પ્રણય પરિણય ભાગ ૫૯
બધાં કાવ્યાને સુખરૂપ જોઈને ખૂબ ખુશ હતા. ઘરના બધા એને મળવા હોસ્પિટલમાં આવ્યા હતાં. બસ એક ગઝલ નહોતી આવી. વિવાનની નજર એને શોધતી હતી. એ વાત દાદીના ધ્યાનમાં આવી. બધા કાવ્યા સાથે વાતોમાં ગૂંથાયેલા હતાં ત્યારે દાદી વિવાનને લઇને બહાર આવ્યાં.
'શું થયું દાદી?' વિવાને પૂછ્યું.'
'વહુને શોધી રહ્યો છે?'
'હાં, એ કેમ નથી આવી?' વિવાનના અવાજમાં થોડી નિરાશા હતી.
'એ પિયર ગઈ છે. કાલે સવારે અમે હોસ્પિટલમાં આવ્યા ત્યાર પછી એ પિયર ગઈ.'
વિવાન ચમકીને દાદી સામે જોઈ રહ્યો.
'એ પિયર જવાની છે એવું મને તો તેણે કહ્યું નહોતું.' વિવાન બોલ્યો.
'અમને કોઈને પણ કશું કહ્યું નથી. અમે કાલે ઘરે ગયા ત્યારે નોકરે કહ્યુ કે એ સવારથી બહાર ગઈ છે. પછી કૃષ્ણાએ તેના ભાઈના ઘરે ફોન કર્યો ત્યારે ખબર પડી કે એ ત્યાં ગઈ છે.' દાદીએ વિગતવાર કહ્યુ.
વિવાનને ઘણું માઠું લાગ્યું. આ સમયે જ્યારે તેને– તેની ફેમીલીને, કાવ્યાને તેની જરૂર છે ત્યારે તે કોઈને કશુ કીધા વગર પિયરમાં જઈને બેસી ગઈ હતી.
વિવાનના ચહેરા પરના હાવભાવ જોઈને દાદી તેને સમજાવતા બોલ્યા: 'વિવાન.. નારાજ નહીં થા બેટા. તું એની જગ્યાએ રહીને વિચાર.. એ પોતે કેટલી તકલીફમાંથી પસાર થઇ રહી હશે એ સમજ. તેના મનમાં અત્યારે કેવી ઉથલપાથલ મચી હશે એની કલ્પના છે મને. તારે એની પરિસ્થિતિ સમજવી જોઈએ.'
'મેં એને ઘણી સમજાવી હતી દાદી.. સાચું શું છે તે બધું એને કહ્યુ. છતાં પણ..?' વિવાન હતાશ થઇને બોલ્યો.
'નાની છે એ હજુ. અને નાદાન પણ. તારી વાત સાચી છે કે તે અત્યારે આપણી સાથે હોવી જોઈતી હતી. પણ એ છોકરૂ છે. અને તારા પર ગુસ્સે પણ છે. એટલે સમજવું તો તારે જ પડશે બેટા.' દાદીએ વિવાનને હેતથી સમજાવ્યો.
'હમ્મ.' વિવાને માથુ હલાવ્યું.
'તું હવે વધુ વિચાર નહી. અને તેને પણ એડ્જસ્ટ થવાનો, પરિસ્થિતિ સમજવાનો, પરિવાર સાથે ભળવાનો સમય આપ.' દાદીએ તેના માથે હાથ ફેરવીને કહ્યુ અને ઉભા થઈને કાવ્યાના વોર્ડમાં જતા રહ્યા.
વિવાન એમ જ બેંચ પર હાથનો ટેકો દઇને બેઠો હતો. ત્યાં રઘુ આવ્યો.
'ભાઈ..'
'હમ્મ..'
'શું વિચારો છો?'
'ગઝલ ઘર છોડીને પિયર જતી રહી છે.'
'હેંએએ..!?' રઘુને આશ્ચર્ય થયું.
'હાંં રઘુ. મને લાગતું હતું કે તેને મારા પર થોડો તો વિશ્વાસ હશે.. મારા દુખનો થોડો ઘણો અહેસાસ હશે.. પણ નહીં.. મને કશું કહ્યા વગર, ગુસ્સો અને ગેરસમજ કરીને એ પિયર જતી રહી.. ચલ મારા માટે નહીં, પણ કાવ્યા માટે તો થોડી સહાનુભૂતિ દાખવવી જોઈતી હતી. કમસેકમ એક વાર તો અહીં આવી હોત તો. પછી ભલે પિયર ચાલી જતી.'
'તમે ભાભી માટે ગેરસમજ કરી રહ્યા છો ભાઈ..' રઘુએ કહ્યુ અને વિવાને ચમકીને તેની સામે જોયું.
'ભાભીનો તમારા પરનો ગુસ્સો હું સમજી શકું છું પણ તેને કાવ્યા પ્રત્યે સંવેદના કે લાગણી નથી એ તમારી માન્યતા ભૂલ ભરેલી છે. તમને નથી ખબર પણ કાવ્યાનું ઓપરેશન પત્યું ત્યારે ભાભી અહીં જ હતાં.' રઘુએ કહ્યું.
'વ્હોટ??' હવે આશ્ચર્ય પામવાનો વારો વિવાનનો હતો.
'હાં, જયારે તમે સમાઈરાના પેટ પર માથું મૂકીને રડી રહ્યાં હતાં ત્યારે ભાભી અહીં હતાં. તેણે તમને એ અવસ્થામાં જોયાં અને તમારા તરફ આગળ વધી રહેલા તેના પગલા પાછા હટી ગયા. હું દોડતો તેની પાછળ ગયો અને પરિસ્થિતિ સયજાવવાની કોશિશ કરી પણ તે અતિશય નારાજ થયા હતા. હું ઘરે જઉં છું એમ કહીને નીકળી ગયા.'
'ઓહ માય ગોડ!!! તેણે કોઈ ગેરસમજ ના કરી હોય તો સારું.' વિવાન ટેન્શનમાં આવી ગયો.
'તે આપણાં ઘરે જવાને બદલે પિયર જતા રહ્યા એટલે કદાચ તેને ગેરસમજ થઈ જ હશે.' રઘુએ અનુમાન કર્યું.
'ઓહ ગોડ! હું જેટલી આ ગૂંચ ઉકેલવાની કોશિશ કરુ છું એટલી વધુ ગાંઠો પડતી જાય છે. મેં તો ફક્ત ભાવાવેશમાં આવીને સમાઈરાને ભેટી હતી.' વિવાન અસહાય નજરે રઘુ સામે જોઈ રહ્યો.
'ખબર છે મને.. પણ હવેથી તમારે આવી બધી વાતોનું ધ્યાન રાખવું પડશે.' રઘુએ કહ્યુ.
'હું હમણાં જ તેને ફોન કરીને બધી ચોખવટ કરી લઈશ.'
'મને નથી લાગતું કે ભાભી હમણાં તમારો ફોન ઉપાડે. થોડો સમય જવાદો, એના ઠંડા પડવાની રાહ જુઓ.'
'હમ્મ..' વિવાનને પણ રઘુની વાત સાચી લાગી.
**
મલ્હારના મોબાઈલ પર રીંગ વાગી.
'બોસ, એક બાતમી મળી છે..' ફોન ઉપાડતાં જ તેનો માણસ બોલ્યો.
'બોલ.'
'બોસ, કાવ્યાએ એક્સિડન્ટ બાબતમાં કોઈ ખાસ જાણકારી પોલીસને નથી આપી.'
'વ્હોટ??'
'હાં બોસ, તેણે તેના એક્સિડન્ટ બાબતમાં પોલીસ સામે તમારુ નામ પણ લીધું નથી. એ રાત્રે તમે બંને મળ્યા હતા એવું કશું પણ કીધું નથી.'
'એવુ કેમ શક્ય છે?' મલ્હારને માનવામાં નહોતુ આવતું.
'કદાચ આ બધામાં તેના ઉપર જ કીચડ ઉછળે એટલે છેવટે તો શ્રોફ ખાનદાનની બદનામી જ થાય એવો તેને ડર લાગ્યો હશે.' પેલા મણસે અંદાજો બાંધીને કહ્યુ.
'બની શકે કદાચ..' મલ્હાર બબડ્યો.
'હજુ એક વાત કહેવાની હતી.' પેલા માણસે કહ્યુ.
'ફટાફટ બોલ.'
'ગઝલ કાલની વિવાનનું ઘર છોડીને તેના ભાઈના ઘરે જતી રહી છે.'
'કેમ? કોઈ કારણ?'
'ના, તે હજુ સુધી સમજાયું નથી.'
'ઠીક છે.' કહીને મલ્હારે ફોન કાપ્યો. અને વિચારમાં પડ્યો.
આજે ગમે ત્યારે તેની ધરપકડ થવાની શક્યતા હતી પરંતુ તેના વિશે વિચારવાને બદલે એના મનમાં 'કાવ્યા એટલી શાંત કેમ છે?' એ બાબતના વિચારો ચાલી રહ્યાં હતાં. એના લગભગ બે કલાક પછી ઈડીએ મલ્હારની ધરપકડ કરી લીધી.
હવે તેની પાસે જેલમાં બેઠા બેઠા 'કાવ્યા શાંત કેમ છે?' એ વિચારવા માટે પુષ્કળ સમય હતો.
**
કાવ્યાને હવે નોર્મલ આઇ.સી.યુ.માં શિફ્ટ કરવામાં આવી હતી. બધાં તેને મળીને ઘરે જતા રહ્યા પણ વિવાન તેની પાસે જ હતો. હવે તેને કોઈપણ પ્રકારનું રિસ્ક લેવું નહોતું. તે સાજી થઈને ઘરે આવે ત્યાં સુધી તેનો પડછાયો બનીને તેની સાથે રહેવાની ઈચ્છા વિવાનને હતી.
'ભાઈ..' કાવ્યા તેની સામે જોઈને બોલી.
'હાં બચ્ચા.'
'મેં બરાબર કર્યું ને?'
'હાં.' વિવાને હકારમાં માથુ હલાવ્યું.
'મેં પોલીસને સાચી વાત ના જણાવી એટલે બધાને ગુસ્સો આવ્યો હશેને?'
'તું એ બધો વિચાર નહીં કર. જે તારી ઈચ્છા હશે તે જ થશે.' વિવાન તેના માથા પર હાથ ફેરવતાં બોલ્યો.
'મારે તેને તડપતો જોવો છે ભાઈ.. મને તેણે પ્રેમજાળમાં ફસાવીને મારા અજન્મા બાળકની બલી લીધી છે. ભાઈ, મારે તેનો બદલો લેવો છે. મારે તેને મારા હાથે સજા કરવી છે.' બોલતી વખતે કાવ્યાની છાતીમાં ડૂમો ભરાયો એની આંખો છલકાઇ ઉઠી.
'શશશ્શ.. બધું જ તું કહે એમ થશે. તેના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. હવે એકપણ દિવસ એ શાંતિથી નહીં જીવી શકે. તેની આખી જિંદગી બરબાદ થવાની છે.' વિવાન કાવ્યાનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો.
કાવ્યાએ પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં મલ્હારનુ નામ કેમ ના આપ્યું એનુ કારણ જાણવા આપણે થોડા કલાકો પાછળ જવું પડશે.
ફ્લેશબેક:
કાવ્યા ગઈ કાલે રાત્રે રાત્રે હોશમાં આવી એ સમયે..
વિવાન આખી રાત કાવ્યા પાસે બેઠો રહ્યો. તેણે થોડી હલચલ કરી એટલે વિવાને તેનો હાથ હાથમાં લીધો તેના હાથ પરના લોહીના છાંટા પર તેનુ ધ્યાન ગયું. તેને તરત જ ખબર પડી હતી કે કાવ્યાએ પોતે જ પોતાને બચાવી લીધી હતી અને હુમલાખોરને મારીને ભગાવી દીધો હતો. તે કોફી પીવા ગયો અને પાછળથી પાંચ જ મિનિટમાં આ ઘટના બની ગઈ હતી. તેની આંખોમાં આંસુ હતાં.
'આઈ એમ સોરી બચ્ચા.. મારે તને એકલી નહોતી મૂકવી જોઈતી.' એમ બોલીને તેણે કાવ્યાના હાથ ચુમ્યાં. એ સાથે જ કાવ્યાના ડોળા ફર્યા. તેણે આંખો ખોલી.
'કાવ્યા..!!!' વિવાન ખુશ થયો. કાવ્યાએ ગરદન ઘૂમાવીને તેના તરફ જોયું. કાવ્યાની આંખોમાં પાણી આવ્યાં. વિવાને ડોક હલાવીને જ 'નહી' એમ કહ્યું અને તેના આંસુ લૂછ્યા.
બે ચાર ક્ષણ એમજ વીતી
'બચ્ચા.. તુ ટેન્શન નહીં લે. બઘુ બરાબર થઈ જશે. હું છું અહિ, તારી પાસે. હું હવે મલ્હારને છોડવાનો નથી. તું કોઈ ફિકર નહી કરતી. હું ડોક્ટરને બોલાવું છું.' એમ કહીને વિવાન ઉભો થવા ગયો ત્યાં કાવ્યાએ તેનો હાથ પકડી લીધો અને નકારમાં માથું હલાવ્યું. વિવાને આશ્ચર્યથી તેની સામે જોયું.
'ભાઈ, મને ઠીક થઇ જવા દે.' કાવ્યા બોલી. તેને બોલવામાં તકલીફ પડી રહી હતી. એ વચ્ચે વચ્ચે કણસી રહી હતી.
'ભાઈ.. એ મારો ગુનેગાર છે. એને હું સજા કરીશ… ભાઈ.. પ્રોમિસ કર કે તુ એને મારા માટે જીવતો છોડીશ..' કાવ્યા ધીમા અવાજે અટકી અટકીને બોલતી હતી.
'કાવ્યા, બેટા.. અમે છીએ ને અહીં.. તું એની ચિંતા છોડી દે.' વિવાન બોલ્યો.
'તેણે મારી પાસેથી માતૃત્વ છીનવી લીધું, મારા પ્રેમને દગો દીધો. મારો ગેરફાયદો ઉઠાવ્યો. તેના માટે થઈને મેં તારા સાથે છેતરપીંડી કરી ભાઈ.. મેં તને પણ અંધારામાં રાખ્યો.. તમારા બધાનો વિશ્વાસ તોડ્યો.. પ્રોમિસ મી, હું સાજી થઇ જાઉં ત્યાં સુધી તું એને કશું નહી કરે..' કાવ્યાની આંખોમાં મલ્હાર માટે ભયંકર ધૃણા દેખાઇ રહી હતી.
'ઓકે.. તું જેમ કહીશ એમ જ થશે.. હવે આરામ કર.' વિવાને તેના માથા પર હાથ ફેરવીને કહ્યુ. કાવ્યાએ સંતોષથી આંખો મીંચી લીધી.
ફ્લેશબેક ઓવર..
પંદરેક દિવસો એમ જ વિતી ગયા. ત્યાં પ્રતાપ ભાઈ મલ્હારના જામીન માટે દોડા દોડી કરી રહ્યા હતા, પૈસાનું પાણી કરી રહ્યા હતા. અને અહીં કાવ્યાને સારી એવી રિકવરી આવી રહી હતી. તેને હવે સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. હવે જાતે જ ઉભી થઇને બેસી શકતી હતી. થોડું થોડું ચાલી પણ શકતી હતી. સમાઈરાએ તેની ઘણી કાળજી લીધી હતી.
આ પંદર દિવસોમાં વિવાને ગઝલને અસંખ્ય વાર ફોન લગાવ્યા હતા. પણ ગઝલએ તેનો એક પણ ફોન ઉપાડ્યો નહોતો. બે એક વાર તો એ મિહિરનાં બંગલા પર પણ જઈ આવ્યો હતો. પણ મેડમ ખૂબ હર્ટ થયા હોવાથી તેણે વિવાનને ઘાસ નાખ્યું નહોતું.
'સમી.. આજે ભાઈ દેખાતો નથી. ક્યાં ગયો છે?' એ દિવસે કાવ્યાએ સમાઈરાને પૂછ્યું હતું.
'તેની ઘરવાળી પાસે ગયો છે..'
'વ્હોટ?? ઘરવાળી??' કાવ્યાને આશ્ચર્ય થયું.
'કાવ્યા, વિવાને લગ્ન કરી લીધા છે.'
'હેંએએ?? ક્યારે?' કાવ્યાને ઝટકો લાગ્યો.
'તારો એક્સિડન્ટ થયો તેના પછી..' રઘુ અંદર આવતા બોલ્યો. તેની પાછળ વિક્રમ પણ આવ્યો.
'હાઉ આર યૂ મે'મ?' વિક્રમ તેના હાથમાં ફૂલોનો ગુલદસ્તો આપતાં બોલ્યો.
'થેન્કસ્ વિક્રમ.. મને સારું છે.. તારુ કેમ ચાલે છે?'
'બે મહિના પછી લગ્ન છે..' વિક્રમે કહ્યુ.
'અરે વાહ! કોન્ગ્રેચ્યુલેશન્સ..!!
'ભાઈ, તું કંઇક કહેતો હતો..' કાવ્યાએ રઘુને ઉદ્દેશીને પૂછ્યું.
'હમ્મ.. ભાઈને જે છોકરી પર પ્રેમ હતો એની સાથે જ મલ્હારનાં લગ્ન થવાના હતાં.' એમ કહેતાં રઘુએ વિવાનની પુરી લવ સ્ટોરી અને કાવ્યાના અકસ્માત બાદ બનેલી બધી ઘટનાઓ કાવ્યા અને સમાઈરાને કહી સંભળાવી.
'માય ગૉડ!! ભાઈએ મારા માટે થઇને..!!!' કાવ્યા આશ્ચર્યથી ખુલ્લા થયેલા પોતાના મોઢા આગળ હાથ ધરીને બોલી.
'તારા માટે અને ભાભી માટે બંને માટે થઈને..' રઘુ બોલ્યો.
'પણ સમાઈરા મેડમને કારણે તે બંને વચ્ચે થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઇ ગઇ છે.' વિક્રમે કહ્યુ.
'કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ?' કાવ્યાએ તે લોકો સામે જોઈને પુછ્યું.
'અરે! તે મારી થોડી ગેરસમજ થઈ હતી એ દિવસે..' એમ કહીને સમાઈરાએ તે દિવસે મળેલા માણસ વિશે અને તેણે આપેલા ફોટા અને પત્ર વિશે બધું કાવ્યાને જણાવ્યું.
'ટ્રસ્ટ મી કાવ્યા, હું ફક્ત તારી ચિંતાને કારણે એ દિવસે બધી ચોખવટ કરવા માંગતી હતી. એમાં બધાની સામે મારાથી બોલતાં બોલાય ગયું અને એમાંથી આ બધી ગેરસમજ ઉભી થઇ. બાકી મારો ઇરાદો ખોટો નહોતો.' સમાઈરા બોલી. તેને ખરેખર અંદરથી ગિલ્ટી ફીલ થતું હતું. એની આંખો ભીની થઈ ગઈ હતી.
'હું સમજુ છું સમી.. આ ઝંઝટને કારણે જ બધો ઝમેલો ઉભો થયો. કંઈ નહીં, ગઈ ગુજરી ભૂલી જવાની. હવે તો બધી ગેરસમજ દૂર થઈ ગઈ ને? અને રઘુ ભાઈ, મારે ભાભીને મળવું છે.' કાવ્યા ખુશ થઈને બોલી.
'બાકી બધાની ગેરસમજ તો દૂર થઈ ગઈ છે પણ ભાઈએ ભાભીને હજુ ઘણું ક્લેરિફિકેશન આપવું પડશે. તારૂ ઓપરેશન થયું એ દિવસે ભાભી અહીં જ હતાં. ત્યારબાદ એ પિયર જતા રહ્યા.' રઘુએ કહ્યું.
'ભાઈ, તું તેને અહીં બોલાવીશ પ્લીઝ?' કાવ્યાએ રઘુને કહ્યું.
'હાં રઘુ.. મારે પણ એની માફી માંગવી છે.' સમાઈરા બોલી.
'પણ ભાઈ પર ખૂબ નારાજ થયા છે ભાભી..' રઘુ કંઇક વિચારતાં બોલ્યો.
'ભાઈ ન હોય ત્યારે એને લઈને આવજે ને..' કાવ્યાએ કહ્યુ.
'મતલબ? કેવી રીતે?' રઘુ મૂંઝવણથી બોલ્યો.
'હું સમજાવું.' કહીને કાવ્યાએ વિક્રમ સામે જોયુ. 'વિક્રમ, કાલે કોઈ પણ કામ કાઢીને ભાઈને તું ઓફિસમાં બોલાવી લે. એ જ સમયે રઘુ તું ભાભીને અહીં લેતો આવજે.'
'માં કસમ, કાવ્યા શું મસ્ત દિમાગ ચાલે છે તારો તો..' રઘુ ખુશ થતાં બોલ્યો.
'અરે! લે, મારી બચ્ચી છે જ હોશિયાર..' સમાઈરા તેના ગાલ ખેંચતા બોલી.
'હોશિયાર હોવા છતાં પણ મેં ઠોકર ખાધી ને?' કાવ્યા ભાવુક થઈને બોલી.
બે ચાર સેકન્ડ સુધી રૂમમાં ગમગીની છવાઈ ગઈ.
'હાં તો પછી નક્કી.. કાલે હું ભાભીને લઈને આવીશ.' રઘુ વિષય બદલતાં બોલ્યો.
'ડન..' બધા લગભગ એક સાથે બોલ્યા. અને રૂમમાં ખુશીનું મોજું ફરી વળ્યું.
.
.
ક્રમશઃ
**
કાવ્યાએ મલ્હારને કેવી સજા આપવાનું વિચાર્યું હશે?
શું મલ્હારને જામીન મળશે?
શું ગઝલનાં મનમાંથી ગેરસમજ દૂર થશે?
શું રઘુ ગઝલને હોસ્પિટલમાં લાવવામાં સફળ થશે?
**
મિત્રો, આ પ્રકરણ વાંચીને તમારા અભિપ્રાયો જરૂરથી જણાવશો. અને આ પ્રકરણ વાંચીને રેટિંગ આપશો.