પ્રણય પરિણય - ભાગ 61 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 61


પ્રણય પરિણય ભાગ ૬૧


'જોયું ને ભાભી, ભાઈ કેટલા તડપે છે અને તમને એની જરા પણ દયા નથી આવતી.' રઘુ ગરીબડો ફેસ બનાવીને બોલ્યો.


'એ જ લાગના છે એ..' ગઝલ મોઢું મચકોડીને બોલી.


'ઠીક છે ભાભી, તમે ઘરે ક્યારે આવશો? ડેડ, દાદી, ફઈ બધા તમને બહુ મિસ કરે છે.'


'કાલે આવીશ..' ગઝલ બોલી.


'હું આવું તમને લેવા?'


'હમ્મ.. ચાલશે.' ગઝલએ કહ્યુ.


'ડન.. ' કહીને રઘુ ત્યાંથી નીકળ્યો.


**


વિવાન તેનુ કામ પતાવીને હોસ્પિટલ પર આવ્યો. તેનો ચહેરો પડી ગયો હતો.


'ગુડ ઇવનિંગ ભાઈ..' એને જોઈ કાવ્યા બોલી. એ મોબાઈલમાં કશું કરી રહી હતી.


'ગુડ ઇવનિંગ.. કેમ છે તારી તબિયત?' વિવાને કાવ્યાના કપાળ પર હાથ મૂકીને પૂછ્યું.


'હું તો એકદમ મસ્ત..'


'અહીં દુખે છે કે?' વિવાને તેના માથા પરની પટ્ટી પાસે આંગળી મૂકીને પૂછ્યું.


'હમ્મ.. થોડું થોડું.' કાવ્યાએ મોબાઈલમાં જોતા જોતા જ કહ્યું.


'તું મોબાઈલમાં શું કરે છે? નકામી મગજ પર તાણ પડશે. આરામ કરને થોડી વાર.. '


'બસ થઈ ગયું છે, એક મિનિટ.'


'શું કરે છે?'


'ભાભીનું ઈન્સ્ટા એકાઉન્ટ જોઉં છું. તેણે મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.'


'હમ્મ..'


'આ જો ભાઈ.. કેવો મસ્ત ફોટો છે ને? આંખો પણ કેટલી મસ્ત, મોટી મોટી અને એકદમ બોલકી..'


વિવાને આંખના ખૂણેથી તેના મોબાઈલમાં જોયું. લગ્ન પહેલાંના ગઝલના ફોટા હતાં એ.


'આ ફોટા મને તો ના દેખાયા.' વિવાન હળવેથી બબડ્યો. કાવ્યા સાંભળી ગઈ.


'પ્રોફાઇલ લોક રાખી છે તેણે.. પ્રાઈવેટ એકાઉન્ટ છે. ફક્ત ફ્રેન્ડઝને જ દેખાય.' કાવ્યા બોલી.


'હમ્મ.. મેં રિક્વેસ્ટ મોકલી છે. પેન્ડિંગ હશે કદાચ.' વિવાનના અવાજમાં નિરાશા ભળી.


'માય ગોડ.. ભાભી તારી ફ્રેન્ડ નથી? તું એને ફોલો કરે છે?' કાવ્યાએ આશ્ચર્ય ઉછાળ્યું.

એટલી વારમાં સમાઇરા અંદર આવતા બોલી: 'શીટ્.. ઈટ્ઝ અવફૂલ, બૈરીને ફોલો કરવી પડે છે.'


વિવાન ઓછપાઈ ગયો.


'શું એ ખરેખર તને ભાવ નથી દેતી વિવાન?' સમાઈરાએ મરચું મૂક્યું.


'એવું કંઈ નથી.. શી લવ્ઝ મી.' વિવાન પોતાનો બચાવ કરતા બોલ્યો. એના અવાજમાં કોન્ફિડન્સ નહોતો.


'તો આ બધું શું છે?'


'અરે! ઘણા સમયથી રિક્વેસ્ટ મોકલેલી છે. ગઝલ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી એટલે રિક્વેસ્ટ નીચે જતી રહી હશે!' વિવાન બોલ્યો.


'ટચ્.. ટચ્.. ટચ્..' સમાઈરા જાણે વિવાનની તરસ ખાતી હોય તેમ બોલી.


'હે હે હે હે..' કાવ્યા ખડખડાટ હસી.


વિવાન ચિડાયો. એ ગુસ્સાથી મોઢું ફુલાવીને બેસી ગયો.


'અરે! ભાભી તારી રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરતી એમા અમે શું કરીએ?' કાવ્યા ક્યુટ ફેસ બનાવીને બોલી.


'જો ને વળી.. બૈરી ભાવ નથી દેતી એમાં એના પર ગુસ્સો કરવાને બદલે અમારા પર શું ગુસ્સો કરે છે..' સમાઈરા વાતને હજુ વળ ચડાવતા બોલી.


વિવાન મોઢું લટકાવીને બંને સામે જોઈ રહ્યો હતો. તેનો ચહેરો અને એક્સપ્રેશન જોઈને કાવ્યા અને સમાઈરા ખિલખિલાટ કરતી હસી પડી. તેને જોઇને વિવાન પણ માથું ખંજવાળતા હસી પડ્યો. બરાબર એ જ સમયે દાદી, વૈભવી અને કૃષ્ણકાંત અંદર પ્રવેશ્યા. રઘુ પણ ગઝલ અને કૃપાને છોડીને આવી ગયો હતો.


'શું વાત છે! બહું ખુશ છો બધા!' વૈભવી બોલી.


'ભાભીનો જાદુ!' રઘુ ખુશ થતાં બોલ્યો.


'મતલબ?' દાદીએ પૂછ્યું.


'ભાભી આવ્યા હતાં, કાવયાને મળવા. આખો દિવસ અહીં જ હતાં.' રઘુએ માહિતી આપી.


'અરે વાહ! વહુ આવ્યા હતા?' કૃષ્ણકાંતે પૂછ્યું.


'હાં ડેડી, કાલે ઘરે આવી જવાના છે.' રઘુએ કહ્યુ.


'સારુ સારુ..' દાદી ખુશ થયા.


'તે નારાજ હતી ને?' વૈભવીએ પૂછ્યું.


'ફઈ, આપણી કાવ્યામાં અને ભાભીમાં લાંબો ફરક નથી. બંને હજુ નાદાન છે.' રઘુ બોલ્યો.


'હાં, નાદાન છે પણ સમજાવો તો તરત જ સમજી પણ જાય છે. વૈભવી, આપણે મોટેરા પણ ક્યારેક ગુસ્સામાં આવીને ભૂલ કરી બેસતા હોઈએ છીએ, જ્યારે એ તો હજુ છોકરું કહેવાય. વિચાર કર, એ દિવસે જે બન્યું એની તેના નાજુક મન પર કેવી અસર પડી હશે?' કૃષ્ણકાંત બોલ્યા.


'તમારી વાત બરોબર છે ભાઈ..' વૈભવીએ કહ્યુ.


'એ તો કહો, તમે બધાં શું મસ્તી કરતાં હતાં?' દાદીએ કાવ્યાને પૂછ્યું.


'અરે! તમને ખબર છે દાદી?'


'શું?'


'કાવ્યા.. ચૂપ બેસ..' વિવાને આંખો કાઢીને કાવ્યાને ચૂપ રહેવા ધમકી આપી. પણ કાવ્યા પર એની કોઈ અસર ના થઈ.


'ભાઈ છે ને ભાભીને ફોલો કરે છે.. આખી દુનિયા જેને ફોલો કરે છે, માણસો જેના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ થવા લાઈન લગાવે છે, એ "ધ વિવાન શ્રોફ" પોતાની બૈરીના ફ્રેન્ડ લિસ્ટમાં નથી.. ભાભીએ ભાઈની રિક્વેસ્ટ પેન્ડિંગ રાખીને એને લટકતો રાખ્યો છે બોલો..' કહીને કાવ્યા ખડખડાટ હસી પડી. તેનાં આ નિર્દોષ હાસ્યના લીધે બધા હસવા લાગ્યા.


'બસ આ જ સુખ ક્યાંક ખોવાઇ ગયું હતું…' બધાને ખુલ્લા મનથી હસતા જોઈને દાદી હરખથી બોલ્યા. અને કાવ્યાના ઓવારણાં લીધાં.


'અમારી પેશન્ટ હસી રહી છે મતલબ સારી રિકવરી થઈ રહી છે.' એટલામાં ડોક્ટર સ્ટીફન અંદર આવતા બોલ્યા.


'આવો ડોક્ટર..' વિવાન ઉભો થતા બોલ્યો.


'શું વાતો ચાલુ હતી..?' ડોક્ટર સ્ટીફન કાવ્યાને તપાસતા બોલ્યાં.


'જસ્ટ ફેમિલી ગોસિપ..' સમાઈરાએ કહ્યુ.


'હમ્મ.. ખૂબ સરસ ફેમિલી છે તમારી.. મિસ કાવ્યા, ખરેખર તો તમારી ફેમિલીની પ્રાર્થના, સાથ અને આશિર્વાદને કારણે જ તમે એટલા જલ્દી રિકવર થઇ શક્યા છો. નહિતર આવા કેસમાં ઓપરેશન પછી રિકવર થવામાં ઘણો બધો સમય લાગે છે.' ડોક્ટર સ્ટીફને કહ્યુ.


'ફેમિલી તો બધાની સારી જ હોય છે. તમારી પણ હશે. એના સપોર્ટથી જ તમે આટલા મોટા ડોક્ટર બન્યા હશો.. અને ફેમિલીના આશિર્વાદથી જ આટલી નાની ઉંમરમાં આવડી મોટી સફળતા પણ મેળવી..' કૃષ્ણકાંતે કહ્યું.


'મારી ફેમિલી નથી અંકલ..' ડોક્ટર સ્ટીફન નરમ અવાજે બોલ્યાં.


'આઈ એમ સોરી.. હું કંઈ સમજ્યો નહીં..' કૃષ્ણકાંત મૂંઝાઈને બોલ્યાં.


ડોક્ટર સ્ટીફન થોડી ક્ષણો વિચારી રહ્યા.


પછી જરા ગંભીર અવાજે બોલવાનું શરૂ કર્યું.


'મારા ડેડી ખૂબ મોટા બિઝનેસમેન હતાં. તેના એકસ્ટ્રા મેરિટલ અફેરને કારણે તેની અને મોમની વચ્ચે રોજ ઝઘડા થતાં હતાં. પછી એક દિવસ અચાનક મોમ અમને છોડીને ચાલી ગઈ. ડેડીએ મને હોસ્ટેલમાં મોકલી દીધો. તેમના પરનાં ગુસ્સાને લીધે હું ક્યારેય ઘરે નહોતો જતો. મારૂ બધુ ધ્યાન મેં ભણવામાં વાળી દીધું. એમબીબીએસ પુર્ણ કર્યું ત્યાં ડેડ ગુજરી ગયાં. પછી હું એકલો પડી ગયો. ડેડીનો બિઝનેસ સંભાળવા માટે વિશ્વાસુ માણસો રાખ્યાં. અને મેં ન્યુરો સર્જરીમાં સુપર સ્પેસિયલાઈઝેશન કરીને પ્રેક્ટિસ શરૂ કરી. ડેડનો બિઝનેસ વડિલોપાર્જિત છે એટલે સંભાળવો પડે છે. અને ડોક્ટરી મારૂ પેશન છે એટલે પ્રેકટીસ કરૂ છું. તમારા જેવી ફેમિલી જોઈને ખૂબ આનંદ થયો. ફેમિલીના બ્લેસિંગ્સનો મોલ લાખો રૂપિયા કરતા વધુ હોય છે. એ મારાથી વધુ કોણ જાણે?' બોલતી વખતે ડોક્ટર સ્ટીફન ભાવુક થઇ ગયા.

વિવાને તેના ખભા પર હાથ મૂક્યો.


'આઈ એમ ઓલ રાઈટ.. ક્યારેક હૃદય ભરાઈ આવે તો મનની ફીલિંગ્સ બહાર આવી જાય.' ડોક્ટર સ્ટીફન ગળુ ખંખેરીને બોલ્યાં. પછી કહ્યુ: એની વે, કાવ્યા હવે બિલકુલ ઠીક છે. ચિંતા જેવી કોઈ વાત નથી. તમારી ઈચ્છા હોય ત્યારે ડિસ્ચાર્જ લઈ શકો છો. તમારા ઘરમાં જ ડોક્ટર સમાઈરા જેવી હોશિયાર ડોક્ટર છે. એની દેખરેખ હેઠળ કાવ્યા હોસ્પિટલ કરતા પણ જલ્દી ઘરે રિકવર થશે.


'થેંક્સ ડોક્ટર, મને ખરેખર અહિ ખૂબ બોર થાય છે.' કાવ્યા બોલી.


'હોસ્પિટલમાં તો કોને ગમે કાવ્યા.. કાલે સવારે તું ઘરે જઈ શકે છે.' ડોક્ટર સ્ટીફને હસીને કહ્યું અને સમાઈરા સાથે વાતો કરતાં બહાર નીકળ્યા.


'બંને સાથે કેટલા સરસ લાગે છે ને?' કાવ્યા એ લોકોને જતા જોઈને બોલી.


બધા આશ્ચર્યથી કાવ્યાની સામે જોવા લાગ્યા.

'વ્હોટ..? બેઉ ડોક્ટર છે અને બંને અનમેરિડ પણ છે.' કાવ્યા બોલી.


'શું કંઈ પણ બોલે છે કાવ્યા..' વૈભવી ફઈ બોલ્યા.


'અરે ફઈ.. મને તો કાવ્યાની વાત બરાબર લાગે છે. માણસ તરીકે ડોક્ટર સ્ટીફન કેટલા સારા છે. વળી કેટલા સરળ, સાલસ છે! એ આપણી સમાઈરાને ખૂબ ખુશ રાખશે.' વિવાને કહ્યું.


'અરે પણ એ તો ક્રિશ્ચિયન છે.. ધર્મ..' વૈભવી ફઈ બબડ્યા.


'વૈભવી… કેવો વિચાર કરે છે તું? એ બંને ડોક્ટર છે. દર્દીઓની સારવાર કરવી એ જ ડોક્ટરોનો ધર્મ હોય છે. આપણી કાવ્યા માટે થઈને ડોક્ટર સ્ટીફન છેલ્લા વીસ દિવસથી અહીં છે. આના પરથી એ કેટલા ભલા છે એ સમજાય છે. બીજા ડોક્ટર હોય તો તેનું કામ પતાવીને ફિ લઈ નીકળી ગયા હોત. પણ એ રોકાયા છે.' કૃષ્ણકાંત બોલ્યાં.


'કાવ્યાની સાથો સાથ તે સમાઈરા માટે પણ રોકાયા છે..' પાછળથી એક અવાજ આવ્યો.

બધાએ આશ્ચર્યથી અવાજની દિશામાં જોયું તો ડોક્ટર આચાર્ય દરવાજા પર ઊભા હતાં.


'કૃષ્ણકાંત ભાઈ..' ડોક્ટર આચાર્ય અંદર આવતા બોલ્યા: 'ઘણાં દિવસોથી હું ડોક્ટર સ્ટીફનનું નિરિક્ષણ કરી રહ્યો છું. આઈ થિંક કે તેઓ સમાઈરાને પસંદ કરે છે. બાકી કોઈ ડોક્ટર પોતાની પર્સનલ લાઈફની ચર્ચા બીજાની ફેમિલી સાથે કરે નહીં. મને લાગે છે કે ડોક્ટર સ્ટીફને ઈનડાયરેક્ટલી પોતે સિંગલ છે અને ફેમિલી બનાવવાની ઈચ્છા છે એવો ઈશારો કર્યો છે. તમે અગર સમાઈરા માટે ડોક્ટર સ્ટીફનનો વિચાર કરી રહ્યાં હોય તો મારા મતે એ યોગ્ય જ છે. એ ફકત ડોક્ટર જ નહીં પણ માણસ તરીકે પણ ખૂબ સારા છે. મારો પોતાનો અનુભવ કહું તો કાવ્યાના ઓપરેશન પછી ત્રણ જરૂરિયાતમંદ લોકોના તેણે ફ્રીમાં ઓપરેશન કર્યા છે.'


'ડોક્ટર સ્ટીફન અગર સમાઈરાને પસંદ કરતાં હોય તો અમે સમાઈરાની ઈચ્છા જરૂર પુછીશું.' કૃષ્ણકાંતે કહ્યું.


'સારુ..' ડોક્ટર આચાર્યએ કહ્યુ. પછી કાવ્યાની નજીક જઈને બોલ્યા: 'શું તો પછી અમારી પેશન્ટ ઘરે જવા માંગે છે?'


'હાં ડોક્ટર..' કાવ્યા બોલી.


'ઠીક છે. ડોક્ટર સ્ટીફને કહ્યુ છે તો છુટ્ટી આપવી જ પડશે. ચાર પાંચ દિવસ વધુ રોકાઈ હોત તો અમારૂ બિલ હજુ થોડું વધ્યું હોત ને? હવે લોસ થશે..' ડોક્ટર આચાર્ય હસતાં હસતાં બોલ્યા.

એ સાંભળીને બધા હસવા લાગ્યા.


**


ગઝલ આજે ઘણી ખુશ હતી. તેના મનની બધી ગેરસમજ દૂર થઈ ગઈ હતી. તેનો સૌથી મોટો ભય કાવ્યા કેવું રિએક્ટ કરશે એ હતો પણ તેણે તો એકદમ સહજતાથી તેને સ્વીકારી લીધી હતી. વિવાનની વાત સાચી હતી. એની ફેમિલી ખરેખર ખૂબ સારી હતી. હોસ્પિટલ જઈને આવ્યા પછીની તેના ચહેરા પરની સ્માઈલ હજુ સુધી કાયમ હતી.


મિહિર અને કૃપા રાત્રે જમ્યા પછી લોનમાં વોક લઈ રહ્યાં હતાં અને ગઝલ હિંચકા પર બેસીને મોબાઈલ જોઈ રહી હતી. તેના ચહેરા પર સ્મિત હતું.


'અરે વાહ! આજે પ્રિન્સેસ ખૂબ ખુશ દેખાઈ રહી છે.' મિહિરે કૃપાને કહ્યુ.


'પ્રિન્સેસ આજે કાવ્યાને મળીને આવી એટલે.' કૃપા બોલી.


'ચલો એ પણ એક સારૂ કામ થયું. તેના મનની ગેરસમજ દૂર થઈ ગઈ.'


'પણ મેડમ હજુ વિવાન પર ખાર ખાઈને બેઠા છે.'


'કેમ?' મિહિરને આશ્ચર્ય થયું.


'બસ એમજ, એને તો માફ નહીં જ કરું એમ કહે છે.' કૃપા હસીને બોલી.


'અરે ભગવાન! હવે તો વિવાનનું જે થાય તે ખરું.' મિહિર બોલ્યો અને બંને જણ હસી પડ્યા.


આ બાજુ હોસ્પિટલમાં વિવાન કાવ્યના બેડની સામેના સોફામાં આડો પડીને મોબાઈલ સ્ક્રોલ કરી રહ્યો હતો. તે વારેઘડીએ ગઝલનું સ્ટેટસ ખોલીને જોતો હતો. એ હોસ્પિટલમાં આવીને કાવ્યાને મળી ગઈ એ તો વિવાનને ખૂબ ગમ્યું હતું પણ વિક્રમને કારણે પોતે આખો દિવસ ઓફિસમાં ફસાઈ ગયેલો એ વાત એને કઠતી હતી એટલે મનમાંને મનમાં એ વિક્રમને ગાળો ભાંડી રહ્યો હતો. એટલામાં તેને ગઝલ ઓનલાઈન દેખાઈ. તેણે તરતજ મેસેજ ટાઈપ કર્યો.


'હાય..'

ગઝલ તેનો મેસેજ વાંચ્યા વગર રહી ના શકી. તેણે મેસેજ વાંચ્યો પણ કોઈ રીપ્લાઈ ના આપ્યો.


એટલે વિવાને ફરીથી મેસેજ કર્યો:


'હાય બેબી!'


મેસેજ વાંચીને ગઝલએ આ વખતે રીપ્લાઈમાં ઈગ્નોર કરતી હોય તેવી ઈમોજી મોકલી.


ગઝલ: 😏


વિવાન: 'વ્હોટ?'


ગઝલ: 😐


પછી તો તેણે ફક્ત ઈમોજીમાં જ બધા રીપ્લાઈ આપ્યાં.


વિવાન: 'નાઈસ ફોટોઝ..'


ગઝલ: 🙏


વિવાન: આ ફોટો ખૂબ મસ્ત છે.


ગઝલ: 😐🙏


વિવાન: 'ફોન કરૂં?'


ગઝલ: 🤨🧐


વિવાન: પ્લીઝ..


ગઝલ : 🤐 ('ફોન કરશો તો પણ હું વાત નહીં કરૂ.')


વિવાન : 'વ્હાય?'


ગઝલ : 😎 (મારી મરજી)


વિવાન: 'ફકત મને છોડીને તું બધા સાથે બોલે છે'


ગઝલ: 😠


વિવાન: 'પ્લીઝ..'


ગઝલ: 😴


વિવાન: 'સૂઈ નહીં જતી..'


ગઝલ : 🙄


વિવાન: 'થોડી રોમેન્ટિક વાતો કર ને.'


ગઝલ : 😏😐


વિવાન: 'ઠીક છે ગુડનાઈટ કિસ તો આપ'


ગઝલ : 😲😳 😡


વિવાન: 'મને ખબર છે કે તું ગુસ્સે છે એટલે જ તો ફક્ત કિસ કરવાનું કહ્યુ નહીતર... '


ગઝલ: 👿👺🤬 (નિર્લજ્જ, દુષ્ટ, નફ્ફટ)


વિવાન: 'ઠીક છે, હું જ કરું છું કિસ..' 💋💋


ગઝલ: 😡😰😴😴


વિવાન: 'મસ્ત હતી, હજુ એક કરુ છું.' 💋💋


એ મેસેજ વાંચીને ગઝલ તરતજ ઓફલાઈન થઈ ગઈ.


'પગલી..' વિવાન મનમાં હસતો બોલ્યો અને આંખો મીંચીને સુઈ ગયો.


આ બાજુ ગઝલ શરમાઈ ગઈ હતી. ચેટિંગ કરતી વખતે તેને જાણે વિવાન તેની સામે જ ઊભો હોય તેવું લાગી રહ્યું હતું.


'ગઝલ..' કૃપાએ એને બોલાવી.


'હં..' ગઝલ ઝબકીને તંદ્રામાંથી બહાર આવી.


'ચલ, હવે સૂવું નથી?'


'હં? હે? હા..' કહીને ગઝલ હિંચકા પરથી ઉભી થઇ. અને બંને અંદર ગયાં.

પોતાની રૂમમાં જઈને ગઝલ કેટલીય વાર સુધી ઓફલાઈન રહીને વિવાન સાથેની ચેટ રીપીટ વાંચતી રહી. મનમાં જ હસતી રહી અને પોતાની જાતથી જ શરમાતી રહી. એમાંને એમાં જ એ ક્યારે ઉંઘી ગઈ તેની ખબર પણ ના પડી.


.


.


ક્રમશઃ



શું ખરેખર ડોક્ટર સ્ટીફન સમાઈરાને લાઈક કરતા હશે?


શું કૃષ્ણકાંત ડોક્ટર સ્ટીફન સાથે સમાઇરા વિશે વાત કરશે?


શું સમાઈરા ડોક્ટર સ્ટીફનને સ્વીકારી શકશે?


શું ગઝલ ફરીથી વિવાન તરફ ઢળવા લાગી છે?


**


મિત્રો, આ પ્રકરણ વાંચીને આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી જણાવશો. અને આ પ્રકરણને રેટિંગ પણ આપશો.