પ્રારંભ પ્રકરણ 85
રેવતીના પ્રેગ્નન્સીના સમાચારથી આખાય બંગલામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. લગ્ન જીવનના લગભગ ત્રણ વર્ષ પછી રેવતીને પ્રેગ્નન્સી આવી હતી.
સિદ્ધાર્થ અને રેવતી એ જ દિવસે સાન્તાક્રુઝના ગાયનેક ડોક્ટર પાસે જઈને પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવી આવ્યાં હતાં અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ગાયનેક ડોક્ટરે જરૂરી દવાઓનો કોર્સ લખી આપ્યો હતો અને કેટલીક સૂચનાઓ પણ આપી હતી.
ઘરમાં બાળકનો જન્મ થવાનો હોવાથી જગદીશભાઈ અને જયાબેન ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં અને એ જ દિવસે બંને દાદર જઈને સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરી આવ્યાં હતાં.
" મને તો એવું લાગે છે કે રેવતીને દીકરો જ આવશે. કારણ કે આપણી પેઢીમાં દીકરાઓ જ વધારે જન્મ્યા છે." બપોરે જમતી વખતે જયાબેન બોલ્યાં.
" દીકરો આવે કે દીકરી આપણને કોઈ જ ફરક પડતો નથી. દીકરી પણ લક્ષ્મી જ ગણાય છે. આપણો પણ સમય પસાર થઈ જશે. " જગદીશભાઈ બોલ્યા.
" મમ્મીની વાત સાચી છે અત્યારે ભાભીના ગર્ભમાં દીકરો જ આકાર લઈ રહ્યો છે. " કેતને પોતાની સિદ્ધિના કારણે આગાહી કરી દીધી.
" કેતન કહે એટલે એ સાચું જ હોય." સિદ્ધાર્થ બોલ્યો.
" હવે તારે ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું બેટા. વધારે પૌષ્ટિક ખોરાકની હવે તારે જરૂર છે. તારા દીકરાના પોષણ માટે પણ તારે થોડું વધારે ખાવું પડશે." જયાબેન રેવતીની સામે જોઈને બોલ્યાં.
અને આ રીતે કેતનના બંગલામાં પ્રેગ્નન્સીના સમાચાર પછીનો આખો દિવસ એ જ ચર્ચામાં પસાર થયો.
કેતનને ભાભીના પ્રેગ્નન્સીના સમાચાર જાણીને જૈમિન લોટવાલા યાદ આવી ગયો. છ મહિના પહેલાં જામનગરથી મુંબઈ આવતી વખતે ટ્રેઈનમાં એને જૈમિન લોટવાલા અને એની તોછડી અને અભિમાની પત્ની જલ્પાનો ભેટો થયો હતો.
જો સંતાન જન્મ થશે તો જલ્પાનું મૃત્યુ થઈ જશે એવું એને પોતાની સિદ્ધિથી લાગ્યું હતું. એણે જૈમિનને ગર્ભપાત કરાવવાનું સૂચન પણ કર્યું હતું. પરંતુ એ વાતથી જલ્પા ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. આજે એ વાતને છ મહિના ઉપરનો સમય થઈ ગયો હતો. અત્યાર સુધીમાં ડિલિવરી થઈ ગઈ હોવી જોઈએ છતાં જૈમિનનો કોઈ ફોન એના ઉપર આવ્યો નથી. પોતાની આગાહી કોઈપણ સંજોગોમાં ખોટી ના પડે એવો કેતનને વિશ્વાસ હતો !
પરંતુ કેતનની આગાહી સાચી જ પડી હતી. બીજા જ દિવસે જૈમિનનો ફોન કેતન ઉપર આવી ગયો.
" કેતનભાઇ સોરી ફોન કરવામાં થોડો લેટ પડ્યો છું પરંતુ બહુ જ ખરાબ સમાચાર છે. જલ્પા હવે આ દુનિયામાં નથી રહી અને એને આજે ૧૫ દિવસ થઈ ગયા છે. ૧૩ દિવસ સુધી તો એની પાછળની ક્રિયા કરવામાં મને કોઈ સમય જ ના મળ્યો. મારુ પોતાનું મગજ પણ બહેર મારી ગયું હતું. પુત્ર જન્મ થયો પણ એનો કોઈ આનંદ હું ના લઈ શક્યો. " જૈમિન બોલ્યો.
" જે બનવાકાળ છે એને કોઈ મિથ્યા કરી શકતું નથી જૈમિનભાઈ. મેં પોતે પણ જલ્પાને બચાવવાની કોશિશ કરી પરંતુ એ મારા ઉપર જ ગુસ્સે થઈ ગઈ. હું ઘણું બધું જાણી શકું છું. મને ખબર જ હતી કે ગર્ભમાં જે બાળક છે એ જન્મ લઈને તરત જ માતાનો જીવ લઈ લેશે પરંતુ આવું હું તમને કેવી રીતે કહી શકું ? મેં ગર્ભપાત કરાવવાની એટલે જ સૂચના આપી હતી ! " કેતન બોલ્યો.
" તમે શું વાત કરો છો કેતનભાઈ !! ખરેખર તમને ખબર હતી કે મારા દીકરાના જન્મ પછી જલ્પાનું મૃત્યુ થશે ? તમારે કમ સે કમ મને તો કહી દેવું જોઈતું હતું ! " જૈમિન આશ્ચર્ય પામીને બોલ્યો.
"એની હાજરીમાં તમને કેવી રીતે કહું ? અને કદાચ તમને હું કહું તો પણ તમને એ વખતે મારી વાત ઉપર વિશ્વાસ આવે ખરો ? સાવ સાચું કહું તો મને એકવાર વિચાર આવી ગયેલો કે તમારા કાને વાત નાખું. પરંતુ જલ્પાએ જે અપમાનજનક રીતે મારું મ્હોં તોડી લીધું એટલે મને પણ ગુસ્સો આવ્યો. " કેતન બોલ્યો.
"સોરી કેતનભાઇ એના માટે હું તમારી માફી માગું છું. મેં ઘરે ગયા પછી પણ એના આવા રફ વર્તન બદલ એને ઠપકો આપ્યો હતો. હવે તો એ આ દુનિયામાં નથી. કાશ તમારી વાત મેં માની લીધી હોત ! " જૈમિન બોલ્યો.
" તમારે માફી માગવાની હવે કોઈ જરૂર નથી. મૃત્યુ પછી પણ હું એને બચાવી શકતો હતો પણ નિયતિ આગળ કોઈનું કંઈ ચાલતું નથી. હવે એ વાતનો અફસોસ કરવાનો કોઈ મતલબ પણ નથી. મારે લાયક બીજું કંઈ પણ કામકાજ હોય તો મને જણાવજો. " કેતન બોલ્યો.
આ પ્રસંગ ઉપરથી કેતનને એક વાત સમજાઈ ગઈ કે નિયતિની ઈચ્છા કોઈનું આયુષ્ય લંબાવવાની હોય તો જ એને બચાવી શકાય છે પરંતુ જેનું ખરેખર આયુષ્ય પૂરું થઈ ગયું હોય એને કોઈ પણ સંજોગોમાં બચાવી શકાતું નથી.
કેતનનો ક્રમ હતો કે રોજ સાંજે સંધ્યા કાળે એ ગાર્ડનમાં ચાલવાની કસરત કરતો. પોતાના ગાર્ડનમાં જ ૧૦ ૧૨ આંટા મારતો. છતાં ક્યારેક મૂડ આવે તો ખારમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ સુધી એ ચાલતો જતો અને ત્યાં થોડી વાર ધ્યાનમાં બેસી એ પાછો ચાલતો જ ઘરે આવતો. આ એનો ક્રમ જ બની ગયો હતો. શિયાળામાં છ વાગ્યા આસપાસ એ ચાલવા જતો તો ઉનાળામાં સાત વાગ્યે.
આ રીતે એક દિવસે એ ચાલતો ચાલતો શ્રી રામકૃષ્ણ આશ્રમ સુધી ગયો અને ત્યાં મંદિરના હૉલમાં અડધી કલાક ધ્યાનમાં બેઠો. એ પછી આરતી નો ટાઈમ થયો એટલે એણે આરતીમાં પણ ભાગ લીધો. દર્શન પતાવી એ મંદિરની બહાર નીકળતો હતો ત્યાં જ કોઈએ પાછળથી બૂમ પાડી.
" અરે કેતનભાઇ....! "
કેતને પાછળ વળીને જોયું તો આ તો પેલા ઉમાકાન્તભાઈ જે શાંતિકુંજમાં મળ્યા હતા ! કેતન જ્યારે હરિદ્વાર ગયેલો ત્યારે શાંતિકુંજમાં ઉતારો કરેલો અને એ વખતે ઉમાકાન્તભાઈ ની રૂમમાં એમની સાથે જ એ ત્રણ દિવસ રોકાયેલો.
"અરે વડીલ તમે અહીંયા ક્યાંથી ? " કેતને ઉમાકાંતભાઈને આશ્ચર્યથી પૂછ્યું.
" હું તો સાન્તાક્રુઝ ખીરાનગર જ રહું છું એટલે ઘણીવાર અહીં દર્શન કરવા માટે આવતો હોઉં છું. તમને મેં આજે મંદિરમાં જોયા એટલા માટે જ તમે જેવા બહાર નીકળ્યા કે તમારી પાછળ પાછળ આવ્યો. " ઉમાકાન્તભાઈ બોલ્યા.
" તો તમે હવે મારા ઘરે જ ચાલો. હું હવે અહીં ખાર જ રહું છું. લિન્કિંગ રોડ ઉપર જ મારો બંગલો છે. અહીંથી બહુ દૂર નથી. " કેતન બોલ્યો.
" મને ખ્યાલ છે તમે અહીં રહેવા આવી ગયા છો. " ઉમાકાન્તભાઈ બોલ્યા.
" તમને કેવી રીતે ખબર વડીલ ? આપણી વચ્ચે તો આવી કોઈ વાત થઈ નથી. " કેતન બોલ્યો.
" તમે ભૂલી ગયા લાગો છો કે હું તો પ્રખર ગાયત્રી ઉપાસક છું. અનેક પુરશ્ચરણો પણ કરી ચૂક્યો છું. તમારી પાસે આટલી બધી સિદ્ધિઓ હોય તો મારી પાસે થોડીક તો હોય ને ! " ઉમાકાન્તભાઈ હસીને બોલ્યા.
"સોરી... મારા કહેવાનો મતલબ એવો ન હતો. તમારી પાસે જે હશે એ તો કદાચ મારી પાસે પણ નહીં હોય. મેં તો અમસ્તાં જ કહ્યું. " કેતન બોલ્યો.
" રિલેક્સ.. હું તો જસ્ટ મજાક કરું છું. મારી તમારા ઘરે આવવાની ઈચ્છા છે. આવતીકાલે મહા સુદ તેરસ છે. વિશ્વકર્મા જયંતી પણ છે. જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું એ બ્રહ્માનો દિવસ છે. તમે કાલે વહેલી સવારે સાડા ચાર વાગે ઊભા થઈ જજો અને તમારા ગાર્ડનમાં જઈને ધ્યાનમાં બેસી જજો. હું તમને ત્યાં મળવા આવી જઈશ." ઉમાકાન્તભાઈ બોલ્યા અને મંદિર તરફ પાછા વળી ગયા.
કેતનને મનમાં થયું કે મારા ગાર્ડનની ઉમાકાન્તભાઈને કેવી રીતે ખબર ? પણ પછી એને ખ્યાલ આવી ગયો કે ઉમાકાન્તભાઈ પાસે અમુક સિદ્ધિઓ છે એટલે આવા સવાલનો કોઈ મતલબ નથી.
એ પછી કેતન ચાલતો ચાલતો પોતાના ગુરુજીનું સ્મરણ કરતો ઘરે પહોંચી ગયો.
રાત્રે એલાર્મ મૂકીને એ બીજા દિવસે વહેલી સવારે ૪:૩૦ વાગે ઉભો થઈ ગયો અને ઉમાકાન્તભાઈની સૂચના મુજબ હાથ પગ ધોઈને ગાર્ડનમાં આસન પાથરીને બેસી ગયો. એક વધારાનું આસન એણે પોતાની સામે ઉમાકાન્તભાઈ માટે પણ પાથર્યું.
ઉમાકાન્તભાઈએ અત્યારે મળવાનું કહ્યું હતું તો એ આટલી વહેલી સવારે કેવી રીતે આવશે ? એમની પાસે ગાડી તો હશે જ એટલે એ ગાડીમાં પણ આવી શકશે. અને કદાચ એવું પણ બને કે આટલી બધી સિદ્ધિવાળા ઉમાકાન્તભાઈ ચેતન સ્વામીની જેમ સીધા મારા ધ્યાનમાં પણ આવે.
કેતન પલાંઠી વાળીને ધીમે ધીમે ઊંડા ધ્યાનમાં સરકતો ગયો. પહેલાં આલ્ફા પછી થીટા અને છેલ્લે ડેલ્ટા લેવલ સુધી પહોંચી ગયો.
લગભગ દસેક મિનિટ પછી ઉમાકાન્ત ભાઈ કેતનની સામે આવીને ઊભા રહ્યા.
" કેતનભાઈ જાગો. ધ્યાનમાંથી બહાર આવો." આદેશ આપતા હોય એ રીતે ઉમાકાન્તભાઈ બોલ્યા.
કેતન ધીમે ધીમે ધ્યાનમાંથી જાગૃત થયો અને એણે આંખો ખોલી. સામે સફેદ રેશમી ઝભ્ભો અને પીતાંબર પહેરેલા ઉમાકાન્તભાઈ ઊભા હતા.
" તમે આવી ગયા ? બેસો વડીલ. મેં આસન પાથરેલું જ છે. " કેતન બોલ્યો.
ઉમાકાન્તભાઈ કેતનની સામેના આસન ઉપર ધ્યાન કરતા હોય એ રીતે ટટ્ટાર બેસી ગયા.
" હું માત્ર પાંચ મિનિટ માટે જ આવ્યો છું. તમે લોકસેવાનો જે યજ્ઞ હાથમાં લીધો છે એના માટે મારે પણ તમને કંઈક આપવું છે. તમારી પાસે ચાર સિદ્ધિઓ છે. તમે કોઈના પણ મનના વિચાર જાણી શકો છો. તમે ઈચ્છો એનો ભૂતકાળ જોઈ શકો છો. તમે મૃત્યુ પામેલી વ્યક્તિને એક કલાકની મર્યાદામાં ફરી જીવંત કરી શકો છો. તમે કોઈને પણ ગમે તેવી ભયંકર માંદગીમાંથી ફરી તંદુરસ્ત કરી શકો છો પરંતુ આ છેલ્લી સિદ્ધિ માત્ર ૧૦ વ્યક્તિઓ પૂરતી છે જેમાંથી એકનો તમે ઉપયોગ કરી દીધો છે. " ઉમાકાંતભાઈ બોલી રહ્યા હતા.
" જી વડીલ. " કેતન બોલ્યો.
" મારી પાસે જે સિદ્ધિ છે એ પણ હું તમને આપવા માગું છું કારણકે મારે હવે એ સિદ્ધિની કોઈ જરૂર નથી. ગાયત્રી સાધનાથી મળેલી કોઈપણ સિદ્ધિનો નાશ થતો નથી. એ અનેક જન્મો સુધી ચાલતી હોય છે પરંતુ મારી સિદ્ધિ હું તમને અર્પણ કરવા માગું છું. એ સિદ્ધિ અદ્રશ્ય થવાની છે. હું એક ગુપ્ત મંત્ર આપું છું. એ મંત્ર બોલીને પછી ત્રણ ગાયત્રી મંત્ર બોલશો એટલે તમને કોઈ જોઈ નહીં શકે. તમે અદ્રશ્ય રહીને ગમે ત્યાં જઈ શકશો. અદ્રશ્ય રહીને તમે ગમે તેને સ્પર્શ પણ કરી શકશો, બોલી પણ શકશો છતાં સામેવાળી વ્યક્તિ તમને જોઈ શકશે નહીં. " ઉમાકાન્તભાઈ બોલ્યા.
"વાઉ ! તો તો પછી મારી હોસ્પિટલ બની ગયા પછી છુપી રીતે હું મારા દરેક વોર્ડમાં જઈને સુપરવિઝન કરી શકીશ. મારા ડોક્ટરો પેશન્ટો સાથે બરાબર વ્યવહાર કરે છે કે નહીં એ પણ જોઈ શકીશ. " કેતન ઉત્સાહથી બોલ્યો.
"તમે એનો ગમે તે ઉપયોગ કરી શકો છો. છતાં આ સિદ્ધિનો ઉપયોગ વિવેક પૂર્વક કરજો." ઉમાકાન્તભાઈ બોલ્યા.
ઉમાકાન્તભાઈએ પોતાનો જમણો હાથ લાંબો કરીને કેતનના માથા ઉપર મૂક્યો અને કેટલાક વેદોક્ત મંત્રો બોલવા લાગ્યા. મોટાભાગે એ શિવના મંત્રો હતા.
કેતનના શરીરમાં માથાથી શરૂ કરીને છેક મૂલાધાર ચક્ર સુધી એક પ્રકારનો સળવળાટ થયો અને કરંટ પસાર થતો હોય એવો અનુભવ થયો. એ પછી ઉમાકાન્તભાઈ કેતનના કાનમાં એક મંત્ર ત્રણ વાર બોલ્યા.
"બસ મારું કામ પૂરું થયું. તમને જે મંત્ર આપ્યો છે તે મંત્ર એક વાર બોલીને ત્રણ ગાયત્રી મંત્ર કરશો એટલે તમે અદ્રશ્ય થઈ જશો અને ફરીથી એ જ મંત્ર બોલીને ત્રણ ગાયત્રી મંત્ર બોલશો એટલે ફરી તમારું દ્રશ્યમાન શરીર આવી જશે. એટલે કે ફરી બધા તમને જોઈ શકશે." ઉમાકાન્તભાઈ બોલ્યા.
કેતને ઘૂંટણીએ બેસી આગળ નીચા નમીને ઉમાકાન્તભાઈના ચરણોમાં માથું મૂક્યું. કારણ કે એ પોતે પણ મંત્રદીક્ષા આપનાર ગુરુતુલ્ય જ હતા.
કેતન ઉમાકાન્તભાઈને પ્રણામ કરીને ફરી પાછો પોતાના આસન ઉપર બેઠો. પણ આ શું ? કેતનની નજર સામે જ આંખો અંજાઈ જાય એવો પ્રકાશનો એક મોટો ઝબકારો થયો. અને એ પ્રકાશના ચમકારામાંથી કેતન બહાર આવ્યો તો એની સામે કોઈ હતું જ નહીં. એ તો પહેલાંની જેમ એકલો જ બેઠો હતો. આસન પણ ચોળાયા વગરનું એમને એમ પડ્યું હતું. તો પોતાની સાથે આ શું થયું !!!
પોતે ઉમાકાન્તભાઈને જોયા હતા. એ એની સામે જ બેઠા હતા. માથે હાથ મૂકીને મંત્ર દીક્ષા પણ આપી હતી છતાં અત્યારે વાતાવરણ એવું હતું કે જાણે કંઈ બન્યું જ નથી !
ઉમાકાન્તભાઈ ક્યાં અદ્રશ્ય થઈ ગયા ? કેતન એકદમ દોડીને બંગલાના ગેટની બહાર ગયો. દૂર દૂર ગાડીઓ દોડી રહી હતી પરંતુ આજુબાજુ કોઈ જ ન હતું. તો શું આ બધું એક ભ્રમ હતો ?
કેતનને ખરેખર આશ્ચર્ય થયું. એણે આજે ખીરાનગર ઉમાકાન્તભાઈના ઘરે જઈ ફરીથી એમને રૂબરૂ મળવાનો નિર્ણય લીધો. એને ખાતરી કરવી હતી કે ખરેખર એ એને મળવા આવ્યા હતા કે નહીં ?
આજે ઉમાકાન્તભાઈ કેતન માટે એક રહસ્યમય વ્યક્તિ બની ગયા હતા. અચાનક એમનું શ્રી રામકૃષ્ણ આશ્રમમાં મળવું, વહેલી પરોઢે ઘરે આવવાની વાત કરવી. સવારે વહેલા આવી પોતાને અદ્રશ્ય થઈ જવાની સિદ્ધિ આપી દેવી. આ બધું કેતન માટે કલ્પના બહારનું હતું. કેતનને ખબર હતી કે ઉમાકાન્તભાઈ એક સિધ્ધ પુરુષ હતા અને પોતાના જીવનમાં એમણે કદાચ લાખો કરોડો જાપ કર્યા હતા.
કેતન સવારે ૧૦:૩૦ વાગે પોતાની ગાડી લઈને એકલો જ સાન્તાક્રુઝ ખીરાનગર જવા માટે નીકળી ગયો. પહેલાં પણ એ એકવાર કોમામાં સરી ગયેલા પ્રાણશંકર ભટ્ટને સારા કરવા માટે ગયેલો અને ત્યારે ઉમાકાન્તભાઈ ના ઘરે પણ ગયો હતો. એટલે એમનો ફ્લેટ એને યાદ હતો.
ખીરાનગરમાં પ્રવેશી ગાડી સાઈડમાં પાર્ક કરી કેતન સી બ્લોકમાં પહેલા માળે ઉમાકાન્તભાઈના ફ્લેટ પાસે ગયો અને બહારથી ડોરબેલ વગાડી.
કેતનને ખબર હતી કે એમના ઘરમાં ઉમાકાન્તભાઈ સિવાય એમનો એક પુત્ર અને પુત્રવધુ પણ રહેતાં હતાં. બંને જોબ કરતાં હતાં. જો કે અત્યારે એમની પુત્રવધુ ઘરે લાગતી હતી કારણ કે દરવાજો એણે જ ખોલ્યો.
"જી બોલો." પુત્રવધુએ દરવાજામાં ઊભા રહી પૂછ્યું.
" મારે ઉમાકાન્તભાઈને મળવું હતું. "
કેતન બોલ્યો.
" પરંતુ મારા સસરા તો એક મહિના પહેલાં જ બ્રહ્મલીન થઈ ગયા." પુત્રવધુએ ત્યાં ઊભા ઊભા જ જવાબ આપ્યો.
" પણ કેવી રીતે ? એ તો એકદમ તંદુરસ્ત હતા ! " કેતનને શું બોલવું તે સમજાયું નહીં.
" સવારે ગાયત્રીની માળા કરતાં કરતાં જ ઢળી પડ્યા. આજે તેરસના દિવસે એમના અવસાનને ૩૦ દિવસ થયા. ગઈ પોષ મહિનાની તેરસે એ દેવલોક પામ્યા. " પુત્રવધુ બોલી.
કેતનને ખ્યાલ આવી ગયો કે પુત્રવધુ ઘરમાં એકલી જ છે એટલે એ ઘરમાં પ્રવેશ કરવા દેતી નથી અને કેતનને એનું કામ પણ ન હતું. એટલે એ બે હાથ જોડીને ત્યાંથી બહાર નીકળી ગયો.
તો શું ઉમાકાન્તભાઈના પવિત્ર આત્મા એ પોતાની સામે પ્રગટ થઈને આ દિવ્ય મંત્રની દીક્ષા આપી ? શું દિવ્ય આત્માઓ આ રીતે સ્થૂળ શરીર ધારણ કરી શકતા હશે ? કેતનના મનમાં અનેક પ્રશ્નો ઘૂમરાવા લાગ્યા.
નીચે ઉતરી એણે આકાશ તરફ નજર કરી અને ઉમાકાન્તભાઈના પ્રકાશમય દિવ્ય આત્માને મનોમન પ્રણામ કર્યા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)