હસીએ તો સૌને ગમીએ..!
ઋષિમંતોએ આમ તો સતયુગ-ત્રેતાયુગ-દ્રાપરયુગ- અને કળિયુગ એમ ચાર જ યુગની જાણકારી આપેલી છે. પણ ફૂલફટાક બનીને પાંચમો યુગ તેઓની હયાતી બાદ હમણાં હમણાં અસ્તિત્વમાં આવ્યો છે. જેને કહેવાય ડીજીટલ યુગ..! ઋષિમંતો ભલે ભારતના કહેવાયા, પણ વાઈબ્રેશન ચાઈનામાં ઝીલાયા હોય એમ, નકલમાં પાવરધી એ પ્રજાએ ડીજીટલ ડીવાઈસ એવાં બનાવ્યા કે, ઠેર ઠેર ડીજીટલ યુગના ઝંડા ફરકતા થઇ ગયા. ડીજીટલ મા-બાપ નથી મળતા એટલું જ, બાકી જેમાં હાથ નાંખો એટલે ડીજીટલની કરામત જોવા મળે. દુધમાં દહીં ઝમાવવા ખટાશનું મિશ્રણ કરવું પડે એમ, ઉપરના ચારેય યુગનું થોડું થોડું મોરવણ ઉમેરાયું હોય એમ, વિશ્વ આજે ડીજીટલ ધરી ઉપર ફરી રહ્યું છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની માફક, E-ડીવાઈસ દેવની જય બોલવી પડે..! આજે આપણે જોઈએ છીએ કે, સિઝેરિયન વગર પૃથ્વી ઉપર કોઈ આવતું નથી, ને વેન્ટીલેટર વગર ઉપર કોઈ જતું નથી. વેન્ટીલેટર પણ એક જાતનો E શ્વાસ જ છે ને..? આજે ઠેર ઠેર ડીજીટલ ચલણનો જમાનો છે. મંદિરમાં ઢોલ-તબલાનો નાદ વાગે તો ડીજીટલ, બાળકનું ઘોડિયું હીંચકાય તો ડીજીટલ, ચૂકવણા કરો તો ડીજીટલ, માત્ર લગન જ ફીમેઇલ સાથે થાય છે ઈમેઈલ સાથે થતાં નથી..! બાકી, E-સાઈકલ હોય, E-મોટર સાઈકલ હોય, E-રીક્ષા હોય, E-બસ હોય કે E-સ્કુટર હોય..! બધું ઈઈઈ જ થઇ ગયું મામૂ..! નાના હતાં ત્યારે દાદા કહેતાં કે, ‘તું ઈસ્કુલ ક્યારે જવાનો બેટા..?’ એ E-સ્કુલનો જમાનો હવે હમણાં આવ્યો..! on line education..!
જ્યારે ડીજીટલ યુગનો પૂર્ણ આરંભ નહિ થયેલો એ સમયની વાત છે. એક હાસ્ય લેખકે Air-Man (હવાઈ માણસ) ની એક કલ્પના લખેલી કે, ‘આવનારા દિવસોમાં માત્ર હવાથી ભરેલા Air-man આવે તો નવાઈ નહિ પામતા. જેમાં માણસની જરૂર હોય ત્યારે હવા ભરી દેવાની, ને જરૂર ના હોય ત્યારે હવા કાઢી ગળી વાળીને માણસને કબાટમાં મૂકી દેવાનો. ટ્રેનમાં જાવ, પ્લેનમાં જાવ કે, સંમેલન સેમિનારમાં જાવ, હવા કાઢી નાંખો એટલે માણસની ભીડ જ ભાંગી જાય..! ધારો કે, વૈકુંઠ નાનું ને દેવ ઝાઝાની માફક, કોઈકનું ઘર નાનું હોય પણ રેશન કાર્ડમાં વસ્તી વધારે હોય તો ટેન્શન નહિ લેવાનું. Air-Man ની હવા કાઢીને ખીંટીએ ટીંગાળી દેવાના, એટલે ઘરમાં જગ્યા જ જગ્યા..! ઘરમાં સંકડાશ પણ નહિ લાગે, ને આદમી બહુ લપ લપ પણ નહિ કરે. ઘરના સઘળાં ઝઘડાં કંટ્રોલમાં રહે. માત્ર 'હવા કાઢી નાંખવાની ધમકી મળે એટલે જાય ક્યાં..? ઝઘડાં જ મટી જાય..!
રામજીની કૃપા છે કે, બેટરીથી ચાલતા વાહનો ને રમકડાં બન્યા પણ બેટરીથી ચાલતો માણસ હજી બન્યો નથી. રોબોટ બન્યો છે ખરો, પણ તે ગરીબી રેખાની ઉપર સુધી જ પહોંચ્યો છે, ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે આવ્યો નથી. ધારો કે, બેટરીથી ચાલતો માણસ જો ઘર-ઘર સુધી આવી જાય, તો ઘૂમરી નહિ ખાવાની..! આ વૈજ્ઞાનિકોનો કોઈ ભરોસો નહિ..! ભાતભાતના ડીવાઈસ અને ભાતભાતના સોફ્ટવેરનો રાફડો રોજેરોજ ફાટતો જાય છે. માણસથી ખુદ માણસ એટલો કંટાળેલો છે કે, આવું લફરું આવે પણ ખરું..! ધારો કે આવે, તો ભાવ-ભાવના-સંવેદના-દયા-દાન-ઉપકારની અપેક્ષા તો ભૂલી જ જવાની. ડાયરામાં નહિ કોઈ હાકોટા-પડકારા કરે કે મુશાયરામાં નહિ કોઈ ઈર્શાદ..ઈર્શાદના સાદે ચઢે..! ઈ-સ્કુટરની બેટરી ચાલે ત્યાં સુધી એ ચાલણગાડી ચાલતી રહે, એમ જે Air-man ની બેટરી પૂરી, તેની ચાલ પણ પૂરી..! એમાં પછી કોઈની ચાલ-બાજી ચાલે નહિ..! ભોંભોંઓઓ કરતુ પણ બંધ થઇ જાય..! પરસેવો નુછવા ખિસ્સામાંથી રૂમાલ પણ નહિ કાઢવા દે..! પછી તો જે પ્રમાણે ઈ સ્કૂટરની બેટરી ચાર્જ કરાવવા માટે લાઈન લગાવવી પડે, એમ E-માણસને પણ ચાર્જર-પોઈન્ટ ઉપર લાઈન લગાવવા ઉભો રાખવો પડે. ત્તયારે ખબર પડે કે, રાતા-પીળા કેમ થવાય ? He-Man ને બદલે E-Man થાય, એટલે કભી ખુશી તો કભી ગમ પણ આવે..! એવી વલે થાય કે, Air-charger point ભગવાન જેવો લાગવા માંડે, ને ચાર્જર-પોઈન્ટ ‘તીર્થ-સ્થળ’ જેવું લાગવા માંડે.
કોમ્પ્યુટર હોય, મોબાઈલ હોય કે, પછી એની સાથે જોડાયેલું ફેસબુક, ઈમેઈલ, ટ્વીટર, વ્હોટશેપ, ગુગલ કે ઇન્સટાગ્રામ હોય. ઈ ટેકનોલોજીએ દરેકમાં ધરખમ પગપેસારો એવો કર્યો છે કે, અમુકના તો દાદા-દાદી પણ E બની ગયા હોય એમ, ડીવાઈસ મચેડ-મચેડ કરતા જોવા મળે. વ્હોટશેપ અને ફેસબુકનો દબદબો એટલો વધી ગયો કે, ડીગ્રીધારી કરતાં વ્હોટશેપનો Admin કીમતી ને લોકપ્રિય બની ગયો. મોંઘીદાટ ફી ભરીને યુનીવર્સીટી માં તો ભણવું પડે, માંડ ડીગ્રી મળે, ત્યારે વ્હોટશેપ યુનીવર્સીટીની તો વાત જ નોખી, Adminની એવી બોલબાલા કે, વ્હોટશેપના Admin થઇ ગયા, એટલે ‘ડીચ..!’
E-card પહેલાં વીઝીટીંગ કાર્ડ રાખવાનો ને લોકોને આપવાનો પણ એક ટ્રેન્ડસ હતો. જો કે હજુ પણ છે, ગયો નથી. એકવાર એક ભાઈએ મારી પાસે વીઝીટીંગ કાર્ડ માંગેલું. એ સમયે કોઈ વીઝીટીંગ કાર્ડ માંગતું તો, અમારામાં હવા ભરાય જતી, બોલ-ચાલ અને વર્તન પણ બદલાય જતું. સુદામા પાસે શ્રી કૃષ્ણએ વીઝીટીંગ કાર્ડ માંગ્યો હોય, એવું મિથ્યાભિમાન આવી જતું. મેં એને જેવો કાર્ડ આપ્યો, એટલે એ ભાઈએ મારા એ જ કાર્ડમાં પોતાનો ટેલીફોન નંબર લખીને મને પાછો આપ્યો. મને કહે,’ આ મારો નંબર છે, મારું કંઈ કામકાજ હોય તો કહેજે..!’ એના કપાળમાં કાંદા ફોડું..! એ વખતે મગજ કાઢીને એના માથે ફેંકુ એટલો ગુસ્સો આવી ગયેલો..! જો કે હવે તો કાર્ડ રાખવા જેવાં આપણે પણ રહ્યા નથી, પણ આ તો એક ગમ્મત..! એકવાર એક ભાઈ પાસે મેં એનો વીઝીટીંગ કાર્ડ માંગેલો,, તો વીઝીટીંગ કાર્ડ આપવાને બદલે મને બરમૂડાએ એનો રેશનકાર્ડ પકડાવી દીધો. ! ઉપરથી કહે, ‘આજકાલ રેશનકાર્ડની જ બોલબાલા છે બોસ..! વીઝીટીંગ કાર્ડથી તો પાણીની પોટલી પણ કોઈ નહિ આપે. રેશનકાર્ડ હોય તો માથાદીઠ બે કિલો મફત અનાજ પણ મળે. તારી ભલી થાય તારી..!
કહેવાનો આશય એટલો જ કે, ચાર યુગ ભલે બદલાય, માણસ બદલાવો જોઈએ નહિ. મન મુકીને હસતો રહેવો જોઈએ, હસીએ તો સૌને ગમીએ, નહિ તો ગામ બહાર રહીએ..! લોકોને રડાવવું સહેલું છે, પણ હસાવવું એટલે મગજમાં ઝાડું મારવા બરાબર..! અમુક વખત તો ઝાડું બુઠ્ઠું થઇ જાય, પણ લોકોનાં હોઠ નહિ વંકાય.. અમુકના નામ તો ભૂતનાથની યાદીમાં ચાલતા હોય એમ, હાસ્ય સાથે સ્નાન-સુતકનો સંબંધ જ નહિ રાખે. શરીરમાં કેલ્શ્યમ-આયર્ન કે ટોનિક ઘટે તો ગોળીઓ લેવાય, પણ હાસ્યના ઇન્જેક્શન કે ટેબ્લેટ હજી ડીજીટલ ફોર્મ્યુલા સુધી પહોંચ્યા નથી. લોકો શું કામ ફાટેલા ડબ્બા જેવા ચહેરા લઈને ફરતા હશે..? મલમલ જેવી મસ્ત જિંદગી જીવવાને બદલે, બરછટ જિંદગીના હવાલે લોકો કેમ જતાં હશે, એ તો મારો રતનજી જાણે..! પણ ભેજાની ભ્રમણ ગતિ જોતાં એવું લાગે છે કે, એવાં કાળમીંઢ પથ્થર જેવાં ચહેરાને હસાવવાના માટે જે પરસેવા પાડે છે, તે જ સાચો હાસ્ય કલાકાર કહેવાય...!
લાસ્ટ ધ બોલ
સુખી થવાના બે રસ્તા છે, ક્યાં તો ખડખડાટ હસો, ક્યાં તો ઘસઘસાટ ઊંઘો.
દુખી થવાના પણ બે રસ્તા છે, ક્યાં તો રસોડામાં જઈને બડબડાટ કરો, ક્યાં તો ક્યાં તો કકળાટ કરો
એથી પણ આગળ.....
સુખી થવું હોય તો સવારે પત્નીને છંછેડવી જ નહિ. સવારે એમને અનેક કામ હોય છે, અને પતિ (કે પત્ની ) સાંજે નોકરી કે કામધંધેથી આવે ત્યારે, શાંત રહેવું. ખખડાવવું નહિ..! (ચોખવટ પૂરી)
------------------------------------------------------------------------------------------------------------------------------------------------