Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 27

૨૭

મહાઅમાત્યપદની ઝાંખી

સ્તંભતીર્થના પોતાના નાનકડા સ્વાધીન અધિકારની કેટલી ઓછી આંકણી છે એ ઉદયનને સમજાઈ ગયું હતું. આંહીં સોરઠમાં એને આવવું પડ્યું – મુંજાલની એક આજ્ઞાએ. પણ આંહીં આવ્યો ત્યારે તો મહાઅમાત્યપદેથી જ હવે પાછા ફરવું એવો મહત્વાકાંક્ષી લોભ એને જાગ્યો હતો. એણે એક વસ્તુ જોઈ લીધી હતી: આ રાજા જયસિંહદેવ ઘણો તેજસ્વી હતો. એનામાં અસાધારણ શક્તિ હતી. એ ધારે તે કરે એવો પ્રભાવ હતો. ભુવનેશ્વરીએ એના વિક્રમી સ્વપ્નને સ્પર્શ કર્યો, અને એ એનો થઇ ગયો. એને એક મહાન આકાંક્ષા હતી: મહાન વિક્રમી સ્વપ્ન સિદ્ધ કરવાની. એને માત્ર મહાન રાજની કે વિજયની તમન્ના ન હતી; એના એવા યશની એને ભૂખ હતી. એ ઘરઘરનો ‘સધરો જેસંગ’ બનવા મથી રહ્યો હતો. અને એટલા માટે જ આ ગિરનારી દુર્ગની વિકટ ડુંગરમાળામાં એ અટવાઈ પડ્યો હતો; એને એ સામે મોંએ લેવો હતો. ત્રિભુવન, જગદેવ આખી ટોળીને મુંજાલે એટલા માટે તો આ રણમોરચેથી વિદાય આપી. સામે મોરચે આ દુર્ગ કદી પણ ન પડે. મુંજાલની પાસે ડુંગરને લેવાની એની પોતાની યોજના હતી. પણ જયદેવને પછી ભુવનેશ્વરી મળી ને એ આખી વસ્તુસ્થિતિમાં રૂપાંતર થઇ ગયું.

ઉદયને આ તમામ બનાવોની એક સાંકળી પોતાના મનમાં ઘડી કાઢી. એમાંથી હવે પોતાનો કયો માર્ગ હતો એનો એ વિચાર કરવા લાગ્યો. એનું ધ્યાન એક વસ્તુ ઉપર સ્થિર થયું. ડુંગરમાળામાં કોઈક એવો રસ્તો ચોક્કસ હોવો જોઈએ, જે ઘડીના છઠ્ઠા ભાગમાં છેક અંદરના ભાગમાં લઇ જતો હોય – એને લઇ જવામાં આવ્યો હતો, એવો કોઈ ગુપ્ત માર્ગ – એવા રસ્તા વિના રા’ ટકી શકે નહિ. એ રસ્તો મળી જાય તો જ આ દુર્ગ લેવાય! પણ એવો રસ્તો કોણ બતાવે?

પરશુરામે કહી હતી તે વાત એને ફરીને યાદ આવી. પરશુરામને લાગતું હતું કે સોરઠનો વિજય હાથવેંતમાં હતો. એ વસ્તુ કેટલેક અંશે સાચી હતી. એ રસ્તાની જાણ લીલીબાને હોવી જોઈએ. એટલે લીલીબાનો, એને જે સંકેત લાગ્યો હતો, એ જો ખરેખર સંકેત જ હોય, તો તો આ વસ્તુની સિદ્ધિ તાત્કાલિક હતી. મુંજાલ આટલી આત્મશ્રદ્ધાથી વાત કરતો હતો, એમાં આવો જ કોઈ સંકેત એના લક્ષમાં હોવો જોઈએ.

પણ હવે પોતે શું કરવું? આ વાત અપ્રગટ રાખવી? એમાં પાટણનો સ્પષ્ટ દ્રોહ થતો. પ્રગટ કરવી? એમાં મૂર્ખતા હતી એક તો મુંજાલે એ વિશે એને કાંઈ ઈશારો કડી પણ કર્યો ન હતો. બીજું, એ સંકેત હતો કે એની પોતાની વ્યર્થ શંકા હતી, એ હજી ચોક્કસ ન હતું. એ જો સંકેત જ હોય – તો તો પોતે જ શા માટે એના સ્વામી ન બનવું? જ્યારે ભુવનેશ્વરીને સ્તંભતીર્થ લઇ જવાનું એક પગલું એણે માંડ્યું છે, તો જયદેવની પોતાની વધારે નિકટમાં લઇ જનારું આ બીજું પગલું પણ શા માટે ન ભરવું? પોતાની મહત્તા સ્થાપવાની આ તક હતી. મારવાડીનો વિશ્વાસ ન કરવો એવી પરંપરાગત ઘૃણાને, પોતે જ મહાઅમાત્ય બનીને, મેખ મારવાનો આ મોકો હતો. જયદેવને આ સંકેતની જરાક પણ સમજ હશે, તો એ પોતે જ એમાં ઝુકાવશે. તો મુંજાલ ક્યાંય આઘો પડ્યો રહેશે. માત્ર એણે મહારાજ જયદેવને એ પંથે વાળવાના હતા.

જૂનોગઢી દુર્ગમાંથી આવીને એણે મુંજાલને નિવેદન આપ્યું, ‘પ્રભુ! દુર્ગ અડગ છે. રા’ દુર્ગ કરતાં વધારે અડગ છે. સમાધાનની વાત નિષ્ફળ છે!’

‘બીજું તને કોણ કોણ મળ્યું, ઉદા?’ મુંજાલે ત્વરાથી પૂછ્યું.

‘દેવુભા હતાં, ચંદ્રચૂડ હતો.’ ઉદયને જાણીજોઈને દેશળનું નામ છોડી દીધું.

‘રા’ના ભાણેજ હશે – દેવુભા, વિશુભા.’ મુંજાલ સામાન્યપણે વાત કરતો હોય તેમ બોલ્યો.

ઉદયને તરત એ દોર પકડી પાડ્યો. એ ચમક્યો: ‘હા – બેય જણા પણ હતાં. બેય બહુ વિચિત્ર લાગ્યા!’

‘કેમ, બોલ્યા’તા કાંઈ?’

‘ના, ના – બોલે તો શું રા’ની હાજરીમાં? જવાબ રા’એ જ વાળ્યો. દેવુભા પણ મૂંગા હતાં. સોઢલજી હતા. રા’ને કહેવાનું હતું તે કહ્યું. પણ રા’ માને? અને આ ખેંગાર? એ મને એમ નથી, પ્રભુ! એનો ભંડાર ખૂટ્યો નથી. એ શાનો માને?’

‘એ તો મને પણ લાગ્યું હતું. આપણે ધારાગઢ તરફથી એક જબરદસ્ત હુમલો લઇ જવો પડશે! રાણકદેવી કે લીલીબા તો શેનાં દેખાણાં હોય? તને રા’ ક્યાં મળ્યા?’

ઉદયન મુંજાલના હરેક શબ્દોને મનમાં બરોબર જોખી રહ્યો હતો: ‘રા’ મળ્યાં છેક અંત:પુરમાં. પણ બીજું તો કોઈ ફરક્યું નહિ.’

‘જો ઉદા! તમામની ગણતરી એવી હશે કે આપણે અંધારિયામાં હલ્લો લાવવાના. આપણે એમની એ ગણતરી ઊંધી પાડવી, એટલે અરધો જંગ જીતી ગયા. આપણે જવું અજવાળિયામાં પહેલું એ.’

‘ક્યારે? પૂનમે!’

મુંજાલની આંખોનો જરાક ચમકારો ઉદયને પકડી લીધો. તે સમજી ગયો પોતે જેમ વસ્તુ છુપાવી રહ્યો હતો, તેમ જ આ પણ કાંઇક છુપાવી રહ્યો હતો. એણે આ વસ્તુનો તાત્કાલિક તાગ મેળવવામાં શ્રેય જોયું.

‘જુઓ, પ્રભુ! આ દુર્ગ જૂનોગઢનો પડે ઈ આશા આકાશકુસુમ જેવી છે. એ કદાપિ પડશે નહિ – અને આપણે પાડીને શું કામ છે? એની આબરૂ હશે તો આપણને જ એ ખપની થઇ પડશે. જો લેતાં આવડે તો એને લેવાય?’

‘શી રીતે?’ મુંજાલે એની સલાહ લેતો હોય તેમ પૂછ્યું: ‘કોઈ જાણભેદુ? કોઈ તારું માણસ અંદરના ભાગમાં? કોઈને તું ઓળખે છે? કોઈ પત્તો મળ્યો છે?’

ઉદયન વિચારી રહ્યો: એના મનમાં જે છે એ જ બહાર આવે છે. એનો એક જાણભેદુ અંદર બેઠો છે ચોક્કસ. એણે મોટેથી કહ્યું: ‘પ્રભુ! એ તો આપનું સામર્થ્ય ક્યાં નથી?’ તેણે બે હાથ જોડ્યા: ‘સિંહના પંજા વિના ક્યાંય હાથીનાં ગંડસ્થળ તૂટ્યાં છે? મારું તો શું ગજું? ને હું તો પાછો રહ્યો અજાણ્યો!’

‘આપણે જોઈએ – તું છો, પરશુરામ છે, સજ્જન મહેતા છે!’

‘જુઓ પ્રભુ! મને તો એક મોહ છે: આ દુર્ગ જોયો ને એ વધ્યો – આંહીં આરસી દેરાં શોભે!’

‘અલ્યા હા. ઉદયન મહેતા! એ સાચું હોં – એ કામ તને સોંપીએ, પછી?’

‘બસ, પ્રભુ! તો થયું. મારે બીજી કોઈ આકાંક્ષા નથી. મારું આંહીં આવ્યું સાર્થક થઇ જાય.’

‘ત્યારે જો, આ રાજાની. મેં તને વાત કરી છે નાં? એ છે ઘેલો. એને સામે મોંએ દુર્ગ લેવો છે!’

‘એ તો સાત જન્મારે નહીં થાય!’

‘પણ એ તું સમજે, હું સમજુ, પણ આનું મન ફેરવી નાખ્યું પેલી માલવણે! એનું શું? એ છટકી ગઈ. એ તો તેં જાણ્યું હશે?’

‘હેં! ઉદયને આશ્ચર્યનો જબરદસ્ત નાદ કર્યો: ‘અરે, પ્રભુ! એ ક્યારે થયું? તો આપણે તૈયારી કરો – તમારા ઉપર માલવા પણ આ આવ્યું! મને તો હંમેશ એ ડર હતો – એ માલવાની છે એ જાણ્યું ત્યારથી.’ પોતાના વિશે આના મનમાં કાંઇક નથી નાં – એ જાણવા માટે ઉદયન એની તરફ જોઈ રહ્યો: પરશુરામને પણ હાથતાળી આપી, એમ?’   

‘ભૈ! એજ વાતની આ ઉતાવળ છે ને મુદત આંહીં તો લંબાતી જાય છે!’ મુંજાલ એ વાત વધારે લંબાવવા ઈચ્છતો ન હતો. ઉદયનને તો એમાં ઇષ્ટાપત્તિ હતી. પણ એને મુંજાલની વાતનો વિચાર કર્યો. પૂનમ શબ્દે એ ચમક્યો હતો. મુદત લંબાતી જાય છે એમ એણે હમણાં કહ્યું. ત્યારે તો વદ ત્રીજ – સંકેતનો એ શબ્દાર્થ પોતે કર્યો છે – એમાં કાંઈક સત્ય હોય. પણ એ સંકેત અને મળી ગયો હશે? તો તો પોતે માત્ર એ ન આપ્યાનો લૂખો સંતોષ મેળવશે એટલું જ; ને એની પાસે વક્કર ખોશે એ વધારામાં. પણ જે રીતે દેશુભા, લીલી વર્ત્યા હતાં, એ જોતાં એમના ઉપર જાપ્તો સખ્ત છે. વળી, બોલવાની તો એમણે કોઈએ હિંમત જ કરી ન હતી! દેશુભાનો હાથ તો ખભામાં ભેરવેલા તીરના ભાથા ઉપર ગયો હતો! તેનું શું?

‘ઠીક, મહેતા! તમે તૈયાર રહેજો. આપણે આજકાલમાં મળીને હલ્લાની યોજના ઘડવી છે!’ મુંજાલે અચાનક કાંઇક નિર્ણય કર્યો લાગ્યો. ‘બીજું કાંઈ તો રહેતું નથી નાં?’

‘આજ તો હજી ત્રીજ-ચોથ છે!’ ઉદયન બોલ્યો. બોલીને એકીનજરે મુંજાલ સામે જોઈ રહ્યો.

મુંજાલનો અંગૂઠો ટચલી આંગળીના એક-બે વેઢા ઉપર ફરતો એણે જોયો. એના અંતરમાં ખાતરી થઇ ગઈ: આની પાસે ચોક્કસ તિથીએ ઊપડવાની તૈયારી છે. એટલામાં મુંજાલ બોલ્યો: ‘ચોથ કાં? જોઈએ હવે. આ પૂનમને ક્યાં છેટું છે? અગિયાર દિવસ રહ્યા! નહિ તો બીજી પૂનમ તો છે જ!’

‘હા, હા, પ્રભુ!’ ઉદયન બેઠો થયો. તે સાંજે એ એકલો મુંજાલ સાથે થયેલી વાતનો મેળ મેળવતો હતો. આ તક હાથથી ન જાય – તેમ જ પોતે એ તકનો સ્વામી થઈને એ તકનો લાભ ઉઠાવે – એ બંને વાત શી રીતે મેળવવી એની એના મનમાં ગડભાંગ ચાલી રહી હતી. પરશુરામને તો આ કાંઈ ખબર નથી, એ સમજી ગયો. પણ મહારાજ જયદેવ – પરશુરામે એને આંહીં આવ્યો હતો ત્યારે જે કહ્યું હતું. એ એને સાંભર્યું – એનાથી આ અજાણ્યું ન હોય! એટલે મહારાજને કેવી રીતે આ વાત કરવી એ એને જોવાનું હતું.’

સાંજે મહારાજને નિવેદન કરવાનું હતું. તે ત્યાં ગયો. જયસિંહદેવ મહારાજ એકલા હતાં. પ્રણામ કરીને તે શાંત બેઠો.

‘ઉદા! જઈ આવ્યો તું રા’ પાસે? રા’ એ ના પાડી નાં?’ જયદેવે કહ્યું.

‘પ્રભુ! એના દિવસ ભરાઈ રહ્યા છે. દુર્ગ આપણને સોંપેને પોતે આંહીં રહે વંથળીમાં – મુંજાલ મહેતાની એ વાત તો સો ટચના સોના જેવી હતી. હવે બેય ખોશે: દુર્ગ અને દેહ!’

‘એનો દુર્ગ તેં જોયો?’

‘દુર્ગ તો શું જોવાનો મળે? જાપ્તો બહુ આકરો છે. આંખે પાટા બાંધીને સુખાસનમાં લઇ ગયા!’

‘કેટલી વાર થઇ પહોંચતાં?’

ઉદયનને જરાક આશા પડી. મહારાજ જયદેવને પણ માર્ગ વિશેની જ ચિંતા મુખ્ય હતી. 

‘રસ્તો અટપટો હતો; નીચે પણ લાગ્યો. પણ ડુંગરમાં થઈને જતો હતો એ ચોક્કસ! હવે એ માન્યો નથી, તો હવે આપણે મનાવવો પણ નથી, પ્રભુ!’

‘તો શું હલ્લો કરવો છે?’

‘મહાઅમાત્યજીએ તો નક્કી કર્યું: પૂનમે જવું, ધારાગઢ પહેલો તોડવો!’

જયસિંહદેવ કાંઈ બોલ્યો નહિ. તે વિચાર કરી રહ્યો હતો.

ઉદયને આગળ ચલાવ્યું: ‘મહાઅમાત્યજી સમર્થ છે, પ્રભુ! ને હવે આમાં બીજું શું બને? રસ્તા આમાં ચાર!’

‘કયા કયા?’ રાજાએ ઉતાવળે પૂછ્યું. 

‘સામ, દામ, ભેદ અને દંડ!’ ઉદયને શાંતિથી કહ્યું.

‘હાં, હાં, એ રસ્તાની તું વાત કરે છે?’

ઉદયન મનમાં આનંદી ઉઠ્યો. રાજા પણ, કોઈ રસ્તો મળે એવી આતુરતા હજી ધરાવે છે ખરો. એણે રાજા પાસે સાવચેતીથી વાત મૂકવાનો નિશ્ચય કર્યો. એટલામાં અચાનક જયસિંહદેવે એને કહ્યું: ‘ઉદા! આ તેં કર્યું?’

ઉદયન ચમકી ગયો ખતો. પરશુરામે એને જે વાત કહી હતી – જયસિંહદેવની શક્તિની – એ એને  યાદ આવી ગઈ. એ સમજી ગયો. વાત ભુવનેશ્વરીની હતી. તેણે પોતાનો માર્ગ હવે કુનેહથી કરવાનો હતો. તેણે બે હાથ જોડ્યા.

‘પ્રભુ! એ અપરાધ મેં કર્યો છે!’

‘કોના કે’વાથી?’

‘મહારાજ! કહ્યું જોઈએ નથી: વગરકહી ઈચ્છા સૌની હતી; સૌ ઈચ્છી રહ્યાં હતાં – મહાઅમાત્યજી ને સૌ...’ કોઈનું નામ આવે નહિ ને એક નામ મહારાજની દ્રષ્ટિએ ચડે, એવી જુક્તિથી ઉદયને જવાબ વાળ્યો. ‘મેં એ કર્યું છે, પણ અત્યારનો સમો સાચવી લેવા માટે, પ્રભુ! મેં દેવીને સ્તંભતીર્થ મોકલ્યાં છે!’

‘મેં એવી આજ્ઞા કોઈને આપી ન હતી. મારી આજ્ઞા મનમાંથી જાણી લેવાની – મેં જાણ્યું, મુંજાલમાં જ શક્તિ હશે – આજ ખબર પડી કે, તારામાં પણ એ શક્તિ છે!’

ઉદયન સમજી ગયો. મુંજાલ પાસે સર્વ સૂત્રનો સંચાલનતંતુ હોય તે વાત રાજાને રુચતી ન હતી, તે સાવધ બની ગયો. અત્યારે હવે તક હતી. પોતે મહાઅમાત્યપદની રમત રમવા બેઠો હતો. પાસો ફેંકાઈ ગયો હતો. એક તીર હજી એના ભાથામાં હતું. તેણે ધીમેથી શાંતિથી પ્રત્યુત્તર વાળ્યો: ‘મહારાજ! આંહીં પારકે આંગણે ઘર્ષણ થાય, એમાં આપણી મશ્કરી હતી. એક મ્યાનમાં બે તલવાર સમાય નહિ. સ્તંભતીર્થથી પાટણ કેટલું આઘું? ઢેફા –વા. મહારાજનાં એક નેત્રનિશાને, એક સાંઢણી દેવીને પાટણમાં લાવી દેશે અને પ્રભુ! આંહીંનું જુદ્ધ મહારાજ પોતે ધારે તો, ઘડીના છઠ્ઠા ભાગમાં પૂરું થાય તેમ છે. પાટણના મત્ત ગજેન્દ્રોને રોકવાનું આ કાંઈ સ્થળ છે? મહારાજ ક્યાં મર્મજ્ઞ નથી – રસ્તાના? અને પ્રભુ, મેં જે કર્યું છે, એ તો કેવલ ઘર્ષણ અટકાવવા માટે. પ્રભુની આજ્ઞા હોય તો આવતી કાલે હું પોતે સ્તંભતીર્થ જવા નીકળું! બાકી મહારાજ માટે આ વિજય હવે હાથવેંતમાં છે! રસ્તો મહારાજ જાણે છે!’

મહારાજ જયદેવને જે વાત ગમતી ન હતી – કપટની – એ વાત કર્યા વિના છૂટકો ન હતો. મુંજાલ પાસે સત્તાનો દોર ચાલ્યો ગયો. એમાં આ કારણ હતું. એ પોતે અત્યારે મહાઅમાત્યપદની બાજી માંડવા બેઠો હતો. આખી બાજી એને ઉથલાવવાની હતી. તે સાવધ અને શાંત થઈ ગયો.

‘યુદ્ધ બહુ લંબાયું – ઉદા!’ જયસિંહદેવે કહ્યું, ઉદયને છુટકારાનો દમ ખેંચ્યો. અત્યારના સમય પૂરતી ભુવનેશ્વરીની વાત પૂરી થઇ હતી. પછીની વાત પછી. ‘હા, પ્રભુ! પણ હવે મહાઅમાત્યજી પૂરું કરશે!’ ઉદયને જયસિંહદેવની મહત્વાકાંક્ષાને સ્પર્શ કરવા માંડ્યો.

‘ભેદનીતિથી!’

‘પ્રભુ! હું તો આંહીંનો અજાણ્યો છું, મહારાજને ક્યાં જાણમાં નથી?’

જયદેવ શાંત હતો. તે વિચાર કરી રહ્યો હતો.

‘પ્રભુ! આપણા પાટણને માટે આ યુદ્ધ ગૌરવ જેવું કાંઈ નહિ!’

‘હું પણ એ જ વિચારું છું,’ જયદેવે કહ્યું, ‘એ તજાતું નથી – જિતાતું નથી. આમ જિતાય, તો એ જિતાય, પણ એમાં આપણી કીર્તિ શી?’

‘મહારાજ! મેં એમ સાંભળ્યું હતું કે, મહારાજને પાટણનું ગૌરવ ઉજ્જૈયની જેવું રાખવું છે: એના જેવી વિદ્યાસભા; વિક્રમી નવરત્ન દરબાર; એ જ પરદુઃખભંજન ઘરઘરની રાજપ્રીતિ; એ જ શક્તિ, એ જ સિદ્ધિ અને એવી જ વિશાળ યોજના. પ્રભુ, આંહીં પડ્યાપડ્યા તો એ સ્વપ્નું ઠીંગરાઈ જાય. જુદ્ધ કરી કરીને આની સામે –? આ સોરઠી પાણા એ કાંઈ જુદ્ધના ગૌરવને યોગ્ય છે? છાણના દેવને, પ્રભુ! કપાસિયાની આંખો આ સોરઠીઓની જુદ્ધ કરવાની એક જ રીત: કદાપિ હારવું નહિ, કદાપિ હથિયાર હેઠાં મૂકવા નહિ. દુર્ગ તજવો નહિ ને દેહ વહાલો કરવો નહિ. આવી હઠીલી યુદ્ધનીતિને તમે એક જ રીતે વશ કરી શકો!’

‘કઈ રીતે!’

‘એમની સાથે પૂરી જીત સુધીની લડાઈ કરવી નહિ. એમને ખોખરા કરવાની લડાઈ કરવી અને પછી એમને ફરીને જુદ્ધની તક આપવી નહિ! એમને માટે ભાલા લટકતા રાખવા! એટલે એમનાં જ ડંખે પોતાને હણશે, સ્વમાન માટે સોરઠી મરવાનો!’

જયદેવને વાતમાં કાંઇક સત્ય લાગ્યું. ઉદયને હવે પૂરું જ કર્યું: ‘આપણી, અત્યારની જુદ્ધની આ રીત ખોટી છે – રા’ને હણવાની. રા’ને હણો એટલે તો બીજો રા’ તૈયાર થાય. સૌરાષ્ટ્ર સામે પાટણ કેટલી વખત લડ્યું? કેટલી વખત રા’ને હણ્યા? લડાઈનો ક્યારેય અંત આવ્યો? કેમ ન આવ્યો? કારણકે. આપણે રા’ને હણ્યા ને દુર્ગને રાખ્યો. ખરી રીતે રા’ને રાખવાનો હતો ને દુર્ગને હણવાનો હતો. એક રા’ પાટણમાં કેદ રહે. એક રા’ આંહીં રાજ કરે. પેલો રા’ છૂટે, એમાં આ રા’ને હિત નહિ, એટલે કોઈ દી કોઈ રા’ જુદ્ધ કરે નહિ! સોરઠની વિશિષ્ટતા આપણે જાણી નહિ, પ્રભુ! રા’ મરે એટલે રા’નો કુંવર ભાગી જાય. અને રા’ મરે પણ યુદ્ધ ન મરે, રા’ એકને બદલે બે રાખો, તો યુદ્ધ મરે, ને એમાં અપયશ પણ ન મળે! કપટથી મારો તો અપયશ, કપટથી જીતો. ને એને જાળવો – તો ઊલટાનો યશ! એવી હિંસા ટાળવા એટલું અસત્ય આદર્યું, એમ મનાય!’

‘ઉદા! તારી વાત તો ઠીક જણાય છે!’

‘પ્રભુ! ભારતવ્યાપી વિદ્યાવૈભવની મહારાજની વાત હું જાણું છું એટલે આ પાણાજુદ્ધ પૂરું થાય તો એ થાય. જેની પાસે ભોજરાજનું આખું વિદ્યાભવન પાણી ભરે એવો એક મહાન વિદ્યાચક્રવર્તી ત્યાં છે –!’

‘ક્યાં?’ જયદેવસિંહનું સ્વત્વ પ્રકાશી ઊઠ્યું.

‘પ્રભુ! ત્યાં સ્તંભતીર્થમાં. ને કાલિદાસે જે વિક્રમને માટે કર્યું, એ મહારાજને માટે કરવાની શક્તિ એનામાં છે. એના જેવો વિદ્વાન અત્યારે આખા ભારતવર્ષમાં નથી!’

‘ઉદા! કોણ છે એ? શું એનું નામ?’

ઉદયને જયદેવનો ઉતાવળો ઉત્સાહી સ્વર પકડી લીધો. એનું અંતર ડોલી ઊઠ્યું. સોરઠનો વિજય રજાનો હતો; પણ રાજાનો વિજય – એનો પોતાનો હતો.

‘મહારાજ! એનું નામ હેમચંદ્રસૂરિ! અદભુત પુરુષ છે!’

‘એને આપણે પાટણમાં લાવો.’

‘મહારાજ પોતે જ એને લાવવા સમર્થ છે, પણ આ પાણાજુદ્ધ જો પૂરું થાય તો. આપણી પાસે તો આવી ભારતવ્યાપી વાત છે. આ ખૂણામાં સોરઠનો રા’. એનું આ જુદ્ધ, એ કોઈ ગૌરવનો વિશેય નથી! આને તો મહારાજ, હવે પૂરું કરવાનું હોય!’

જયસિંહદેવ ઊંડા વિચારમાં પડી ગયો હતો. એનું મનોમંથન પૂરું થયું જણાયું. તેણે અચાનક એક તાળી પાડી. જયસિંહદેવની તાળીના પ્રત્યુત્તરમાં તરત કૃપાણ ત્યાં આવીને ઊભો.

‘પૃથ્વીભટ્ટને તેડાવો. પરશુરામ આવ્યો વંથળીથી?’

‘ના, પ્રભુ!’

ઉદયનને હવે સાંભર્યું. પોતે ભુવનેશ્વરીને સ્તંભતીર્થ મોકલ્યાની વાત રાજાને કરી દીધી હતી. પરશુરામે હજી એ જાણ્યું નહિ હોય. એટલે પહેલાં તો એને તરત એ કહી દેવરાવવાનો સંકલ્પ કરી લીધો. રાજા તાત્કાલિક પગલું ભરવા માગે છે અને આ જુદ્ધ વિશે જ એ હોવું જોઈએ.

ઉદયને મૂળ વાત ઉખેળી: ‘પ્રભુ! એક બીજો અપરાધ પણ મેં કર્યો છે.’

જયદેવ એની સામે જોઈ રહ્યો. પણ એની દ્રષ્ટિમાં ઉત્તેજના હતી.

‘મેં પ્રભુ, ત્યાં લીલીબાને એક સંકેત આપતાં દીઠાં!’

‘ક્યાં? ક્યાંની વાત કરે છે?’

‘રા’ના અંત:પુરની પ્રભુ!’

‘લીલીબા? રા’ની બહેન? તો તો દેશળ પણ તને મળ્યો હશે!’ રાજાએ ઉતાવળે કહ્યું.

‘દેશળ પણ મળ્યો હતો!’ ઉદયન બોલ્યો.

‘એણે કાંઈ કહ્યું?’

‘ના, પ્રભુ! એનાથી ત્યાં બોલાય તેમ તો હતું નહિ; પણ એણે કાંઇક સંકેત આપ્યો હોય તેમ મને લાગ્યું.

‘મુંજાલ મહેતાને તેં આ કહ્યું છે?’

ઉદયન સમજી ગયો. દેશળ સાથે રાજાને કાંઇક સંકેત છે. એણે પોતાનું તીર હવે બરાબર સફળતાથી વાપરવાની તક પકડી.

‘જુઓ, મહારાજ! આ સંકેત હોય તો એનો મર્મ એક મહારાજને જ જણાવવો એવો મેં સંકલ્પ કર્યો હતો. એટલે મહાઅમાત્યજીને એ વાત હજી કરી નથી. આ જુદ્ધ હવે ખતમ થતું જોઈ રહ્યો છું. મહારાજના શ્રીકલશને બિરદાવતાં પાટણના શ્રીપાલ કવિને હું જોઈ રહ્યો છું!’

‘એક એવો રસ્તો છે ખરો, ઉદા! જેની ખબર એક લીલીને છે, બીજી રા’ને છે! આ રસ્તા વિશે એ સંકેત છે, પણ તું હવે કોઈને કહેતો નહિ – પરશુરામને પણ – મંત્રભેદ થતાં માર્ગ નિષ્ફળ જાય!’

‘ત્યારે તો આ સંકેતમાં એ રસ્તાની જ વાત લાગે છે! હું રા’ને મળવા ગયો ત્યારે, લીલીબાએ ત્રણ કોડિયાં સળગાવ્યાં. અને પછી ત્રણે એક પછી એક ઠાર્યા. હું મળવા ગયો ત્યારે સુદિ ત્રીજ હતી.’

‘એટલે એણે વદિ ત્રીજનો કાંઇક સંકેત તને દીધો!’

‘હું પણ એમ માનું છું. પ્રભુ! કારણકે રા’ના ખંડમાં પહોંચ્યો તો ત્યાં દેશળે પણ ત્રણ આંગળી કેશમાં ફેરવી.’

‘એ પણ અંધારી ત્રીજનો સંકેત!’

‘અને વધુમાં, દેશળે હાથને ખભા ઉપર, તીરના ભાથા તરફ, સરકાવ્યો!’ 

જયદેવ મહારાજ એકદમ શાંત થઇ ગયા. એ કાંઇક સંભારી રહ્યાં હતાં. અચાનક જ એ બોલ્યા: ‘હાં, હાં... બસ, ત્યારે તો એ જ ઉદા!... અંધારી ત્રીજનો એ સંકેત!’

રાજા વધુ બોલત, પણ ત્યાં તો પૃથ્વીભટ્ટ આવી ગયો હતો. તે ત્યાં પ્રણામ કરીને ઊભેલો નજરે પડ્યો.

‘પૃથ્વીભટ્ટ! આજે કઈ તિથી છે?’ તેણે પૃથ્વીભટ્ટને પૂછ્યું.

‘મહારાજ! આજે ચોથ...’

‘ત્યારે જો, દોઢસો બખ્તરધારી યોદ્ધા, જંગલયુદ્ધના જાણીતા લઈને, તું આવતી ત્રીજે સાંજે આંહીં આવી જા! બસ એટલું જ!’ એ પ્રણામ કરીને ગયો, ‘અને ઉદા મહેતા! તમે આંહીં હાજર રહેજો –’

‘મહારાજ!’ ઉદયન કાંઈક કહેવા જતો હતો, પણ જયસિંહદેવ ઉતાવળમાં હોય તેમ ઊભો થઇ ગયો. તેણે ઉદયન સામે ચાર આંગળી ધરી અને બંને કાને સ્પર્શ કર્યો: ચાર કાને જ આ વાત સાંભળી હતી – એ દર્શાવવા. અને તેણે અંદરના ખંડમાં જવા માટે પગ ઉપાડ્યો.

ઉદયન પ્રણામ કરીને બહાર નીકળી ગયો. તેના ભાથામાંથી અમોઘ તીર નીકળી ગયું હતું. એ તીરની અસર જાણવાનો રાજાને એને સમય જ આપ્યો ન હતો. જયસિંહદેવ કોઈને પણ દોર આપે તેવો નથી, એની એને હવે પૂરેપૂરી ખાતરી થઇ ગઈ.