પ્રણય પરિણય - ભાગ 57 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 57

પ્રણય પરિણય ભાગ ૫૭


સમાઈરા, તને ખબર છે તે કેવડો મોટો પ્રોબ્લેમ ઉભો કરી દીધો છે? તારે મને એકવાર પૂછવું તો હતું. બાળપણથી મારી સાથે છે તું, તને એટલો ભરોસો નહોતો મારા પર?' વિવાન ધૂંધવાઈને બોલ્યો.


'આઈ એમ સોરી..' એ બોલી.


વિવાન પણ સમજતો હતો કે હવે એને કંઈ કહેવાનો કોઈ અર્થ નહોતો. કમાનમાંથી છૂટેલું તીર અને મોઢામાંથી નીકળેલા શબ્દને પાછો વાળી શકાય નહીં.


'વિવાન બેટા, વી આર ઓલ્સો સોરી.' વૈભવી ફઈ બોલ્યા.


'અરે! નહીં, તમે બધાંએ તો નેચરલી જ રિએક્ટ કર્યું છે. તમારી જગ્યા પર કોઈ પણ હોય એનો રિસ્પોન્સ આવો જ હોય. ભૂલ મારી પણ હતી. સોરી તો મારે કહેવું જોઈએ.' વિવાન બોલ્યો.


'વિવાન બેટા, હવે ગઝલ કેવું રિએક્ટ કરશે?' કૃષ્ણકાંતને ચિંતા થઈ.


'ડોન્ટ વરી, હું સમજાવીશ તેને.' વિવાને એક નિસાસો મૂક્યો અને તેની રૂમમાં ગયો.


એ સમયે ગઝલ હોશમાં આવી ગઈ હતી. એ બલ્કનીમાં ઉભી રહીને બહાર જોઈ રહી હતી.


વિવાને હળવેથી દરવાજો ખોલ્યો.

'ગઝલઅઅ..' તે બેડ પર દેખાઈ નહીં એટલે વિવાને પ્રેમથી હળવો અવાજ દીધો. તેણે રૂમમાં બધે નજર ફેરવી. તેને ગઝલ બાલ્કનીમાં ઉભેલી દેખાઈ.


'ગઝલ... ' વિવાન નજીક જઈને બોલ્યો. તેણે કોઈ જવાબ ના આપ્યો.


'ગઝલ..' તેણે ફરીથી બોલાવી.


ગઝલએ તેની સામે જોયું. તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેની આંખોમાં એક સવાલ વંચાઈ રહ્યો હતો. 'જાણે કહેતી હોય કે મારી સાથે આવું શું કામ કર્યું?'


'તું થોડો આરામ કરી લે, આપણે પછી વાત કરીએ.' વિવાને તેના હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું.


'બદલો લેવા માટે થઈને..?' ગઝલએ વાકય અધુરું છોડીને વિવાન સામે જોયું.


'ના ગઝલ, પ્રેમ માટે.. આઈ લવ યૂ.' વિવાન તેની આંખોમાં જોઇને બોલ્યો.


'નો, યૂ ડોન્ટ.. તમારે મલ્હાર સાથે કાવ્યાનો બદલો લેવો હતો. તેને પછાડવા માટે થઈને મારી સાથે પ્રેમનું ખોટું નાટક કર્યું..' ગઝલની આંખો ભરાઈ આવી.


'ગઝલ, હું તને બધું કહું છું, ચલ અંદર બેસીએ.' કહીને વિવાન તેનો હાથ પકડીને તેને અંદર લઈ ગયો.


ગઝલએ તેના હાથમાંથી પોતાનો હાથ ખેંચી લીધો.


'તમે મારી લાગણીઓ સાથે રમત રમી રહ્યા છો. યૂ આર મેનુપ્લેટિંગ માય ઈમોશન્સ વિવાન..'


'બહુ મોટી ગેરસમજ થઈ રહી છે ગઝલ..' વિવાન તેના પગ પાસે બેસી ગયો.


'ગઝલ, મે બધુ પહેલા તને એટલા માટે નહોતું કીધું કેમ કે મારા હાથમાં મલ્હારની વિરુદ્ધમાં કોઈ ઠોસ પુરાવા નહોતા. એક તરફ કાવ્યા હોસ્પિટલમાં હતી તો બીજી તરફ તારા એની સાથે લગ્ન થવાના હતાં. તમારા લગ્ન એટલા જલ્દી નક્કી થઇ ગયા કે મારા પાસે વધુ વિચારવાનો સમય પણ નહોતો.. એ સમયે મને કશું સુઝતું નહોતું. એ સમયે જો હું તારા કે મિહિર ભાઈ પાસે ગયો હોત અને મલ્હાર વિશે કહ્યું હોત તો તમારામાંથી કોઈએ મારો વિશ્વાસ ના કર્યો હોત. એટલે મે એ પગલું ભર્યું હતું.'


'તમારો જવાબ અધુરો છે. મલ્હાર સાથે બદલો લેવા મેં એ પગલું ભર્યું એમ કહો ત્યારે તમારો જવાબ પુરો થાય.' ગઝલ એના તરફ જોયા વગર બોલી.


'ના ગઝલ, તને મલ્હારથી સુરક્ષિત રાખવા માટે મેં એ પગલું ભર્યું હતું.'


ગઝલએ વિવાન તરફ જોયું.

'માની લો કે કાવ્યાને મલ્હાર સાથે કશી લેવા દેવા ન હોત તો? તો તમે મારા લગ્ન મલ્હાર સાથે થવા દીધા હોત. રાઈટ?'


ગઝલએ અઘરો સવાલ પૂછ્યો હતો. વિવાન ગૂંચવાઈ ગયો.


'વિવાન.. મને ફક્ત હાં કે નામાં જવાબ આપો. મલ્હારે કાવ્યાને ફસાવી એ જ તમારી દુશ્મનીનું મુખ્ય કારણ હતુંને? એ માટે તમારે એને સજા આપવી હતી ને?'


'હાં..'


'એનો મતલબ કે તમને મારા પર પ્રેમ નહોતો, રાધર છે જ નહીં. ફક્ત કાવ્યાના લીધે અને મલ્હારને બરબાદ કરવા માટે મારી સાથે લગ્ન કર્યા. એક વાર તમારો બદલો પૂરો થઈ જાય એટલે તમે મને છોડીને..' ગઝલને આગળ વાક્ય પુરુ ના કરી શકી. તેના ગળે ડૂમો બાઝી ગયો.


'ના ગઝલ ના.. એવું નથી, તું આખી વાતને ખોટી રીતે ઈન્ટરપ્રેટ કરે છે..'


'બસ વિવાન.. મારે કોઈ વાત નથી કરવી. મને એકલી છોડી દો.'


'અરે પણ, મલ્હાર આટલો ખરાબ માણસ છે એની ખબર તો મને તેણે કાવ્યાનુ એક્સિડન્ટ કરાવ્યા પછી પડી.. તું મારી વાત તો સાંભળ..' વિવાન કરગરીને બોલ્યો.


'વિવાન પ્લીઝ..' ગઝલએ તેની સામે બે હાથ જોડ્યા.

વિવાન હેલ્પલેસ હતો. તેને થયુ કે ગઝલ ફરીથી સ્ટ્રેસ લેશે અને વધુ તકલીફ થશે. ના છુટકે એ ઊભો થયો.


'ઠીક છે, હું જઉં છું પણ તું વધુ સ્ટ્રેસ નહીં લેતી. બહું વિચારતી નહીં, તારી તબિયત બગડશે. એન્ડ રીમેમ્બર, આઈ લવ યૂ અ લોટ.' વિવાન તેના ચહેરા પર હાથ ફેરવતાં બોલ્યો. પછી રૂમમાંથી નીકળી ગયો.

એના જતાં જ ગઝલ ફરીથી રડવા લાગી.


'વિવાન, ગઝલને કેમ છે?' દાદીએ ચિંતાથી પૂછ્યું.


'સારુ છે હવે.. ડોન્ટ વરી.' વિવાને કહ્યુ.


'ભાઈ..' રઘુ નજીક આવતા બોલ્યો.


'બોલ.'


'હોસ્પિટલમાંથી ફોન હતો. બધા રિપોર્ટ નોર્મલ છે. ડોક્ટર કાલે સવારે ઓપરેશન કરવાનું કહે છે.'


'રિઅલી?!!' વિવાન ખુશ થયો.


'હાં, મારી પણ ડો. આચાર્ય સાથે વાત થઈ છે. હું હમણાં હોસ્પિટલ જ જઉં છું. સમાઈરાએ કહ્યુ.


'ચલ હું પણ આવું છું.' વિવાને કહ્યુ.


'મોમ અમારૂ ટીફીન પેક કરાવી દે ને.' સમાઈરાએ વૈભવીને કહ્યુ.


'હાં, ઓકે.' કહીને વૈભવી મહારાજને સૂચના આપવા કિચનમાં ગઈ.


'દાદી, ગઝલને જમાડીને આ મેડિસિન આપી દેજો.' વિવાને દાદીના હાથમાં ટેબલેટ આપતાં કહ્યું.


'હાં બેટા.' દાદી બોલ્યા.


થોડીવાર પછી વિવાન, રઘુ અને સમાઈરા હોસ્પિટલ જવા નીકળ્યા.


'ગઝલ બેટા..' દાદીએ નોક કરીને અવાજ દીધો અને હળવેથી દરવાજો ખોલીને અંદર આવ્યાં.

ગઝલ બેડ પર આડી પડી હતી. દાદીનો અવાજ સાંભળીને એ ઉઠીને બેસી.


'બેટા, ચલ જમી લે. પછી દવા લેવાની છે ને?'


'મને ભૂખ નથી લાગી બા.'


'અરે! ભૂખ કેમ નથી લાગી? એમ જમવા પર ગુસ્સો ના કઢાય. મારૂ માન રાખીને થોડું જમી લે ચલ.' દાદી એના માથા પર હાથ ફેરવતાં બોલ્યાં.

ગઝલની આંખોમાં પાણી આવી ગયાં.


'મારા સાથે બેસીને ખાઈશ તો થોડું ભાવશે ચલ.' કહીને દાદીએ તેને પરાણે જમાડી. ગઝલએ થોડું ખાધુ. પછી મેડિસિન લીધી.


'આમ જો બેટા, સમાઈરાની વાતનુ તું બિલકુલ મનમાં નહીં લેતી. તેની ગેરસમજ થઈ હતી એટલે એ બોલી ગઈ. તું શાંતિથી સૂઈ જા. એ બાબતમાં બહુ વિચાર નહીં કરતી.' દાદી ગઝલને સમજાવીને ગયાં.


ગઝલ બેડ પર પડીને બની ગયેલા બનાવ વિષે વિચારી રહી હતી. 'કાવ્યાને કારણે વિવાન તેની નજીક આવ્યો છે. એક વાર કાવ્યા સાજી થઈ જશે પછી વિવાન તેનાથી દૂર થઈ જશે..' સમાઈરાનું આ વિધાન ગઝલના મનમાં ઘર કરી ગયું હતું. 'કાલ સવારે કાવ્યા સાજી થઈને ઘરે આવશે અને એ પણ તેની હાલત માટે મને જ જવાબદાર ગણશે તો?' આ વિચારે તેને ચિંતિત કરી મૂકી. પણ દવાની અસર નીચે તેને ઘેન વળવા લાગ્યું હતું. એટલે થોડી વારમાં એ ઉંઘી ગઈ.


**


કાલે સવારે કાવ્યાનુ ઓપરેશન થવાનું હતું એટલે વિવાન થોડો ખુશ હતો. એ ઉચાટમાં પણ હતો, એને ઉંડે ઉંડે ચિંતા પણ થતી હતી. હોસ્પિટલની રૂમમાં એ કાવ્યાનો હાથ તેના હાથમાં લઈને બેઠો હતો.


'વિવાન..' સમાઈરાએ નજીક આવીને તેના ખભા પર હાથ મૂક્યો. વિવાને ઉંચે જોયું.


'ડોન્ટ વરી, થઈ જશે બધુ બરાબર.. ડોક્ટર સ્ટીફન ખૂબ હોશિયાર છે અને એના હાથમાં યશ છે.' સમાઈરાએ આશ્વાસન આપ્યું.


'હમ્મ..'


'ખૂબ મોડું થઈ ગયું છે હવે તું ઘરે જા..' સમાઈરાએ વિવાનને કહ્યુ.


'ના.. હું અહીં જ રોકાઇ જઈશ.'


'વિવાન.. હું છુંને અહિ. તું ઘરે જા. ઘરે તારી વધુ જરૂર છે. સવારે આવજે બધાને લઈને.'


'ઠીક છે.' કહીને વિવાન ઉભો થયો.


'વિવાન..'


વિવાન થોભ્યો અને સમાઈરા તરફ જોયું.


'આઈ એમ સોરી..' સમાઈરા ભીની આંખે બોલી.

વિવાન કશુ બોલી શક્યો નહીં. થોડી ભૂલ તો પોતાની પણ હતી. તેણે ગળુ ખંખેર્યું અને 'સવારે આવું છું.' કહીને નીકળી ગયો.


વિવાન ઘરે આવ્યો ત્યારે ગઝલ શાંતિથી સૂઈ ગઈ હતી. દવાના ડોઝને કારણે તે ગાઢ નિંદ્રામાં હતી. વિવાન તેના પર એક નજર નાખીને બાથરૂમમાં ફ્રેશ થવા ગયો. ફ્રેશ થઈ, ચેઇન્જ કરીને એ બેડ પર આડો પડ્યો. ગઝલ તો ઉંઘી ગઈ હતી એટલે તેના તરફ ફેસ રાખીને તેનો ચહેરો જોતા જોતા એ પણ ઉંઘી ગયો.


વહેલી સવારે ગઝલની નીંદર ઉડી. તેણે અડધી આંખો ખોલીને બાજુમાં જોયું તો વિવાન તેની બાજુમાં જ સુતો હતો. રોજ એકબીજાને વળગીને, એકદમ ચીપકીને સૂવા વાળા બંને જણા વચ્ચે આજે અંતર હતું. બંને વચ્ચે ગમે તેટલી આર્ગ્યુમેન્ટ થઈ હોય તો પણ વિવાન તેને ભેટીને જ સૂતો. આજે તે થોડો દૂર સૂતો હતો. ગઝલને ખરાબ લાગ્યું. અને ફરીથી તેની ગેરસમજ થઈ.

તેણે વિચાર્યું: 'હવે તો બધાને તેમના વિશે ખબર પડી ગઈ છે એટલે હવે મને પ્રેમ કરવાની, મારી નજીક આવવાની પણ તેને કોઈ જરૂર નથી લાગતી.'


વિવાને સમયસર ઉઠીને હોસ્પિટલ જવા માટે એલાર્મ લગાવ્યો હતો. પણ એ તો એલાર્મ વાગવા પહેલા જ ઉઠી ગયો. તેનુ હલનચલન જોઈને ગઝલએ આંખો બંધ કરી લીધી. વિવાને આંખો ખોલીને જોયું તો ગઝલ શાંતિથી સૂતી હતી. વિવાને વિચાર્યુ કે ભલે સૂતી એને ડિસ્ટર્બ નથી કરવી. એને સૂતેલી રહેવા દઇને એ તૈયાર થઈને રૂમની બહાર નીકળ્યો.


રૂમના દરવાજાનો ઉઘાડ બંધ થવાનો અવાજ આવ્યો એટલે ગઝલએ આંખો ખોલી. વિવાન કશુ બોલ્યા વગર ચુપચાપ નીકળી ગયો એટલે તેને ફરીથી ગેરસમજ થઈ. માણસના મનમાં એક વખત કોઈના માટે નકારાત્મક વિચાર રોપાય એટલે એમાંથી નકારાત્મક વિચારોની શ્રૃંખલા સર્જાય છે. બંને એક અદ્રશ્ય દિવાલ બનવા લાગે છે. પછી એક સમય એવો આવે છે કે એ દિવાલની પાછળથી તમને સામાવાળા વ્યક્તિની સકારાત્મક બાબતો દેખાતી બંધ થતી જાય છે. એટલે પછી તમને સામાવાળાની સારાઈ નજર નથી આવતી. ગઝલ સાથે પણ એવું જ થયું હતું. સમાઈરાનું બોલેલું તેને કાળજે ઘા કરી ગયું હતું. એ ઘાની અસર એટલી જોરદાર હતી કે તેની સામે તેને વિવાનનો પ્રેમ પણ ખોટો લાગતો હતો. તે વિચારોમાં ખોવાયેલી એમ જ પડી રહી.


ગઝલને ડિસ્ટર્બ કરવાની વિવાન બધાને મનાઈ કરીને ગયો હતો. સવારનાં નવ વાગી ગયાં હતાં. ગઝલ તૈયાર થઈને નીચે આવી. ઘરમાં ચારે તરફ શાંતિ હતી. બધા નોકર પોતપોતાના કામ કરી રહ્યા હતા.


'ભાભી, તમારા માટે નાસ્તો લગાવું?' મહારાજે આવીને પૂછ્યું.


'ના ના.. બધા સાથે જ કરીશું. ક્યાં છે બધા? હજુ કોઈ ઉઠ્યા નથી કે?'


'ભાભી, બધા તો સવારે સાત વાગ્યે જ હોસ્પિટલ જવા નીકળી ગયા.' મહારાજ બોલ્યાં.


'હોસ્પિટલ?'


'હાં.'


'ઠીક છે.'


'તમારા માટે ચા વગેરે કંઈ લાવું ભાભી?'


'ના' ગઝલ બોલી.


મહારાજ કિચનમાં જતા રહ્યા.


મહારાજના જતા જ ગઝલએ વિવાનને ફોન લગાવ્યો. પણ રીંગ વાગે એ પહેલાં જ કટ કરીને રઘુનો નંબર ડાયલ કર્યો.


'હેલ્લો રઘુ ભાઈ..'


'બોલોને ભાભી..'


'તમે બધાં ક્યાં છો?'


'હોસ્પિટલમાં..'


'કેમ અચાનક? બધું ઠીક તો છે ને?'


'કાવ્યાનું ઓપરેશન ચાલુ છેને એટલે..' રઘુએ કહ્યુ.


'વ્હોટ?'


'હાં, હજુ કાલે જ નક્કી થયું કે આજે ઓપરેશન થશે. અમે બધા સવારે જ અહીં આવ્યાં.'


'ઠીક છે.' કહીને ગઝલએ ફોન મુકી દીધો.


'વિવાન, આજે કાવ્યાનુ ઓપરેશન છે મને એટલું કહેવાનું પણ તમને જરૂરી ના લાગ્યું?' ગઝલ મનમાં બોલી. થોઙી વાર બેસીને કંઈક વિચાર્યુ અને બંગલાની બહાર નીકળી.


**


સવારના અગિયાર વાગી ગયાં હતાં. કાવ્યાનું ઓપરેશન ચાલુ થયું એને ત્રણ કલાક થઈ ગયા હતા. ઓપરેશન થિયેટરની બહાર લાગેલો લાલ લેમ્પ બંધ થયો અને ડોક્ટર સ્ટીફન, સમાઈરા અને બીજા એક ડોક્ટર બહાર આવ્યાં. તેઓને બહાર નીકળતા જોઇને બધા ઉભા થયા અને તેમને ઘેરી વળ્યા.


'ડોક્ટર..' કૃષ્ણકાંત મોટી આશાથી ડોક્ટર સ્ટીફન સામે જોઈ રહ્યાં.


'એવરીથિંગ ઈઝ ફાઈન.. ઓપરેશન સફળ રહ્યું છે.' ડો. સ્ટીફન હસીને બોલ્યા.

કૃષ્ણકાંત એને ભેટી પડ્યા. અને એમની પીઠ થાબડી. ડોક્ટરની વાત સાંભળીને વિવાન તો ચેર પર બેસી પડ્યો. પાછલા ત્રણ કલાકથી એ ઉચાટમાં આમતેમ આંટા મારી રહ્યો હતો. એ બેઠો જ નહોતો. એની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યાં હતાં.


'વિવાન..' સમાઈરા તેની નજીક આવીને ઉભી. વિવાને લાગણીનાં આવેશમાં તેને બેઉ હાથ વડે કમર ફરતેથી જકડી લીધી અને તેના પેટ પર મોઢું નાખીને એ નાના બાળકની જેમ રડવા લાગ્યો.


બરાબર એજ ઘડીએ ગઝલ હોસ્પિટલમાં આવી. વિવાન અને ગઝલને એ અવસ્થામાં જોઈને એ સજ્જડ ઉભી રહી ગઈ. વિવાનની હાલત જોઈને બધા ભાવુક થઈ ગયા હતા. ફક્ત રઘુની નજર સામે ઉભેલી ગઝલ પર ગઈ. ગઝલની આંખોમાં પણ આંસુ હતા.


'ભાભી..' રઘુના હોઠ ફફડ્યા. વિવાન અને સમાઈરાને આ રીતે જોઈને ગઝલને ગેરસમજ થશે એવા ડરથી રઘુ તેની તરફ જતો જ હતો કે ગઝલ પીઠ ફેરવીને ચાલતી થઈ. એ પણ તેની પાછળ ગયો.


ગઝલ આંસુ લૂછતી હોસ્પિટલની બહાર આવી.


'ભાભી..' રઘુએ અવાજ દીધો. ગઝલ અટકી.


'ભાભી.. કાવ્યાનું ઓપરેશન સકસેસ થયું એટલે ભાઈએ સમાઈરાને..' રઘુ બોલતો હતો ત્યાં ગઝલ તેના તરફ ફરી.

.

.


**


ક્રમશઃ


શું ગઝલના મનમાંથી ગેરસમજ નીકળશે? કે હજુ વધશે?


આ ગેરસમજનું પરિણામ શું આવશે?


કાવ્યાનું ઓપરેશન સફળ રહ્યું, હવે મલ્હારનું શું થશે?


**


❤ મિત્રો, નવલકથાનું આ પ્રકરણ વાંચીને તમારા અમૂલ્ય પ્રતિભાવો જરૂરથી આપશો. ❤