રેશમી ડંખ - 19 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

રેશમી ડંખ - 19

19

સિમરન અને વિક્રાંત બન્નેએ વેનમાં જે જોયું હતું, એનાથી એમણે જબરજસ્ત આંચકો અનુભવ્યો હતો.

પળ-બે પળ પહેલાં તેઓ બન્ને ફાર્મહાઉસની અંદરથી કૈલાસકપૂરની આ વેનમાં ચાલીસ કરોડ રૂપિયાના હીરાની બ્રીફકેસ અને દસ કરોડ રૂપિયાથી ભરાયેલી બેગો જોવા માટે દોડી આવ્યા હતા, પણ તેમને અંદર હીરાની બ્રીફકેસ કે, રૂપિયાની બેગો જોવા મળી નહોતી. પણ અંદર જે જોવા મળ્યું હતું, એનાથી બન્નેને જબરજસ્ત આંચકો લાગ્યો હતો.

વેનમાં-અંદર, સીટ પર વનરાજની લાશ પડી હતી.

થોડીક પળો પહેલાં, સિમરને અંદર ડ્રોઈંગરૂમમાં વનરાજને ઝેરવાળી કેડબરી ખવડાવીને મારી નાખ્યો, એ પછી વિક્રાંત આવી પહોંચ્યો હતો અને એ બન્ને કૈલાસકપૂરની લેપટોપની બેગ લેવા માટે ઉપર, કૈલાસકપૂરના બેડરૂમમાં ગયા હતા, પણ ત્યાં લેપટોપની બેગમાં લેપટોપ નહોતું, એટલે બન્ને જણાં અહીં વેનમાં હીરા અને રૂપિયા છે કે નહિ ? એની ખાતરી માટે વેન પાસે દોડી આવ્યા હતા, પણ વેનમાં હીરા અને રૂપિયા નહોતા ને વનરાજની લાશ પડી હતી, અને એટલે બન્નેને આંચકો લાગે એ સ્વાભાવિક હતું.

‘હીરાની બ્રીફકેસ અને રૂપિયાની બેગ ગઈ કયાં ? ! એ સવાલની સાથે જ આટલી ઓછી વારમાં વનરાજની લાશ ડ્રોઈંગરૂમમાંથી વેનમાં આવી કેવી રીતના ? ! એ પણ એક ચોંકાવનારો સવાલ હતો ? ?'

‘શું આનો મતલબ વનરાજ જીવતો હતો ? !' વિક્રાંતના મગજમાં આ સવાલ જાગવાની સાથે જ એના મગજમાંથી જવાબ પણ દોડી ગયો : ‘પણ આ વનરાજ તો લાશની જેમ પડયો છે.' અને તેણે વનરાજના ધબકારા તપાસ્યા. વનરાજના ધબકારા બંધ હતા. વનરાજ જીવતો નહોતો. વનરાજ મરેલો જ હતો, પણ તો પછી એ અહીં આવ્યો કેવી રીતના...? !'

‘વિક્રાંત !’ સિમરનનો અવાજ કાને પડયો, એટલે વિક્રાંતે બાજુમાં ઊભેલી સિમરન સામે જોયું, તો સિમરન ગભરાટભર્યા ચહેરે ચારે બાજુ નજર દોડાવી રહી હતી : ‘આનો મતલબ એ કે, અહીં આસપાસમાં આપણાં બે સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ પણ છે, અને એ જ વનરાજની લાશ અંદરથી અહીં ઉઠાવી લાવી છે.'

‘હા, કંઈ વનરાજની લાશ ચાલીને તો અહીં ન જ પહોંચી હોય !' અને વિક્રાંતે ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢીને આસપાસમાં નજર દોડાવતાં જોરથી બૂમ પાડી : “દોસ્ત ! તું જે કોઈ પણ છે, જલદી સામે આવી જા. અને તે કરેલા આ કારસ્તાન પાછળનો હેતુ બતાવ.’

ચારે બાજુ એ જ રીતની શાંતિ છવાયેલી રહી. કોઈ જવાબ મળ્યો નહિ અને કોઈ સામે આવ્યું નહિ.

‘કયાંક...,’ સિમરને ગુસપુસભર્યા અવાજે વિક્રાંતને કહ્યું : ‘...કયાંક કૈલાસકપૂર તો નહિ આવી પહોંચ્યો હોય ને...?

‘...એ આવ્યો હોય તો આપણી સામે આવી સંતાકૂકડી રમવા ન રોકાય અને સીધો આપણી સામે જ આવી જાય.' વિક્રાંત આસપાસમાં એ જ રીતના રિવૉલ્વરની અણી ફેરવતાં ધીરેથી બોલ્યો : ‘આટલી વારમાં અંદરથી વનરાજની લાશને લાવીને વેનમાં મૂકીને આપણને ચોકાવવાનું કામ આવા ખતરનાક ખેલનો ખેલાડી જ કરી શકે.'

‘…પણ એવું કોણ હોય ? !'

‘રાજવીર !' વિક્રાંતે કહ્યું : ‘આ કામ રાજવીરનું હોઈ

શકે.’

‘પણ, મે વનરાજને ફોન કર્યો તો એણે કહ્યું કે, એણે રાજવીરને મારી...'

‘..તે રાજવીરની લાશ તો જોઈ નહોતી ને ? !'

‘ના.'

તો એનો મતલબ એ કે રાજવીર જીવતો છે.’ વિક્રાંત બોલ્યો.

સાંભળતાં જ સિમરનના ચહેરા પર ગભરાટ આવ્યા વિના રહ્યો નહિ. તેની યોજના પ્રમાણે બધું પાર ઊતર્યું હતું, એવામાં રાજવીર જો જીવતો હોય તો એનો બાકીનો ખેલ ખલાસ થયા વિના ન રહે.

‘રાજવીર !’ અને વિક્રાંતે બૂમ પાડી : ‘મને ખ્યાલ આવી ગયો છે કે, તું જીવતો છે અને આ તારું જ કામ છે.’

સિમરને વિક્રાંતનો હાથ પકડયો ને આસપાસમાં કયાંકથી રાજવીર દેખાઈ જાય એ માટે નજર ફેરવી. રાજવીર દેખાયો નહિ, પણ એનો અવાજ કાને અફળાયો : ‘વિક્રાંત ! અત્યારે તું અને સિમરન બન્ને જણાં મારી રિવૉલ્વરના નિશાન પર છો.’

રાજવીરનો આ અવાજ સાંભળતાં જ, વિક્રાંતે સિમરન સામે જોયું. સિમરનનો ચહેરો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો હતો. ‘વનરાજે તો મને કહેલું કે, એણે રાજવીરને મારી નાખ્યો, પછી...' સિમરન કંપતા અવાજે બોલી, ત્યાં જ રાજવીરનો અવાજ સંભળાયો : ‘વિક્રાંત ! ડાહ્યા બાળકની જેમ તારા હાથમાંનું રમકડું દૂર ફેંકી દે તો.’

વિક્રાંતે સામે નજર દોડાવી. સામે થોડેક સુધી લાઈટનું અજવાળું પડતું હતું. એ પછી સળંગ ઝાડ હતા, જે અંધારામાં ભળી જતા હતા. આમાંથી જ કોઈ એક ઝાડ પાછળ રાજવીર સંતાયેલો હતો, પણ તે રાજવીરને જોઈ શકતો નહોતો, એટલે તે કંઈ કરી શકે એમ નહોતો. જ્યારે કે, અંધારામાં રહેલો રાજવીર તેને બરાબર જોઈ શકતો હતો, એટલે રાજવીર તેની પર આસાનીથી ગોળી ચલાવીને તેની લાશ ઢાળી શકે એમ હતો અને એટલે તેણે રાજવીરની વાત માન્યા વિના છૂટકો નહોતો.

‘સમય ન બગાડ, જલદી મારા હુકમનું પાલન કર. મારી આંગળી રિવૉલ્વરના ઘોડા પર અમસ્તી જ વધુ સમય સુધી રહી શકતી નથી. એ દબાઈ જ જાય છે ને ગોળી છૂટી જાય છે.' રાજવીરનો અવાજ સંભળાયો, એટલે વિક્રાંતે પોતાના હાથમાંની રિવૉલ્વર દૂર ફેંકી દીધી અને મોટા ને ઉતાવળા અવાજે બોલી ગયો : ‘લે, મેં રિવૉલ્વર ફેંકી દીધી.’ અને તેણે તુરત બન્ને હાથ અદ્ધર કરી દીધા.

‘ગુડ !’ રાજવીરનો અવાજ સંભળાયો : ‘હવે તું અને સિમરન વેન તરફ વળી જાવ.'

વિક્રાંત વેન તરફ વળી ગયો.

સિમરન પણ મનમાં ધૂંધવાતી વેન તરફ વળી. તેણે રાજવીરને આ ખેલમાં પોતાની સાથે ન લીધો હોત તો આજે તે આવી કફોડી હાલતમાં પહોંચી ન હોત. જીતેલી બાજી આમ છેક હારી જવાની અણી પર પહોંચી ન હોત. જોકે, તે એમાંની ઓરત નહોતી કે, જલદીથી હિંમત હારી જાય. અને તેની આ ખૂબી જ તો તેને સફળતાપૂર્વક આટલે સુધી લઈ આવી હતી.

તે ‘રાજવીર સામે આવે તો તેણે કેવી રીતના બાજી પલટવી' એ વિશેના વિચારોમાં પડી, તો વિક્રાંત પણ કંઈક આવા જ વિચારો સાથે રાજવીર બહાર આવે એની વાટ જોઈ રહ્યો.

ત્યારે આ તરફ, રાજવીર પાસેથી કૈલાસકપૂરનું લૅપટોપ, ચાલીસ કરોડ રૂપિયાના હીરાવાળી બ્રીફકેસ અને રોકડા દસ કરોડ રૂપિયાની ચાર મોટી બેગ લઈને સિમરનની નાની બહેન નતાશા મુંબઈ પૂના હાઈવે પર આવેલી ‘હોટલ મનોહર' તરફ આગળ વધી રહી હતી. તેની બાજુમાં જ રાજવીરની મા સુમિત્રા બેઠી હતી. એ રાજવીરની ચિંતા કરી રહી હતી અને સાથોસાથ રાજવીરની લાંબી જિંદગીની પ્રાર્થના કરી રહી હતી.

તો નતાશાને પણ રાજવીરની ચિંતા થઈ રહી હતી. પહેલી નજરના પ્રેમ વિશે તેણે પુસ્તકો અને ફિલ્મોમાં વાંચ્યું-જોયું હતું, પણ તે પોતે જ રાજવીર સાથે પહેલી નજરના પ્રેમમાં પડી ગઈ હતી. રાજવીરે તેની મોટી બહેન સિમરનના કહેવાથી તેને ખતમ કરવા માટે અપહરણ કર્યું હતું, પણ પછી એ તેને બચાવવા માટે તૈયાર થયો હતો, એટલે તે રાજવીરને દિલ દઈ બેઠી હતી. રાજવીર એક ભાડૂતી હત્યારો હતો, એ જાણવા છતાંય તે એની સાથે બાકીની જિંદગી વિતાવવાના સપનાંઓ જોવા માંડી હતી. ને એ માટે રાજવીરની જિંદગી સલામત હોવી જરૂરી હતી, પણ તેણે એ ફાર્મહાઉસમાં રાજવીર અને એના દુશ્મનોનો જે ખૂની ખેલ જોયો હતો, એનાથી તેને રાજવીરની ચિંતા થઈ રહી હતી. અને એટલે તે પણ ‘હોટલ મનોહર' તરફ કારને આગળ વધારતાં, રાજવીરની લાંબી જિંદગીની પ્રાર્થનાઓ કરી રહી હતી.

ત્યાં જ અત્યારે અચાનક જ પવનવેગે તેની કારની બાજુમાંથી એક એમ્બ્યુલન્સ સાઈરન વગાડતી પસાર થઈ. એમ્બ્યુલન્સ એવી રીતે પસાર થઈ કે, સહેજમાં તેની કાર સાથે અથડાતાં રહી ગઈ, એટલે નતાશાનો જીવ ઊંચો થઈ ગયો. તો સુમિત્રા પણ ગભરાઈ ઊઠતાં બોલી ઊઠી : ‘સંભાળજે, નતાશા....!

અને નતાશાનો ઊંચો થયેલો જીવ હેઠો બેસે એ પહેલાં જ એ એમ્બ્યુલન્સ થોડાંક મીટર દૂર, તેની કારની આગળ, રસ્તા વચ્ચે ઊભી રહી ગઈ.

તેણે એક્સિલીટર પરથી પગ ઉઠાવી લીધો, પણ એ એમ્બ્યુલન્સ તેની કારથી એટલી નજીક ઊભી રહી ગઈ હતી કે, એમ્બ્યુલન્સ સાથેની પોતાની કારને ટકરાતી બચાવવા માટે તેણે પોતાના શરીરનું બધું જોર પગમાં પહોંચાડી દેતાં બ્રેક દબાવી દીધી.

ચીઈંઈંઈંઈંઈની ચિચિયારી સાથે તેની કાર એમ્બ્યુલન્સથી અડધો-પોણો ફૂટ દૂર ઊભી રહી ગઈ.

‘આ એમ્બ્યુલન્સ લોકોને બચાવવાનું કામ કરે છે, કે મારી નાખવાનું ? !' સુમિત્રાના મોઢેથી રોષભર્યું વાકય સર્યું, ત્યાં જ સુમિત્રા અને નતાશાએ કારની હેડલાઈટના અજવાળામાં જોયું તો ફટ્ કરતાં એમ્બ્યુલન્સનો દરવાજો ખુલ્યો ને ચાર ઊંચા- તગડા, કાળાં કપડાં પહેરેલા આદમી હાથમાં રિવૉલ્વર સાથે એમ્બ્યુલન્સમાંથી બહાર કૂદી પડયા ને સુમિત્રા અને નતાશા કંઈ સમજે એ પહેલાં જ તેમની આજુબાજુ ગોઠવાઈ ગયા.

‘એય...’ અને સુમિત્રા આગળ બોલે એ પહેલાં જ દરવાજા બહાર ઊભેલા આદમીએ તેના લમણે રિવૉલ્વરની અણી મૂકી દીધી, તો બીજી તરફ ઊભેલા બીજા આદમીએ નતાશાના કપાળ પર પોતાની રિવૉલ્વરની અણી મૂકી.

બાકીના બે આઠમીમાંથી એકે પાછળની સીટનો દરવાજો ખોલ્યો ને અંદર પડેલી બ્રીફકેસ ખોલીને એમાંના હીરા જોયા, અને કૈલાસકપૂરનું લેપટોપ પણ ચાલુ કરીને જોયું, તો બીજા આદમીએ ડીકી ખોલી અને એમાં પડેલી બેગોમાંના રૂપિયા જોઈ લીધા.

‘તમે કોણ....' અને સુમિત્રા આગળ બોલવા જાય, એ પહેલાં જ એના લમણે રિવૉલ્વરની અણી દબાવતાં એ આદમીએ કહ્યું : ‘ચુપ મર બુઢ્ઢી, નહિતર અહીં જ તારા સાતેય જનમ પૂરા કરી નાખીશ.’

રહ્યો. સુમિત્રા ચુપ થઈ, પણ તેના ચહેરા પર રોષ જળવાયેલો

તો જેણે બ્રીફકેસમાંના હીરા અને લૅપટોપ ચેક કર્યું હતું એ આદમીએ મોબાઈલ ફોન પર વાત કરી : ‘યસ, બોસ ! રૂપિયા, હીરા અને લૅપટોપ મળી ગયા.' અને પછી એણે મોબાઈલમાં સામેથી પોતાના બોસનો સવાલ સાંભળીને કહ્યું : ‘યસ, બોસ ! એ બન્ને પણ અમારા કબજામાં છે. એમને મારીને, એમની લાશ ઠેકાણે પાડી દઈએ ? !' અને એ આદમીએ મોબાઈલમાં પોતાના બોસની વાત સાંભળીને કહ્યું : ‘ઓ. કે. બોસ !’ અને મોબાઈલને પાછું ખિસ્સામાં મૂકતાં એણે સુમિત્રા સામે જોયું.

તો આ તરફ, મુંબઈ-પંચગીની વચ્ચેના હાઈવે પર આવેલા કૈલાસકપૂરના ફાર્મહાઉસમાં રહેલો રાજવીર તેની મા સુમિત્રા અને નતાશા સાથે જે કંઈ બની રહ્યું હતું, એનાથી અજાણ હતો અને અત્યારે એક ઝાડની ઓથમાં ઊભો હતો અને હાથમાંની રિવૉલ્વર, વેન તરફ મોઢું કરીને ઊભેલા વિક્રાંત અને સિમરનની પીઠ તરફ તાકી રાખી હતી.

‘વિક્રાંત !’ રાજવીરે મોટેથી કહ્યું : “તું સિમરનની કારની ડીકી ખોલ.'

‘...તો તે હીરા...'

‘હું તારી સાથે વાત કરવાના મૂડમાં નથી.' રાજવીર ચિલ્લાયો, ‘સિમરનની કારની ડીકી ખોલ.’

વિક્રાંત વેનની પાછળ ઊભેલી સિમરનની કારની ડીકી તરફ આગળ વધ્યો. એણે ડીકી ખોલી.

“બસ, હવે ડીકીમાં લાશની જેમ લેટી જા.' રાજવીર બોલ્યો.

‘પણ.., '

‘મને અત્યારે જ તારી લાશ ઢાળવા માટે ન ઉશ્કેર.' રાજવીર ગાઁ : ‘હું કહું છું એમ કર.'

વિક્રાંત કારની ડીકીમાં ગોઠવાયો.

‘હવે ડીકી બંધ કરી લે.' રાજવીરે કહ્યું, એટલે વિક્રાંતે એક ઊંડો શ્વાસ લીધો ને ડીકી બંધ કરી.

રાજવીરે રાહતનો ઊંડો શ્વાસ લીધો. જોકે, રાજવીર વિક્રાંતને કારની ડીકીમાં પૂરતાં પહેલાં એક વાત ચૂકી ગયો હતો, અને એ વાત તેને ભારે પડવાની હતી એ વાતની રાજવીરને ખબર નહોતી.

અત્યારે હવે રાજવીર ઝાડની ઓથમાંથી બહાર નકળ્યો, અને વેન તરફ મોઢું કરીને ઊભેલી સિમરનની પીઠ તરફ રિવૉલ્વરની અણી તાકેલી રાખતાં સિમરનથી બે પગલાં દૂર સુધી પહોંચીને ઊભો રહ્યો.

‘સિમરન !’ રાજવીર બોલ્યો : ‘તારો ખેલ ખતમ થયો.' ‘હા,’ સિમરન બોલી : ‘તે મારો આખો ખેલ ખતમ કરી નાખ્યો. મને એનો અફસોસ છે, પણ હવે.., હવે આગળ તારો શું વિચાર છે ? !''

રાજવીરે તુરત જ કોઈ જવાબ આપ્યો નહિ. તે હસ્યો.

‘શું હવે તું મને મારી નાંખીને, કૈલાસનું લૅપટોપ, ચાલીસ કરોડના હીરા અને દસ કરોડ રોકડા લઈને ભાગી જઈશ, અને પછી...,'

‘ના.’ રાજવીર સિમરનની વાતને કાપતાં બોલ્યો : ‘હું તારા જેવો વિશ્વાસઘાતી નથી કે, મારી પર વિશ્વાસ મૂકનારની પીઠમાં ખંજર ખોયું.'

...તો...? !' સિમરને એક શબ્દનો સવાલ પૂછયો.

‘હું લૅપટોપ, ચાલીસ કરોડના હીરા અને દસ કરોડ રોકડા કૈલાસકપૂરના હાથમાં આપીશ અને..,’ રાજવીરે કહ્યું : ‘...તને પણ હું કૈલાસકપૂરના હાથમાં સોંપી દઈશ.’

‘નહિ...,’ સિમરન કાંપી ઊઠી : ‘...એ-એ મને જીવતી નહિ છોડે.'

‘એ તો તારે એની સાથે બેવફાઈ કરતાં પહેલાં વિચારવાની જરૂર હતી.’ રાજવીરે કહ્યું : ‘ચાલ, તારી કારમાં બેસ...''

‘પ્લીઝ, રાજવીર...!'

‘કારમાં બેસ જલદી, નહિતર કૈલાસકપૂરના હાથમાં તું જઈશ ત્યારે એ તને મારશે, પણ એ પહેલાં તો હું જ અત્યારે તારી લાશ ઢાળી દઈશ.' રાજવીરે ગુસ્સાભેર કહ્યું, ત્યાં જ હેલિકોપ્ટરનો ધીરો અવાજ તેના કાનમાં પડયો.

‘તેને અને વિક્રાંતને લેવા માટે હેલિકોપ્ટર આવી ગયું, પણ અફસોસ...’ અને સિમરનથી નિશ્વાસ નંખાઈ ગયો.

‘સિમરન !’ ત્યાં જ રાજવીરે સિમરનને હુકમ આપ્યો : ‘જલદી કહું છું, કારમાં બેસ.’

સિમરન કારની ડ્રાઈવિંગ સીટની બાજુની સીટ પર બેઠી.

હેલિકોપ્ટરનો અવાજ હવે ઘેરો બન્યો હતો. રાજવીરે ઉપર નજર નાખી. હેલિકોપ્ટરની લાઈટો ચાલુ હતી. હેલિકોપ્ટરે હવે ફાર્મ-હાઉસની ઉપર બે ચક્કર માર્યા અને ત્રીજા ચક્કરમાં તો એ ઘણું નીચે આવી ગયું.

રાજવીર સિમરન તરફ રિવૉલ્વરની અણી તાકેલી રાખતાં હેલિકોપ્ટર તરફ જોઈ રહ્યો.

હેલિકોપ્ટર વધુ નજીક આવ્યું, એટલે રાજવીરને દેખાયું કે, એમાં ત્રણ આદમી બેઠા હતા. ત્રણમાંથી એક આદમી હેલિકોપ્ટર ઊડાવતો હતો અને બીજા બે આદમી તેની તરફ તાકી રહ્યા હતા.

રાજવીર એમના એકશન પર જ રિએકશન આપવા માંગતો હતો.

અને હેલિકોપ્ટરમાંના એ બન્ને આદમી ગજબની ઝડપે એકશનમાં આવ્યા. પલકવારમાં જ એ બન્નેના હાથમાં રિવૉલ્વર દેખાઈ, અને બન્નેએ એકસાથે જ રાજવીર તરફ પોતપોતાની રિવૉલ્વરની અણીઓ તાકીને ગોળીઓ છોડી.......

 

(ક્રમશ:)