પ્રારંભ - 79 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 79

પ્રારંભ પ્રકરણ 79

હિરેન કાનાણીએ કુરિયરમાં હોસ્પિટલ અને સાથે બીજા બિલ્ડીંગનો સંપૂર્ણ પ્લાન મોકલ્યો હતો. સાથે એક સીડી અને એક લેટર પણ મોકલ્યો હતો.

કેતને લેટર વાંચ્યો. # કેતનભાઇ આ સાથે તમારા ગોરેગાંવના પ્લૉટમાં બનનારી હોસ્પિટલ અને તમારા આધ્યાત્મિક પ્રવૃત્તિઓના બિલ્ડીંગનો પ્લાન મોકલ્યો છે. તમે જે બિલ્ડરને કામ સોંપવા માગતા હોય એની સાથે એકવાર મારી મિટિંગ કરાવી દેજો એટલે હું બધું એને સમજાવી દઈશ. બંને બિલ્ડીંગનો પ્લાન પાંચ માળનો બનાવ્યો છે જેથી વાસ્તુદોષ ઉભો ન થાય. અત્યારે તમારા આધ્યાત્મિક બિલ્ડીંગમાં પાંચમા માળે ખાલી એક મોટા હોલનું પ્લાનિંગ કર્યું છે.

# બંને બિલ્ડિંગોમાં કઈ સાઈઝના અને કેટલા પિલ્લર ઉભા કરવા એની બધી જ માહિતી પ્લાનમાં છે છતાં મારે બિલ્ડર સાથે ચર્ચા કરવી પડશે. આ એનો વિષય છે.

# આ સાથે એક સીડી પણ મેં મોકલી છે એ તમે જોઈ લેજો. બંને બિલ્ડીંગો કેવાં બનશે એનો સંપૂર્ણ આઈડિયા તમને આવી જશે.

કેતને સીડી કાઢીને કોમ્પ્યુટરમાં ભરાવી અને ચાલુ કરી. કેતન લેટેસ્ટ થ્રી-ડી એનીમેટેડ પ્લાન જોઈને છક થઈ ગયો.

આબેહૂબ જાણે કે હોસ્પિટલ અને બિલ્ડીંગ બની ગયા હોય એટલી અદભુત સીડી હતી. મુખ્ય ગેટ પણ બનાવેલો હતો. એમ્બ્યુલન્સ પણ ઉભી હતી. વાહનો પણ પાર્ક થયેલાં હતાં. અંદરના બંને ગેટ અને ત્યાં ગોઠવેલા સિક્યુરિટી ગાર્ડ પણ ઉભા હતા.

જાણે કે બની ગયેલી હોસ્પિટલના ફોટોગ્રાફ લીધા હોય એ રીતે પાંચે પાંચ માળ એકદમ ક્લિયર દેખાતા હતા. તો જમણી બાજુ પાંચ માળનું બિલ્ડીંગ પણ એકદમ ક્લિયર હતું. કેતન જેમ જેમ માઉસ ફેરવતો ગયો તેમ તેમ દરેક ફ્લોર એને દેખાતો ગયો. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઓપીડી, પહેલા માળથી દરેક ફ્લોર ઉપર જુદા જુદા વોર્ડ, ઓપરેશન થિયેટર વગેરે બધું જ સ્પષ્ટ દેખાતું હતું.

તો બાજુના મકાનમાં હિમાલયની પ્રતિકૃતિ જેવો વિશાળ હોલ, પહેલા માળે જીમ અને પાછળના હોલમાં મંત્ર સાધના કરવા બેઠેલા માણસો પણ સ્પષ્ટ દેખાતા હતા. બીજા માળે ભોજનશાળામાં કિચન અને જમવા માટેનાં ટેબલો ગોઠવેલાં હતાં.ત્રીજા અને ચોથા માળે સામ સામે રૂમો બનેલી પણ દેખાઈ ! અમેઝિંગ !!

માની જ ના શકાય એવી આ થ્રી-ડી એનીમેટેડ ટેકનોલોજી હતી. બિલ્ડરને રૂબરૂ મળીને સમજાવવાની જરૂર જ ના પડે એટલી ડિટેલ્સ આ સીડીમાં લાઈવ દેખાતી હતી.

કેતન એટલો બધો ખુશ થઈ ગયો કે એણે જાનકી અને શિવાનીને બૂમ પાડી અને આ આખી સીડી બતાવી. એ લોકો પણ આશ્ચર્ય પામી ગયા. એ પછી આ સીડી સિદ્ધાર્થભાઈ ઘરે આવ્યા પછી રાત્રે બધાંએ એક સાથે જોઈ.

" કેતન તેં તો અમને વાત પણ ના કરી કે તું આટલી મોટી હોસ્પિટલ બનાવી રહ્યો છે ! તેં વાત કરી હોત તો અમે થોડા ના પાડવાના હતા ? આ તો બહુ સારો પ્રોજેક્ટ છે. " જગદીશભાઈ બોલ્યા.

" હું તમને લોકોને સરપ્રાઈઝ આપવાનો હતો એટલે જ અત્યાર સુધી મેં કોઈને વાત કરી નથી કે આ પ્લૉટમાં હું શું કરવાનો છું. આપણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી રહ્યા છીએ. બાજુના બિલ્ડિંગમાં ધ્યાન કેન્દ્ર, મંત્ર સાધના હોલ, સાધુ સંતો માટે રહેવાની રૂમો, ભોજનાલય બનશે. પાછળથી ચોથા માળે વૃદ્ધાશ્રમ બનાવવાની પણ ઈચ્છા છે." કેતન બોલ્યો.

જગદીશભાઈ જાણતા હતા કે કેતન પૂર્વ જન્મના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માગતો હતો એટલે એમને કેતનની વાતોથી કોઈ નવાઈ ન લાગી.

એ દિવસે સાંજે કેતન પપ્પાના રૂમમાં ગયો.

" પપ્પા મારે તમારી સાથે થોડીક અંગત વાત કરવી છે. રાત્રે જમ્યા પછી મારા બેડરૂમમાં આવજો ને ! " કેતન બોલ્યો.

જગદીશભાઈ સમજી ગયા કે પૈસા અંગેની જ કોઈ ચર્ચા કરવાની હશે. કારણકે પૂર્વ જન્મના અભિશાપની વાત એમના સિવાય કોઈ જાણતું ન હતું.

રાત્રે જમ્યા પછી જગદીશભાઈ કેતનના ફ્લેટમાં આવ્યા અને થોડીવાર ડ્રોઈંગ રૂમમાં જ બેઠા. આ રીતે એ કેતનના ફ્લેટમાં ઘણીવાર આવતા એટલે કોઈને નવાઈ ન લાગી.

થોડીવાર પછી કેતન ઉભો થયો અને બેડરૂમમાં ગયો. જગદીશભાઈ પણ પાછળ પાછળ આવ્યા.

"પપ્પા કોઈ લાંબી ચર્ચા મારે કરવાની નથી. તમે તો મારો ભૂતકાળ અને પૂર્વ જન્મ બધું જ જાણો છો. તમે મારા ખાતાઓમાં નાખેલા ૨૮૦ કરોડમાંથી માત્ર ૩૦ કરોડ ખારના બંગલામાં વપરાયા છે અને ૭ કરોડ આ ફ્લેટમાં. મારો હોસ્પિટલનો પ્રોજેક્ટ ઘણો મોટો છે અને એમાં પાછળથી બીજા ૧૦૦ ૨૦૦ કરોડની જરૂર પડશે. આઠ દસ મહિનામાં આટલી વ્યવસ્થા થઈ શકે તો સારું. બેંકની કોઈ લોન લેવાની મારી ઈચ્છા નથી. " કેતન બોલ્યો.

"તું જરા પણ ચિંતા ના કરીશ બેટા. આપણી પોતાની ઘણી પ્રોપર્ટી છે. છ મહિનામાં બધી વ્યવસ્થા થઈ જશે. આ સિવાય પણ કોઈ મદદ જોઈતી હોય તો કહેજે. " પપ્પા બોલ્યા.

" ના પપ્પા આ સિવાય મારે કોઈ મદદની જરૂર નથી. મારા દાદાનું હું પ્રાયશ્ચિત કરી રહ્યો છું. મારા દિવ્ય ગુરુજીનો જે આદેશ છે એ પ્રમાણે હું કરી રહ્યો છું. એક બીજી વાત પણ તમારાથી છાની રાખવા હું નથી માગતો. આ પ્લોટ રુચિએ મને ગિફ્ટ આપ્યો છે. ગુરુજીએ જ એને પ્રેરણા આપીને અપાવ્યો છે. મુંબઈ જેવા શહેરમાં ૬૦૦૦ વારનો પ્લોટ મને મફતમાં મળેલો છે. આનાથી મોટી ગુરુકૃપા કઈ હોઈ શકે ? " કેતન બોલ્યો. જગદીશભાઈ આશ્ચર્યથી સાંભળી રહ્યા.

" આટલો મોટો પ્લોટ તને ગિફ્ટમાં મળ્યો છે તો એ વાત તારે ઘરમાં બધાને કરવા જેવી હતી. સૌ સૌના પ્રારબ્ધનું સૌને મળે છે. તું એક બે દિવસમાં સિદ્ધાર્થને પણ વાત કરજે. પાછળથી એને ખબર પડે તો મનદુઃખ થાય. આટલી મોટી વાત ઘરનાથી છાની રાખવી નહીં જોઈએ બેટા." જગદીશભાઈ બોલ્યા.

" ઘરનાથી છાનું રાખવાનો મારો એવો કોઈ ઈરાદો હતો જ નહીં પપ્પા અને એ મારા સ્વભાવમાં પણ નથી. બસ હું સરપ્રાઈઝના મૂડમાં હતો કે એક દિવસ હું બધાંને સરપ્રાઈઝ આપું પરંતુ હવે તમે કહો છો તો હું આજકાલમાં જ ડાઇનિંગ ટેબલ ઉપર પ્લૉટની વાત કરી દઈશ. " કેતન બોલ્યો.

એ પછી જગદીશભાઈ કેતનના ઘરેથી નીકળીને સિદ્ધાર્થના ફ્લેટમાં ગયા.

બીજા દિવસે સવારે ચા નાસ્તો કરતી વખતે બધાંની હાજરીમાં ડાઇનિંગ ટેબલ ઉપર જ કેતને વાત કરી.

"મમ્મી પપ્પા મેં તમારા બધાંથી એક વાત છાની રાખી છે અને એની પાછળનો મારો ઇરાદો બધાંને એકદમ સરપ્રાઈઝ આપવાનો હતો. પરંતુ ગોરેગાંવના પ્લૉટ ઉપર હવે નવી હોસ્પિટલ બનાવવાની તૈયારી કરી રહ્યો છું ત્યારે મારે વધુ વખત આ વાત છાની રાખવી જોઈએ નહીં. " કેતન બોલ્યો.

"એવી તે વળી કઈ વાત છે કે તારે અમને સરપ્રાઈઝ આપવાનું હતું ?" પપ્પા બોલ્યા. જાણી જોઈને એ અજાણ રહ્યા.

"પપ્પા મને ગોરેગાવમાં ૬૦૦૦ વારનો પ્લોટ જે મળ્યો છે તે રુચિ તરફથી ગિફ્ટમાં મળ્યો છે. એક પણ રૂપિયો મારે આપવાનો નથી અને મારા નામે એનો દસ્તાવેજ પણ થઈ ગયો છે. " કેતન બોલ્યો.

" વાઉ ! આ તો માની જ ના શકાય તેવી વાત છે. ૧૦૦ કરોડ ઉપરની રકમનો આટલો વિશાળ પ્લોટ મુંબઈ જેવા શહેરમાં કોઈ કોઈને ગિફ્ટ આપે ખરું ? કેતન તું ખરેખર ખૂબ જ નસીબદાર છે અને તારા ઉપર સાચે જ ગુરુકૃપા છે. ખારનો આટલો મોટો બંગલો પણ એણે અડધા ભાવે આપી દીધો " સિદ્ધાર્થ બોલી ઉઠ્યો.

"સાચી વાત છે ભાઈ ગુરુકૃપા તો પૂરેપૂરી છે. મને સપને પણ ખ્યાલ ન હતો કે હું આટલી મોટી વિશાળ હોસ્પિટલ બનાવીશ ! " કેતન બોલ્યો.

જગદીશભાઈને સંતોષ થઈ ગયો કે કેતને રજૂઆત સારી રીતે કરી. બે ભાઈઓ વચ્ચે ક્યારેય પણ કોઈ કડવાશ થાય એવું જગદીશભાઈ ઇચ્છતા ન હતા. જો કે આ વાત કડવાશ ઉભી કરે એવી હતી જ નહીં છતાં કુટુંબથી કંઈ પણ ખાનગી ન રહે એવી જગદીશભાઈની ભાવના હતી.

હિરેનભાઈએ પ્લાન મોકલ્યો એની સાથે પાંચ લાખ રૂપિયાનું બિલ પણ મોકલી આપ્યું હતું. કેતને તરત જ કુરિયરથી ચેક મોકલી આપ્યો.

હવે કોઈ પણ હિસાબે કામ શરૂ કરવાનું હતું અને એના માટે સારો બિલ્ડર મળવો ખૂબ જ જરૂરી હતો. મુંબઈમાં પણ ઘણા સારા બિલ્ડરો હતા અને સુરતમાં પણ હતા. સુરતમાં ઓળખાણ નીકળી શકે પણ સુરત વાળા બિલ્ડર મુંબઈનું કામ સંભાળી ના શકે. કેતન પોતે મુંબઈમાં નવો હતો એટલે લલ્લન પાંડેને જ વાત કરવાનું નક્કી કર્યું.

" પાંડેજી મૈંને આપકો બોલા થા કિ મેરા કન્સ્ટ્રક્શન ચાલુ હોને વાલા હૈ તો મુજે એક બિલ્ડર ભી ચાહિયે ઓર દો તીન કોન્ટ્રાક્ટર ભી ચાહિયે તાકિ જલ્દ સે જલ્દ કામ પૂરા હો સકે. " કેતન બોલ્યો.

"કોન્ટ્રાક્ટર તો તુરંત મિલ જાયેંગે. ચાર પાંચ કોન્ટ્રાક્ટર્સ કો મૈં જાનતા ભી હું જો ગોરેગાંવ જોગેશ્વરીમેં હી રહેતે હૈં. રહી બાત બિલ્ડરકી... તો મેરે ધ્યાનમેં દો અચ્છે બિલ્ડર હૈ લેકિન ઉનકે સાથ મીટીંગ તો આપકો હી કરની પડેગી. ઈતના બડા કામ હૈ તો આપ ખુદ બાત કરો વો અચ્છા રહેગા." પાંડે બોલ્યો.

" ક્યા નામ હૈ બિલ્ડર કા ? " કેતને પૂછ્યું.

" એક કંપની કા નામ હૈ સુજાતા બિલ્ડર્સ. બિલ્ડર કા નામ હૈ વિનોદ લાલવાણી. દુસરે બિલ્ડર કા નામ હૈ પ્રશાંતભાઈ જસાણી. કંપનીકા નામ ભી જસાણી બિલ્ડર્સ હૈ. વો શાયદ ગુજરાતી હૈ. અંધેરી ઈસ્ટમેં રહેતે હૈ." પાંડે બોલ્યો.

"એક કામ કરો. આપ દો તીન દિનમેં હી જસાણી બિલ્ડર્સવાલે પ્રશાંતભાઈ કે સાથ મેરી એપોઇન્ટમેન્ટ ફિક્સ કર દો. " કેતન બોલ્યો. એનું અંતરમન કહેતું હતું કે જસાણી બિલ્ડર્સ સાથે એનું ટ્યુનીંગ થઇ જશે.

"ઠીક હૈ સર. મૈં ફોન કરું તબ આપ અંધેરી ઓલ્ડ નાગરદાસ રોડ પર આ જાના." પાંડે બોલ્યો અને ફોન કટ કર્યો.

ગ્રહો અનુકૂળ હોય એટલે બધું ફટાફટ થઈ જતું હોય છે. લલ્લન પાંડેએ પ્રશાંતભાઈ સાથે એવી સરસ રીતે વાત કરી કે પ્રશાંતભાઈ બીજા જ દિવસે કેતનને મળવા માટે આતુર થઈ ગયા.

અંધેરી ઓલ્ડ નાગરદાસ રોડ ઉપર જસાણી બિલ્ડર્સની ઓફિસ આવેલી હતી. પાંડેએ આપેલા સરનામે કેતન બીજા દિવસે સાંજે ત્રણ વાગે પહોંચી ગયો. સાથે હિરેનભાઈએ બનાવેલો પ્લાન અને સીડી પણ લેતો ગયો.

" આવો આવો કેતનભાઈ. તમે પણ લેઉવા પટેલ છો એટલે મને તમારા પ્રોજેક્ટ ઉપર કામ કરવાની વધારે ઈચ્છા થઈ. મારા એક બે મિત્રો પણ સાવલિયા છે. તમારું વતન કયું ? " પ્રશાંતભાઈ બોલ્યા. એમની ઉંમર ૫૫ આસપાસ દેખાતી હતી.

" અમારું મૂળ વતન ભાયાવદર. પણ દાદાના વખતથી અમે સુરત આવી ગયેલા. અમારો મૂળ બિઝનેસ ડાયમંડનો છે. મને પોતાને ડાયમંડમાં રસ ઓછો છે અને થોડો ઘણો સ્પિરિચ્યુઅલ છું એટલે આ બધી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયો છું. સુરતના હિરેનભાઈ કાનાણીએ આ પ્લાન બનાવેલો છે. ગોરેગાંવમાં ફિલ્મસીટીથી આગળ ૬૦૦૦ વારનો મારો પ્લોટ છે. તમે આ પ્લાન જોઈ લો. " કેતન બોલ્યો.

" સુરતમાં આર્કિટેક્ટ તરીકે કાનાણી સાહેબનું બહુ મોટું નામ છે. એમણે તો એક હોસ્પિટલ પણ સુરતમાં બનાવી છે એટલે એમના પ્લાનમાં કંઈ કહેવા જેવું હોય જ નહીં. " કહીને પ્રશાંત ભાઈએ પ્લાન ઉપર પોતાનું ધ્યાન ફોકસ કર્યું. દસેક મિનિટ પ્લાન સમજી લીધા પછી એમણે કોમ્પ્યુટરમાં સીડી ભરાવી.

" વાહ... લેટેસ્ટ એનીમેટેડ પ્લાન બનાવ્યો છે. આખો પ્લાન મારા મગજમાં બેસી ગયો છે. " પ્લાન અને સીડી જોયા પછી પ્રશાંતભાઈ બોલ્યા.

" છતાં આર્કિટેકટ હિરેનભાઈએ કહ્યું છે કે કામ શરૂ કરતાં પહેલાં એક વાર બિલ્ડર સાથે મારી મીટીંગ કરાવી દેજો. તો હું હિરેનભાઈને ફોન કરીને તમારું નામ ફોન નંબર અને એડ્રેસ આપી દઉં છું એટલે એ ત્રણ ચાર દિવસમાં આવીને તમને મળી જશે. " કેતન બોલ્યો.

" માય પ્લેઝર. મને મળવાનું ચોક્કસ ગમશે. " પ્રશાંતભાઈ બોલ્યા.

" બસ હવે વહેલામાં વહેલી તકે આપણે કામ શરૂ કરવું છે. અને તમે પૈસાની કોઈપણ જાતની ચિંતા ના કરશો. તમે જે કહેશો તે મળી જશે. એડવાન્સ કહેશો તો એડવાન્સ પણ મળી જશે. " કેતન બોલ્યો.

" કેતનભાઇ મને પાંડેજીએ તમારો સંપૂર્ણ પરિચય આપી દીધો છે. તમારી સાથે કામ કરવાનો મને આનંદ થશે. આટલી મોટી હોસ્પિટલ બનાવવી એ મારા માટે પણ ગર્વની વાત છે. એડવાન્સ પૈસાની મને કોઈ જરૂર નથી. જરૂર પડશે ત્યારે ચોક્કસ માગી લઈશ." પ્રશાંતભાઈ બોલ્યા.

" થેન્ક્સ....હવે કામની વાત. તમારા કન્સ્ટ્રક્શનના કામ માટે પાંડેજીના ઓળખીતા બે ત્રણ કોન્ટ્રાક્ટર તૈયાર જ છે. પાંડે સાહેબ રાજકારણી તો છે જ પરંતુ સાથે સાથે પોતે લેબર કોન્ટ્રાક્ટર પણ છે. " કેતન બોલ્યો.

"પાંડેજી કો કૌન નહીં પહેચાનતા ? બરસોં સે પોલિટિક્સ મેં હૈ. લોગોં કે કામ ભી બહોત કરતે હૈ. ઈસી લિયે તો હર બાર ઇલેક્શનમેં જીત જાતે હૈં." પ્રશાંતભાઈ પાંડે સામે જોઈને બોલ્યા.

"લોગોં કા પ્યાર હૈ પ્રશાંતભાઈ. બસ આપ લોગોંકી સેવા કરતા રહેતા હું. " પાંડે હસીને બોલ્યો.

"કેતનભાઈ હું પોતે બિલ્ડર છું. મારા પોતાના કોન્ટ્રાક્ટર તો હોય જ. પાંડેજી લેબર કોન્ટ્રાક્ટર તરીકે ભલે કામ કરતા. એમની પાસે કોઈ કોન્ટ્રાક્ટર હોય તો આપણે એમનો ઉપયોગ આગળ ઉપર કરીશું. અત્યારે જરૂર નથી. હવે મારે પ્લોટ જોવો પડશે. " પ્રશાંતભાઈ બોલ્યા.

" શુભસ્ય શીઘ્રમ્ ! આપણે અત્યારે જ નીકળીએ. હાઇવે થી અડધા પોણા કલાકમાં પહોંચી જઈશું. " કેતન બોલ્યો.

" અરે તમે પહેલીવાર મારી ઓફિસે આવ્યા છો. ઠંડુ કે ગરમ શું લેશો ?" પ્રશાંતભાઈ બોલ્યા.

"એ બધું પછી. સૌથી પહેલાં આપણે પ્લૉટ જોઈ લઈએ. આપણે તો મળવાનું થવાનું જ છે. ચા પાણી પછી પીશું. " કેતન બોલ્યો અને ઉભો થયો.

પ્રશાંતભાઈ પણ ઊભા થયા અને પોતાના આસિસ્ટન્ટને પણ મેજર ટેપ લઈને સાથે આવવાનું કહ્યું.

ત્રણે ત્રણ ગાડીઓ પોણા કલાક પછી ગોરેગાંવના પ્લૉટ ઉપર પહોંચી ગઈ.

" વાહ ! સરસ લોકેશન છે કેતનભાઇ. એકદમ રોડ ટચ જગ્યા છે. એકદમ શાંત એરિયા છે. આજુ બાજુ પણ કોઈ ભીડભાડ નથી. ફિલ્મસિટીનો રોડ છે. અહીં હોસ્પિટલ ખરેખર જામી જશે. " પ્રશાંતભાઈ બોલ્યા અને અંદર પ્રવેશ કર્યો.

પ્લૉટની અંદર ચારે બાજુ એમણે ચક્કર માર્યું. પ્લાન પણ સાથે લાવેલા હતા એટલે સાઇટની એસી ઓફિસમાં બેસીને પ્લાન ખોલ્યો અને બધું સમજી લીધું.

એ પછી એમના માણસને મેજર ટેપ પકડાવીને ગેટ ઉપર ઉભો રાખ્યો અને એમણે મુખ્ય ગેટથી શરૂ કરીને માપ લેવાનું શરૂ કર્યું અને ૩૦ વાર લંબાઈ માપીને ત્યાં પગથી નિશાન કર્યું. એ પછી એમના માણસે સાથે લાવેલા સફેદ પાવડરથી ત્યાં લાઈન દોરી કરી. કમ્પાઉન્ડની જે દીવાલ હતી ત્યાં પણ એમણે નિશાન કર્યું. ગેટ થી ૩૦ વાર જગ્યા છોડી દેવાની હતી.

એ જ પ્રમાણે ડાબી બાજુની કમ્પાઉન્ડ વૉલથી ૪૦ વાર માપીને ત્યાં પણ નિશાન કર્યું. જેથી પ્લોટના બે ભાગ થઈ શકે.

" અત્યારે માપ લઈ લીધું છે. કાલે સવારે ફરીથી મારો માણસ આવી જશે અને ફરીથી માપીને જમીનમાં ખૂંટી નાખી જશે. ચોમાસુ છે એટલે વરસાદથી આ સફેદ પટ્ટો ધોવાઈ જાય તો પણ ખૂંટી નાખેલી હોય એટલે વાંધો ના આવે." પ્રશાંતભાઈ બોલ્યા.

" તમારું કામ મને ગમ્યું. પપ્પા સાથે આજે વાત કરી લઉં. ખાતમુહૂર્ત માટે એ આજે પંડિતજીને પૂછવાના છે. દિવસ ફાઇનલ થઈ જાય એટલે આ પ્લોટમાં ખાતમુહૂર્ત કરી દઈએ. એ પછી તમે સૌ પ્રથમ બોરનું કામ ચાલુ કરાવી દેજો. " કેતન બોલ્યો.

" તમારા વગર કહે બોરનું કામ સૌથી પહેલું જ થશે કારણ કે પાણી વગર આગળ કામ ચાલે જ નહીં. " પ્રશાંતભાઈ હસીને બોલ્યા.

" પહેલાં ત્યાં ઝુંપડપટ્ટી હતી એટલે પાણીનું કનેક્શન તો પ્લૉટ સુધી લાગેલું જ છે. એક પબ્લિક નળ પણ મૂકેલો છે. છતાં કન્સ્ટ્રક્શન માટે ખૂબ જ પાણીની જરૂર પડે. " કેતન બોલ્યો.

" પાણીનું કનેક્શન લાગેલું છે એ આપણા માટે પ્લસ પોઇન્ટ છે. " પ્રશાંતભાઈ બોલ્યા.

એ પછી કેતન ત્યાંથી છૂટો પડી ગયો અને સીધો પોતાના ઘરે ગયો. ઘરે જઈને કેતને જગદીશભાઈને સુરત પોતાના પંડિતજી સાથે વાત કરવાનું કહ્યું.

" પપ્પા હવે તમે પંડિતજીને પૂછીને જલ્દીથી ખાત મુહૂર્તનો દિવસ નક્કી કરો. કારણકે આજે બિલ્ડર સાથે પણ મારી મીટીંગ થઈ ગઈ છે. અને ગમે ત્યારે આપણે કામ ચાલુ કરી શકીએ તેમ છીએ. " કેતન બોલ્યો.

" હું અત્યારે જ તારી હાજરીમાં જ પૂછી લઉં છું."કહીને જગદીશભાઈએ સુરત પોતાના પંડિતજીને ફોન કર્યો.

" અરે શાસ્ત્રીજી હું જગદીશભાઈ સાવલિયા બોલું. અત્યારે તો હું મુંબઈ છું અને અહીં મારા દીકરાએ એક પ્લોટ રાખ્યો છે. કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરવું છે. નજીકમાં ખાતમુહૂર્ત માટે કોઈ સારો દિવસ મને જણાવો ને ! " જગદીશભાઈ બોલ્યા.

" તમને પાંચ મિનિટમાં ફોન કરું " સામેથી શાસ્ત્રીજી બોલ્યા અને ફોન કટ કર્યો.

એ પછી પાંચ મિનિટમાં જ સુરતથી શાસ્ત્રીજીનો ફોન આવી ગયો અને એમણે અઠવાડિયા પછીનું શ્રાવણ સુદ એકાદશીનું મુહૂર્ત કાઢી આપ્યું.

એકાદશીનો દિવસ તો આમ પણ જગદીશભાઈને ખૂબ જ પ્રિય હતો. એમણે તરત જ કેતનને વાત કરી.

" પપ્પા તમે એ પંડિતજીને જ એકાદશીના દિવસે મુંબઈ બોલાવી દો ને ! કારણ કે અહીં આપણે કોઈને ખાસ ઓળખતા નથી." કેતન બોલ્યો.

"ઠીક છે હું એમને જ કહી દઉં છું." કહીને જગદીશભાઈએ શાસ્ત્રીજીને મુંબઈ આવી જવાની વિનંતી કરી.

અને એકાદશીના દિવસે વહેલી સવારે શાસ્ત્રીજી મુંબઈ આવી ગયા અને ૯:૩૦ વાગે સમગ્ર પરિવારની હાજરીમાં શાસ્ત્રીજીએ મંત્રોચ્ચાર સાથે જાનકીના હાથે કેતનના સપનાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાવ્યો. હાજર રહેલા સહુએ ગોળધાણા ખાધા.

કેતને આગલા દિવસે સિઝા ગાડી પણ મનસુખભાઈને મોકલીને મંગાવી લીધી હતી. એટલે એમાં બેસીને જયેશનું ફેમિલી અને મનસુખભાઈનું ફેમિલી પણ આવી ગયું હતું.

ખાતમુહૂર્ત થઈ ગયા પછી સહુના માટે આજે કેતનના ફ્લેટમાં જમણવાર રાખ્યો હતો. મહારાજ ચાર વાગે ઊઠીને કેતનના ફ્લેટમાં રસોઈ કરવા લાગી ગયા હતા.

બાર વાગે જ્યારે બધા ઘરે પહોંચ્યા ત્યારે જમવામાં લાડુ દાળ ભાત શાક રાયતું અને મેથીના ગોટા તૈયાર જ હતા ! કેતને ગુરુજીને થાળ ધરાવી દીધો એટલે મનસુખભાઈ અને એમનાં પત્ની સહુને પીરસવાના કામે લાગી ગયાં.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)