Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 11

૧૧

રા’ ખેંગાર

ભા દેવુભાના શબ્દો દંડનાયક ત્રિભુવનપાલને શરસંધાનની પેઠે વીંધી ગયા હતા. તેણે પોતાની અણિશુદ્ધ રાજપૂતી વટલાતી લાગી. તેણે મહારાજને પોતાને મળવાનો નિર્ણય કયો. એનું પરિણામ સ્પષ્ટ હતું. એને પાછા લાટમાં જવું પડત અથવા મહારાજ આ મોરચો એને જ સોંપી દેત. મુંજાલને એ વસ્તુ પોસાય તેમ ન હતી. એને લાટમાં પાછો મોકલવાનો જ હતો, પણ મોકલવાને હજી વાર હતી; હમણાં એને આંહીં રાખવો હતો. દેશળ સોમનાથમાં કેવોક વરસે છે, એના ઉપર વાતનો મદાર હતો. નહિતર ત્રિભુવનપાલ વિના ગિરનારી દુર્ગ હાથ કરવો વસમો પડે તેવો હતો. તેણે મહારાજ સાથેની એની મુલાકાત આગળ ઠેલાવ્યે રાખી. ત્રિભુવનપાલ ખિજાયો. જગદેવ તો પાછો સોમનાથ પણ ગયો. પણ એક કે બીજે બહાને ત્રિભુવનને મહારાજ સાથે મુલાકાત થઇ શકી નહિ. શું હતું એ તો મુંજાલને પણ ખબર ન પડી, પણ બર્બરક, સોમનાથ અને પૃથ્વીભટ્ટ – એ ત્રણ વચ્ચે મહારાજનો સમય જાય છે એવી વાત એને મળી. લોકમાં બર્બરકની વાતે એ વાવંટોળ ઊભો કર્યો હતો. સિદ્ધરાજની બહાદુરીને થોડીક ઝાંખપ લાગી ગઈ. લોકમાનસમાં ખેંગાર અણનમ શૂરવીર ગણાવા માંડ્યો. ત્રિભુવનને એ પડછાયામાં રહેવાનું હવે ભારે લાગવા માંડ્યું હતું, પણ હજી એ મહારાજને મળી શક્યો ન હતો. સોલંકીઓએ ઘોષણા તો કરી હતી કે યુદ્ધવિશેમ છે, સૌ ભલે સોમનાથ જાય. ત્રિભુવનને એ રુચ્યું. પણ ભા દેવુભાએ તો યુદ્ધઘોષણા ચાલુ જ રાખી. ને યુદ્ધ છતાં રા’ સોમનાથ જવાનો જ છે એ ઘોષણા પણ હંમેશા કરાવી. એથી કરીને લોકોમાં એક પ્રચંડ શક્તિ જાગી ઊઠી.

ખગ્રાસી ગ્રહણ સમયે સોરઠનો રા’ સોમનાથી સમુદ્રમાં સ્નાન કરવા આવવાનો જ છે આ વાત વાયુવેગે સઘળે ફેલાઈ ગઈ અને એની રા’એ ધારેલી અસર સોરઠીઓમાં થઇ. એકએક સોરઠી – આબાલવૃદ્ધ, અપંગ, અશક્ત કે સશક્ત – રા’ ખેંગારના નામે સોરઠીસમુદ્ર તરફ આવવા માટે ચાલી નીકળ્યો. લોકોમાં વાત ચાલી કે પટ્ટણીઓની ખડી સેના વીંધીને રા’ અને રા’નો ભાઈ ચંદ્રચુડ આવવાના છે, સોમનાથસમુદ્રમાં સ્નાન કરીને લાખોના દાન દેવાના છે; ઠેરઠેરથી ચારણ, ભાટ દસોંદી પણ આવ્યા છે; પટ્ટણીઓના ભાર નથી કે રા’નો વાળ વાંકો કરી શકે. સોમનાથનો મઠપતિ કૈલાસરાશિ રા’ને કહેવા ગયો હતો, મહારાજ સિદ્ધરાજે રસ્તો આપવા હા પણ પાડી હતી, પણ રા’એ જ સામે ચાલીને કહેવરાવ્યું કે તમે મોળા ન ઉતરતા – અમે સામે જુદ્ધે સોમનાથ જઈશું – કોઈ દી જૂનાગઢે રણરંગને ઝાંખો પડવા દીધો છે તે ખેંગાર એ રંગ ઝાંખો પડવા દે? – લોકવાણીમાં આવીઆવી અનેક વાતો પ્રચલિત થઇ ગઈ અને જેમજેમ દિવસ પાસે આવ્યો તેમતેમ એમાં વધારે ઘેરો રંગ પુરાતો ગયો.

ગિરનારી દુર્ગમાલા તજીને ઘણે સમયે મેદાનમાં આવતા પોતાના રા’ને નિહાળવા માટે સોરઠીઓ તળેઉપર થઇ રહ્યા હતા.

આ સઘળાંને પરિણામે યુદ્ધનો રંગ વધુ ને વધુ તીવ્રતર બનતો ગયો. જોતજોતાંમાં સોમનાથના સમુદ્રની સામે માનવમહેરામણ ઉભરાયો. ગાડાં, ગાડી, માફા, વેલ, વેલડી, સુખવેલ, રથ, ઊંટ ઘોડા અને હાથી ચારે તરફથી આવતામાં કિનારાના વિસ્તારમાં દેખાવા માંડ્યાં. સમય આવતાં આવતાંમાં તો સમુદ્રકિનારા પાસેની તસુએ તસુ જમીન માણસોએ રોકી લીધી. જયદેવ મહારાજની જાહેરાત હતી, ગમે તે માણસ વગર હરકતે સોમનાથ જઈ શકે. પણ ભા દેવુભા જમાનાનો ખાધેલ હતો. એણે જાહેરાતનો પણ લાભ લીધો. યુદ્ધનો રંગ બદલાવા માંડ્યો. ચોરવાડના માર્ગે ને સોમનાથ સુધી ફેલાતી સોલંકીઓની સેનાટુકડીઓ ઉપર એણે પ્રબળ હુમલા ચાલુ રખાવ્યા. સોલંકીઓને ફરીને રસ્તેરસ્તો સશસ્ત્ર સૈનિકો વડે સજ્જ કરવો પડ્યો. આ ખડી સશસ્ત્ર સૈનિકોની કતાર વીંધીને પણ રા’ આવવાનો જ છે – એવી નવી ઘોષણાએ તમામે તમામ જુવાનના લોહીને થનગનાવી મૂક્યું. ભા દેવુભાને એ જ કામ હતું: સોરઠ આખું રા’નું સમુદ્રસ્નાન સોરઠીઓને નવી શક્તિ આપનારું થાય એ એને જોવું હતું.

રા’ આવવાનો છે એ વાતથી તમામમાં નવું જોમ આવ્યું, રા’ને આવવા દે છે – જયસિંહદેવ આવવા દે છે – એ વાતને માનવાને કોઈ તૈયાર જ ન હતું. રા’ આવે છે – એ વાત પ્રચલિત થઇ. આવવા દે છે એ વાત ઊડી ગઈ.

પણ સોરઠીઓમાં આવી ન ધારેલી શક્તિ, રા’ના આ પગલાંથી પ્રગટે, એ મહારાજ જયદેવને રુચ્યું નહિ, પરશુરામને પણ રુચ્યું નહિ. માત્ર મહાઅમાત્ય મુંજાલ રા’ના પતન માટેની જ એ ભૂમિકા છે, એમ મન મનાવી રહ્યો. એ પ્રમાણે એ તૈયારી પણ કરી રહ્યો. કેદારના મંદિરમાં દેશળ એને મળી શકે માટે ત્યાં આસપાસથી ચોકીપહેરા ઢીલા કરી દીધા.

પૂર્ણિમાની રમણીય સંધ્યા આવી પહોંચી. આકાશમાંથી પૂર્ણકુંભ જેવો ચંદ્રમાં પ્રગટ થયો. સમુદ્રના પાણીમાં રૂપેરી ચાદર પથરાઈ ગઈ. ત્રિવેણી-સંગમના તટ ઉપર ભજનોની, કથાઓની વાર્તાઓની, પૂજાપાઠની અને જપમાલાની સૃષ્ટિ જામી ગઈ. છતાં સેંકડોના મોંમાંથી એક જ સવાલ આવી રહ્યો હતો: ‘રા’ આવ્યા? ચંદ્રચુડ આવ્યા? ક્યારે આવશે?’

અને હજારો માણસો, રસ્તાની ચારે તરફ જુદેજુદે ઠેકાણે, રા’ના કેકાણની હેવળ સાંભળવા માટે ફરવા માંડ્યા. આસપાસ ફેલાયેલાં જોજનવિસ્તરી ભયંકર જંગલોની એવી જ ભયંકર પગદંડી સિવાય રા’ને આવવાનો કોઈ માર્ગ ન હતો. રા’એ જે આહ્વાન આપ્યું તે સોલંકીઓને પરાણે ઉપાડી લેવું પડ્યું હતું. કોઈ ખુલ્લે માર્ગે રા’ આવે તે વાત કોઈ માનતું ન હતું. તસુએ તસુ જમીનની ચોકી થઇ રહી હતી.

અરધી રાત વીત્યા પછી ચંદ્રગ્રહણ શરુ થયું હતું. મોક્ષકાલ છેક પ્રભાતનો હતો. લોકોની ઉત્સુકતા હરપળે વધતી હતી. 

હરપળે રા’ આવ્યો એવી હવા ફેલાતી હતી: એ સમાચાર ખોટા છે એ વાત પણ તરત જ આવતી હતી: ‘રા’! રા’! ક્યાં છે? ક્યારે આવશે? આવી શકશે?’ અરસપરસની એ આશ્ચર્યજનક પૃચ્છાથી વાતાવરણ રોમાંચક બની ગયું.

રા’ને જયદેવ મહારાજ જીવતો પકડી પાટણ લઇ જવા માંગે છે, એવી વાત આવી. બર્બરકનું એક હંસવાહન તૈયાર રાખ્યું છે – એવી વાત પણ અચાનક આવી.

ત્રિભુવનપાલ દંડનાયક ને જગદેવ પરમાર મહારાજના આ કૃત્યને ધિક્કારે છે, એવી લોકોકિત પણ ચાલી; રા’ ખેંગાર નથી આવવાનો – એ વાત પણ આવી. અને તમામે તમામ વાત પાછી ખોટી ઠરી. રા’ ખેંગાર આવે છે – આવી રહ્યા છે – એ સંદેશો કહેતો એક દસોંદી લોકટોળામાં ફરી વળ્યો. લોકોમાં એ સમાચારે એટલો તો ઉત્સાહ ફેલાવ્યો કે એક છેડેથી બીજા છેડા સુધી ‘રા’ ખેંગારનો જય! દેવી રાણકદે’નો જય! જય સોમનાથ!’ ની પ્રચંડ રણગર્જના જાગી ઉઠી. એ રણગર્જનાએ ક્ષણભર મહાઅમાત્ય મુંજાલને વિચારતો કરી મૂક્યો.

આજે એને એ રણગર્જનામાં જૂનોગઢના કિલ્લાની અણનમ યુદ્ધઘોષણા સંભળાઈ ગઈ. એણે એક ક્ષણમાં જોઈ લીધું કે અરિ દળમાં એકતા હતી, પ્રોત્સાહન હતું, પ્રાણન્યોછાવરીની શક્તિ હતી, એવા અરિનો જૂનોગઢ જેવો દુર્ગ લેવો એ વસ્તુ અશક્ય હતી. સોલંકીઓ છિન્નભિન્ન દ્રષ્ટિબિંદુઓમાં પડ્યા હતા. પટ્ટણીઓનો આંહીં હવે એક જ પરાજય થાય તો એમનાં ભાગતાં ભોં ભારે પડે તેમ હતું.  

એના મનમાં અનેક વિચાર આવી ગયા. જયદેવ મહારાજ પણ હજી ક્યાંય દેખાતા ન હતા. મોંસૂઝણું થવા આવ્યું. હજી ખેંગારનો પત્તો ન હતો. લોકો અધીરા બનતાં હતાં. ઠેરઠેર એક જ વાત ચાલતી હતી: રા’ ખેંગાર આવશે કે નહિ? આવશે તો સોલંકીઓ એને પાછો જાવા દેશે કે નહિ? દસોંદી ચારણો અને ભાટો ખેંગારના અશ્વને જોવા લાંબે સુધી દ્રષ્ટિ નાંખી ચારે તરફ નજર માંડી રહ્યા હતાં. કયો રસ્તો ખેંગાર લેશે – એ કોઈને ખબર ન હતી. એટલામાં મુંજાલનું ધ્યાન પોતાની બરાબર સામે આવેલા જંગલ તરફ ખેંચાયું. એ જંગલમાં એણે કોઈ હિલચાલ દીઠી. એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ, કેટલાક સોલંકી સૈનિકોની હિલચાલ એણે ત્યાં જોઈ. એ હિલચાલ ત્યાં શા માટે હશે? કોઈએ કાંઈ નવી યોજના કરી છે કે શું? – પહેલો એને એ વિચાર આવ્યો. એટલામાં પૃથ્વીભટ્ટ એની નજરે પડ્યો, અને એને ખાતરી થઇ ગઈ કે મહારાજ પોતે ત્યાં રા’ખેંગારને પકડી લેવા માટે જ – કે દ્વન્દ્વયુદ્ધ માટે – રોકાયા હોવા જોઈએ. યુદ્ધ જલદી પૂરું કરવાની મહારાજની હાલની વૃત્તિ એ સમજી ગયો હતો. એણે ચારે તરફ દ્રષ્ટિ કરી પણ કોઈ નજરે પડ્યું નહિ. ત્રિવેણીસંગમ પાસે ઘણે દૂર એણે ત્રિભુવનપાલ ને જગદેવ પરમારને એક મંદિરના પગથિયાં ઉપર રા’ના આવવાની રાહ જોતાં ઊભેલા દીઠા. એને લાગ્યું કે છેક કિનારે આવેલું વહાણ ડૂબે છે. ખેંગારને આંહીં મારવાથી તો ઘણું વધુ ભયાનક યુદ્ધ થાય. પકડવાથી તો એ કોઈ દિવસ પૂરું જ નહિ થાય. તેણે ઝાંઝણને બોલાવવા પ્રયત્ન કર્યો; પણ ત્યાં કોઈ હતું નહિ.

જ્યાં હિલચાલ જેવું જણાતું હતું, તે તરફ એ પોતે જ દોડતો ગયો.

મહારાજ જયદેવ સોમનાથમાં હમણાં વારંવાર કેમ આવતા એ એને હવે સમજાઈ ગયું.

રસ્તાથી થોડે જ દૂર જોજનવિસ્તારી અંધારીઘેરી જંગલી ઝાડી હતી. એમાં દિવસે પણ મધરાતી અંધકાર રહેતો. મુંજાલે એમાં અંદર પ્રવેશ કર્યો તો કેટલાક દૂર કાંઇક અવાજ સંભળાયો. તે અવાજ ઉપર એ આગળ વધ્યો. 

અવાજની છેક પાસે આવ્યો તો એક સૈનિકને એક ઝાડ અઠંગીને ઊભેલો એણે જોયો. એના હાથમાં ખુલ્લી તલવાર હતી.

‘આંહીં અલ્યા, કેમ ઉભો છે, ધુબાકા?’ તેણે ઉતાવળે પૂછ્યું. ધુબાકાએ પ્રત્યુત્તર આપવાને બદલે મુંજાલ પાસે સરીને પોતાને નાકે આંગળી ધરી ધીમેથી કહ્યું: ‘બોલતા નહિ, પ્રભુ! ખેંગાર આ માર્ગે આવવાનો છે! મહારાજની આજ્ઞા છે. આંહીં રહેવાની!’

‘પણ મહારાજ પોતે ક્યાં છે?’ મુંજાલે પૂછ્યું, ‘મારે એમનું જ કામ છે!’

 ધુબાકાએ બોલ્યા વિના પાસેના એક વિશાળ વૃક્ષ તરફ આંગળી ચીંધી.

મુંજાલ એ તરફ ગયો.

ત્યાં એક ઝાડને અઢેલીને ઊભેલો પૃથ્વીભટ્ટ એની દ્રષ્ટિએ પડ્યો. એના હાથમાં પણ ખુલ્લી તલવાર હતી.

‘પૃથ્વીભટ્ટ! આ કોણે – તેં બતાવ્યું છે મહારાજને!’

‘શું?’

‘આવી રીતે – મારાની પેઠે ઊભા રહીને – ખેંગારને હણવાનું?’

‘જુઓ, મહાઅમાત્યજી! મહારાજ પોતે સૌથી આગળ ઉભા છે, ખેંગાર, ચંદ્રચુડ ને દેશળ ત્રણ જણા આ રસ્તે આવી રહ્યા છે. અમે પણ ત્રણ છીએ. મહારાજે ઉદારતા બતાવી. ખેંગારે ન સ્વીકારી. એણે જ આહ્વાન આપ્યું છે. મહારાજે એ સ્વીકાર્યું છે. મહારાજ દ્વન્દ્વયુદ્ધમાં આંહીં જ એને હણવા માગે છે. અથવા જીવતો પકડાશે તો ઉપાડી જવા માંગે છે! એ ત્રણ છે. આંહીં અમે પણ ત્રણ જણા છીએ. આ તો દ્વન્દ્વયુદ્ધ છે. એ  યુદ્ધનો અંત આણશે!’

મુંજાલને એની સાથે વાત કરવામાં વખત કાઢવો ઠીક લાગ્યો નહિ. પોતાની આખી યોજના ધૂળમાં મળી જતી હતી. ખેંગાર હવે ક્ષણ બે ક્ષણમાં દેખાશે. તે જયદેવ મહારાજ તરફ દોડ્યો.

જંગલમાંથી ચાલી આવતી એક આછી જંગલકેડી તરફ દ્રષ્ટિ માંડીને જયસિંહદેવ પોતે ત્યાં ઉભો હતો. તેના હાથમાં નાગી ભયંકર તલવાર હતી. મુંજાલે ઉપર દ્રષ્ટિ કરી તો એક સૈનિક તીર ચડાવીને ડાળ ઉપર બેસી ગયો હતો. ખેંગારને દેખતાંવેંત તરત તીર ફેંકીને એને ચેતવવાની એની ફરજ લાગી. મુંજાલે હાથ જોડ્યા. જયદેવને આશ્ચર્ય થયું. તેણે ઉતાવળે એને શાંત રહેવા કહ્યું; પણ મુંજાલે તો તરત જ વાત ઉપાડી લીધી: ‘મહારાજ! ઉદયનનો એક સંદેશવાહક આવી પહોંચ્યો છે, સ્તંભતીર્થથી!’

‘કેમ, શું છે?’

‘એ તો, પ્રભુ! પછી જણાશે. લાટ કે માલવાનું હશે. પણ પ્રભુ! ખેંગાર જો આંહીં દ્વન્દ્વયુદ્ધમાં મરશે તો કિલ્લો જૂનેગઢનો અજિત થઇ જશે. એ પકડાશે તો આ યુદ્ધ વંશપરંપરા હાલશે. ત્યાં રાણક બેઠી છે. ખેંગાર તો યોદ્ધો છે; પણ એ તો દેવી છે. દેવો કદી નમતા નથી. આપણે આ યુદ્ધ પૂરું કર્યા વિના જ ભાગી જવું પડશે અને તે પણ એક સ્ત્રી સામેથી – એવી અપકીર્તિનો ડાઘ પછી ધોવાશે નહિ – મહારાજ! દેશળની વાત યાદ કરો!’

‘મુંજાલ, મારે કોઈ અપકીર્તિ વહોરવી નથી. દેશળવાળી વાત એ શી કીર્તિ છે? મારે હવે તો કોઈ હિસાબે યુદ્ધ જ પૂરું કરવું છે! તું એક તરફ થઇ જા. ખેંગારને હમણાં આવ્યો દેખાડું!’

‘અરે! પણ મહારાજ! આ યુદ્ધ તો આપણને નહિ, પાટણની આખી ગાદીને હવે ભરખી જશે. માંડમાંડ રસ્તો મળ્યો છે. એક ક્ષણ પણ મોડું થશે – એ પછી મોડું જ રહેવાનું છે. દેશળ – પ્રભુ! દેશળની વાત ઠીક છે! આ બધું છેવટે નકામું છે!’

‘પણ મારે એને જવાબ આપવાનો છે,એનું શું?’

મુંજાલે ઉતાવળે પૂછ્યું, ‘એને? કોને પ્રભુ! કોને જવાબ આપવાનો છે?’

રાજાએ વાત ઉતાવળે વાળી લીધી હોય એવું મુંજાલને લાગ્યું. પણ એને અત્યારે બીજી વસ્તુ તરફ દ્રષ્ટિ નાંખવાનો સમય ન હતો. જયદેવે ઉતાવળે કહ્યું: ‘કોને શું? ભારતવર્ષને! ઈતિહાસને! કાવ્યજ્ઞ જનને!’

‘મહારાજ! આ એક જ ક્ષણ – એક જ ભૂલ – અને આપણે આ જુદ્ધ ગુમાવીશું. એનો પણ મને ભય નથી. મને તો પાટણની ગાડીનો સંદતર વિનાશ નજરે ચડે છે. માલવા ત્યાં આવશે – ને તમે આંહીં હશો, લાટમાં કર્ણાટક આવશે, ને આપણે આંહીં હઈશું! મહારાજ! હજી સમય છે!’

‘હું તો ખેંગારને આજે હણવા આવ્યો છું. મારે માલવા જવું છે. મારું સ્થાન ત્યાં છે! આંહીં શું છે?’

‘હું પણ એ જ કહું છું. આંહીં. આ પથરામાં શું છે તે આપણે ચોંટ્યા રહીએ? આ સોરઠના કાલમીંઢ પાણા – એ કદી ગળ્યા સાંભળ્યા છે? એને ગાળતાં તો આપણાં ગાત્ર ગળી જાશે. ખેંગારને આંહીં હણવો એટલે કિલ્લો અજિત બનાવવો. ખેંગારને પકડવો – એટલે વંશપરંપરાનું અનંત યુદ્ધ નોંતરવું. ખેંગારને તો ત્યાં કિલ્લામાં જ દબાવવો – તો જ આ યુદ્ધ પૂરું થાય! આપણે માટે એક જ માર્ગ છે; બીજો કોઈ જ રસ્તો નથી. હજી સમય છે પ્રભુ! ખેંગાર એ આવતો દેખાય! આ હંસલાના જ ડાબલા સંભળાય છે! હજી સમય છે – હજી – પછી નહિ હોય! મને જીવતેજીવત જળસમાધિ ન લેવરાવી હોય, પ્રભુ! માલવમંત્રી રુદ્રાદિત્યની પેઠે, તો હજી...!’ મુંજાલ વધુ બોલી શક્યો નહિ.

સિદ્ધરાજને મુંજાલનું છેલ્લું વાક્ય સ્પર્શી ગયું. તેણે સહેજ નિશાની કરી. ડાળ ઉપરથી પેલો માણસ તરત નીચે પડ્યો: ‘દોડ, જા – પેલાઓને કહી દે, આડાઅવળા થઇ જાય. દોડ, - જા.’

પેલો માણસ ઉપડ્યો. મહારાજે એને વધુ આજ્ઞા આપી: ‘અને આઠેસર! તું પાછો આંહીં ન આવતો. આંહીંથી અમે પણ આ ચાલ્યા!’

જયદેવ અને મુંજાલ બંને એક ક્ષણમાં ત્યાંથી અદ્રશ્ય થઇ ગયા. અત્યારે કોઈએ કાંઈ વિચાર ન કર્યો; ઝપાટાબંધ રસ્તો કાપવા માંડ્યો... તે અદ્રશ્ય થયા ન થયા ને રા’ના કેકાણની હેવળ સંભળાઈ.