Reshmi Dankh - 4 books and stories free download online pdf in Gujarati

રેશમી ડંખ - 4

4

‘તારે સિમરનને ખતમ કરી નાંખવાની છે.’ એવું સિમરને ગંભીર અવાજે કહ્યું, એટલે રાજવીર ‘આ સિમરન આખરે કહેવા શું માંગતી હતી ? ! !' એવી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો.

રાજવીર આ વિશે સિમરન પાસે ખુલાસો માંગે એ પહેલાં જ સિમરન હસી પડી અને એણે બાજુમાં પડેલા પોતાના પર્સમાંથી એક કાગળનું કવર કાઢયું અને એમાંથી ફોટો કાઢીને રાજવીર સામે ધર્યો : ‘તારે આને ખતમ કરવાની છે !''

રાજવીરે સિમરનના હાથમાંથી ફોટો લીધો ને એની પર નજર નાંખી, પછી સિમરન સામે જોતાં બોલ્યો : ‘આ તો તારો ફોટો છે. તું શું...’

‘ના !’ સિમરને રાજવીર સામે તાકી રહેતાં કહ્યું : “આ ફોટો મારો નથી.'

રાજવીરે ફરી ફોટા પર નજર નાંખી લઈને સિમરન સામે જોયું : ‘તું શું મજાક...'

‘...હું કોઈ મજાક નથી કરી રહી.’ સિમરન ફરી ગંભીર થતાં બોલી : ‘આ ફોટો મારો નહિ, પણ નતાશાનો છે !'

‘નતાશાનો ફોટો...? ! !'

‘નતાશા મારી નાની બહેન છે !’

અને રાજવીરે એકવાર ફરી ફોટો જોયો ને પછી સિમરનનો ચહેરો નીરખ્યો અને ફરી પાછો ફોટો જોતાં બોલ્યો : ‘માનવામાં આવે એવું નથી. આ તો આબેહૂબ તારા જેવી જ લાગે છે. શું એ તારી જોડકી બહેન છે ?’

‘ના ! એ મારાથી એક વરસ નાની છે.' સિમરન બોલી : ‘એ ઈશ્વરનો એક ચમત્કાર જ છે કે, નતાશા મારી ઝેરોક્ષ કૉપી જેવી જ લાગે છે.’

‘હું...!' નતાશાના ફોટા પરથી નજર ઊઠાવીને સિમરન સામે જોતાં રાજવીરે કહ્યું : ‘તો તારું એમ કહેવું છે ને કે, હું નતાશાને ખતમ કરું અને એની લાશને તારી લાશ તરીકે રજૂ કરું.'

‘હા !' સિમરન બોલી.

‘ગુડ ! તું કમાલની છે.' રાજવીર બોલ્યો : ‘પણ મને એ ન સમજાયું કે, તું તારી સગી નાની બહેનને આમ મોતના મોઢામાં ધકેલી દેવા કેમ તૈયાર થઈ છે ?’

‘કેમ કે, હું જાલિમ છું.' સિમરનની આંખોમાં નતાશા પ્રત્યેની નફરત ડોકાઈ આવી : ‘કેમ કે, નતાશા મને ગમતી નથી. કેમ કે, મારા પપ્પાએ એમની બધી મિલકત નતાશાના નામે કરી નાંખી અને મને ઠેંગો આપ્યો. કેમ કે.., જવા દે. નતાશા મરી જાય એવું હું ઇચ્છું એ માટેના ઘણાં-બધાં કારણો છે.'

‘આ સિમરન ઓરત છે કે, કોણ છે ? ! સિમરન પોતાના ફાયદા માટે પોતાના પતિ કૈલાસકપૂરને દગો આપવા જેટલી બેવફા બની હતી, એ હકીકત કડવી હતી, પણ ગળે ઊતરે એવી હતી, પણ સિમરન પોતાના ફાયદા માટે પોતાની સગી બહેન નતાશાની જિંદગી ટૂંકાવી શકે એટલી હદે નિષ્ઠુર બની શકે એ વાત તેની ગણતરી બહારની હતી.' રાજવીરના મગજમાંથી આ વિચાર દોડી ગયો, ત્યાં જ તેના કાને સિમરનનો અવાજ પડયો : ‘રાજવીર ! મારી વાત ધ્યાનથી સાંભળ.'

રાજવીરે સિમરનની વાત તરફ ધ્યાન આપ્યું.

‘અત્યારે નતાશા પૂનામાં રહે છે.' સિમરને કહ્યું “તે મુંબઈ પૂના હાઈવે પર આવેલી, ‘હોટલ મનોહર'માં રિશેપ્શનીસ્ટ તરીકે નોકરી કરે છે. તારે કાલ સાંજે એને મોતને ઘાટ ઊતારવાની છે.'

‘કેવી રીતના ? એ વિશે તેં કંઈ નકકી કર્યું છે ? !'

‘હા !’ સિમરને કહ્યું અને પોતાની બહેન નતાશાને કેવી રીતે ખતમ કરવાની છે, એ વિશે રાજવીર સાથે વાત કરવા માંડી.

નતાશાના મોતનો સમય, સ્થળ વગેરે નકકી થઈ ગયું એટલે રાજવીર ઊભો થયો : ‘ચાલ, હું નીકળું છું. પછી મળું છું.’

‘ઓ. કે. ગુડબાય !’ સિમરને કહ્યું, એટલે એની તરફ એક મુસ્કુરાહટ રેલાવીને રાજવીર મેઈન દરવાજા તરફ આગળ વધી ગયો. સિમરન તેની સાથે દરવાજા સુધી આવી. તે બહાર નીકળ્યો અને પોતાની કારમાં બેઠો. તેણે કાર ચાલુ કરી એટલે સિમરને તેની તરફ હાથ હલાવ્યો. સામો હાથ હલાવીને રાજવીરે ત્યાંથી કાર આગળ વધારી મૂકી.

રાજવીરની કાર દૂર જતી ગઈ અને છેવટે એની બેકલાઈટ દેખાતી બંધ થઈ, એટલે સિમરને દરવાજો બંધ કર્યો અને લૅચ- કી વાળા લૉકને અંદરથી બંધ કર્યું.

તે બેડરૂમમાં પહોંચીને અરીસા સામે ઊભી રહી. તેણે હાથ અધ્ધર કર્યો ને બગલમાં લગાવેલી બેન્ડએઈડ-પટ્ટી ખેંચી કાઢી.

–એ જગ્યા પર કોઈના બચકાનું નિશાન નહોતું.

-એ જગ્યા ૫૨ એક પુરુષના નામનું છુંદણું છુંદાયેલું હતું. કૈલાસકપૂર પાસેથી છૂટી થયા પછી આજે જ તેણે આ નામ છુંદાવ્યું હતું.

તે મલકી. તેણે પુરુષના એ નામ પર પોતાની કોમળ આંગળીઓ ફેરવી અને પછી આંગળીને પોતાના હોઠથી ચૂમી. તેના શરીરમાંથી રોમાંચની એક ધ્રુજારી પસાર થઈ ગઈ.

તેના બગલમાં જે પુરુષનું નામ છૂંદાયેલું હતું, એ પુરુષ તેનો પ્રિયતમ હતો. તેનો જીવ-તેનો જિગર, તેનો જાન હતો !

***

મુંબઈ-ગોવાના હાઈવે પરના ફાર્મહાઉસ પરથી, સિમરન પાસેથી નીકળીને રાજવીર કારમાં મુંબઈની અંદર દાખલ થયો. તેણે સામે ડેશબોર્ડ પર લાગેલી ઘડિયાળમાં જોયું. રાતના સાડા બાર વાગવા આવ્યા હતા.

રાજવીરે જગ્ગીના ઘર તરફ કાર આગળ વધારી અને સાથે જ તેના મગજમાં વિચારો આગળ વધ્યા.

તેણે સિમરન પાસેથી કૈલાસકપૂરની લૅપટોપની બેગ વિશે માહિતી કઢાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સિમરને લૅપટોપની એ બેગ કયાં સંતાડી હતી એ વિશેની કોઈ માહિતી આપી નહોતી.

રાજવીરને એ ખબર હતી કે, સિમરન તેને કોઈ જ માહિતી આપવાની નહોતી. કારણ કે જેમ તેને સિમરનમાં વિશ્વાસ નહોતો તેમ સિમરનને પણ તેનામાં વિશ્વાસ નહોતો.

પંદર દિવસ પહેલાં સિમરનનો તેની પર મોબાઈલ આવ્યો હતો અને તેને મળવા બોલાવ્યો હતો. તે સિમરનને જોતાં જ તેની ખૂબસૂરતીનો દીવાનો બની ગયો હતો.

સિમરન પોતાની ખૂબસૂરતીને વટાવવાનું સારી રીતના જાણતી હતી. સિમરને તેની સાથે જે ડીલ-જે સોદો કર્યો હતો, એમાં તેને ખાસ્સા એવા રૂપિયા મળવાના હતા અને બોનસમાં સિમરનનો સાથ-સંગાથ પણ મળતો રહેવાનો હતો.

સિમરન ચાલાક હતી. સિમરને તેની સાથે સોદો કરતી વખતે જ એ શરત રાખી હતી કે, એ જેમ-જેમ સમય આવશે તેમ-તેમ પોતાના પત્તા ખોલતી જશે અને એ જેમ કહે એમ તેણે ખેલ ખેલતા જવું પડશે.

તે તૈયાર થઈ ગયો હતો અને સિમરન એક પછી એક પત્તા ખોલતી જતી હતી અને તે સિમરનના કહેવા પ્રમાણે ખેલ ખેલતો જતો હતો. જોકે, તે આંખે પાટા બાંધીને ખેલ ખેલનારો આદમી નહોતો. તે મારવા-મરવાથી ડરતો નહોતો, પણ તે આખરે શું ખેલ ખેલી રહ્યો છે ? એ જાણ્યા વિનાય પોતાનો દાવ ખેલવામાં માનતો નહોતો.

અને એટલે જ તે અત્યારે જગ્ગીને મળવા જતો હતો. જગ્ગી તેના પાલક પિતા બલવંતનો પુરાણો દોસ્ત હતો. જગ્ગી અંધારી આલમનો જાસૂસ હતો. અંધારી આલમમાં દિવસ-રાત બનનારી દરેક ઘટનાની રજેરજ માહિતી જગ્ગીને રહેતી હતી. તેનું નેટવર્ક જબરજસ્ત હતું. સામાન્ય માણસને જે માહિતી મેળવવામાં મહિનાઓ લાગી જાય એવી માહિતી એ કલાકોમાં મેળવી આપતો હતો. જોકે, એનું મહેનતાણું એ ભરપેટ લેતો હતો.

રાજવીરે વાસીમાં આવેલા જગ્ગીના રો-હાઉસ પાસે કાર ઊભી રાખી. કારમાંથી ઉતરીને તેણે ડૉરબેલ વગાડી. ‘કોણ ? !' આટલી મોડી રાતના પણ અંદરથી તુરત જ

જગ્ગીનો સવાલ સંભળાયો.

‘હું રાજવીર !’ રાજવીરે કહ્યું.

ત્રીજી જ પળે દરવાજો ખુલ્યો અને દરવાજા પર જગ્ગી દેખાયો.

સાઈટેક વરસનો જગ્ગી સામાન્ય કદનો હતો. એના વાળ ઝીણા હતા. એણે લુંગી અને ઉપર ગંજી પહેર્યું હતું.

‘આવ.’ જગ્ગીએ કહ્યું એટલે રાજવીર અંદર દાખલ થયો.

જગ્ગીએ દરવાજો બંધ કર્યો. ‘બેસ !’ એણે કહ્યું. રાજવીર સોફા પર બેઠો.

‘કોણ છે, જગ્ગી ? !' રસોડામાંથી જગ્ગીની પત્ની માયાનો સવાલ સંભળાયો : ‘બલવંતનું કુરકુરિયું છે.’ હસીને જગ્ગીએ કહ્યું : ‘એના માટે પણ કૉફી લેતી આવજે.’

‘એ.., હા !’ અંદરથી માયાનો અવાજ સંભળાયો. બોલ !' જગ્ગીએ રાજવીરને પૂછ્યું : ‘મારું શું કામ

પડયું ? !'

રાજવીરે કૈલાસકપૂરે એની પત્ની સિમરનને ખતમ કરવાની સુપારી તેને આપી છે, એ વિશેની વાત કરી અને પછી કહ્યું : ‘મારે કૈલાસકપૂરની પત્ની સિમરનના ભૂતકાળની માહિતી જોઈએ. અને હાલમાં સિમરનના દોસ્તો કોણ છે ? એની પણ રજેરજ જાણકારી જોઈએ.'

‘મળી જશે.’ જગ્ગી બોલ્યો : ‘કૈલાસકપૂર જેવી પહોંચેલી માયાની પત્ની વિશેની માહિતી લાવી આપવા માટે હું બીજા કોઈ પાસેથી પૂરા એક લાખ રૂપિયા લેત, પણ તું બલવંતનો દીકરો છે, એટલે તને પચાસ ટકા ડીસ્કાઉન્ટ આપું છું. હું આ કામના પચાસ હજાર લઈશ.’

‘ઠીક છે.’ રાજવીરે જરાય આનાકાની કર્યા વિના બ્રીફકેસ ખોલી અને એમાંથી પચાસ હજાર રૂપિયા કાઢીને જગ્ગીને આપ્યા.

‘મને આ માહિતી વહેલામાં વહેલી....’

‘તું મારા વિશે જાણે જ છે.' જગ્ગીએ રાજવીરની વાત કાપતાં કહ્યું : ‘હું હવાની ઝડપે કામ કરવામાં માનું છું. તને એક બે દિવસમાં જ સિમરનનો ઈતિહાસ જાણવા મળી જશે.’

‘ઠીક છે.’ તેણે કહ્યું, ત્યાં જ રસોડામાંથી માયા હાથમાં કૉફીના બે ગ્લાસ લઈને આવી. ‘કેમ છે, દીકરા ? !' રાજવીર અને જગ્ગી વચ્ચેના ટેબલ પર કૉફીના ગ્લાસ મૂકતાં માયાએ પૂછ્યું.

‘જોરદાર, માયાકાકી !' રાજવીરે કહ્યું : ‘તમે કેમ છો ?’ ‘આમ તો ઠીક છું, પણ મને પૂરી ઊંધ નથી મળતી.’

‘માયા તું પણ શું...’ અને જગ્ગી પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ માયાએ કહ્યું : ‘રાજવીર ! તારા કાકાની આખી રાત કૉફી પીતા જાગતા રહેવાની ટેવ જાય એવી પ્રાર્થના કર. એમને વારે ઘડીએ કૉફી બનાવી આપવા માટે ઊભા થવામાં નિરાંતની નીંદર મળતી નથી.'

નિરાંતની નીંદર તો માણસ મરે ત્યારે જ મળે છે.' જગ્ગીએ જાણે મોટી જૉક કહી હોય એમ બોલીને ખડખડાટ હસી પડયો.

“બસ, તારા કાકાની આવી જ ટેવ છે. મારી બધી વાતને હસી કાઢે છે.’ માયા બેડરૂમ તરફ આગળ વધી ગઈ : ‘ચાલ હું થોડીક ઊંધ લઈ લઉં.' અને માયા બેડરૂમમાં ચાલી ગઈ.

રાજવીરે જગ્ગી સાથે અહી-તહીંની વાતો કરતાં કૉફી પીધી પછી ફરી ‘વહેલી તકે સિમરનની માહિતી મેળવી આપજો.’ એવી જગ્ગીને તાકિદ કરીને રાજવીર બહાર નીકળ્યો.

અને ત્યારે રાજવીરને એ ખબર નહોતી કે, તેની જગ્ગી સાથેની આ મુલાકાત તેને કેવો જોરદાર આઘાત અને કેવો જબરજસ્ત આંચકો આપવાની હતી ? !

***

રાતનો એક વાગ્યો હતો. કૈલાસકપૂર પોતાના ફાર્મ- હાઉસના બેડરૂમના પલંગ પર પડયો હતો. રાતના અગિયાર વાગ્યે ‘‘હું ઘરે જઈને બે-ત્રણ કલાકમાં

જ પાછો આવું છું.'' એવું કહીને એના જમણા હાથ જેવો

વિક્રાંત ગયો એ પછી તે અહીં એકલો જ હતો.

સિમરને તેની ઊંઘ હરામ કરી નાંખી હતી, એટલે તે જાગતો જ પડયો હતો. તેના મગજમાં વિચારો ચાલી રહ્યા હતા.

કૈલાસકપૂર પોતે બ્લેક મનીને વ્હાઈટ કરવા માટે પંદર મોટી કંપનીઓનું સંચાલન કરતો હતો. અમેરિકા, ચીન, જાપાન અને સાઉથ આફ્રીકા સાથે તે બિઝનેસ કરતો હતો. આ બિઝનેસની આડમાં તે નશીલા પદાર્થની હેરાફેરી કરતો હતો અને મબલખ રૂપિયા કમાતો હતો. તે જુગારની કલબો પણ ચલાવતો હતો અને એમાંથી પણ ધરખમ કમાણી કરતો હતો.

પણ તેની આ કાળી બાજુ કોઈ જાણતું નહોતું. તે વરસોથી પોતાનો આ કારોબાર બિન્ધાસ્ત-કોઈપણ જાતના ભય કે, ટૅન્શન વિના ચલાવતો હતો.

જો તેણે પરી જેવી સિમરન સાથે લગ્ન ન કર્યા હોત તો કદાચ આજે પણ તેને આમ ટૅન્શન સ્પર્શી શકયું ન હોત. પણ

સિમરન સાથે લગ્ન કરીને તેણે સહુથી મોટી ભૂલ કરી હતી અને

આ ભૂલ સુધરે એમ નહોતી. તેની આ ભૂલ છેવટે તેને કાં

પહોંચાડશે એનો તેને કોઈ અંદાજ આવતો નહોતો.

જ્યાં સુધી સિમરન પાસે તેની લૅપટોપની બેગ હતી અને જ્યાં સુધી સિમરન જીવતી હતી, ત્યાં સુધી તેનો જીવ આમ પડીકે જ બંધાયેલો રહેવાનો હતો.

અચાનક કૈલાસકપૂરના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી, એટલે તે વિચારોમાંથી બહાર આવતાં બેઠો થયો.

તેણે બાજુની ટિપૉય પર પડેલો મોબાઈલ ફોન ઊઠાવ્યો અને એના સ્ક્રીન પર ઝળકતો નંબર જોયો.

એ નંબર ભાડૂતી હત્યારા ટાઈગરનો હતો. સિમરને ટાઈગરને ખતમ કરાવી નાંખ્યો હતો અને એનો મોબાઈલ સિમરન પાસે હતો. મતલબ કે, ટાઈગરના મોબાઈલ પરથી અત્યારે સિમરન તેની સાથે વાત કરવા માંગતી હતી.

તેણે મોબાઈલનું બટન દબાવ્યું અને મોબાઈલ કાને મૂકયો અને ધીરેથી બોલ્યો : ‘હેલ્લો ? !’

‘મને હતું જ કે, તું જાગતો જ હોઈશ !' મોબાઈલમાં સામેથી સિમરનનો હસતો અવાજ સંભળાયો : ‘મે તારી ઊંઘ હરામ કરી નાંખી છે ને, વળી !'

કૈલાસકપૂર સમસમીને બોલ્યો : જે બકવા માટે ફોન કર્યો છે, એ જલ્દીથી બકી નાંખ.’

મોબાઈલ ફોનમાં સામેથી સિમરનનો ફરી હસવાનો અવાજ સંભળાયો : ‘ઠીક છે, તો સાંભળ.' અને સામેથી સિમરનનો અવાજ એકદમથી ગંભીર થઈ ગયો : ‘મેં તારા જમણા હાથને કાપી નાંખ્યો છે.’

‘તું...!’ કૈલાસકપૂરની નજર પોતાના જમણા હાથ તરફ ખેંચાઈ ગઈ : ‘...તું કહેવા શું માંગે છે ? !'

‘વિક્રાંત તારા જમણા હાથ જેવો હતો ને ? ! એ મને ખતમ કરવા માટે ભાડૂતી હત્યારાઓની વ્યવસ્થા કરાવી આપતો હતો ને ? એટલે મેં એને નરકમાં મોકલી આપવાની વ્યવસ્થા કરાવી દીધી.' મોબાઈલમાં સામેથી સિમરનનો અવાજ આવ્યો : તારે એની લાશના દર્શન કરવા હોય તો ‘મેગા : માટેની પાછળની ગલીમાં પહોંચી જા.' અને આ સાથે જ સામેથી સિમરને મોબાઈલ કટ્ કરી દીધો.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED