Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 11

સ્વપ્નસુંદરીએ જ્યારે મને કેન્ટીનમાં સાથે બેસીને વાત કરવા માટેનું સૂચન આપ્યું હતું ત્યારે મારા મનમાં અચાનક ઉત્સાહ જાગ્રત થઈ ગયો હતો. મને એવું લાગવા માંડ્યું હતું કે મારી પ્રેમ કહાની સફળ થઈ જશે. મારા મનમાં ફક્ત બે જ શક્યતાઓ હતી કાં તો મારા પ્રેમનો સ્વીકાર થાય નહીં તો નકારવામાં આવે. પણ સ્વપ્નસુંદરીએ જે પ્રસ્તાવ મૂક્યો હતો તે તો કલ્પનાતીત હતો.
મેં જ્યારે કોઈ ઉત્તર ન વાળ્યો ત્યારે સ્વપ્નસુંદરીએ ફરી પૂછ્યું,"તો શું વિચાર છે તારો?"
"તને નથી લાગતું કે આ એક છળ કહેવાય?" મેં કહ્યું.
"હા.આને છળ જ કહેવાય.સ્વપ્નસુંદરીએ સરળતાથી સ્વીકાર કર્યો.
"ઠીક છે. એકવાર સ્વીકારી લઈએ કે આપણે આ પ્રપંચ ચાલુ કર્યો.પણ પછી આપણું ભવિષ્ય શું?"
સ્વપ્નસુંદરીએ ગંભીર સ્વરમાં કહ્યું,"આપણું કોઈ ભવિષ્ય નથી. હું તને કોઈ ભૂલાવામાં રાખવા માગતી નથી. અને આ મારી શરત પણ છે. જે ઘડીએ મને એવું લાગશે કે આ નાટક આગળ વધારવાની જરૂર નથી તે જ ઘડીએ આ નાટકનો અંત થઈ જશે. એ સમય એક અઠવાડિયા પછી પણ આવી શકે છે અને એક વર્ષ પછી પણ આવી શકે છે. હા, તું કંટાળી જાય અને તારે આ નાટકમાંથી બહાર નીકળવું હોય તો હું તને ફોર્સ નહીં કરું."
"આ તો તું તારા સ્વાર્થ માટે મારો ઉપયોગ જ કરી રહી છે"મેં કહ્યું
"હા. સાચી વાત છે." સ્વપ્નસુંદરીએ ફરી કબૂલ કર્યું," પણ શું હું તને છેતરી રહી છું? જે હકીકત છે એ મેં તને સ્પષ્ટ રીતે કહી દીધી છે. હવે તારે સ્વીકાર કરવું હોય તોય તારી મરજી અને ન કરવું હોય તો પણ તારી મરજી."
"જો હું ના પાડી દઉં તો?"
"તો બીજો કોઈ રસ્તો કાઢીશ.પણ એ વિશે જાણીને તું શું કરીશ? એ બાબતમાં તારી સાથે કોઈ લેવા દેવા નથી." સ્વપ્નસુંદરીએ રુક્ષ સ્વરમાં જવાબ આપ્યો.
"પણ આમાં તારો ફાયદો થઈ રહ્યો છે.મારો શું ફાયદો છે?" મેં કહ્યું.
સ્વપ્નસુંદરી મીઠું મલકી. પછી નાના બાળકને સમજાવતી હોય તેમ કહ્યું,"એક નહિ બે ફાયદા છે.સમજાવું?"
"સમજાવ" હું પડકાર ભર્યા અવાજમાં બોલ્યો.
"જો તારું એવું માનવું છે કે તું મને પ્રેમ કરી રહ્યો છે. તો જેને પ્રેમ કરતા હો તેની નિસ્વાર્થ ભાવે મદદ કરવી તે દરેક પ્રેમીનો ફરજ હોય છે. નહીંતર પછી મારી એજ વાત સાચી સાબિત થશે કે આ તારો પ્રેમ નથી પણ આકર્ષણ છે.હું પ્રતિભાવ આપું તો પ્રેમ અને પ્રતિભાવ ન આપુ તો બીજી કોઈ પ્રત્યે પ્રેમ,બરાબર?"
"એવું નથી." હું ઢીલા સ્વરમાં બોલ્યો.
"તો પછી એ રીતે વિચાર કરને કે તને એ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળી રહ્યો છે જેને તું પ્રેમ કરી રહ્યો છે. અને હવે બીજો ફાયદો. જો તું મારી વાતનો સ્વીકાર નહીં કરે તો પછી આ આપણી છેલ્લી મુલાકાત હશે. આજે આપણે પ્રેમપૂર્વક છુટા પડીશું અને ફરી ક્યારે નહીં મળીએ.તું જો મને રસ્તામાં દેખાઈશ તો હું રસ્તો બદલી નાખીશ. અને જો તું મારા પ્રસ્તાવનો સ્વીકાર કરે છે તો પછી કમસેકમ જ્યાં સુધી આપણું નાટક ચાલશે ત્યાં સુધી તને મારી કંપની મળશે. તું મારા સાનિધ્યમાં રહી શકીશ. અને તારી પાસે મોકો હશે મને ખરેખર તારી સાથે પ્રેમમાં પાડવાનો.એ પણ શક્ય છે ને?
સ્વપ્નસુંદરી બહુ તર્ક બંધ રીતે દલીલો આપી રહી હતી. મારી પાસે તેનો દલીલોનો કોઈ પણ જવાબ ન હતો.
એક વાત તો તેની સાચી હતી. હું ના પાડી દઉં તો પછી તેની સાથે ભવિષ્યમાં કોઈ પણ મુલાકાત થવાની શક્યતા નહોતી રહેતી. અને જો હું અત્યારે ના પાડું અને પછી મને એવું લાગે કે હું યોગ્ય નથી કરી રહ્યો તો આ નાટકમાંથી બહાર નીકળી જતા મને કોણ રોકતું હતું? ખુદ સ્વપ્નસુંદરી કહેતી હતી કે આગળ જતા મારે આ નાટકમાં ભાગ ન લેવો હોય તો હું છૂટો થઈ શકું છું. આ બાબતમાં એકવાર ટોળકીની સલાહ લેવી પણ જરૂરી હતી.
પણ જાણે મારું મન વાંચી ગઈ હોય તેમ સ્વપ્નસુંદરીએ અચાનક કહ્યું,"પણ હા આમાં એ પણ શરત છે કે આ બાબતમાં કોઈને ખબર ન પડવી જોઈએ તમારા મિત્રોને પણ નહીં."
"અરે પણ એ લોકોને ખબર પડશે તો શું ખાટું મોળું થઈ જશે?" મેં વિરોધ નોંધાવ્યો.
"ના. વાત ઉડતી ઉડતી ગમે ત્યાં પહોંચી શકે છે.અને જો શીલા સુધી પહોંચી ગઈ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થશે. હું કોઈ જોખમ લેવા નથી માગતી એટલે સ્પષ્ટ વાત એ છે કે આ બાબતની જાણકારી ફક્ત આપણા બે વચ્ચે રહેશે. ભૂલથી પણ તારા મોમાં આ શબ્દો ના નીકળવા જોઈએ કે આપણા બે વચ્ચે ખરેખર કોઈ સંબંધ નથી.તો તારો જવાબ શું છે?"
હું વિચારવા માંડ્યો. મારે શું જવાબ આપવો જોઈએ?

ક્રમશ: