Shamanani Shodhama - 1 books and stories free download online pdf in Gujarati

શમણાંની શોધમાં - પ્રકરણ 1

          રેડ ઈલેન્ટ્રા એક વિશાળ બિલ્ડીંગના ગેટથી થોડેક દૂર ઊભી રહી. ડ્રાઇવર નીચે ઉતરી દરવાજો ખોલે એ પહેલા કારનો દરવાજો ખુલ્યો અને એમાંથી પચ્ચીસ છવ્વીસ વર્ષની એક સુંદર યુવતીએ ડામરના રોડ પર પગ મુક્યો. એનું પાતળું શરીર લેધર જેકેટ અને પેન્સિલ નેરો જીન્સમાં મોહક લાગતું હતું. એ યુવતી ઉતાવળમાં હતી. એ કારમાંથી ઉતરીને ડ્રાઇવરને કોઈ સુચના આપ્યા વિના રસ્તો ઓળંગવા લાગી.

          ડ્રાઇવર ટ્રાફિકમાં આમતેમ નજર કરતો હતો. એ જોતા એ કાર પાર્ક કરવા ન માંગતો હોય એવું લાગતું હતું. એનું કામ મહેમાનોને પહોચાડવાનું અને છોડવાનું હતું. યુવતીને ઉતાવળ હતી પણ ડ્રાઇવરને કોઈ ઉતાવળ નહોતી. કારનું એન્જીન ન્યુટ્રલ ગીયરમાં હળવી ધ્રુજારી સાથે ધબકતું હતું.

          યુવતી રસ્તો ક્રોસ કરે એ પહેલા ડ્રાઇવરે કારને પ્રથમ ગીયરમાં નાખી. યુવતી રસ્તો ક્રોસ કરી રહી ત્યાં સુધીમાં એને છોડવા આવેલી કાર દિલ્હીના ટ્રાફિકમાં ભળી ગઈ. ડ્રાઇવર કોઈ વિચારોમાં ન હતો છતાં એની કાર સ્પીડમાં હતી. કાર કરતા પણ એ યુવતીની વિચાર પ્રક્રિયા વધુ ઝડપી હોય એમ એના ચહેરા પરથી લાગતું હતું.

          પોતે કોઈ ખોટી જગ્યાએ તો ઉતરી નથી ગઈને એની ખાતરી કરવા યુવતીએ વિશાલ બિલ્ડીંગના ગેટ સામે જોયું. એની નજર વાદળી બેકગ્રાઉન્ડમાં સિમ્પલ ફોન્ટમાં દેખાતા સફેદ લખાણ પર પડી.

          કદાચ એની પાસે વાંચવાનો સમય ન હતો પણ એને વંચાઈ ગયું હશે કેમકે એના ચહેરા પરના ભાવ બતાવી રહ્યા હતા કે તે એને જયાં પહોચવું હતું ત્યાં જ પહોચી હતી.

          એ ઉતાવળમાં માત્ર ‘રામ મનોહર લોહિયા’ એટલું જ વાંચીને આગળ વધી હતી. એ પાછળ લખેલા ‘હોસ્પિટલ’ શબ્દને વાંચવા રહી નહોતી.

          હોસ્પીટલના અંદરના ભાગે ડોકટર દર્દીને ઓપરેટીંગ રૂમની બહાર લાવી ઇન્ટેન્સીવ કેર તરફ લઈ જઈ રહ્યા હતા. દર્દીના સ્ટ્રેચરની બંને બાજુ હથિયારબંધ સુરક્ષાકર્મીઓ યંત્રવત ચાલતા હતા.

          ડોકટરના ચહેરા પર ચિંતા હતી. એમના ચહેરા પરનો તણાવ સુચવતો હતો કે કાં’તો એ તાલીમી હતા અથવા દર્દી હજુ જોખમ બહાર નહોતો. સુરક્ષા કર્મીઓના ચહેરા પર કોઈ ભાવ નહોતા. કદાચ એમને દર્દી બચે કે નહી એનાથી કોઈ મતલબ નહોતો. એમને એક જ કામ કરવાનું હતું - કોઈ દર્દીને મારી ન નાખે એનું ધ્યાન રાખવાનું – એમનું કામ દર્દીને સુરક્ષા પૂરી પાડવાનું હતું.

          એમને ડ્યુટી પર ગોઠવનાર એમના ઉપરી પર એ મનોમન હસતા હતા. દર્દીના બચવાની કોઈ આશા નહોતી તો પછી એને મારવા માટે કોઈ નકામી મહેનત કેમ કરે? અરે જે માણસ કેટલાક કલાકોમાં મરી જવાનો છે એને મારવા આવી કડી સુરક્ષામાં આવવાની મૂર્ખાઈ કોઈ કરી શકે એવી કલ્પના એમના ઉપરી જેવો કોઈ એકદમ મુર્ખ માણસ જ કરી શકે એમ સુરક્ષાકર્મીઓને લાગતું. કદાચ તેઓ જાણતા નહોતા કે એ દર્દી કોણ હતો – કદાચ એમને ખબર નહોતી કે એ દર્દીને મોત સાથે કેટલો મજબુત નાતો હતો. એટલે જ એમને નવાઈ થતી હતી કે આઈ.પી.એસ. પાસ કરનાર એમનો ઉપરી એટલો મુર્ખ હોઈ શકે?

          હોસ્પિટલની પરસાળમાં પોલીસ અને પત્રકારો વચ્ચે હિંસા ફાટી નિકળે એવી અજંપાભરી શાંતિ જોવા મળી રહી હતી. એક આઘેડ ડોક્ટરને પત્રકારો કચડી ન નાખે એ માટે પોલીસ પત્રકારોના માઈક અને ડોક્ટર વચ્ચે સલામત અંતર રાખવા માટે સંઘર્ષ કરતી હતી.

          ડોક્ટર મંદ અને થાકેલા અવાજે અંગ્રેજીમાં બોલ્યો જેનો અર્થ કંઈક આવો નીકળતો હતો: આ યુવકને બચાવવા માટે મે અને મારી ટીમે પૂરી કોસીસ કરી છે પણ જો આ યુવક બચી જશે તો એની ક્રેડીટ હું માત્ર ભગવાન અને યુવકના નસીબને આપીશ. હું કે મારી ટીમ નૈતિક રીતે એ ક્રેડીટ લઈ શકીએ એમ નથી.

          ડોક્ટરના શબ્દો ભલે હકારાત્મક હતા પણ એનો અર્થ કોઈ પણ રીતે હકારાત્મક નીકળી શકે એમ નહોતો. એનો અર્થ હતો એ યુવકના બચવાની આશા નહિવત હતી.

          પત્રકારોના સવાલો બુમ બરાડાનું રૂપ લઈ રહ્યા હતા. ડોક્ટર ‘નો મોર કોમેન્ટસ’ એમ કહીને દર્દી પહેલા આઈ.સી.યુ.માં પહોચવાની ઉતાવળમાં હોય એમ પત્રકારોથી પીછો છોડાવી ભાગી રહ્યા હતા.

          પોલીસ પત્રકારોને કાબુ કરવામાં રોકાયેલી હતી જે કામ ગાંડી થયેલી ભીડને કાબુ કરવા કરતા પણ મુશ્કેલ હતું કેમકે પત્રકારો પર લાઠી-દંડાનો ઉપયોગ કરી શકાય એમ નહોતો. હકીકતમાં આજે પત્રકારો પોલીસ માટે હિંસક ભીડ કરતા પણ વધુ ત્રાસદાયક બની રહ્યા હતા.

          “મેં દર્દીસે મિલના ચાલતી હું.” રેડ ઈલેન્ત્ટ્રામાંથી ઉતરી હોસ્પીટલમાં દાખલ થયેલી યુવતી રીસેપ્શન ટેબલ તરફ પહોચી.

          એક હજાર જેટલા બેડની સગવડ ધરાવતી એ હોસ્પિટલમાં ‘દર્દી’ શબ્દ કોના માટે વપરાયો છે એ પૂછવાની રીસેપ્શન પર બેઠી યુવતીને કોઈ જરૂર ન લાગી, “આપ ઉસકે બ્લડ રીલેટીવ હે?”

          “નહી, પર...”

          “માફ કરના. પરિવાર કે અલાવા કિસીકોભી દરદીસે મિલનેકી અનુમતિ નહી હે. મુજે ઉપરસે આદેશ મિલા હે. દર્દી ઈન્ટેન્સીવ કેરમેં હે.” આગંતુક યુવતી આગળ બોલે એ પહેલાં જ રીસેપ્શનિસ્ટે કહ્યું.

          “મેડમ, મેં...”

          “આપ પ્રધાન મંત્રી હો તો ભી કોઈ ફર્ક નહી પડેગા. ઉસકે પરિવાર ઔર અર્ચના કે અલાવા કિસીકો ભી અનુમતિ નહી હે.” રીસેપ્શન ટેબલ પાછળ બેઠી યુવતીએ ખેદ વ્યકત કર્યો.

          આવનાર યુવતી પાસે રીસેપ્શન કાઉન્ટર પર રકઝક કરવાનો સમય ન હતો.

          “અર્ચના.” એક મંદ સ્મિત સાથે આગંતુક યુવતી બોલી અને પોતાના જીન્સ-પોકેટમાંથી પોતાનું આઈ.ડી. નીકાળ્યું.

          “રૂમ નંબર આઠમેં જાકે અપની પહેચાન પ્રૂફ કીજીયે.” રિસેપ્શન ટેબલ પાછળ બેઠી યુવતીએ આવનાર યુવતીના હળવા અવાજે બોલાયેલ અર્ચના શબ્દને સાંભળી લીધો હોય એમ કહ્યું.

          આવનાર યુવતી એકવાર રીશેપ્શન કાઉન્ટરથી આગળ વધી શકે તો પછી એને દર્દી સુધી પહોચવામાં કોઈ મુશ્કેલી પડે એમ નહોતી. સુરક્ષાકર્મીઓ એને સારી રીતે ઓળખતા હતા. પોતાનું આઈડેન્ટિટી હાથમાં જ રાખી એ આઠ નંબરના રૂમ તરફ ઉતાવળે ડગલે આગળ વધી. એના આઇડેન્ટિટી પર અર્ચના લખેલ નહોતું પણ એને ખાતરી હતી કે એ આઈ.ડી.ની મદદથી એ દર્દી સુધી પહોચી શકે એમ હતી.

          એ રૂમ નંબર આઠ તરફ જતી હતી ત્યાંજ એક તરફનો દરવાજો ખુલ્યો અને ત્રણ માણસો એક રૂમ બહાર આવ્યા. એ એમની સાથે ભટકાઈ જ ગઈ હોત. સફેદ એ રૂમમાંથી બહાર નીકળેલા એક દાઢી-મૂછ અને રંગીન પાઘડીવાળા ઘરડા શીખ અને એની જ ઉમરની અને નાજુક બાંધાની અને ભૂરા વાળવાળી યુવતીને આગંતુક યુવતી ઓળખતી હતી. ત્રીજો ચાલીસેક વર્ષનો સજ્જન હતો જે હોસ્પિટલનો ડોક્ટર લાગતો હતો. એ આગંતુક યુવતીના માટે અજાણ્યો હતો.

          “બચને કી કોઈ ઉમ્મીદ..?” યુવતીએ એ માણસોને પૂછ્યું. 

          “નો હોપ...” ભુરાવાળવાળી યુવતીએ જવાબ આપ્યો.

          “ડોક્ટર ક્યા..”

          “મુજે હોપ નહિ હે પર..”  ડોક્ટર જેવો લાગતો વ્યક્તિ આવનાર યુવતીનું વાક્ય પૂરું થાય એ પહેલા જ બોલ્યો.

          “ક્યા પર...” યુવતી અધીરાઈથી બોલી.

          “ડોક્ટર વર્મા અજીબ ઈન્સાન હે. દર્દી કે સીરકા બાલ  હિલ રહા હો તબ ભી વો ઉમ્મીદ નહી છોડતા હે. યહાં તો દર્દી કા દિલ ધડક રહા હે. વો અર્ધ બેહોશી મેં ભી અર્ચના અર્ચના બોલ રહા થા. વર્મા ઉસે એક બાર હોશ મેં તો જરૂર લાયેગા.”

          “આઈ વાન્ટ ટુ સી હીમ.” એ યુવતીએ કહ્યું અને ચારેય આઈસીયુ તરફ જવા લાગ્યા.

          આઈસીયુના દરવાજે ઉભેલ સુરક્ષા કર્મીઓ સરદારજીને જોતાં જ સાવધાનની મુદ્રામાં આવી ગયા. ડોકટરે દરવાજો ખોલ્યો. એ યુવતી અંદર પ્રવેશી.

          “બીના મેરી પરવાનગી કિસીકો અંદર મત જાને દેના.” સરદારજીએ સુરક્ષા કર્મીઓને સુચના આપી અને તેઓ ત્રણે પાછા ફર્યા.

          યુવતીએ જોયું કે રૂમમાં બે પથારી હતી જેમાંથી એક ખાલી હતી જયારે બીજી પર એક યુવકની સારવાર ચાલતી હતી.

          એ દર્દીની નજીક ગઈ. દર્દીના નસકોરામાં નળીઓ લગાવેલી હતી. એના બન્ને હાથ પર ઠેક ઠેકાણે આઈ.વી. લગાવેલી હતી. એની આંખો બંધ હતી. આવનાર યુવતીને યુવકની હિમત, લાગણી, અર્ચના માટેનો એનો પ્રેમ, અર્ચનાને શોધવાની એની જીજીવિષા અને લાચારી યાદ આવ્યાં.

          એ આ યુવકને હ્રદયના ઊંડાણથી પ્રેમ કરવા લાગી હતી અને હમેશા એ જ ઊંડાણથી પ્રેમ કરવાની હતી. પરંતુ એ જાણતી હતી કે આ યુવક એની ખોટી પસંદ હતી. એ અર્ચનાને પ્રેમ કરતો હતો. યુવતી આ વાત જાણતી હતી. એ જાણતી હતી કે હવે અર્ચનાના મળવાની કોઈ આશા નહોતી અને છતાં એ યુવક ક્યારેય આશા નહી છોડે એની પણ યુવતીને ખાતરી હતી.

          એ યુવતીએ અર્ચનાને શોધવામાં કોઈ કસર છોડી નહોતી. એને ખબર હતી કે અર્ચના મળશે તો પોતે જોયેલું સપનું ક્યારેય પૂરું નહિ થાય પણ એને એનાતથી કોઈ ફરક પડતો નહોતો. એ ન્યાયમાં માનતી હતી અને ન્યાય  મુજબ એ યુવક અર્ચનાનો હતો. એ જીવનભર ન્યાયિક લડાઈઓ લડી હતી અને અર્ચના સાથે આ યુવકનો પ્રેમ પામવા ફરિફાઈમાં ઉતરવું પણ એને ન્યાયિક લાગતું નહોતું કેમકે અર્ચના પાસે એ યુવકને છોડી બીજી કોઈ ખુશી નહોતી.

          યુવતી ડોક્ટર તરફ ફરી. એની આંખોમાં આંસુ હતા, “એ ભાનમાં આવે ત્યારે...” 

          એ વાક્ય પૂરું કરી શકી નહી – એના બદલે કહ્યું, “એ ઠીક તો થઈ જશે ને?” 

          એને વિશ્વાસ હતો કે એ જરૂર ભાનમાં આવશે. દુનિયા બીજા કોઈ માટે નહિ તો એ અર્ચના માટે ભાનમાં આવશે. અર્ચનાને ગમે એ ભોગે શોધવી કે પછી એનું શું થયું એ જાણવાની એની જીદ એને મરવા દે એમ નહોતી. એ યુવક જનુની હતો એમાં કોઈ શંકા નહોતી – કદાચ આટલી ભયાનક રીતે જખમી થયા પછી પણ એના શ્વાસ ચાલતા હતા એના માટે એનો જનુન જ જવાબદાર હતો.

          અર્ચના મળે એવી એકપણ આશા હવે નહોતી માટે આગંતુક યુવતીને પોતે જોયેલું સપનું પૂરું થશે એમ લાગતું હતું. એ અપરાધભાવ અનુભવતી હતી. એ અર્ચના પાસેથી એના પ્રેમને છીનવી લેવા માંગતી નહોતી.

          બધા પ્રયાસોના અંતે એ ત્રણ શક્યતાઓ બાંધી શકી હતી.

(1) અર્ચના આ દુનિયામાં નથી.

(2) અર્ચના આ દુનિયામાં છે પણ એ એને બેહદ પ્રેમ કરનારને મળવાની વાત તો દુર પણ એ જીવી રહી છે એ વાતની પણ કોઈ કારણસર ખબર પડવા દેવા માંગતી નથી.

(3) અર્ચના આ દુનિયામાં અત્યારે ઉપયોગમાં લેવાતા કોમ્યુનિકેશનના કોઈ સાધનો વડે ન પહોચી શકાય એવી જગ્યાએ જીવી રહી છે.

          પ્રથમ બે શક્યતાઓમાં એ અર્ચના સાથે કોઈ અન્યાય કરી રહી હોય એમ એને લાગ્યું નહિ.. એ પણ જાણતી  હતી કે ત્રીજી શક્યતા એકદમ ઠગારી હતી .

          “મને ખબર નથી કે તું મને સાંભળી રહ્યો છે કે નહી પણ જો સાંભળી રહ્યો છે તો હું તને પ્રેમ કરું છું અને હું તારી રાહ જોઈ રહી છું.” એના ગળામાં ડુમો ભરાઈ ગયો. એના ડુસકા સાથે શબ્દો બહાર આવ્યા, “મને નિરાશ મત કરજે”

          એ આઈ.સી.યુ.માંથી બહાર નીકળી ત્યારે આંસુઓ એની એના ગાલ પરથી વહેતા હતા. એને વર્ષોથી ઓળખતા સુરક્ષાકર્મીઓ એની આંખોમાં આંસુ જોઈને નવાઈ પામ્યા. એને કોઈએ કયારેય ઉદાસ પણ જોઈ નહોતી. એ યુવતી ક્યારેય હિમત ન હારે એ એને ઓળખનારા માટે સનાતન સત્ય હતું.

          સુરક્ષાકર્મીઓ શું બોલવું એ નક્કી કરી શક્યા નહિ. એ રડતી આંખે જતી હતી. કોઈ પત્રકારની નજરમાં એ આવી જાય તો બીજા દિવસના દરેક ન્યુઝપેપરમાં એનો રડતો ફોટો અને કેટલીયે અફવાઓ છપાઈ જવાની પૂરી શકયતા હતી પણ એને અત્યારે એવી કોઈ ફિકર નહોતી.

              *

          અર્ધ બેભાનાવસ્થામાં બેડ પર સુતો એ યુવકે ભલે આવનાર છોકરીને આવતા જોઈ કે અનુભવી નહોતી પણ એના જતા સમયે એના પગલાનો અવાજ એ અનુભવી શકયો હતો. કદાચ એણે એ યુવતીના છેલ્લા શબ્દો સાંભળ્યા હતા પણ એ શું બોલી હતી એ સમજી શક્યો નહોતો. એ અવાજ એને પરીચિત લાગ્યો પણ અવાજ ઓળખી શક્યો નહોતો.

          એ માંડ હોઠ ફફડાવી બોલ્યો, “અર્ચના...”

          પણ એ શબ્દો એને જ સંભળાયા અને માત્ર એને જ સમજાયા. ખરેખર એના હોઠ ફફડ્યા જ નહોતા. ન કોઈ અવાજ એના મો બહાર આવ્યો હતો. યુવકે આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ એને કંઈ દેખાયું નહિ. એના શરીર સાથે કનેક્ટ કરેલા તબીબી સાધનો એના હ્રદયના ધબકારા અને શ્વાસોશ્વાસ સિવાય એના શરીરમાં થતી અન્ય કોઈ પણ ચેતનાની નિશાની મળતાં જ એલર્ટ આપવા તૈયાર હતાં. પણ એ સાધનોની એક મર્યાદા હતી. એના મગજમાં કોઈ વિચારો ચાલી રહ્યા છે કે નહિ એ જણાવવા સાધનો અસમર્થ હતાં.

          એના મનમાં શું વિચારો ચાલી રહ્યા છે એ જણાવી શકે એવા સાધનોની સેવાનો લાભ લેવા માટે એ ઘણો વહેલો જન્મી ગયો હતો. એ 1985માં જન્મ્યો હતો. એણે ખરેખર 2085માં જન્મવાની જરૂર હતી.

          એના વિચારો મુંબઈની સડકો પર ચાલતી ટેક્સીઓ જેમ દોડ્યા કરતા હતા... વારેઘડીએ રસ્તાઓ બદલ્યા કરતા હતા.....

          એ યાદ કરી રહ્યો હતો... એના જીવનની કેટલીક ક્યારેય ન ભૂલી શકાય એવી પળો એના મનમાં ફ્લેશ બેકની જેમ ચાલી રહી હતી... એના હાથ અને સાથળમાંથી લોહી વહી રહ્યું હતું. ગોળીનો શિકાર બનેલ પીટબુલ છેલ્લા શ્વાસ લઇ રહ્યો હતો. પીટબુલ પર દયા ખાવાનો એ  સમય ન હતો. એ ગમે તેમ કરીને ભાગવા માંગતો હતો.

          એના વિચારો વારવાર કેલેન્ડરની તારીખો કુદી રહ્યા હતા. એ નર્વસ ચહેરે ઘરે જતો હતો કેમકે અર્ચનાનો જન્મદિવસ હતો. એને લાગ્યું  કે અર્ચના એ ગીફ્ટ જોઈને નારાજ થશે કે ઝઘડો કરશે.

          અર્ચનાનો ઉદાસી, ખુશી, ગુસ્સો જેવા ભાવ પ્રકટ કરતો ચહેરો તેની નજર સામે સિનેમાની રીલની જેમ ફરી રહ્યો હતો.. એ ચહેરામાં વચ્ચે કયાંક પ્રીતુ આવીને એની સામે તરસી આંખે તાકી રહેતી.

          ફરી એના વિચારો વળાંક લઇ રહ્યા હતા.

          એને ફાયરીંગનો અવાજ સંભળાયો. ચાર્મીની ગોળીએ એકનો ભોગ લઇ લીધો હતો. ચાર્મીની બીજી ગોળી એના પર તૂટી પડેલા પીટબુલને શાંત કરી રહી હતી. એ ચોક્કસ હતો એ રોઝી કે ક્રિસ્ટી બેમાંથી કોઈ એક હતી પણ કોણ હતી એ બાબતે એ ચોક્કસ ન હતો. એને એ વાતથી કોઈ ફેર પડે તેમ હતો નહિ. એ બંનેને મારવા માંગતો હતો - કોઈ પણ ભોગે.

          એ છેલ્લા એક મહિનાથી ભરપેટ પણ સસ્તું અને સ્વાદવગરનું ખાતો હતો. એ ગુસ્સામાં હતો. એની નજર સામે એક યુવતીની લાશ તરવરતી હતી. એ યાદ કરવા મથ્યો કે એ કોણ હતી? પણ એને યાદ ન આવ્યુ.

          એ અર્ચના હતી...? એ પ્રીતુ હતી...?  એ ચાર્મી હતી...?  

          એને યાદ નહોતું. એનું મન એણે જીવેલી ઘટનાઓ ને કોઈ જૂની રીલની જેમ જોઈ રહ્યું હતું. એના માટે દરેક ચીજ ઝાંખી હતી. કોઈ ચહેરા ઓળખવા એ યુવક માટે અશક્ય કામ હતું.

          એણે ખુબ કોશિશ કરી પણ માત્ર એટલુ જ યાદ કરી શક્યો કે એણે નફરતથી ગોળીઓ ચલાવી હતી અને એને વીંધી નાખી હતી. એને એમ્બુલન્સની સાયરન સંભળાતી હતી.

          એના કાને શબ્દો અથડાતા હતા- ઉસે બેહોશ મત હોને દેના. બેહોશ હો ગયા તો કોમા મેં ચલા જાયેગા.

          એને કાનની એકદમ નજીક ‘પ્લીઝ હિમત રખના, પ્લીઝ બેહોશ મત હોના, તુમ બ્રેવ હો ઔર તુમે થોડા ઔર બનના હોગા’ જેવા શબ્દો સંભળાઈ રહ્યા હતા.

          પણ એ બેહોશ થવા માંગતો હતો. એને પારાવાર વેદના થઇ રહી હતી. કદાચ એનું મગજ ઇચ્છતું હતું કે એ બેહોશ થઇ જાય પણ નક્કી કરી શકતું ન હતું કે બેહોશ થઈને કોમામાં સરી જવું કે ભાનમાં રહીને શરીરને થતી અપાર પીડાથી મરી જવું.

          એ અર્ચના અર્ચના એમ બબડતો હતો. એને અવાજ સંભળાતા હતા- અર્ચના યહી પે હે. તુમ્હારે પાસ બેઠી હે. એની નજર સામે પિંક ટી શર્ટ રેડ થઇ રહી હતી. એણે ફરી એકવાર યાદ કરવા પ્રયત્ન કર્યો પણ એ યાદ કરી શક્યો નહિ. એરકંડીશન્ડ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં એના ચહેરા પર પરસેવો થઇ રહ્યો હતો. એના ચહેરા પરના પ્રસ્વેદ બિંદુ જોઇને ડોક્ટરના ચહેરા પર ચમક આવી રહી હતી.

          એ યુવકને પોતાને કેટલી ગોળીઓ વાગી હતી એ પણ યાદ ન હતું. એને ખબર હતી કે જો એ ખસ્યો તો એ તો.... તો શું થવાનું હતું એ હવે એનું મન યાદ કરી શકે એમ નહોતું.

          વિક્ટર ભાગતો હતો. એણે ચાર્મી સામે જોયું. ચાર્મી પડી હતી. એણે બુમ પાડી પણ કોઈ પ્રતિક્રિયા ન મળી. ચાર્મી બેહોશ હતી! ના, એ બેહોશ ન જ થાય. એ એને ઓળખતો હતો. એ હાર માને એમાંની ન હતી. તો પછી...???

          એક ક્ષણ માટે હોસ્પિટલ બેડમાં રેસ્ટ કરતા એ યુવકનું મન સ્પષ્ટ થઇ ગયું.

          અર્ચના જીવતી હોવાની કોઈ શક્યતા ન હતી અને ચાર્મી મૃત્યુ પામી હતી.

          વિક્ટર ભાગી રહ્યો હતો.

          એ એકલો હતો. અંતમાં સૌ એકલા હોય છે. એને સમજાઈ ગયું કે દરેક વ્યક્તિએ પોતાનું મૃત્યુ જાતે મરવાનું હોય છે. એ મરવા માંગતો હતો. એની નજર સામે અર્ચના અને ચાર્મીના ચહેરા આવ્યા. એને ક્યારેય જન્મ્યા જ ન હતાં એવાં શ્લોક અને રાનીના અવાજો સંભળાયા. એણે વિચાર્યું કે વિક્ટરે પણ પોતાનું મૃત્યુ જાતે મરવાનું હતું. પણ એ વિક્ટરને મારવામાં મદદ કરવાની ઈચ્છાને રોકી શક્યો નહિ. એણે ગન હાથમાં લીધી.

          એક જ ગોળી બચી હતી. એને ધૂંધળું દેખાતું હતું. એને રિવોલ્વરની રેન્જ પર પૂરો વિશ્વાસ હતો પણ એ પોતાની ધૂંધળી દ્રષ્ટી પર ભરોષો કરી શકે એમ નહોતો. એણે આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ ભર્યો.

          એણે આંખો ખોલી. એના શરીર સાથે જોડેલુ કોઈ એક સાધન બીપ બીપ કરવા લાગ્યું હતું. ડોક્ટરે ફોન લગાડ્યો. ડો. વર્મા આ ઉમરે પણ દોડી રહ્યા હોય એમ ઉતાવળા જઈ રહ્યા હતા. યુવાન ડોકટરો તો જાણે કે દોડી જ રહ્યા હતા.

          પત્રકારો પૂછી રહ્યા હતા, “ ઉસને કુછ કહા...?”

          “વહ અભી હોશ મેં આયા હે. ડોકટર વર્મા ને મુજે ભી પેશન્ટ કે કરીબ જાનેસે મના કિયા હે.”

          સરદારજીએ પત્રકારને જવાબ આપ્યો એ શબ્દો પેલી યુવતીના કાને પડ્યા. એ આઈ.સી.યુ. તરફ દોડી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED