Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 84

પરી હવે બિલકુલ ફ્રેશ મૂડમાં અને સમીર સાથે ખુશીથી વાતો કરવાના મૂડમાં આવી ગઈ હતી એટલે તે બોલી કે, "ઈટ્સ ઓકે યાર, છોડ એ વાત હવે..બોલ તું શું લઈશ કોલ્ડ કોફી કે હોટ કોફી?"
"તું શું લેવાની છે?"
"હું તો મારુ ફેવરીટ ઓરીયો શેક જ લઈશ."
"ઓકે, હું કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ લઈશ."
"ઓકે" અને પરીએ ઓર્ડર આપ્યો.
અને સમીરની સામે જોયું અને તે બોલી કે, "હં બોલ, હવે તારા મોઢેથી મારે સાંભળવું છે કે તે આકાશને અને તેના સાથીદારોને કેવીરીતે પકડી પાડયા..!!"
સમીરની નજર સામે એ દ્રશ્ય તાદ્રશ્ય થઈ ગયું અને તે બોલ્યો કે, "એક વાત કહું પરી અમારી પોલીસવાળાની લાઈન એટલી ખરાબ છે ને..અને ઘણી મહેનત કરીને ગુનેગારને પકડીએ અને તેને પકડતાં પકડતાં અમારે એટલો બધો સંઘર્ષ કરવો પડતો હોય છે ને કે વાત ન પૂછો..!! અરે, ક્યારેક તો અમારો જીવ પણ જોખમમાં મૂકાઈ જતો હોય છે અને છતાં પણ અમે નાસીપાસ પણ નથી થતાં કે હિંમત પણ હારી જતાં નથી અને છતાં પણ જો અમે ગુનેગારને પકડવામાં થોડા મોડા પડીએ અથવા તો નાકામિયાબ રહીએ તો લોકો એમ જ વિચારે કે પોલીસ કંઈ કરતી જ નથી..!! અરે, એટલે સુધી હદ કરી દે કે સોશિયલ મીડિયા ઉપર પણ અમને વગોવી કાઢે, કે પોલીસ જાણીજોઈને ગુનેગારોને પકડતી નથી પણ "મહીની વાત મહાદેવજી જાણે" તેવું છે અમે શું કરીએ છીએ અને સતત કેવી લડત આપીએ છીએ તે તો અમે જ જાણીએ... એટલે જોયા જાણ્યા વગર આવું સ્ટેટમેન્ટ આપી દેવું તે બરાબર નથી..
પરીએ સમીરની વાતમાં સૂર પુરાવ્યો કે, "હા હા તારી વાત બિલકુલ સાચી છે. એ તો જે કરે તેને જ ખબર પડે.." અને પરીએ સમીરની સામે જોઈને પોતાની આંખો મીચકારી અને તે બોલી, "સોરી સમીર એક વાત કહું, "હું પણ અત્યાર સુધી એવું જ માનતી હતી પણ આ તો એક પોલીસવાળો ફ્રેન્ડ બન્યો એટલે આ પોલીસવાળાની આપવીતી ખબર પડી."
"અચ્છા તો એવું છે મેડમ."
"યસ, મિસ્ટર સમીર...
બંનેની આ ચર્ચાની શરૂઆત થઈ રહી હતી અને એટલામાં કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ અને ઓરિયો શેક બંને આવી ગયા એટલે બંને વાતોની સાથે સાથે તેની પણ લિજ્જત માણવા લાગ્યા.
અને સમીરે પરીને પોતાની કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ ટેસ્ટ કરવા માટે કહ્યું અને પરીએ પોતાનો ઓરિયો શેક સમીરને ટેસ્ટ કરવા કહ્યું આમ બંને એકબીજાનો ટેસ્ટ માણવા લાગ્યા અને સાથે સાથે એકબીજાની વાતોની લિજ્જત પણ માણવા લાગ્યા.
સમીર પોતાની કોફી પીતાં પીતાં આગળ બોલી રહ્યો હતો કે, "અમે અહીંથી નીકળ્યા એ તો તને ખબર જ છે પછી મેં મારો ફ્રેન્ડ અહીં છે બીપીન ચાવડા તેનો ફ્રેન્ડ સુભાષ રાઠોડ ત્યાંના પોલીસ સ્ટેશનમાં છે તેની મદદથી આખું ઓપરેશન ગોઠવી દીધું. જે દિવસે અમે ત્યાં પહોંચી ગયા એ દિવસે તો આખો દિવસ અમે તેની ઓફિસ અને ઘર બંને જગ્યા ઉપર સાદા ડ્રેસમાં ખડે પગે રહીને ચાંપતી નજર રાખી પરંતુ કંઈજ હાથમાં ન આવ્યું. રાત્રે અમારામાંના એક ઇન્સ્પેકટરનો મારી ઉપર ફોન આવ્યો કે હવે આખો દિવસ આ આકાશ હાથમાં નથી આવ્યો તો રાત્રે પણ નહીં જ આવે તો આપણે આ ઓપરેશન આવતીકાલ પૂરતું સ્થગિત રાખીએ પણ મેં તેને તેમ કરવાની ચોખ્ખી ના પાડી અને આપણું આ ઓપરેશન આકાશ અને તેનાં સાથીદારો ન પકડાય ત્યાં સુધી ચાલુ જ રહેશે તેમ જણાવ્યું.."
"ઑહો, મતલબ કે દિવસે પણ અને રાત્રે પણ તમે બધા એ ની એ જ પોઝીશનમાં ત્યાં ખડેપગે ડ્યુટી ઉપર રહ્યા.. પરી આશ્ચર્યચકિત થઈને વચ્ચે જ બોલી ઉઠી.
"હા, સાંભળને.. પછી તો આખી રાત બસ એમ જ વીતી ગઈ પણ આકાશ ન દેખાયો તે ન જ દેખાયો અમારી આશા નિરાશામાં ફેરવાઈ ગઈ પણ છતાં અમે એ ની એ જ પરિસ્થિતિમાં એ જ જગ્યાએ એ તો રીતે ખડેપગે ત્યાં હાજર જ રહ્યા અને પરોઢિયે ચાર વાગ્યે આકાશ તેના કોઈ એક સાથીદારને લઈને કારમાંથી નીચે ઉતર્યો અને એટલામાં તરતજ બીજો એક માણસ બાઈક ઉપર આવ્યો અને તે બાઈક પાર્ક કરીને આકાશની ઓફિસમાં પહોંચ્યો અને હું અને મારો એક સાથી કોન્સ્ટેબલ પણ તેની પાછળ પાછળ આકાશની ઓફિસ પાસે પહોંચ્યા અને બે ત્રણ મિનિટ તેની ઓફિસની બહાર જ ઉભા રહ્યા જેથી અંદર શું ચાલી રહ્યું છે તેનો તાગ મળી જાય અને ત્યારે અમને સમજાઈ ગયું કે, અંદર જે ચાલી રહ્યું છે તે ડ્રગ્સની ગોઠવણની વાતો જ ચાલી રહી છે અને ત્યારે અમે એકદમથી છાપો માર્યો અને આકાશને અને તેના સાથીદારોને પકડી લીધા."
સમીરની વાત સાંભળીને પરી તાળી પાડવા લાગી અને સમીરને શાબાશી આપવા લાગી.
પરીની તારીફથી સમીર ખૂબ જ ખુશ થઈ ગયો તેણે પરીની સામે જોયું અને તે પરીની સામે જરાક ઝૂકી ગયો અને બોલ્યો કે, "થેન્કયુ મેડમ, આઈ લાઈક યોર એપ્રીસીએશન.‌.. બોલ બીજું શું ચાલે છે તે બે દિવસ શું કર્યું?"
"બસ, કંઈ નહીં એ જ હું અને મારી આ બુક્સ.. અને મારી લેબ.."
"અચ્છા, ગુડ પણ મેડમ હવે જરા આ બુક્સમાંથી બહાર આવવાની પણ કોશિશ કરશો કે નહીં? આઈ મીન હવે ક્યારે તારું આ ભણવાનું પૂરું થાય છે?"
"બસ, આ સેમ. અને આના પછી ઈન્ટર્નશીપ આવશે પછી એમ બી બી એસ પૂરું."
"ઓકે..! નાઈસ." એટલું બોલીને સમીરે પરીની સામે જોયું અને તેને પૂછ્યું કે, "પરી હું તને એક પર્સનલ ક્વેશ્ચન પૂછી શકું છું."
"હા હા પૂછ ને.. હવે તું મારો ફ્રેન્ડ છે અને ફ્રેન્ડશીપને નાતે તું મને ગમે તે પૂછી શકે છે"
"તો પછી હવે તે, આગળની લાઈફ વિશે તે શું વિચાર્યું છે કે હજી કંઈ વિચાર્યું જ નથી?"
સમીર આવો કોઈ પ્રશ્ન પૂછશે એ તો પરીએ કલ્પના જ નહોતી કરી એટલે સમીરના પ્રશ્નથી તે જરા સીરીયસ થઇ ગઇ અને તેને તેની મોમ યાદ આવી ગઈ. તે કંઈ બોલી ન શકી.
તેને ચૂપ જોઈને સમીરે ફરીથી પૂછ્યું કે, "કેમ કંઈ બોલી નહિ? ક્યાં ખોવાઈ ગઈ?"
"બસ, મોમની યાદ આવી ગઈ."
"કેમ મોમની યાદ મતલબ?"
"મારા ફેમિલી બેકગ્રાઉન્ડ ની કંઈક એવી વાતો પણ છે જેનાથી તું અજાણ છે."
"ઑહ, એવું છે?"
"ક્રીશા મોમ જેણે મને પાલી પોષીને મોટી કરી છે તે મારી રીયલ મોમ નથી મારી રીયલ મોમ તો માધુરી મોમ છે."
"તો પછી તારી માધુરી મોમ ક્યાં છે."
"મારી માધુરી મોમ અમદાવાદમાં છે પણ તે કોમામાં ચાલી ગઈ છે મને જન્મ આપ્યા પહેલા તેની માનસિક પરિસ્થિતિ બરાબર નહોતી અને મને જન્મ આપતાં જ તે કોમામાં ચાલી ગઈ છે."
"અરે બાપ રે શું વાત કરે છે..?"
"તો પછી અહીંયા અત્યારે તું કોની સાથે રહે છે.?"
"આ બધી વાતો મારે તને શાંતિથી બેસીને સમજાવવી પડશે અને તેને માટે સમય જોઈશે આપણે ફરી નિરાંતે મળીશું ત્યારે હું તને મારા જીવનની બધી જ વાત જણાવીશ. હવે અત્યારે બહુ લેઈટ થયું છે આપણે નીકળીએ?"
"ઓકે, પણ ફરી ક્યારે તું મને મળીશ? અને આમ તારી ફેમિલીયર વાતો અધૂરી અધૂરી કહી છે તો ક્યારે પૂરી કહીશ."
"મળીએ એક બે દિવસમાં હું તને આવતીકાલે ફોન કરું."
"ઓકે ચલ તો નીકળીએ હવે..."
અને પરી અને સમીર બંને છૂટાં પડ્યાં.
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
3/8/23