પ્રારંભ - 83 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 83

પ્રારંભ પ્રકરણ 83

મહાપરાણે હિંમત એકઠી કરીને મનસુખ માલવિયાએ જગદીશભાઈને ફોન લગાવ્યો.

" અંકલ હું મનસુખ સાન્તાક્રુઝથી બોલું છું. અમે લોકો અહીં સાહેબના કોઈ મિત્ર મહેશભાઈના ત્યાં આવ્યા હતા અને એમના ઘરે સ્લીપ થઈ જવાથી કેતન શેઠ બેહોશ થઈ ગયા છે. મહેશભાઈએ એમ્બ્યુલન્સ બોલાવી છે અને શેઠને આશા પારેખ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે. હું તમને લોકોને લેવા ઘરે આવવા માટે નીકળી ગયો છું." મનસુખ બોલ્યો.

" વ્હોટ !!! કેતન બેહોશ થઈ ગયો છે ? આ તું શું કહી રહ્યો છે મનસુખ
?" જગદીશભાઈએ લગભગ રાડ પાડી.

" હા અંકલ. શેઠ બેભાન થઈ ગયા છે. તમે સિદ્ધાર્થભાઈને પણ કહી દો કે એ સીધા હોસ્પિટલ આવે. " મનસુખ બોલ્યો અને ફોન કટ કર્યો.

૩ વાગ્યા હતા એટલે જગદીશભાઈ જમી કરીને આરામથી સુતા હતા અને આવા સમાચાર મળ્યા. એ તરત ઊભા થઈ ગયા અને મોટા અવાજે બરાડી ઉઠ્યા.

"અરે કેતન બેહોશ થઈ ગયો છે. આપણે બધાએ તાત્કાલિક આશા પારેખ હોસ્પિટલ જવાનું છે. બધા ફટાફટ તૈયાર થઈ જાવ. મનસુખ ગાડી લઈને આવી રહ્યો છે. "

જયાબેન તો આ સમાચાર સાંભળીને રડવા જ લાગ્યાં.

એ પછી જગદીશભાઈએ સિદ્ધાર્થને પણ ફોન કરીને સમાચાર આપી દીધા. સિદ્ધાર્થ પણ સમાચાર સાંભળીને અવાક થઈ ગયો. એ તરત જ સાન્તાક્રુઝ આવવા માટે નીકળી ગયો.

રેવતીએ બંગલાના ઉપરના માળે જઈને જાનકીને જગાડી. શિવાની પણ જાનકીની સાથે જ સૂતી હતી. બંનેને કેતનના સમાચાર આપ્યા.

આખા ઘરમાં ભયંકર ટેન્શન વ્યાપી ગયું. થોડીવારમાં જ મનસુખ માલવિયા પણ ઘરે આવી ગયો. જગદીશભાઈ જયાબેન અને જાનકી કેતનની ગાડીમાં બેસી ગયાં. જ્યારે સિદ્ધાર્થની ગાડી શિવાનીએ લઈ લીધી અને એમાં રેવતી બેઠી.

એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને મહેશ ઠક્કર કેતનને આશા પારેખ હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો.

હોસ્પિટલ પહોંચીને કેતનને તાત્કાલિક જ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો અને હાજર રહેલા ડોક્ટરે બે ઇન્જેક્શન આપી એને એમઆરઆઈ રૂમમાં ખસેડ્યો.

ત્યાં સુધીમાં સિદ્ધાર્થને બાદ કરીને તમામ ફેમિલી મેમ્બરો હોસ્પિટલમાં આવી ગયા હતા. એમઆરઆઈ પછી કેતનને આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો.

" પેશન્ટકો બ્રેઈન હેમરેજ હો ગયા હૈ ઔર વો અભી કોમા મેં ચલા ગયા હૈ. ૪૮ ઘંટે તક ઉસકો ઓબ્ઝર્વેશનમેં રખા જાયેગા."ડોક્ટરે જગદીશભાઈને કહ્યું.

"ડોક્ટર મેરે બેટે કો કુછ ભી નહી હોના ચાહિયે. જો ભી બઢીયા સે બઢિયા ટ્રીટમેન્ટ હો સકતી હૈ વો આપ કરો. " જગદીશભાઈ ડોક્ટરને બે હાથ જોડી વિનંતી કરી રહ્યા હતા.

"મૈં આપકી ફીલિંગ સમજ સકતા હું સર લેકિન સબ ઉપર વાલે કે હાથ મેં હૈ. હમ પૂરી કોશિશ કર રહે હૈ. " ડોક્ટર બોલ્યા અને આગળ નીકળી ગયા.

એ પછી ૧૫ મિનિટમાં સિદ્ધાર્થ પણ આવી ગયો. આઈસીયુ વોર્ડમાં કોઈને પણ જવા દેતા ન હતા એટલે બધા બહાર જ વેઇટિંગ હૉલમાં બેઠા. બધાનો જીવ ઉચાટમાં હતો. જાનકીને તો વારંવાર રડવું આવી જતું હતું.

અડધા કલાક પછી માટુંગાથી દેસાઈ સાહેબ અને કિર્તીબેન પણ આવી ગયાં. જમાઈની હાલત જોઈને એ પણ ચિંતામાં પડી ગયાં હતાં.

આ બધાની વચ્ચે મહેશ ઠક્કર બિચારો સાવ ઓશીયાળો થઈને એક બાજુ બેઠો હતો. જગદીશભાઈને યાદ આવ્યું એટલે એમણે મહેશને બાજુમાં બોલાવ્યો અને પૂછ્યું કે હકીકતમાં શું થયું હતું ? કેતન ઘરમાં સ્લીપ થઈ જાય એવું તો કેવી રીતે બને ?

મહેશે માંડીને બધી વાત કરી.

"આજે કેતનભાઇને મેં મારા સસરાના ઘરે બપોરે બે વાગે બોલાવ્યા હતા. મેં કેતનભાઇ વિશે ઘણું બધું સાંભળ્યું હતું. મારા સસરાને છ મહિનાથી કોઈ મોટો વળગાડ વળગ્યો છે. કોઈપણ રીતે એમને સારું થતું ન હતું અને રોજ ઘરમાં ધમાલ કરતા હતા. કેતનભાઈ એમને જોવા માટે આવ્યા હતા અને કદાચ પ્રેતાત્મા સાથે એ વાત કરી રહ્યા હતા. અચાનક ચાલુ વાતચીતે પેલા પ્રેતાત્માએ એમને જોરથી ધક્કો માર્યો અને પાછળની દીવાલ સાથે કેતનભાઇનું માથું અથડાયું. " મહેશ બોલ્યો.

"આ છોકરાને મારે શું કહેવું ? ભૂત પ્રેત કાઢવાનું કામ આપણું છે ? કોઈને પણ એ ના નથી પાડી શકતો. શાંતિથી ઘરે બેસી રહેતો હોય તો ! હોસ્પિટલનું આટલું મોટું કામ ઉપાડ્યું છે એનું સુપરવિઝન કરવાને બદલે લોકોનાં કામની પાછળ પડ્યો છે. બિઝનેસમેન થઈને ખોટા રસ્તે ચડી ગયો છે. " જગદીશભાઈએ પોતાનો બળાપો કાઢ્યો.

" હવે અહીં ૪૮ કલાક સુધી બધાએ બેસી રહેવાની જરૂર નથી. તમે લોકો બધા ઘરે જતા રહો. હું અને સિદ્ધાર્થ બેઠા છીએ. " જગદીશભાઈએ બધાને સંબોધીને કહ્યું.

" છોકરાને આવી હાલતમાં મૂકીને ઘરે શી રીતે જવાય ? " જયાબેન બોલ્યાં.

" કેતનને કંઈ જ થવાનું નથી. એને હું ઓળખું છું. એ આજ નહીં તો કાલ ભાનમાં આવી જ જશે. અને ડોક્ટરો પોતાનું કામ કરે જ છે. આપણે ખાલી અહીં બેસી રહેવાથી થોડો જલ્દી સારો થઈ જશે ! " જગદીશભાઈ બોલ્યા.

"જગદીશભાઈ સાચું કહે છે. બધાંએ અહીં રોકાવાની કોઈ જરૂર નથી. સિદ્ધાર્થભાઈને પણ જવું હોય તો જઈ શકે છે. હું અને જગદીશભાઈ અહીં રોકાઈશું. " દેસાઈ સાહેબ બોલ્યા.

"ના..ના.. વડીલ તમારે પણ રોકાવાની જરૂર નથી. હું એકલો જ અહીં બેઠો છું. પપ્પા પણ ભલે ઘરે જતા રહેતા. એમને આ ઉંમરે સતત અહીં બેસી રહેવાનું નહીં ફાવે." સિદ્ધાર્થ બોલ્યો.

છેવટે સિદ્ધાર્થ એકલો જ રોકાયો અને બાકીના તમામ સભ્યો એક એક કરીને આઈસીયુ માં જઈને કેતનને એકવાર જોઈને ઘરે જવા માટે નીકળી ગયા.

જગદીશભાઈ કેતનનો પૂર્વ જન્મ જાણતા હતા અને કેતનના ગુરુની તાકાતને પણ એ સમજી શક્યા હતા. એટલે એમને શરૂઆતમાં તો ઘણો બધો આઘાત લાગ્યો પરંતુ પછી એમને અંદરથી વિશ્વાસ આવી ગયો કે કેતન સો ટકા ભાનમાં આવી જ જશે. એની રક્ષા એના ગુરુજી કરવાના જ છે !

સાંજે છ વાગે જયેશ ઝવેરી પણ સમાચાર સાંભળીને સીધો હોસ્પિટલ આવી ગયો હતો. એણે સિદ્ધાર્થ સાથે કેતનની તબિયત અંગે બધી ચર્ચા કરી લીધી. જયેશે પણ રાત રોકાવાની અને કંપની આપવાની વાત કરી પણ સિદ્ધાર્થે ના પાડી.

સાંજે ૭:૩૦ વાગે જાનકી અને રેવતી વહેલાં જમીને હોસ્પિટલ આવ્યાં અને સિદ્ધાર્થને જમવા માટે ઘરે મોકલ્યો. સિદ્ધાર્થ જમીને નાઈટ ડ્રેસ લઈને રાત્રે ૯ વાગે ફરી પાછો હોસ્પિટલ આવી ગયો અને બંને લેડીઝને ઘરે મોકલી.

રાત સુધીમાં તો કેતનમાં કોઈ જ સુધારો જોવા મળ્યો ન હતો. રાત્રે બે થી ત્રણ વખત સિદ્ધાર્થ આઈસીયુ માં કેતન પાસે જઈ આવ્યો હતો.

સવારે આઠ વાગે જાનકી ચા અને બ્રેડ બટર લઈને હોસ્પિટલ આવી અને એ પછી સિદ્ધાર્થભાઈને ન્હાવા ધોવા માટે ઘરે મોકલ્યા.

સવારે ૯ વાગે મોટા ડોક્ટર આવીને કેતનને તપાસી ગયા હતા. કેતનની હાલતમાં કોઈ જ ફેરફાર ન હતો અને એની તબિયત સ્ટેબલ હતી. ડોક્ટરે જરૂરી ઇન્જેક્શન આપવાનું નર્સને કહી દીધું.

કોમામાં સરી ગયેલા કેતનના આત્માને લેવા માટે બે પાર્ષદો આવેલા. આત્માનો હાથ પકડીને દૂર દૂર ઊંચે સુધી એ ઉડતા જ રહ્યા. બહુ ઊંચાઈ ઉપર ગયા પછી કેતનનો આત્મા દિવ્ય પ્રકાશવાળા સૂક્ષ્મ જગતમાં પ્રવેશી ગયો. એના કર્મો સારા હોવાના કારણે એને સીધા ચોથા લોકમાં પ્રવેશ મળ્યો. પોતે પણ સૂક્ષ્મ શરીરમાં હોવાથી આ લોકની લીલા એ પ્રત્યક્ષ જોઈ શકતો હતો ! અહીં આવીને પાર્ષદોએ એને મુક્ત કરી દીધો.

કેટલા બધા આત્માઓ પોતાની મસ્તીમાં અહીં તહીં વિહરતા હતા. કેટલાં બધાં રંગબેરંગી અદભુત વૃક્ષો હતાં ! સુંદર બગીચાઓ હતા તો સુંદર જળાશયો પણ હતાં. કેટલાક પાંખો વાળા દેવદૂતો પણ અહીં તહીં ઉડતા હતા.

કેતનને ત્યાં અનેક મંદિરો પણ જોવા મળ્યાં. સાધુ સંતોની મંડળીઓ પણ જોવા મળી. ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં તરબોળ મંડળીઓ પણ ધૂન ગાતી ગાતી જઈ રહી હતી. અહીંથી જવાનું મન જ ન થાય એવું અહીંનું વાતાવરણ હતું. સવારનો મંદ મંદ તડકો હતો. ના ગરમી ના ઠંડી ના વરસાદ !

કેતન દરેક જગ્યાએ ખૂબ જ ઝડપથી ઉડી શકતો હતો અને જઈ શકતો હતો. એ જે ઈચ્છા કરે એ એને મળતું હતું. કલ્પવૃક્ષ જેવી સ્થિતિ અહીં હતી. અહીં ભૂખ જેવો કોઈ અનુભવ થતો ન હતો છતાં કંઈ પણ ખાવાની ઈચ્છા થાય તો વિચારવાની સાથે જ હાજર થઈ જતું હતું. ઈશ્વરની સર્જેલી આ પણ એક અલગ સૃષ્ટિ હતી !

કેતનને પાણી પીવાની ઈચ્છા થઈ તો સુંદર જળાશય એની સામે જ આવી ગયું. નદીની જેમ ઝરણું વહેતું હતું. એણે અંદર પગ બોળ્યા અને ખોબે ખોબે પાણી પીધું. અદ્ભુત પરિતૃપ્તિ !

પાણી પીધા પછી કેતન એક સુંદર ગાર્ડનમાં ઘટાદાર વૃક્ષ નીચે જઈને આડો પડ્યો. એટલો સરસ પવન આવતો હતો કે ક્યારે આંખ મળી ગઈ ખબર જ ના પડી !

એ હજુ પણ ઘસઘસાટ નિંદરમાં સૂતો હોત પરંતુ કોઈ એને સતત જગાડવા પ્રયત્ન કરી રહ્યું હતું. કોઈ એનો હાથ થપથપાવી રહ્યું હતું તો કોઈ એની આંખો પહોળી કરી રહ્યું હતું.

કેતનને આ બધું પહેલાં તો સમજાયું નહીં પરંતુ ધીમે ધીમે એ થોડોક ભાનમાં આવ્યો તો અનુભવ્યું કે એક મોટી ઉંમરનો ડોક્ટર અને એક નર્સ એની સામે ઊભા હતા ! સાઈડમાં એક નાનો યુવાન ડોક્ટર પણ ઉભો હતો. ડોક્ટરે એની આંખોમાં ટોર્ચ નાખી. પ્રકાશ એનાથી સહન ના થયો એટલે એણે આંખ બંધ કરવા પ્રયત્ન કર્યો.

" યેસ... પેશન્ટ ધીમે ધીમે ભાનમાં આવી રહ્યો છે. ઈટ ઈઝ એ ગુડ સાઈન !! " સિનિયર ડોક્ટર બોલ્યા. ડોક્ટરે નર્સને તાત્કાલિક એક ઇન્જેક્શન એના હાથમાં ભરાવેલી વિગોમાં આપવાનું કહ્યું.

"તમે હવે બેટર છો કેતનભાઈ. તમને આશા પારેખ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તમને મારો અવાજ સંભળાય છે ? " સિનિયર ડોક્ટર બોલ્યા.

કેતને સૂતાં સૂતાં માથું હલાવીને હા પાડી.

હકીકતમાં સાંજના સાડા પાંચ વાગ્યે કેતનના શરીરમાં થોડો સંચાર થયો હતો. એની આંગળીઓ થોડી થોડી હાલવા લાગી હતી અને આંખોની પાંપણો પણ થોડીક થોડીક મુવ કરતી હતી.

આઈસીયુમાં નર્સ સતત એની બાજુમાં જ બેઠી હતી. એણે કેતનની આંગળીઓ સહેજ હાલતી જોઈ કે તરત જ એ દોડીને બાજુના રૂમમાંથી ન્યુરોલોજીસ્ટને બોલાવી લાવી.

પાંચેક મિનિટમાં તો કેતન સંપૂર્ણપણે ભાનમાં આવી ગયો. એ પોતાની જાતને એકદમ નોર્મલ ફીલ કરતો હતો. પાઇનમાં આપેલા ઇન્જેક્શનના કારણે થોડીક ઘેનની અસર ચોક્કસ હતી.

" તમે હવે એકદમ નોર્મલ છો. તમારો એમઆરઆઈ રિપોર્ટ એટલો બધો ખરાબ નથી. જલ્દી રિકવરી આવી જશે. હવે તમને વોર્ડમાં સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવશે. કાલે તમને ડિસ્ચાર્જ પણ કરવામાં આવશે. " ડોક્ટર બોલ્યા.

ડોક્ટરે એની સાથે ઉભેલા રેસીડેન્ટ ડોક્ટરને કેટલીક સૂચનાઓ આપી અને પછી બહાર નીકળી ગયા.

સૂચના મુજબ નર્સે બહાર જઈને વેઇટિંગ હોલમાં બેઠેલા સિદ્ધાર્થને સમાચાર આપ્યા કે -- પેશન્ટ ભાનમાં આવી ગયા છે. તમે એમને મળી શકો છો એમને હવે વોર્ડમાં સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવશે. તમે એમને અત્યારે જમવામાં બધું જ આપી શકો છો. આજે થોડી ઘેનની અસર છે એટલે બહુ વાતો ન કરતા.

સમાચાર સાંભળીને સિદ્ધાર્થ એકદમ જ ખુશ થઈ ગયો. એ લગભગ દોડતો જ આઈસીયુમાં ગયો. કેતનની આંખો ખુલ્લી હતી.

" કેમ છે કેતન તને હવે ? " સિદ્ધાર્થ બોલ્યો.

" સારું છે ભાઈ હવે. આઈ એમ ટોટલી નોર્મલ. " કેતન બોલ્યો.

" સારું સારું. ભગવાને અમારી પ્રાર્થના સાંભળી. તને થોડીવારમાં સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવશે હું ઘરે બધાને ખુશખબર આપી દઉં છું." સિદ્ધાર્થ બોલ્યો.

અને સિદ્ધાર્થે બહાર જઈને સૌથી પહેલો ફોન પપ્પા જગદીશભાઈને કર્યો.

" પપ્પા કેતન ભાનમાં આવી ગયો છે અને ડોક્ટરે કહ્યું છે કે હવે એ એકદમ નોર્મલ છે. આજે બધું જમવાની પણ છૂટ આપી છે. કાલે તો ડિસ્ચાર્જ પણ આપી દેશે. ઘરે બધાને સમાચાર આપી દો. મમ્મીને અને જાનકીને ખાસ !" સિદ્ધાર્થ બોલ્યો.

" તું હવે ચિંતા ના કર હું બધાને ખુશખબર આપી દઉં છું. અમે લોકો બધા મળવા પણ આવીએ છીએ. હવે કેતન સ્પેશિયલ રૂમમાં છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. " જગદીશભાઈ બોલ્યા.

" બે વિઝીટર્સથી વધારે એન્ટ્રી નહીં આપે પપ્પા. " સિદ્ધાર્થ બોલ્યો.

" વારાફરથી ઉપર જઈશું. ત્યાં સુધી નીચે હૉલમાં બેસીશું. દીકરાને જોવો તો પડે ને. " જગદીશભાઈ બોલ્યા.

સિદ્ધાર્થને હતું કે પપ્પા માનવાના છે જ નહીં. એ પછી કંઈ બોલ્યો નહીં અને 'ઓકે પપ્પા' કહીને ફોન કટ કર્યો.

રાત્રે લગભગ આઠ વાગે પરિવારના બાકીના તમામ સભ્યો હોસ્પિટલ આવી ગયા. કેતનને સ્પેશિયલ રૂમમાં લાવી દીધો હતો. બે પાસ હોવાથી તમામ સભ્યો બે બે ના ગ્રુપમાં જઈને કેતનને મળી આવ્યા.

જાનકી ઘરેથી ટિફિન બનાવીને લઈ ગઈ હતી. આજે જમવામાં હળવું ભોજન જ બનાવ્યું હતું. આજે રાત્રે જાનકીએ જ રોકાવું એવું નક્કી થયું.

કેતન હવે સંપૂર્ણ નોર્મલ હતો એટલે આજે ચિંતા નો કોઈ જ કારણ ન હતું એ રાત્રે કેતને સંપૂર્ણ આરામ કર્યો.

કેતન વહેલી સવારે પાંચ વાગે ઉઠી ગયો અને એની આદત મુજબ હોસ્પિટલના બેડ ઉપર જ ધ્યાનમાં બેસી ગયો. એને રાત્રે બધું જ યાદ આવી ગયું હતું કે પોતે કઈ રીતે બેહોશ થઈ ગયો હતો અને કોમામાં જતો રહ્યો હતો. સૂક્ષ્મ જગતનો અનુભવ પણ એને યાદ હતો.

પોતાની આટલી બધી ગાયત્રી મંત્રની અને ગુરુજીની સુરક્ષા હોવા છતાં પણ કોઈ પ્રેતાત્મા પોતાને આટલો મોટો પ્રહાર કઈ રીતે કરી શક્યો એનો જવાબ એને એના ગુરુજી પાસેથી જોઈતો હતો.

કેતન ધ્યાનમાં છેક ડેલ્ટા લેવલ સુધી પહોંચી ગયો અને પોતાના ગુરુજીને ખૂબ જ યાદ કર્યા. પંદરેક મિનિટના ધ્યાન પછી ચેતન સ્વામી એની સામે મંદ મંદ હાસ્ય સાથે મનોજગતમાં પ્રત્યક્ષ થયા.

" સ્વામીજી મારો આજે એક જ સવાલ છે કે મારી આટલી બધી આપની સુરક્ષા હોવા છતાં પણ મારી સાથે આવું કેમ થયું ? મારો આત્મા તો સૂક્ષ્મ જગતમાં પણ પહોંચી ગયેલો.

" જે સુરક્ષા માગે એને સુરક્ષા મળે એ જગતનો નિયમ છે. તારા મિત્રના ઘરે જતા પહેલાં કે એના ઘરે ગયા પછી પ્રેતાત્માને પડકાર કરતાં પહેલાં તેં ગુરુજીની સુરક્ષા માગેલી ? એમને યાદ કરેલા ? દરેક વખતે કોઈપણ કાર્ય કરતાં પહેલાં તું ગુરુજીને જાણ કરે છે. પ્રાર્થના કરે છે અને એમના આશીર્વાદ માંગે છે. એમની સુરક્ષા માગે છે. " સ્વામીજી બોલ્યા.

" ના સ્વામીજી આ વખતે મેં કોઈ જ પ્રાર્થના કરી ન હતી કે સુરક્ષા પણ માગી ન હતી. જાણ પણ ન કરી હતી." કેતને કબૂલ કર્યું.

" બસ તો એ તારી સૌથી મોટી ભૂલ હતી. પ્રેતાત્મા ખૂબ જ ખુન્નસવાળો અને ભયંકર હતો. મને ખ્યાલ આવી ગયો હતો એટલે તરત જ હું ત્યાં એક જ ક્ષણમાં હાજર થઈ ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તારો મૃત્યુ સમય હજુ આવ્યો ન હતો એટલે યમરાજાના પાર્ષદોને મેં કહ્યું હતું કે તને સૂક્ષ્મ જગતમાં લઈ જઈને હમણાં મુક્ત કરી દેવો. " સ્વામીજી બોલ્યા.

"હું મારી ભૂલ કબુલ કરું છું સ્વામીજી અને હવે પછી એ પ્રતિજ્ઞા પણ લઉં છું કે પ્રેતાત્માઓ ના ચક્કરમાં હું ક્યારેય પણ પડીશ નહીં. " કેતન બોલ્યો.

" જેણે તને ધક્કો માર્યો હતો એ પ્રેતાત્મા તો ત્યાંથી હવે ભાગી ગયો છે અને ફરી ત્યાં જવાની એ હિંમત નહીં કરે. તારા ગાયત્રી મંત્રના પ્રભાવથી એ ખૂબ જ દાઝી ગયો હતો અને એટલે જ એ તરત શરીરમાંથી બહાર નીકળી ગયો હતો અને તારા ઉપર આટલો ગુસ્સો કર્યો હતો. અત્યારે પણ એ નીચેના પ્રેતલોકમાં જ છે અને પોતાના શરીરમાં બળતરાનો અનુભવ કરે છે." સ્વામીજીએ પોતાની વાત પૂરી કરી.

કેતને સ્વામીજીનો આભાર માની એમને ભાવભીની વિદાય આપી. એ પછી થોડીવારમાં કેતન ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવ્યો.

૬ વાગી ગયા હતા એટલે સામેના સોફા ઉપર સૂતેલી જાનકી જાગી ગઈ હતી અને સોફા ઉપર બેસીને કેતન સામે જ જોઈ રહી હતી .

જેવો કેતન ધ્યાનમાંથી બહાર આવ્યો કે તરત જ જાનકીએ "ગુડ મોર્નિંગ" કહીને સ્માઈલ આપ્યું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)