Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 14

૧૪

હવે શું થાય?

એક ક્ષણભર તો મુંજાલ અવાક જેવો ત્યાં ઊભો જ રહી ગયો. એને રાજાના આ વિચિત્ર વર્તનમાં કાંઈ સમજણ પડી નહિ. મહારાજ ત્યાં હતાં નહિ અને દેશળની સાથે રહીને લીલીબાને હાથમાં લેવાની પૂરેપૂરી જરૂર હતી. પળપળ વખત ચાલ્યો જતો થો. દેશળને કાલે તો પાછા વળવાનું હશે. મુંજાલને ચોક્કસ ખાતરી થઇ ગઈ કે રાજા અત્યારે વિક્રમી સ્વપ્નના એક એવા ભવ્ય ખ્યાલમાં રમી રહ્યો છે કે એ હાજર હોત તો દેશળની વાતમાં ઉલટાનું ભંગાણ પડત. તેણે આસપાસ જોવા માંડ્યું. બીજા પણ બે-ત્રણ સ્તંભની પાછળ એ જઈ આવ્યો. ત્યાં તો કોઈ હતું નહિ. એણે પોતાની યોજના પોતાની જ જવાબદારી ઉપર પાર પાડવાનો દ્રઢ સંકલ્પ કરી લીધો. તેને એકદમ નિશ્ચયાત્મક પગલું ભર્યું, સોમનાથના સમુદ્ર તરફ જવા માટે એ રાજમાર્ગ તરફ વળી ગયો.

રાજમાર્ગ ઉપર એ આવી પહોંચ્યો, તો ત્યાં હવે ભીડ ન હતી. શ્રદ્ધાળુઓ જપ અને ધ્યાનમાં બેસી ગયા હતા. કોઈ રડ્યોખડ્યો મુસાફર જ રસ્તે જતો દેખાતો હતો. મુંજાલને એ વાતાવરણની જ જરૂર હતી. તે ઝપાટાભેર એકલો આગળ વધ્યો.

એ થોડે દૂર ગયો હશે, ત્યાં એણે સામેથી કોઈ યોદ્ધાને આ બાજુ આવતો જોયો. મુંજાલે એને તરત ઓળખી કાઢ્યો. મહારાજ જયદેવ વિશે પોતે અત્યારે અજ્ઞાત હતો, એટલે પૃથ્વીભટ્ટને પૃચ્છા કરવાથી કાંઇક માહિતી મળશે એમ ધરી એ ઉતાવળે આગળ જવા ધસ્યો. એની સ્થિતિ મહારાજનાં અંગ અને નિકટવર્તી સુભટ જેવી હતી. પણ એટલામાં પૃથ્વીભટ્ટની હિલચાલે એને જરાક થોભાવી દીધો.

જંગલમાંથી રાજમાર્ગને મળતી દરેક કેડી પાસે પૃથ્વીભટ્ટ જરાક થોભીને પછી આગળ ચાલતો હતો. મુંજાલે એક ઝાડ પાછળ અદ્રશ્ય રહી એની હિલચાલ જોવા માંડી. એટલામાં પાસેની જંગલકેડીએથી બીજો માણસ નીકળી આવ્યો.

‘કેમ ધુબાકા! છે ત્યાં?’ પૃથ્વીભટ્ટે પૂછ્યું.

‘ના, ત્યાં તો કોઈ નથી!’ ધુબાકાએ પ્રત્યુત્તર વાળ્યો.

મુંજાલ સમજી ગયો. એ બંને મહારાજને જ શોધી રહ્યા હતાં.

‘પણ અત્યારે હવે શોધવા ક્યાં?’ પૃથ્વીભટ્ટ: ‘મહારાજને આ તે કેવી ઘેલછા લાગી છે! જ્યારે જુઓ ત્યારે એકલા લોકસંગમાં ભળી જવા માટે ઊપડી જાય! ભલું હશે તો ત્રિવેણીસંગમ ઉપર લોકમાં બેઠા હશે વાતો સાંભળતા!’

‘આપણે જઈએ. બીજું શું?’

‘જઈએ તો ખરા – પણ મને તો રાજમાતાએ રસ્તે જોયો. ને આંહીં મોકલ્યો છે મહારાજને બોલાવવા માટે. ને પોતે સોમનાથના દ્વારે ઊભાં છે મહારાજની રાહ જોઇને. એમને જઈને જવાબ શો આપવો?’

‘કહેવાનું કે મહારાજ ક્યાંય નથી! રાજમાતાને પણ મહારાજની આવી વિચિત્રતાની ક્યાં ખબર નથી?’

‘અરે! એ તો ચાલે. સૂરજ ઊગતાં તો મહારાજની રાહ જોવાશે. ને મહારાજ ક્યાં છે એ કોઈને ખબર નથી, મહાઅમાત્યજી પણ ગુમ થઇ ગયા – એ શું?’

‘ત્યારે એક વાત કહું – તમે મારું માનતા નથી – પણ મહારાજ ચોક્કસ એને ત્યાં હશે!’

‘કોને ત્યાં?’

‘કેમ વળી! પેલી માળવાની અદભુત નર્તિકા હમણાં આવી છે એને ત્યાં. રાશિજીએ પોતે એને પેલા દૂરના સૂર્યમંદિર નીચેના ભોંયરામાં ખાસ રાખેલ છે. પણ એ સાચું ભટ્ટરાજ? કોઈ તો કહે છે, એ માલવાની રાજકુમારી છે! એ સાચું?’

‘રાજકુમારી તો શું? રાજવંશી છે એ ચોક્કસ!’

‘ત્યારે મહારાજ ત્યાં હશે. જાઓ. શરત લગાવવી છે? કાં તમારે મને એ નર્તિકાનું નૃત્ય બતાવવું નહિતર મારે તમને બતાવવું!’

‘ગાંડો થાતો નહિ, ધુબાકા! એ કોઈ દેવદાસી નથી; એ તો રાજવંશી નૃત્યાંગના છે – સામાન્ય  નર્તિકા નથી. ભગવાન સોમનાથના સાંનિધ્યમાં નૃત્યનું પહેલું મંગળાચરણ ધરવા માટે છે અવંતીથી આંહીં આવી છે – એના ગુરુ માલવ રાજગુરુ ભાવ બૃહસ્પતિ જેવા છે. મહારાજને રાશિજીની કૃપાથી એકાદ વખતે એ રાજકુમારીનું નૃત્ય જોવા મળી ગયું – ને એમાં શેરડી પાછળ એરડી જેવો મારો ગજ વાગી ગયો – બાકી એનું નૃત્ય, સ્વયં સોમનાથ ભગવાન સિવાય, બીજા જોવા ન પામે. ઓ હો હો! પણ શી અદભુત એ નારી છે! મહારાજ તો એની પાછળ – મહારાજને એણે ફેરવી જ નાખ્યા છે!’

‘ખરેખર?’

‘ત્યારે નહિ! જયસિંહદેવ મહારાજને અત્યાર સુધી ગમે તે રીતે વિજય મેળવવો એ ઘેલછા હતી; હવે એમને એ ઘેલછા રહી નથી. એમને યશનો મહિમા સમજાયો છે: વિક્રમી યશ જે લોકોમાં હંમેશાં ફરતો રહે. એમને સોમનાથ ને સરસ્વતી બંનેની ઉપાસનાનો રંગ લાગ્યો છે. ઉજ્જૈનમાંથી આખા ભારતવર્ષને એકચક્રે સ્થાપવાની મહેચ્છા જાગી છે. બધું ખોવાય પણ રજપૂતી ખોવાઈ ન જાય, આવી ધૂન આવી છે. અવંતી જ ભારતનું કેન્દ્ર છે – એવી નવી વિચારસરણી એમને મળી છે. એનો નાથ એ ભારતનો નાથ છે. અત્યાર સુધી મહારાજ પાસે જે સ્વપ્ન હતું તેની પાછળ શુદ્ધ રેખાઓ ન હતી. હવે એમની પાસે એની આખી સૃષ્ટિ ખડી થઇ ગઈ છે એ આ નારીનાં પ્રતાપે, એક તો એ માલવનારી છે, રાજવંશી છે, સરસ્વતી જાણે એની મા છે. કુદરતે છુટ્ટે હાથે રૂપમોહિની આપી છે. ભાવબૃહસ્પતિ જેવો એનો ગુરુ છે. એને મેં તો એક વખત બોલતાં સાંભળી, પણ જાણે એ કંઠની મધુરતા હજી સુધી કાનમાં રમી રહી છે. આવી સ્ત્રી પુરુષને ફેરવી નાખે એમાં શી નવાઈ? કેટલો થોડો સમય થયો છે, છતાં મહારાજને જાણે એ ચિતપરિચિત લાગે છે. મહારાજ ત્યાં હોય તો ના નહિ! ચાલ તો –’

પૃથ્વીભટ્ટ ને ધુબાકો તો ચાલ્યા ગયા, પણ મુંજાલને અસ્વસ્થ કરતાં ગયા.

માલવની કોઈ સ્ત્રી આવી છે ને એણે બરાબર અત્યારે જ – મહારાજ વર્ષો સુધી મંથન કરે પણ ફળ ને મેળવે એવી – ઘેલછાભરી વાત મૂકી, પોતાની કાર્યસિદ્ધિ સાધી છે, એટલું જ મુંજાલને એમાં સમજાયું.

એણે ભલે કાર્યસિદ્ધિ કરી, પણ પોતે તો પોતાનો રસ્તો સ્વચ્છ રાખવા માંગતો હતો. એણે થોડા સમયમાં જ જૂનોગઢ જીતવાનો સંકલ્પ લીધો હતો. અને એમાં અત્યારે તો પહેલવહેલી લીલીબાની વાત હતી.

એટલે આ વસ્તુ ઉપર અત્યારે વધારે ધ્યાન ન દેતાં એ તો સોમનાથસમુદ્રના સ્તંભતીર્થ ઓવારા તરફ જવા માટે ઉતાવળે ઉપડી ગયો.