રેશમી ડંખ - 9 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેશમી ડંખ - 9

9

અંધારી આલમના જાસૂસ જગ્ગીનું ગળું દબાવીને તેમજ એની પત્ની માયાને માથે કોઈ વજનદાર વસ્તુના ફટકા મારીને એને ખતમ કરી નાંખવામાં આવી હતી, એ જોઈને રાજવીરને આંચકો લાગ્યો હતો. તે થોડી પળો સુધી જગ્ગીની લાશ જોઈ રહ્યો, પછી અત્યારે એક નિશ્વાસ નાંખતા તે આંચકામાંથી બહાર આવ્યો.

તેને સમજાઈ ગયું. ‘જગ્ગી અને માયાના ખૂન તેના કારણે જ થયા હતાં. તેના કારણે જ એટલે કે, તેણે જગ્ગીને કૈલાસકપૂરની પત્ની સિમરનના ભૂતકાળ વિશે તેમજ એના દોસ્તો વિશે જે માહિતી શોધી કાઢવાનું કામ સોંપ્યું હતું, એમાં જગ્ગીએ જરૂર કોઈક ચોકાવનારી માહિતી મેળવી હતી, અને એ માહિતી તેના સુધી ન પહોંચે એ માટે જ આ રીતના જગ્ગીનું ખૂન કરવામાં આવ્યું હતું.

‘હવે સવાલ એ હતો કે, એ માહિતી શી હતી ? શું જગ્ગીએ સિમરન વિશેની ભૂતકાળની કોઈ ગુપ્ત માહિતી શોધી કાઢી હશે ? જગ્ગીએ અત્યારે સિમરન સાથે જે સાથી-જે દોસ્ત હશે એનું નામ-ઠામ-ઠેકાણું ખોળી કાઢયું હશે ? કે પછી કૈલાસકપૂરની લૅપટોપની બેગ કયાં સંતાડેલી હતી ? એના ગુપ્ત સ્થળ વિશેની માહિતી એના હાથમાં લાગી ગઈ હશે ? !’

અને મગજમાં દોડી ગયેલા આ સવાલો સાથે જ રાજવીરે પોતાના શરીરને ઝડપભેર કામે લગાવ્યું. તેણે સોફા પર પડેલી જગ્ગીની લાશના શર્ટ-પેન્ટના ખિસ્સાં તપાસ્યાં. ખિસ્સાં બિલકુલ ખાલી હતા. તેણે રૂમમાં નજર ફેરવી, પણ આ ખૂન સાથે જોડાય એવી કોઈ વાત-વસ્તુ તેની નજરે ચઢી નહિ.

તેની નજર પાછી જગ્ગીની લાશ પર પહોંચી. ‘જગ્ગીના આ ખૂન પરથી એ સાફ જણાઈ આવતું હતું કે, ખૂની તેની પાછળ લાગેલો હતો. ખૂની તેની દરેક હિલચાલથી વાકેફ હતો. ખૂની તેના અને સિમરનના સંબંધો વિશે પણ જાણતો જ હોવો જોઈએ, અને છતાં એ ખૂની તેને કે, સિમરનને મારતો નહોતો.

કારણ ?

કારણ સ્પષ્ટ હતું. ખૂની સિમરન સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ અને હાલની પરિસ્થિતિમાં સિમરનને જીવતી રાખવામાં જ ખૂનીને લાભ હતો અને એટલે જ એ સિમરન પર હુમલો કરતો નહોતો. ખૂનીને તેના અને સિમરનના સંબંધમાં રસ હોવો જોઈએ.' અને આ વિચાર સાથે જ રાજવીર ધ્રુજી ઊઠયો.

કૈલાસકપૂર અને સિમરન વચ્ચે બેધારી તલવારની જેમ ઊભેલો રાજવીર આજે પહેલીવાર ધ્રુજી ઊઠયો. તેને લાગ્યું કે, કોઈક ખૂબ જ બાહોશ વ્યક્તિ સિમરન પાછળ કામ કરી રહી હતી અને એ વ્યક્તિ ખૂબ જ ચાલાકીપૂર્વક યોજના ઘડતી હતી, એક પછી એક ચાલ ચાલતી હતી અને સિમરન તેમ જ તે પોતે પણ આપોઆપ એ વ્યક્તિના હાથમાં કઠપૂતળીની જેમ ૨મતાં હતાં.

રાજવીરે જગ્ગીની લાશ પરથી નજર ઊઠાવીને ફરી આખાય રૂમમાં નજર ફેરવી. ‘રૂમની કોઈ વસ્તુ ફિંદાયેલી

નહોતી અને જગ્ગીના ખિસ્સા ખાલી હતાં, એનો મતલબ શું

એ હતો કે, ખૂનીને જગ્ગીના ખિસ્સામાંથી, ખૂનીને જે વસ્તુની

તલાશ હતી, એ વસ્તુ મળી ગઈ હશે ? !

‘આખરે એ વસ્તુ શું હશે ? ! શું જગ્ગીની ડાયરીમાંથી ખૂનીને એ માહિતી મળી ગઈ હશે ? !'

રાજવીરની નજર ખૂણામાં પડેલા ટેબલ પર પડી. તે ટેબલની નજીક પહોંચ્યો. ટેબલ પર કાગળ પડયા હતા. કાગળ કોરા હતા. આ કાગળ પાસે એક મેગેઝિન પડયું હતું. એ મેગેઝિનનું નામ તેણે વાંચ્યું, ‘મોર્ડન ઑટો’

અને તેને નવાઈ લાગી. જગ્ગીએ કારને લગતું આ મેગેઝિન શા માટે ખરીદ્યું હશે ? જગ્ગી પાસે કાર નહોતી, પછી કારની ટૅકનીકલ માહિતીના આ સામાયિકને વાંચવાનો શોખ જગ્ગીને કયાંથી લાગ્યો હશે ?

તેણે એ મેગેઝિન ઊઠાવ્યું અને એની પરની તારીખ વાંચી.

એ નવું જ મેગેઝિન હતું.

તેણે મેગેઝિન ફેરવ્યું. વચ્ચેનું, વીસ નંબરનું પેજ ફાટેલું હતું.

તેણે એ મેગેઝિનને વાળીને ખિસ્સામાં મૂકયું. તેણે જગ્ગી અને માયાની લાશ તરફ જોયું. તેનું મન અને આંખો ભરાઈ આવી.

તેણે જગ્ગીને જે કામ સોંપ્યું હતું, એ કામ જગ્ગીએ પૂરું કર્યું હતું. જગ્ગીએ પોતે મેળવેલી માહિતી કહેવા માટે જીવતો રહ્યો નહોતો, પણ જગ્ગીના મોતમાંથી પણ તેણે સંદેશો મેળવી લીધો હતો.

તેણે જગ્ગી અને માયાની લાશને વંદન કર્યા અને પછી તે ‘સૉરી, જગ્ગી અંકલ ! સૉરી માયા, આન્ટી !' એવું બોલ્યો અને બહાર નીકળી ગયો.

તે કારમાં બેઠો અને જગ્ગીના ઘરથી થોડેક દૂર આવેલા બુક સ્ટોલ પાસે તેણે કાર ઊભી રાખી. તેણે બુક સ્ટોલ પરથી ‘મોર્ડન ઑટો’ મેગેઝિનનો નવો અંક ખરીદયો ને પાછો કારમાં બેઠો. તેણે વીસ નંબરનું પેજ ખોલ્યું. એ પેજ પર ‘નૉબલ ઑટો'ની જાહેરખબર છપાયેલી હતી. તેણે જાહેરખબર વાંચી નાંખી. ‘નૉબલ ઑટો'નો માલિક એન્થની જૂની કારની લે-વેચનો ધંધો કરતો હતો.

રાજવીરના મનમાં જગ્ગીના મોત સાથે આ જાહેરખબરને સંબંધ હોવાની શંકા મજબૂત બની. કદાચ ‘નૉબલ ઑટો’ના માલિક એન્થનીને સિમરનની મર્સીડીઝ કાર સાથે કોઈ સંબંધ હોય પણ ખરો. સિમરને કૈલાસકપૂરવાળી એ કાર કયાં સંતાડી હતી ? એ વિશે સિમરને રાજવીરને કંઈ કહ્યું નહોતું.

‘એવું બની શકે કે, જગ્ગીને એન્થની પાસે પડેલી સિમરનની આ કાર વિશે માહિતી મળી હોય અને એટલે જ જગ્ગીનું ખૂન કરી દેવામાં આવ્યું હોય !' અને થોડીક પળોમાં જ તેને ખ્યાલ આવી ગયો. નકકી એન્થની સિમરન સાથે સંકળાયેલો હતો અને સિમરન કૈલાસકપૂરની જે મર્સીડીઝ કાર લઈને ભાગી હતી એ મર્સીડીઝ કાર એણે આ ‘નૉબલ ઑટો’ના માલિક એન્થનીના ગેરેજમાં જ સંતાડી રાખી હોવી જોઈએ. અને...અને કદાચ એણે કૈલાસકપૂરની લૅપટોપની બેગ પણ એ કારમાં જ સંતાડી રાખી હોવી જોઈએ.’

અને આ વિચાર સાથે જ રાજવીરે નકકી કર્યું, ‘અત્યારે રાતના દસ વાગ્યા છે. સાંજે છ વાગ્યે, સિમરન ‘બેસ્ટ બજાર’ જતાં રસ્તામાંથી કૈલાસકપૂર પાસેથી પાંચ કરોડ રૂપિયા લઈને ગઈ, એ પછી હું હજુ સુધી સિમરન પાસે પહોંચ્યો નથી. એટલે અત્યારે પહેલાં હું સિમરન પાસે પહોંચી જાઉં, પછી ‘નૉબલ ઑટો' પર જઈશ અને એના માલિક એન્થની પાસેથી જગ્ગીના મોત તેમજ સિમરનની કાર અને લૅપટોપની બેગ વિશેની માહિતી કઢાવવાનો પ્રયત્ન કરીશ.’

૦૦૦

રાજવીર મુંબઈ-ગોવા હાઈવે પર, ત્રણેક કિલોમીટર અંદર, ગીચ ઝાડીઓ વચ્ચે આવેલા ફાર્મહાઉસ પર પહોંચ્યો, ત્યારે સિમરન જમીન પર હજાર-હજાર રૂપિયાની નોટોના બંડલોના થપ્પા લગાવીને બેઠી હતી અને એક પછી એક બંડલો ગણી રહી હતી.

‘સિમરન ! પાંચ કરોડ રૂપિયા પૂરા છે, ને ?' રાજવીરે પૂછ્યું.

‘હા !’ સિમરને છેલ્લું બંડલ બાજુમાં મૂકયું અને રાજવીર સામે જોતાં પૂછ્યું : ‘રાજ ! હું રૂપિયા લઈને નીકળી એ પછી તારી પર કૈલાસકપૂરે કે વનરાજે કોઈ શંકા તો કરી નહોતી ને ?’

‘ના !’ રાજવીરે કહ્યું. તેણે ‘“સિમરને તેનું નામ કેવી રીતના જાણ્યું ?’' એવી શંકા વનરાજે વ્યકત કરી હતી, એ વાતને સિમરનથી છુપાવી. ‘સિમરન !’ તેણે કહ્યું : ‘આપણે આ રૂપિયા પાછા બેગમાં ભરી દઈએ.’

‘હા !' અને સિમરને પણ રાજવીરને બેગમાં નોટોના બંડલો ભરવામાં મદદ કરી.

બન્ને બેગ ભરાઈ ગઈ એટલે સિમરને રાજવીરના ગળે હાથ વિંટાળતાં કહ્યું : ‘રાજ ! હવે હું કૈલાસ પાસે થોડાં-થોડાં રૂપિયા માંગવાને બદલે એકસાથે પચાસ કરોડ રૂપિયા માંગી લઈશ.'

‘પચાસ કરોડ રૂપિયા ? !' રાજવીર બોલી ઊઠયો : ‘આ રકમ નાનીસૂની નથી. આટલા બધાં રૂપિયાની નોટો વટાવવા જતાં આપણે પકડાઈ જઈશું.’

‘આનો ઉપાય મેં વિચારી લીધો છે.' સિમરન બોલી : ‘આપણે દસ કરોડ રોકડા માંગીશું અને બાકીના ચાળીસ કરોડ રૂપિયાના હીરા માંગીશું.'

‘હા, પણ હીરા વેચીને રોકડ રકમ ઊભી કરવામાં તો મહિનાઓ નીકળી જાય.' રાજવીર બોલ્યો : ‘પછી મને મારો ભાગ કયારે મળે ? !

‘તને તારો ભાગ હીરામાં આપવામાં આવશે.’

‘પણ હું હીરાપારખુ નથી.' રાજવીર બોલી ઊઠયો : ‘હું હીરા અને પથ્થર વચ્ચેનો ભેદ પારખી શકું એમ નથી.’

‘આમ તો મને પણ હીરાની પરખ નથી, પરંતુ પેરિસમાં મારો એક ઓળખીતો છે. એ હીરા વેચીને, આપણાં પૈસા સ્વીસ બેન્કમાં જમા કરાવી દેશે.’

‘હા, પણ આપણે ભારત બહાર હીરા લઈ કેવી રીતના જઈશું ? !’

‘આપણે હીરા બહાર લઈ જવાની જરૂર નહિ પડે. આપણે એનો સોદો અહીં જ પતાવીશું. અસલમાં આપણા માટે મુશ્કેલ કામ તો કૈલાસ પાસેથી રૂપિયા ને હીરા મેળવવાનું છે.’ સિમરન બોલી : ‘આપણે બે દિવસ પછી, ગુરુવારે કૈલાસને ઈ-મેઈલ કરીશું કે, એ રૂપિયા અને હીરા લઈને તને અને વનરાજને...’ ‘વનરાજને...? !'

‘આપણે કૈલાસને એના બે માણસો સાથે રૂપિયા અને હીરા પહોંચાડવાનું કહીશું એટલે કૈલાસ તને તો પસંદ કરશે જ અને બીજા માણસ તરીકે એ વનરાજને જ મોકલવાનું યોગ્ય માનશે.’ ‘પણ કૈલાસકપૂર મારી પર આટલો બધો વિશ્વાસ નહિ

મૂકે.’

‘કૈલાસ તારી પર વિશ્વાસ મૂકશે જ !' સિમરન બોલી : ‘કારણ કે રૂપિયા અને હીરા આપવાની આગલી રાતના તે કૈલાસકપૂરને મારી લાશ સોંપી હશે. અલબત્ત એ લાશ મારી નહિ હોય.'

‘એ લાશ નતાશાની હશે ને ?’ રાજવીરે કહ્યું.

‘હા !’ સિમરન બોલી : ‘વનરાજ કે કૈલાસકપૂરના બીજા કોઈ માણસની હાજરીમાં તારે અકસ્માત નડયો હોય એવી રીતના નતાશાને મારી નાંખવાની રહેશે. પછી નતાશાની લાશને મારી લાશ તરીકે તું કૈલાસને સોંપીશ એટલે એ નિરાંતનો શ્વાસ લેશે. બીજા દિવસે આપણે કૈલાસને ઈ-મેઈલ મોકલીશું કે સોદો ચાલુ રહે છે અને એ ચોકી ઊઠશે. પછી એ સ્વાભાવિક રીતે તને જ રૂપિયા અને હીરા લઈને મોકલશે.'

રાજ્વીર સિમરનને તાકી રહ્યો.

સિમરન આગળ બોલી : ‘તું અને વનરાજ એ રૂપિયા અને હીરા દૂરના સ્થળે લઈ જજો.’

‘પણ તું કયાં મળીશ ? !

‘હું ચિત્રમાં હોઈશ જ નહિ.

’ ‘તો લૅપટોપની બેગ કોણ લાવશે ?’ રાજવીરે પૂછ્યું.

‘લૅપટોપની બેગ કોઈ નહિ લાવે.’ સિમરને મલકતાં કહ્યું : ‘એ બેગ મારી પાસે જ રહેશે.’

‘એટલે કે, આ વખતે રૂપિયા ને હીરા મારે મેળવવાના રહેશે ?'

‘હા !' સિમરન બોલી : કૈલાસ તને અને વનરાજને રૂપિયા અને હીરા આપવા મોકલશે. આપણે નકકી કરેલા સ્થળે પહોંચતાં પહેલાં રસ્તામાં તું વનરાજને ફૂંકી મારજે અને એની લાશ ઠેકાણે પાડીને પછી તું મારી પાસે આવી પહોંચજે.'

‘..તો..તો પછી કૈલાસકપૂરની સાથે જ એના બાકીના ત્રણેય પાર્ટનરો બાદશા, ડેની અને કાબરા પણ મારા દુશ્મન બની જાય.' રાજવીર બોલી ઊઠયો : ‘એ લોકો મારા લોહીના તરસ્યા બની જાય.'

‘તું એમનાથી કયાં ડરે એવો છે.’ સિમરન બોલી : ‘અને વળી રૂપિયા અને હીરા હાથમાં આવતાં જ આપણે હંમેશ માટે ભારત છોડીને વિદેશ ચાલ્યા જઈશું.'

‘સિમરન !’રાજવીર સિમરનની લીલી આંખોમાં જોઈ રહેતાં બોલ્યો : તારી યોજના છે સારી, પણ ખૂબ જ જોખમકારક છે !'

‘...જોખમ વિના આટલા બધાં રૂપિયા અને મારા જેવી મસ્ત ઓરત કયાં મળવાની છે, રાજ !' કહેતાં સિમરને રાજવીરને પોતાની તરફ ખેંચ્યો.

રાજવીરે સિમરન તરફ ખેંચાઈ જતાં વિચારવા માંડયું, ‘સિમરને તેને કરેલી આખી વાત પરથી તે એટલું બરાબર સમજી ચૂકયો હતો કે, આમાં સિમરન એકલી નહોતી. એની પાછળ કોઈ ખૂબ જ હોશિયાર અને ચાલાક વ્યક્તિ હતી. એ વ્યક્તિ યોજના બનાવી રહી હતી અને પડદા પાછળ રહીને સિમરન મારફત યોજના અમલમાં મુકાવી રહી હતી. સિમરન તો કઠપૂતળી માત્ર હતી અને એ વ્યક્તિ સિમરનને કઠપૂતળીની જેમ નચાવી રહી હતી.

‘અને.., અને એ વ્યક્તિની આછી-ઝાંખી આકૃતિ રાજવીરને દેખાવા માંડી હતી.

જોકે, એ વ્યકિતને સ્પષ્ટ જોવા માટે રાજવીરે થોડીક વધુ મહેનત કરવી પડે એમ હતી !'

***

મંગળવારની સવારના સાડા આઠ વાગ્યા હતા. રાજવીર થોડીક વાર પહેલાં જ પોતાની કારમાં બહાર ગયો, એટલે સિમરન એકલી પડી હતી. અને એકલી પડતાં જ સિમરને એક વ્યક્તિને મોબાઈલ ફોન લગાવ્યો હતો અને અત્યારે તે એ વ્યક્તિ સાથે ધીમા ને ગંભીર અવાજે વાત કરી રહી હતી : ‘હું.., તો તારું શું કહેવું છે ? ! રાજવીર આપણને ફસાવશે એમ ? !’ અને સિમરન બોલતાં અટકી. તે સામેવાળી વ્યક્તિની વાત સાંભળી રહી અને પછી આગળ બોલી : ‘ઠીક છે, તો હું આજે જ રૂપિયા અને હીરા માટે કૈલાસને ઈ-મેઈલ કરી દઉં છું. પણ હા, રાજવીરને આ ગમશે નહિ. એ સાવચેતીપૂર્વક આગળ વધવા માંગે છે.' અને મોબાઈલ ફોનમાં સામેની વ્યક્તિએ તેને આગળ બોલતાં રોકી અને કંઈક કહેવા માંડયું. સિમરને એ વ્યક્તિની વાત ધ્યાનથી સાંભળી અને પછી એને મોબાઈલમાં કહ્યું : ‘ના-ના ! હું તારી વાત સાથે સંમત છું. ઝડપથી કામ કરવામાં જ ફાયદો છે, અને તારી વાત પણ સાચી છે. આપણે કૈલાસને એની લૅપટોપની બેગ પાછી આપી દઈશું. આટલા બધાં રૂપિયા લીધા પછી આપણે લૅપટોપની બૅગ પાછી નહિ આપીએ તો કૈલાસ અને એના પાર્ટનરો આપણને મારી નાંખવા માટે મરણિયા બનશે. એટલે આપણે તું કહે છે, એમ જ કરીશું, પણ...,’ સિમરને મોબાઈલ ફોનમાં સામેવાળી વ્યક્તિને પૂછ્યું : ‘...પણ પછી મારી બહેન નતાશા અને રાજવીરનું આપણે શું કરીશું ? ! અને રાજવીરની મા સુમિત્રા પણ નતાશાની સાથે જ છે.’ અને સિમરન ચૂપ થઈ. તે એકધ્યાનથી મોબાઈલ ફોનમાં, સામેની વ્યક્તિની વાત સાંભળી રહી અને પછી બોલી ઊઠી : ‘ઓહ...! ત્રણેયને...? ! ના- ના ! મને કંઈ વાંધો નથી. તું એ ત્રણેયને મારી નાખે એમાં મને કોઈ વાંધો નથી.’ અને સિમરનની આંખોમાં ચમક આવી. તે મોબાઈલ ફોનમાં બોલી : ‘રાજવીર, નતાશા અને રાજવીરની મા સુમિત્રાને મારી નાંખવાથી આપણાં બન્નેની સલામતી સચવાશે. આપણે બન્ને કૈલાસના પચાસ કરોડ રૂપિયા સાથે ખૂબ જ નિરાંતે અને મોજ- મજા સાથે જિંદગી જીવી શકીશું.’

(ક્રમશઃ)