Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 3

બર્બરકની સિદ્ધિ

ધૂંવાપૂંવા થતો પરશુરામ, જે સમે સોમનાથના સમુદ્ર તટે, યુદ્ધરંગને પલટાવી દે એવી તક પોતાના હાથમાંથી સરી જતી, અવાક્ ની પેઠે જોઈ રહ્યો હતો, બરાબર તે જ સમે જૂનાગઢ પાસેની સોલંકીની છાવણીમાંથી બે પુરુષો, ગિરનારની અટંકી ગિરીમાલાના ભૈરવી ખડકો નિહાળવા ગુપચુપ જંગલકેડીને માર્ગે જઈ રહ્યા હતાં. તેમાંના આગલા પુરુષે માથા ઉપર શેલું વીંટ્યું હતું. એને ખભે ઢાલ હતી. બગલમાં તલવાર લટકતી હતી. પગમાં બરડાના ઓખાઈ જોડા પહેર્યાં હતા. એને ખભે ફૂમતાં મૂકેલી ધાબળી હતી. હાથમાં પાકા વાંસની લોહકડી જડેલી મોટી ડાંગ રાખી હતી. પણ એના ચહેરાનો કોઈ ભાગ એકદમ નજરે આવે તેમ ન હતો. એની પાછળ જતો માણસ સાદો સૈનિક જેવો દેખાતો હતો.

સોલંકી છાવણીને વટાવી રહ્યા ત્યાં સુધી બેમાંથી એકે કાંઈ બોલ્યા ન હતા. 

સોલંકી છાવણીની છેલ્લી ચોકી વટાવી, તે જંગલને પંથે પડ્યા, એટલે આગળ ચાલતો પુરુષ એક ક્ષણ થોભી ગયો, ‘કૃપાણ!’ તે ધીમેથી બોલ્યો: ‘પૃથ્વીભટ્ટનો સંદેશો બરોબર સમજ્યો છે કે? બર્બરક નાશ કરશે – એણે શું કહ્યું? – કે નાસી જશે?’

‘મહારાજ! નાશ કરી નાંખશે – એવા સ્પષ્ટ શબ્દો હતા!’

‘પરશુરામ ક્યાં ગયો છે? તને શા સમાચાર મળ્યા?’

‘એણે એટલા જ સમાચાર મહાઅમાત્ય ઉપર મોકલાવ્યા હતાં કે, કાલે સવારે એ આવી જશે!’

‘પણ એ ગયો છે ક્યાં? કાલે તો રા’નો સંદેશો લેવા માટે એને જવાનું હતું – એ ભૂલી ગયો કે શું? તું હવે આંહીં પ્રભાતે આવીને અટકજે – પેલા રૂખડાનું મોટું ઝાડ દેખાય ત્યાં. કોઈ અતિ અગત્યના સમાચાર હોય ને આવવું પડે તો જ તું આવજે નહિતર તો કહી દેજે કે ઉપાસનામાં બેઠાં છે અને પરશુરામને સવારે જ હાજર રહેવાનું છે એમ કહી આવજે – અથવા એમ કરજે – ઝાંઝણને કહેજે. પરશુરામ આવે કે તરત, મુંજાલ મહેતાને મળવાના એને સમાચાર આપી આવે – ત્રિભુવન પણ ત્યાં કાલે આવી ગયો હશે એટલે રા’ના સમુદ્રસ્થાન વિશે તો નવી યોજના થઇ જશે.’

કૃપાણ બે હાથ જોડીને એક બાજુ પર ઉભો રહી ગયો. ‘મેં કહ્યું તે પ્રમાણે દરેકને સંદેશો પહોંચાડી દેજે ને તું પોતે સવારે આંહીં આવી જજે.’

કૃપાણે માથું નમાવીને રજા લીધી.

જ્યારથી સોરઠી જુદ્ધે ભીષણરૂપ પકડ્યું હતું ત્યારથી જ જયસિંહ સિદ્ધરાજને ક્યાંય આરામ ન હતો. ગિરનારના વૈભવી ખડકો હજી તો એવા ને એવા અણનમ ઉભા હતાં. લોકવાયકામાંથી જૂનાગઢની અંદરની સ્થિતિનો કાંઇક પણ ખ્યાલ મળે એ હેતુથી મહારાજ પોતે, અનેક વેશે, અનેક જણને મળતા રહેતા. હમણાં ક્યાંક તળેટીમાં રબારીઓનો મેળો હતો ને રા’એ હવા ઉડાડી હતી કે સોમનાથી સમુદ્રનું ગ્રહણસ્નાન બંધ રહેશે. એ બંધ રહેશે તો દેશ ઉપર મહાઆફત ઉતરશે એવી વાત કૈલાસરાશિએ વહેતી મૂકી હતી – વાત વિશેનો સાચો લોકતાગ મેળવવા મહારાજ પોતે મેળામાં જવાનો વિચાર કરતા હતાં, એટલામાં પૃથ્વીભટ્ટનો સંદેશો આવ્યો કે બર્બરકે જે સિદ્ધિ મેળવી છે, એ જો ચોકીપહેરામાં નહિ રહે, તો એનો એ વિનાશ કરી નાંખે એવો સંભવ છે – માટે મહારાજે અત્યારે જ આવવું. આજે બર્બરક પોતાનો પ્રયોગ કરવાનો હતો.

એક ક્ષણના પણ વિલંબ વિના સિદ્ધરાજ જંગલકેડીને માર્ગે થઇ બર્બરકના રહેઠાણ તરફ જવા માટે અત્યારે ચાલી નીકળ્યો હતો; વેશ ફેરવવાને પણ થોભ્યો ન હતો. કૃપાણ ગયો એટલે એ પણ પોતાના સ્થાન તરફ જવા માટે ઉપડ્યો.

રસ્તામાં જ એને પૃથ્વીભટ્ટ મળી ગયો. જ્યારથી મહારાજે કેશવને ગોધ્રકમંડલ તરફ રવાના કર્યો ત્યારથી પૃથ્વીભટ્ટે પોતાનું એક વિશિષ્ટ સ્થાન મહારાજ પાસે પ્રાપ્ત કર્યું હતું. એ મહારાજના વિશ્વાસનો અધિકારી ગણાતો. એ આખાબોલો, વિચિત્ર પણ સચ્ચાઈનો કટકો હતો. મહારાજે એને નાણી જોયો હતો. મહારાજનાં વિશ્વાસનો પોતે થોડો પણ અધિકારી છે, એ ગૌરવથી પૃથ્વીભટ્ટ પણ અનેરા મિજાજમાં રહેતો. એણે મહારાજને બર્બરકની સિદ્ધિની રજેરજ હકીકત વારંવાર પહોંચાડી હતી.

‘ખેંગારે તો કાલે આ બાજુ વધુ સૈનિકો મોકલવાનો નિર્ણય કર્યો છે, મહારાજ!’ પૃથ્વીભટ્ટે નવા સમાચાર આપ્યા.

‘કેમ એમ?’ 

‘એને વહેમ આવ્યો લાગે છે કે આ ડુંગરાઓમાં કોઈક જગ્યાએ પાણખાણમાં બર્બરક બેઠો છે. એ બર્બરકને હાથ કરવા માંગે છે!’

‘કર્યા કર્યા હવે -! પણ પરશુરામે ઘરણટાણે સાપ કાઢ્યો છે. એની બાજુથી તારી તરફ વધારે મદદ તો કાલે આવી પહોંચશે – કાલ સાંજ સુધી તમે ગમે તેમ ટકી રહેજો. સોમનાથ સમુદ્રના સ્નાનની વાતને ખેંગાર મોટું રૂપ આપવા માંગે છે. એટલે આપણે સૌને જાવાની છૂટ દેવી છે.એમાંથી કાંઈ ને કાંઈ વાત મળશે! મહેતાએ કૈલાસરાશિને પણ એ પ્રમાણે કહેવરાવી દીધું છે, એટલે વખતે પાંચ-પંદર દિનો વિશેમ પણ થાય!’

પૃથ્વીભટ્ટ પાસે સર્યો: ‘પણ મહારાજ! આ રબારીઓના મેળામાં એક વાત ચર્ચાય છે, એ જાણી?’

‘શી?’

‘કે’ છે. રા’નું ઘર ફૂટ્યું છે!’

‘ફૂટ્યું છે? કોણ રાણકદે?’ સિદ્ધરાજે ઉતાવળે પૂછ્યું.

‘ના, ના, પ્રભુ, એ દેવીની વાત નથી. ગિરનાર ડગે પણ દેવી ન ડગે; એ વાતમાં કાંઈ માલ નથી; હવે તો જુદ્ધ જીતવાની વાત છે. રા’ના બે ભાણેજ – દેશળ અને વિશળ – ભાગ્યા છે એમ સાંભળ્યું છે!’

‘એમ? ત્યારે તો પેલા દેહુભા અને વિહુભા! એ ભાગીને જાય ક્યાં? આપણી પરશુરામની ચોકી વટાવે એવો કોઈ હજી પાક્યો નથી. સાંભળ્યું છે એ ખરું હોય તો રા’ને દુર્ગમાં ચીજો ખૂટવા માંડી છે. નવી આવવાનો કોઈ માર્ગ ખુલ્લો નથી. એટલે કોઈકે ગપ મારી લાગે છે, પૃથ્વીભટ્ટ!’

‘ના રે, પ્રભુ! મેં સગે કાને દુહા ગવાતા સાંભળ્યા છે. આંહીંના લોકમાં તો દુહાની રમઝટ બોલે છે મેળાટાણે; ને એમાં રા’ના ઘર ફૂટયાની વાત આવી છે -!’

સિદ્ધરાજ વિચાર કરી રહ્યો: જો આ સત્ય હોય ને બર્બરકની સિદ્ધિ પ્રકટ થાય તો કદાચ રા’ સમાધાનપંથે પળે ખરો. પાટણથી સાંતૂ મહેતાનો સંદેશો આજે જ આવ્યો હતો કે સોરઠ તો જિતાય ત્યારે – પણ આંહીં હરપળે માલવાના ભણકારા વાગે છે. ગઈકાલે – કોઈ દિવસ નહીં ને ગઈ કાલે – કોઈક વૃદ્ધે જુદ્ધની વાતવાતમાં કહ્યું હતું કે, ઘણા તો એવા પણ હોય છે કે ઘા પડ્યા પછી માણસ છ મહિને જાતે મરે! માલવાના જુદ્ધમાં મહારાજ કર્ણદેવને એવો ઘા પડી ગયો હતો! એ સાંભળ્યા પછી એના મનમાં તાલાવેલી લાગી હતી, પણ રા’ ખેંગાર જુદ્ધ લંબાવી રહ્યો હોય જ એટલા માટે. સિદ્ધરાજે એકદમ કાંઇક વિચાર કરી લીધો: ‘પૃથ્વીભટ્ટ! કાલે રાજમાતા આંહીં આવવાના છે!’

‘પ્રભુ! આંહીં?’ પૃથ્વીભટ્ટ એકદમ વાત સમજી શક્યો નહિ. આંહીં જ્યાં હરપળે તીરની રમઝટ બોલતી હતી ત્યાં રાજમાતા શા માટે આવે? એ વાત એના ધ્યાનમાં ઉતરી નહીં.

‘કાલે આંહીંથી ગિરનારના ઉપરદૂર્ગનો ચઢાવો શરુ થશે, તે પહેલાં રા’ને સમાધાનની છેલ્લી તક આપી દેવી છે. કાલે દંડનાયક પણ આવે છે!’

‘કોણ? ત્રિભુવનપાલ મહારાજ?’

‘હા,’

‘ને ત્રિભુવન જાણે તે પહેલાં જ આ બર્બરકની સિદ્ધિનો ઉપયોગ કરી લેવો છે. ઉપરદુર્ગમાં મીનલબા ને હું બંને પહોંચી જઈશું – ત્રિભુવન જાણશે તો વંકાશે.’

‘ઓત્તારીની!’ પૃથ્વીભટ્ટને હવે સમજાયું કે મીનલબા શા માટે આવવાનાં હતાં. ત્રિભુવનપાલ આ વાતની વિરુદ્ધ હતો. – ને જગદેવ તો બર્બરકના એવા ઉપયોગમાં ક્ષત્રિયવટનું પતન જોઈ રહ્યો હતો. એટલે આ વસ્તુ વળી એક નવું ઘર્ષણ જન્માવશે એ ભય પૃથ્વીભટ્ટને પેઠો. એ પોતે તો મહારાજને હંમેશાં કહેતો કે જુદ્ધમાં કેમ જીતવું એ ધ્યાન રાખવું, ને સંસારમાં કેમ જીવવું એ ધ્યાન રાખવું: બીજું બધું જ ગૌણ ગણવું.

થોડી વાર પછી સિદ્ધરાજ ને પૃથ્વીભટ્ટ બર્બરકના રહેઠાણ તરફ જવા માટે આગળ વધ્યા. થોડે દૂર ગયા પછી રસ્તો નીચે ભોંયરા જેવા માર્ગમાં જતો જણાયો. બંને બાજુ વિસ્તીર્ણ પાણખાણો આવી રહી હતી.

આગળ જતો અંદરનો માર્ગ ચારેતરફથી ઢંકાયેલા ખડકોમાં થઈને ચાલ્યો જતો હતો. ઠેરઠેર મોટી ખોયાણ પાણખાણોના જબરદસ્ત ભૂર્ગભ ખંડો નજરે પડતા હતા. અત્યારે આછા અજવાળા-અંધારામાં એની વિશાળતાનો ખ્યાલ મળવો મુશ્કેલ હતો, પણ કેટલીક જગ્યાએ પાણીમાં આકાશી તારાનાં પ્રતિબિંબ પડતાં હતાં, તે ઉપરથી તેઓ ભૂર્ગભમાં કેટલે ઊંડે ઉતર્યા છે એનો કંઈક આછો અંદાજ આવી જતો હતો. 

અંતે તેઓ એક જગ્યાએ, મોટી ભૂખરા પથ્થરની કોતરેલી ભીંતને આધારે, ઉભા રહી ગયા. તેમની સામે વિશાળ, માથે ખુલ્લો પથ્થરખાણનો એક જબરદસ્ત ખંડ આવી રહ્યો હતો. ત્યાં દીવાલના ગોખલામાં ચારે બાજુ ઠેરઠેર દીવા બળતા હતા. એ પ્રકાશમાં દ્રષ્ટિ કરતાં જ સિદ્ધરાજ આનંદ અને આશ્ચર્યથી ડોલી ઉઠ્યો.

એક વિશાળકાય કાષ્ઠહંસ ત્યાં તૈયાર થયેલો હતો. એની જબરદસ્ત બે પાંખો એકબીજા ઉપર ઢંકાયેલી હતી. પણ એના પર બે માણસો સુખેથી બેસી શકે એવી રચના દેખાતી હતી. થોડી વાર ગઈ. બર્બરક આવતો લાગ્યો. એના ચહેરામાં અત્યારે આનંદની અવધિ જણાતી હતી; કોઈ મહાન વસ્તુ મેળવ્યાનો સંતોષ ત્યાં વ્યાપી ગયો હતો. થોડી વારમાં પિંગલિકા આવી.અત્યંત વિશ્વાસુ વ્યક્તિમાં નજરે પડે એવી ભોળી નિખાલસતા એના ચહેરામાં જણાતી હતી. સિદ્ધરાજ બંનેની તરફ જોઈ રહ્યો. એ બંનેને સાથે જોવાં ને દરેકને જુદુંજુદું જોવું એમાં આકાશ-પાતાળનું અંતર હતું. બર્બરક તો પથ્થર સમાન હતો. પિંગલિકાની હાજરીમાં એનામાં અનેક રંગો પ્રગટ્યા. પશુથી માંડીને મહાપ્રાણ સુધીની સઘળી ચેતનઅવસ્થા ત્યાં જણાતી. આજે એનામાં માનવતાની છોળ ઉડી હતી – જોકે, એટલું છતાં, કઈ ક્ષણે એમાંથી પાછો ભેંકાર કરતો રાક્ષસ જાગી ઊઠશે એ કહેવું મુશ્કેલ હતું. એના જીવનની એ જ ખાસિયત હતી. એનામાં બે વસ્તુ એકસાથે વસી રહી. થોડી વારમાં જ ચારેતરફ ફરીને બર્બરકે હંસને તૈયાર કરી દીધો. એક કળ ફેરવી ને એક પાંખ ઉઘડી. બીજી કળ ફેરવી ને બીજી પાંખ પહોળી થઇ ગઈ. વચ્ચે પીઠમાં નાની સરખી બે જણાં બેસી શકે તેવી બેઠક હતી. બર્બરક એમાં બેસી ગયો, તેની પાસે પિંગલિકા ચડી બેઠી.

‘પડશે તો નહિ ને?’

‘અરે, ઘેલી! હજી તને વિશ્વાસ નથી બેઠો? આપણે જાણીએ છીએ તે તો કુદરતનો એક પરાર્ધ – અંશ પણ નથી. આમ ને આમ સોમનાથ સુધી જવાય!’

‘ઓઈ રે મા! મારે એટલે આઘે જાવું, મારી તો છાતી જ ફાટી જાય.’

બર્બરકે એક કળ ફેરવી. હંસના સ્વર જેવો સ્વર થયો. પાંખો ફફડતી લાગી. બંને આંખમાં પ્રકાશ પ્રગટ્યો. ધીમી મધુર સોનેરી ઘંટડી જેવો અવાજ થયો. અને એક ક્ષણમાં ધીમેધીમે હંસ ઉંચે ચડવા લાગ્યો.

જયસિંહ સિદ્ધરાજ એ દ્રશ્ય જોઈ જ રહ્યો.