શમણાંની શોધમાં - પ્રકરણ 42 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંની શોધમાં - પ્રકરણ 42

          “હેય, પ્લીઝ વોક સ્લોલી, આઈ એમ અનેબલ ટુ વોક સો ફાસ્ટ એઝ યુ.” એક અવાજ શ્યામના કાને પડ્યો.

          શોરબકોર, યુવતીઓની ચીસો, આગના કારણે બુચર હાઉસમાં થતા ધડાકાની વચ્ચે એને એ અવાજ સંભળાયો. એ અવાજ કોઈ સ્ત્રીનો હતો એ સિવાય એ કશું નક્કી કરી શકયો નહિ. એણે પાછળ ફરી જોયું.

          શ્યામ બચર હાઉસમાંથી નીકળી એક સાંકડી ગલીમાં ચડાણ ચડી રહ્યો હતો. એના પાછળના ભાગમાં એનાથી વીસેક ફૂટ ત્રણ રસ્તા બનતા હતા. એક રસ્તો એની જમણી બાજુએ જઈને એક કોટેજમાં પૂરો થતો હતો. બીજો રસ્તો એની ડાબી બાજુ જઇ રહ્યો હતો. એક રસ્તો ચડાણવાળો હતો જે રસ્તા પર એ દસેક મહિનાનું બાળક હાથમાં તેડીને મહામુશ્કેલીએ ચાલી રહ્યો હતો.

          શ્યામને એ સ્વપ્ન યાદ આવ્યું. શું પોતે ફરી સપનું જોઈ રહ્યો છે?

          શ્યામ ચાર્મિનો ચહેરો સ્પષ્ટ ઓળખી શકે એ પહેલાં એને વિકરાળ અટ્ટહાસ્ય સંભળાયું. એણે બાળક તરફ જોયું. બાળકના વાળ આછા ભૂખરા રંગના લાગતા હતા. બાળક એના જેવું સ્લીમ બોડી જ હતું. એની આંખો બંધ હતી. એ બેહોશ ન હતું. ભય કે ધુમાડા બેમાંથી કયા કારણે એણે આંખો બંધ કરી નાખી હતી એ વિચારવાનો એની પાસે સમય ન હતો. એ રડી રહ્યું હતું. ઉપરાંત એ એના હાથમાંથી છટકવા માટે હાથ-પગ વડે તરફડીયા મારી રહ્યું હતું. એ બંને બાબતો એના માટે સારી હતી કેમકે એ બંને બાબતો એ જીવી રહ્યું હોવાનાં પ્રમાણ આપી રહી હતી.

          શ્યામની છાતીના જમણા ભાગ અને ખભામાંથી વહેતું લોહી એના પેટ અને સાથળને ગરમી આપતું હતું.

          ના, શ્યામ સપનું નહોતો જોઈ રહ્યો. એ ચોંકી ગયો. બાળક તો રડી રહ્યું હતું. એ નાનું બાળક હસતું હોય તો પણ એટલું વિકરાળ અટ્ટહાસ્ય એનું ન જ હોઈ શકે. એણે બીજી તરફ જોયું. એ વિક્ટર હતો. એ હસતો હતો.

          વિકટરે ગન ઉંચી કરી એ ક્ષણાર્ધમાં શ્યામ ફર્યો. એણે બાળકને વોલીબોલની જેમ એ સ્ત્રી તરફ ફંગોળ્યું જે સ્ત્રીનો અવાજ સાંભળી એ થોભી ગયો હતો.

          એણે બાળક એ સ્ત્રી તરફ ઉછાળ્યું એની એક સેકન્ડ પહેલાં એ સ્ત્રીની સાથળમાંથી લોહી ફુવારા જેમ ફૂટતું નિહાળ્યું. લોહીનો ફુવારો આડો છૂટ્યો હતો એ સૂચવતું હતું કે ગોળી સાથળને ઘસાઈને નીકળી ગઈ હતી. એ બાળકને ઝીલવા કુદી ન હોત તો ગોળી એની છાતીને વીંધી નાખવાની હતી. એ સ્ત્રીએ હવામાં જ બે કામ કર્યા. એની ગન એણીએ શ્યામ તરફ ફેંકી અને બાળકને જીલી લીધું.

          શ્યામે એ સ્ત્રીએ ફેકેલી ગન પ્રથમ કેચ કરી કે એની પીઠને ગોળીથી ચીરાતી પ્રથમ અનુભવી એ શ્યામ નક્કી કરી શક્યો નહિ. એની પીઠમાં બીજી ગોળી ઉતરતી એણે અનુભવી ત્યારે પેલી સ્ત્રીએ જમીન પર પગ ટેકવી દીધા હતા.

          એ એની ખાસ્સી નજીક આવી ગઈ હતી કે ધુમાડો ઓછો થઇ ગયો હતો જે હોય તે પણ હવે એને એનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એને છેલ્લા ચારેક વર્ષથી સો વાર આવેલ એ સ્વપ્નમાં ક્યારેય સ્પષ્ટ ન દેખાયેલો ચહેરો અત્યારે એને સ્પષ્ટ દેખાતો હતો. એ ચાર્મિ હતી. શ્યામને એનો ચહેરો પહેલીવાર સ્પસ્ટ દેખાયો હતો.

          “ગેટ ડાઉન એન્ડ સેવ યોર લાઈફ.” ચાર્મિ બરાડી.

          શ્યામે મનમાં ગણતરી કરી. ચાર્મિની સાથળમાં એક અને એની પીઠમાં બે એમ ત્રણ ગોળીઓ વપરાઈ ગઈ હતી. હજુ વિક્ટરની ગનમાં ત્રણ ગોળીઓ હોઈ શકે.

          જો પોતે ખસ્યો તો વિક્ટરની બાકીની ત્રણ ગોળીઓ ચાર્મિને કે પેલા બાળકને કે બંનેને વીંધી નાખશે. એનો ભ્રમ તૂટી ગયો હતો. એ અર્ચના નહોતી. એ બાળક એનું નહોતું. છતાં પણ અત્યારે એને એ બાળકની ફિકર થતી હતી. ચાર વર્ષથી એ બાળકને એ જોતો હતો. ભલે સ્વપ્નમાં પણ પોતાના હાથમાં લઈને એ ફરતો હતો. છેલ્લા ચાર વર્ષથી એ બાળકને શ્યામ ચાહતો હતો. શ્યામ એ છોકરીને પણ ચાહતો હતો. ભલે શ્યામ એને અર્ચના ગણતો હતો. ભલે એ ચાર્મિ નીકળી. પણ એ એ સ્વપ્નમાં આવતી છોકરીને ચાહતો હતો. પ્રેમમાં કોઈ શરત નથી હોતી. એણે પ્રથમવાર એ સપનામાં આવી ત્યારથી ચાહવા લાગ્યો ત્યારે કોઈ શરત તો ન હતી રાખી. એણે એ સ્વપ્નની યુવતીને વગર કોઈ શર્તે પ્રેમ કર્યો હતો. એ એનું સપનું હતું.

          શ્યામને વિચિત્ર લાગણીઓ થઈ રહી હતી. એ સ્વપ્નની સુંદરીને શોધવા નીકળ્યો હતો. એનું દિલ એને અર્ચના ગણતું હતું.

          એ ચાર્મિ ન હોત તો પણ એ એને મરવા દેવા માંગતો નહોતો. છેલ્લા ચાર વર્ષથી શ્યામ એ યુવતી સાથે એક અજબ લાગણીથી જોડાયેલ હતો. ચાર્મિએ એને મોતની ખીણમાંથી બહાર કાઢ્યો હતો. ચાર્મિ ન હોત તો એ અત્યારે ન હોત. એનો એના પર ઉપકાર હતો. એનું જીવન ચાર્મિએ આપેલ એક ભેટ હતી. બાળપણથી જ એને ઉપકારનો બદલો ચૂકવી દેવાની તાલાવેલી રહેતી. એ ચાર્મિના ઉપકારનો બદલો અત્યારે જ વાળી શકે તેમ હતો. જો એ અત્યારે એના ઉપકારનો બદલો ન વાળી શકે તો ફરીથી એને મોકો મળવાનો ન હતો.

          ચાર્મિ જ ન રહે તો એના ઉપકારનો બદલો એ કઈ રીતે વાળી શકે? એના ઉપકારનો બદલો વાળવા માટે એને વિક્ટરની ગોળીઓનો રસ્તો રોકવાનો હતો. 

          શ્યામની ગરદનથી ચાર આંગળ નીચે પીઠના ભાગે એક ગોળી ઉતરી. એના હાથમાંથી ગન પડી ગઈ કે એણે પડવા દીધી એ શ્યામ પોતે પણ  સમજી શક્યો નહિ. એણે એના બંને હાથની હથેળીઓ એના માથાની પાછળ ગોઠવી જેથી વિક્ટરની નેક્સ્ટ ગોળી એના માથાના ફુરચા ન ઉડાવી દે.

          ચાર્મિને સાથળમાં ગોળી વાગી એના કારણે કે પછી પથરાળ રસ્તાના કોઈ છુટા પથ્થર પર એનો પગ આવી ગયો હશે એટલે પણ સંતુલન ગુમાવી બેઠી હતી. જમીન પર પડતા પહેલા ચાર્મિએ એના હાથમાં રહેલા બાળકને છાતી સરસું ચાંપી દીધું હતું. એ પીઠના આધારે પછડાઈ. કદાચ એ જાણી ગઈ હતી કે એ હવે ઉભી રહી શકશે નહિ.

          ફરી વિક્ટરની ગનમાંથી બુલેટ નીકળી. શ્યામની પીઠ માટે એ ચોથી અને વિક્ટર માટે એ પાંચમી ગોળી હતી.

          શ્યામનું પૂરું ધ્યાન ચાર્મિ તરફ હતું. એણે ચાર્મિ જમીન પર ફસડાઈ એ સમયે એના માથાને એક પથ્થર સાથે અથડાતું જોયું.

          “ગેટ ડાઉન.” ચાર્મિએ જમીન પર પડ્યા પડ્યા જ રાડ પાડી. એના ચહેરા પર ભયાવહ વેદના અને ઉદાસી દેખાઈ.

          એ ઉદાસી શા માટે હતી?  શ્યામે એને ખોઈ નાખી એમ એ વિચારી રહી હતી.? એણીએ શ્યામને ખોઈ નાખ્યો એમ એ વિચારતી હતી?  

          શ્યામે વિક્ટરની છઠ્ઠી ગોળીનો અવાજ સાંભળ્યો અને એ જ સમયે ચાર્મિની આંખો બંધ થતી જોઈ. પરંતુ ધડાકાની એક જ ક્ષણમાં શ્યામની પીઠે જવાબ આપ્યો કે એ છઠ્ઠી ગોળી પણ પોતે જ પચાવી ગઈ હતી.

          “ચાર્મિ.” શ્યામના અવાજની કોઈ પ્રતિક્રિયા ન મળી.

          ચાર્મિ બેહોશ હતી? ના, એ બેહોશ ન જ થાય. શ્યામ એને ઓળખતો હતો. એ હાર માનનારામાંની ન હતી. તો પછી? એક ક્ષણ માટે શ્યામનું મન સ્પષ્ટ થઇ ગયું. એનું સપનું પૂરું તો નહિ પણ ખતમ જરૂર થઇ ગયું હતું. એની શમણાંની શોધ એક અલગ અંતમાં પરિણમી હતી. એણે જોયું કે પેલું બાળક ચાર્મિની છાતી પર તરફડીયા મારતું હતું. ચાર્મિના હાથની પકડમાંથી એ નીકળી શકતું નહોતું. એના શરીર પર લપેટેલું સફેદ કપડું લાલ થઇ ગયું હતું.. પણ ના એ કોઈ નવા જન્મેલા બાળક જેમ ખૂનથી રંગાયેલું નહોતું.... એ ચાર્મિના લોહીથી ખરડાયેલું હતું.. જે એની મા નહોતી.

          શ્યામ હસ્યો. બાળક એ છાતી પરથી ઉતરવા માટે તરફડીયા મારતું હતું. એણે કલ્પના કરી કે જો એ બાળક એનું હોત તો એને અત્યારે વધુ આનંદ થયો હોત. 

          હકીકતમાં એણે ચાહેલી એવી અર્ચના જીવતી હોવાની કોઈ શક્યતા નહોતી અને સપનામાં એણે જેને ચાહી હતી એ છોકરી ચાર્મિ નીકળી અને ચાર્મિ પણ મૃત્યુ પામી હતી. એની પાછળ પાગલ બનેલી પ્રીતુ અત્યારે પાગલ હતી.

          શ્યામના શરીરમાંથી લોહી સાથે શક્તિ પણ બહાર વહી રહી હતી. એના પગ ધીમે ધીમે ઢીંચણમાંથી વળવા લાગ્યા. ચાર્મિએ ફેકેલી ગન સુધી એના હાથ પહોચે ત્યાં સુધી ઢીંચણ વળ્યા ત્યારે એની આંખ આગળ અંધારા આવી ગયા. એણે ગન હાથમાં લીધી અને પાછળ જોયું.

          વિક્ટર ભાગી રહ્યો હતો.

          શ્યામ એકલો હતો. અંતમાં સૌ એકલા હોય છે. એને સમજાઈ ગયું કે દરેક વ્યક્તિએ પોતાનું મૃત્યુ જાતે મરવાનું હોય છે. એ મરવા માંગતો હતો. એની નજર સામે અર્ચના અને ચાર્મિના ચહેરા આવ્યા. એને ક્યારેય જન્મ્યા જ ન હતાં એવાં શ્લોક અને રાનીના અવાજો સંભળાયા.

          શ્યામે વિચાર્યું કે વિક્ટરે પણ પોતાનું મૃત્યુ જાતે મરવાનું હતું પણ એ વિક્ટરને મારવામાં મદદ કરવાની એની ઈચ્છાને રોકી ન શક્યો. એણે ગન હાથમાં લઈ મેગેઝીન ચેક કર્યું. એના નસીબે એને દગો આપ્યો હતો કે સાથ એ નક્કી કરવું કઠીન હતું. આઠ રાઉન્ડવાળી એ ગનના મેગેઝીનમાં એક જ ગોળી બચી હતી.

          એને ધૂંધળું દેખાતું હતું. એને વિક્ટર દેખાતો હતો. એના દરેક પગલે તેમની વચ્ચેનું અંતર વધતું હતું. એને ચાર્મિની પોઈન્ટ ટ્વેન્ટીટુની રેન્જ પર પૂરો વિશ્વાસ હતો પણ ધૂંધળી દ્રષ્ટી એને નડતી હતી. એણે ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢ્યું. છેલ્લી સિગારેટ વધી હતી. અને કદાચ એ છેલ્લી ન હોત તો પણ શ્યામ માટે છેલ્લી જ હતી!

          શ્યામે લાઈટરથી સિગારેટ સળગાવી. સિગારેટના દરેક કશે એની દ્રષ્ટી તેજ થવા લાગી. હવે એને વિક્ટરનું માથું દેખાવા લાગ્યું. એણે આંખો બંધ કરી. એણે સિગારેટના છેલ્લા કશ સાથે હવાનો પણ એક ઊંડો શ્વાસ ભર્યો. એણે વિચાર્યું છેલ્લી ગોળી, છેલ્લો કસ, છેલ્લા શ્વાસ અને છેલ્લો શિકાર.

          લાલચોળ આંખો ખોલી ત્યારે એ કોઈ શિક્ષક નહોતો. એણે ટ્રીગર દબાવ્યું. ફાયરીંગ પીને પોઈન્ટ ટ્વેન્ટી ટુ કેલીબરની કાટ્રીજને ફટકારી, મઝલમાંથી બુલેટને સેકંડના હજાર ફીટની ગતિએ ધકેલી. બુલેટે વિક્ટરની ખોપડીના ફુરચા ઉડાવી દીધા. કદાચ એ ચાર્મિએ શ્યામને આર્મી હેડક્વાર્ટરમાં આપેલ તાલીમનો ચમત્કાર હતો કે આટલા નિર્દોષ લોકોને મારવાથી વિક્ટરનો ઘડો ભરાઈ ગયો હતો એ નક્કી ન કરી શકાય. પણ આટ આટલી બુલેટ જેના અંગે અંગમાં ધરબાઈ હોય એ શ્યામ એના માથાનું નિશાન લે એ કોઈ ઈશ્વરીય શક્તિ જ હતી. કદાચ એટલે જ એ સપનું નહિ આવતું હોય?

          શ્યામની દ્રષ્ટી પાછી ધુંધળી બની ગઈ. એની આંખો સામે કાળાશ વ્યાપી ગઈ. એના શ્વાસ અટકી અટકીને ચાલવા લાગ્યા. ફેફ્ડામાં લોહી ભરાઈ ગયું હોય એમ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ઉછ્શ્વાસ વખતે મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. એ મોતની રાહ જોવા લાગ્યો!

                                                                                                    *

          આકાશમાંથી હેલીકોપ્ટરોની ઘરઘરાટી આવતી શ્યામને સંભળાઈ. દુરથી ગાજતી પોલીસ સાઇરનો નજીક આવતી એને સંભળાઈ. એને કેટલાક હાથોનો સ્પર્શ થયો. એણે આંખો ખોલવા કોશીસ કરી. એ આંખો ખોલી શક્યો નહિ. એને અવાજો સંભળાતા હતા. “બેહોશ મત હોના, પ્લીઝ હોશમેં રેહના. યુ આર બ્રેવ. પ્લીઝ બી લીટલ મોર બ્રેવ."

ક્રમશ: