બ્રાન્ડેડ કુતરાની કરમ કહાણી..!
બ્રાન્ડેડ માણસ તો નહિ થવાયું, પણ ‘બ્રાન્ડેડ’ કુતરાઓને મોંઘીદાટ ગાડીઓમાં નવાબી ઠાઠ સાથે સહેલગાહી કરતાં જોઉં છું ત્યારે, મને શિયાળામાં પણ ચામડી ઉપર જજેલાં ઉભરી આવે..! ચચરી આવે બોસ..! એમ થાય કે, પૂરવ જનમના કેવાંક કરમ હશે કે, આપણે સાલા ફાટેલા ને ખખડી ગયેલા ફટફટીયા ઢસડવાના, ને કૂતરાં જાણે હનીમુન પેકેજ ઉપર નીકળ્યા હોય એમ, મોંઘીદાટ ગાડીમાં ફરે..! પ્રેસર ઊંચું-નીચું થઇ જાય દાદૂ..! મતદાર યાદીમાં જેના નામ નહિ, રેશનકાર્ડના પુરાવા નહિ, ને આધાર-કાર્ડ તો મુદ્દલે નહિ, એ કુતરડું જલશા કરે ને આપણે ધૂપમાં ધુમાડા કાઢવાના, ચચરાટ તો થાય જ ને..? જ્યારે જ્યારે આવાં ‘લકઝરીયર્સ’ ડોગાઓને જોઉં છું ને, શરીરના બધાં અવયવો આઘાપાછા થતાં હોય એવું લાગે..! મગજની જગ્યાએ કીડની ને કિડનીની જગ્યાએ કલેજું ઉથલીને પડ્યું હોય એટલું દુખ થાય..! સાલી જાત ઉપર નફરત આવી જાય કે, ‘રમેશીયા..! તારાં અવતાર કરતાં તો કૂતરાંના અવતાર સારા..! તુતુંતુંતું તુતુ તારા, તારા કરતા કુતરા સારા..! ‘
સિંહ ભલે જંગલનો રાજા કહેવાતો હોય, આપણે એને સેલ્યુએટ કરીએ. પણ જ્યારે સિંહને બદલે બ્રાન્ડેડ કુતરાને મોંઘીદાટ ગાડીમાં મ્હાલતા જોઈએ ત્યારે, જીવ બળી જાય યાર..! એમ થાય કે, રાજાશાહી તો કુતરા ભોગવે, સિંહડુ કાઈકા રાજા..? પણ વફાદારીમાં કુતરાને બદલે કોઈ પ્રાણીનું નામ આજ સુધી પંકાયું નથી. પ્રાણીની ક્યાં માંડો, માણસ પર પણ ભરોસો નહિ થાય..! ઘરની રખેવાળી કરવા કોઈએ કુતરા બાંધ્યા હશે, બાકી વાઘ-સિંહ-દીપડા કે ગેંડા તાણી બાંધ્યા હોય એવું જાણમાં નથી. કુતરાને ટોમી, લકી, રાજા, રાજુ કે રાજ જેવાં હુલામણા નામથી બુચકારે ત્યારે તો કલેજું ચીરાય જાય. આપણને રમેશીયા કે રમસુ કહે ને કુતરડુંને હુલામણા નામથી બોલાવે..! કુતરાને ‘ખોળે’ લીધાં હશે, બાકી વાઘ-સિંહ-દોપડા કે હિપોપોટેમસને કોઈ ગુજરાતીએ લાડઘેલાં બનાવીને ખોળે બેસાડ્યા હોય એવું બન્યું નથી. જેટલી ઈજ્જત કુતરાને મળે છે, એટલી કદાચ એના પાડોશીને પણ મળી નહિ હોય..! ચકલાં-પોપટ-સસલાં-મરઘાં-બતકાં વગેરે તો ઘણાએ પાળ્યા હશે, બાકી વાઘ-સિંહ-દીપડા કે મગર મચ્છ કોઈએ પાળ્યા નથી. હા, હજી કોઈને પાડી દેવાનો હોય તો વાત અલગ..! મઝા તો ત્યાં આવે કે, કુતરુંને સુઉઉઉ...સુઉઉ કરવા સમયબદ્ધ લઇ જાય, પણ બાપાની દવાની ગોળી લાવવાની હોય તો સમયની પાબંદી નડે. બ્રાન્ડેડ કુતરાને જ્યારે સુઉઉઉ...સુઉઉ કરવા લઇ જાય ત્યારે તો એમ થાય કે, ‘આ બેમાં કોણે કોને પાળ્યો હશે..? માણસે કુતરુંને પાળ્યું હશે કે, કુતરાએ માણસને પાળ્યો હશે.? માણસને ખબર છે કે, મારી વૃદ્ધાવસ્થા વખતે આ કુતરું મને પાણીનું પવાલું પણ આપવાનું નથી, છતાં કુતરાના સુઉઉઉ...સુઉઉ માટે સમય કાઢે..! સવાલ માણસાઈ અને જીવદયાનો છે. સ્વાર્થ પૂરો થયા પછી કદાચ માણસમાં માણસાઈ ભલે પૂરી થઇ જાય, પણ કુતરા ક્યારેય ‘કુતરાય’ છોડતા નથી. માનેલી ગર્લ-ફ્રેન્ડ પણ બેવફા નીકળે, બાકી કુતરાએ બેવફાઈ કરીને, પાલકનું કરી નાંખ્યું હોય એવું જાણમાં નથી. કુતરા મને આ જ કારણથી બહુ ગમે. કૂતરા સાથે સેલ્ફી પડાવી હશે, પણ જંગલના રાજા સાથે મેં ક્યારેય સેલ્ફી લીધી નથી. એ તો સીધી વાત છે ને દાદૂ કે, ગમતા સાથે જ ગમતાનો ગુલાલ કરાય..! કુતરા સાથે સેલ્ફી લીધી હોય તો જગતને પણ લાગે કે, મિથુન રાશીને તુલા રાશી સાથે કેવો સરસ મનમેળ છે..? પછી કોઈ કુતરાએ વિતાડી હોય, એ અલગ વાત છે. શનિની દશા બેસે એમ ક્યારેક કુતરાના પાયે પણ બેસે..! “ઝેર તો પીધાં જાણી જાણી” સમજીને સહન કરવું પડે. એ વાત સાચી કે, ૧૪ ઇન્જેક્શનના ઘા ૧૪ ચપ્પાના ઘા જેટલાં આકરાં લાગે, પણ શોખ હોય તો સહન પણ કરવું પડે..! આમ છતાં કૂતરાં સાથે જ મિત્રતા બંધાય, બાકી જંગલી પ્રાણી સાથે મિત્રતા બાંધવી એટલે, પાણીમાં પાપડ તરવા જેવી વાત થઇ કહેવાય..! નાકમાં મંકોડો ભરાય ગયો હોય ને ખણખણાટી આવે, એવી ચચરાટી જ ઉપડે. જંગલી પ્રાણી તો સામે મળે ને ‘Hello’ કરી પાડે તો પણ જૂની કબજીયાત નાબૂદ થઇ જાય..! કૂતરામાં એવું નહિ, ખરાબ અનુભવ નહિ થાય ત્યાં સુધી તો, સ્વજન કરતાં પણ મીઠુંડા લાગે. જિસકા કોઈ નહિ ઉસકા તો કુતરા હૈ યારો, એવું ફીઈઈલ થાય...!
જાણીને નવાઈ લાગશે કે, વાઈફ સાથે ‘સેલ્ફી’ નથી લીધી, એના કરતાં અનેક ઘણી ‘સેલ્ફી’ મેં Dogy સાથે લીધી હશે..! મારો કહેવાનો ઈરાદો એવો નથી કે, મને વાઈફ કરતાં કુતરા ઉપર વધારે વ્હાલ છે. માટે નાહકની ભંગાવી નહિ નાંખતા કે, જેની સાથે સેલ્ફી લઉં ‘વો મુઝે જાનસે ભી પ્યારી હૈ...!’ આ તો એક વાત..! બાકી અંગ્રેજો તો એવું શીખવી ગયેલાં કે, God એટલે ભગવાન થાય, ને એનું ઊંધું વાંચીએ તો Dog થાય..! આમાં સીધી ખોપડીવાળા God બોલીને આસ્તિક થઇ જાય, ને ઉંધી ખોપડીના હોય તે તો પૂજા કરવા માટે Dog ને ઉંધો લટકવીને પૂજા કરતા હશે. અમારો રતનજી એક દિવસ કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટીકની ભૂંગળી નાંખ્યા કરે. મેં કહ્યું,’ રત્ના..! ગમે એટલી Try કર, કૂતરાની પૂંછડી ક્યારેય સીધી નહિ થાય..! મને કહે, ‘રમેશીયા..! પૂંછડી સીધી નથી કરતો, પ્લાસ્ટીકની ભુંગળી વાંકી કરું છું..!’ એના કપાળમાં કાંદા ફોડુ..!
કેવો ‘ફેન્ટાસ્ટીક’ જમાનો આવ્યો છે બોસ..! ઘરના આંગણામાં તુલસીના કુંડા રહેતાં, હવે કૂતરાં બાંધેલા હોય..! ‘ભલે પધારો’ નાં તોરણીયાને બદલે, ‘કુતરાથી સાવધાન’ ના પાટિયાં લટકતાં હોય..! ગલીપચી તો ત્યારે થાય કે, ‘કુતરાથી સાવધાન’ ના પાટિયાં નીચે જ ઘરનો માલિક ઉભેલો હોય. પેલું પાટિયું કયા કુતરાથી સાવધાન રહેવાનું કહે છે, એ નક્કી જ નહિ કરી શકીએ..! મહાવત જેવો માણસ હાથીઓ પાળવાને બદલે કુતરા પાળવાને રવાડે ચઢી ગયો., પૂર્વજો હાથીઓ પાળતાં, હવે આપણે કુતરા પાળીએ એ સારું છે, પણ આપણી જીવદયાની ભાવના હાથી જેવડી હતી, એ કુતરાની સાઈઝની થઇ ગઈ. કુતરા પાળવા જોઈએ, પણ કુતરાને સુઉઉસુઉઉ કરાવવા લઇ જાય ત્યારે, વિચાર એ વાતે વંટોળે ચઢે કે, માણસ કુતરાને પાળે છે કે, કુતરો માણસને પાળે છે..?
લાસ્ટ ધ બોલ
કુતરાઓનો બીજો ગુણ સહનશીલતાનો..! બાળક એની પૂંછડી ખેંચે તો ખેંચવા દે, ને ખભે ચઢીને કોઈ ‘ઘોડો-ઘોડો’ રમે તો પણ રમવા દે..! બ્રાન્ડેડ કુતરાની આ લાક્ષણિકતા છે. પેલાં તો એની મા’ ને અડપલું પણ નહિ કરવા દે..! એક છોકરું કુતરાની પૂંછડી ખેંચતું હતું, મેં કહ્યું,’ દોસ્ત...! કુતરાની પૂંછડી શું કામ ખેંચે ?’ મને કહે અંકલ, ‘ પૂંછડી હું નથી ખેંચતો, મેં તો ખાલી પકડેલી જ છે, પણ કુતરું જ એની પૂંછડી ખેંચ-ખેંચ કરે છે .!’ એના કપાળમાં કાંદા ફોડું..!
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------