રાત એકદમ શાંત હતી. એ રાતે જાણે પવન પણ ભયથી સુન્ન થઈ ગયો હતો. વૃક્ષોના પાનનો ખખડાટ પણ ન થાય એટલી નીરવતા છવાયેલી હતી. વાદળ વિનાના આકાશમાં ચન્દ્ર પોતાના પુરા તેજ સાથે ચમકતો હતો અને 42 એવન્યુ સ્ટ્રીટ એ કિરણોમાં નાહતી હતી. ચારે તરફ ધુમ્મસ એટલો છવાયેલ હતો કે ડિસોઝા હાઉસનું પાટિયું લટકતો બંગલો એ ચાંદનીમા પણ નજરે ચડે એમ નહોતો.
ચારેક હાજર ચોરસફૂટના બાંધકામ અને સાતેક હજાર ચોરસ ફૂટના પ્રાંગણવાળાએ બંગલાને દૂધ જેવા સફેદ રંગે ધોળેલો હતો. બંગલાના સફેદ રંગને જોતા એમાં રહેનારા સફેદ રંગ પસંદ કરનારા માણસો શાંતિપ્રિય હશે એવો ભ્રમ થાય એમ નહોતો કેમકે બંગલા આસપાસ જાણે નકારાત્મક ઉર્જા કુંડલી મારીને પડી હતી. કોણ જાણે કેમ પણ એ બંગલાને જોતા જ લોકોના હ્રદયમાં ભયની લાગણી જન્મતી હતી. લોકો એ બંગલાથી દુર જ રહેવાનું પસંદ કરતા હતા.
ડિસોઝા હાઉસનું પાટિયું લાગેલ એ ખખડધજ્જ બંગલો એની આસપાસ ઉભા સુકા ઠુઠા જેવા વૃક્ષોના લીધે એકદમ બિહામણો લાગતો હતો. એ બંગલાની આસપાસ માઈલો સુધી કોઈ માનવ નહિ હોય એમ બતાવતા ચારે તરફ માત્ર અને માત્ર એ સુકા વૃક્ષોનું જ સામ્રાજ્ય હતું.
લોકો કદાચ એ ઘર શાપિત છે એમ માનીને એની નજીક નહિ ફરકતા હોય કેમકે એ ઘરમાં વરસો પહેલા એક દુર્ઘટના ઘટી હતી જે લોકો આજ સુધી ભૂલી શક્યા નહોતા. ઘરના માલિક ખ્રિસ્તી ડિસોઝા અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
ડિસોઝા નામચીન ગુંડો હતો. એના નામથી શહેરની ભલ-ભલી ટોળકીઓ થથરતી હતી. એ રોડ રેજ હોય, શેરીની લડાઈ હોય કે હાઈવેની લુંટ હોય પોલીસ તપાસમાં શકમંદની યાદીમાં દરેક ગુનામાં ડિસોઝાનું નામ અચૂક રહેતું હતું. પોલીસને પણ લાગતું હતું કે ટૂંક સમયમાં ડિસોઝા અન્ડરવલ્ડમાં પોતાનું નામ બનાવી નાખશે પણ એવું થયું નહોતું. ડિસોઝા અને એની પત્નીનું એમના જ બંગલામાં કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું.
હત્યારા કોઈ અજાણ્યા નહોતા એ ડિસોઝાની પોતાની જ ગેન્ગના માણસો હતા જે એક બેંક લુંટ કરીને રકમના ભાગ પાડવાની બાબતે એના દુશ્મન બની ગયા હતા.
એ હત્યા વખતે મરનાર ડિસોઝાનો દસ વર્ષનો દીકરો એ જ ઘરમાં હાજર હતો જેણે એની ઉમર વીસ વર્ષ થઇ એ પહેલા એના મા બાપના કાતીલોને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા અને પોતે પણ પિતાના રસ્તે ચાલી આજે પહેલા નંબરના ભાડુતી હત્યારા તરીકે નામના મેળવી ચુક્યો હતો.
એ શાપિત બંગલાની પોર્ચ પાસે એક બેન્ઝ પાર્ક થયેલ હતી જેના પર ન્યુયોર્કની નંબર પ્લેટ દેખાતી હતી. બેન્ઝ ઊંચા મોડેલની એસયુવી હતી એ જોતા ખ્યાલ આવતો હતો કે દીકરો બાપ કરતા આગળ નીકળી ગયો હતો. જે રકમ માટે બાપની હત્યા થઈ હતી એની ચારગણી રકમની ગાડી તો હવે ઘરના દરવાજે ધૂળ ખાતી હતી.
લોકો માટે એ ઘર શ્રાપિત હતું પણ એ ઘરના વારસ સાયમન માટે નહિ. એ મોટા ભાગે પોલીસથી બચવા ત્યાં જ આવીને રહેતો. આજે પણ એ પોતાના એ ખખડધજ્જ બંગલાના ઉપરના માળે ત્રીજા નંબરના બેડરૂમમાં આરામ ફરમાવતો હતો.
સામાન્ય સંજોગોમાં એને ફોયરમાં જ કોચ પર સુઈ જવું પસંદ હતું પણ આજે લીલી તેની સાથે હતી માટે એને બેડરૂમમાં જ સુવાનું પસંદ કર્યું હતું.
બહાર સુકા ઠુંઠા પર બેઠેલ ઘુવડે એકાએક ચિચિયારી પાડી અને એ શાંત વાતાવરણની નીરવતાને હણી નાખી પણ એ સાયમન કે લીલીને ખલેલ કરી શક્યું નહિ કેમકે સાયમન જાણતો હતો કે એ સુકા ઠુંઠા જેવા વૃક્ષોમાં ઘુવડની સંખ્યા જરૂર કરતા વધારે હતી માટે ઊંઘતાં પહેલા એણે એ રૂમની બંગલાના બહારની તરફ પડતી બારી બંધ કરી નાખી હતી, એને બંગલાના અંદરના જ ભાગમાં પડતી બારી બંધ કરી નહોતી. એ જાણતો હતો કે એ તરફની બારીથી કોઈ ખલેલ કરી શકે એવો અવાજ સંભળાવાની કોઈ શકયતા નહોતી. પણ એ દિવસે એની શકયતા ખોટી પડી.
ફોયરમાં લેન્ડલાઈન નંબરની ઘંટડી એકાએક રણકી ઉઠી. એ શાંત રાતમાં એ તીણો અવાજ સાયમનના કાન સુધી પહોચતા વાર ન લાગી.
એ બેડ પરથી ઉભો થયો. લીલી એની બાજુમાં જ સુતી હતી. લીલીએ ટેલીફોનની રીંગ સાંભળી નહોતી.
સાયમને એક નજર તેના કાંડા પરની ક્વાર્ટ્ઝ પર કરી. રાતના દોઢેક વાગ્યા હતા. આ સમયે કોણ હશે?
એણે મનોમન કોલ કરનારને એક ગંદી ગાળ ભાંડી અને એના માથામાં હાથ ફેરવતો સીડીઓ ઉતરી ફોયરમાં આવ્યો. સાયમન માથામાં વાળ રાખતો જ નહી. ન્યુ યોર્કના માફિયાઓની એ પરંપરાગત સ્ટાઈલ હતી.
“હલો..” એણે રીસીવર કાને ધર્યું. એ હજુ અડધી ઊંઘમાં હોય એમ લાગતું હતું.
“સાયમન..” સામે છેડેથી આવતો અવાજ એકદમ તીણો હતો. એ અવાજમાં યુરોપિયન એસંટને બદલે ભારતીય એસન્ટ ભળેલો હતો.
“યસ... સ્પીકિંગ..”
“આઈ એમ વિક્ટર... વિક્ટર ફ્રોમ ઇન્ડિયા...” સામે છેડેથી અવાજ આવ્યો. વિક્ટર નામ સંભાળતા જ સાયમનની આંખોમાં રહી સહી ઊંઘ હતી એ પણ ઉડી ગઈ હતી.
“યેહ..”
“આઈ હેવ અ જોબ ફોર યુ..”
“ધ ઓબ્જેક્ટીવ.?”
“આઈ નીડ યુ ઇન ઇન્ડિયા. યુ હેવ ટુ ફ્લાય ટુ દિલ્હી ઈમેજીયેટલી. યુ લીવ ઓન ટુનાઈટ્ ફ્લાઈટ ટુ દીલ્હી ફ્રોમ ન્યુ યોર્ક.”
“ટુ નાઈટ...!” સાયમનના શબ્દો પ્રશ્નાથ હતા કે ઉદગાર એ સમજવું મુશ્કેલ હતું.
“યસ... ટુ નાઈટ... આઈ હેવ બુકડ યોર ટીકીટ ઇન અમેરિકન એરલાઈન્સ..”
“વોટ્સ ધ જોબ સર...?
“યુ હેવ ટુ કિલ અ મેન. એઝ યુઝઅલ...”
વિકટરે સાયમનને કેટલીક સૂચનાઓ આપી અને આખરે ફોન મુકતાં પહેલા સાયમને પૂછ્યું, “ધ સબ્જેક્ટ.?” સબ્જેક્ટ શબ્દ એ પોતાના શિકાર માટે વાપરતો.
“એજન્ટ મલિક, સ્પેસીઅલી ટ્રેઈન ઇન દેહરાદુન એન્ડ એઝ શાર્પ એઝ બ્લેડ ઓફ રેઝર.”
વિકટરના જવાબ સાથે કોલ ડીસ કનેક્ટ થયો.
સાયમને રીસીવર ગોઠવ્યું અને ફરી સીડીઓ ચડી ઉપરના રૂમે જવા લાગ્યો. વિકટર એનો જુનો ક્લાયન્ટ હતો એના માટે એણે અનેક દેશોમાં અનેક લોકોની હત્યા કરી હતી. સાયમને હત્યાની દુનિયામાં લઇ જનારનું શ્રેય વિકટરના જ ફાળે જતું હતું.
“હની આર યુ ગોઇંગ ટુ ઇન્ડિયા.?” એ ફરી બેડ રૂમમાં પહોચ્યો એ સાથે જ લીલીએ પુછ્યું.
“યસ હની..”
“નાઉ એટ ધીસ ટાઈમ...?”
“યસ... ડીયર આઈ હેવ ટુ ટેક કેર ઓફ માય ક્લાયન્ટસ.” એણે પોતાની બેગ પેક કરતા કહ્યું.
*
સાયમન પોતાની બ્લેક હેન્ડબેગ બેન્ઝની ડીકીમાં ગોઠવી ડ્રાઇવર સીટ પર બેઠો અને એરપોર્ટ તરફ જવા માટે બેન્ઝ ઝડપી ગતિએ આગળ જવા લાગી.
એ બંગલો ફરી એકલો બની ગયો.
બેન્ઝની ગતિ સાથે સાયમનના વિચારો દોડતા હતા. એ વિચારતો હતો કે માણસે ક્યારેય કોઈ ભૂલ ન કરવી જોઈએ. એના ચહેરા પર ઉદાસી હતી કેમકે એ જેની સાથે છેલ્લા ચાર મહિનાથી રીલેશનમાં હતો એ લીલીને એણે બંગલો છોડતા પહેલા પોતાની સાયલેન્સર ગન વડે હંમેશા માટે સાયલંટ કરી નાખી હતી.
સાયમનનો નિયમ હતો કે માણસે કોઈ ભૂલ ન કરવી જોઈએ અને લીલીએ સાયમન ઇન્ડિયા જવાનો છે એ વાત સાંભળી લેવાની ભૂલ કરી હતી પણ સાયમન પોતે કયાં જઈ રહ્યો છે એનો કોઈ પગેરું પોતાની પાછળ છોડવાની ભૂલ કરી શકે એમ નહોતો. કદાચ એટલે જ વિક્ટરે એને ન્યુયોર્કથી ઇન્ડિયા બોલાવ્યો હતો એજન્ટ મલિકનું કામ તમામ કરવા માટે અને એ પણ કોઈ જ પગેરું છોડ્યા વિના. સાયમન જાણતો નહોતો કે એનો મુકાબલો જીવનમાં પહેલીવાર એવા માણસ સાથે થવાનો હતો જે એની જેમ જ કોઈ પગેરું ન છોડવામાં માનતો હતો. બે વજ્ર ટકરાવાના હતા એ હકીકતથી અજાણ સાયમન ભારત રવાના થયો હતો.
ક્રમશ: