HASYA LAHRI - 10 books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૧૦

રંગ બરસે ભીગે ચુનરિયા...!

 

 

                                    રાધાની સંગે શ્યામ-ટોળી ધૂળેટી ખેલતાં, ત્યારે મારી હાજરી નહિ. પણ રાસડાઓના શબ્દો સાંભળું ત્યારે એમ થાય કે,  કેવાં જલશા પડી જતાં હશે..? એકબાજુ કાનાની વાંસળી વાગતી હોય, બીજી બાજુ કાન્હા માટે ગોપીઓ તડપતી હોય..! વાંસળી વાગી નથી, ને ગોપ-ગોપી પ્રગટી નથી. કેસુડો ડાળે-ડાળે ફેણ ચઢાવતો થઇ જતો હશે..! આ તો ફાગણના નશામાં છું, એટલે એક કલ્પના ફરી વળી..! બૂરા મત માનના હોલી હૈ..!  બાકી  આપણી તો સાલી ઘરમાં જ એવી હોળી સળગે કે બહાર પ્રગટાવવાના ઉમેદ જ મરી પરવારે.  હોળી-ધૂળેટી આવે ત્યારે મન મોર બનીને થનગનાટ તો કરે, પણ ઘરની હોળીના વાઈબ્રેશન જ એવાં સોલ્લીડ કે, થનગનાટ કરવાને બદલે કકળાટ વધારે કરે..! એમાં સામેવાળો  જોઇને જ્યારે પીઠ ફેરવી જાય ત્યારે તો એમ જ લાગે કે, હજી એચ.કે. (હિરણ્ય કશ્યપ) આપણે ત્યાં હયાત છે..! એમાં જો ભૂલમાં પણ તેનાથી   ‘હેપ્પી હોલી’ બોલાય ગયું, ત્યારે તો એમ જ થાય કે, આ ધંતુરાએ આજે જીભથી ગોવર્ધન ઊંચક્યો કે શું..? આ બધો મિજાજ પર આધાર છે બોસ..! ક્યાં તો માણસ પોતે ‘હોળી’ બની જાય, ક્યાં તો ધૂળેટી બનીને રંગના છાંટણા નાંખી જાય. રંગ ઉડાડી જાય તો હોળી, ને છાંટી જાય તો ધૂળેટી..! હોળી-ધૂળેટી એટલે એકબીજાને ઉમંગથી મળવાનો દિવસ, ભૂલને ભૂલવાનો દિવસ, રંગવાનો અને ભીંજવવાનો દિવસ..! દુનિયામાં ભીડ તો ઘણી છે, પણ એકબીજા ઉપરની ચીડ પણ ક્યાં ઓછી છે..?  ખુન્નસને બાળવાનો છેડો એટલે હોળી, ને ભેટવાનો અવસર એટલે ધૂળેટી.,,!                  

                          થયું છે એવું કે, દેવી-દેવતાઓ પાસેથી છૂટા પડ્યાં પછી, માણસ થોડો સ્વાર્થી અને સ્વચ્છંદી બની ગયો. સામે મળે તો નહિ મલકાટ કે નહિ પમરાટ, 'ઓન્લી' ખચખચાટ..! ‘હેલ્લો-હાઈ’ ના સંબંધને જાણે લૂણો લાગી ગયો હોય એમ, રેંટો જ ચાલે. લોકોના એકબીજાના સંબંધો જાણે વાર-તહેવારે મંદિરમાં ઠોકાતા ઘંટા જેવાં સ થઇ ગયાં.  નબળા પ્રસંગે મરશીયા ગાવાની રાહ જોતા હોય એમ, એનો અંદાજ જ અલગ. સૌના શ્વાસ ધબકતાં હોવા છતાં, ટકોરા વગરના ઘડિયાળ જેવાં થઇ ગયા. એમને ખબર નથી કે, ગંગા ગંગોત્રીને કારણે પવિત્ર છે.  ગંગોત્રીનો પાલવ છૂટી જાય, ને સ્વચ્છંદી બને પછી એ સામાન્ય નદી બની જાય. ચરણામૃતનું સ્થાન પણ ગુમાવી દે. છેલ્લે તળાવ બને, ખાબોચિયું બને, અને પછી દરિયાની ખારાશમાં ભળે. એમ સ્વચ્છંદી બનેલો માણસ ભલે  પોતાનો  હિસાબ પોતે નહિ રાખે, પણ ભગવાન તો ખાતાવહી બરાબ્બર રાખે.  રાજા રાવણનો  દાખલો એનું પ્રમાણ છે. હોળીનું શિલાન્યાસ કરનાર દાનવોનો રાજા હિરણ્યકશ્યપને જુઓ.  તપ કરી-કરીને વરદાનોના મેડલનો ઢગલો તો કર્યો, પણ ફાયદો શું થયો..? પાપનો ઘડો ભરાતા મેળવેલા વરદાન (મેડલો) પણ એને અટકાવી ના શક્યા..! સીધી વાત કહું તો, આપણી પથારી આપણાવાળા જ ફેરવતા હોય. ભગવાન શ્રી રામની પથારી કોણે ફેરવી..? કૈકયીએ..! રાવણની પથારી કોણે ફેરવી..? વિભીષણે..! વાલીની પથારી કોણે ફેરવી..? સુગ્રોવે..! એમ એચ. કે. ની પથારી કોણે ફેરવી..? પ્રહલાદે..!

                                   ધૂળેટી શીખવે છે કે, જે મળે તેમાં ભળો. રસ્તામાં કોઈ મળે તો એ માણસ જાય છે, મશીન જતું નથી એવી સંવેદના રાખો. આપણા કરતાં તો ટોલ-નાકાવાળા સારા કે, ભલે પૈસા લે, પણ મળવા વગર કોઈને આગાળ જવા જ નહિ દે. માટે એકબીજાથી રંગાઈને એકાકાર બનીને એકબીજાના અભિમાનના અંચળા ઉતારી માણસ બની જાઓ..!  શાયરે સરસ વાત લખી છે કે, “ જબ દુધમે પાણી મિલતા હૈ, તો પાની ભી દૂધ કહેલાતા હૈ, જિસ મૂલમેં દૂધ બિકતા હૈ, ઉસી મૂલમેં પાની બિકતા હૈ. પાની બોલા દોસ્ત મૈ તેરી દોસ્તીકો નીભાઉંગા, તુજસે પહેલે જલ જાઉંગા, લેકિન તુઝકો તો બચાઉગા..!” ધૂળેટીનો રંગ એ કલરકામ નથી. સંસ્કારના છાંટણા છે. રંગરસિયાનો રંગ હોય ત્યારે એનો નિખાર જ અલગ. કોઈ રંગ મોતી જેવો પણ હોય, ને છીપલાં જેવો પણ હોય. સમય અને  સ્થિતિ પ્રમાણે એનો આકાર-પ્રકાર બદલાય અને નિખાર પણ બદલાય. ધૂળેટી માત્ર રંગોત્સવ નથી, રંગની ઓળખ છે. વરસો પહેલાં જેમણે લગનની કંઠી બંધાવેલી હોય, એમને ખબર હશે કે, પરણીને જાન પાછી વળે ત્યારે, નવવધૂ સાથે કન્યાના મા-બાપ એક કુરેલી મોકલતા. આવું કેમ કરતાં એ તો મારો રતનજી જાણે..! પણ મોકલતા ખરા. એમ આ ધૂળેટી પણ હોળી સાથે આવેલી કુરેલી જેવી છે..! ધૂળેટી એટલે મસ્તીનો તહેવાર..! એકબીજાનું કલરકામ કામ કરવાનો વ્યવહાર..!  આનંદ અને ઉન્માદમાં અરસ-પરસ એવાં રંગાય જાય કે, પોતાનું ફરજંદ પણ પોતાથી નહિ ઓળખાય. દેવોના દેવ મહાદેવની જાનમાં મ્હાલતા હોય એમ, ભૂતનાથ બનીને જ ટહેલતા  હોય. સોળેક છોકરાને નવડાવે ત્યારે માંડ પોતાનું માંડ પોતાનું ફરજંદ ઓળખાય. તે પણ પહેરેલી ચડ્ડી ઉપરથી..! એવાં કાબરચીતરા થઇ જાય કે, પોતાનું જ પાર્સલ પોતાનાથી નહિ ઓળખાય. અમુકની તો માત્ર આંખ જ પપલતી હોય. અંધારે આગિયા પપલતા હોય એવું જ લાગે. એનું નામ ધૂળેટી..! રંગારો હોય કે રંગારી,  ધુળેટીના તહેવારમાં બધાં જ ‘ચકાચક’  થઇ જાય. ચૂંટણી-કાર્ડમાં છપાતા ફોટા જેવાં જ લાગે..! મોડી રાતે સામે મળે તો, ભલભલાની જૂની કબજીયાત મટી જાય..! એમાં ચમનિયાનું ચંપુ, એટલે ભારે હુલ્લડી..! સુતેલાના કાનમાં પિચકારી મારી આવે તેવું.! કોઈને જો ઠેકાણે પાડવો હોય તો ગામવાળા ચંપુને ભાડે કરી જાય.!  ધૂળેટી એટલે મસ્તીનો દિવસ, માણસ દ્વારા માણસને રંગકામ કરવાનો દીવસ. કોઈ ભજનાનંદી જેમ ભજનના રંગમાં ડૂબી જાય, એમ રંગમાં ડૂબવાની દિવસ. ‘ઘરમાં કાશી ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ગામ રે..! ગાયને ભલે કોઈ ભજન-પ્રેમી ઉજાગરામાં જાગરણ કરતો હોય, પણ ચમનીયાના ‘હાઉસ’ માં તો બારેય માસ વ્રજ અને વૃંદાવન..! ઘરમાં રોજના રાસડા ચાલતા હોય. સ્વાવલંબી એવા કે, હોળી પ્રગટાવવા પાદરે જવાની જરૂર જ નહિ..! ચંપુ હોળી સળગાવે ને ચમનીયો ખેલે..! સુતેલાના કાનમાં પિચકારી પડે તો સમજી લેવાનું કે, એ કાનુડો બોજો કોઈ નહિ, પણ ચમનીયાનો ચંપુ જ હોય..! ચંપુ એટલે ચમનીયાની માનતાનું ફરજંદ. પુત્રની પ્રાપ્તિ માટે લોકો રાંદલને તેડે, પણ પુત્રની પ્રાપ્તિ પછી, રાંદલને પાછાં તેડીને કહે કે, ‘ ખમ્મા કરો મા, આપનો આ એવોર્ડ પાછો લઇ લો..! જરાયે સહન થતો નથી મા..! ત્રાસી ગયો છું.! કેટલું સહન કરે મા..?  આવાં ધાંધલિયાને મોકલવા આપને મારું જ સરનામું મળ્યું..?  લોકોને યોગી ને મને જ આવો મનો-રોગી..? ઉપાડ વગરનો ‘વધેલો-ઘટેલો’ સ્ટોક મારે ત્યાં જ ઠાલવ્યો..?  એના ત્રાસની આગળ તો ત્રાસવાદી પણ વામણા લાગે. ગેસના ચૂલ્હા ઉપર જ હોળી સળગાવવાનો થાય બોલ્લો..! માંડ સૂતા હોય, ત્યાં ‘ રંગ બરસે ભીગી ચુનરિયા’ ની ધૂન કાઢી કાનમાં પિચકારી નાંખી જાય. પાછો ઉપરથી કહે, “ગુસ્સા મત કરના હોલી હૈ..!”  સમજમાં નથી આવતું કે,’ હારેલી પાર્ટીના જેવો ફાલ મારે ત્યાં ક્યાંથી..?’  હોળી આવે તો મહોલ્લામાં ઓટલે રાખેલા લોકોના બાંકડા, ટેબલ ને ખુરશા થથરવા માંડે કે, હમણાં ચંપુ-બકાસુર આવીને હોળીમા સ્વાહા કરી નાંખશે. બબાલ થાય તો ‘હોળી માતાની જય કહી દે.!‘  કોહલીના બાપ હોય તેમ, મહોલ્લામાં કોઈના પણ બારી બારણાના કાચ સખણા નથી રહેવા દીધાં. કેટલાંકે તો કંટાળીને ઘર વેચવા કાઢ્યા છે બોલ્લો.! મહોલ્લાવાળાને પણ ક્યાં  સુધી સમજાવીએ કે, ‘ભાઈ, છોરું કછોરું તો થાય. મગર સાથે અમારાથી વેર થોડું બંધાય? એમાં રામ જાણે ધોતિયાવાળા સાથે તો કયા જનમનું વેર તે, ધોતિયાંવાળાને તો જોયાં નથી, ને તેનું ધોતિયું ખેંચાયું નથી..!  . સાલા દુર્યોધનના અવતાર જેવાં...! ઘોર ધમાલિયા..!! 

                          જ્યારે જ્યારે હોળી ને ધુળેટી આવે, ચંપુને મસ્તી ચઢે..! ચમનીયાને તો આગલા દિવસથી જ ફાળ પડવા માંડે, કે આવતીકાલના છાપાની હેડલાઈનમાં આપણાવાળાના  સમાચાર નહિ આવે તો સારું. નેતાઓ તો પોતાની જાત સાચવવા કમાન્ડો રાખે, પણ હોળી આવે એટલે મહોલ્લા વાળા પોતાની દુકાન ને ઘર સાચવવા કમાન્ડો મૂકે. રખેને અમારા ફર્નીચર કે દુકાનના પાટિયાં હોળીમાં સ્વાહા થઇ ગયા તો..? મારા બેટા કમાન્ડોને પણ પોતાની મદદમાં લઇ લે એવાં.!                       

                  બાળક ભગવાનનું સ્વરૂપ કહેવાય. પણ તેની હદ હોય મામૂ...!  ક્યારેક તો ચમનીયાને એમ થાય કે, આવાં હરતાં-ફરતાં ને ધમાલિયા ભગવાન કરતાં તો, મંદિરમાં ઠરેલા ભગવાન સારાં. પણ પોતાનું લોહી રહ્યું એટલે ફરિયાદ પણ કોને થાય..? ટાઢા થઈને બેસી રહેવું પડે. કે જેવાં છે તેવાં, છે તો મારાં ને..? વિજય માલ્યા કે નીરવ મોદીની માફક બેંકનું ફૂલેકું તો નથી ફેરવતાં ને..?  વિજય માલ્યો એવી હોળી સળગાવી ગયો કે, હજી ઠરી નથી. બેન્કવાળાની ઊંઘ ઉડાડી દીધી, ને એ માલ્યું..લંડનમાં રંગીન પાણીથી ધૂળેટી ખેલે છે બોલ્લો..!  “હોલી ખેલે રે  વિજય માલ્યા, લંડનમેં, હોલી ખેલે વિજય માલ્યા..! “ ( આ કોણ બોલ્યું યાર.? શાંતિથી જીવવા દો ને..? )

---------------------------------------------------------------------------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED