શંખ વગાડવાના ઝનૂની પ્રયોગો..!
માણસ છે ભાઈ..! સમય પ્રમાણે સપાટા મારવાની આદત એને નહિ હોય તો, હાથી-ઘોડાને થોડી હોય..? શિયાળામાં સ્વેટર જ પહેરે, રેઈનકોટ પહેરીને હટાણું કરવા નહિ નીકળે. તહેવારે-તહેવારે તહેવાર પણ સાચવે ને જયંતિ પણ સાચવે. આમ ભલે ફક્કડ ગિરધારી થઈ ફરે, પણ મહાશિવરાત્રી આવી તો મહા-દેવ પહેલાં, પછી બીજા દેવ..! કાંદા-બટાકા ઉપર લેખ લખવાના શ્રી ગણેશ કરતો હતો, ને વાઈફે જીદ કરી કે, મહાશિવરાત્રીએ કાંદા-બટાકા સારા નહિ લાગે, અને શંખના રવાડે ચઢ્યો..! હોનીકો કૌન ટાલ શકતા હૈ જી..! મારે અને શંખને મુદ્દલે નહિ ફાવે. શંખ કંઈ પીપુડી છે કે, ઊંચકી એટલે વાગે..? રશિયા અને યુક્રેન જેવું યુદ્ધ કરીએ ત્યારે માંડ ભુંઉઉઉઉ કરે..! ભલે ને ચ્યવનપ્રાસ કામદેવના ફોટા સાથે આખું વર્ષ ઉલાળ્યું હોય, પણ શંખ વગાડવાનું ઝનૂન પણ જોઈએ ને..? આમેય કોરોના આવ્યા પછી 'ઈમ્યુનીટી' તો રહી ના હોય, ને માણસની ફેકલ્ટીના કહેવાયા એટલે, સમ ખાવા પુરતું પણ ઝનૂન તો રાખવું જ પડે..! મોંઢે દાઢી-મૂછની મિલકત નહિ વસાવીએ તો ગબડે, પણ ઝનૂન વગરના હોઈએ તો, પોપટ વગરના પાંજરા જેવા લાગીએ. એટલે લુખ્ખ્મ-લુખ્ખું પણ ઝનૂન તો જોઈએ..! વાઈફ આગળ નન્નો બોલવાની તાકાત નહિ હોવા છતાં, મહાશિવરાત્રીએ શંખ વગાડવા ગયો, ને મારી પથારી ફરી ગઈ. ઝનૂનવાળી ફેકલ્ટી જ 'ફૂઉઉઉસ' થઇ ગઈ. શંખને હું નહિ ફાવ્યો કે, શંખ મને નહિ ગાંઠ્યો, એ સંશોધન હજી બાકી છે, પણ શંખ વાગ્યો નહિ. ફૂંકનાથ બની શંખને પલાળવાની કોશિશ તો ઘણી કરી, બેવડ-બેવડ વળી ગયો પણ શંખ એવી જીદે ચઢ્યો કે એકનો બે નહિ થયો. ‘ઓઢણી ઓઢું-ઓઢું ને ઉડી જાય’ ની માફક, શંખમાં ફૂંક જવાને બદલે, ફૂંક ફંટાઈને બહારની હવામાં ભળી ગઈ..! તમે ક્યાં નથી જાણતા કે, આપણી ફૂંક કંઈ ભગતડાં જેવી તો હોય નહિ, કે અડે એટલે ચોંટી જાય..! ઉનાબોર ઉનાળામાં મ્યુનસીપાલીટીના નળમાંથી ટપકતાં ટીપાં જેવી. ફૂંક મારવાથી મીણબત્તી નહિ હોલવાય, તો શંખ કેમનો ફૂંકાય..? પાકી ઉમરે જો કે, મારે પણ શંખ વગાડવાના ચહકડા નહિ કરવા જોઈએ, પણ વાઈફનું કહેવું હતું કે, મહાશિવરાત્રીએ કોઈ શિવ-નાદ કરે, ઘંટ-નાદ કરે, તો તમે શંખ-નાદ તો કરો..? બ્રહ્મજ્ઞાન એ લાધ્યું કે, છુટ્ટા-હાથે કોઈ સાથે મારામારી કે ઢોલ-થપાટ કરવી સારી, પણ શંખ વગાડવો એટલે સાંબેલામાંથી સારંગ રાગ કાઢવા જેટલું અઘરું..! કોઈ વંઠેલ આખલા સાથે બાથ ભીડવી સારી. પણ આવડત ના હોય તો શંખનો હવાલો નહિ લેવાય. ..! શંખ વગાડવા માટે ‘કોન્ફિડન્સ’ વાળી ફૂંક જોઈએ..! મગજે તો વારંવાર બરાડીને કહ્યું કે, “જાલિમ, યે શંખ બજાના છોડ દે, ‘શંખ બજાના કોઈ નાનીમાકા ખેલ નહિ હૈ..!” શંખ વગાડવા બાવડાંના બળ નહિ, ફેફસાનાં ફૂંફાડા જોઈએ..! શરીરનો બાટલો ભલે પાંચ મણની ચરબીથી ભરેલો હોય, શંખ વગાડવાની એ સાચી ‘ઈમ્યુનીટી’ નથી, ફેફસાં પાવરફુલ જોઈએ. કૂકરની સીટી વાગે એટલી જ હવા છૂટતી હોય તો, શંખવાળી લાઈનમાં નહિ પડાય. પીપુડી થોડી છે કે, ફૂંક મારે એટલે ફેણ કાઢે..!. કોઈના કાનમાં ફૂંક મારવી સહેલી, પણ શંખમાં ફૂંક મારવા જઈએ તો ગલોફાં સુજી જાય. શંખ વગાડવો એક કળા છે. ફૂંક-ફેફસાં ને શંખ આ ત્રણેય સીધી લીટીમા આવે તો જ નાદ નીકળે. મુછ ઉપર તાવો તો રાખવો જ નહિ કે, ભલભલા ‘વાંહળા’ ફૂંકી નાંખ્યા, તો શંખ કયા ખેતરની મુળી..? ભઈલા..! શંખ કંઈ આજકાલનો થોડો છે? દેવોના સમયમાં આધાર કાર્ડ કે રેશનકાર્ડ નહિ હતા, ત્યારે વિષ્ણુ ભગવાન હાથમાં શંખ રાખતાં..! શંખ એટલે, પાણીમાં રહેતાં એક પ્રકારના પ્રાણીનું બાહ્ય કવચ. એ જળચરમાં આવે ને આપણે સ્થળચરમાં..! ‘સબ ભૂમિ ગોપાલકી’ ની ખુમારીમાં અતિક્રમણ કરવા ગયા તો ૧૦૦ ટકા રતનજી ખીજાય..! હસવા જેવી ઘટના તો ત્યારે બની, ઊંઘમાં પણ શંખ સાથે બાથ ભીડતો હોઉં એમ, આખી રાત ‘ફૂઉઉફૂઉઉઉ-ફૂઉઉઉઉ’ કર્યા કર્યું..! આ સાંભળીને છોકરાઓ ડરી ગયાં કે, નક્કી કોરોનાની કોઈ નવી લહેર બાપાને વળગી. બે ઘડી તો અવાચક બની ગયા કે, બાપાને આ કયા પ્રકારનો કોરોના થયો..? વાઈફે ૭ વખત તો માથેથી લીંબુ ઓવાર્યું. એના કપાળમાં કાંદા ફોડું, આખી રાત જ્યાં જોંઉ ત્યાં મને શંખ જ દેખાય..! એક તો શંખની ડીઝાઈન ‘ચાઇનીશ’ જેવી, ક્યાંથી ‘play’ થાય, એ જ નહિ સમજાય.! રૂંછડાવાળા કૂતરાની માફક આગળ-પાછળનો ભાગ સરખો જ દેખાય..! મોઢું શોધવામાં ફૂંક શમી જાય..!આઈ મીન..ઢીલ્લી પડી જાય..!
એક વાત પાક્શંકી કે, શંખ વગાડવા માટે ચોપડીયું જ્ઞાન નહિ ચાલે. ભલે ને ઢગલાબંધ ચોપડાના થોથા ઉથલાવ્યા હોય, કે મીટરના ભાવે ડીગ્રી હાંસલ કરી હોય, પણ શંખ વગાડવા સામે બધ્ધું ઝીરો..! ન્યુટન સાહેબના નિયમો ભલે ફટાફટ બોલતા હોય, બળ-બુદ્ધિ-પદ-પ્રતિષ્ઠા કે પૈસાની ભલે ઝાહોજલાલી હોય, પણ એકેય કામ નહિ આવે. શંખ વગાડવા વળ અને કળ જોઈએ..! આપણે સ્વયં વિષ્ણુ ભગવાન તો છે નહિ, કે, શંખ પકડો એટલે તરત નાદ હવામાં ગૂંજવા માંડે. ધારેલું થાય નહિ, જોઈતું હોય તે મળે નહિ ત્યારે, મગજમાં જીવતો વીંછી ગળાય ગયો હોય, એવી કળતર થવા માંડે, એવી હાલત થઇ ગઈ દાદૂ..!
મહાદેવની મરજી હશે કે કેમ, લેખનો વિષય શોધવામાં આ શંખ અડફટે આવી ગયો. કયું શાક બનાવું તો કોઈના નાકના ટોચકા નહિ ચઢે, એવી રોજની ચિંતા જેમ વાઈફને થાય, એમ લેખકને પણ થાય, કે આજે કયા વિષય ઉપર મંગળાચરણ કરું તો વાંચકને ગલગલીયાં થાય..! ચોખ્ખી ચટ વાત કરું તો લેખનો વિષય શોધવા માટે મેં જેટલાં વલખાં માર્યા છે, એટલાં વલખાં કદાચ વાઈફ શોધવામાં નહિ માર્યા હોય..! લેખક નાનો હોય કે મોટો, મીડીયમ હોય કે ‘માઈક્રો’ વિષય શોધવા વલખાં તો મારવા જ પડે..! તરસ લાગે ત્યારે જ પાણી શોધવાની આદત, એટલે તકલીફ તો રહેવાની..! લોકો ને હસાવવા નું કામ પણ શંખ વગાડવા જેવું અઘરું છે..! માણસની અડફટે આવવામાં કોરોના નડે, પણ ભગવાન ભોલેનાથની અડફટે આવીએ તો કોરોના પણ છૂટે..! કહેવાય છે ને કે, “ બખાન ક્યા કરું મૈ તેરી રાખો કી ઢેરકા ચપટી ભભૂતમેં હૈ ખજાના કુબેરકા..!’ મહાશિવરાત્રીએ શંખ મદદે આવ્યો. કવિ નર્મદના શબ્દ-મંત્રને વાગોળી મેં પણ શંખનો પીછો નહિ મૂક્યો કે, ‘ડગલું ભર્યું તો ના હટવું, ના હટવું’ કાળા માથાનો માનવી, ભલે ટેંસ્સી મારતો હોય કે, એના માટે કોઈ કામ મુશ્કેલ નથી, એને એકવાર આવો પંચજન્ય શંખ પકડાવવા જેવો ખરો. અત્યાર સુધી તો મને માત્ર પાંચ જ મુશ્કેલ કામની ખબર હતી કે, હાથીને ખોળામાં નહિ બેસાડાય, કીડીને ઝાંઝર નહિ પહેરાવાય, મચ્છરને માલીસ નહી કરાય, ઝીરાફ્ને ગળે ભેટી નહિ શકાય, અને વાઈફથી ડર્યા વગર જીવી ના શકાય. એમાં શંખનો પણ હવે ઉમેરો થયો કે, માણસ કાળા માથાનો હોય કે, ધોળા માથાનો, શંખ વગાડવો અઘરો ખરો..! ગમે એવો ફૂંકીનાથ હોય, પણ ‘ડિસેન્ટ્રી’ ના દુખી આત્માએ તો શંખ ફૂંકવાની ફેકલ્ટીમાં ભૂલેચૂકે પણ ‘એન્ટ્રી’ લેવી નહિ. રતનજી ખીજાય..! બધું સંભાળવું પડે ને યાર..? અનેક શિવમંદિરોમાં શિવધૂન. શિવપૂજા, ઘંટનાદ અને શંખનાદ વગેરે થશે. ઠેર-ઠેર શિવાનંદની લહેર ઉઠશે. જેના હૈયામાં શિવાનંદ હોય એ શિવપૂજા કરશે, અમુક ‘દીવ-પૂજા’ કરવા પણ જશે. જેની જેવી મતિ. તેની તેવી ગતિ ને પ્રગતિ..! ભગવાન શિવજી તો સમુદ્ર મંથન વખતે નીકળેલું ‘કાલકૂટ’ ઝેર પીઈ ગયેલા એટલે નીલકંઠ કહેવાયેલા, બાકી દીવ-દમણના દરિયે કોઈ સમુદ્ર ચિંતન કરવા જાય એને ‘નીલકંઠ ‘નહિ કહેવાય. તો શું કહેવાય..? એ તમે જાણો યાર..! જવાબ આપું તો રતનજી ખીજાય..!
લાસ્ટ ધ બોલ
કવી સંમેલનમાં કવિ, કવિતા રજુ કરવા ઉભા થયા.....
બે ખમીશ ત્રણ કુર્તી ને ચાર પાયજામાં
(વાહ..વાહ...વાહ..વાહ..!)
બે ખમીશ ત્રણ કુર્તી ને ચાર પાયજામાં
(ઈર્શાદ..ઈર્શાદ..!)
બે ખમીશ ત્રણ કુર્તી ને ચાર પાયજામાં
(વાહ-વાહ હવે આગળ વધો જનાબ..! )
ક્યાંથી વધુ..? કવિતાને બદલે ઈસ્ત્રીવાળા કપડાની યાદી લવાય ગઈ છે..!
હેંએએએએ..!