Reshmi Dankh - 2 books and stories free download online pdf in Gujarati

રેશમી ડંખ - 2

2

આજ સુધી એણે જેની સુપારી લીધી હતી, એની ચોકકસ લાશ ઢાળી આપી હોવાનો રેકોર્ડ ધરાવતો ભાડૂતી હત્યારો જેકૉલ અત્યારે કૈલાસકપૂરના ફાર્મહાઉસમાં, કૈલાસકપૂરની સામે બેઠો હતો.

જેકૉલ સાડા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતો હતો. શરીરે એ સોટા જેવો પાતળો હતો. દેખાવ પરથી એવો લાગતો હતો કે, કોઈ માણસને કતલ કરવાની વાત તો દૂર રહી, પણ એ માખેય નહિ મારતો હોય.

અત્યારે એ કૈલાસકપૂરે એને આપેલા સિમરનના ફોટા પર ઝીણવટથી નજર ફેરવી રહ્યો હતો. એ ફોટા પર નજર ફેરવીને એણે ‘સિમરન કયાં-કયાં હોઈ શકે ?' એના સરનામાઓના લિસ્ટ પર નજર ફેરવી અને પછી કૈલાસકપૂર સામે જોયું.

‘આમાં પાંચ લાખ છે.’ રૂપિયાના બંડલોનું પેકેટ જેકૉલ સામે મૂકતાં કૈલાસકપૂરે કહ્યું. જેકૉલ કામના પૂરા પૈસા એડવાન્સ લેતો હતો એની કૈલાસકપૂરને જાણ હતી.

જેકૉલે રૂપિયાનું બંડલ, સિમરનના ફોટા અને સરનામાનું લિસ્ટ બગલથેલામાં મૂકયું : ‘સિમરન કાલ સવારનો સૂરજ નહિ જોઈ શકે. એનું અકસ્માતમાં મોત થઈ જશે. અને તમે કાલ સવારે નાસ્તા માટે ટેબલ પર બેસશો એ પહેલાં તમને તમારી ૉપટોપની બેગ મળી જશે.’

‘ગુડ !’ કૈલાસકપૂર બોલ્યો.

‘કામ પતશે એટલે હું મોબાઈલ ફોન પર એટલું જ કહીશ કે, ‘‘પરી સ્વર્ગમાં પહોંચી ગઈ છે.’’

‘એને સ્વર્ગમાં નહિ, નરકમાં પહોંચાડવાની છે.’ એવા શબ્દો કૈલાસકપૂરની જીભે આવી ગયા પણ તેણે એ બોલવાના ટાળ્યા.

જેકૉલ ઊભો થયો અને ‘ગુડબાય’ કે ‘આવજો’ જેવો વધારાનો એક પણ શબ્દ બોલ્યા વિના એ બેડરૂમની બહાર નીકળ્યો.

બહાર કૈલાસકપૂરનો જમણો હાથ વિક્રાંત ઊભો હતો.

વિક્રાંતે કૉલ સામે સ્મિત રેલાવ્યું, પણ જેકૉલે સામે સ્મિત ફરકાવ્યું નહિ. જેકૉલ પોતાના કામથી અને પોતાના માલથી જ મતલબ રાખવામાં માનતો હતો !

***

શનિવારના સાંજના પાંચ વાગ્યા હતા. ભાડૂતી હત્યાર જેકૉલે પોણા ભાગનું પોતાનું કામ પતાવી નાંખ્યું હતું. તેણે કૈલાસકપૂરે આપેલા સરનામાઓ પર તપાસ કરી નહોતી. તેને ખબર હતી જ કે, એ સરનામાઓ પર સિમરન નહિ જ મળે.

તેણે પોતાની રીતે શહેરથી અલગ-થલગ આવેલી હોટ લોમાં તપાસ કરી હતી અને એમાં તેને ‘હોટલ મૂનલાઈટ’માં સિમરન રોકાઈ હોવાની બાતમી મળી હતી.

અત્યારે તે હોટલ મૂનલાઈટ સામે, ખાલી ટ્રકની ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો.

તેણે સિમરન બહાર નીકળે એટલે એને ટ્રક નીચે ચગદી નાંખવાનું નકકી કરી રાખ્યું હતું.

તે અહીં પાછલા એક કલાકથી આ રીતે બેઠો હતો. તે જરાય ઊતાવળિયો નહોતો. તે ગજબની ધીરજવાળો માણસ હતો. તેણે કાલ સવારના સૂરજની પહેલી કિરણ ધરતી પર પડે એ પહેલાં સિમરનની જીવનજ્યોત ઓલવી નાંખવાની હતી, અને એ માટે તે કાલ સવાર સુધી ધીરજપૂર્વક સિમરનની બહાર નીકળવાની વાટ જોઈ શકે એમ હતો.

અને અત્યારે એકદમથી જ તેની આંખો ચમકી.

સામે-હોટલના કમ્પાઉન્ડમાંથી એક કાર નીકળતી દેખાઈ. કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી સિમરનને જેકૉલ આટલે દૂરથી પણ ઓળખી ગયો.

કાર આગળ વધી, એટલે જેકૉલ પોતાની ટ્રકને સિમરનની કાર સાથે ટકરાવી દેવા માટે ટ્રકને ચાલુ કરવા ગયો, પણ ત્યાં જ તેની પીઠ પાછળની-કેબિનના પાછળના ભાગમાં જોવા માટેની ડોકાબારી ખુલી અને એમાંથી રિવૉલ્વરની અણી દેખાઈ.

જેકૉલનું ધ્યાન એ તરફ ખેંચાયું, પણ તે ચેતે, પોતાના બચાવ માટે કંઈ કરે એ પહેલાં જ એ રિવૉલ્વરની અણીમાંથી મૂંગા મોઢે ગોળી નીકળી અને તેના કપાળમાં ઘૂસી ગઈ. તેના કપાળમાં હોલ દેખાયો અને પછી એમાંથી દડ-દંડ કરતાં લોહી છુટયું. એ લોહી સાથે જ જેકૉલનો જીવ બહાર નીકળી ગયો અને એ લાશ બનીને સીટ પર ઢળી પડયો.

જીવતા જેકૉલને પળવારમાં લાશ બનાવી નાંખનાર માણસે એ ડોકાબારીમાંથી પોતાની રિવૉલ્વર પાછી ખેંચી. તેણે રિવૉલ્વર પોતાના કાળા લેધરના જેકેટમાં મૂકી અને ટ્રકના પાછળના ભાગમાંથી નીચે કૂદયો. તેણે આસપાસમાં જોયું. કોઈ નહોતું. તે ટ્રકની કેબિનમાં ચઢયો. તેણે જેકૉલની લાશની બાજુમાં પડેલા બગલથેલામાંથી સિમરનના ફોટા અને એના સરનામાનું લિસ્ટ લઈને પોતાના હાથમાંની પોલીથીનની થેલીમ મૂકયું. પછી તેણે જૈકૉલના ખિસ્સામાંથી એનો મોબાઈલ ફોન કાઢયો અને એ પણ એ થેલીમાં મૂકયો.

તે પાછો ટ્રકની કેબિનની બહાર નીકળી આવ્યો અને હાથમોજાં કાઢતો ટ્રકની પાછળના ભાગ તરફ સરકયો. છ ફૂટ ઊંચા, ખડતલ શરીર ધરાવતા એ માણસની ચાલમાં ચિત્તાની ચપળતા વર્તાતી હતી. એ માણસ ટ્રકથી થોડેક દૂર ઊભેલી કારમાં બેઠો અને કારને ટ્રક પાસેથી પસાર કરીને આગળ વધારી.

થોડેક આગળ ડાબી બાજુ ગલી આવી, એટલે તેણે કારને એ ગલીમાં વળાવી.

એ ગલી સાંકડી હતી. ગલીમાં થોડેક આગળ સિમરન કાર ઊભી હતી. કારની ડ્રાઈવિંગ સીટ પર સિમરન બેઠી હતી.

સિમરને સામે લાગેલા રિઅર વ્યૂ મિરરમાંથી પાછળથી આવી રહેલી કાર જોઈ. તે ડ્રાઈવિંગ સીટની બાજુની સીટ પર સરકી આવીને બેઠી, ત્યાં જ એ માણસે તેની કાર પાસે પોતાની કાર લાવીને ઊભી રાખી.

એ માણસે જૈકૉલ પાસેથી લીધેલી વસ્તુઓની થેલી સિમરન તરફ ધરી.

સિમરને એ થેલી લીધી એટલે એ માણસે રૂશાલી સામે એક મુસ્કુરાહટ રેલાવતાં ત્યાંથી કાર આગળ વધારી દીધી.

સિમરને થેલી ખોલીને એમાં જોયું. એમાં પડેલા પોતાના ફોટા, સરનામાઓનું લિસ્ટ અને જૈકૉલનો મોબાઈલ ફોન જોઈને તે જીતભર્યું હસી અને પછી એ થેલી બાજુમાં મૂકીને, ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાઈને તેણે કાર ત્યાંથી આગળ વધારી.

હવે તેણે પ્લાન મુજબ ફરી પાછા ‘હોટલ મૂનલાઈટ’માં જવાનું નહોતું. તે હોટલમાંથી ચેકઆઉટ કરીને જ આવી હતી. તેણે એ સાંકડી ગલીમાંથી કાર બહાર કાઢી અને અગાઉથી નકકી કરેલા પોતાના આગળના રોકાણના સ્થળ તરફ કાર દોડાવી મૂકી.

***

સાંજના છ વાગ્યા હતા. કૈલાસકપૂર મુંબઈ-પંચગીની વચ્ચેના હાઈવે પર આવેલા પોતાના ફાર્મહાઉસના બેડરુમમાં, પલંગ પર બેઠો હતો. તેના જીવને જરાય ચેન નહોતું. જ્યાં સુધી સિમરનની લાશ ન ઢળે અને તેને પોતાનું લૅપટોપ પાછું ન મળે ત્યાં સુધી તેના જીવને ચેન પડે એમ પણ નહોતું.

તે બપોરનું જમ્યો નહોતો. થોડીક વાર પહેલાં વિક્રાંત તેના માટે કૉફી મૂકી ગયો હતો, એ પણ એમને એમ જ ટેબલ પર પડી-પડી ઠરી ગઈ હતી.

અત્યારે અચાનક તેના મોબાઈલ ફોનની રિંગ વાગી.

તેણે મોબાઈલના સ્ક્રીન પર જોયું, તો જેકૉલનો મોબાઈલ નંબર ઝળકી રહ્યો હતો. તેણે બટન દબાવીને મોબાઈલ કાર્ને ધર્યો. ‘‘પરી સ્વર્ગમાં પહોંચી ગઈ છે.’’ એવો સામેથી જેકૉલનો શુભ સંદેશો સાંભળવા માટે તત્પર બનેલા તેના કાનમાં સિમરનનો અવાજ પડયો : ‘હેલ્લો ! કેમ છે, ડિયર ડાર્લિંગ ?’

‘તું....? !' કૈલાસકપૂર સિમરનનો અવાજ તુરત જ ઓળખી ગયો.

‘હા, હું....!’ મોબાઈલમાં સામેથી સિમરનનો અવાજ પડયો : ‘...હું તારી જીવનસાથી-તારી અર્ધાંગની બોલી રહી છું.’

‘સિમરન તે વળી હત્યારા ટાઈગરના મોબાઈલ પરથી કેવી રીતે વાત કરી શકે ?’ કૈલાસકપૂર ગુંચવાયો.

‘તને મનમાં એ મૂંઝવણ થઈ રહી હશે ને, કે તે મને શૂટ કરવા માટે મોકલેલા શૂટર ટાઈગરના મોબાઈલ ફોન પરથી તે વળી હું કેવી રીતના વાત કરી રહી છું ? !'

કૈલાસકપૂર કંઈ બોલ્યો નહિ. તેના કાનમાં સિમરનનો એક-એક શબ્દ જાણે ધગધગતા કોલસાની જેમ પડી રહ્યો હતો અને તેના મનમાં સળગી રહેલા સિમરન માટેના ગુસ્સાના જ્વાળામુખીને વધુને વધુ ભડકાવી રહ્યો હતો.

‘હકીકતમાં...' મોબાઈલમાં, સામેથી સિમરનનો હસવાનો અવાજ સંભળાયો ...તે ટાઈગર પર ઑવરકૉન્ફિડન્સ મૂકયો અને મને બિલકુલ જ ઓછી આંકી ! સામેથી સિમરનનો અવાજ સંભળાયો : ‘તારા હૃદયના ધબકારા કાબૂમાં રાખીને સાંભળ, તે ટાઈગરને મને શૂટ કરવા માટે મોકલ્યો હતો, પણ મેં એને જ શૂટ કરાવી દીધો ! અત્યારે એની લાશ તું મને ચગદી નાંખવા માટે મોકલેલી ટ્રકમાં જ પડી છે.’

‘શું..?’ કૈલાસકપૂરના મોઢેથી શબ્દ નીકળી ગયો. સવારના સિમરન તેની લૅપટોપની બેગ લઈને ભાગી એ પછી તે સિમરનને બેવફા અને દગાખોર માની રહ્યો હતો, પણ આ તો સિમરન કાતિલ પણ હતી ! ! !

‘મેં તને પહેલાં જ કહેલું કે, તારા હૃદયના ધબકારા કાબૂમાં રાખજે.' તેના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી સિમરનનો અવાજ સંભળાયો : ‘તારું હૃદય અત્યારે બેસી જાય એ તને કે મને પોસાય એમ નથી.'

કૈલાસકપૂરે દાંત ભીંસ્યા : ‘સિમરન ! હું....હું તને...’

‘...તું મારો વાળ પણ વાંકો કરી શકે એમ નથી, પણ હું તારા હાલ બેહાલ કરી શકું એમ છું.' મોબાઈલ ફોનમાં સામેથી સિમરન કોઈ રીઢા ગુનેગારની જેમ ડાયલૉગબાજી કરી રહી હતી : ‘હું અત્યારે ટાઈગરના મોબાઈલ ફોન પરથી, તારા પર્સનલ મોબાઈલ ફોન પર વાત કરી રહી છું. ટાઈગરના મોબાઈલ ફોનમાં તારો છેલ્લો મોબાઈલ નંબર નોંધાઈ ગયો છે. હવે હું ધારું તો ટાઈગરનો આ મોબાઈલ ફોન પાછો ટાઈગરની લાશના પૉકેટમાં મૂકી દઈ શકું એમ છું. થોડીક વારમાં જ પોલીસને ટાઈગરની લાશ મળશે, અને ત્યારે જો ટાઈગરનો આ મોબાઈલ પોલીસના હાથમાં જાય તો એમાંના તારા છેલ્લા નંબર પરથી પોલીસ તારી ઊલટતપાસ માટે તારી પાસે પહોંચે જ. અને પછી તારું શું થઈ શકે ? એ તું સમજી શકે એટલો સમજદાર છે જ.'

કૈલાસકપૂરે ગુસ્સાથી મુઠ્ઠીઓ ભીંચી.

‘પણ તું ચિંતા ન કર. હું ટાઈગરનો આ મોબાઈલ ટાઈગરની લાશના પૉકેટમાં નહિ મૂકું.' મોબાઈલ ફોનમાં સામેથી સિમરનનો અવાજ સંભળાયો : ‘વળી મેં તો તે એને આપેલા મારા ફોટા તેમજ મારા સરનામાઓનું લિસ્ટ પણ લઈ લીધું છે, કે જેથી કરીને એ જોઈને પોલીસ તારી પાસે પહોંચે નહિ અને તું ફસાય નહિ. તું ફસાય એવું હું ઈચ્છતી નથી. કારણ કે, હજુ મારે તારું કામ છે. અને એ કામ શું છે ? ! એ હું પછી તને કહું છું. ત્યાં સુધી...,' અને સામેથી વળી સિમરનના જીતથી ખણકતા હાસ્યનો અવાજ સંભળાયો : ‘....ત્યાં સુધી તું તે મને ખતમ કરવા માટે મોકલેલા ટાઈગરના મોતનું માતમ મનાવી લે.’ અને આ સાથે જ સામેથી સિમરને મોબાઈલ કટ કરી દીધો.

કૈલાસકપૂરને લાગ્યું કે, ગુસ્સા અને ધુંધવાટથી હમણાં તેના મગજની નસો ફાટી જશે.

તેણે કાન પરથી મોબાઈલ હટાવ્યો ત્યાં જ તેની નજર સામે, દીવાલ પર લાગેલા સિમરનના ફોટા પર પડી.

એ ખાસ્સા મોટા રૂમની અડધી દીવાલ જેટલા મોટા એ ફોટામાં સિમરને મદમસ્ત લુક-અદા આપી હતી. તેના રેશમી વાળ છુટ્ટા હતા. તેની નશીલી આંખો હસી રહી હતી. તેણે પોતાના મોતી જેવા દાંત વચ્ચે તાજા ફૂલની ડાળખી દબાવી રાખી હતી અને જાદૂઈ સ્મિત રેલાવી રહી હતી.

કૈલાસકપૂર સિમરનના આ ફોટા સામે જોઈ રહ્યો. જે ઔરતને તેણે પરી માની હતી, એ નાગણ નીકળી હતી. રેશમી નાગણ ! એ નાગણ તેના જેવા નાગરાજનેય ડંખ મારી ગઈ હતી ! ! !

‘બોસ !' કૈલાસકપૂરના કાને વિક્રાંતનો અવાજ પડયો, એટલે તેણે વિચારોમાંથી બહાર આવતાં-સિમરનના ફોટા પરથી નજર ખેંચીને જોયું તો તેની નજીક આવીને વિક્રાંત ઊભો હતો : ‘હજુ સુધી ટાઈગરનો કોઈ ફોન ન...’

‘...ટાઈગરનો ફોન નહિ આવે.' કૈલાસકપૂરે વિક્રાંતની વાત કાપતાં કહ્યું.

‘કેમ ? !’

‘ટાઈગરના મોબાઈલ ફોન પરથી સિમરનનો ફોન આવ્યો હતો.’ કૈલાસકપૂરથી બળબળતો નિસાસો નંખાઈ ગયો : ‘એણે ટાઈગરને મારી નાંખ્યો છે.’

‘વ્હોટ ? !' વિક્રાંત ચોકી ઊઠયો : ‘...શું વાત કરી રહ્યા છો, બોસ ? !'

...એ મારા ધાર્યા કરતાં વધારે ખતરનાક સાબિત થઈ રહી છે.’ કૈલાસકપૂરે કહ્યું : ‘આપણાં ‘લોટસ ગ્રુપ'ના બાકીના ચારેય સભ્યોને ગંધ જાય કે, સિમરન મારું લૅપટોપ લઈને ભાગી છે, એ પહેલાં જ આપણે કોઈ પણ હાલતે સિમરનની લાશ ઢાળીને એ લૅપટોપ પાછું મેળવવું પડશે. તું કોઈ બીજાને આ કામ સોંપી દે.’

‘ઠીક છે, બૉસ !’ વિક્રાંતે કહ્યું અને પોતાના મોબાઈલ પર એક નંબર લગાવતાં રૂમની બહાર નીકળી ગયો.

કૈલાસકપૂરે શર્ટની બાંય અધ્ધર કરી. તેની હથેળીથી કોણી સુધીના હાથ પર છુંદણું છુંદાયેલું હતું.

-સિમરનના નામનું છુંદણું !

–તે સિમરન નામને તાકી રહ્યો. તે લગ્ન પછી, સિમરનને લઈને અમેરિકા હનીમૂન મનાવવા માટે ગયો, ત્યારે તેણે પોતાના હાથ ૫૨ સિમરનના નામનું આ છુંદણું છુંદાવ્યું હતું ! લગ્ન પછી સિમરન તેના દિલો-દિમાગમાં કોતરાઈ ગઈ હતી અને તેણે પોતાના શરીર પર આમ તેના નામનું આ છુંદણું પણ છુંદાવ્યું હતું ! પણ આજે જે રીતના સિમરનનો અસલી ચહેરો તેની સામે જાહેર થયો હતો, એનાથી તેના દિલો- દિમાગમાંની સિમરન માટેની મહોબ્બત મરી પરવારી હતી અને એની જગ્યાએ નફરત ભભૂકવા માંડી હતી. પણ તેના હાથમાં છૂંદાયેલા આ સિમરનના નામનું શું ? એ તો તે કેવી રીતના મિટાવી શકે ?

તે બે-ચાર પળ સિમરનના નામના છુંદણાને તાકી રહ્યો, પછી તેણે ખિસ્સામાંથી લાઈટર કાઢયું અને સળગાવ્યું.

તેના હાથ પરથી સિમરનના નામને મિટાવી દેવા માટે તેણે લાઈટરની જ્યોત ચામડી પર મૂકી ! સિમરનના નામ સાથે જ તેની ચામડી બળવા લાગી.

તેની આંખોમાં પીડાના પાણી ઊતરી આવ્યાં, અને એ સાથે જ તેના મન-મગજમાં સવાલ જાગી ઊઠયો : આખરે આમ તેના મોતના સામાન જેવું એ લૅપટોપ લઈ જઈને, સિમરન તેની પાસે નાચ શું નચાવવા માંગે છે ? !’

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો