૧૯
ઉદયન અને પરશુરામ
કેટલાક માણસો સ્થિતિસ્થાપક હોય છે. એમને તમે ગમે તેટલા દબાણમાં રાખો; જરાક તક મળી કે એ પાછા હતાં તેવા. બીજા કેટલાક ઝરણા જેવા હોય છે; ગમે તેટલે ઊંડે એને ભંડારો, એ માર્ગ શોધી લેવાના. ઉદયનમાં એ બંને ગુણ હતાં. એ સ્થિતિસ્થાપક હતો અને માર્ગશોધક પણ હતો. એને આંહીં સોરઠમાં આવવું પડ્યું એ પ્રથમ તો રુચ્યું ન હતું. સ્તંભતીર્થને એણે પોતાનું માન્યું હતું. ત્યાં એણે અઢળક ધન મેળવ્યું હતું. અઢળક ધન વાપર્યું પણ હતું. ત્યાં સ્તંભતીર્થમાં એ મુગટ વિનાનો રાજા હતો. આંહીં તો એની કાંઈ ગણતરી પણ ન હતી. એણે સ્તંભતીર્થને અનેક જિનાલયોથી શણગાર્યું હતું. પણ આંહીં ગિરનાર ઉપર કેવલ પથ્થરનો વજ્જર કિલ્લો ઊભો ઊભો સૌની હાંસી કરતો હતો! આંહીં મુંજાલ મહેતાની મહાન વિજયયોજનામાં એનું એક સ્થાન હતું, પણ તદ્દન ગૌણ. ઉદયનને આ કાંઈ ફાવતું ન હતું. આ પણ અનાકર્ષક લાગ્યું હતું. રણક્ષેત્ર પણ જુદું જ જણાયું હતું. પરંતુ એનો ઉછેર ગરીબીમાં થયો હતો. મારવાડના શુષ્ક નિર્જન પ્રદેશમાં, માથે ઘીના કૂંપા લઈને ઘેર ઘેર વેચવા માટે ફરતો – એ દિવસ હજી એ ભૂલ્યો ન હતો. કોઈક તક ઝડપી લેવા માટે હમણાં તો એ મૂંગો જ બની ગયો.
થોડો સમય ગયો, એટલામાં તો એની વિચક્ષણ ઘ્રાણેન્દ્રિયને વાતાવરણમાં તકની ગંધ લાગી. રાજમાતાનો પ્રભાવ એણે ઘણો પ્રબળ થતો જોયો. મુંજાલને રાજમાતાની રાજનીતિનો લડવૈયો નિહાળ્યો. મહારાજ એકદમ અચાનક પડદા પાછળ જતા જણાયા. ત્રિભુવનને સઘળું નીરસ લાગવા માંડ્યું હતું, ઉદયનને એ નિસ્તેજ જણાયો. પરશુરામ સાહસિક ઘોડા કરનારો લાગ્યો. એણે એને થાબડીને રજેરજ માહિતી મેળવવાનો ક્રમ રાખ્યો. કાકાએ ભત્રીજાને મહાશક્તિશાળી કયો એટલે ભત્રીજાએ કાકાને ધર્મધુરંધર માન્ય. કાકોભત્રીજો મળતા રહ્યા.
વાતાવરણમાં એકદમ ગંભીર મૌન જણાયું. તે સમજી ગયો. ઘર્ષણ નજીક હતું. જયદેવ, લક્ષ્મીદેવી, મીનલદેવી અને ત્યાગવલ્લી – એમની વચ્ચેની હવામાં ઉદયને વીજળીના આંચકા અનુભવ્યા. એ પ્રૌઢ રાજકુનેહી પુરુષ હતો. હવે એને લાગ્યું કે, પોતે તો ઠીક સમયસર આવ્યો છે. એણે આ વાતાવરણમાં પોતાનો અભ્યુદય દીઠો. મુંજાલને અનુરૂપ રહેવા તે બહારથી પ્રત્યત્ન કરતો રહ્યો – અંદરથી શિકારીની જેમ ઝડપ મારવા તૈયાર થઈને બેઠો.
એટલામાં તો એક ફેરફાર એની નજરે ચડ્યો. જયસિંહદેવ મહારાજ પોતે સોમનાથ ગયા. જૂનોગઢી મોરચો મુંજાલે નવેસરથી રચવા માંડ્યો. કોઈ કાંઈ – એક શબ્દ પણ – બોલ્યું ન હતું. ફેરફાર મૂંગો હતો. રાશિજીના ને ભગવાન સોમનાથના સાનિધ્યમાં રહેવા મળે ને સોમનાથની ભક્તિ ફળે – માટે લક્ષ્મીદેવી પણ સોમનાથ ગયાં.
ત્રિભુવનને લેવા સ્તંભતીર્થથી વહાણ આવી ગયું હતું, પણ મહારાજની આજ્ઞા હજી મળી ન હતી. એટલે એ રાહ જોતું સોમનાથમાં પડ્યું હતું. હરપળે એની ઊપડવાની તૈયારી હતી.
રાજમાતા ઓછું બોલતાં પણ જ્યારે બોલતાં ત્યારે એમનો જ શબ્દ સર્વોપરી થઇ રહેતો એ ફેરફારે પણ ઉદયનનું ધ્યાન ખેંચ્યું.
એક યુદ્ધમંત્રણાસભા, રાજમાતાના કહેવાથી, મુંજાલે બોલાવી હતી. ઉદયનને લાગ્યું કે, કટોકટીની પળ હવે આવી રહી છે. એ મંત્રણાસભા આંહીં ચાલતી હોય, બરોબર એ જ સમય, ત્યાગવલ્લીના વિસર્જન માટેનો પણ હોય, તો ના નહિ!
પણ એના મનમાં એક શંકા જન્મી: એને વિદાય કરશે સોમનાથમાંથી, કે વિદાય જ કરી દેશે – પૃથ્વીમાંથી પણ.
એણે વાતાવરણમાં શાંતિ જોઈ. પણ તે મહાભયંકર તોફાન પહેલાની અર્થભરી મૂંગી શાંતિ હતી. તે સાવધ થઇ ગયો. એને અનુભવ હતો કે અભ્યુદયની ખરી પળ – એ વખતે હોય છે, તોફાન આવે ત્યારે. એમાં માણસ કાં આ પાર જાય કાં પેલી પાર નીકળે. તે સાહસિક હતો, ચકોર હતો આવી કંઈક વસ્તુઓ એણે જોઈ હતી. હવે તો એ સોમનાથની રજેરજ માહિતી રાખવા માંડ્યો.
આજે આંહીં મંત્રણા હતી. એ પોતાની પટ્ટકુટ્ટિની બહાર એકલો અશાંત જેવો ફરી રહ્યો હતો. મહારાજ આવવાના હતાં. ત્રિભુવન આંહીં હતો. જગદેવ આવ્યો હતો. સજ્જન, પરશુરામ, પોતે – સૌને આમંત્રણ હતું. એ ઉતાવળે કોઈકની રાહ જોતો આમથી તેમ ફરી રહ્યો હતો.
એની સામે ગિરનારનો અણનમ ડુંગર પડ્યો હતો. પડખે ઘોર જંગલ ગાજી રહ્યું હતું. આસપાસમાંથી સૈનિકોની સાવચેતીની રણહાકો સંભળાતી હતી. ડુંગરમાળા પર ઠેકાણે-ઠેકાણે ચોકીદારોનાં તાપણાં ઝબૂકી જતાં હતાં.
આ સર્વ રણદ્રશ્યો ઉપર થઈને એની આંખ સામેની ગિરિમાળાનાં ઊંચા શિખરો ઉપર થંભી ગઈ. એક – બે સુંદર દીપકમાળા ત્યાં પ્રકાશી રહી હતી. ડુંગર ઉપર કંઈક ઉત્સવ હતો.
એનું હ્રદય એ જોતાં થનગની ઊઠયું. એના મનમાં એક નવો જ વિચાર આવી ગયો:
‘દંડનાયક વિમલે જેવી રીતે આબુ – અચળેશ્વર શણગાર્યા હતા, તેવી રીતે આ ડુંગરમાળાને શણગારી હોય તો?’
વિચાર આવતાં જ એ ઉત્સાહથી ડોલી ઉઠ્યો. એણે એમાં પોતાનો મહાન અભ્યુદયનો આરંભ દીઠો; સજ્જન મંત્રીનો સાથ મળતા જોયો; પરશુરામને પોતાની પડખે નિહાળ્યો, મુંજાલ ભલે આજે રાચે, પણ આવતીકાલ તો એની હતી.
એનાં પગલાં વધુ વેગભર્યા, વધુ ઉતાવળાં થઇ ગયાં. એટલામાં તો એણે સામેથી આવતું મશાલનું તેજ નિહાળ્યું. કોણ આવતું હશે એ વિચાર કરે છે, એટલામાં ઝાંઝણને પોતાની સામે હાથ જોડીને ઊભેલો દીઠો: ‘પ્રભુ! મહાઅમાત્યજી આવે છે!’
‘કોણ? મુંજાલ – ?’ પણ તેણે તરત પોતાની ભૂલ સુધારી લીધી: ‘કોણ મહાઅમાત્યજી? ક્યાં છે?’
‘આ સામે આવે, પ્રભુ!’
મશાલનો પ્રકાશ નજીક આવતો જણાયો. ઉદયને બે જણને આ બાજુ આવતા દીઠા. તે સામે ચાલ્યો.
‘જય જિનેન્દ્ર, પ્રભુ! આજ તો...’
‘જય જિનેન્દ્ર, ઉદયન!’ મુંજાલે એને જોતાં જ કહ્યું.
‘જય જિનેન્દ્ર, સજ્જન મહેતા! પરશુરામે તો કહ્યું હતું કે, તમે પણ આંહીં આવ્યા છો! પણ મળવાનું તો છેક આજે થયું!’
‘આપણે જવાનું છે – તને રાજમાતાએ કહેવરાવ્યું છે નાં?’ મુંજાલ બોલ્યો, ‘આ બાજુ નીકળ્યા એટલે કીધું, સૌ સાથે જઈએ. લાટ-કર્ણાટકના સમાચાર પણ કાંઈ બહુ સારા નથી. ત્રિભુવનને મહારાજ ત્યાં મોકલવા માંગે છે!’
‘હં, સમજાયું. આ બંને કેમ આવ્યા છે તે –’ ઉદયને મનમાં વિચાર કર્યો. ‘ત્રિભુવનને મહારાજ જવા દેવા નહિ માગતા હોય. આ એને કાઢવા માંગે છે. એટલે લાટ બાજુનું મહારાજ કાંઈ પૂછે, તો પોતાની રાજનીતિ અનુકૂળ કરી લેવા માટે, આ આંહીં સુધી લાંબો થયો હતો.’ ઉદયને હાથ જોડ્યા: ‘પ્રભુ! હું તૈયાર છું પણ મારી આ ઝૂંપડી પાવન...’
‘સમસ્ત કોંકણાધિપતીની મહેચ્છાનો પાર નથી, ઉદયન! તને તો ખબર હશે નાં?’ મુંજાલ પટ્ટકુટ્ટિમાં જવા માટે આગળ વધ્યો હતો. તે એની સામે જોઇને બોલ્યો.
ઉદયન સાવધ થઇ ગયો. કોકણાધિપતી જયકેશી મીનલદેવીનો ભત્રીજો, મહારાજ જયદેવનો મામાનો દીકરો ભાઈ, પાટણમાં અમાત્યો બળવાન હતાં, ત્યારે પાટણ પહેલું ને રાજા અથવા રાજાના સંબંધો પણ પછી, એ સ્થાપિત પ્રણાલિકાઓને ફેંકી દીધી હતી. એણે પોતાની જ પ્રણાલિકાઓ સ્થાપી હતી.એના શરૂઆતનાં વર્ષો હજી ઉદયનને યાદ હતાં – જ્યારે પાટણમાં મહારાજ સિવાય કોઈનો ગજેન્દ્ર પણ ન ફરકતો. જયદેવ સાથે અથડામણમાં આવે એવું કોઈ પગલું એ લેવા માગતો ન હતો. તેણે બે હાથ જોડ્યા: ‘એ તો એવું છે, પ્રભુ! એને વશ રાખનાર ક્યાં બેઠો નથી?’
‘કોણ?’
કર્ણાટકનો વિક્રમ; બીજું કોણ?’
‘પણ આપણે આપણું સંભાળવું. લાટમાં ત્રિભુવનપાલજી જેવા મહાસમર્થ દંડનાયક બેઠાં હોય તો જ એ થાય!’
‘એ તો છે, પ્રભુ!’ ઉદયનને ત્રિભુવન આંહીં રહે કે લાટમાં જાય એમાં કાંઈ બહુ રસ ન હતો. એને તો રસ રાજામાં હતો અને હવે બીજો ગિરનારમાં હતો.
‘જો ઉદયન! સજ્જન મહેતા! આંહીં આપણે ત્રણ જ છીએ... ઝાંઝણ! તું ત્યાં કૃપાણ કે કોઈ આવે તો ખબર કરજે!’
ત્રણે જણા પટ્ટકુટ્ટિમાં જવા માટે આગળ વધ્યા, મુંજાલે અંદર જઈને ગાદી-તકિયા ઉપર બેઠક લીધી. પાઘડી નીચે મૂકી, ઉપરણાથી વા નાખવા માંડ્યો: ઉદયન ને સજ્જન મહેતા સામે બેઠા.
‘શું આંહીં પણ પાણા ધગે છે! જાણે અગ્નિનો કુંડ ભર્યો!’ તેની બરાબર સામે ગિરનારી ડુંગરમાળા શોભી રહી હતી. તેણે ઉદયન તરફ દ્રષ્ટિ કરી; સજ્જન મહેતા સામે જરાક જોયું: ‘મહેતા! જરાક આ તરફ આવો. આ જુઓ તો આંહીંથી – ત્યાંથી નહિ, આંહીથી – ’ સજ્જન મહેતાને મુંજાલે છેક પોતાની પાસે ખેંચીને સામેની ડુંગરમાળા દેખાડી. ‘જુઓ, પેલી તાપણી ઝબૂકે, એ ઠરી ગઈ, જુઓ ફરી ઝબૂકી! મારી નજર તો, ત્યાં ઠરી છે! આ ડુંગરી કિલ્લો!’
‘શું છે, પ્રભુ!’ ઉદયને પૂછ્યું.
‘ઉદયન! જો આ જુદ્ધ, જે મહારાજે ઉપાડ્યું છે, તેમાં મળવાના પાણા ને ખોવાનાં રત્નો, એવી વાત છે. રાજમાતા ને મહારાજ બેયને ગળે વાત તો મેં ઉતારી છે. તે ઠીક કર્યું છે, લાટની અશાંતિ વિશે કહેવરાવી દીધું છે. જગદેવ ભલે પાટણ જતો, કે એને ઠીક પડે ત્યાં જતો, એ ક્યારનો જાઉં જાઉં તો થઇ રહ્યો છે, તો એ ભલે જતો, હવે આ મોરચો આપણે સૌએ સંભાળવાનો છે.’
‘અને એક બીજું પણ છે, ઉદયન!’ મુંજાલે સાંભળ્યું હતું કે ઉદાને સ્તંભતીર્થ છોડવું રુચ્યું નથી. આજે યુદ્ધસભામાં એ કાંઈક ઊંધું વેતરે તો પોતાની યોજના વેડફાઈ જાય. સ્તંભતીર્થ થોડો વખત છોડવામાં એને પોતાને જ લાભ છે એ એને ઠસાવ્યું હોય – અને ભય વિના બીજા કોઈને તો આ મારવાડો ગાંઠે એવો નથી – એટલે મુંજાલે મુરબ્બીવટભરેલા હેતુથી, પણ એને સાવધ રાખવા માંગતો હોય તેમ કહ્યું: ‘અને મને પણ એ સાચું લાગે છે. તું થોડો વખત મોરચે હોય તો સારું. મહારાજ પાસે તારી નવાજૂની આડીઅવળી ઘણી વાતો આવી રહી છે. રાજા કાનના કાચા કહેવાય છે. પણ આ જયદેવની વાત ન્યારી છે. એની આંખ પાકી છે, બધું એ પોતે જાતે જુએ એવો છે, ને તારી વાત તો કાંઈ ને કાંઈ આંહીં આવતી હોય ! તે ત્યાં જિનાલયો આદર્યા છે?’
‘હા, કેમ?’
‘એ રાજાને રુચ્યું નથી લાગતું!’
‘કેમ? એમાં શું થયું? જિનાલયો તો હું જ્યાં જાઉં ત્યાં કરું. કર્ણાવતીમાં ઉદયનવિહારમાં ક્યાં નથી? એમાં શું? એ કાંઈ મોટો દોષ છે? મને ભગવાને સંપત્તિ આપી છે, ભગવાનના નામે મારે એ વાપરવી છે, એમાં ખોટું શું? મારું ચાલે તો આખા ભારતવર્ષમાં, હું તો પાંચ-પાંચ ડગલે એક-એક જિનાલય ઊભું કરવું! માત્ર શસ્ત્રના આધારે નહિ – ધર્મના આધારે પણ માણસ ગમે તેવી સત્તાને ડારી શકે છે?’
‘એ તો તારા આંબડ – આમ્રભટ્ટને પૂછીશું. પણ ગાંડા ભાઈ!’ મુંજાલે હેતથી કહેતો હોય તેમ કહ્ય, ને પછી ભય બતાવ્યો: ‘ત્યારે આ રાજાના સ્વભાવનો પરિચય તને હવે મળશે. એ જે ધાર્યે કર્યે રહે, એવો છે. આપણે એની આંખે શું કરવા ચડવું? એ ગાંડો...’ મુંજાલે અત્યંત ધીમેથી કહ્યું: ‘તમામ જિનાલયોની ધજા એ ઊતરાવે એવો છે!’
‘એ તો મહાઅમાત્યજી! રાજા ગાંડો ત્યાં સુધી છે – જ્યાં સુધી આપણે ડાહ્યા નથી!’ ઉદયન બોલી ગયો, પણ તે પાછો તરત સ્વસ્થ થઇ ગયો. એને લાગ્યું કે એ પોતાની વાત પ્રગટ કરી દેતો હતો. તેને તરત વાત વાળી લીધી: ‘પણ તમારી વાત બરાબર છે, પ્રભુ. આંખે શું કરવા ચડવું?’
‘એ ડહાપણ રાખવા માટે જ, મેં તને કહ્યું, તું આંહીં હો તો સારું. આંહીં રાજા હોય, ત્રિભુવનપાલ સાથે હોય, સોમનાથનું મંદિર હોય, રાજમાતાની ભક્તિ હોય- અને જો તને કહું – પેલા રાશિની કાંઈ ને કાંઈ જુક્તિ હોય – એ બધું એકસાથે આંહીં – એમાં કાંઈ સાર નહિ. આપણે આજ ભેગા થઈએ ત્યારે એ સંભાળવાનું બીજું શું? રાજાનો વિશ્વાસ શો? આજ તને સ્તંભતીર્થથી કાઢે, કાલે મને પાટણમાંથી કાઢે! આપણે પાછો દોર હાથ ધરવાનો છે. ઉદયન! બીજું તો ઠીક હવે!’
ઉદયનની ઝીણી આંખ વધારે ઝીણી થઇ ગઈ. વાત મુંજાલની સાચી હતી પણ એણે જયદેવનો સ્વભાવ ક્યાં જોયો ન હતો? દોર હાથ કરનાર પોતે ઊંધે કાંધ પડે, જો જરા ગફલત બતાવે તો. એટલે એણે માત્ર ડોકું ધુણાવ્યું.
એટલામાં ઝાંઝણે પ્રવેશ કર્યો: ‘પ્રભુ કૃપાણ આવેલ છે!’
‘ચાલો ત્યારે ઉદયન! સજ્જન મહેતા! પરશુરામ તો ત્યાં આવી ગયો હશે. બોલાવ્યો તો છે. વળી કહેવરાવ્યું છે કે સૈનિકોની વ્યવસ્થાને હાનિ ન પહોંચે તો જ આવવું! એને પણ હમણાં ધડ ઉપર માથું –’
‘ત્યારે તો વખતે નહિ આવે!’
‘મને પણ લાગે છે, વખતે નહિ આવે!’
ઉદયન વિચાર કરી રહ્યો: આની અનેક યોજના લાગે છે – પેલીને વહાણમાં કાઢી મૂકવાની. રાજા જાણશે ત્યારની વાત ત્યારે – રાજમાતાની આજ્ઞા હતી – એવી વાત થશે. પણ જો કોઈ એ વસ્તુ અત્યારે સાચવી લે, તો એનો બેડો પાર પડે. પરશુરામ અત્યારે આંહીં હોય એમ ઉદયન ઈચ્છી રહ્યો. એણે એને આવવાનું કહેવરાવ્યું તો હતું, પણ હજી એ આવ્યો હોય તેમ જણાયું નહિ. મુંજાલ આવ્યા પહેલાં એ એની રાહ જોતો હતો.
આખું મંડળ થોડી વારમાં મહારાજનાં મંત્રણાગૃહમાં પહોંચ્યું, ત્યાનો દેખાવ આજે જુદો હતો. સશસ્ત્ર સૈનિકોની ચારેતરફ ચોકી હતી. ખૂણામાં દીપીકાઓ જળી રહી હતી. એક બાજુ રાજમાતા પોતે સાંગામાચી ઉપર બેઠાં હતાં. સામે પરમાર જગદેવ હતો. પડખે ત્રિભુવન બેઠો હતો. મુંજાલ અને સજ્જને અંદર પ્રવેશ કર્યો. ઉદયન અંદર પ્રવેશ કરવા જતો હતો, ત્યાં કોઈ એને સામેથી નિશાની આપતું લાગ્યું. તે જરાક થોભી ગયો. નિશાની આપનાર થોડી વારમાં જ ઉદયન પાસે આવ્યો. ઉદયને એને તરત ઓળખ્યો. તે આશ્ચર્યમાં તેની સામે જોઈ રહ્યો: ‘કેમ, પૃથ્વીભટ્ટ! શું છે?’
પૃથ્વીભટ્ટે નાક ઉપર આંગળી મૂકી: ‘પરશુરામ આવેલ છે, પ્રભુ! પણ એ છતો થવા માંગતો નથી. તમને મળવા માંગે છે!’
‘ક્યાં છે?’ ઉદયન વિચારમાં પડી ગયો. પોતે ધારતો હતો તેમ આજે જ કટોકટીની પળ આવી ગઈ કે શું?
‘ત્યાં પેલા ખાખરાની પાસે ઊભેલ છે. એને પાછું સોમનાથ જાવાનું છે!’
‘કેમ? આંહીં – મંત્રણામાં એ નથી આવવાનો કે શું?’
‘આંહીં અત્યારે તો એ હોવાનું જ કોઈએ ધાર્યું નથી. એને તો જુદું જ કામ સોંપાઈ ગયું છે!’
પૃથ્વીભટ્ટે બતાવી હતી એ દિશામાં ઉદયન ગયો. ખાખરાના ઝાડ પાસે એક માણસને ગુપચુપ ઊભેલો એણે જોયો. ઉદયનને જોતાં જ એ બોલ્યો: ‘કાકા! આમ આવતાં રહો – આપણા ઉપર કોઈની નજર પડશે. આ તરફ નજરચોકી પૃથ્વીભટ્ટની છે એ આપણો સાધેલ છે, એટલે વાંધો નથી – તોય ચેતતા સારા!’
ઉદયન તેની પાસે સર્યો: ‘કેમ? શું છે, પરશુરામ?’
‘કાકા! તમે કહ્યું હતું તે યાદ છે? આપણે કાકોભત્રીજો ભેગા થઈને રસ્તો કાઢીશું તે?’
‘શાનો? તું શાની વાત કરે છે?’
‘મારો ને તમારો બેયનો બેડો પાર પડે એવું કામ આજે માથા ઉપર છે. તમને ખબર છે નાં, પેલી સોમનાથમાં રાજવંશી નારી આવી છે તે?’
‘હા. એનું શું છે?’
‘એણે મહારાજને ભવ્ય સ્વપ્નથી ભરી દીધા છે – પાટણની અવંતી જેવી વિદ્યાસમા, ભારતવર્ષવિખ્યાત વિદ્વાનો, એકચક્રી મહાશાસન અને તુરુષ્કોને વલ્લમંડલની પેલી મેર જ રાખનારું સામંતચક્ર – એટલે મહારાજને આ નાનકડું બહારવટા જેવું નિષ્ફળ જુદ્ધ ગમતું નથી. એમને સંધિ કરવી છે. ખેંગાર જેવો બહાદુર નર પાટણનો સામંત હોય એમાં પાટણની શોભા છે!’
‘પરશુરામ! ગાંડો થા માં. એ દીકરો રા’ નવઘણનો છે. એનું માથું મળે, એની સામે વિજય ન મળે. બીજું કાંઈ તારે કહેવું છે?’
‘હા, કાકા! આ ત્યાગવલ્લી – એણે મહારાજને ફેરવી જ નાંખ્યા છે. લક્ષ્મીદેવી એને તત્કાળ કાઢવા માંગે છે. રાજમાતા વિદાય કરવા માંગે છે. મહારાજ રાખવા માંગે છે. રાશિ રક્ષવા માંગે છે.’
‘પણ તું – તું શું કરવા માંગે છે?’
‘મેં તો મુંજાલને કહ્યું છે કે વહાણમાં રવાના કરું છું. મહારાજને કહ્યું છે કે, ત્રિભુવનપાલજીને સોંપું છું. લક્ષ્મીદેવીને કહ્યું છે કે, વહાણમાં સાથે કૂટવટાવ કરવાવાળા જાય છે. રાજમાતાને કહ્યું છે કે લાટથી માળવા જાશે – એટલે પત્યું!’
પરશુરામ ધીમેથી પાસે સર્યો: ‘વાત જાય નહિ હો, કાકા! કોઈને કહેતા નહિ, પણ આ ભુવનેશ્વરીનો ઈતિહાસ – એ મને તો ફરી દુષ્યંત-શકુંતલાના ઈતિહાસ જેવો થાય તો ના નહિ, એમ લાગે છે. મહારાજ કોઈ પ્રકારે એને રક્ષી લેવા મથે છે, ને લક્ષ્મીદેવી, એ તો રાશિ હોય નહિ ને એ જીવતી રહે નહિ, એવી વાત છે!
‘હેં, ખરેખર?’
‘જોજો – કાકા! વાત જાય નહિ હોં – આ તો ઊડતી વાત પકડી છે. ખોટી, સાચી ભગવાન જાણે! આ પૃથ્વીભટ્ટ પહેલાં તો આડાઈ કરતો. હમણાં તો આ બાજુ ઢળ્યો છે. એ મહારાજનો જમણો હાથ છે. એટલે વાત તો સાચી હશે – પણ ક્યાંય જાય નહિ, કાકા!’
‘પરશુરામ! ત્યારે તને તો એક તક મળી છે, ગાંડા ભાઈ! તું એ ગુમાવતો નહિ, જેટલું મને પેટમાં બળે એટલું કોઈને ન બળે. મુંજાલ મહેતો તને આમાં બનાવી જાશે. તું ધોડા કરીશ. સૌની આંખે થઈશ. સૌ તારી વાત ખોટી સમજશે. ડાળાં મૂકીને થડને જ સંભાળ ને ભલા! મહારાજ પોતે શું ઈચ્છે છે?’
‘ત્યાગવલ્લીને ક્યાંક સુરક્ષિત સ્થળે રાખવાનું!’
‘ત્યારે એ વાત સોળ વાલ અને એક રતી. બીજી બધી વાત જવા દે. મોકલી દે આપણે ત્યાં સ્તંભતીર્થમાં. મોટો ચક્રવર્તી આવે તોય એનો વાળ વાંકો નહિ થાય! મહારાજ કહેશે, ત્યારે હાજર કરી દેશું!’
‘પણ કાકા! મુંજાલ મહેતા, લક્ષ્મીદેવી, રાજમાતા –’
‘અલ્યા, તું હું કહું એમ કર ને. સૌ સૂતાં રહેશે.’
‘વાત તો સાચી છે!’
‘સાચી છે નહિ – તારા હાથમાં શું છે, એની તને પોતાને ખબર નથી! તારા હાથમાં આ સૌની – મુંજાલ મહેતાની મહારાણીની, રાજમાતાની અને રાજાની પણ – ચોટલી છે! આ તે કાંઈ ગાંગલી ઘાંચણની વાત છે? મહારાજ શું સમર્થ નથી એને રાખવા માટે? પણ ના, એ થોડા વખત પછી જોઈતું મેળવી લેશે. ત્યાં સુધી તું જશ લઇ લે! ને એમાં તેં કહ્યું તેમ હશે –’
‘એમ જ લાગે છે કાકા! એટલે તો કોઈ વાતમાં હાથ મૂકી શકતું નથી.’
‘આપણે મૂકો – હું કહું છું ને!’
‘પણ મુંજાલ મહેતા જાણશે એનું શું? રાજમાતા, લક્ષ્મીદેવી –’
‘તેં કહ્યું નાં કે જયદેવ મહારાજ સમર્થ છે, જાગશે ત્યારે જોઈ લેવાશે, દ્વીપમાં એક શ્રેષ્ઠી છે – મારો ઓળખીતો. હમણાં ને હમણાં કોઈને સંદેશો લઈને ઝડપી સાંઢણી મોકલી દે – સવારે એ સોમનાથમાં હાજર થઇ જશે. ત્રિભુવનપાલ વહાણમાં જાય, બરોબર તે સમે એક હોડકું હાજર રાખવું. દ્વીપ પહોચાડી દેવી. પછી ત્યાંથી તાલધ્વજ ને ત્યાંથી સ્તંભતીર્થ. સ્તંભતીર્થ ભેગી કરવી મારે માથે! બસ! એક વખત સ્તંભતીર્થમાં બેસે એટલે ભગવાનને ઓળે!
‘પણ એ માનશે?’
‘કોણ?’
‘ભુવનેશ્વરી!’
‘નહિ માને તો? આહીંથી શું કોઈ એને જવા દેશે, કે એ જઈ શકશે? એને હું મનાવી દઉં – ત્રિભુવનપાલ જવાના હશે ત્યારે હું આવી જઈશ. ગાંડા ભાઈ! એના હાથમાં તો અત્યારે પાટણનું રાજ છે એમ કહેવાય – જો તેં કહી વાત હોય તો. એને કાંઈ આપણે હાથમાંથી જવા દેવાય? આ તો એક જબરદસ્ત તક છે. પરશુરામ! સંભાર ને પાટણની પ્રણાલિકા. કોણ જશે દ્વીપમાં?’
‘એક છે – ધુબાકો!’
‘વિશ્વાસુ છે?’
‘મહારાજનો અંગત માણસ છે. મહારાજ મને એનો અંગત ગણે છે, એ રીતે વિશ્વાસુ.’
‘ત્યારે એને કહેજે – આંહીં ઊભો રહે. તું ત્યાં યુદ્ધસભામાં આવવાનો છે?’
‘ના, હું અત્યારે ભુવનેશ્વરીને વિદાય આપી દઈશ; એમ સૌ માને છે. કાલે જોશે કે નથી આપી – એટલે પછી હવામાં ચમકારી આવશે. લક્ષ્મીદેવી તો તત્કાલ કાઢવા માંગે છે!’
‘એ તો સૌ કાઢવા માંગે. પણ આપણે મહારાજને પકડો; નહિતર મુંજાલ તો મહારાજની આંખે ચડાવીને તને પણ રવાના કરી દેશે – આ મોરચેથી જ ત્રિભુવનપાલને જવું પડ્યું નાં?’
‘એનું તો કારણ છે, કાકા!’
‘શું?’
‘તમને તો ખબર હશે નાં?’
‘ભૈ! હું તો આંહીં નવોસવો. આંહીંનો મુત્સદ્દી ગણો કે જે ગણો તે તું. મેં તો બર્બરકનું એને રુચતું નથી, એટલું જાણ્યું છે!’
‘આ તો બીજું છે, કાકા! ભારે થઇ છે. મહારાણી મીનલબાને ત્રિભુવનનું મોં જોવું પણ હવે ગમતું નથી!’
‘હેં! ખરેખર? કેમ? એવું શું થયું છે? મહારાજને તો એ પૂજે છે – ત્રિભુવન.’
‘હજી કોઈને ખબર નથી, પણ સોમનાથમાં એક નૈમિત્તિક આવ્યો હતો. દક્ષિણાપથનો હતો. રાજમાતાને એણે કહ્યું કે, પાટણની ગાદીએ હવે ભવિષ્યમાં રાજા પછી રાજપુત્ર એમ કોઈ નહિ આવે. એ રીતે નજીકમાં નજીક રાજવરસ સંબંધી ત્રિભુવનપાલ રહ્યા. ત્યારથી રાજમાતાનું મન ખાટું થઇ ગયું છે! આ ભુવનેશ્વરી વિશેનો ઉપાડો એમ વધ્યો છે! કોઈને કહેતા નહિ કાકા!’
‘એમ છે? ત્યારે તો, પરશુરામ! તું ગાંડો થતો નહિ! એમને પણ કાને વાત આવી હશે નાં?’
‘એ તો કોણ જાણે? પણ ત્રિભુવનપાલદેવ ઝાંખા પડી ગયા છે. એ તો મહારાજને નામે દેહ આપનાર રણજંગી જોદ્ધો. આજ આ જુદ્ધ છોડી જવું પડે એ એના જેવા રજપૂતીના નામધારીને લાગી આવે – પણ શું કરે? મહારાજની ઈચ્છા નથી, ને રાજમાતાની ઈચ્છાનું કોઈ ઉલ્લંઘન કરી શકે તેમ નથી! મહારાજ એટલા માટે તો આ જુદ્ધ જ પૂરું કરી નાંખવા માંગે છે.’
‘ત્યારે તું એમ કર ને – અત્યારે ધુબાકો ક્યાં હશે?’
એટલામાં પૃથ્વીભટ્ટ કાંઇક ચેતવણી આપવા માટે આવતો જણાયો. પરશુરામે એને ધીમેથી બોલાવ્યો: ‘ધુબાકો ક્યાં છે, પૃથ્વીભટ્ટ?’
‘આ રહ્યો. તમારી પછવાડે એની ચોકી છે!’
થોડી વારમાં જ ધુબાકો આવ્યો. ઉદયને એક વીંટી કાઢી: ‘રેતાદ્વીપ જવાનું છે, અલ્યા! ત્યાં જવું, શ્રેષ્ઠીનું નામ છે નૃપનાગ. એને આ વીંટી આપજે. અને એક વસ્ત્રલેખ આપજે! પરશુરામ! તું એને લખી આપજે – ક્યારે ને ક્યાં હોડી આવે – ને શી નિશાની એટલું. એટલે એ પ્રમાણે આવી જ જશે! ધુબાકાને હમણાં જ રવાના કરજે!’
પરશુરામે થોડી વાર પૃથ્વીભટ્ટના કાનમાં કાંઇક વાત કરી. પછી તે ઉદયન પાસે આવ્યો: ‘ધુબાકો જાય છે!’
‘થયું ત્યારે, મેં તને કહ્યું, પરશુરામ! તું એ સમજી ગયો છે કે?’
‘એ તો હું સમજ્યો કાકા!’
‘આ શંખનાદ થયો – મહારાજ આવ્યા લાગે છે – પછું હું સોમનાથમાં મળીશ.’