પહેલો વરસાદ.....
શબ્દમાં જ એવું લાગે કે બે તરસ્યા હૈયાનું મિલન. એક એવો અહેસાસ કે દર વર્ષે વરસાદ આવે પણ એક વરસાદ એવો હોય જે ક્યારેય ન ભૂલાય.
"ઓ વાદળ ! તું વરસ અનરાધાર કે હું ભીંજાવા આવું,
દિલનું દર્દ ચુપકેથી તારા પાણી સાથે આંખોથી વરસાવું."
આવું લગભગ દરેકના જીવનમાં હોય. મારું પણ એક સપનું હતું તારી સાથે એક વરસાદમાં ભીંજાવાનું. મારી સાથે તું હોય અને વરસાદ હોય. પણ આ બધા માટે 'તું' હોવો જરૂરી છે. તું જ નથી. ચારેકોર નજર નાખુ છું તું ક્યાંય દેખાતો નથી. શોધું છું તને દરેક ક્ષણે પણ એવી કોઈ ક્ષણ નથી આવતી કે તું મળી જાય મને.
"રિમઝિમ વરસતાં વરસાદમાં તારી યાદોની કૂંપળ ફૂટી છે,
ભીંજાવા તારી સાથે ફરી દિલમાં એક આશ ઉઠી છે."
વિરહના આવા ચોમાસા તો કેટલાયે વીત્યા. હવે તો જાણે વરસતો વરસાદ પણ મારી આંખોના પાણીની જેમ અનરાધાર વરસતો લાગે છે. આવી જા એકવાર તો જીવતર જીવવા જેવું લાગે. તને યાદ છે કે નહી એ તો નથી ખબર પણ મને આજે પણ યાદ છે. વરસતો વરસાદ હતો ને તું સામેથી આવી રહ્યો હતો. ભીંજાયેલો તું દુનિયાથી બેપરવાહ થઈ પોતાની મસ્તીમાં રસ્તા પર ભરાયેલા પાણીમાં કૂદી કૂદીને પાણી ઉછાળવાની ને ભીના થવાની મજા લેતો આગળ જતો હતો. સાથે જે નાનું બાળક દેખાય એને પણ ઊંચકીને ભીંજવતો અને પાણી ઉછાળતો. ત્યારે મને થયું કે હું પણ આવું બાળક હોતે તો એ મને પણ ભીંજવતે આવી રીતે. આવા તો કેટલાયે દિવસો તને અલ્લડ મસ્તીમાં ફરતો જોયો છે.
મને કેટલીયે વખત તારી સાથે ભીંજાવા દોડી આવવાનું મન થતું પણ કોઈ દિવસ હું તારી નજીક પણ ન આવી શકી. કદાચ તને ખોઈ દેવાની બીક હતી. પણ તું તો આવી શકતે ને મારી નજીક. મારી આંખોમાં તને ક્યારેય તારા માટેની તડપ ન દેખાય ? એક તને જોવા માટે વલખાં મારતી મારી આંખોની ભાષા તું કેમ સમજી ન શક્યો ?
હવે શું મતલબ છે આ વાતનો જ્યારે તું છે જ નહીં. તું તો અચાનક ગયો અને એ પણ એવો કે ક્યારેય પાછો ન આવે. ને હું આજે પણ રાહ જોઉં છું તારી. મન કહે છે તું નહીં આવે પણ દિલ માનતું જ નથી. આજે પણ દિલમાં આશ છે કે તું આવશે. જરૂરથી આવશે. કંઈ નહી તો મારી કોરી થઈ ગયેલી આંખોને ભીંજવવા આવશે. ભલે ત્યારે વરસાદ હોય કે ન હોય તારા પ્રેમથી તું મને ભીંજવશે.
કેટલી સરસ લાગે છે આ વાત. આ એક સપનું હોય તો સપનાની હકીકત તારા આવવાથી પૂર્ણ થશે. આવે છે વરસાદ કંઈ કેટલાયે વરસથી પણ હું તો હજીયે કોરી ઊભી છું તારી રાહ જોઈને. આંખોના આંસુ પણ સુકાય ગયા વહી વહીને. હવે તો તું આવે ને ખુશીથી છલકાય જાય આ આંખો બસ એવી જ એક ઈચ્છા છે.
"અષાઢી મેઘની જેમ તારી યાદો મુશળધાર, ને શ્રાવણના સરવરિયાની જેમ આંખો વરસે અનરાધાર.
ભાદરવાની ગાજવીજ સાથે તને જોવા આ દિલ તડપે, કદાચ આસોની નવરાત્રિમાં તારી ઝલક જોવા મળે."
એક પછી એક આવતા દરેક તહેવારમાં તને જોવાની આશ વધતી જાય ને પૂરી થાય એવા કોઈ એંધાણ નથી. તું જ્યાં હોર ત્યાં તને શું મારા પ્રેમની અનુભૂતિ નથી થતી. વળી એક બીજા ચોમસાની શરૂઆત થઈ રહી છે. તારી સાથે ભીંજાવાની આશ પાછી જાગી ઊઠી છે. કોઈ તો એવો રસ્તો હોય કે જેના પર ચાલીને તું મારી પાસે આવી શકે અથવા હું તારી પાસે આવી શકું. જોઉં છું રાહ તારી આજે પણ એ વાત તારા સુધી કોઈ તો પહોંચાડી શકે.
"કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વિજળી ચમકે
ને લાગે જાણે દિલમાં તારી યાદોની ચીખ ઊઠે
ગરજતાં વાદળ તો ગરજીને શાંત થઈ જશે
તારી યાદોથી મને મુક્તિ ક્યારે મળશે ?"
હવે તો જે આશ હતી તારા આવવાની એ પણ તૂટતી જણાય છે. આંખોમાં પણ ઝાંખપ આવી ગઈ છે પણ દિલમાં તારી યાદો અકબંધ છે. એ યાદો માટે પણ એકવાર આવી જા.
"હવે તો જીવનની પણ સંધ્યા થઈ ચૂકી છે.
મોત નામનું અંધારું ક્યારે છવાઈ જશે ખબર નથી. સંધ્યાએ થતાં ક્ષિતિજના મિલનની જેમ
એક પલના મિલન માટે તો આવી જા."