Pranay Parina - 60 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 60

પ્રણય પરિણય ભાગ ૬૦


બીજા દિવસે સવારે વિક્રમે ઓફિસમાં કામ હોવાનું આબાદ બહાનું કરીને વિવાનને બોલાવી લીધો. કાવ્યાની જવાબદારી રઘુને સોંપીને વિવાન ઓફિસ ગયો.


વિવાનના જતા જ કાવ્યાએ રઘુને ગઝલને લેવા મોકલ્યો. રઘુએ એક બોડીગાર્ડને કાવ્યાની રૂમની બહાર ઉભો રાખીને સૂચના આપી કે હું ના આવુ ત્યાં સુધી એક સેકન્ડ માટે પણ અહીંથી હલતો નહીં. મલ્હાર જેલમાં હોવા છતા રઘુ કે વિવાન જરા જેટલું પણ રિસ્ક લેવા માંગતા નહોતા.


બોડીગાર્ડને તૈનાત કર્યા પછી રઘુ ગઝલને લેવા નીકળ્યો. તે મિહિરના ઘરે પહોચ્યો ત્યારે કૃપા અને ગઝલ બંને હોલમાં બેસીને ગપ્પા લડાવી રહ્યાં હતાં.


'ગઝલ, મને લાગે છે કે તારે કાવ્યાને મળવા હોસ્પિટલ જવુ જોઈએ.' કૃપા બોલી.


'હાં ભાભી, મને પણ તેને મળવાનું ઘણું મન છે. એવું થાય કે તેના ખબર અંતર પૂછું પણ.. પછી ડર લાગે કે તે પણ સમાઈરાની જેમ મને જ દોષિત ઠેરવશે તો?' ગઝલ ભીના અવાજે બોલી.


'આ બધામાં તારો તો કોઈ વાંક જ નથી.' કૃપાએ કહ્યુ.


'કૃપા ભાભીની વાત એકદમ સાચી છે ભાભી.' રઘુ અંદર આવતા બોલ્યો.


'અરે! રઘુ ભાઈ તમે? બઘુ બરાબર તો છેને? કાવ્યા બેનઅઃની તબિયત તો સારી છે ને?' રઘુને અચાનક આવેલો જોઈને ગઝલને ફિકર થઈ આવી.


'બધાની આટલી ચિંતા કરો છો પણ મળવા તો આવતા નથી..' રઘુ બોલ્યો. ગઝલએ કોઈ ઉત્તર ના દીધો.


'તમે બેસીને વાતો કરો, હું ચા નાસ્તાની વ્યવસ્થા કરાવું.' કહીને કૃપા ઉભી થઇ.

ગઝલના ઉતરી ગયેલા ચહેરા સામે રઘુ જોઇ રહ્યો. તેને પણ અંદરથી દુખ થતું હતું.


'કેમ છો ભાભી?' રઘુએ લાગણીશીલ અવાજે પૂછ્યું.


'હું મજામાં છું. તમે કેમ છો?' કહીને ગઝલ ફિક્કું હસી પછી પૂછ્યું: 'બાકી બધાં મજામાં?'

રઘુ તેના સવાલનો મર્મ સમજી ગયો.


'ભાઈને છોડીને બાકી અમે બધાં મજામાં.' બોલતી વખતે રઘુની આંખ ભીની થઇ ગઇ. એ આગળ બોલ્યો: 'તમે એમની સાથે બોલતાં નથી. એ અહિ આવ્યા તો પણ તમે મળ્યાં નહીં એટલે ખૂબ દુખી છે.'

ગઝલ કંઈ બોલી નહીં.


'હું તો કહું છું કે ગેરસમજ થઈ હોય તો સમયસર ચોખવટ કરી લેવી જોઈએ. નહિતર કારણ વગરની સંબંધોમાં ગાંઠ પડી જાય.' કૃપા બહાર આવતાં બોલી.


'વિવાને મારાથી સાચી વાત કેમ છુપાવી? તેને મારા પર ભરોસો નહોતો તો મારી સાથે લગ્ન કેમ કર્યા? હું તો નહોતી ગઈ ને એની પાસે? એ જ આવ્યા હતા બળજબરીથી મને લેવા.' છેવટે ગઝલ બોલી.


'એવું નથી ભાભી..' રઘુ સમજાવટના સૂરમાં બોલ્યો.


'એવું જ છે..' બોલીને ગઝલ આડું જોઇ ગઈ.

રઘુને લાગ્યું કે વાત વણસી જશે એટલે તેણે કૃપા સામે ઈશારો કર્યો.


'કાવ્યાની તબિયત કેમ છે રઘુ ભાઈ?' કૃપાએ વાત બદલી.


'એને હવે સારૂ છે. થોડા દિવસોમાં ઘરે આવી જશે.' રઘુએ કહ્યુ. એટલી વારમાં નોકર ચા નાસ્તો લઈને આવ્યો.


'એક મિનિટ..' કહીને ગઝલ બાજુના રૂમમાં ગઈ. રઘુ અને કૃપાને નવાઈ લાગી.


'નાદાન છે હજુ.' કૃપાએ રઘુના હાથમાં ચાનો કપ આપતાં કહ્યું.


'હું સમજુ છું ભાભી.' રઘુ ધીમેથી બોલ્યો. એટલી વારમાં ગઝલ રૂમમાંથી બહાર આવી.


'રઘુભાઈ, લો..' ગઝલ તેની સામે એક લાલ રંગનો જાડો ધાગો ધરીને બોલી.


'આ શું છે?' રઘુએ પૂછ્યું.


'હું કાલે સિદ્ધિવિનાયક મંદિર ગઈ હતી. આ ધાગો મહારાજે મને ગણપતિ બાપાના પ્રસાદ તરીકે આપ્યો છે. કાવ્યા બેનના હાથ પર બાંધી દેજો. એમાં ગણપતિ બાપાના આશિર્વાદ છે.' ગઝલએ કહ્યું.


'ભાભી, તમે આવીને તમારા હાથે જ આ ધાગો બાંધી દો ને!'


'પણ હું કેવી રીતે…?'


'એમાં પ્રોબ્લેમ શું છે?'


'તમને તો ખબર છે રઘુ ભાઈ કે કોઈ ભલે ગમે એટલુ નકારે પણ કાવ્યા બેન સાથે જે કંઈ બન્યું છે એની પાછળ જવાબદાર તો હું જ છું ને? મારા કારણે જ બધુ થયું છે.. કાવ્યા બેનની સામે જતા મને ડર લાગે છે. મને જોઈને કેવું રિએકટ કરશે? એ પણ તો મને જ દોષી માનતા હશે ને?' ગઝલ એકદમ ઢીલા અવાજે બોલી.


'અરે ભાભી! તમે વિચારો છો એવું કશું છે જ નહીં..એક્ચ્યુઅલી હું તો કાવ્યાનો સંદેશો લઈને જ તમારી પાસે આવ્યો છું.' રઘુ ઉત્સાહી સ્વરે બોલ્યો.


'કાવ્યા બેનનો સંદેશો?' ગઝલએ આશ્ચર્ય ઉછાળ્યું.


'હાં ભાભી, કાવ્યા તમને મળવા માંગે છે. તેણે તમને હોસ્પિટલ બોલાવ્યા છે.'


'હે? મને? ના.. ના, હું નહીં આવું.' ગઝલ ખચકાઈ.


'એમાં શું વાંધો છે ભાભી? અને એમ પણ ક્યારેક ને ક્યારેક તો તમારો આમનોસામનો થવાનો જ છે ને? તમે એમ શું કામ વિચારો છો કે કાવ્યા તમને દોષિત ગણશે?'


'તો પણ.. બાકી બધાને તો એવું જ લાગતું હશે ને?'


'અરે ભાભી... તમે જે વિચારો છો એવું કશું નથી.. ઊલટાનું જ્યારથી તમારા વિશે સાંભળ્યું છે ત્યારથી કાવ્યા તમને મળવા માટે આતુર છે. અને બીજા બધા પણ તમારી રાહ જૂએ છે.'


'સાચે?'


'હાં ભાભી.. હું કહું છું ને કે તમારા પર કોઈ નારાજ નથી. મારા પર ભરોસો રાખો..'


'ગઝલ, હવે તો તારે મળવા જવું જ જોઈએ. એવું હોય તો હું પણ તારી સાથે આવું.' કૃપાએ ખુશ થઈને કહ્યુ.


'ઠીક છે, હું આવું તૈયાર થઈને.' કહીને ગઝલ એની રૂમમાં ગઈ.


'હે ભગવાન.. ગઝલ અને વિવાન વચ્ચેની ગેરસમજણ જલ્દી દૂર થઈ જાય.' કૃપા હાથ જોડીને બોલી.


'ચિંતા નહીં કરો ભાભી, બધુ બરાબર થઇ જશે.' રઘુએ આશ્વાસન આપ્યું.


**


'કાવ્યા..' રઘુ દરવાજા પર નૉક કરીને બોલ્યો. અને બધા અંદર આવ્યા. કાવ્યા સૂતી હતી.


'કાવ્યા, જો તો.. કોણ આવ્યું છે!?' રઘુ ગઝલની આગળ ઉભો હતો એ સાઈડમાં ખસીને બોલ્યો.


સામે પરી જેવી અત્યંત ખૂબસૂરત યુવતીને જોઈને કાવ્યા સમજી ગઇ કે એ જ ગઝલ છે. કાવ્યા ખૂબ ખુશ થઈ. ગઝલએ તેની સામે મીઠી સ્માઈલ કરી.


'આવો ભાભી, અહીં બેસો.' કાવ્યાએ ગઝલને તેની બાજુમાં બેસાડી.


'ભાઈ કેટલો લકી છે.. તમે ખરેખર ખૂબ સુંદર છો.' કાવ્યા તેને નજીકથી નીરખતા બોલી.


'ભાઈ તો એકદમ ફિદા છે ભાભી પર..' રઘુ એકદમ ઉત્સાહથી બોલ્યો.

એ સાંભળીને ગઝલ શરમાઈ ગઈ.


'તમે એટલા બધા દિવસ મને મળવા કેમ ના આવ્યાં?' કાવ્યાએ મીઠી ફરિયાદ કરી.


'આઈ એમ સોરી, પણ મને ડર લાગતો હતો.'


'ડર? શા માટે ડર લાગતો હતો?'


ગઝલ નીચુ જોઈ ગઈ. તેણે કંઈ બોલી નહીં.


'ભાભીને લાગતું હતું કે તારી સાથે જે થયું એના માટે તું એને જવાબદાર ઠેરવીશ.' રઘુએ કહ્યું. એ સાંભળીને કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયાં.


'ખરેખર તો મારે તમને સોરી કહેવું જોઈએ.. મારા કારણે ભાઈએ તમારી સાથે બળજબરીથી લગ્ન કર્યા.' કાવ્યા ભાવુક થઇ ગઇ. એક ક્ષણ અટકીને એ બોલી: 'ભાભી, મારો ભાઈ ખૂબ સારો છે હં.. તેણે એ સમયે જે યોગ્ય લાગ્યું એ કર્યુ હશે, અને એમાં એની ભૂલ પણ હશે એની પણ ના નહીં. પણ એનો ઈરાદો ખોટો નહોતો. જો તેણે તમને ભગાવીને– મતલબ કે કિડનેપ કરીને લગ્ન ના કર્યા હોત તો તમારા લગ્ન મલ્હાર સાથે થઈ ગયા હોત. અને જો એમ થયું હોત તો તેણે મારી જેમ તમારી જીંદગી પણ બરબાદ કરી દીધી હોત.. તમારા સાથે કંઈ ખરાબ ના થાય એટલા માટે વિવાને આ કર્યું. હું એનુ ઉપરાણું નથી લેતી કે નથી એને છાવરવાની કોશિશ કરતી... મારુ બસ એટલું કહેવાનું છે કે એનો ઈરાદો ખોટો નહોતો.' કાવ્યા એકી શ્વાસે બોલી ગઈ.

એ બે ક્ષણ થોભી, પછી બોલી: 'ભાભી, હું તમારા પર શું કામ ગુસ્સો કરૂં? મારી ભૂલનું દોષારોપણ હું તમારા પર કે બીજા કોઈ પર કેવી રીતે કરી શકુ? મારી ભૂલની સજા મને મળી ગઈ છે. મારી મૂર્ખાઈના લીધે મેં મારૂ બાળક ગુમાવ્યું. મારા કારણે ઘણા બધાં લોકોને મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું.. મરા સાથે જે કંઈ બન્યું તેના માટે પૂર્ણપણે હું જ જવાબદાર છું. માટે તમે તમારા મનમાંથી ગિલ્ટ કાઢી નાખો. તમે તો મારા ભાઈનો પ્રેમ છો, તમે કદી ગલત હોઈ જ ના શકો.' કાવ્યાએ ગઝલનો હાથ પોતાના હાથમાં લીધો. બંનેની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી. બંને એકબીજાને ભેટી પડ્યા.


'આઈ એમ સોરી કાવ્યા બેન.. હું જ ખોટા વિચારો કરી રહી હતી. આઈ એમ રિયલી સોરી.. જ્યારે તમને મારી ખરી જરૂર હતી ત્યારે હું ગિલ્ટની લાગણીમાં અટવાઈ ગઈ હતી.. આઈ એમ વેરી સોરી..' ગઝલ રડતાં રડતાં બોલી.


'શશ્શશ.. હવે રડવાનું નથી.. ' કાવ્યા તેની પીઠ પર હાથ ફેરવતાં બોલી.


'યાર કેટલો સેડ સીન ચાલુ છે.. ગઝલ તું છેને ટીવી સિરિયલની વહુ જેવી છે.' સમાઈરા દરવાજામાં ઉભી રહીને બોલી. એ સાંભળીને કૃપાને હસવું આવ્યું. એ બોલી: 'મતલબ?'


'એમાં નથી આવતું કે જરીક કંઈ થયું કે મંડે પોતાને ત્રાસ દેવા.. ટિપિકલ બૈરીઓની જેમ.. કંઈ પણ થાય તો પોતાને દોષ આપીને રડ્યા કરે!!'


'હાં એ વાત સાચી.. અમારી ગઝલ પણ એવી જ છે.. હો..' કૃપા બોલી.


'શું તમે પણ ભાભી..!' ગઝલએ મોઢુ મચકોડ્યું.

ત્યાં સમાઈરા તેની નજીક આવી.


'ગઝલ.. મારે પણ તને સોરી કહેવું છે. એ દિવસે ગુસ્સામાં આવીને હું કંઈ પણ બોલી ગઈ હતી. કાવ્યાની દશા મારાથી જોવાતી નહોતી એટલે મારા મગજ પર મારો કાબૂ નહોતો રહેતો. આજે હું ખોટું નહીં બોલુ, તને વિવાન સાથે જોઈને હું ખૂબ દુખી થઈ હતી. તારા ખૂબ ગુસ્સો આવ્યો હતો. તું જે જગ્યા પર છે એ મારી છે એમ માનતી હતી હું. બાળપણથી વિવાન ફકત મારો જ છે એ વાત મારા મગજમાં કોતરાઈ ગઈ હતી. એથી સચ્ચાઈને હું સ્વીકારી શકી નહોતી એટલું ઓછું હોય તેમ પેલા પત્ર અને ફોટાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. ખરુ કહું તો વિવાને મને ક્લિયર કહ્યુ હતું કે એ મને પ્રેમ નથી કરતો. છતાં પણ મારા મનમાં મેં આશા બાંધી રાખી હતી કે એક દિવસ વિવાન મારા પ્રેમને સમજશે અને મારો સ્વીકાર કરશે. બટ આઈ વોઝ રોંગ, એ મને નહી તને પ્રેમ કરે છે. ખરા દિલથી ચાહે છે તને. એ દિવસે હોસ્પિટલમાં હું એને ફકત સાંત્વના આપી રહી હતી. એ તે જોતાં તને ગેરસમજ થઈ. પણ સાચુ કહુ છું કે વિવાન ફકત તારો છે અને એ તારો થઇને જ રહેશે.' આટલું બોલતાં સમાઈરાની આંખોમાં આછી ભીનાશ તરી આવી.


'આઈ એમ સોરી.. કદાચ મેં ઓવર રિએક્ટ કર્યું.' ગઝલ સમાઈરાનો હાથ પકડીને બોલી.


'બિલકુલ નહીં.. તું તારી જગ્યાએ બરાબર જ હતી.' સમાઈરા તેને ભેટીને બોલી.


આ બધુ જોઈને રઘુ જેવા રઘુની પણ આંખો ભરાઈ આવી હતી.


'હાં, તો ભાભી, હવે તો બધુ ક્લિયર થઈ ગયું ને?' રઘુ આંખો લૂછતા બોલ્યો.


'હાં..' ગઝલ મીઠી સ્માઈલ કરીને બોલી.


'તો પછી હવે ભાઈ સાથે પણ વાત કરશોને?'


'ના.. બિલકુલ નહીં..' ગઝલએ ફટ દઈને કહ્યુ.

બધા તેની સામે આશ્ચર્યથી જોઇ રહ્યા.


'તેણે મારી સાથે જબરદસ્તી લગ્ન કર્યા, કેટલી બધી વાત મારાથી છુપાવી.. તમને ખબર છે? છેલ્લા કેટલાય દિવસોથી હું કેટલી રડી છું? એ બધી વાતોની સજા એને મળવી જોઇએ.' ગઝલ નાક ખેંચતા બોલી.


'ઓહ! યસ.. વેરી ગુડ..' સમાઈરા હસીને બોલી.


'એમાં શું વેરી ગુડ? ભાઈની બિચારાની હાલત જોઈ છે કેવી થઈ ગઈ છે?' કાવ્યાએ વિવાનનું ઉપરાણું લીધું એટલે સમાઈરા તરતજ બોલી:

'તુ તો બિલકુલ એની તરફદારી કરતી નહીં ઓકે? ગઝલ, હું તો કહું છું કે તુ વિવાનને હજુ વધુ ત્રાસ દે..'


'અરે! આ શું કહે છે તું સમાઈરા?' રઘુ વચ્ચે બોલ્યો.


'તું તો ચૂપ જ બેસજે વિવાનના ચમચા..!!' સમાઈરા ઘૂરકી.


'શું બોલી? હું ચમચો?' રઘુને ગુસ્સો આવ્યો.


'હાં, ચમચો.. સાત વાર ચમચો. અને ખબરદાર આના વિશે જો વિવાનને એક શબ્દ પણ કહ્યો છે તો!!' સમાઈરાએ ધમકી આપી.


રઘુએ કાવ્યા તરફ જોયું.

'હવે કંઈ થઈ શકે તેમ નથી.' એવું કાવ્યાએ હોઠ વંકાવીને રઘુને ઈશારામાં કહ્યુ.


'ચાલો આપણે સેલ્ફી લઈએ' એમ કહીને સમાઈરાએ ગઝલના ફોનથી ઘણા બધા ફોટા ક્લિક કર્યા. પછી એમાંથી સૌથી સારા ત્રણ ચાર ફોટા સિલેક્ટ કરીને ગઝલને કહ્યુ: 'હવે આ ફોટા તારા સ્ટેટસમાં મૂક.'


'સ્ટેટસમાં શું કામ?' કૃપાએ પૂછ્યું.


'આ ફોટા જોયા પછી વિવાનનું શું રિએક્શન આવે છે એ આપણે જોઈશું.' સમાઈરા મસ્તીભર્યું હસતા બોલી.


ગઝલએ તેના સ્ટેટસમાં ફોટા મૂક્યાં.


'ચલો તો હવે અમે નીકળીએ.' કૃપા ઉભી થતાં બોલી.


'ચાલો હું તમને મૂકી જઉં.' રઘુ બોલ્યો.


'ભાભી, તમે કાલે આવશોને?' કાવ્યાએ ગઝલને પુછ્યું.


'હાં.,' ગઝલએ કાવ્યાના ચહેરા પર હાથ ફેરવીને કહ્યુ. પછી કૃપા અને ગઝલ બધાને બાય કરીને રઘુની ગાડીમાં નીકળ્યા.


**

વિવાન અને વિક્રમ ઓફિસમાં પેન્ડિંગ કામ પતાવી રહ્યા હતા.

લંચ ટાઈમ થયો હોવાથી પ્યૂને આવીને તેમની માટે પલેટ્સમાં જમવાનું કાઢ્યું


'બોસ, ચલો જમી લઇએ.' વિક્રમે કહ્યું.


'હંમ્મ.. રઘુને એક ફોન કરી લઉં પછી આવું.' કહીને વિવાને રઘુને ફોન લગાવ્યો. પણ એ ગાડી ચલાવતો હોવાથી તેણે ફોન ઉપાડ્યો નહીં એટલે વિવાન જમવાના ટેબલ પર આવ્યો. જમતાં જમતા એ ફોન જોઈ રહ્યો હતો. તેણે જોયું તો ગઝલએ નવું સ્ટેટસ અપડેટ કર્યું હતું. તેણે તરતજ સ્ટેટસ ઓપન કર્યું. ગઝલએ મૂકેલા ફોટા જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ.


'ગઝલ હોસ્પિટલમાં આવી છે?' વિવાન બબડ્યો.

એટલી વારમાં રઘુનો ફોન આવ્યો.


'હાં ભાઈ, બોલો.'


'ક્યાં છે તું??'


'ભાભીને મિહિર ભાઈના ઘરે મૂકવા આવ્યો હતો. ફિકર નહી કરો બોડીગાર્ડ છે રૂમની બહાર.' રઘુએ ફોન સ્પીકર પર રાખ્યો હતો એટલે કૃપા અને ગઝલ પણ સાંભળી રહ્યાં હતાં.


'ગઝલ હોસ્પિટલમાં આવી હતી એ તે મને કીધું નહીં.' વિવાન ખિજાતા બોલ્યો.


'અરે! એ લોકો અચાનક આવી ગયાં. પછી વાતો કરવામાં હું તમને કહેવાનું ભૂલી ગયો.'


'ભુલી ગયો મતલબ..?? એ મારી સાથે બોલતી નથી એ ખબર છેને તને? દસ દિવસ થયા મે એને જોઈ પણ નથી..' વિવાન નિરાશ થઈને બોલ્યો. ગઝલ મનમાં જ હસી.


'હાં તો એમાં હું શું કરુ?' રઘુ હસુ હસુ થતા બોલ્યો.


'તેં મને એક કોલ કર્યો હોત તો હું પણ હોસ્પિટલ આવ્યો હોત ને?'


'પણ ભાભી તો તમારી સાથે બોલતાં નથી, પછી તમારા હોસ્પિટલમાં આવવાનો શું ફાયદો થયો હોત?'


'એ ભલે બોલી ન હોત પણ હું એને દૂરથી જોઈ તો શક્યો હોત કમસેકમ.'


'ઓહ! સોરી..' રઘુ નાટક કરતાં બોલ્યો.


'તારૂ સોરી ગયું ભાડમાં..' વિવાને ચિડાઈને કહ્યુ.


ગઝલ મોઢા આડો હાથ રાખીને હસી રહી હતી.


'તેનો મૂડ કેવો હતો?' વિવાને પૂછ્યું.


'અરે મસ્ત.. એકદમ ટકાટક.. કાવ્યા, સમાઈરા.. બધા સાથે બહુ સારી રીતે વાતો કરતા હતા.'


'મારૂ નામ લીધું હતું? મને યાદ કર્યો હતો?'


'ટચ્.. તમને શું કામ યાદ કરે?? તમારા પર તો નારાજ છે ને!' રઘુએ દુખતી નસ દબાવી.


'શટ્.. બધા સાથે બોલે છે.. એક મારી સાથે જ વાંધો છે..' વિવાન બબડ્યો.


'ઠીક છે ભાઈ, મૂકુ છું ફોન.. બાય.'


'હમ્મ બાય.' વિવાન ઢીલા અવાજે બોલ્યો અને ફોન કટ થયો.


'જોયું ને ભાભી? ભાઈ કેટલા તડપે છે અને તમને એની જરા પણ દયા નથી આવતી.' રઘુ ગરીબડો ફેસ બનાવીને બોલ્યો.


'એ જ લાગના છે એ..' ગઝલ મોઢું મચકોડીને બોલી.


'ઠીક છે ભાભી, તમે ઘરે ક્યારે આવશો? ડેડ, દાદી, ફઈ બધા તમને બહુ મિસ કરે છે.'


'કાલે આવીશ..' ગઝલ બોલી.


'હું આવું તમને લેવા?'


'હમ્મ.. ચાલશે.' ગઝલએ કહ્યુ.


.

.


**

ક્રમશઃ


મલ્હાર જેલમાં હોવાથી શું કાવ્યા પરનો ખતરો ટળી ગયો હતો?


શું ગઝલ વિવાનને માફ કરી દેશે? કે હજુ તડપાવશે?


ગઝલ ઘરે પાછી ફરશે પછી વિવાનનનું રિએક્શન કેવું હશે?


સમાઈરાનું શું થશે?


**


❤ મિત્રો, આ પ્રકરણ વાંચીને તમારા અભિપ્રાયો જરૂરથી જણાવશો અને પ્રકરણને રેટિંગ પણ આપશો. ❤



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED