૧૨
મુંજાલનો સંકેત
આછા ઉજાસ અને ઘેરા અંધારભરેલા જંગલરસ્તે થઈને જયદેવ અને મુંજાલ રાજમાર્ગે ચડી જવા માટે આગળ વધી રહ્યા હતા. ખેંગાર એ રસ્તે થઈને જ ત્રિવેણીસંગમ તરફ જઈ શકે તેમ હતું. એટલે એ રસ્તે નીકળી જાય, તે પહેલાં રાજમાર્ગે કે રાજમાર્ગ પાસે એમણે પહોંચી જવાનું હતું.
પણ મુંજાલના મનમાં મહારાજના અત્યારના વર્તને એક જબરદસ્ત ગડભાંગ ઊભી કરી દીધી હતી. દેશળવાળી યોજના એણે ઘડી કાઢી. એક સુભગ પળે મહારાજ જયસિંહદેવની સંમતિ પણ એ મેળવી શક્યો; આખી યોજનાને સાંગોપાંગ પાર ઉતારવાની એની તૈયારી હતી. ત્યારે આ શું? મહારાજે એને સંમતિ આપી એ ઉપરટપકેની હતી; એમ સમજવું? શું સમજવું?
ભા દેવુભા સાથે વાતચીત થઇ; યુદ્ધવિશેમની ઘોષણા વગેરે થઇ – ત્યાર પછી આ થોડા દિવસનો જે સમય વહ્યો, એ સમયમાં મહારાજ જયસિંહદેવ, સોમનાથને દ્વારે વારંવાર જતા-આવતા. કોઈ કોઈ વાર તો કોઈને ખબર ન હોય ને રાત્રે ઊઠીને એકલા ઘોડા ઉપર સોમનાથ જઈ આવે. ઘણી વખત વહેલી સવારે સોમનાથ માર્ગેથી પાછા આવતા હોય! વધુ સિદ્ધિ માટે બર્બરક પ્રયત્ન કરતો હોય ને મહારાજ ત્યાં જતા-આવતા હોય, એમ એક અટકળ હતી. ભગવાન સોમનાથના સાંનિધ્યમાં મહારાજને એક પ્રકારની અનોખી શાંતિ મળતી, માટે આ વારંવારનો પ્રવાસ હતો; એ બીજી અટકળ હતી.
પણ ત્રીજી વાત હમણાં વહેતી થઇ હતી. મુંજાલને હવે ભય અને શંકા થયાં. કદાચ આ ત્રીજી વાત જ સાચી હશે તો?
સોમનાથને દ્વારે એક કોઈ અદભુત રાજવંશી નર્તિકા આવી હતી, એમ કહેવાતું. મહારાજ જયસિંહની કલ્પનાને એ ભવ્ય ઉત્તુંગ શણગાર સજાવી રહી હતી. મહારાજ જયસિંહદેવના સોમનાથી પ્રવાસનું આ રહસ્ય છે, એમ પણ કહેવાતું.
અને મુંજાલ અત્યારે એ જ ચિંતામાં હતો. એમને જૂનોગઢનો કિલ્લો લેવો જ હોય તો આ એણે યોજ્યો એક જ માર્ગ હતો, મહારાજ જયસિંહદેવને મહાન વિજેતાની કીર્તિનું પ્રલોભન લાગ્યું હોય અને ત્રિભુવન અને જગદેવ પેઠે એ પણ ક્ષત્રિયની રણવાટે જ જવા માંગતા હોય, તો આ યુદ્ધથી એમણે હાથ ધોઈ નાખવા રહ્યા. જૂનોગઢનો કિલ્લો હાથ આવે એ વસ્તુ અશક્ય હતી.
અને મહારાજને બરાબર ખરે ટાણે, આવી સ્વપ્નસૃષ્ટિનું મનોહર રસાયન આપનારી, જો એ નર્તિકા હોય, તો એમાં કાંઈ ભેદ નહીં હોય?- મુંજાલના અંતરમાં શંકાની પરંપરા જાગી ઊઠી.
‘તો એ નર્તિકા માલવાની યોજનામાં રમનારી કોઈ નારી ન હોય?’
‘યોગેશ્વરી કહેવાય છે એણે જ એને યોજી ન હોય?’
‘રહી રહીને અત્યારે મહારાજને પણ આ નવી નારીનું ઘેલું ક્યાંથી લાગ્યું? એ નારી એવી છે કોણ?’
‘લાટની લક્ષ્મીદેવી મહારાજનાં અંતર સુધી પહોંચી શકી ન હતી એ સાચું. આ રાણકદેવી એ તો મહારાજ માટે એક પ્રકારની રણપ્રતિષ્ઠા માટેની યુદ્ધદેવી બની ગઈ હતી. મહારાજ જયસિંહદેવના કલ્પનાભરેલા વિક્રમ સ્વ્પની અંતરને આ કોઈ નર્તિકાએ જીતી લીધું હોય તો એણે આ સમયસરની સોગઠી મારી હતી, પણ કોઈ ને કોઈ રાજકારણમાં એ એક ચાલ હોય, તો પાટણ માટે એનું પરિણામ ખતરનાક નિર્માયું હતું, એનું શું?’
મુંજાલ જયદેવ સાથે ચાલી રહ્યો હતો. પણ એના અંતરમાં તો આવા હજાર પ્રશ્નો ઉઠીને શમી જતા હતા: ‘ખેંગારને અત્યારે તો મહારાજે દ્વન્દ્વયુદ્ધથી જીતવાની વાત તજી દીધી, અત્યારે એ એને મનાવી શક્યો, પણ આ રાજા, હજી એ જ રસ્તે દ્વન્દ્વયુદ્ધનું કહેણ નહિ મોકલે એની શી ખાતરી? અને એના પરિણામ વિષે કાંઈ ચોક્કસ નિર્ણય બાંધી શકાય?’ રાજમાર્ગ નજીક આવતો જણાયો. એટલામાં એણે મહારાજને અચાનક આગળ ચાલતા અટકી ગયેલા દીઠા: ‘પ્રભુ! કેમ?’ તે ઉઘાડી તલવારે દોડ્યો. એના મનમાં હિંસક પશુની શંકા આવી.
‘મુંજાલ! આપણે આમ ક્યાં જવું છે?’ જયસિંહદેવે એને પાસે આવતાં પૂછ્યું.
‘કેમ, મહારાજ? આપણે કેદારેશ્વરના મંદિર તરફ જવું છે. આંહીંથી ડાબે હાથે ભાગ્યે જ પાંચસો ડગલાં હશે.’
‘ત્યાં? શું છે ત્યાં?’
‘શું છે?’ મુંજાલને આશ્ચર્ય થાય. તેણે અવાજ ધીમો કર્યો:
‘મહારાજ ભૂલી ગયા કે શું? દેશળને ત્યાં આવવાનું કહ્યું છે. પણ પહેલાં આપણે આ રાજમાર્ગે નીકળતી ખેંગારની સવારી જોઈ લઈએ. દેશળ ભેગો આવ્યો છે કે નહિ એની આપણે ખાતરી કરી લેવી છે. ખેંગારને ત્રિવેણી સંગમે પહોંચવાનો આ જ રસ્તો છે. દેશળ આવ્યો હશે તો અસ્તો નહિ રહે. ભલું હશે તો એનો ઘોડો સૌથી પાછળ જ હશે!’
જયદેવ એક ક્ષણ કાંઈ બોલ્યો નહિ, પછી તેણે ધીમેથી કહ્યું:
‘મુંજાલ! આપણે લડી લડીને થાકી ગયા ત્યાં સુધી લડ્યા – છેવટે આટલા માટે, એમ? મારે એ કરવું નથી. હું તો કાલે જ ખેંગારને પાછો દ્વન્દ્વયુદ્ધમાં ભિડાવીશ! કાં એ મરે છે ને કાં હું મરુ છું! મારે કોઈ હીણું સ્વપ્ન જોઈતું નથી!’
મુંજાલને આશ્ચર્ય થયું. રાજાના આ પરિવર્તનમાં ખરેખર કોણ કારણરૂપ હતું એ એને હજી સમજાયું નહિ. પૃથ્વીભટ્ટ રાજા સાથે ફરતો, પણ એનું આ ગજું નહિ. દેવી મીનલ – એ કદાચ હોય? પણ એ તો ન જ હોય. આ લાંબા યુદ્ધની રાજતંત્ર ઉપર શી અસર થઇ છે એ એની બહાર ન હતું. યુદ્ધનો યશસ્વી ગણાય એવો તાત્કાલિક અંત લાવવા માટે દેવી ઘણી આતુર હતી. બર્બરકની સિદ્ધિનો ઉપયોગ થતાં પણ આ વસ્તુ વહેલી પતતી હોય તો તેમ કરવું – ત્યાં સુધીની એણે તૈયારી બતાવી હતી. એટલે તો ના જ હોય. જગદેવ અને ત્રિભુવન કદાચ હોય, પણ હમણાં તો મહારાજ એમના બહુ ઓછા પરિચયમાં આવ્યા હતા. એણે અનુમાન કરવાનું છોડી દીધું.
‘જુઓ, મહારાજ!’ તેણે શાંત મક્કમતાથી કહ્યું, ‘આપણી આ વાત માંડમાંડ ખીલે બાંધણી છે. વેદિયા થાશો તો જૂનોગઢ મળતો મળશે, પાટણ પણ નહિ રહે. માળવાવાળો આપણી મરજી પ્રમાણે યુદ્ધ નહિ કરે, એ તો એની સગવડ પ્રમાણે કરશે. આપણે આજે જ નિશ્ચયાત્મક પગલું ભરવું પડશે અને તે પણ આ પળે જ. હવે પાછા ફરવાનો માર્ગ નથી. દેશળને વાત થઇ ગઈ છે. આ પળ ગુમાવી બેઠા તો આપણે યુદ્ધ પણ ગુમાવી બેઠા, એમ જ સમજવું. અને ખેંગાર – કાં તો એ આ નીકળ્યો.’
રસ્તા ઉપર થતી ખેંગારની જયઘોષણામાં નવું જોમ આવ્યું લાગ્યું. બંને એકદમ આગળ વધી ગયા. રાજમાર્ગ નજરે પડ્યો, કે તરત તેઓ ત્યાં ઝાડઝાંખરાંની પાછળ જંગલકેડી ઉપર જ અંધારામાં બેસી ગયા. એમને કોઈ દેખે તેમ ન હતું. પણ તેઓ રહ્યાસહ્યા આછા ઉજાસમાં સઘળું દેખી શકતા હતાં, રાજમાર્ગ ઉપર થતી દરેક હિલચાલ જોઈ શકતા હતા.
રસ્તા ઉપર હજારોની મેદની લાંબે નજર નાખતી ખેંગારની રાહ જોતી એક બાજુ ખડી ઊભી હતી. એમાં વૃદ્ધો હતા, અપંગ હતા, અશક્ત હતા, જુવાનજોધ હતાં, નમણી નારીઓ હતી, બાળકને ખભે બેસાડીને અને માથે ચડાવીને ક્યારની એમને એમ ઊભેલી ડોશીઓ પણ હતી. સોમનાથ મહાદેવનો પુત્ર કાર્તિકસ્વામી જાણે આવવાનો હોય, એમ આ આખી મેદની હરપળે ખેંગારના ઘોડાને જોવાને અધીર બનતી તળેઉપર થઇ રહી હતી અને બીજા લોકોનાં ટોળાં સમુદ્ર તરફથી હજી તો એમાં આવ્યે જ જતાં હતાં.
ધક્કામુક્કી, ભીંસાભીંસ ને ભીડાભીડને લીધે રાજમાર્ગ તો લગભગ બંધ જેવો થઇ ગયો હતો. છેક ત્રિવેણીના સંગમ સુધી જનમેદની ઊભરાતી હતી. રસ્તા ઉપર ઊભા ન રહી શક્યા એ ઝાડ ઉપર ચડ્યા હતા. ને ત્યાંથી બરાબર નહિ દેખાય તેવું માનનારા મંદિરના શિખરની ટોચ ઉપર પહોંચી ગયા હતા. હજારો માણસો હોય – પણ નજર સૌની એક જ હોય ને આંખ માત્ર બે જ હોય – તેમ જે રસ્તા ઉપરથી ખેંગાર આવવાનો હતો ત્યાં સૌની અનિમેષ મીટ મંડાઈ રહી હતી.
થોડી વારમાં જનમેદનીની પાછળથી ખેંગારના નામનો જયઘોષ ઊલટ્યો. લોકોની આતુરતા વધી ગઈ. હવે તો હિલચાલનું માપ ન રહ્યું, ‘ક્યાં છે? ક્યાં છે?’ ‘હું નથી દેખતો!’ ‘એ રહ્યા!’ ‘નથ આવ્યા!’ ‘હમણાં દેખાશે!’ – એવા અનેક પ્રકારના ઉત્તર ન મળવા માટે સ્વગત ઊભા કરેલા માનવપ્રશ્નોથી વાતાવરણ સભર ભરાઈ ગયું. ત્યાં જનમેદનીની પાછળ ઊંચા સ્થાન ઉપર બેઠેલા લોકોને ખેંગારના ઘોડા જેવું કાંઈ દેખાયું હશે. એટલે એમણે ફરીથી જયઘોષ ઉપાડ્યો.
સમુદ્રગર્જન સાથે સ્પર્ધા કરતા એ જયઘોષનો પડઘો હજારો કંઠમાંથી ઊઠ્યો.
થોડી વારમાં જ ઊંચો, ધોળો, રેશમી ઝીણી, રુવાંટીનો, સુંદર હંસલો ઘોડો નજરે પડ્યો. એના પર રા’ ખેંગાર બેઠો હતો. પોતે આવ્યો છે એ જાણ કરવા માથા ઉપર હાથ ઊંચો કરી એણે બે-ત્રણ વખત હલાવ્યો અને લોકોનો ઉત્સાહ મર્યાદા માત્રને વટાવી ગયો. કોઈ કુદ્યા, કોઈ નાચ્યા, કોઈ પોતાની પાસે કોણ ઊભું છે એ જોયા વિના હોય એને બઠ ભરીને ભેટ્યા, કોઈએ પાઘડી હવામાં ફંગોળી, કોઈ આળોટવા માંડ્યા, કેટલાકે સમુદ્ર તરફ દોડવાનું શરુ કર્યું, કોઈએ દુહા લલકાર્યા, ચારણોએ છંદ મોકળા મૂક્યા. કેટલાકે લાકડીમાં ફાળિયા ભરાવીને ધજાગરા ઉડાડ્યા. અજબ ચેતનાથી માનવમેદની આખી વીંધાઈ ગઈ હોય તેમ હાલકડોલક ડોલી ઉઠી. જયદેવ ખેંગારની એ લોકપ્રિયતા નિહાળી જ રહ્યો.
રા’ ખેંગારની પડખે ચંદ્રચુડ આવી રહ્યો હતો. બંનેથી થોડે દૂર પાછળ દેશળ હતો, એ ત્રણે સિવાય રસ્તા ઉપર કોઈ દેખાતું ન હતું. બીજા સૌ ઠીક પડે તેમ આડેઅવળે માર્ગે પહોંચી ગયા હોય તેમ લાગ્યું.
રા’ ખેંગાર આવી ગયો છે, એ સમાચાર વ્યાપક બની જતાં લોકોનો પ્રચંડ ધસારો પાછળથી આવી ચડ્યો ધક્કામુક્કી, ભીંસાભીંસને ને ભીડાભીડ વધી ગઈ પણ જંગલ તરફ જ્યાં મુંજાલ અને જયદેવ બેઠાં હતા, ત્યાં સુધી એની અસર પહોંચે તેમ ન હતું. રા’ જેમજેમ નજરે પડતો ગયો, તેમતેમ ક્ષણેક્ષણે લોકકંઠમાંથી એના નામનો જયઘોષ ઊપડતો ગયો. વારંવાર રસ્તામાં ખેંગારને હંસલાને રોકવો પડતો હતો.
જયદેવે એક ઘડીભર, ખેંગારને આછી ઝાંખી તેજધારામાં પાસેથી જતો નિહાળ્યો. રૂપાળો, સશક્ત, તેજસ્વી, પ્રતાપવાન ચહેરો એની દ્રષ્ટિએ પડ્યો. એના દેહમાંથી – એની બેસવાની ઢબછબ અને અદ્બભુત ઘોડેસવારીમાંથી – એક વસ્તુ જુદી જ તરી આવતી હતી, એનો કટ્ટરમાં કટ્ટર દુશ્મન પણ એને જોઇને છક્ક થઇ જાય તેમ હતું અને તે એની નિર્ભયતા. ખેંગારના જીવનનું એ રહસ્ય હતું. તેની પડખે ઊભનારો પણ એ અમૃત પીને ભયમાત્રને વિસારી મૂકે. પોતે દુશ્મનની છાવણીમાં આવ્યો છે, એકલો છે, પોતાને પકડાવાનો ભય છે, પોતાને કોઈ પડકારશે – જાણે એમાંનું કોઈ અસ્તિત્વમાં હોઈ ન શકે, એવી શ્રદ્ધાથી એ આગળ વધી રહ્યો હતો. તે ચારેતરફ દ્રષ્ટિ ફેરવતો હતો. તેણે લોકના ઉત્સાહી આવકારને સન્માનવા પોતાનો જમણો હાથ માથા ઉપર ઊંચો અદ્ધર રાખી દીધો હતો અને વારંવાર લોકઘોષણાના જવાબમાં એને એ હલાવી રહ્યો હતો. એની પડખે આવી રહેલાં ભાતૃભક્ત ચંદ્રચુડનું હીરાજડિત કંકણ અત્યારે ચન્દ્રના આછા પ્રકાશમાં પણ ઝગારા મારી રહ્યું હતું. ખેંગારની પડખે જ એ પોતાના ઘોડાને ચલાવી રહ્યો હતો. ને હરેક વસ્તુ માટે તૈયાર હોય તેમ સાવધ ને તત્પર દેખાતો હતો. દેખીતી રીતે એનામાં ખેંગારભક્તિ નીતરતી હતી.
એમની પછવાડે થોડે દૂર દેશળ હતો. તેની દ્રષ્ટિ ચકળવકળ કાંઈક શોધી રહી હતી.
દેશળને આવતો મુંજાલે જોયો. આ વસ્તુસ્થિતિ માટે આગળથી તૈયારી કરીને જ મુંજાલ આવ્યો હોય તેમ લાગ્યું. એ તરત સાવધાન થઇ ગયો. એણે એક નાનકડી પોટલી કાઢી – એ શું છે એનો મર્મ સિદ્ધરાજ જાણે તે પહેલાં એણે એના નાનકડા ગાળિયાને બરોબર સરખો કરી નાંખ્યો. દેશળનો ઘોડો, એની રાંગમાં જરાક આ તરફ ફર્યો, કે ઘોડેસવારની દ્રષ્ટિએ પડે તેવી રીતે, એ પોટલી એણે ફંગોળી દીધી, એને એક ક્ષણ સ્તબ્ધ બનીને જોઈ રહ્યો. દેશળ ચકળવકળ કાંઈક શોધતો જ હતો. એણે નીચે નમીને તલવારની અણીએ તરત એને ઉપાડી લીધી, મુંજાલે એ જોયું. એનો પ્રાણ નાચી ઉઠ્યો. તેણે મહારાજનો હાથ જરાક દબાવ્યો: ‘પ્રભુ! ચાલો આપણે. હવે એ વાત સમજી ગયો છે!’
‘કોણ વાત સમજી ગયો છે?’
‘દેશળને એમાં શબ્દસંકેત આપ્યો છે. હમણાં ને હમણાં એ કેદારેશ્વરના મંદિરમાં આવવાનો. પછી તો કોને ખબર છે કે શું થાય? આપણે ત્યાં પહોંચી જઈએ. એ ચોક્કસ ત્યાં આવશે!’
જયસિંહદેવની, હવે તો, દેશળ સાથેની યોજનામાં પૂરેપૂરી સંમતિ ને સાથ લઇ લેવાં જ જોઈએ, એ મુંજાલ સમજી ગયો હતો.
‘પ્રભુ! આપણે તીર છોડી દીધું છે, સંકેત આપ્યો છે. એનો લાભ હવે આપણે નહિ ઉઠાવીએ તો એ દુર્જન છે; આપણી અપકીર્તિ કરશે ને પોતે સધનો દીકરો થઈને ફરશે. આપણે એને નાણી તો જોઈએ. પછી શું કરવું તે ત્યાં નક્કી કરીશું. આપણી પળેપળ કિંમતી છે. રાત થોડી છે ને વેશ ઝાઝા છે. આપણે ઉપડીએ, મહારાજ!’
જયદેવે કાંઈ પ્રત્યુત્તર ન વાળ્યો. અત્યારે તો એ મુંજાલ સાથે જવા માટે તૈયાર થયો.
પણ રાજાના મનનું સમાધાન થયું નથી, એ વાત મુંજાલ સમજી ગયો.
એના મનમાં એક નવો પ્રશ્ન થયો: ‘રાજાને કોઈએ તદ્દન નવો રસ્તો તો બતાવ્યો નહિ હોય?’
પણ અત્યારે એ વિશે વિચાર કરવાનો એને સમય જ ન હતો. ખેંગાર સમુદ્રસ્નાન કરીને પાછો ફરે તે સમયમાં જ દેશળ સાથેની વાતનો એણે નિર્ણય કરી લેવાનો હતો.
બંને કેદારેશ્વરના મંદિર ભણી વળ્યા.