Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 16

૧૬

જયસિંહદેવની શોધમાં

કેદારેશ્વરના મંદિરમાંથી અદ્રશ્ય થયેલા મહારાજ જયસિંહદેવ ક્યાં હોઈ શકે એ મુંજાલને માટે હવે અગત્યનો પ્રશ્ન બની ગયો. એટલામાં એણે રાજમાતાની પાલખીને આવતી જોઈ. તે સમજી ગયો. હજી મહારાજનો પત્તો ન હતો. મહારાજ જયસિંહદેવે એક અનોખી પ્રણાલિકા સ્થાપી હતી. કોઈ વાતની જાતમાહિતી મેળવવા કે પરદુઃખમાં અચાનક મદદ કરવા ઘણી વખત આ પ્રમાણે અદ્રશ્ય થઇ જતા. મહારાજની એ સ્થાપિત પ્રણાલિકા હોવાથી એમની આવી ગેરહાજરી એકદમ નજરે ચડી આવે તેમ ન હતી એ ખરું પણ મુંજાલને તો ધુબાકાની વાતચીત યાદ હતી. મહારાજ ત્યાં હતા – કે ખેંગારને પાછો ફરતો રોકવાનો નવો યત્ન આરંભી બેઠા હતાં – કે પરદુઃખી સમાચારે એમણે સાંઢણીને ક્યાંક ખંખેરી મૂકી હતી – વસ્તુસ્થિતિ શી હતી એ જાણવાની પહેલી જરૂર હતી.

કૈલાસરાશિની વાતચીતમાંથી પણ એ વસ્તુ સ્પષ્ટ થતી ન હતી. લીલીબા સાથે પોતે કરેલી યોજના અફળ થાય એવું કોઈ પગલું મહારાજ પાછા ભરી બેસે – તો તો આ યુદ્ધનો હવે અંત જ આવે. રાજમાતાની પાલખી પાસે આવી અને એ પ્રણિપાત કરતો ત્યાં ઊભો રહ્યો. રાજમાતાના મોં ઉપર ચિંતા ને વ્યગ્રતા હતાં. અમૂલ્ય દાનનો આવો અવસર જયદેવ ખોઈ દેશે કે શું? એ વિશે એમનાં મનમાં ગડભાંગ ચાલી રહી હતી. રાજમાતાની પાલખી થોભી ગઈ. મુંજાલ પાસે સર્યો.

‘મુંજાલ! મીનલદેવીના સ્વરમાં થાક હતો: ‘જયદેવ ક્યાં છે? તને તો ખબર હશે નાં: કહ્યા-કરાવ્યા વિના આમ વખતોવખત અદ્રશ્ય થવાની ઘેલછા એને કોણે લગાડી છે?’

મુંજાલના મનમાં ઉત્તર તો સ્પષ્ટ હતો: ‘એ ઘેલછા તમે લગાડી છે, બા! તમે એને વિક્રમી પ્રણાલિકાનો રસ લગાડ્યો છે.’ પણ એણે કાંઈ પ્રત્યુત્તર ન વાળતાં પાલખી સાથે ઊભેલા કૃપાણ સામે દ્રષ્ટિ કરી.

‘એને પણ ખબર નથી.’ મીનલે કહ્યું. ‘એટલે તો હું તાત્કાલિક પાછી ફરી. એને ખબર હશે એમ ધરીને તો મેં એને સાથે ઉપાડેલો. હવે તું તારે જા કૃપાણ!’ તેણે કૃપાણને કહ્યું, ‘ને જો – મહારાજની ખબર મળે તો દોડતો કહી જજે. હમણાં સમુદ્રસ્નાનનો શંખ થાશે – મારે આ સમો જપ કરવા બેસવાનો – એ વખતે એને શોધવા નીકળવું પડે છે! પણ એ હશે ક્યાં? ક્યાંય ઉપડી તો નથી ગયો નાં? આજ તો આ દાનનો અવસર છે! પણ એને ઘેલું લાગ્યું છે: દાન પછી, કોઈ દેશવિદેશનો વિદ્વાન મળી જાય તો એ પહેલું. આંહીં કૃપાણ પણ એટલા માટે જ ઊભેલો!’

મુંજાલ કૃપાણને જતો જોઈ રહ્યો હતો. તેના મનમાં હસવું આવ્યું અને એક વિચાર આવી ગયો. મીનલદેવીએ જ મહારાજ જયસિંહદેવનું આવું વ્યક્તિત્વ ઘડ્યું હતું. એ પોતાની રાજનીતિ પોતાની રીતે ઘડતો, એમાં મીનલદેવીનો જેવોતેવો ફાળો ન હતો. આ જ તક હતી, એમનું પાણી એમને પાછું પાવાની. પૃથ્વીભટ્ટે કહ્યું તેમ મહારાજ પેલી માલવીય રાજવંશી નૃત્યાંગનાને દ્વારે નીકળે – અને રાજમાતા જ એનાં પ્રેક્ષક બને તો? એમાંથી એક અનિવાર્ય પરિણામ આવે: રાજમાતાને પોતાના જ પુત્રને દોરવા માટે બીજાની સલાહ લેવાની જરૂરિયાત લાગે. તેણે બે હાથ જોડ્યા: 

‘બા! મહારાજ ત્યાં તો નહિ હોય?’

‘ક્યાં?’

‘મેં કહ્યું, તમને ખબર હશે, બા! ત્યાં...’ મુંજાલ બોલતાં જરાક અચકાયો. પછી પૂર્વ દિશા તરફની સૂર્યમંદિરની ધજા સામે જોઈ રહ્યો. મીનલદેવીએ તેની દ્રષ્ટિ પકડી. એને અમાત્યની વાતમાં કાંઇક ઊંડાણ દેખાયું. એ રાજનીતિની જબરી જાણકાર હતી. જયદેવસિંહની કલ્પનાને અંકુશમાં લેવા મંત્રીઓ હંમેશાં સાવધાનતાભરેલી રાજનીતિનો આગ્રહ રાખતા, એની એને ખબર હતી. એવી જ કોઈ રાજનીતિનો આ પાસો તો નહિ હોય? અને સાથેસાથે જ સિદ્ધરાજનું કોઈ પગલું અજાણતાં પણ જોખમકારક ન નીવડે એ જાણવું જરૂરી હતું. એટલે મુંજાલના પ્રત્યુત્તરે એ ચમકી ગઈ હતી, છતાં તેણે પાછી તરત સ્વસ્થતા મેળવી લીધી. ‘શાની વાત કરે છે, મુંજાલ? કોઈ માણસ દૂરથી ન્યાય માંગવા આવ્યો કે શું છે? મહારાજે એટલા માટે રાતે ક્યાંય સાંઢણીને હંકારી મૂકી છે? એના મનમાં કોણ જાણે ક્યાંથી આવું વિક્રમી સ્વપ્ન આવીને બેઠું છે? બધું પોતે જોવું, પોતે જાણવું, પોતે કરવું.”

‘ઉદયનનો માણસ આવ્યો છે – પણ એ તો લાટ –કર્ણાટકની વાત કરવા આવ્યો લાગે છે!’

‘ત્યારે?’

‘બા! એક ખબર છે? દક્ષિણના એક રાજેન્દ્રને જોગી લોકો ઉપર અતિ વિશ્વાસ હતો. એ માહિતીનો લાભ શત્રુ રાજાએ લીધો. એ રાજેન્દ્રની હકીકત – અંત:પુર સીખેની રજેરજ હકીકત – શત્રુ રાજાના મુખ્ય પ્રધાને પોતે જોગીનો વેશ ધારણ કરીને મેળવી લીધી. આપણી પણ અત્યારે મને એવી અવસ્થા લાગે છે!’

‘આપણી?’ મીનલદેવી ચમકી ગઈ, ‘કેમ મહેતા, એમ કેમ બોલ્યા? કોઈ આવેલ છે? તમને કાંઈ ખબર મળ્યા છે? અલ્યા જરા પાલખી નીચે કરો તો!’

ભોઈ લોકોએ પાલખી નીચે મૂકી. તે આઘા ખસી ગયા. મીનલે ધીમેથી કહ્યું: ‘મુંજાલ! શાની વાત છે! કોઈ આવેલ છે?’

‘મને લાગે છે કે નરવર્મદેવે કોઈને મોકલી છે!’

‘મોકલી છે? કે મોકલેલ છે? શું? તેં તો કહ્યું મોકલી છે! કોણ છે?’

‘હા, બા! મોકલેલ હોય તો, એક રાજવંશી નર્તિકા આંહીં આવી છે. મહારાજનાં પરાક્રમી સ્વભાવે સૌને ચેતાવ્યા છે, એમની સ્વપ્નભૂમિ અત્યાર અગાઉથી જ પ્રગટ થઇ ગઈ છે. અને આપણી અરિ – માલવા ને નરવર્મદેવ – એ તો ઠીક, એ કવિ છે, પણ એનો પાટવી ઈન્દ્રદેવ અને બીજો કુમાર યશોવર્મદેવ એ બંને વિચક્ષણ છે. હૈહયની રાજકુમારી મહારાણી મોંમલાદેવી – એને નરવર્મદેવની કવિતાનો નહિ પણ વિજયયાત્રાનો ખપ છે. એક રાજવંશી નર્તિકા માલવાથી આંહીં આવી છે!’

‘ક્યાં છે?’ મીનલે ઉતાવળથી પૂછ્યું, ‘તેં મને વાત કેમ ન કરી?’

‘મને જ હમણાં ખબર પડી, બા! આપણે હમણાં જઈએ – પણ, એની વાત આપણે જાણી ગયાં એમ ન થવું જોઈએ. એ સામેના સૂર્યમંદિરના નીચેના ભોંયરામાં રહે છે!’

મીનલ વિચાર કરતી થોભી. થોડી વાર પછી તેણે ભોઈઓને બોલાવ્યા: ‘આ પાલખીને મુખ્ય દ્વારના પગથિયા પાસે ખડી રાખો – હું હમણાં આવું છું!’

ભોઈઓ ગયા કે તરત મીનલદેવીએ કહ્યું: ‘મુંજાલ! તું આગળ ચાલ, હું પાછળ ચાલી આવું છું. શંખનાદ થયા પહેલાં આપણે પાછાં ફરી જવું છે. આ તો તેં નવી નવાઈની વાત કહી. જયદેવ ત્યાં છે એમ? હું નથી માનતી. એટલે આપણે જાતે અત્યારે જ જોઈ લઈએ. આ તરફનો ઝાડનો ઘટાનો માર્ગ આપણે લ્યો. ત્યાંથી સૂર્યમંદિર તરફ જતાં કોઈને પત્તો નહિ લાગે.’

રાજમાતા ને મહાઅમાત્યે આડોઅવળો ઝાડની ઘટાનો માર્ગ પકડ્યો. ત્યાંથી એક રસ્તો સીધો સૂર્યમંદિર તરફ જતો હતો.