Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 15

અચાનક મને ખ્યાલ આવ્યો કે મેં સ્વપ્નસુંદરીને પિકઅપ કરવા હા તો પાડી દીધી,પણ તેને પિકઅપ ક્યાંથી કરવાની હતી એ તો મેં પૂછ્યું જ નહોતું. હવે તો મને પણ લાગવા માંડ્યું હતું તે ટોળકી મને બાઘો કહે છે તે બરાબર જ છે.
મેં તરત સ્વપ્નસુંદરીને કૉલ કર્યો. તેણે તરત કૉલ રીસિવ કર્યો.
"જલદી બોલ.મારે પાંચ મિનિટની અંદર ક્લાસમાં જવાનું છે. હમણાં થોડીવારમાં લેક્ચર શરૂ થશે."તે બોલી.
"હું તને પિકઅપ ક્યાંથી કરું?તારું એડ્રેસ આપ તો ઘરે આવી જાઉં."મેં મારી મુશ્કેલી જણાવી.
"ઘરે? હે ભગવાન! મારે મારા પ્રેમ પ્રકરણની ખબર શીલા સુધી પહોંચાડવાની છે, મારા માતા પિતા સુધી નહી!થોડું તો મગજ વાપર!"સ્વપ્નસુંદરી અકળાઈને બોલી.
"તને જોઇને મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે."કોઈક રોમેન્ટિક વાર્તામાં વાંચેલ ડાયલોગ મેં લાગ જોઈને ફટકારી દીધો.પણ સ્વપ્નસુંદરી મારી ડાયલોગબાજીથી ખાસ પ્રભાવિત થઈ હોય તેવું લાગ્યું નહી.
"ઠીક છે..ઠીક છે. સાડા સાત વાગે કૉલેજના ગેટ પાસે મળજે."
"પણ એ સમયે તો કૉલેજ બંધ હશે."મેં વાંધો ઉઠાવ્યો.
સ્વપ્નસુંદરીએ કોઈ જવાબ ન આપ્યો.પણ મને એવું લાગ્યું કે તે "હે ભગવાન!હે ભગવાન!"એવું બબડી રહી હતી.
થોડી ક્ષણો પછી એણે જવાબ આપ્યો,"આપણે કૉલેજ ક્લાસ ભરવા નથી જવાનું.કૉલેજના ગેટ પાસે આપણે ભેગા થઈને પછી મલ્ટિપ્લેક્સ જઈશું."
"ઠીક છે.પણ આપણે મૂવી કઈ જોઈશું?"
"શીલા જે મૂવી જોશે તેમાં જઈશું.શીલાએ જણાવ્યું નથી તે કયું મૂવી જોવા જઈ રહી છે.એટલે આપણે શીલાનો પીછો કરીશું એને એ જે મૂવીની ટિકિટ ખરીદશે તેમાં આપણે પણ ઘૂસી જઈશું.બની શકે તો તેની આસપાસની સીટની ટિકિટ "
"ઓકે.પણ એક પ્રશ્ન છે"
"બોલ."
"ટિકિટની બુકિંગ ઓનલાઇન કરી હશે તો?"
"હમમ.તારી વાત ખોટી નથી.પણ એની ચિંતા અત્યારે કરવાની જરૂર નથી. એ સમયે જોઈશું શું કરવું છે.લઈશું.હવે ફોન મુકું છું, મારે ક્લાસમાં જવાનું છે"
"સારું."
કહીનેમેં કોલનો અંત કર્યો.ટોળકીએ છેલ્લા એક કલાકથી મને જે જ્ઞાન આપ્યું હતું તેને યાદ કરીને હું હસી પડ્યો.કેવી કેવી કલ્પનાઓ કરી રહ્યા હતા એ લોકો!
પણ એમાં ટોળકીનો પણ વાંક નહોતો.તેમને ક્યાં ખબર હતી કે મારા અને સ્વપ્નસુંદરી વચ્ચે પ્રેમ નહી,શરતો વાળો પ્રેમ હતો!
હવે લેક્ચર ભરવાનો મારો મૂડ નહોતો.પણ ઘરે જવાનો પણ કોઈ મતલબ નહોતો.વહેલો ઘરે આવેલો જોઈને મારા પર પ્રશ્નોનો મારો કરવામાં આવત,જેનો સામનો કરવાની મારી સહેજ પણ ઈચ્છા નહોતી.અચાનક મને એક તુક્કો સૂઝ્યો.હું ફર્સ્ટ યરના ક્લાસમાં પહોચી ગયો.
લેક્ચર ચાલુ થઈ ગયો હતો. હું બેધડક ક્લાસમાં પ્રવેશ કરી ગયો.મારી આંખો આખા ક્લાસમાં ફરી વળી. સ્વપ્નસુંદરી પહેલી બેન્ચ પર બેઠી હતી અને આનંદની વાત એ હતી કે તેની બાજુની સીટ ખાલી હતી.
પ્રોફેસર મને જોઈને અચરજ પામ્યો.પછી તે બોલ્યો,"અરે પ્રવીણ,આ ફર્સ્ટ યરનો ક્લાસ છે."
હું સ્વપ્નસુંદરીની બાજુમાં બેસી ગયો અને પ્રોફેસરને સંબોધિત થયો,"મને ખબર છે સર,હું અમુક બેઝિક કોન્સેપ્ટ ક્લીઅર કરવા આવ્યો છું."
પ્રોફેસરે એક નજર સ્વપ્નસુંદરી તરફ નાખી અને વ્યંગ કર્યો,"હું સમજી શકું છું કે તું કયા કોન્સેપ્ટ ક્લીઅર કરવા છે."
"ના સર, ખરેખર..."
"ઠીક છે.તું મને એ કહી દે કે અત્યારે ક્યાં વિષય પર લેક્ચર ચાલી રહ્યું છે તો હું તારી વાત માની જઈશ."
આનો જવાબ શું આપવો? હું ચૂપચાપ પ્રોફેસર સામે તાકી રહ્યો.
"જ્યારે તું ફર્સ્ટ યરમાં હતો ત્યારે તે લેક્ચર ભર્યા નહી.અત્યારે થર્ડ યરના અડધા લેક્ચર ભરતો નથી.અને હવે રહી રહીને તારે કોન્સેપ્ટ ક્લીઅર કરવા છે?મને મૂર્ખ સમજે છે?" પ્રોફેસરનો પિત્તો ગયો.
"હા."હું એવું બોલવા ઈચ્છતો હતો પણ મારી ઈચ્છા દબાવીને હું બોલ્યો,"અરે સર તમે શું વાત કરી રહ્યા છો!"
"આઉટ."પ્રોફેસર ધીરેથી બોલ્યો.
મને બરાબર સંભળાયું નહી.એટલે પ્રોફેસર શું બોલ્યા હશે તેની કલ્પના કરતા કરતા હું ત્યાં જ ઊભો રહ્યો.
જોકે મારે મારી કલ્પનાશક્તિને વધુ કામે લગાડવાની જરૂર ન પડી.
"આઈ સેડ ગેટ આઉટ!"પ્રોફેસર આ વખતે ગળું ફાડીને બરાડ્યો.
હું સફાળો ઊભો થયો અને ક્લાસથી ભાગ્યો.જતા જતા મેં પાછળ નજર કરી તો ફર્સ્ટ યરના સ્ટુડન્ટ મને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા જ્યારે સ્વપ્નસુંદરી મોઢા આગળ હાથ રાખીને પોતાનું હાસ્ય રોકવાનું નિષ્ફળ પ્રયત્ન કરી રહી હતી.
ક્લાસમાં થી બહાર નીકળીને મેં ઘડિયાળ તરફ નજર કરી.હજી કૉલેજનો સમય પૂરો થવા માટે ખાસ્સો સમય બાકી હતો.અત્યારે હું ટોળકી પાસે જવા નહોતો માંગતો કારણકે નવેસરથી સલાહ સૂચનોનો હુમલો ખમવાની મારી માનસિક પરિસ્થિતિ નહોતી.છેવટે મેં ઘરે જ જવાનું નક્કી કર્યું.

ક્રમશ: