“હું કયાં છું?” શ્યામે પૂછ્યું. એણે આસપાસ નજર ફેરવી. એ કોઈ સફેદ ચાર દીવાલો વચ્ચે હતો. એ સ્થળ એના માટે એકદમ અજાણ્યું હતું.
“મેં સમજા નહિ...” એને શબ્દો સંભળાયા.
“મેં કહા હું?” એ જોરથી બોલ્યો.
“પ્લીઝ, શાંત રહીયે. આપ ફિર સે બેહોશ હો જાઓગે અગર દિમાગ પે જ્યાદા જોર પડેગા તો..”
“વેર એમ આઈ?” એણે ગુસ્સાથી ત્રીજી ભાષામાં એ જ સવાલ કર્યો.
“આપ હોસ્પિટલ મેં હે.”
“મેં જિન્દા હું?”
“મુર્દે સવાલ નહિ કર શકતે.”
“આપ કોન હે?” એ ચિડાયો.
“મેં ડોક્ટર વર્મા. પ્લીઝ આપ શાંત રહો તુમ અસ્પતાલ મેં હો.”
અસ્પતાલ નામ સાંભળતા જ શ્યામ શાંત થયો. ડોક્ટર વર્માએ એને કેટલાક ઇન્જેક્શન આપ્યા. થોડીવાર પછી ડોકટરે એના નાકની નળીઓ કાઢી નાખી.
“સાંસ લેને મેં કોઈ દિક્કત હો રહી હે?”
“નહિ...”
એના જવાબથી સંતોષ પામેલ ડોક્ટર વર્મા બહાર ચાલ્યા ગયા.
થોડીવારે દરવાજો ખુલ્યો શ્યામને આંખો સામે ચાર્મિ દેખાઈ.
“તુમ જિન્દા હો.?” એણે ખુશીથી પૂછ્યું.
“હા, કેમકે ભગવાનને પણ લોકોની જેમ હેપ્પી એન્ડીંગ ગમે છે.” ચાર્મિએ શ્યામના બેડ નજીકનું એક સ્ટુલ ખસેડ્યું અને એના પર ગોઠવાઈ.
“હું અર્ધ-બેહોશ હતો ત્યારે તું અંદર આવી હતી?” શ્યામ જાણવા માંગતો હતો કે ખરેખર ચાર્મિ પહેલા પણ આવી હતી કે એ માત્ર એનું માનસિક ઈલ્યુશન હતું.
“હા, પણ તું મને બચાવવા મારા અને વિક્ટરની ગોળીઓના માર્ગમાં કેમ આવ્યો?” એ આંસુઓ સાથે બોલી.
“બીકોઝ યું વેર ઇન માય ડ્રીમ્સ...”
“રીયલી?” ચાર્મિની આંખોમાં એક અલગ જ ખુશી દેખાઈ.
“અર્ચનાની કોઈ ખબર?” શ્યામનું મન હજુ અર્ચનાને ભૂલવા તૈયાર ન હતું.
“ના, એની કોઈ ખબર નથી. દેશનું દરેક અખબાર અને ટી.વી. ચેનલ તારા સમાચાર બતાવી રહી છે. એ શકાય જ નથી કે કોઈ આ દેશમાં રહેતું હોય અને એણે તારા સમાચાર સાંભળ્યા ન હોય અને આમ પણ હેડના સજેશન મુજબ અર્ચના જ્યાં હોય ત્યાંથી અહી આવી જાય એવી અપીલ મીડિયામાં જાહેર કરવામાં આવી હતી છતાં કોઈ સમાચાર, કોઈ ફોન કોલ કે અર્ચના...”
“અપીલ કેમ?”
“કેમકે તુ જીવે છે એનું કારણ અર્ચના છે..” ચાર્મિએ પોતાના હાથ જીન્સના પોકેટમાં નાખ્યા.
“હું અર્ચનાને લીધે જીવું છું?”
“એમબ્યુલન્સના સ્ટાફે જણાવ્યું એ મુજબ જયારે તને હોસ્પિટલ લઇ જઈ રહ્યા હતા તું અર્ચના..... અર્ચનાની રટ લગાવી રહ્યો હતો. નર્સ હું જ અર્ચના છું એમ કહી તને હોશમાં રાખવા મથી રહી હતી અને એ સફળ રહી કેમકે અર્ચના શબ્દોએ તને કોમામાં જતા રોક્યો.”
“એ જીવતી હોત તો જરૂર આવોત..” શ્યામ જાણતો હતો કે અર્ચના જીવતી હોય અને એના પર ગોળીઓ ચાલી છે એ સમાચાર સાંભળ્યા પછી પણ હોસ્પિટલ ન આવે એ અશકય હતું. જો એ જીવતી હોત તો એને હોસ્પિટલ આવતા દુનિયાની કોઈ તાકાત રોકી ન શકોત. શ્યામે આખરે કડવી વાસ્તવિકતા સ્વીકારવી જ પડી કે અર્ચના હવે દુનિયામાં નથી રહી.
“અર્ચનાની જગ્યાએ હું આવી. મને લાગ્યું કે મને જોઇને તને રાહત રહેશે. હું અર્ચના તો નથી પણ...” ચાર્મિ લાગણીઓને દબાવી શકી નહિ છતાં વાકય અધૂરું જ છોડ્યું.
“તું અર્ચના જ છે!” બોલવાનો થાક લાગ્યો હોય એમ શ્યામે આંખો બંધ કરતાં કહ્યું.
“શું?” ચાર્મિ જે સાંભળવા માંગતી હતી એ સાંભળીને પણ ફરીથી ખાતરી કરવા માંગતી હોય એમ લાગ્યું.
“મેં તને પેલા સપના વિશે વાત કહી હતી એ યાદ છે ને?” શ્યામે આંખો ખોલી.
“હા, એ સપનું કઈ રીતે ભૂલી શકાય? એ સપનાના લીધે તો બધું થયું છે. સોરી, મને માફ કરી દે.” ચર્મીએ અફસોસ વ્યક્ત કર્યો.
“કેમ સોરી..?”
“તારા ડ્રીમનો અંત અને મતલબ બંને અણધાર્યા રહ્યા.”
“બધું પૂર્વનિર્ધારિત હતું. તું એ જ શબ્દો બોલી હતી જે સપનામાં આવતી એ યુવતી બોલી હતી. એ જ જગ્યા... એ જ બાળક... એજ તારા શબ્દો..” સપનાની વાત નીકળતા શ્યામને પેલું બાળક યાદ આવ્યું, “બચ્ચા કેસા હે..?”
“બાળક એના પિતા પાસે સલામત છે.”
“પિતા પાસે....? એની મા?”
“અંજલિ પણ વિક્ટરના બીજા વિકટીમ જેમ આ દુનિયામાં નથી રહી.”
“અંજલિ?”
“હા, એજ અંજલિ જેણે અર્ચનાને કોલ કર્યો હતો.”
કેવો કોઈન્સીડેન્સ હતો? અંજલિએ શ્યામના પ્રેમને બચાવ્યો હતો અને શ્યામે અજાણ્યે એના બાળકને બચાવ્યું હતું.
“તું ભાનમાં કયારે આવી હતી?”
“હું ચાર પાંચ કલાક પછી ભાનમાં આવી ગઈ હતી પણ ડોક્ટર મને રજા આપતા ન હતા. ડોકટરે રજા આપી અને મને ખબર પડી કે તને અહી દિલ્હીમાં ટ્રાન્સફર કર્યો છે એટલે સીધી અહી આવી.”
“ટ્રાન્સફર?”
“ચંડીગઢમાં ડોક્ટરે તારા શરીરમાંથી બધી ગોળીઓ કાઢી નાખી હતી પણ ગરદન નીચે એક ગોળી રીડની હડ્ડીની એકદમ નજીક હતી. ડોક્ટરને એ ગોળીની જગ્યા કોમ્પ્લીકેટેડ લાગી એટલે તને અહી રેફર કર્યો.”
શ્યામ જવાબ આપવાને બદલે માત્ર હસ્યો. એ ક્યાંથી કયા પહોચી ગયો હતો. એણે ગરદન ફેરવી એટલે એના મોમાંથી એક હળવી ચીસ નીકળી ગઈ. ચાર્મિએ તરત એનો હાથ પકડી દબાવ્યો.
“ડબ્લ્યુ.એન.એન.ની રિપોર્ટર ઇન્ટરવ્યુ લેવા આવી રહી છે.”
“મારે એમને શું કહેવાનું છે?”
“સબ સચ. બિલ્ડીંગમાં સી.સી.ટી.વી. હતા. પોઈન્ટ ટ્વેન્ટી ટુ ગન પર તારી ફિંગર પ્રિન્ટ છે અને વિક્ટરના ભેજામાં ગોળી.... એક વીકથી ટીવી, સોસીયલ મીડિયા અને યુ-ટ્યુબ પર લોકો સી.સી.ટી.વી. ફૂટેજ જ દેખી રહ્યા છે.”
“મારે જેલમાં જવું પડશે?”
“ના.”
“કેમ? ગુંડાને મારવો પણ કાનૂન મુજબ તો ગુનો જ છે ને?”
“હા, પણ એ સામાન્ય માણસ માટે ગુનો છે. એક એજન્ટ માટે નહિ. હોમ મીનીસ્ટરે તને અન્ડર કવર એજન્ટ જાહેર કરી દીધો છે.”
“કેમ?”
“ચૂંટણી નજીક છે. જો તને સિવિલિયન બતાવે તો કાયદા મુજબ તને એરેસ્ટ કરવો પડે અને તારા બચવા માટે પ્રાર્થના કરતા લોકો સડકો ઉપર આવી જાય. હોમ મીનીસ્ટર તને એજન્ટ જાહેર કરીને ઈલેકશન જીતવા માંગે છે.”
“ઓપોઝીંગ પાર્ટીને શક નહિ થાય?”
“મલિકની ફાઈલ ચાર વર્ષ જૂની છે. એની જગ્યાએ તને ફીટ કરી દીધો છે કેમ કે મલિક સિક્રેટ એજન્ટ હતો એના ચહેરા વિશે કોઈ નથી જાણતું.”
“એ પણ સારું કર્યું, આ બધું એ મલિકના લીધે જ થયું હતું.”
શ્યામે નિરાંતનો એક લાંબો શ્વાસ લઇ છોડ્યો. પણ શ્યામ અને ચાર્મિ કે બીજા કોઈ વ્યક્તિ જાણતા નહોતા કે એજન્ટ મલિક ટ્રેનમાંથી પાણીમાં પડ્યો હતો અને એ ક્યાંક હજુ શ્વાસ લઈ રહ્યો હતો પણ એ જાણતો ન હતો કે પોતે મલિક છે કેમ કે એ એની યાદદાસ્ત ગુમાવી ચુક્યો હતો!
“રિપોર્ટર કો ભેજું?” ચાર્મિએ પૂછ્યું.
“ડબ્લ્યુ.એન.એન. ચેનલ? પેહલે કભી નહિ સુના.”
“છોટા ચેનલ હે દિલ્હી કા પર ઉસકા માલિક દિલ્હી કમિશનર કા ભતીજા હે તો સિર્ફ ઉસી ચેનલ કો તુમ્હારા ઇન્ટરવ્યુ કરને કી પરમીશન મિલી હે. તુમ્હારા ફર્સ્ટ ઇન્ટરવ્યુ આતે હી ચેનલ કી ટી.આર.પી. રાતો રાત બઢ જાયેગી ઔર કલ સે વહ શાયદ નેશનલ ચેનલ બન જાયે તો ભી કોઈ બડી બાત નહિ માની જાયેગી.”
છેલ્લી વાત હિન્દીમાં જ બોલીને ચાર્મિ ગઈ એ સાથે જ એક રિપોર્ટર અંદર દાખલ થઈ.
*
સાંજે ઇન્ટેન્સીવ કેરમાંથી શ્યામને એક બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો. જ્યાં સુધી એ ફરી ચાલતો ન થયો ચાર્મિ જાણે એનું કોઈ નજીકનું સગું હોય એમ એનો ખયાલ રાખવા લાગી હતી. શ્યામ જાણતો હતો કે એના હ્રદયમાં જે લાગણીઓ અર્ચના માટે હતી એવી જ લાગણીઓ ચાર્મિના હ્રદયમાં એના માટે હતી.
ચાર્મિ લાંબો સમય પોતાની લાગણીઓ છુપાવી પણ ન શકી. શ્યામને દવાખાનામાંથી રજા મળી એ જ દિવસે એણીએ શ્યામ આગળ પોતાના મનની વાત રજુ કરી.
શ્યામ અર્ચનાને ભૂલી શકે એમ ન હતો પણ એ જાણતો હતો કે પોતાના જે હાલ અર્ચના વિના થઇ રહ્યા છે એ જ હાલત ચાર્મિની પોતાના વિશે થશે. પોતાને અંધારી દુનિયામાંથી ઉગારી લાવનાર અને હોસ્પીટલમાં ખડે પગે રહી ચાકરી કરનાર ચાર્મિને છોડીને જતા એનું મન ના કહેવા લાગ્યું.
ક્રમશ: