.

‘લીલી! આ રસ્તાની જાણ એક તને છે,’ રા’એ ગંભીર ભાવે કહ્યું, ‘એક મને છે. આપણા રા’ના વંશવેલાનો સવાલ હોય, કોઈ રાણીવાસને ભાગવું હોય, કોઈ રા’ને દુર્ગ ત્યાગનો ખપ હોય. ત્યારે જ એ વપરાતો આવ્યો છે એ તું જાણે છે. આ વખતે તો માલવાનું અફીણ આવે ને આંઈ સોલંકીના જૂથ પડ્યાં હોય. એટલે મેં એ વાપરવાનું ઠેરવ્યું. ત્યાં આ થયું! જોયું? હવે એ પાછો બંધ કરી દેવો છે. એ રસ્તાનું માતમ ખંડિત કરવું નથી. પણ હવે તો પછી પેલા દુદા ને હમીરને ખબર પડી છે!’

‘દુદા ને હમીરને! આની આ મારગની? એને તમે આ મારગની ખબર કરી છે, ભાઈ! એ તમે શું કર્યું!’ લીલી ચમકી ગઈ લાગી. જયસિંહદેવને દુદા-હમીરની વાતની સાંકળ સમજાઈ ગઈ – એ કેમ સામા મળ્યાં તે.

‘મેં એમને બોલાવીને કહ્યું હતું કે તમે જઈને ખબર કાઢજો, પૂજારીની. વખત છે રાતનો; વખતે કોઈ જનજાનવર હોય તો, એ ભડકે!’

લીલી સડક થઇ ગઈ લાગી. તે ખાસીયાણી પડી ગઈ હતી. દુદો ને હમીર સામે ગયા હોય – ને દેહુભા એ  રસ્તે જ આવતો હોય તો?

‘અરે પણ ભાઈ! આ તો આપણો એકનો એક મારગ ટળી ગયો! આ પૂજારી તો રા’ કુટુંબનો વંશપરંપરાનો – એટલે એ રસ્તાનો જાણકાર; એના વેણ ઉપર રાજવંશના અધિકાર નક્કી થાય – પણ આ તો ભારે થઇ! દુદો ને હમીર હજી ન ગયા હોય તો હું દોડું! એ મારગ તો આપણી જીવાદોરી, ભાઈ! હું જાઉં, હજી રોકી દઉં એમને જતાં.’

લીલીબાની દ્રષ્ટિ ચકળવકળ બંને તરફ બારણા ઉપર જ વારંવાર જવા લાગી.

‘હવે જાવું નકામું છે. હવે તો એ આવતા હોવા જોઈએ, તું શું જુએ છે લીલી? છે કાંઈ?’

‘છે નહિ કાંઈ, ભાઈ! પણ આ તો હવે પેલા આવી જાય તો મને નિરાંત થાય!’

‘કોણ?’

‘આ વિહુભા-દેહુભા –’

‘થોભણ!’ રા’ એ સાદ કર્યો.

‘થોભણ આંહીં કેવો,ભાઈ? ભૂલી ગયા – એને તો તમે ત્યાં મોકલ્યો છે ને – ડુંગરે બેસવા? પછી તો વિહુ ગયો!’

જયસિંહદેવના મનમાં આખી તમામ પ્રસંગની માળા ગોઠવાઈ ગઈ. પોતે ભાગ્યરેખાનો સ્વામી – એટલે આજે આંહીં પહોંચી ગયો. બાકી, બાજી ઊથલી જવાને વાર ન હતી. વિજય પોતાને છે – રા’ ચોક્કસ સપડાયો છે – એની પણ એના મનમાં ગાંઠ બેસી ગઈ.

‘મેં તો ત્યાં પછી મોકલ્યો ઘારણ ને,’ રા’ બોલ્યો: ‘થોભણ આંહીં જ છે!’ 

‘ત્યારે પેલો ગયો ખીણમાં એ ઘારણ!’ જયદેવે દેશુભાનો હાથ દબાવ્યો. એટલામાં થોભણ આવ્યો.

પણ લીલીબા હવે ઘણી આકુળવ્યાકુળ થઇ ગઈ લાગી. તે પોતાની વ્યાકુળતા છુપાવવા માટે મોટેથી વાતો કરવા લાગી. કૃત્રિમ રીતે હસવા લાગી; ઉતાવળ દેખાડવા લાગી; હેતનો સાગર ઊભરાતો હોય તેમ ખેંગારને સજ્જ કરવા મંડી.

‘ભાભી તો. ભાઈ! કે’ છે, ભવાની સાથે પ્રત્યક્ષ વાત કરે છે, એ સાચું? તમે પારખું કર્યું છે? કે’ છે હાજરાહજૂર વાત કરે છે!’

‘એનું શું બીજું પારખું, લીલી? એક મેં અનુભવ્યું છે, એ તને કહું. એની હાજરીમાં હવા ફરી જાય છે. મારામાંથી શક્તિના ઝરણાં ફૂટે છે. મને તો કોઈ વખત આખો ડુંગર ઉપાડી લેવાનું મન થાય છે! પછી જે હોય તે.’

‘એમ? ત્યારે બચારો જેસંઘદેવ પછી આંહીં ઢેફાં જ ભાંગે નાં?’ લીલીએ કહ્યું. પણ એની આંખમાં ઝેર હતું. વાણીમાં મશ્કરી હતી, મોં ઉપર ક્રૂર હાસ્ય હતું.

‘પણ આ શું? અવાજ સાંભળો છો તમે?’

રા’એ કાન દીધા: એ તો રણહાક લાવે છે; બીજું કાંઈ સંભળાય છે?’

‘ના. થોભણ! જો તો, અવાજ ક્યાંથી આવી રહ્યો છે?’

‘અલ્યા! શું છે? શું સંભળાય છે? મુંજાલ મહેતા આવ્યા છે કે શું?’

‘આવ્યું કોઈ નથી, પ્રભુ! હજી તો મજેવડી દરવાજે જંગલનું જુદ્ધ ચાલે છે!’ થોભણે પાછા આવીને કહ્યું.

જયદેવને લાગ્યું કે, ધારાગઢ દરવાજાની વાત પણ હજી આંહીં આવી લાગતી નથી, પણ એટલામાં જ કોઈકનો અવાજ બહારથી આવ્યો, રા’ ચમકી ઊઠ્યો: એક સૈનિક ગાભરો ગાભરો દોડતો આવી રહ્યો હતો: ‘મહારાજ! પ્રભુ! ધારાગઢ ભેલાણો છે. દુદો ને હમીર માર્યા ગયા છે. દેશુભાએ દગો દીધો. રસ્તો બતાવી દીધો!’

‘હેં? ધારાગઢ ભેલાણો? લીલી! તારો દેહ...’

પણ રા’ હવામાં વાત કરી રહ્યો હતો – લીલી ત્યાં હતી જ નહિ.