રેશમી ડંખ - 20 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેશમી ડંખ - 20

20

ઉપર-હવામાં ઊડી રહેલા હેલિકોપ્ટરમાંથી એ બન્ને આદમીઓએ એકસાથે જ રાજવીર તરફ પોત-પોતાની રિવૉલ્વર તાકીને એમાંથી ગોળી છોડી, એટલે રાજવીર જાણે પાણીમાં ડૂબકી લગાવતો હોય એમ ડાબી બાજુની જમીન પર પડયો ને એ બન્નેની ગોળીઓના નિશાન ચૂકવી ગયો. આંખના પલકારામાં પાછા ઊભા થઈને તેણે સિમરનની કારનો દરવાજો ખોલ્યો, અને આટલી વારમાં ઓર વધુ નીચે ઊતરી આવેલા હેલિકોપ્ટરમાં રહેલા એ બન્ને આદમીઓ તરફ તેણે રિવૉલ્વર તાકીને ગોળી છોડી દીધી. પણ તેની ગોળી નિશાન ચૂકી ગઈ. તે કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠો, પણ તે સ્ટેયરિંગ તરફ વળે, પોતાની જાતને ડ્રાઈવિંગ સીટ પર બરાબર ગોઠવે એ પહેલાં જ હેલિકોપ્ટરમાંથી એ બન્ને આદમીઓએ રાજવીર તરફ છોડેલી રિવૉલ્વરની ગોળીઓ રાજવીરની છાતી પર વાગી. રાજવીર ‘ઓહ !' કરતાં છાતી પર હાથ દબાવતાં ઢળી પડવા ગયો, પણ દરવાજો અધખુલ્લો હતો એટલે તે દરવાજામાંની બારી પર રોકાઈ ગયો. તે લાશની જેમ પડયો રહ્યો.

‘રાજવીર..,’ રાજવીરની બાજુની સીટ પર બેઠેલી સિમરને રાજવીરની પીઠે હાથ મૂકયો : શું થયું ? તને ગોળી વાગી ? ''

‘ના.’ રાજવીર એ જ રીતના લાશની જેમ પડયો-પડયો

બોલ્યો : ‘હું જીવતો છું, તું જેમ છે એમ બેઠી રહે. અને

હેલિકોપ્ટરમાંના તારા સાથીઓને ખબર ન પાડીશ કે હું જીવતો

છું. મારી ચાર આંખો છે-જરાય ચાલાકી કરવા જઈશ તો મારી

નાખીશ.’

સિમરને રાજવીરની પીઠ પરથી હાથ હટાવી લીધો. એણે બહાર નજર નાખી. હેલિકોપ્ટર હવે એમની આ કારથી થોડાંક ફૂટ દૂર જમીન પર ઊતરી રહ્યું હતું.

‘મૂરખના સરદારો ! આ રાજવીરનો બચ્ચો મરી નથી ગયો, જીવતો છે. આમ ઉતાવળ કરીને તમેય મરશો અને અમનેય મરાવી નાખશો.' સિમરનના હોઠે રોષભર્યા શબ્દો આવી ગયા, પણ રાજવીરે આપેલી ધમકીને કારણે એણે પોતાના આ શબ્દો હોઠ પરથી પાછા વાળી દીધા. એને જે કંઈ બને એ જોઈ રહેવામાં જ પોતાની ભલાઈ દેખાઈ. એ મૂંગા મોઢે, ફફડતા જીવે અને અપલક નજરે જોઈ રહી.

રાજવીર એ જ રીતે કારના અધખુલ્લા દરવાજામાંની બારી પર પડયો હતો. તે દરવાજાની ઓથમાંથી-હેલિકોપ્ટરમાંના આદમીઓને ખબર ન પડે એવી રીતના હેલિકોપ્ટર તરફ જોઈ રહ્યો.

હવે હેલિકોપ્ટર, તેમની કારથી થોડેક દૂર, જમીન પર ઊભું રહી ચૂકયું હતું. એ બન્ને આદમીઓ હાથમાંની રિવૉલ્વર સાથે હેલિકોપ્ટરમાંથી બહાર કૂદયા, અને સાવચેતી સાથે તેની તરફ રિવૉલ્વર તાકેલી રાખતાં તેની તરફ આવવા માંડયા.

રાજવીર એ બન્નેને ઓળખી ગયો. એ બન્ને અંધારી આલમના ગુંડા-બદમાશો હતા, જે રૂપિયાના બદલામાં કિડનેપિંગથી લગાવીને મર સુધીના બધાં કામ કરતા હતા. એ બન્નેમાંથી એકનું નામ ભંવર હતું ને બીજાનું નામ જગન.

ભંવર અને જગન બન્ને રાજવીર કરતાં થોડાંક પગલાં દૂર રહ્યા, ત્યાં જ રાજવીર હરકતમાં આવ્યો. તે એકદમથી જ સીધો થયો ને ભંવર તરફ રિવૉલ્વરની અણી તાકીને ગોળી છોડી દીધી.

ગોળી ભંવરના પગમાં વાગી ને એ જમીન પર પટકાર્યો, તો જગન ‘‘સાલ્લો ! આ તો જીવતો છે'', બરાડતાં બીજી બાજુ છલાંગ લગાવી ગયો. રાજવીરે જગન તરફ છોડેલી ગોળી ખાલી ગઈ.

રાજવીરે હવે કાર ચાલુ કરી અને જગનનું નિશાન લઈને ગોળી છોડી દીધી. પણ એ ગોળીય જગન ચૂકવી ગયો.

હેલિકોપ્ટર ઊડાવીને લાવનાર આદમી બિન્દલ અત્યાર સુધીમાં હેલિકોપ્ટરની બહાર નીકળી આવ્યો હતો. એણે રાજવીર તરફ રિવૉલ્વરની અણી તાકી અને એ જ વખતે રાજવીરે કારને દોડાવી. ગોળી કારની પાછળની સીટના દરવાજાની બારીનો કાચ તોડી ગઈ.

‘જગન !’ પગમાં રાજવીરની ગોળી ખાઈને પડેલો ભંવર પીડાભર્યા અવાજે બોલ્યો : ‘તું અને બિન્દલ સાલ્લાનો પીછો કરો અને એને પૂરો કરી નાંખો.'

અને આ સાંભળતાં જ જગન અને બિન્દલ બન્ને વિક્રાંતની કાર તરફ ધસ્યા. બિન્દલ કારની ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો, જ્યારે જગન એની બાજુમાં બેઠો અને એ સાથે જ બિન્દલે કાર રાજવીરની કાર પાછળ દોડાવી.

ત્યાર સુધીમાં રાજવીર કારને ફાર્મહાઉસના કમ્પાઉન્ડની બહાર કાઢીને હાઈવે તરફ દોડાવી ચૂકયો હતો.

રાજવીરે કારને મેઈન હાઈવે પર લઈને પૂરઝડપે દોડાવી, એની થોડીક પળો પછી તેને પાછળ જગન અને બિન્દલની કારની હેડલાઈટ દેખાઈ. તેણે બાજુમાં બેઠેલી સિમરન તરફ જોયું.

સિમરનના ચહેરા પર ગભરાટ અને બેચેની વર્તાતી હતી. સિમરને બધું બરાબર પાર ઊતરશે અને એ કૈલાસકપૂરના કરોડો રૂપિયા લઈને, વિક્રાંત સાથે વિદેશમાં જઈને વસી જશે, એવી ગણતરી રાખી હતી. પણ રાજવીરે એની બાજી ઊંધી વાળી હતી અને એની તેમ જ વિક્રાંતની જિંદગી જોખમમાં મુકાઈ જાય એવી પળો ઊભી કરી દીધી હતી.

‘જો, સિમરન !’ રાજવીર બોલ્યો : ‘તારા આ સાથીઓને હું કેવી થાપ ખવડાવું છું.' અને તેણે કારની ઝડપ ઓર વધારી.

હવે કાર એટલી ઝડપે આગળ વધી જઈ રહી હતી કે, સિમરનને ચિંતા થઈ. રાજવીર તેમજ એના બન્ને સાથીઓ જગન અને બિન્દલની અથડામણ થાય એ પહેલાં જ કયાંક રાજવીર સામેથી આવી રહેલા કોઈ વાહન સાથે કાર અથડાવીને તેમના સાતેય જનમ પૂરા ન કરી નાંખે.

‘રાજવીર ! સંભાળીને કાર ચલાવ.' સિમરનથી બોલ્યા વિના રહેવાયું નહિ.

રાજવીરે કોઈ જવાબ આપ્યો નહિ. રાજવીર વિચારમાં હતો. ‘આ જગન, ભંવર અને બિન્દુલ હેલિકોપ્ટરમાં વિક્રાંત અને સિમરનને લેવા માટે આવ્યા હતા, પણ એમણે તેની પર એવી રીતે સીધો જ હુમલો કર્યો હતો, જાણે કે એમને પહેલાંથી જ એ ખબર હોય કે, તેણે વિક્રાંત અને સિમરનની બાજી ઊંધી વાળી દીધી છે. પણ એ ત્રણેયને આની ખબર કયાંથી...? !' અને મગજમાંનો આ વિચાર પૂરો થાય એ પહેલાં રાજવીરને જવાબ જડી ગયો, ‘હું.., તેણે વિક્રાંતની રિવૉલ્વર તો ફેંકાવડાવી હતી, પણ એનો મોબાઈલ ફોન લેવાનું ભૂલી ગયો હતો. નક્કી વિક્રાંતે આ કારની ડીકીમાં પુરાયા પછી, પોતાના આ સાથીઓને મોબાઈલ ફોનથી પોતાની હાલત જણાવવાની સાથે જ તેની પર હુમલો કરવાનો હુકમ આપી દીધો હશે.’ અને રાજવીરનો આ વિચાર સાચો જ હતો.

વિક્રાંતે પોતાના આ સાથીઓને મોબાઈલ ફોન કરીને એમને સાવચેત કરી દીધા હતા.

જોકે, અત્યારે આ કારની ડીકીમાં પુરાયેલો વિક્રાંત પોતાના સાથીઓને ગાળો ભાંડી રહ્યો હતો, ‘સાલ્લાઓ, ત્રણ-ત્રણ જણાં પણ રાજવીરને ખતમ ન કરી શકયા. હવે આ રાજવીરનો બચ્ચો બધાંને મોતને હવાલે કરીને જ જંપશે.' અને મોટો ખાડો આવતાં કાર ઊછળી, એટલે એ પણ ઉછળ્યો અને એને માથામાં ડીકી વાગી. એના મોઢેથી પીડાભર્યા ઊંહકારા સાથે જ ગાળ પણ નીકળી ગઈ.

તો રાજવીર એ જ રીતના કાર દોડાવે જઈ રહ્યો હતો. જગન અને બિન્દલ તેની કારનો પીછો કરતા આવી રહ્યા હતા.

રાજવીરે ડાબી બાજુ કાર વળાવી અને વધુ ઝડપે દોડાવી. હવે આ હાઈવે પૂના તરફ જઈ રહ્યો હતો.

આ રસ્તા પર જ, સામેથી-થોડાંક કિલોમીટર દૂરથી એક એમ્બ્યુલન્સ દોડી આવી રહી હતી. એમ્બ્યુલન્સમાં રાજવીરની મા સુમિત્રા ધૂંધવાતા ચહેરે બેઠી હતી અને એની બાજુમાં નતાશા ગભરાટભર્યા ચહેરે બેઠી હતી.

નતાશા રાજવીર પાસેથી નીકળીને, રાજવીરની મા સુમિત્રા તેમજ હીરાવાળી બ્રીફકેસ, રૂપિયાથી ભરાયેલી બેગ અને લેપટોપ લઈને પૂના હાઈવે પરની ‘હોટલ મનોહર’ તરફ નીકળી હતી, ત્યારે તેને કલ્પના નહોતી કે, અચાનક જ આવા ચાર-ચાર ઊંચા-તગડા ગુંડાઓ તેમને રોકી પાડશે અને રિવૉલ્વરની અણીએ તેમને આ રીતના એમ્બ્યુલન્સમાં બેસાડી લેશે.

જોકે, થોડી વાર પહેલાં, આ સામે બેઠેલા ગુંડાએ પોતાના બોસ સાથે મોબાઈલ ફોન પર વાત કરી હતી કે, ‘‘યસ, બોસ ! એ બન્ને પણ અમારા કબજામાં છે. એમને મારીને એમની લાશ ઠેકાણે પાડી દઈએ ? !' અને પછી ‘ઓ. કે. બોસ !' કહેતાં આ ગુંડો સુમિત્રા તરફ ફર્યો હતો, ત્યારે તેનો જીવ ગળે આવી ગયો હતો. ‘હવે આ ગુંડો પહેલાં રિવૉલ્વરની ગોળીથી સુમિત્રાને વીંધી નાખશે અને પછી તેને પણ મારી નાખશે.’

પણ એના બદલે આ ગુંડાએ તેમને એમ્બ્યુલન્સમાં બેસવાનો હુકમ આપ્યો હતો અને પછી તેમને લઈને મુંબઈ તરફ એમ્બ્યુલન્સ આગળ વધારી જઈ રહ્યો હતો.

સુમિત્રાએ બે-ત્રણ વખત આ ગુંડાને ‘તેઓ કોના આદમીઓ છે ? ! અને એ લોકો તેમને કયાં લઈ જઈ રહ્યા છે ?’ એ સવાલો પૂછયા હતા, પણ આ ગુંડાએ રિવૉલ્વરની અણીથી એમને ધમકાવીને ચુપ કરાવી દીધા હતા.

અને એટલે હવે નતાશા રાજવીરની જિંદગીની પ્રાર્થના સાથે જ સુમિત્રા તેમ જ પોતાની જિંદગીની પણ પ્રાર્થના કરવા માંડી હતી.

અત્યારે હવે સામે બેઠેલા એ ગુંડાના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી.

એ ગુંડાએ કે જેનું નામ શકિત હતું એણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને, મોબાઈલમાં વાત કરી : બોલો, બોસ ? !' અને પછી એના બોસની વાત સાંભળીને એણે બહાર નજર નાખી લઈને કહ્યું : ‘બસ ! ફાર્મહાઉસથી પંદરેક કિલોમીટર દૂર હોઈશું.' અને એના બોસની વાત સાંભળીને એણે કહ્યું : ‘ઠીક છે.' અને એણે સામે રસ્તા પર નજર નાખી, અને કહ્યું : ‘હું બ્રીજની નજીક છું. હું બ્રીજ પહેલાં જ એમ્બ્યુલન્સ ઊભી રાખી દઉં છું.’ અને પછી ‘ઓ. કે. બોસ !' કહીને એણે મોબાઈલ કટ્ કરીને ખિસ્સામાં મૂકી દીધો. અને પછી એણે ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા પોતાના સાથીને હુકમ આપ્યો : ‘...એમ્બ્યુલન્સ સાઈડ પર ઊભી કર.'

અને એમ્બ્યુલન્સ ઊભી રહી, એટલે શક્તિએ સુમિત્રા અને નતાશા સામે જોયું.

જો અમને તે માર્યા તો મારો રાજવીર તમને પાતાળમાંથી પણ શોધીને ગોળીએ દઈ દેશે.’ સુમિત્રા બોલી.

તો આ વખતે શક્તિએ જવાબમાં કંઈ કહ્યું નહિ, અને એમ્બ્યુલન્સની બહાર નીકળ્યો. એણે કાંડા ઘડિયાળમાં જોયું. રાતના નવ વાગ્યા હતા.

શક્તિએ મુંબઈ તરફ પથરાયેલી સડક તરફ જોયું. થોડાક મીટર દૂર, નાળા પરથી બ્રીજ પસાર થતો હતો. સામેથી આવી રહેલા વાહનની હેડલાઈટને કારણે જ અત્યારે એ બ્રીજ જોઈ શકાતો હતો.

શક્તિનો બોસ એ રસ્તેથી જ આ તરફ આવી રહ્યો હતો. એણે બોસની અહીં જ વાટ જોવાની હતી. એ એમ જ ઊભો- ઊભો બ્રીજ તરફ જોઈ રહ્યો.

ત્યારે સામેના એ રસ્તા પર જ, અહીંથી પાંચેક કિલોમીટર દૂરથી, રાજવીર પવનવેગે કાર દોડાવતો આ તરફ જ આવી રહ્યો હતો.

રાજવીરની બાજુમાં સિમરન ઊંચા જીવે બેઠી હતી. પાછળ, તેમની કારનો પીછો કરતાં આવી રહેલા તેના સાથીઓ જગન અને બિન્દુલની કાર હવે તેમની કારની ઘણી નજીક આવી ચૂકી હતી.

અત્યારે પાછળની એ કારની ડ્રાઈવિંગ સીટની બાજુની સીટ પર બેઠેલો જગન મોબાઈલ ફોન પર વિક્રાંતની વાત સાંભળી રહ્યો હતો-મોબાઈલ ફોનમાં સામેથી વિક્રાંતનો ગુસ્સાભર્યો અવાજ સંભળાઈ રહ્યો હતો : જગન ! તેં જાણે રાજવીર સાથે રેસ લગાવી હોય એમ અમસ્તો-અમસ્તો અમારી કારનો પીછો શું કરી રહ્યો છે ? ! રિવૉલ્વર ચલાવ અને રાજવીરની લાશ.’

‘..એમ કરવા જતાં સિમરન મેડમને ગોળી વાગવાનો ભય છે.’ જગને મોબાઈલમાં કહ્યું : ‘અને વળી ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા રાજવીરને ગોળી મારીશું તો કાર અથડાવાનો ડર છે, ને એ કારમાં સિમરન મેડમ અને તમે પણ...'

‘...રાજવીરનો બચ્ચો એક વાર તમારા હાથમાંથી જીવતો છટકી નીકળશે તો પછી એ મને મારી જ નાખવાનો છે.' મોબઈલમાં સામેથી વિક્રાંતનો રોષભર્યો અવાજ સંભળાયો : ‘રાજવીરને ખતમ કરવા જતાં જે સિમરનને ગોળી વાગે તો એનો અફસોસ નથી. બલ્કે એ ગોળી છોડવાનાય હું તમને અલગથી રૂપિયા આપીશ. અને રહી વાત મારી, તો હું ડીકીમાં હું બંધ છું. રાજવીરને ગોળી વાગતાં કાર અથડાશે તોય મને કંઈ નહિ થાય. અને કંઈ થવાનું પણ હોય તો એનું જોખમ લીધા વિના છૂટકો નથી, એટલે વધુ વિચાર્યા વિના રાજવીર તરફ ગોળીઓનો વરસાદ શરૂ કરો.’

‘ઓ. કે. બૉસ !' કહેતાં જગને મોબાઈલ ખિસ્સામાં મૂકયો અને કાર દોડાવી રહેલા બિન્દલને કહ્યું : ‘બોસે રાજવીરને શૂટ કરવાનું કહ્યું છે.' અને એ હસ્યો : ‘આપણી ગોળીથી જો સિમરન મેડમ ઢળે તો એના રૂપિયા એણે અલગથી ગણી આપવાનું કહ્યું છે.’

બિન્દુલ હસી પડયો. ‘તો શરુ કર ગોળીઓની રમઝટ !’

જગનના ચહેરા પર ખૂની ચમક આવી. તેણે પોતાની રિવૉલ્વર બારી બહાર કાઢી અને થોડાંક મીટર આગળ દોડી રહેલી રાજવીરની કાર તરફ રિવૉલ્વરની અણી તાકી.

ત્યારે એ કારને દોડાવી જઈ રહેલો રાજવીર સામે લાગેલા રિઅર-વ્યૂ મીરરમાંથી જગન અને બિન્દુલની કારની હેડ લાઈટ જોઈ રહ્યો હતો. તેને જગને તેની કાર તરફ તાકેલી રિવૉલ્વર દેખાય એમ નહોતી.

અત્યારે હવે રાજવીરે કારની ઝડપ ઓર વધારી. ‘તેની કાર પવનવેગે દોડી રહી હતી, છતાંય જગન અને બિન્દલની કાર થોડીક પળોમાં જ તેની કાર નજીક આવી પહોંચશે, અને ત્યારે તેણે...’ અને રાજવીર આ વિચાર પૂરો કરે એ પહેલાં જ જગનની રિવૉલ્વરમાંથી છૂટીને આવેલી ગોળી તેની કારનો પાછળનો કાચ તોડીને-તેની બાજુની સીટ પર બેઠેલી સિમરનની ખોપરી ઉડાવી ગઈ. સિમરન ડેશબોર્ડ પર ઢળી પડી.

પળમાં જ સિમરનને ગોળીનો ભોગ બની ગયેલી જોતાં જ, રાજવીરે પાછળથી બીજી ગોળી આવીને તેની ખોપરી વીધી ન જાય એ માટે પોતાનું માથું નમાવી દીધું. અને એ જ પળે બિન્દલની રિવૉલ્વરમાંથી છૂટીને આવેલી ગોળી રાજવીરની કારના પાછલા ટાયરમાં પેસી અને એક ધડાકા સાથે ટાયર ફાટયું !

રાજવીરની કાર ફૂલસ્પીડમાં હતી અને ટાયર ફાટ્યું, એટલે તેની કાર તેના કાબૂ બહાર ચાલી ગઈ. કાર બ્રીજની ડાબી બાજુની રેલિંગ તોડીને જાણે આપઘાત કરતી હોય એમ, રાજવીર, સિમરનની લાશ અને ડીકીમાં રહેલા વિક્રાંતને લઈને ખાસ્સા ઊંડા નાળામાં કૂદી પડી !

 

(ક્રમશઃ)