Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 9

રા’ ખેંગારનો રણઘેલો જવાબ

મુંજાલ ભા દેવુભા પાસે આવ્યો ત્યારે એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. પરશુરામ તો સીધો ચાલ્યો ગયો હતો. પણ ભા દેવુભા, ત્રિભુવનપાલ દંડનાયક અને જગદેવ પરમાર જુગજુગના મિત્રો હોય તેમ એકબીજા સાથે રણક્ષેત્રની વાતોનો આનંદ કરી રહ્યા હતા. ખેંગારની વાતે ત્રિભુવનને અને જગદેવને લગભગ એના પ્રશંસક બનાવી દીધા હોય તેમ એને લાગ્યું. મુંજાલ કળી ગયો. એને દેવુભા ભયંકર લાગ્યો. તેણે એક અર્થવાહી દ્રષ્ટિ દેશળ ઉપર કરી લીધી. દેશળની પાસેથી પસાર થતાં તેણે ધીમેથી એને કહ્યું: ‘સોમનાથમાં ગ્રહણે મળીશ. મહારાજે હા કહી છે. પણ હમણાં તો તમને તતડાવીશ!’ દેશળને પહેલાં બે વાક્યોનો મર્મ સમજાયો. ત્રીજું શા વિશે છે એ તરત સમજી શક્યો નહિ. એટલામાં આગળ વધેલા મુંજાલનો અવાજ કાને પડ્યો. મુંજાલ ભા દેવુભાને સંબોધી રહ્યો હતો: ‘ભા! દેવુભા! મહારાજ પોતે અહીં નહિ આવે, તમારી સાથે વીરપુરુષ કોણ? ને માણસ પણ કોણ? મહારાજ નહિ આવે.’

એકદમ સૌ ચમકી ગયા: ‘હા, ભા! હા. –’ દેવુભા બોલ્યો. ‘મુંજાલજી! આ ભા દેવુભાએ એંશી ગઈકાલે પૂરાં કર્યાં. જુદ્ધ પણ એંશી દેખ્યાં. હજી તો મા કાળકાએ ખડ્ગનો રંગ રાખ્યો છે માણસ છો ભા! ઓળખવાં સે’લાં પડ્યાં નથી. આમાં કોણ કમાણસ મહારાજે દીઠું, કહેશો?’

‘તમારી ભેગું કોણ છે – તમે જ તપાસો ને! પાટણની ભરબજારમાં દગો કરનાર શું આ દેશળ ભા નો’તા? મહારાજ એનું મોં જુએ ખરા? મહારાજે તો, તમારે ચાલુ રાખવું હોય તો, યુદ્ધ ચાલુ રાખવાનું કબૂલ્યું છે!’

દેશળને મુંજાલના ત્રીજા વાક્યનો અર્થ હવે સમજાયો. લેશ પણ શંકા કોઈને ન આવે માટે મુંજાલ એને લબડધક્કે લઇ રહ્યો હતો, ઠગવિદ્યાના આનંદની એમાં એ પરાકાષ્ઠા અનુભવી રહ્યો. એણે પણ તીખો જવાબ વાળ્યો: મુંજાલજી! એ તો અરસપરસ છે ને! તમે ક્યાં ઓછા ઊતર્યા’તા? હાથતાળી તો જાદવકુલ પે’લેથી દેતું આવ્યું છે!’

‘ભા! મહારાજને વાકું પડતું હોય તો ભલે એમ રાખો.’ ભા દેવુભા બોલ્યો: ‘અમારે તો રા’ બાપુનો સંદેશો દેવાનો છે. પછી તમે સાંભળો કે મહારાજ સાંભળે, ઈ બધુંય ઈનું ઈ છે નાં!’

‘શો છે સંદેશો? બોલી નાખો એટલે પત્યું! દંડનાયકજી! સાંભળજો આ રા’નો સંદેશો!’

‘ગિરનારનું જેને માથે રખેવાળું ને ચોસઠ ભુજાવાળીની માથે છત્તરછાયા, એનો સંદેશો બીજો શો હોય ભા? તમારે જુદ્ધમાં દદામાં દીધે રાખો, બાપ! મોળું મૂકતા નહિ! અમે અમારું સંભાળી લેશું. રા’ બાપુનો તો આ સંદેશો છે. અમાત્યજી! જુદ્ધ અમારે બંધ રાખવું નથી. તમે જુદ્ધ બંધ કરો ને અમે સોમનાથ જઈએ તેવી તમારી મે’રબાની અમારે જોતી નથી. તમારું હાલે તો તમતારે પાંદડે-પાંદડે રણચોકી ગોઠવજો. રા’નો કેકાણ ખડી ચોકીમાંથી, ભગવાન સોમનાથની છતરછાયા ગોતી કાઢશે – એનામાં પાણી હશે તો. તમે કોઈ મોળું મૂકતા નહિ ભા! લ્યો. જૂનોગઢનાં તો આ વેણ છે, બાપ!’

‘મહાઅમાત્યજી! ત્રિભુવનપાલ દંડનાયક બોલ્યો. ‘એ રા’નો સંદેશો નથી – નરી રાજપૂતીનો છે!’

‘ને તમે એવી નહિ બતાવો, તો નવેખંડ ધરતીમાં તમારો ધજાગરો બાંધી દેશે!’ જગદેવે પણ કહ્યું.

‘કોણ? કોણ ધજાગરો બાંધશે, પરમાર?’

‘જુઓ, ભાઈ મુંજાલ મહેતા! તમે તો બાપ! બાપદાદે મુત્સદ્દી રહ્યા. હું તો રહ્યો ખડગપંથી, બે’ક બાખળબોલો. પણ ભા! આ રજપૂતી જે દી ભારતમાં રંડાશે તે દી પછી થઇ રહ્યું, આભને થીંગડાં નો’ય. પછી તો નાઈ નાખવાનું, ને તમે કોણ છો, કોણ ધજાગરો બાંધશે? રજપૂતીને બિરદાવનાર કોક તો હશે નાં? આ ઈ ધજાગરો બાંધે, બીજું કોણ બાંધે? ઈ તો તમે – અમે સૌ ભેગા છંઈ નાં? નીરખજો ને, કોણ બાંધે છે?’

‘ભા, દેવુભા! આંધળો, અજાણ્યો ને અજ્ઞાન સરખા કહ્યા છે, કહેવાવાળાએ એ કાંઈ અમસ્તા કહ્યા હશે? કેટલીક વાતો બોલવામાં સારી લાગે, આચરવામાં તો નેવનાં પાણી મોભે ચડે. તમને શી ખબર આંહીં બેઠાં, કે પાટણનું મત્તગજેન્દ્રોનું દળ હજી છૂટ્યું નથી ને છૂટશે ત્યારે શું થાશે.’

‘શું થાશે મે’તા? આભ ઉતરશે?’

‘આભ હેઠે નહિ, ઉતરે, દેવુભા! રા’ખેંગાર હેઠો ઉતરશે! તમારા વીરપુરુષ તો આ ઊભા એવા કે બીજા? આ દેહુભા?’

‘જુઓ, મહાઅમાત્યજી! મેં તમારા કરતાં બે’ક વધુ જોયાં છે. આ તમે જે જુદ્ધ આદર્યું છે નાં – એનું ફળ ગમે ઈ આવે, પણ એમાંથી રા’ ખેંગાર તો નામના સોતા બા’ર નીકળશે અને જયસિંહ મહરાજ ગડગડિયા મેળવશે. કેવા’નું કહી દીધું, બાપ! હવે તમતારે તમારા પાટણને શોભે એવું કરજો. લ્યો જય સોમનાથ! ભગવાન – ન્યાં મેળવશે શમદરકાંઠે – તો પાંહે પાંહે જ કાં તો ના’તા હશું! લોહી તો રેડશું ત્યારે, સામસામાં પાણી તો ઉડાડશું! લ્યો, ભા! આવજો!’

‘ભા દેવુભા! રજપૂતીનો ઈજારો કાંઈ તમારે એકને ત્યાં નથી.’ ત્રિભુવનપાલે હવે કડક જવાબ વાળ્યો: ‘આ તો તમે ચડી ચડીને વાત કરી એટલે કહું છું. મહારાજ જયસિંહને પણ ભગવાન સોમનાથ આરાધ્ય દેવ છે. રજપૂતી રા’ની તો કોણ જાણે, પણ મહારાજ ભીમદેવની તો છેક સંઘના રણ સુધી ગર્જનક સંભારતો ગયો હતો, ને સોરઠને ગામડે-ગામડે સૌ સંભારે છે. અમારી પાસે તો એ રજપૂતીનો વારસો છે. બાકી અમારે બાંધવો હોય, તો આડો એવો બાંધીએ કે પવન પણ સંચળે નહિ. પણ અમે તો, જુદ્ધ ચાલુ રાખો છો એટલે જુદ્ધ ચાલુ રાખીશું, ને સોમનાથસમુદ્રનું સ્થાન તમામ માટે ખુલ્લું રાખીશું! જેને જાવું હોય તે જાય – રા’ પણ જાય ને રા’ની રૈયત પણ જાય, તમારે મન આ જુદ્ધ કોઈનું કાંઈ હશે, અમારે મન તો એક ફિક્કું છે!’

‘એમાં લાટ છોડીને આંહીં આવવું પડ્યું છે ભા! ને હજી તો આંહીં કૈંકને આવવું પડશે. આ તો લોઢાના ચણા, ભા! ને રજપૂતીનો રંગ તો મહારાજ જયદેવે ક્યાં બતાવ્યો નથી? બાબરાને કાંઈ અમથો રોક્યો હશે? એય રજપૂતી છે ને, ભા! પાટણની રજપૂતી! અમને તો શરમ આવે છે, બાપ! મહારાજ દેવપ્રસાદના નામનો ખડી સમશેરનો રણરંગી કેસરિયો રોમાંચ, આજ પણ રજપૂતના દીકરાની નસેનસમાં વહી રહ્યો છે! રાજપૂતી હીરની દોરીએ, દેવપ્રસાદ મહારાજનું હાલરડું ગળથૂથીમાં ગગાને આપે છે – એને રાજપૂતીનો વરસો સાચવી રાખવાનો છે ને? એનો દીકરો આજ ઠેઠ નર્મદેહર ભૃગુકચ્છને પાદરેથી, આ બાબરું, એની છતરછાયા હેઠળ, ગિરનાર લેવા આવે છે! કાળબળ બાપ! કાળબળ કોને કિયે? આનું નામ કાળબળ!’

ત્રિભુવનપાલને આ ટોણાએ ઊભો સળગાવી દીધો, મુંજાલને ડોસો જમાનાનો ખાધેલ લાગ્યો. દંડનાયક બીજી રીતે તો કદી પણ ન ડગે – છેવટે આ રીતે ઉત્સાહહીન થઇ જાય એ ડોસાની જુક્તિ મુંજાલ કળી ગયો. બાબરાની વાતે ત્રિભુવનને ઝાંખો પાડ્યો હતો. મુંજાલે વાત તરત ટૂંકાવવા માંડી: ‘ભા! હવે તમતમારે સિધાવો. અમે કહી દીધું કે’વું’તું એ!’  

‘ને ડોસાજી!’ ત્રિભુવનપાલની આંખમાંથી તણખા ખર્યા, ‘દેવપ્રસાદનો વારસો જાળવવો સહેલો તો નથી. પણ બાબરાની છતરછાયા નીચે મહાલે, એ આ ત્રિભુવનપાલ નહિ. ગિરનારના શિખર તો હવે પડશે – એના વિના. તમતારે જળવાય એટલાં જાળવજો!’

‘ઈ તો મલક આખો જુઓ છો ને, ભા! શિખર તો પડે ત્યારે – કાંકરો પડે તો’ય ઘણું! બાબરાને બરકો બાબરાને – પાટણની રજપૂતીનો ઈ એક તારણહાર છે!’

ત્રિભુવનપાલની આંખ જોઇને મુંજાલ ચેતી ગયો, હવે હદ થઇ છે. તે આગળ વધ્યો: ‘દંડનાયકજી!’ ત્રિભુવને સડાક દેતી ને સમશેર ખેંચી, ને તેને હાથમાં જ અધર પકડી રાખી : ‘મા? આજ તમને હું વેણ આપું છું! આ ડોસલા-ડોસલી ભલે સાંભળતા: ગિરનારને ન નમાવું તો હું દેવપ્રસાદનો દીકરો નહિ.’

વીંછીનો ભયંકર ડંખ હોય એવો દેવુભાનો તરત પ્રત્યુત્તર પડ્યો: ‘ને ઈ કામો કરવા બાબરાને નોંતરું નહિ તોય હું દેવપ્રસાદનો દીકરો નહીં – એમ બોલો ને ભા! બોલ્યા તઈ પૂરું બોલો ને ભા!’

ભા દેવુભાના વેણમાં એવું તો ભયંકર કટાક્ષી ઝેર હતું કે, વિશેપાન કર્યું હોય તેમ ત્રિભુવન એક ક્ષણ તો ઘા ખાઈ ગયો.

‘બાબરાને નામે આ વિજય મળે ને ત્રિભુવન એની છત્રછાયા તળે હોય તો એને સાત જનમારા કિલબનો અવતાર ફળે મા! ભગવાન સોમનાથને નામે – દેવુભા! હવે હું તમને કહું છું. હવે ચેતતા રહેજો – ગિરનારનું ખડકેખડક ન ખળભળાવું તો હું ત્રિભુવનપાલ નહિ!’

‘અત્યારે તો પાણખાણ ખળભળે છે, બાપ! બાબરો બેઠો ઈ ખળભળાવે!’

ભા દેવુભાનું વેણ અધૂરું રહી ગયું. એક ક્ષણ તો શું છે એ કોઈ સમજી શક્યું નહિ.

અવકાશમાંથી આવતો હોય તેવો સોનેરી ઘંટડીઓનો રણકાર સૌના કાને આવી રહ્યો હતો!