Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 23

૨૩

ઉદયનનો એક જ રાત્રિનો અનુભવ

આજે મંત્રણાસભા શરુ થઇ ત્યારથી અત્યાર સુધીના થોડા સમયમાં પણ એટલા બનાવોની પરંપરા ઉદયનને જોવી પડી હતી કે એમાંથી કયા બનાવને કેટલું મહત્વ આપવું એ વિશે હજી એ કાંઈ સ્થિર વિચારણા જ કરી શક્યો ન હતો. મંત્રણાસભાની શરૂઆત થઇ – અને પરશુરામ મળ્યો. ત્યાગવલ્લીની વાતનું સાચું મૂલ્યાકન માંડે તે પહેલાં તો ત્રિભુવન અને જગદેવની વાતે એનું ધ્યાન ખેંચ્યું. દંડનાયક ને પરમારની વિદાય વિશે વિચારે ન વિચારે, ત્યાં કેશવ નાયક આવ્યો. 

અને હજી કોણ જાણે કયો નવો રંગ નીરખવાનો હતો, એ કેવળ અનુમાનનો વિશેય હતો!

એના સ્તંભતીર્થમાં એક જ રાત્રિમાં આટલા અનુભવો એને ક્યારેય મળ્યાં ન હતાં.

હવે જ એને લાગ્યું કે પાટણ તો મહેરામણ હતો ને સ્તંભતીર્થ ખાબોચિયું હતું. તેની મહત્વાકાંક્ષા જાગી ઊઠી. એનું ખરું સ્થાન આંહીં હતું – પાટણમાં.

અને આજે જ્યારે, કેશવ નાયક પાસેથી એ સીધો ફરી મંત્રણાસભામાં ગયો ને ત્યાં એને, રા’નો દાણો એક વખત વધુ દાબવાની કામગીરી મહારાજે પોતે સોંપી, ત્યારે તો એની એ મહત્વાકાંક્ષાને પણ કોઈ જ સીમા ન રહી. એને એમ પણ લાગ્યું કે શા માટે પાટણ જ પૃથ્વીનું કેન્દ્ર રહ્યા કરે – ને કર્ણાવતી, સ્તંભતીર્થ કે ચંદ્રાવતી ગૌણ સ્થાન રાખે?

સારું હતું કે, ઉદયનની એ મહત્વાકાંક્ષાના સાગરનો અત્યારે કોઈ પાર પામવા માંગતું ન હતું.

એમાં તો કૈક સ્વપ્નાં હતાં, કૈક યોજનાનો હતી, કૈક વાતો હતી. કૈક વિવિધ રચનાઓ ભરી હતી.

ઉદયન જ્યારે મોડેથી મંત્રણાસભામાં પાછો ફર્યો ત્યારે આજના તમામ બનાવોની મગજમાં નોંધ કરી એના દોકડા મૂકતો હતો. એને મન પોતે રા’ને  મળવા જવાનો હતો – સુલેહના દૂત તરીકે – એના કરતાં પણ એક વસ્તુની મહત્તા આજે ઘણી વધારે હતી: ત્યાગવલ્લીની અને આ પેલો આવ્યો હતો કેશવ નાયક – એની. વિચારધારા અટકી પડી. કોઈક દ્વારમાં ઊભીને એને જ પ્રણામ કરી રહ્યું હતું.

‘કોણ?... કોણ છે?’ ઉદયને ઝાંખા દીપપ્રકાશમાં સહેજ જણાતો માણસનો ચહેરો નીરખ્યો. કોણ હતું એ એકદમ કળી શક્યો નહિ.

‘એ તો હું છું, મહેતા!’

‘હાં. હાં... નાયક! ક્યારે, હમણાં, આવ્યા!’ ઉદયને બોલીને ચારે તરફ એક નજર ફેરવી લીધી. કેશવ સમજી ગયો. પોતે મહારાજની અવકૃપામાં છે એ પડછાયો બધે કામ કરી રહ્યો હતો. તે જરાક અંધકારમાં સરી ગયો. તે બોલ્યો: ‘આવીને ઊભો એટલી જ વાર થઇ. દ્વારપાલને પૂછ્યું – ને તમને આવતા જોયા!’

‘આવો ને – અંદર આવો. આંહીં તો તમારું પાટણનું વાજું – ભૈ! આંહીં ભીંતને કાન છે. ને કાન ઉપર પછી સૌને ભીંત છે!’

બંને અંદર ગયા. ઉદયને દીપિકાને સહજ સતેજ કરી; પાઘડી ઉતારી એક બાજુ મૂકી; ગાદીતકિયા ઉપર બેસીને નાયકને નિશાની કરી: ‘નાયક! આંહીં આવો... આંહીં, મારે પણ તમારું કામ હતું!’

એ મનમાં વિચાર કરી રહ્યો હતો, આ માલવાથી આવ્યો છે. પેલી મહારાજની ઘેલછા વિશેનો કાંઈ જાણકાર હોય તો એટલું કઢાવી લેવું; બાકી બહુ રોકવો નહિ. મફતનું મહારાજ પાસે ગાણું ગાય.

‘તમે ક્યારે, - કાલે જ જવા માંગો છો?’

‘મારે જવું જોઈએ.’ કેશવે ઉત્તર વાળ્યો.

‘કેમ?’

‘હું તો મહારાજને સમાચાર દેવાં જ આવ્યો હતો –’

‘એ તો તમે કહ્યું મહારાજને. પણ આપણું હવે આંહીંનું થાળે પડે...’

‘હું તમને એ વસ્તુ જ કહેવા આવ્યો છું, પ્રભુ!’

‘પણ ભૈ! આમાં કોઈનું ચાલે તેમ નથી. ગજ જોઈનો વાગતો નથી. રા’ માનતો નથી. મને એક વખત મોકલે છે મહારાજ, દાણો દાબવા રા’નો; પણ રા’ ખેંગાર જેનું નામ – એ કાંઈ માનવાનો છે!’

‘રા’ નહિ મને, પ્રભુ! પણ એક વાત છે – તમારા હિતની છે!’

‘શી?’

‘રા’ની રાણક કદાચ માને!’

‘રાણક માને? કેમ? શા આધારે તમે એમ બોલ્યા? રા’ ન માને ને રાણક માને, એમ? રા’ લોહનો છે, પણ રાણક તો નરી વજ્જરની છે, એમ મેં તો સાંભળ્યું છે!’

‘રા’ કોઈનું માને તો માત્ર રાણકનું, ને રાણક માને તેમ છે!’

‘શી રીતે?’

‘પ્રભુ! આ સોલંકી સિંહાસન પ્રત્યે મને માન છે, હું માનું છું કે હું એનો એક અદનો સેવક છું. આજે હું આંહીં આવ્યો છું. એટલા માટે, તમને આ કહું છું. એ પણ એટલા માટે. આ વાતની કોઈને ખબર નથી – મહારાજને, મુંજાલ મહેતાને, મા મીનલદેવીને કે કોઈને – પણ જો રાણકદેવી આ જુદ્ધ બંધ કરે તો આવતીકાલે આ જુદ્ધ બંધ થાય. જો એ બંધ ન કરે તો કોઈ દિવસ બંધ ન થાય!’

‘એ તો છે જ...’ ઉદયને સામાન્ય વાત જ સાંભળી હોય તેમ કહ્યું; પણ એ વિચાર કરી રહ્યો હતો, ‘એ તો સૌ કહે છે કે રા’ લોહનો છે, પણ રાણક વજ્જરની છે!’

‘અને એને રા’ ઉપર નિરવધિ પ્રેમ છે!’

‘એ તો હોય જ, એમાં નવાઈ શી?’

‘એમ નથી. એના પ્રેમને કોઈ સીમા નથી. દુર્ગ અને દેશ પડશે. પણ રા’ નહિ પડે. રા’ તો ત્યારે જ પડશે – જ્યારે રાણક નહિ હોય!’

ઉદયનને આવી વાત સાંભળવાનો વખત ન હતો. એણે કેશવને ધીમેથી મૂળ વાત ઉપર મૂક્યો: ‘ તમે શું કહ્યું? – આ વાતની કોઈને ખબર નથી.’

‘હા પ્રભુ! જ્યારે તમારાં સઘળાં સાધન ખૂટે, બધાં જ શસ્ત્રઅસ્ત્ર તમે વાપરી નાખો, ત્યારે આ જે હું એક આપું છું. દર્ભની સળી, તે વાપરજો!’

‘હા...આ....! આ તો નાયક, તમે નવી નવાઈની વાત કરી! પણ રહો...’

ઉદયન ઉભો થયો. તે ચારે તરફ આંટો મારી આવ્યો.

ઉદયનની આ સાવચેતીએ કેશવનો અવાજ વધારે ધીમો કરાવ્યો. તે બહુ જ પાસે આવ્યો. અત્યંત ધીમેથી બોલ્યો:

‘તમે ક્યારે, કાલે જવાના છો, પ્રભુ?’

‘પ્રભાતે, કાલે ત્યાં- ધારાગઢ દરવાજે – કાલે પ્રભાતે. રા’ને કોઈ મળવા માગતો હોય, સંધિવિગ્રહિક વગેરે, તો કિલ્લામાં દાખલ કરે છે. આપણે કહેવરાવ્યું છે રા’ને, એટલે સવારે જ જવું પડશે!’

‘થયું ત્યારે, એક રીતે હું આવી ગયો, એ ઇષ્ટ થયું. જ્યાં તમારી તમામેતમામ દલીલો ખૂટે, ત્યારે આટલું કહેજો...’

‘પહેલાં પ્રભુ! મારી એક વાત સાંભળો. મારી એક વાત છે. હું મારી જાતને પોતાની મેળે જ સોલંકીવંશી સિંહાસનનો દ્વારપાલ ગણું છું. મહરાજ જયદેવને એટલા માટે જ હું છેક ત્યાંથી આજે મળવા આવ્યો  હતો.’

‘કેશવ નાયક! તમારી શ્રદ્ધા અચળ છે. રાજભક્તિ સૌ જાણે છે, જયદેવ મહારાજ પ્રત્યે અમે પણ પ્રીતિ ધરાવીએ છીએ. હું મારી વાત કરું, સફળતા મળશે – તો વિજય આપણો સૌનો છે!’

‘અને જો કદાચ, પ્રભુ નિષ્ફળ નીવડો – તો આ યુદ્ધ આંહીં લંબાય, માલવા તૈયાર થાય – તો એ વખતે પ્રભુએ તાત્કાલિક એક પગલું ભરવું પડે. એ પગલું ભરવાનું વેણ મને મળે – તો આ વાતનો ઉપયોગ છે.’

ઉદયન વિચાર કરી રહ્યો.

‘વાત આપણા સૌના હિતની છે, માત્ર હિંમતથી કોઈ કરતું નથી; તમારા વિના કોઈ કરી શકશે પણ નહિ, તમને મળવા આવ્યો છું – એ એટલા માટે જ પ્રભુ!’

‘જુઓ, નાયક! હું કાં બોલતો નથી; બોલું છું તો ફરતો નથી. મહારાજ જયદેવના ઉત્કર્ષમાં આપણો સૌનો ઉત્કર્ષ છે. એવું કામ તમે સોંપો ને થાય એવું હોય ને હું ન કરું, એ બને?’

કેશવ કાંઇક વિચારમાં પડી ગયો લાગ્યો. પછી તે ધીમેથી શાંત અવાજે બોલ્યો: ‘પ્રભુ! જ્યારે તમારા તમામ શસ્ત્રઅસ્ત્ર અફળ જાય – ત્યારે એક વસ્તુ માગજો!’

ઉદયન તેની સામે જોઈ રહ્યો.

‘રાણકદેવીને મળવાનું માગજો. ને જ્યારે દેવી મળવા આવે, રાણકદેવી ત્યારે કહેજો કે કેશવ નાયકે ‘જય સોમનાથ’ કહેવરાવ્યા છે!’

ઉદયન સાંભળી રહ્યો. કેશવ ગંભીર બની ગયો હતો. ‘પણ, આ વાત પાછળથી પણ પ્રભુ, કોઈને કહેવાની નથી. અને મારો આટલો લઘુ સંદેશો રાણકદેવીને મળો ત્યારે પહોંચાડજો!’

‘શો?’

‘દુર્ગ કોણ બનાવે છે? માણસ. રાષ્ટ્ર કોણ બનાવે છે? માણસ. એ જ્યોત અખંડ રાખવી હોય અને રા’ જેવા નરપુંગવની, તો આ જુદ્ધથી રા’ને છોડાવો. તમે જ છોડાવી શકશો. તમને લછી નથી સાંભરતી! આટલું કહેજો.’ કેશવ શબ્દ તો પંદર બોલ્યો હતો, પણ એના ચહેરા ઉપર એની વ્યાપક અસર થઇ ગઈ હતી. ઉદયને એ જોઈ.પોતાની કોઈ પવિત્ર ભાવનાને પોતે ઘા માર્યો હોય તેમ કેશવ એક પણ વ્યગ્ર બેઠો રહ્યો.

‘નાયક! આ શાની વાત છે?’ ઉદયનને આશ્ચર્ય થયું.

‘એના જેવી દેવી – કેવલ વજ્જરની હોય – તે જ માત્ર સહી શકે, એવી આ વાત છે. આ વાત, પ્રભુ! રા’ના નિર્વંશ જવાની છે!’

વીજળીના વેગે ઉદયનના મગજમાં એક વિચાર આવીને ચાલ્યો ગયો અને સ્તંભતીર્થનો એક અદભૂત સાધુ સાંભરી આવ્યો. દક્ષિણના નૈમીત્તિકે મીનલને કહ્યું કહેવાતું હતું તે સાંભર્યું. જયદેવ મહારાજ ઉપર પણ એવો જ શાપિત શંકુ લટકતો હતો. એને તરત પરશુરામ – ત્યાગવલ્લી – ને પરશુરામે કહેલી વાત યાદ આવી ગઈ. 

એટલામાં કેશવ બોલ્યો: ‘પ્રભુ! આ વજ્રપ્રહાર છે હ્રદય આ ઘા મારતાં ધ્રૂજે છે, પણ કદાચ સંધિ આવે તો આમ આવે!’

ઉદયનને પોતાના અભ્યુદયની આ કથાએ વધારે સતેજ કરી મૂક્યો હતો. પોતે કદાચ સફળ થાય – તો એની મહત્તા વધે. એ સ્પષ્ટ હતું.

‘નાયક! તમે તો અમોઘ શસ્ત્ર આપ્યું છે! હવે તમારી વાત શી છે તે કહો. શું કરવાનું છે?’

‘મારી વાત તો તદ્દન સહેલી છે; તમારામાં હિંમત છે. પ્રભુ! મહારાજ ભુવનેશ્વરીને છોડે નહિ, તો આંહીં આંતરવિગ્રહ જન્મે – માલવા એનો લાભ ઉઠાવે...’

‘હાં હાં... પેલી...’

‘એટલે જ એને રવાના કરી દીધી હોય....’

ઉદયને ચિંતાભરેલે ચહેરે એની સામે જોયું. એ પોતે આ કરવાનો તો હતો; પણ જે વાત પરશુરામે કહી એની આને ગંધ હશે? કે નહિ હોય! કે આ પોતાના તાનમાં છે?

‘એ તો થાય – જોખમ પૂરું; પણ થાય. એમાં મહારાજ સામે થવાનું – ને પાછું અપ્રગટ રહેવાનું.... એમ  બે કામ કરવાં પડે નાયક!’

બહારથી દ્વારપાલને પ્રવેશતો જોઇને ઉદયન બેઠા જેવો થઇ ગયો.

‘પ્રભુ! પરશુરામ પધારે છે.’

‘હેં? હેં? પરશુરામ? એ ક્યાંથી?’

એટલામાં તો પરશુરામ આવી રહેલો નજરે ચડ્યો; ઉદયને એક ચિંતાભરી દ્રષ્ટિએ કેશવને નિહાળ્યો. એને સામેથી કાઢવો – એ હાથે કરીને પોતાની વાત પ્રગટ કરવા જેવું હતું. પરશુરામથી સામે ગયા સિવાય કેશવને બહાર જવાનો બીજો રસ્તો ન હતો. ઉદયને ઉતાવળે પાસેના વસ્ત્રખંડ તરફ દ્રષ્ટિ કરી. એન સાંભર્યું: એમાં કોઈ ન હતું. પરશુરામની જતી વખતે કેશવને એમાં જવાની નિશાની તેણે ઉતાવળે કરી દીધી. ‘આવ! પરશુરામ!’ એ શબ્દ બોલ્યો ન  બોલ્યો, ત્યાં તો પરશુરામના પગલાં ખંડમાં પડ્યાં હતાં. ઉદયનના શબ્દો પણ એના મોંમાં જાણે પાછા ચાલ્યા જતા હોય તેમ, એ ધીમા – અતિ ધીમા થઇ ગયા, પરશુરામની પાછળ પણ કો’ક આવી રહ્યું હતું. એ કોણ? અને તેમાં પણ અત્યારે એક નારી! એ શું?