Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 29

૨૯

મહારાજ જયદેવની યોજના

ઉદયને હવે સ્પષ્ટ રીતે જોઈ લીધું કે મુંજાલના હલ્લાના સમય પહેલાં જ જયદેવ મહારાજની યોજના સફળ થવાની હતી. એટલે મહારાજ જયદેવ પોતે જ હવે આ યુદ્ધને દોરવા માગે છે એ ચોક્કસ થયું. ત્યાગવલ્લીની જે વાત થઇ ગઈ એ હમણાં એમ જ રહે – અને આંતરઘર્ષણ જન્માવતી બંધ પડે – એ વસ્તુ સમયસર એમણે સ્વીકારી લીધેલી લાગી: એ વિશે એમણે ત્યાર પછી ઈશારો જ કર્યો ન હતો. ઉદયનને પોતાના અભ્યુદય માટે એ જરૂરી લાગ્યું હતું. એણે ફરીને બીજો માણસ પણ સ્તંભતીર્થ તરફ રવાના કર્યો હતો. ત્યાગવલ્લી પાછી હાથતાળી દઈ ન જાય એ જોવાનું હતું. એણે મુંજાલની મહત્તા ઉપર આવનારો ઘા નીરખી લીધો હતો. પોતા માટે એ ભૂમિકા તૈયાર કરી રહ્યો હતો. 

પૂર્ણિમા આડે બે દિવસ રહ્યા. કૃપાણ તમામ મોરચે ફરી વળ્યો. રાત્રીના પહેલાં પ્રહરે જયદેવે સૌને બોલાવ્યા. તમામ મોરચેથી તમામ સેનાધ્યક્ષોને આવવાનું હતું. તે પ્રમાણે એક પછી એક સૌ આવવા માંડ્યા. પૃથ્વીભટ્ટ આવ્યો. એ ધારાગઢ બાજુ હતો. વંથળી મોરચેથી સજ્જન મહેતો આવ્યો. સોમનાથથી પરશુરામ આવ્યો. ઉદયન તો આંહીં જ હતો. ધુબાકો અને આડેસર જેવાને મહારાજે બોલાવ્યા હતા. બહારના ચોગાનમાં એ સૌ પ્રતીક્ષા કરતા બેઠા હતાં. મહારાજની રાહ જોવાતી હતી. મહાઅમાત્ય મુંજાલ ધારાગઢ તરફની એની કામગીરીમાંથી આવી શક્યો ન હતો. સૌના મનમાં, આગામી એક-બે દિવસમાં, મહાઅમાત્યે યોજેલા મહાન હલ્લાની વાત હતી. મહારાજ આજે કાંઇક નિશ્ચયાત્મક પગલું ભરશે, એ વિશે ઉદયનને ખાતરી હતી. અનિવાર્ય ઘર્ષણનો એ લાભ ઉઠાવી લેવા માંગતો હતો.

પણ એને જયદેવના પગલાનો હજી વિશ્વાસ ન હતો. મહારાજની દરેક હિલચાલની એ પોતે પ્રતીક્ષા કરી રહ્યો હતો. એટલામાં કૃપાણ આવી પહોંચ્યો.

થોડી વાર થઇ ને મહારાજ આવ્યા. એમણે એક વેધક દ્રષ્ટિ ચારે તરફ ફેરવી લીધી.

‘પરશુરામ! મુંજાલ મહેતા હજી નથી આવ્યા? તેં કહ્યું નથી, કૃપાણ – આજે આંહીં પહેલે જ પ્રહરે આવી જવાનું છે તે?’

‘પ્રભુ! મેં સંદેશો આપી દીધો છે!’ કૃપાણે જવાબ દીધો.

‘ત્યારે? જયસિંહદેવની અધીરતા ઉદયન નિહાળી રહ્યો. ભાવિ નીતિની રેખા એમાંથી સ્પષ્ટ દેખાઈ ગઈ. નેતૃત્વની એમાં ચોખ્ખી છાયા પ્રગટતી હતી.

મીનલદેવી પાછળ શાંત બેઠી હતી. તેણે આ જોયું. એને આ રુચ્યું નહિ: ‘જયદેવ! મહેતા આવતા હશે. પણ તારા અવાજમાં આટલી ઉતાવળ કેમ છે:’

‘મા હવે આપણે ક્યાં સુધી આ જુદ્ધ લંબાવીશું? માલવાનો ભય આપણને ડારે છે, એના કરતાં વધુ તો એ કે આંહીં આપણે ખૂંપી જઈશું ને નાના બનીશું.’

‘એ તો તને સૌ કહી રહ્યા હતાં, કાં ઉદા? અને મુંજાલ મહેતા એ જ યોજનામાં પડ્યા છે!’

‘હા, પણ મારી પાસે મારી...’

‘પ્રભુ! મહાઅમાત્યજી આવતા હશે. એમને માથે માથું કેવું?’ ઉદયને હાથ જોડ્યા પછી ઉમેર્યું: ‘એ આવે તો ખબર પડે, એમની તૈયારી સજ્જડ હશે!’

ઉદયન પાસે સરીને ધીમેથી છેલ્લું વાક્ય બોલ્યો; પણ તેના શાંત શબ્દો ખરી રીતે બીજા હેતુથી જ યોજાયા હતાં.

‘તૈયારી? મેં તો ક્યારનુંય એમને કહેવરાવી દીધું છે. ક્યાં ગયો પરશુરામ? પરશુરામ!’

પરશુરામ પાસે આવ્યો.

‘તેં કહ્યું નથી મુંજાલ મહેતાને, કે આપણો મુખ્ય હલ્લો હવે ધારાગઢથી નહિ હોય? વંથળી બાજુથી કરવાનો નિર્ણય થયો છે. ક્યાં છે સજ્જન મહેતા?’

‘પ્રભુ! એ તો આવ્યા છે – એ બેઠા ત્યાં. મહારાજનાં સમાચાર સૌને બરાબર પહોંચાડી દીધા છે.’

‘પણ જયદેવ! છેક છેલ્લી ઘડીએ થયેલી ફેરફાર મુંજાલને રુચ્યો ન હોય – આખો દોર સંભાળ્યો છે, એમાં ફેર પડે નાં?’

‘જુઓ મા! મુંજાલ મહેતાને આ એક જુદ્ધની પડી છે; મારે તો આખા જીવનના જુદ્ધની આ ઘડી છે. મેં નિશ્ચય કર્યો છે –’

‘આ મહાઅમાત્યજી પોતે આવ્યા, લ્યો,’ ઉદયને કહ્યું. ‘અત્યારે પણ એમનાં મગજમાં વ્યૂહ ચાલી રહ્યો લાગે છે. એ તો એ જ ધૂન હોય નાં! રાજસેવા કાંઈ સહેલી છે?’

મીનલદેવી સાંભળી રહી. આ મુંજાલની પ્રશંસા હતી કે એના ઉપર કટાક્ષ હતો એ જોવા એણે ઉદયન તરફ સહેજ દ્રષ્ટિ કરી. પણ એ તો કાંઈ ન હોય તેમ ભોંય ઉપર નજર માંડી બેઠો હતો. હમણાં હમણાં એનો જયદેવ સાથે વધુ મેળ થતો એ એણે જોયું હતું. એટલામાં મુંજાલ આવ્યો – ગૌરવથી, છટાથી, વિજેતાના તાનથી પોતાની યોજનાની સફળતાનો ધ્વનિટંકાર એના મગજમાં નિષ્કંટક રાજ્ય કરતો હતો. એણે રાતદિવસ જોયા વિના ધારગઢની તરફના ગઢ જંગલમાં મોરચાની જમાવટ માંડી હતી. કાષ્ઠમંડપિકાની એક હારમાળા રચી કાઢી હતી. આખું સૈન્ય દુર્ગપ્રવેશ કરશે એવી શ્રદ્ધા હતી. એ માંડમાંડ જયદેવ પાસે મહાઅમાત્યની પરંપરાનું ગૌરવ સ્થાપી શક્યો હતો. મહારાજને પ્રણામ કરી  પોતાની બેઠકે એ બેઠો. પોતાનું ગૌરવ પાછું ડગુમગુ ન થાય એ એને જોવાનું હતું. એણે જયસિંહદેવની આજ્ઞામાં પાછો ભય જોયો હતો. એટલે એ સાવચેત હતો. તે પાસે આવ્યો. શાંતિથી બેઠો. તેણે આસપાસ નજર ફેરવી. ‘ક્યાં ગયો પરશુરામ?’ તે બોલ્યો; ‘શું એ ભરડી ગયો’તો સમજ્યા વિનાનું? મેં તો ત્યાં તૈયારી સંપૂર્ણ કરી દીધી છે, મહારાજ!’ તેણે જયદેવ તરફ ફરીને કહ્યું.

‘શાની?’ જયદેવે શાંતિથી કહ્યું. પણ એ શાંતિ ભયંકર હતી. ઉદયન એ કળી ગયો. મીનલદેવી ચમકી ઊઠી.

મુંજાલ મહારાજની નજીક આવ્યો, ધીમેથી બોલ્યો: ‘કેમ, મહારાજ? કાલે તો આપણો મોટો હલ્લો – ધારાગઢ બાજુ દુર્ગ ઉપર! મહારાજને એ કહેવરાવવાઈ ગયું છે!’

‘કોણે કહ્યું?’

‘મેં એ પ્રમાણે ગોઠવ્યું છે, મહારાજ!’ મુંજાલે ગૌરવથી કહ્યું, ‘ત્યાં બધી તૈયારી સંપૂર્ણ છે. એ પ્રમાણે તમને કહેવરાવાઈ ગયું છે, પ્રભુ! છેક છેલ્લી ઘડીએ – હવે એમાં ફેરફાર ન હોય, એવો ફેરફાર તો આપણને હતા ન હતા કરી નાખે! આ જુદ્ધ હવે પૂરું થવું જોઈએ. મેં જે આ ગોઠવણ...’

‘એટલા માટે પરશુરામ સાથે સંદેશો ક્યારનો મોકલી દીધો હતો, મુંજાલ! એટલે છેલ્લી ઘડીનો સવાલ નથી. તમને એ મળ્યો નથી, મહેતા? પરશુરામ. તેં મારો સંદેશો મુંજાલ મહેતાને બરાબર પહોંચાડ્યો હતો કે નહિ?’ જયસિંહદેવના સ્વરે પોતાનું પ્રથમનું આજ્ઞાધારક રૂપ પ્રગટાવ્યું. મુંજાલ સચેત થઇ ગયો.

‘અલ્યા, પરશુરામ! શું તું સમજ્યા વિનાનું કહી ગયો’તો?’ મુંજાલે પરશુરામને પ્રશ્ન કર્યો. પણ પોતાની વાત અફર રહેવાની છે એ નિર્ણય એમાં હતો.

‘મહાઅમાત્યજી!’ પરશુરામે તક પકડી. લીલીબના પ્રસંગે થયેલી એની અવગણનાનો ડાઘ હજી એની છાતી ઉપર બેઠો હતો. મુંજાલે એને શિખામણ આપી એ એને હજી સાંભરતી હતી. અત્યારે તક હતી. ઉદયનની દ્રષ્ટિએ એનામાં અવેશ પૂર્યો. ‘હું તો સંદેશાનો અનુચર રહ્યો, મહાઅમાત્યજી!’ તે બોલ્યો: ‘સમજ્યા વિનાનો એ સંદેશો હોય, કે સમજણવાળો હોય, એ જોનારો હું કોણ? મેં તો મહારાજનો સંદેશો તમને આપી દીધો – મારુ કામ પૂરું થયું!’

‘ત્યારે શું? સંદેશો મારો હતો, મુંજાલ! હેતુ વિનાના સંદેશા હું મોકલતો નથી!’

‘પણ, પ્રભુ! તૈયારી સંપૂર્ણ થઇ ગઈ છે, તેનું શું? હવે ફેરફાર કરો તો નેવનાં પાણી મોભે ચડે!’

‘એ જોવાનું છે – સંદેશો મોકલનારને, સાંભળનારને નહિ!’

‘મહારાજ! આ જુદ્ધ મારે હવે પૂરું કરવું છે! કરવું છે નહિ, મેં કર્યું છે!’ મુંજાલે ગૌરવથી કયું, ‘એ પૂરું કરવાની  યોજના મેં કરી છે. એ યોજના સંપૂર્ણ છે. મારી પાસે એની ખાતરી છે. એમાં હવે ફેરફાર ન હોય. મારે તમને સંભારી દેવું પડશે? તમે ત્યાં કેદારેશ્વરમાંથી તો ચાલી નીકળ્યા હતા અને આખી વાત મારે ગોઠવી લેવી પડી હતી. આજ છેલ્લી ઘડીએ હવે આપણી ફજેતી કરાવવી છે? તમારી દ્રષ્ટિ માલવા ઉપર છે, ભાવબૃહસ્પતિ ઉપર છે. ભારતવિખ્યાત કીર્તિ ઉપર છે. વિદ્યાભવન ઉપર છે, વિક્રમી યશ ઉપર છે. એની ભવ્યતા હું સમજુ છું. પણ એ આમ સિદ્ધ ન થાય. એવી રીતે તો આપણી મશ્કરી થાય. પહેલું આ યુદ્ધ, બીજું બધું પછી’

‘મુંજાલ! મેં તમને સૌને કહ્યું છે; આજ ફરીને કહું છું,’ જયસિંહદેવનો અવાજ એકદમ શાંત હતો, પણ એમાં રહેલી દ્રઢતા વજ્જર જેવી હતી: ‘જ્યારે હું આત્મશ્રદ્ધાના રણકારથી કાંઈ પણ બોલી રહ્યો હોઉં, ત્યારે એમાં શંકા નહિ, સવાલ નહી; સમજણ-અસમજણની ચર્ચા નહિ; વિલંબ નહિ, એનો સૈનિકની ઢબે સ્વીકાર તમારી પાસે માંગું છું – બીજું કાંઈ જ નહિ. પાટણની યશગાથા આપણે ઉજ્જવલ રાખવી છે.’

‘પણ જયદેવ, મુંજાલ મહેતાની વાત તેં સાંભળી, એને તું સમજ્યો? અમે તો એક જોયું’તું – અથવા જવા દે; એ હું તને પછી કહીશ. પણ મુંજાલ મહેતાને શું કેવાનું છે એ તો તું જાણી લે!’

‘હા, શું કહેવાનું છે? બોલો ને શું કહેવાનું છે, મહેતા?’

‘જુઓ, મહારાજ! આ તો સેંકડો સૈનિકોના જીવનનો પ્રશ્ન છે. મહારાજને પોતાને મારે કાંઇક કહેવાનું છે; પણ તે માત્ર મહારાજ માટે જ છે!’ બધા બેઠા હતા તેમનાં ઉપર તેણે નજર ફેરવી.

મહારાજે એક સૂચક દ્રષ્ટિ નાખી. તમામ ઊભા થઇ ગયા; બોલ્યા વિના બહાર નીકળવા લાગ્યા.

‘ઉદા! તું આંહીં રહેજે! તારું કામ છે!’ જયદેવે ઉદયનને રોક્યો. મુંજાલને એ ગમ્યું નહિ, પણ એ શાંત રહ્યો. ઉદયન ગુપચુપ મહારાજ પાસે પાછો બેસી ગયો. આ ઘર્ષણથી વીજળી ઝરી હતી. ‘પ્રભુ! મહાઅમાત્યજીની યોજના... સમજવા જેવી હશે.’ તેણે હાથ જોડ્યા. અત્યંત શાંતિથી કહ્યું.

‘આપણે સાંભળો... ત્યારે –’ જયદેવ બોલ્યો.

‘જુઓ, મહારાજ! મુંજાલે કહ્યું, ‘આવતી કાલે જ આપણે દુર્ગપ્રવેશ કરી શકીશું!’

‘આવતી કાલે જ? પણ કોના – તમારા કહેવાથી, મહેતા?’

‘મારા કહેવા ન કહેવાની વાત નથી; મારા કહેવાની પાછળ એક નક્કર યોજના પડી છે!’

‘ત્યારે એ સમજાવો – શી યોજના છે?’

‘શી... તે આ. ષટ્કર્ણ મંત્રભેદ થાય એટલે મેં કોઈને કહેલ નથી. મારી પાસે સંકેત છે: પૂર્ણિમાનો મને સંકેત મળ્યો છે. મહારાજ ભેદ વિના આ દુર્ગનો પાર નહિ પમાય. તમારે એ જોઈતું નથી; પણ એ કર્યા વિના છૂટકો નથી.’ મુંજાલ સ્પષ્ટતાથી ને મક્કમતાથી બોલી રહ્યો: ‘મેં બાને એ કહી દીધું હતું.’ મુંજાલે મીનલ તરફ દ્રષ્ટિ કરી.

‘વાત એની સાચી છે, જયદેવ!’

‘એટલા માટે મેં કહ્યું કે યોજના છેવટની છે. હું એ સૌને સમજાવું. આ નિર્ણય આવી રીતે લેવાનાં નક્કર કારણો છે, પ્રભુ!’

‘શું?’

‘તે પ્રગટ થાશે – સમય આવ્યે, અત્યારે નહિ. અકાલે મંત્રભેદ તો અંત આણે – વ્યક્તિનો ને પ્રજાનો.’ મુંજાલે ગૌરવભરેલી છટાથી કહ્યું. ઉદયને જયસિંહદેવના શાંત ચહેરાને વધુ સતેજ થતો જોયો. મીનલ આગામી પરિણામ અટકાવવા, જરાક સ્થિર – શાંત થઇ બોલવાની તૈયારી કરવા મંડી. ત્યાં મુંજાલનો એ જ દ્રઢ સ્વર ફરીને સંભળાયો: ‘કાલે પૂર્ણિમા છે, મહારાજ! કાલે ધારાગઢને પૂર્વ દરવાજે... ગવાક્ષમાં...’

‘મુંજાલ! તારે શું કેહવું છે એ હું જાણું છું. તું ધારે છે, ત્યાં ગવાક્ષમાં લીલીબા હશે. પણ ત્યાં કોઈ નહિ હોય. દેશળ પણ નહિ હોય; વિશળ પણ નહિ હોય; અને એમનો સંકેત પણ નહિ હોય! બીજું કાંઈ છે તારે કહેવાનું?’ જયદેવના અચાનક આવેલા ઘટસ્ફોટથી મુંજાલ ક્ષોભ પામી ગયો. તેણે ઉતાવળે કહ્યું: ‘તમને આ કોણે કહ્યું, પ્રભુ?’

‘જેણે તને કહ્યું એણે જ! પેલાનો વસ્ત્રલેખ તને સાંભરે છે! – તીર દ્વારા પડ્યો’તો એ? તને એ મારી પાસેથી મળી ગયો, સહેજ યુક્તિથી. પણ એથી શું?’

ઉદયનને હવે સમજાઈ ગયું કે પોતે જે સંકેત આપ્યો હતો તેનો મર્મ રાજાએ કેમ ત્વરાથી પકડી લીધો હતો. તે શાંત બેઠો રહ્યો, પણ મુંજાલને એના ઉપર જ શંકા આવી હતી. આ દુર્ગમાં ગયો હતો. એમાંથી આ થયું.

જયસિંહદેવ એ કળી ગયો. તે મનમાં જરાક હસ્યો.

‘તમને મળેલી માહિતી, મહારાજ! છેલ્લામાં છેલ્લી છે? અને બરાબર છે?’

સિદ્ધરાજે ડોકું ધુણાવ્યું: ‘સો ટચના સોના જેવી.’

‘કોણે આપી છે?’

જયદેવે ઉદયન તરફ જોયું: ‘આ જાણે છે, મુંજાલ!’

‘શી વાત છે, ઉદયન?’

ઉદયન ચમકી ગયો. મહારાજ જયસિંહદેવે જુક્તિ કરી હતી: પોતાને મુંજાલ સામે ધરી દીધો હતો – છટકી ન શકાય તેવી રીતે. વાત હતી એની તો એને પણ ક્યાં પૂરી ખબર હતી: છતાં એ વાતને નકારી શકે તેમ ન હતો. તેમ જ મુંજાલ સામેથી પાછું પગલું પણ ભરી શકે તેમ ન હતો. મીનલે તેની સામે જોયું: ‘શી વાત છે, ઉદા?’

તેણે બે હાથ જોડ્યા: ‘બા! મહારાજ સમર્થ છે!’ કોઈ કાંઈ ન સમજે એવો પ્રત્યુત્તર એણે આપ્યો.

‘જયદેવ! શું છે?’

‘તમને કહેનારની માહિતી અપૂર્ણ હશે તો? એક જરા જેટલી ભૂલ થશે મહારાજ! તો પરિણામ ખતરનાક આવશે. મારી માહિતી સંપૂર્ણ છે! મહારાજે એક વખત... પેલી માલવી...’

મુંજાલે વાત આગળ ન વધારી. જયદેવે એનો ધ્વનિ પકડી લીધો.

‘જો મુંજાલ! એ વાત આજ તમે સૌ છો ને હું કહી દઉં – એ વાત હવે ફરી ઉખેળવાની નથી, મારા મન ઉપર માલવા છે – માલવાની વિધ્વદ્સભા છે, પરદુઃખે દુખી વિક્રમ છે, બધું છે, કેટલીક વ્યક્તિઓ અસામાન્ય અણમોલ હોય છે. તમારે માટે, મારે માટે, સૌને માટે, એ એક કોયડો છે. તું જે વાત કરે છે પેલી માલવી નારીની, તો પહેલાં એની વાત કરી દઉં. અત્યારનો આંતરિક કલહ શમી જાય એટલા પૂરતી એ અદ્રશ્ય છે. પણ એની ભવ્યતાએ મને નવી સૃષ્ટિ આપી છે. સમય આવ્યે એનો સાચો પરિચય મળશે. પણ અત્યારે આપણો પ્રશ્ન ધારાગઢ દરવાજાનો છે.’

‘હું એ જ કહું છું,મહારાજ! નક્કર ભૂમિકા છે?’

‘મારી પાસે નક્કર ભૂમિકા છે,’ જયદેવે દ્રઢતાથી કહ્યું.

‘શી?’

‘અકાલે મંત્રભેદ મૃત્યુ આણે, મુંજાલ! – સૌનું.’ જયદેવે વિજયથી કહ્યું ને એક તાળી પાડી. કૃપાણ ત્યાં ઊભો હતો. એક પળના વિલંબ વિના રાજાના ગૌરવથી જયદેવે વાત ઉપાડી લીધી: ‘પરશુરામને મોકલ તો?’

મુંજાલ ઉદયન પાસે સર્યો. આણે આખી યોજનાને નવું રૂપ આપી એક નવો જ કોયડો ઊભો કર્યો છે એમ એ સમજ્યો હતો. જ્યારે ઉદયનને હજી જયદેવની વાતનો તાગ મળ્યો ન હતો તેણે મુંજાલનો હાથ દાબ્યો, ધીમેથી કહ્યું: ‘આ આવ્યા પરશુરામ! હમણાં વાત કરશે.’

‘પરશુરામ!’ જયદેવનો સ્વર આજ્ઞા આપવા માટે હતો: ‘આજે કઈ તિથી છે?’

‘ચૌદશ, પ્રભુ!’

‘તારે વદ ત્રીજને દિવસે – ત્રીજ છે. નાં ઉદા?’ મહારાજે  ઉદયન સામે જોયું. ઉદયને હાથ જોડ્યા: ‘હા પ્રભુ! ત્રીજ!’ પણ તે મનમાં વિચાર કરી રહ્યો હતો: ‘આ રાજાએ પોતાને ને પરશુરામને મોખરે મૂક્યા હતાં. અને એ રીતે આ વાતનો ઉદ્ગમ મુંજાલ એમના દ્વાર દેખે એવી આ જુક્તિ હતી, જ્યારે આખી યોજનાનું નેતૃત્વ ખરી રીતે જયદેવ પાસે હતું.’

‘ત્યારે જો, તારે ત્રીજને દિવસે, એક પ્રહર રાત્રી વીત્યે, દોઢસો સશક્ત તેજસ્વી વિશ્વાસુ સૈનિકો લઈને, જવાનું છે – ધારાગઢ દરવાજા પાસેના ડાબા હાથ તરફના જંગલમાં – અને ત્યાં ગુપચુપ રહેવાનું છે!’

મુંજાલ આશ્ચર્યથી સાંભળી રહ્યો: રાજાએ નવી જ વાત કરી હતી.

‘ત્યાં એક જૂનું મંદિર છે. એનો પૂજારી તને ઓળખે છે. મંદિરમાં હનુમાનની મોટી ઊભી મૂર્તિ ખેસવીને તને જે માર્ગ પૂજારી બતાવે, એ માર્ગે તારે આગળ વધવાનું છે. એ માર્ગ તમને સૌને છેક રા’ના અંત:પુરની નજીકમાં લઇ જશે. તમારે તમામે ત્યાં પહોંચી જવાનું છે!’

‘એ પૂજારી, મહારાજ! એનો વિશ્વાસ –’ મુંજાલે ધીમેથી સવાલ  મૂક્યો.

‘મુંજાલ! મેં તારી પાસેથી વસ્ત્રલેખથી માહિતી મેળવી હતી; એ મેં તને કહ્યું નાં? યાદ છે નાં? એ આ માણસ –’

મુંજાલને આશ્ચર્યમાં ને ક્ષોભમાં જ રાખીને રાજાએ તત્કાલ પોતાની વાત આગળ વધારી. તેણે પરશુરામને કહ્યું: ‘તું જા, ને ધુબાકાને મોકલ – ધુબાકા અને આડેસર બંનેને.’

બે ક્ષણમાં એ બંને ત્યાં આવ્યા.

‘તમારે એક માર્ગ રુંધવાનો છે, આડેસર! આપણે તે દિવસે જે રસ્તે ગયા હતાં, એ રસ્તે થઈને, માલવાથી કેટલાંક માણસો આવતા હશે, એમને ત્યાં જંગલમાં રોકી દેવાના છે. એ ધારાગઢ તરફ જવાના છે ત્યાં એ કોઈ પણ હિસાબે વહેલા ન પહોંચે એટલું તમારે જોવાનું છે! બસ.’

ધુબાકો અને આડેસર બંને ગયા.

‘આપણે વિગત પછી જાણવાની છે, મુંજાલ!’ જયસિંહદેવે એક ક્ષણ પણ જવા ન દેતાં, વાતનો દોર ચલાવ્યે રાખ્યો હતો. ઉદયન સમજી ગયો: એ હવે કોઈને વચમાં રાખવા માગતો ન હતો; એને મુંજાલના સિંહાસનનું ગૌરવ ગયું લાગ્યું. 

‘અમે જે વખતે રા’ના મહેલમાં હોઈશું તે વખતે, ઉદા મહેતા! તમારે ધારાગઢ દરવાજેથી હલ્લો શરુ કરવાનો છે. એ દરવાજો ખુલ્લો મળી જશે એવી યોજના થઇ ગઈ છે. પણ ત્યાંથી રા’ના મહેલ તરફ આવતાં, તારે સોઢલની ગઢી વટાવવી પડશે. તું હજાર માણસ તૈયાર રાખજે, ત્યાં લોઢાના ચણા છે. અને મુંજાલ મહેતા તમે...’

‘પણ જયદેવ... તું...’ જયસિંહદેવને ઉતાવળે લેવાતાં પગલાંમાં મીનલને સાહસની અવધિ લાગી.

જયદેવે એક હાથે મીનલદેવીને બોલતી રોકી દીધી: ‘જુઓ, મા! હવે તમે શંકા ન કરતાં, ડગુમગુ ન થતાં, ભગવાન ઉપર અશ્રદ્ધા ન રાખતાં. સોમનાથની આજ્ઞા છે. હું એનો દ્વારપાલ છું. આપણે મુંજાલ! રા’ને પકડવો છે, હણવો નથી. ભેદનીતિથી રા’ને હણવામાં અપયશ હતો, અને યુદ્ધનો અંત ન હતો. આમાં એ બંને નથી. આમાં રા’ જાશે, રા’ રહેશે, અને યુદ્ધ પૂરું થાશે. હું પોતે પરશુરામ સાથે હોઈશ – પેલે રસ્તે. પણ તારે તો મજેવડી દરવાજેથી એવો હુમલો શરુ કરવાની તૈયારી બતાવવાની છે કે, રા’નું તમામ લક્ષ ત્યાં જ કેન્દ્રસ્થ થાય. એને તો એમ જ લાગે કે મુખ્ય હલ્લો આંહીંથી છે.’

‘હવે પૃથ્વીભટ્ટ રહ્યો. એને મારે એક બીજું કામ સોંપવાનું છે. મુંજાલ! હવે કોઈને તારે કાંઈ કહેવાનું છે? કોઈને કાંઈ પૂછવાનું છે?’

‘મહારાજ!’ મુંજાલ બોલ્યો, ‘કોઈ આપણને....’

‘જાગ્રત હોઈએ તો બનાવી શકે નહિ, મહેતા! ચાલો, શંકા છોડો, અશ્રદ્ધા ત્યાગો, ઊઠો!’

ઉદયન તરત ઊભો થઇ ગયો. મુંજાલને એમ કર્યા વિના છૂટકો ન હતો. રસ્તામાં એણે ઉદયનનો હાથ દાબ્યો: ‘ઉદા! આ રાજા, એણે કાંઈ આ ઘેલછા તો નથી માંડી નાં? તને ખબર હશે, શું છે આ બધું –?’

‘બીજું શું, પ્રભુ? આ બધી દેશળની કરામત લાગે છે!’

‘એમ?’ મુંજાલને લાગ્યું કે, પોતે એને તાંબાના પતરે લેખ આપવાનો વિલંબ કર્યો તેમાંથી આ થયું.

‘મહારાજે કાંઈ વેણ આપ્યું છે?’

‘ઉદયને વાત ઉડાવી: ‘મહારાજ સમર્થ છે, મહાઅમાત્યજી! જુઓ, એ કાંઇક કહેવા માટે બોલાવતા લાગે છે!’

આગળ ચાલ્યા જતા જયસિંહદેવ સાથે થઇ જવા માટે હોય તેમ ઉદયન ઉતાવળો થયો.

મુંજાલ ગંભીર બનીને ધીમે ધીમે પાછળ ચાલી રહ્યો હતો. આ શી રીતે આમ ફરી ગયું તે હજુ તેની સમજણમાં આવતું ન હતું.