14
“મને ખબર છે કે, કૈલાસકપૂરની લૅપટોપની બેગ કયાં છે, એટલે હું કહું એ તરફ વેન જવા દે...!' રાજવીરે જીતભર્યું હસતાં કહ્યું, એટલે અત્યારે વનરાજ બોલી ઊઠયો : ‘શું તને... તને ખરેખર ખબર છે કે, કૈલાસકપૂરની લૅપટોપની બેગ કયાં છે ? !’
‘હા !’ રાજવીર બોલ્યો.
‘કોણે કહ્યું તને...? !’ વનરાજે એ રીતના જ વેન આગળ વધારે રાખતાં પૂછ્યું : ‘શું સિમરને કહ્યું તને ?’
‘એનો જવાબ તને પછી આપું છું.' અને રાજવીરે વનરાજના લમણાને રિવૉલ્વરની અણી અડાડી દીધી ને પછી બીજો હાથ લંબાવીને, વનરાજના ખિસ્સામાંથી એની રિવૉલ્વર કાઢીને પોતાના કોટના ખિસ્સામાં મૂકી દીધી. ત્યાં જ વનરાજ પાસે રહેલા કૈલાસકપૂરના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી.
વનરાજ ખિસ્સામાંથી મોબાઈલ કાઢવા ગયો, પણ રાજવીરે એને રોકયો : ‘હું મોબાઈલ લઉં છું.' અને રાજવીરે એ જ રીતના વનરાજના લમણે રિવૉલ્વરની અણી અડાડેલી રાખતાં એના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો. હજુય મોબાઈલની રિંગ વાગી રહી હતી.
રાજવીરે મોબાઈલનું બટન દબાવ્યું અને મોબાઈલ કાને મૂકતાં કહ્યું : ‘અમે માલ લઈને કૈલાસકપૂરના બંગલેથી નીકળી ચૂકયા છીએ, હવે...? !'
‘...હવે મુંબઈની બહાર નીકળીને પંચગીની હાઈવે પર વેન આગળ વધવા દો.' મોબાઈલમાં સામેથી સિમરનનો અવાજ સંભળાયો.
“...હા, પણ પછી...? !
‘...પછી શું, એ હું આગળ જણાવું છું.’ અને આ સાથે જ એ સિમરને સામેથી મોબાઈલ ફોન કટ્ કરી દીધો.
રાજવીર મલકયો ને મોબાઈલ ખિસ્સામાં મૂકયો.
‘પંચગીની હાઈવે પર વેન લે.’ તેણે વનરાજને કહ્યું.
વનરાજે જમણી બાજુ વેન વળાવીને આગળ વધારી. ‘રાજવીર ! તું મને મારી તો નહિ નાખે ને ?’ વનરાજ બોલ્યો 'તું : ‘તું મને મારી નાખીશ, તો કૈલાસકપૂર સાંખી નહિ લે, કૈલાસકપૂર તને...’
ખુશ ..કૈલાસકપૂર તારા મોતાના સમાચાર સાંભળીને ખુશ- થઈ જશે.’ રાજવીર બોલ્યો : તે એની સાથે ગદ્દારી કરી છે, એની એને ખબર છે. આપણે બંગલેથી નીકળી રહ્યા હતા, ત્યારે એણે મને તારાથી દૂર લઈ જઈને આ વિશે જ વાત કરી હતી.’
‘ઓહ...!’ વનરાજના મોઢેથી શબ્દ સરી પડયો. ‘પણ હા, તું સિમરન સાથે મળેલો છે એ રહસ્યની મને ખબર છે, એ વાતની જાણ સિમરનને નથી.' રાજવીર બોલ્યો : ‘સિમરન આ વાત જાણશે ત્યારે ઝુરી-ઝુરીને મરી જશે.’
‘સિમરન..’ વનરાજે અજાણ્યા બનવાનો ઢોંગ કર્યો : ‘તો સિમરને તને અહીં મોકલ્યો છે. તું અમારો માણસ નથી, તું સિમરનનો માણસ છે, એમ જ ને...!'
‘સિમરનનો સાથીદાર કોણ છે એ તું અને હું બન્ને જાણીએ છીએ.’ રાજવીર બોલ્યો : ‘તારે કૈલાસકપૂરને પાયમાલ કરવાના આ કાવત્રામાં સિમરનને સામેલ કરવાની જરૂર નહોતી.’
‘પણ...પણ આ આખી યોજના જ સિમરનની હતી.' વનરાજે પોતાનો ગુનો કબૂલી લીધો : ‘એણે મને પોતાની ખૂબસૂરતીમાં લપેટયો અને આ આખી યોજના બનાવી. આ બધાં રૂપિયા અને હીરા સાથે કોઈક બીજા દેશમાં જઈને, મારી સાથે પરણીને બાકીની જિંદગી વિતાવવાનું એણે મારી સાથે નક્કી કર્યું હતું.’
રાજવીર હસ્યો.
‘પણ હવે મને સિમરનમાં, આ હીરા અને રૂપિયામાં પણ રસ નથી. તું આ હીરા લઈને....’
‘વનરાજ !’ રાજવીરે પોતાના ખોળામાં મુકાયેલી ચાલીસ કરોડ રૂપિયાના હીરાની બ્રીફકેસ થપકારતાં કહ્યું : ‘આમાંના હીરા સાચા છે કે, પછી....’
‘કૈલાસકપૂર પાગલ નથી. એ ટેન્શનમાં હતો એટલે એણે હીરા જોયા-તપાસ્યા નહિ, પણ મેં એ હીરા જોશે જ એ ગણતરીએ સાચા હીરાની જ વ્યવસ્થા કરી છે. વળી હીરા સાથે જ મને અને સિમરનને ભાગવામાં ફાવે એમ હતું.’ વનરાજે સચ્ચાઈના રણકા સાથે કહ્યું : ‘પણ હવે આ હીરા અને રૂપિયા તારા કબજામાં છે. તું આ બધું લઈને ભાગી જા. જા, રાજવીર ! જિંદગીની સોનેરી તક તને પોકારી રહી છે.’
‘અને પછી તું શું કરીશ ? !' રાજવીર બોલ્યો ઃ કૈલાસકપૂરને શું જવાબ આપીશ.'
‘તું
“હું કહીશ કે, તું સિમરન સાથે ભળી ગયેલો હતો. તું અમારી યોજના આગળથી જાણતો હતો એટલે મને રિવૉલ્વરની અણીએ ખોટા રસ્તે લઈ જઈને, મને છોડીને અને માલ લઈને પલાયન થઈ ગયો.’
‘તારી આ યુક્તિ છે, સારી પણ..,' રાજવીર હસ્યો : ‘.. મને કૈલાસકપૂરની લૅપટોપની બેગ જોઈએ છે.'
‘લૅપટોપની બેગનું તું શું કરીશ ? !' વનરાજ બોલ્યો : ‘તું કૈલાસકપૂરને બ્લેકમેઈલ નહિ કરી શકે. તારો જીવ જોખમાશે. તું આટલામાં સંતોષ માનીને ચાલ્યો જા.'
‘ના.’ રાજવીર બોલ્યો : ‘મારે તો લૅપટોપની બેગ જ જોઈએ છે.’
‘લૅપટોપની બેગ તો મારા બંગલે....’
‘જુઠ્ઠું ન બોલ.’ રાજવીરે કહ્યું : ‘મેં તને કહ્યું તો ખરું કે, મને ખબર છે કે, લૅપટોપની બેગ કયાં છે ? !'
‘એટલે...,’ વનરાજે પૂછ્યું : ‘...એટલે શું તને સિમરને કહ્યું કે, કૈલાસકપૂરની લૅપટોપની બેગ કયાં છુપાવેલી છે ? !’
‘સિમરન તો વળી કહેતી હશે ? એ તો તે શીખવાડેલા શબ્દો જ બોલે છે.' રાજવીરે સહેજ અટકીને આગળ કહ્યું : ‘મને શરૂઆતથી જ સિમરનનું વર્તન શંકાભર્યું લાગતું હતું. શરૂઆતમાં જ મને ગંધ આવી ગઈ હતી કે, સિમરનની પાછળ કોઈ બીજી ચબરાક વ્યક્તિ દોરીસંચાર કરી રહી છે. અને એટલે જ સિમરનને દાબમાં રાખવા માટે મેં સિમરનની બહેન નતાશાને જીવતી રાખી છે. મેં નતાશાને મારી નાખી હોત તો આજે બાજી મારા હાથમાં ન હોત.’
‘તું જબરો ઉસ્તાદ નીકળ્યો.’ વનરાજ બોલ્યો.
‘વનરાજ ! આટલા દિવસથી હું તલવારની ધાર પર ચાલતો રહ્યો છું. એક તરફ સિમરન અને બીજી તરફ કૈલાસકપૂર માટે કામ કરતો હોઉં એવો દેખાવ મારે કરતા રહેવું પડયું છે.’
‘તો હવે તું કોના માટે કામ કરી રહ્યો છે.’ તું.
‘મારા પોતાના માટે.’
‘તો પછી તું આ ચાલીસ કરોડ રૂપિયાના હીરા અને દસ કરોડ રૂપિયા રોકડા લઈને રફુચકકર થઈ જા.’ વનરાજ બોલ્યો : ‘તને આવો સોનેરી અવસર ફરી નહિ મળે.'
વેન ચલાવે રાખ, વનરાજ !' રાજવીરે કહ્યું : ‘મારે લૅપટોપની બેગ જોઈએ અને અત્યારે આપણે લૅપટોપની બેગ લેવા જ જઈ રહ્યા છીએ.’
‘કયાં...કયાં જઈએ છીએ ?’વનરાજે અધીરાઈભેર પૂછ્યું.
‘જ્યાં તે લૅપટોપની બેગ સંતાડી છે, ત્યાં !' રાજવીરે રહસ્યને વધુ ઘેરું બનાવ્યું.
‘પણ કયાં...? !’
‘આ પંચગીનીના હાઈવે પર, થોડેક આગળ આવેલા કૈલાસકપૂરના ફાર્મહાઉસમાં !’
તું...તું પાગલ થઈ ગયો છે કે, શું ? !' વનરાજે અજાણ્યા બનવાનો પ્રયત્ન કર્યો : ‘ત્યાં તે વળી હું લૅપટોપની બેગ સંતાડતો હોઈશ ? !’
‘હા, વનરાજ ! તે લૅપટોપની બેગ ત્યાં જ સંતાડી છે. તું જાણે છે કે, એ સ્થળે લૅપટોપની બેગ સંતાડવામાં આવી હોવાની કૈલાસકપૂરને કદી શંકા જશે નહિ. એ દિવસે, બૅન્કમાંથી લૅપટોપની બેગ લઈને કૈલાસકપૂર સિમરન તેમજ વિક્રાંત સાથે ફાર્મહાઉસ પર પહોંચ્યો, એ પછી સિમરન કારમાં જ બેસી રહી હતી. એ લોકો ફાર્મહાઉસ પર આવ્યા એ પહેલાં જ તું ત્યાં પહોંચીને સંતાઈ ચૂકયો હતો. કૈલાસકપૂર અને વિક્રાંત સિમરને આપેલી ખોટી બેગ લઈને ફાર્મહાઉસના ઉપરના માળે ગયા ત્યારે તેં સિમરન પાસેથી અસલ લૅપટોપની બેગ લઈ લીધી હતી. પછી સિમરન ત્યાંથી કારમાં ભાગી નીકળી હતી.
‘એ પછી કૈલાસકપૂર અને વિક્રાંત ફાર્મહાઉસમાંથી રવાના
થયા એટલે તેં અસલ લૅપટોપની બેગ કૈલાસકપૂરના બેડરૂમની
તિજોરીમાં સંતાડી દીધી હતી. તારી ગણતરી એવી હતી કે,
કૈલાસકપૂર લૅપટોપની બેગ માટે આખી દુનિયા ખુંદી ને ફેંદી
વળશે, પણ પોતાના ફાર્મહાઉસના બેડરૂમની તિજોરીમાં તો નહિ
જ જુએ.’
‘તારી આ વાત ખરેખર જ કમાલની છે.' વનરાજ બોલ્યો : ‘જો મને આ વાતનો વિચાર પહેલાંથી જ આવ્યો હોત તો હું લૅપટોપની બેગ કૈલાસકપૂરના ફાર્મહાઉસના બેડરૂમની તિજોરીમાં જ મૂકત ને બીજે કયાંક ન મૂકત.’
રાજવીર હસ્યો : ‘મને ખબર છે કે, તે લૅપટોપની બેગ બીજે કયાંય નથી મૂકી ને કૈલાસકપૂરના ફાર્મહાઉસની તિજોરીમાં જ મૂકી છે.’ રાજવીરે કહ્યું : ‘અને આ વાત હવે થોડીવારમાં સાચી પુરવાર થઈ જશે.’ અને રાજવીરે કહ્યું : ‘ડાબી બાજુ વેન વળાવ.’
‘…એ તરફ તો કૈલાસકપૂરનું ફાર્મહાઉસ છે...'
‘મેં કહ્યું ને...,’ રાજવીરે ફરી વનરાજના લમણે રિવૉલ્વરની અણીનો સ્પર્શ કર્યો : ‘...આપણે ત્યાં જ જવાનું છે.'
‘ભલે...!’ વનરાજ બોલ્યો. એ જાણે ઊંડી ખાઈમાંથી બોલતો હોય એવો ધીમો એનો અવાજ હતો. વનરાજના ચહેરા પરનું રહ્યું-સહ્યું તેજ પણ ઊડી ગયું હતું.
‘વેન ઝડપથી ચલાવ.’ રાજવીરે અવાજમાં કડકાઈ લાવતાં હુકમ આપ્યો : ‘આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે.’ અને વનરાજે સમયને વર્તાને વેનની ઝડપ વધારી.
૦૦૦
મુંબઈ-પંચગીની વચ્ચે આવેલા કૈલાસકપૂરના ફાર્મહાઉસના પહેલા માળ પરના ખૂણામાંના રૂમમાં, કૈલાસકપૂરનો આદમી ભુવન રાજવીરની મા સુમિત્રા તેમજ એની બાજુમાં બેઠેલી નતાશા સામે રિવૉલ્વરની અણી તાકીને બેઠો હતો.
નીચે રસોડામાં કૉફી બનાવવા ગયેલો ભુવનનો સાથી બલ્લુ હજુ કૉફી લઈને આવ્યો નહોતો. એ બલ્લુ આવે તો ભુવન કૉફી પીને બલ્લુને આ ડોશી સામે બેસાડીને ફાર્મહાઉસમાં એક લટાર મારવા માંગતો હતો. પણ આ ડોશી...
અને ત્યાં જ અત્યારે સુમિત્રા એકદમથી જ ઊભી થઈ ગઈ.
‘બેસી જા...!’ ભુવન બોલ્યો.
‘હું કરાટે ચેમ્પિયન છું.’ સુમિત્રા બોલી.
‘તું..? !’ ભુવને નવાઈથી પૂછાઈ ગયું : ‘..ડોશી તું કરાટે ચેમ્પિયન છે ? !'
‘હા.’સુમિત્રાએ હવામાં આમતેમ હાથ વીંઝયા : ‘તારે જોવું હોય તો રિવૉલ્વર એક બાજુ પર મૂકીને આવી જા મેદાનમાં !’
‘ડોશી ! ચુપચાપ બેસી જા, નહિતર ગોળી મારી દઈશ.' ભુવન ચિલ્લાયો અને સુમિત્રા તરફ તકાયેલી રિવૉલ્વરના ઘોડા
પર આંગળી મૂકી. ‘મા !’ નતાશાએ સુમિત્રાનો હાથ પકડીને એને બેસાડી દીધી : ‘બેસી જાવ ને...!'
‘બેટી ! હું રિવૉલ્વરથી કે પછી આવા ગુંડા-મવાલીથી ડરતી નથી.' સુમિત્રાએ નતાશાને કહીને પછી પાછું ભુવાન સામે જોયું ને હિંમતભેર કહ્યું : ‘એય, મવાલી ! તારે ગોળી ચલાવવી હોય તો બેધડક ચલાવ !''
ભુવને ધૂંધવાટથી દાંત પીસ્યા.
“મને ખબર છે કે, તારા બૉસે તને અમને ગોળી નહિ મારવાની સૂચના આપી હશે.' સુમિત્રા બોલી : “મને કહે, તારો બોસ કોણ છે અને એ શા માટે અમને અહીં લઈ આવ્યો છે ? !'
‘તું ચુપ મર, ડોશી !’ ભુવન રોષભેર કહેતાં ઊભો થયો. ત્યાં જ તેનો સાથી બલ્લુ હાથમાં કૉફી ને નાસ્તાની ટ્રે લઈને રૂમની અંદર આવ્યો. બલ્લુએ વચ્ચે પડેલા ટેબલ પર કૉફી-નાસ્તાની ટ્રે મૂકી, ત્યાં જ બહારથી કોઈ વાહનનો અવાજ સંભળાયો.
ભુવન સુમિત્રા તરફ રિવૉલ્વરની અણી તાકેલી રાખતાં બારી નજીક પહોંચ્યો અને તેણે બારી બહાર નજર નાખી.
‘કોણ છે...? !’ બલ્લુએ ટેબલ પાસે ઊભા-ઊભા ભુવનને પૂછ્યું.
‘...વેનમાં વનરાજ આવ્યો છે.' ભુવન બારી બહાર- નીચેની તરફ જોઈ રહેતાં બોલ્યો : ‘એની સાથે કોઈક બીજું પણ છે. અરે ! એ માણસે વનરાજ તરફ રિવૉલ્વર તાકી રાખી છે.’
‘શું ? !’ કહેતાં બલ્લુ બારી નજીક પહોંચ્યો અને એણે પણ બારી બહાર-નીચે નજર નાખી : ‘ભુવન ધ્યાનથી જો. રિવૉલ્વર તાકનાર તો રાજવીર છે !''
‘રાજવીર...? !’ સુમિત્રાના મોઢેથી નીકળી ગયું. ‘તું એને ઓળખે છે ? !' બલ્લુએ સુમિત્રા તરફ જોતાં પૂછ્યું.
‘નહિ, તો...!’ સુમિત્રા બોલી ઊઠી. ‘એ તો મને આ નામ સારું લાગ્યું એટલે હું બોલી ઊઠી.' અને સુમિત્રા રાજવીર આવી પહોંચ્યો હતો એ બદલ મનોમન ખુશ થઈ ઊઠી. નતાશા પણ ખુશ થઈ ઊઠી.
તો બલ્લુ મનોમન વિચારી રહ્યો હતો, ‘આ રાજવીરે વનરાજને રિવૉલ્વર તાકી હતી એનો મતલબ શું ? ! શું રાજવીર એના બૉસ કૈલાસકપૂર અને વનરાજના પક્ષે નહિ, પણ સામેના પક્ષે હતો ? !'
‘બલ્લુ !’ બલ્લુના કાને ભુવનનો અવાજ પડયો, એટલે એ '' વિચારોમાંથી બહાર આવ્યો. એણે ભુવનની વાત તરફ ધ્યાન આપ્યું.
‘મને લાગે છે કે, મારે રાજવીરથી વનરાજને બચાવવો પડશે.’ ભુવને આગળ કહ્યું : ‘તું આ બન્નેને સંભાળ, હું એમને જોઉં છું.’
‘ઠીક છે.’ કહેતાં બલ્લુએ સુમિત્રા અને નતાશા તરફ પોતાની રિવૉલ્વર તાકી,
તો ભુવન પોતાની રિવૉલ્વર સાથે રૂમના દરવાજા તરફ સરકયો અને બીજી જ પળે રૂમની બહાર નીકળી ગયો.
‘આ ગુંડાઓ પોતાના દીકરા રાજવીરનું કંઈ બગાડી નહિ શકે.’ એવા વિશ્વાસ સાથે સુમિત્રા હળવા મને બેસી રહી,
પણ નતાશા ગભરાઈ ઊઠી હતી. ‘હે ભગવાન !’ નતાશાએ ફફડતા જીવે મનોમન ભગવાનને પ્રાર્થના કરી : ‘મને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર રાજવીરનો જીવં બચાવજે !’
(ક્રમશ:)