પ્રણય પરિણય ભાગ ૫૬
'મલ્હાર સાથે બદલો લેવા માટે જ વિવાને તારી સાથે લગ્ન કર્યા છે. પ્રેમ બ્રેમ એ બઘુ નાટક છે તેનું, મલ્હારની બરબાદી જ એકમાત્ર ધ્યેય છે તેનું. કેમ કે વિવાન ફકત એની બહેનને પ્રેમ કરે છે. કાવ્યા માટે થઈને એ પોતાનો જીવ પણ આપી શકે છે અને કોઈનો જીવ લઇ પણ શકે છે.. મલ્હારને બરબાદ કરવાના વિવાનનાં પ્લાનમાં તું તો માત્ર એક પ્યાદું જ છે.' આટલું બોલીને સમાઈરા એક ક્ષણ અટકી.
પછી ગઝલ સામે ધારદાર નજરે જોયું અને કટાક્ષયુક્ત અવાજે બોલી: 'કાલે કાવ્યાનું ઓપરેશન થશે એટલે કાવ્યા સાજી થઇ જશે અને મલ્હાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે.. એકવાર મલ્હાર જેલમાં જાય એટલે વિવાનનો બદલો પૂરો.. પછી એ તને તરછોડી દેશે..'
સમાઈરાના મનમાં જે આવ્યું તે એ બોલી ગઈ. ગઝલને તે સાચું લાગી રહ્યું હતું. સમાઈરાના શબ્દો હથોડાની જેમ તેના માથામાં વાગતાં હતાં. ગઝલએ કાન બંધ કર્યા અને બેહોશ થઈને ઢળી પડી.
'ગઝલ બેટા..' દાદીની ચીસ નીકળી ગઈ..
'ગઝલ..' વિવાન જસ્ટ ઘરમાં દાખલ થયો હતો અને ગઝલને ઢળી પડતી જોઈને તેની તરફ દોડ્યો.
'ગઝલઅઅ..' વિવાન તેના ગાલ પર થપકી મારતા તેને જગાડવાની કોશિશ કરવા લાગ્યો.
'વહુ બેટા..' કૃષ્ણકાંત પણ નજીક આવ્યા.
દાદી, ફઈ, કૃષ્ણકાંત.. બધા ગઝલને ઘેરીને ઉભા રહી ગયાં.
'રઘુ, ડોક્ટરને બોલાવ..' વિવાને રાડ પાડીને કહ્યુ.
ગભરાયેલો રઘુ એકદમથી ચમક્યો. અને 'હેં? હાં ભાઈ..' કહીને બહાર નીકળ્યો.
'વિવાન.. વહુને અંદર રૂમમાં લઈ લે.' દાદીએ કહ્યુ.
વિવાને તેને બંને હાથમાં ઉંચકી અને રૂમમાં લઈ આવ્યો પાછળ પાછળ બધા રૂમમાં આવ્યાં. વિવાને તેને બેડ પર વ્યવસ્થિત સુવડાવીને તેના માથા પર હાથ ફેરવ્યો.
'દાદી.. શું થયું ગઝલને?' થોડી વાર પછી વિવાને પૂછ્યું. કોઈ કશું બોલ્યું નહીં બધા સમાઈરા તરફ તાકી રહ્યાં.
'હું તમને પુછુ છું.. શું થયું છે?' વિવાને ફરી પુછ્યું.
'એ..' દાદી કંઈક બોલવા ગયાં ત્યાં રઘુ ડોક્ટરને લઈને અંદર આવ્યો.
ડોક્ટરે ગઝલને તપાસીને એક ઈંજેક્શન આપ્યું.
'ડોક્ટર..?' વિવાને પ્રશ્ન સૂચક નજરે તેની સામે જોયું.
'કોઈ ચિંતા જેવું નથી. સ્ટ્રેસ અથવા તો શોકના લીધે પેનિક એટેક આવ્યો હોય તેમ લાગે છે. એકાદ કલાકમાં હોશમાં આવી જશે.' ડોક્ટર બોલ્યા.
વિવાન આશ્ચર્યચકિત થઈને ડોક્ટર સામે જોઈ રહ્યો એટલે ડોક્ટર તેને વધુ વિગતવાર સમજાવતા બોલ્યા: 'જ્યારે કોઈ વ્યક્તિ બેહદ તણાવપૂર્ણ ઘટના અથવા પરિસ્થિતિનો અનુભવ કરે છે, ત્યારે તેનું શરીર કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન્સ છોડે છે. જેના કારણે અમુક શારીરિક પ્રતિક્રિયા થાય છે. જેમ કે ધબકારા વધી જવા, પરસેવો વળવો, ચક્કર આવવાં વગેરે. કેટલાક કિસ્સાઓમાં, જ્યાં વ્યક્તિ અતિશય ઈમોશનલ અથવા સાઇકોલોજીકલ સ્ટ્રેસમાં હોય, એવી પરિસ્થિતિઓમાં શારીરિક લક્ષણો ઘણા તીવ્ર હોવાથી વ્યક્તિ કયારેક બેભાન પણ થઈ શકે છે.'
'પણ ગઝલને આટલો બધો સ્ટ્રેસ શાનો હોય?' વિવાન બબડ્યો.
'વિવાન, એ એકદમ ઠીક છે. બીજી કોઈ દવાની પણ જરુર નથી, છતાં આ બે ટેબલેટ આપુ છું એ રાતનાં જમ્યા બાદ તેને આપી દેજો. એનાથી તેને વ્યવસ્થિત ઉંઘ આવી જશે એટલે સવારમાં એ ફ્રેશ થઇ જશે. બસ એને બરાબર જમાડી દેજો.' ડોક્ટરે કહ્યુ.
'થેન્ક યુ ડોક્ટર.' વિવાને કહ્યુ.
ડોક્ટરે ગઝલ પર એક નજર ફેંકી પછી વિવાનના ખભા પર હાથ મૂકીને બોલ્યા: 'યુ આર વેલકમ.. જરૂર પડે તો આઈ એમ જસ્ટ અ કોલ અવે..'
'યા, શ્યોર ડોક્ટર..' વિવાને કહ્યુ. અને રઘુ ડોક્ટરને લઈને બહાર નીકળી ગયો.
'વહુને આરામ કરવા દો.' કહીને કૃષ્ણકાંત રૂમની બહાર નીકળ્યા. તેમની પાછળ પાછળ બધા બહાર આવ્યાં.
વિવાન થોડીવાર ગઝલ પાસે બેઠો. પછી તેને વ્યવસ્થિત ઓઢાડીને તેના કપાળ પર હળવું ચુંબન કર્યું અને ધીરેથી દરવાજો બંધ કરીને બહાર આવ્યો.
હોલમાં બધાં ચુપચાપ બેઠા હતા, સમાઈરા સિવાય બધાના ચહેરા પર ટેન્શન હતું. એકલી સમાઈરા જ ગુસ્સામાં હતી.
'કોઈ મને કહેશે કે ગઝલને અચાનક શાનું ટેન્શન આવી ગયું?' વિવાન હોલમાં આવીને બોલ્યો.
કોઈ કશું બોલ્યું નહીં.
'દાદી… ફઈ..' વિવાન બંનેની તરફ વારાફરતી જોઈને બોલ્યો. એટલી વારમાં રઘુ પણ અંદર આવી ગયો હતો.
'બધાને સાચી હકીકત ખબર પડી ગઈ છે.' સમાઈરા આડુ જોઈને બોલી,
'શાની હકીકત?' વિવાને પૂછ્યું.
'નાટક બંધ કર હવે પ્લીઝ..' સમાઈરા વિવાન તરફ ફરીને બોલી.
'નાટક! શાનું નાટક? તારે જે કહેવું હોય તે સ્પષ્ટ કહી દે.' વિવાન અકળાઈ ઉઠ્યો.
'ઠીક છે, તારે મારા મોઢેથી જ સાંભળવું છે ને? તો સાંભળ.. જે છોકરીને લીધે આપણી કાવ્યા આજે હોસ્પિટલમાં પડી છે, એ છોકરી સાથે તે લગ્ન કર્યા છે. અને એ લગ્ન પણ પેલા મલ્હાર રાઠોડ સાથે બદલો લેવા માટે કર્યા છે. અને એ પણ તેની મરજી વિરૂધ્ધ.' સમાઈરા એકી શ્વાસે બોલી ગઈ.
એની વાત સાંભળીને વિવાન ચોંકી ઉઠ્યો. તેના ચહેરાના બદલેલા હાવભાવ જોઈને સમાઈરા તિરસ્કાર ભર્યું હસી.
'એની સાથે તે બળજબરીથી લગ્ન કર્યા છે અને અમને બધાને કહે છે કે તમારી વચ્ચે પ્રેમ છે? જેના કારણે કાવ્યા મોત સામે લડી રહી છે એને આ ઘરની વહુ બનાવીને લાવતા તને જરાય શરમ ના આવી?' બોલતા સમાઈરાનો અવાજ ઉંચો થઈ ગયો.
'માઈન્ડ યોર લેન્ગવેજ..' વિવાન ખીજાઈ ગયો.
'કેમ? હવે શું થયું..? છટ્ તું કેટલો સ્વાર્થી માણસ છે વિવાન..' સમાઈરા તુચ્છકાર ભર્યા અવાજે બોલી.
'એક મિનિટ..' અત્યાર સુધી શાંત બેઠેલા કૃષ્ણકાંતનો ભારેખમ અવાજ આવ્યો.
'ડેડ..' વિવાન કંઈક બોલવા ગયો પણ કૃષ્ણકાંતે તેને અધવચ્ચે જ અટકાવ્યો.
'વિવાન.. આજ નહીં, આજે છુપાવાનું નથી, કોઈ ઢાંકપિછોડો કરવાનો નથી. જે કંઈ છે એ સ્પષ્ટ શબ્દોમાં બધાની વચ્ચે કહે.' કૃષ્ણકાંતના અવાજમાં ગભરાવી મૂકતી ઠંડક હતી. અને આંખોમાં ક્રોધ હતો.
'હાં ડેડી, એ સાચી વાત છે કે મેં ગઝલને એના લગ્નના દિવસે જ એને કિડનેપ કરી અને બ્લેકમેલ કરીને જબરદસ્તી લગ્ન કર્યા છે.' વિવાન નજર નીચી રાખીને બોલ્યો.
બીજી જ ક્ષણે હોલમાં સટ્ટાક્ક.. કરતો અવાજ ઘુમરાઈ વળ્યો. એ જોઈને રઘુ જેવો રઘુ પણ હેબતાઈ ગયો.
'ડેડ..' વિવાન એક હાથે પોતાનો ગાલ પંપાળી રહ્યો હતો. તેની આંખોમાં પાણી આવી ગયાં હતાં.
'તને આવુ કરતાં શરમ ના આવી? પોતાની બહેનનો બદલો લેવા માટે થઈને કોઈની બેન દિકરીનું અપહરણ કર્યું? બ્લેકમેલ કરીને બળજબરીથી લગ્ન કર્યા? આવા સંસ્કાર આપ્યા છે અમે તને? કૃષ્ણકાંત શ્રોફે જીંદગી ઘસી નાખી છે આબરૂ કમાવવામાં.. એ આબરૂને ધૂળમાં મેળવતા પહેલા તને તારા આ બાપનો વિચાર પણ ના આવ્યો?' કૃષ્ણકાંત ક્રોધથી ધ્રુજી રહ્યાં હતાં.
'ડેડ.. ડેડી પ્લીઝ મારી વાત તો સાંભળો..' વિવાન કરગર્યો.
'શું સાંભળુ વિવાન?? શું સાંભળું? હવે તું શું અલગ કહેવાનો હતો? અમારી દિકરી કોઈને પ્રેમ કરતી હતી અને તેના પ્રેમીએ તેને દગો દીધો એટલે અમારા દિકરાએ બદલો લેવા માટે પેલાની પ્રેમીકાને ઉઠાવી લીધી અને તેને બ્લેકમેલ કરીને લગ્ન કરી લીધા..' કૃષ્ણકાંત એક ક્ષણ અટક્યા. કદાચ તેને આગળના શબ્દો બોલવામાં તકલીફ પડતી હતી.
'એક વાત કહું? તને દિકરો કહેવામાં પણ આજે મને શરમ આવે છે.' કહીને કૃષ્ણકાંતે નજર ફેરવી લીધી.
'ડેડી.. એકવાર.. બસ એકવાર મારી પુરી વાત સાંભળી લો પ્લીઝ.. કોઈનો બદલો લેવા માટે નહીં પણ હું ગઝલને સાચો પ્રેમ કરૂ છું એટલે જ મેં તેની સાથે લગ્ન કર્યા છે.' વિવાનની બોલ્યો. કૃષ્ણકાંત અવિશ્વાસથી તેની સામે જોઈ રહ્યાં.
'યસ ડેડી.. ટ્રસ્ટ મી, હું તો ઘણા સમયથી ગઝલને ચાહતો હતો. પણ એક દિવસ મને ખબર પડી કે એ તો બીજા કોઈને પ્રેમ કરે છે. એટલે હું તેના રસ્તામાંથી હટી ગયો. તેને ભૂલવાની કોશિશ કરવા લાગ્યો. એ જ અરસામાં કાવ્યાનો અકસ્માત થયો. એ અકસ્માતની તપાસ કરતાં અમને ખબર પડી કે આપણી કાવ્યા પણ કોઈને પ્રેમ કરતી હતી. તેણે એના પ્રેમમાં આંધળી થઇને બધી સરહદો વટાવી દીધી હતી. ડેડી, એક્સિડન્ટ થયો તેના પહેલા કાવ્યા પ્રેગનન્ટ થઈ ગઈ હતી અને તેણે એબોર્શન કરાવ્યું હતું.'
'હેએંએં!!??' દાદીનું મોઢું ફાટી રહ્યું. કૃષ્ણકાંતને એટલો મોટો આંચકો લાગ્યો કે એ ફસડાઈને બેસી પડ્યા.
રઘુએ તેને પકડી લીધા અને ઊભા કરીને સોફામાં બેસાડ્યા.
'શું બોલી રહ્યો છે તું વિવાન?' વૈભવી ફઈ આઘાતથી બોલ્યાં.
સમાઈરા પણ આશ્ચર્યથી તેની સામે જોઈ રહી હતી.
'હાં ફઈ, સમાઈરા યુ એસ ગઈ અને હું ને રઘુ ચેન્નઈ ગયાં હતાં એ સમયે આ બધુ થયું.' વિવાને આખી વાત કહી સંભળાવી.
'કાવ્યા સાથે આટલું બધું બની ગયું અને આપણને કશું ખબર પણ નથી!' દાદી નિસાસો નાખીને બોલ્યાં.
'દાદી તેણે મને કે સમાઈરાને પણ કશું ના કીધું.' વિવાનની આંખોમાંથી આંસુ નીકળી ગયા.
'ચલ એ માન્યું કે આમા ભૂલ કાવ્યાની પણ હતી. પણ આ બધામાં તે ગઝલને શા માટે વચ્ચે લીધી?' વૈભવીએ પૂછ્યું.
'ફઈ, કાવ્યાની કોઈ ભૂલ નહોતી, તેને ફસાવનાર એ છોકરો મલ્હાર.. એ ખૂબ હરામખોર માણસ છે.. એનું આખું ખાનદાન જ નપાવટ છે. કાવ્યા સાથે જે થયું એ જાણ્યા બાદ હું બીજી કોઈ છોકરીને કેવી રીતે તેની ચૂંગાલમાં ફસાવા દઉં? એમા પણ એની નજર ગઝલ પર હતી. મેં મારી જિંદગીમાં ફક્ત એક જ છોકરીને પ્રેમ કર્યો છે. અને એ ગઝલ છે. હું એને તો ન જ ફસાવા દઉને? મારી પાસે સમય ઓછો હતો, કાવ્યા હોસ્પિટલમાં હતી. ગઝલને મલ્હારથી બચાવવાની હતી. એ સમયે મને જે યોગ્ય લાગ્યું અથવા તો મને જે સુઝ્યું એ મેં કર્યું. આ લગ્ન ભલે મેં તેની મરજી વિરૂધ્ધ કર્યા પણ મેં ફક્ત અને ફક્ત તેનુ ભલુ વિચારીને જ કર્યા હતાં. મારો રસ્તો, મારી રીત કદાચ ખોટી હશે, પણ ટ્રસ્ટ મી, મારો ઇરાદો ખોટો નહોતો.' વિવાને ખુલાસો આપ્યો.
વિવાન, આ બધું કરતી એકવાર પણ મને જણાવવાની કે પૂછવાની તને જરૂર ના લાગી? કૃષ્ણકાંત આંખમાં પાણી લાવીને બોલ્યા.
'ડેડી, જેમ હમણાં ફઈને લાગ્યું કે કાવ્યાની ભૂલ હતી તેમ તમને પણ લાગી શકત. કાવ્યા માટે તમારા મનમાં કોઇ ગેરસમજ ના થાય એટલા માટે મે આ વાત છુપાવી હતી. ગઝલને પણ મેં મલ્હારની ગંદી હરકતો વિશે કશું નથી કહ્યું. મને લાગ્યું કે એકવાર કાવ્યાનું ઓપરેશન થઇ જાય પછી બધી વાતની ચોખવટ કરીશ પણ એ પહેલાં જ..' વિવાન ખિન્ન થઈને બોલ્યો.
સમાઈરાને પણ હવે સમજાયું હતું કે ઉતાવળમાં તેણે કાચુ કાપ્યું છે. એ તેના વર્તન બદલ પછતાઈ રહી હતી. પણ એક રીતે જોતાં તેની કોઈ ભૂલ નહોતી. કાવ્યા સાથેની લાગણીના કારણે અને વિવાન તરફનાં એક તરફી પ્રેમનાં કારણે તેને જે દેખાડવામાં આવ્યું તેના પર વિશ્વાસ કરીને એ ભાવાવેશમાં બધુ બોલી ગઈ હતી.
'સમાઈરા.. આ તે શું કરી નાખ્યું બેટા?' વૈભવી રડતાં રડતાં બોલી.
'આઈ એમ સોરી મમ્મા.. એ ફોટા અને લેટર જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. આઈ એમ સોરી વિવાન..'
'વ્હોટ?? સમાઈરા આ બધું તે..?' વિવાનને આંચકો લાગ્યો. એક ક્ષણ અટકીને એ બોલ્યો: 'એટલે તે આ બધુ કરવા માટે મને ફોન કરીને બોલાવ્યો?'
'હાં, મારે બધાની સામે તારા પાસેથી જવાબ માંગવો હતો..' સમાઈરા નીચી મુંડી રાખીને બોલી.
'ઓહ ગોડ! સમાઈરા, તને ખબર છે તે કેવડો મોટો પ્રોબ્લેમ ઉભો કરી દીધો છે? તારે મને એકવાર પૂછવું તો હતું. બાળપણથી મારી સાથે છે તું. સાથે રમ્યા, સાથે જમ્યા.. છતાં એટલો ભરોસો નહોતો મારા પર?' વિવાન ધૂંધવાઈને બોલ્યો.
'આઈ એમ સોરી..'
વિવાન પણ સમજતો હતો કે હવે એને કંઈ કહેવાનો કોઈ અર્થ નહોતો. કમાનમાંથી છૂટેલું તીર અને મોઢામાંથી નીકળેલા શબ્દને પાછો વાળી શકાય નહીં.
સમાઈરાની એક ભૂલને લીધે બધું વેરવિખેર થઈ જવાનું હતું.
.
.
ક્રમશઃ
**
આખા પરિવારે વિવાનનો પક્ષ જાણ્યો શું તેઓ વિવાનને માફ કરશે?
સમાઈરા હવે શું કરશે?
હોશમાં આવ્યા પછી ગઝલનાં રિએક્શન કેવા હશે?
ભાવીના ગર્ભમાં શું છુપાયેલું હશે?
શું ફરીથી ગઝલ-વિવાન એક થઈ શકશે?
**
❤ આ પ્રકરણ વાંચીને આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. ❤