પ્રણય પરિણય ભાગ ૫૫
'સોરી.. એ હોસ્પિટલમાં સમાઈરા..' વિવાન બોલવા જતો હતો ત્યાં ગઝલએ તેને અટકાવ્યો.
'હાં, મને ખબર છે એ તમારો બચપણનો પ્રેમ છે.. તમે તેની સાથે ડિનર કરવા અને બીચ પર ફરવા ગયા હતા..' ગઝલ આંસુ લૂછતા બોલી.
'આ તને કોણે કહ્યું?' વિવાનને આશ્ચર્ય થયું.
'ગયા હતા કે નહીં એ બોલો.' ગઝલ કમર પર હાથ ટેકવીને બોલી.
'હાં, જમવા લઇ ગયો હતો.. કેમકે એ સવારથી જમી કશું નહોતી અને કાવ્યા વિશે જાણીને એની મનઃસ્થિતિ પણ બરાબર નહોતી. તેનું થોડું માઈન્ડ ફ્રેશ થાય એટલે બીચ પર ગયા હતા. ડેડીએ કહ્યુ હતું મને.. એની વાત કેવી રીતે ટાળી શકાય?'
'અચછા, અને હું? મારુ શું? અહીં હું રાહ જોઈને બેઠી રહી એનું કંઇ નહીં? ચલો માન્યુ કે સમાઈરા ડિસ્ટર્બ હતી એટલે તમે તેની ગયા પણ મને એક ફોન પણ ના કર્યો? હું અહીં રાહ જોતી ભૂખી બેસી રહી અને તમે ત્યાં એની સાથે મસ્ત ડિનર એન્જોઈ કરી રહ્યા હતા.' બોલતાં ગઝલની છાતીમાં ડૂમો ભરાઈ આવ્યો.
'ગઝલ, ડાર્લિંગ.. મારી વાત તો સાંભળ.. હું સમાઈરા સાથે ગયો હતો જરૂર પણ ટ્રસ્ટ મી, હું ત્યાં જમ્યો નથી.' વિવાન ગઝલનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો.
ગઝલ તેની સામે આશ્ચર્યથી જોઇ રહી.
'ખરેખર.. હું નથી જમ્યો નથી. તેણે ખૂબ આગ્રહ કર્યો એટલે ફક્ત એક પીસ ખાધું. અને રહી વાત ફોનની તો મારા ફોનની બેટરી ખતમ થઈ ગઈ હતી. સમાઈરાના ફોનમાંથી ફોન કરત પણ એ માંડ માંડ શાંત થઈ છે, હું નહોતો ઈચ્છતો કે આપણે બહાર જમવા જવાના છીએ એ સમાઈરાને ખબર પડે. મને ડર હતો કે એ ઈમોશનલ થઈને કંઈક ત્રાગુ કરશે.'
'તમે ખરેખર જમ્યા નથી?' ગઝલએ આંખો ઝીણી કરીને પુછ્યું.
'ખરેખર!' વિવાન ગળા પર હાથ મૂકીને બોલ્યો.
'વેઇટ.. હું કંઈક જમવાનું લેતી આવું.' ગઝલ આંખો લૂછીને બોલી.
'નો, નો.. આપણે બહાર જઈએ.' વિવાને કહ્યુ.
'અત્યારે?'
'હાં, અત્યારે.'
'ના, નથી જવું.'
'કેમ?'
'મૂડ નથી..'
'પ્લીઝ..' વિવાન ક્યૂટ ફેસ બનાવીને બોલ્યો. ગઝલએ "ના"માં માથું ધુણાવ્યું. અને મોઢું બીજી તરફ ફેરવી લીધું.
'ચલ ને પ્લીઝ..' કહીને વિવાને પોતાના કાન પકડ્યા અને ઉઠક બેઠક કરવા લાગ્યો. ગઝલનુ મોઢું બીજી તરફ હતું પણ તે આંખના ખૂણેથી વિવાનને જોઈ રહી હતી. વિવાન પણ ઉઠ બેસ કરતો ખૂબ ક્યૂટ લાગી રહ્યો હતો.
'ઓકે..' છેવટે ગઝલ તૈયાર થઈ.
'થેન્કસ..' વિવાન ખુશ થઈને બોલ્યો અને ગઝલને ભેટી પડ્યો.
'આઈ એમ સોરી.. બીજી વાર આવું નહીં થાય..' વિવાન તેની ગરદન પર ચહેરો ઘસતાં બોલ્યો. ગઝલને ઝણઝણાટી થઈ. તેણે વિવાન ફરતેની પકડ ટાઈટ કરી. વિવાને તેની ગરદન પર હોઠ મૂક્યા. ગઝલના ધબકારા વધવા લાગ્યા તેણે શરીર સંકોર્યુ. તે થોડી અસ્વસ્થ થઇ.
'વિવાન..' ગઝલ બોલી.
'હં..' વિવાન તો તેનામાં ખોવાવા લાગ્યો હતો.
'ડિનર માટે જઈશુ?' ગઝલ ધીમેથી બોલી.
'હેં! હમ્મ..' વિવાન ભાનમાં આવીને તેનાથી દૂર થયો. એ આંખો ઝુકાવીને ઉભી હતી. તેણે ગઝલનાં ચહેરા પર આવી ગયેલી વાળની લટને તેના કાનની પાછળ સેરવી અને કપાળ પર ચુંબન કર્યું.
'લેટ્સ ગો..' વિવાને ગઝલના ગાલ પર હાથ અડાડીને કહ્યુ.
બંને જણા બહાર ગયાં. ફાઇવસ્ટાર હોટલમાં આરામથી ડિનર પતાવીને મોડી રાત્રે શ્રોફ બંગલોમાં પરત ફર્યા. ગઝલએ પોતાની મનની વાત ઉચ્ચારી નહીં. તેને પોતાની ફીલિંગ શેર કરવા માટે કદાચ આ સમય બરાબર નથી એવું લાગતું હતું. એકવાર સમાઈરા પાછી અમેરીકા જતી રહે પછી વાત એમ વિચારીને તે શાંત હતી. એમ જ બે ત્રણ દિવસ વીત્યા.
એક દિવસ સવારમાં વિવાન અને ગઝલ તૈયાર થઈને નીચે આવ્યા. બધા ડાઇનિંગ ટેબલ પર બેઠાં હતાં.
'ગુડ મોર્નિંગ બેટા..' કૃષ્ણકાંત ગઝલ તરફ જોઈને બોલ્યા.
'ગુડ મોર્નિંગ પપ્પા..' ગઝલ સ્મિત કરીને બોલી.
દાદીએ તેની તરફ જોયું. હું ઠીક છું તેવું ગઝલએ આંખોથી જ કીધું.
વિવાન તેની ચેર પર બેઠો. ગઝલ તેની બાજુમાં બેસવા ગઈ ત્યાં સમાઈરા આવીને બેસી ગઈ. બધા તેની સામે જોઈ રહ્યાં.
'અરે સમી..!!' દાદી બોલ્યા.
'શું થયું?' સમાઈરા બેફિકરાઈથી બોલી.
'એ જગ્યા વહુની છે.'
'હાં પણ હું હવે બેસી ગઈ.. બીજી આટલી ખુરશીઓ ખાલી પડી છે.' સમાઈરા આજુબાજુ નજર ફેરવીને બોલી.
'અરે પણ..' દાદી કંઈક બોલવા ગયાં ત્યાં ગઝલએ તેમને અટકાવ્યા અને બોલી: 'કોઈ વાંધો નહી બા, એ ભલે ત્યાં બેસે. હું અહીં બેસી જઈશ.'
પછી બધાએ વાતો કરતાં કરતાં નાસ્તો કર્યો.
ગઝલ અને વિવાનનાં દામ્પત્ય જીવનમાં સમાઈરાની દખલગીરી વધવા લાગી. એ રોજે રોજ વિવાનને શું જોવે શું નહીં નો ખ્યાલ રાખવા લાગી. તેની ઝીણી મોટી બધી બાબતો પર ધ્યાન રાખવા લાગી. ગઝલને આ વાત ખટકતી હતી પણ એ થોડા દિવસોની મહેમાન છે એમ ગણીને પોતાના મનને સમજાવતી રહી. એ સમયમાં કાવ્યાના ઓપરેશનનું પણ નક્કી થયું. એટલે કારણ વગર ઘરનો માહોલ બગડે નહીં એ હેતુથી પણ ગઝલ શાંતિ જાળવીને બધું ઈગ્નોર કરી રહી હતી.
આ તરફ મલ્હારને જે એકવીસ દિવસનાં આગોતરા જામીન મળ્યા એમાંથી મોટા ભાગના દિવસો વીતી ગયા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ચાર્જશીટ ફાઇલ કરવાની તૈયારી કરી રહી હતી. તેના લગભગ બધા જ પ્રોજેક્ટ બંધ થઈ ગયા હતા. ઉઘરાણી વાળા લોહી પી રહ્યા હતા. બેંક એકાઉન્ટ સીલ હતાં અને પ્રોપર્ટી પર ટાંચ આવી હતી. કાયદેસરની ક્લીન પ્રોપર્ટી પણ ગીરવે પડી હતી.
વિવાન તેની પાસેથી ગઝલને ઝૂંટવી ગયો હતો. ઉપરથી રુદ્રપ્રતાપ વાળો પ્રોજેક્ટ પણ વિવાને છીનવી લઈને શહેરના પ્રતિષ્ઠિત બિઝનેસમેનો સામે તેની આબરૂનું ધોવાણ કરી નાખ્યું હતું. મલ્હારને આ બધાનો કચકચાવીને બદલો લેવો હતો. એને સૌથી મોટો ડર તો કાવ્યાનો હતો. જો એ હોશમાં આવીને મોઢું ખોલી નાખે તો મલ્હારની જીંદગીની પથારી ફરી જાય એ ચોક્કસ હતું.
સમાઈરા ઉપર તેણે ઘણો મદાર રાખ્યો હતો. પણ અત્યારે તેના થકી પણ કોઈ દેખીતો ફાયદો નહોતો થઈ રહ્યો. મલ્હારનું બધુ ફોકસ તેની ઉપર હતું. પણ તે પોતે સમાઈરાની સામે જાય તો પોતાના પ્લાનમાં પોતે જ ફસાઈ જાય તેમ હતું. એ ચારે બાજુથી ભીંસમાં હતો. કોઈ કારી ફાવતી નહોતી એટલે એ ખૂબ છંછેડાયો હતો.
તેના દુશ્મનો તેની આ મજબુરીનો ફાયદો ઉઠાવી રહ્યા હતા. એમાની જ એક વ્યક્તિને મલ્હાર અને વિવાન બંને સાથે દુશ્મની હતી. તેણે આ મોકાનો ભરપુર ફાયદો ઉઠાવવાનું નક્કી કરી લીધું.
**
કાવ્યાનું ઓપરેશન બે દિવસમાં થવાનું હતું. ડો. સ્ટીફન મુંબઈ આવી ગયા હતા. તે ઓપરેશન પૂર્વેના થોડા ટેસ્ટ કરવામાં વ્યસ્ત હતાં. એવામાં સમાઈરાને એક અજાણી વ્યક્તિએ ફોન કરીને હોટેલ રોકસ્ટાર પર મળવા બોલાવી.
સમાઈરા તેને મળવા હોટેલ પર ગઈ. તેણે જણાવેલા રૂમના દરવાજે નોક કર્યું.
'દરવાજો ખુલ્લો છે, આવી જાઓ.' અંદરથી અવાજ આવ્યો.
સમાઈરા દરવાજો ધકેલીને અંદર આવી. રૂમમાં પ્રકાશ એકદમ ઝાંખો હતો અને સિગરેટની તીવ્ર વાસ આવી રહી હતી. તેને રૂમની અંદર કોઈ દેખાયું નહીં એટલે તે સચેત થઇ ગઇ. તેણે આંખો ખેંચીને જોવાની કોશિશ કરી તો તે ઉભી હતી તેની એકદમ સામે તેને સાવ ઝાંખા પ્રકાશમાં એક ટેબલ દેખાયું. ટેબલની પાછળ એકદમ કાળું અંધારુ હતું. ટેબલ પરથી એક પાતળી ધૂમ્રસેર ઉઠી રહી હતી. કદાચ કોઈએ હમણાં જ સિગરેટ પૂરી કરીને એશ ટ્રેમાં નાખી હશે. તેને થોડો ડર લાગી રહ્યો હતો. એના હૃદયના ધબકારા વધી રહ્યા હતા.
'પ્લીઝ કમ..' ટેબલ પાછળથી અચાનક એક પુરુષનો અવાજ આવ્યો અને સમાઈરા લગીર ધ્રુજી ઉઠી. તે એમ કઇ ગાંજી જાય તેવી નહોતી. સમાઇરા હિંમતવાન, ભણેલી ગણેલી અને પરદેશમાં એકલી રહી ચુકેલી મોડર્ન યુવતી હતી. બે સેકન્ડમાં તેણે પોતાના ડર પર કાબૂ મેળવી લીધો. અવાજ ટેબલની પાછળની બાજુથી આવતો હતો. એ ભાગમાં ખૂબ અંધારુ હતું.
'પ્લીઝ સીટ..' એમ બોલીને તે માણસે એક સ્વિચ દબાવી એટલે ટેબલની આ તરફ જ્યાં ચેર રાખેલી હતી તેના પર સ્પોટ લાઈટ થઈ. સીલિંગ પરથી પડતી સ્પોટ લાઈટ ફક્ત ચેરને જ કવર કરી રહી હતી.
સમાઈરા ચેર પર બેઠી. હવે બધો પ્રકાશ તેના પર પડી રહ્યો હતો.
'કોણ છે તું?' સમાઈરા ચેર પર બેસતાં જ કડક અવાજે બોલી.
'તમારો શુભ ચિંતક!' પેલો માણસ ઠંડા અવાજે બોલ્યો.
'મારો શુભ ચિંતક થઇને મારાથી જ ચહેરો છુપાવે છે?'
'તમને તમારા ફાયદાની વાતમાં ઈન્ટરેસ્ટ છે કે મારો ચહેરો જોવામાં?' એ માણસનું વર્તન વિચિત્ર હતું.
'ઠીક છે, મને શું કામ બોલાવી છે એ બોલ.' સમાઈરા અકળાઈને બોલી.
એ માણસે એક કવર સમાઈરા તરફ સરકાવ્યું.
'શું છે આમાં?' સમાઈરાએ કવર જોઈને પુછ્યું.
'તમારા બધા પ્રશ્નોનાં ઉત્તર..' એ માણસ ખંઘુ હસીને બોલ્યો.
સમાઈરાએ કવર ખોલતા જ એમાંથી અમુક ફોટા અને એક પત્ર નીકળ્યો. સમાઈરાએ પત્ર વાંચતા જ તેને ભયંકર ગુસ્સો આવ્યો.
'આ બધું સાચું છે?' સમાઈરા અંધારા તરફ જોઈને બોલી.
'એકે એક શબ્દ સત્ય છે.' અંધારામાંથી અવાજ આવ્યો. એ સાંભળીને સમાઈરા ગુસ્સામાં જ ઉભી થઇને ત્યાંથી નીકળી ગઈ.
'આને કહેવાય એક કાંકરે બે પક્ષી માર્યા.. રીયલ ગેમ તો હવે ચાલુ થશે.' એ માણસ અટ્ટહાસ્ય કરીને બબડ્યો.
એ વ્યક્તિને મલ્હાર અને વિવાન બંને સાથે ધંધાકીય દુશ્મની હતી. બંને આપસમાં લડી પડે અને આ પ્રકરણની જાણ મિડિયાને થઇ જાય તો બિઝનેસમાં પોતાને લખલૂંટ ફાયદો થાય એવી ગણતરીએ તે વ્યક્તિએ આ આખો પ્લાન ઘડ્યો હતો.
**
'વિવાન.. દાદી.. મામા..' સમાઈરા બરાડા પાડતી ઘરમાં દાખલ થઇ.
'અરે પણ શું થયું?' વૈભવી અને દાદી બંને સાથે બોલી ઉઠ્યા.
'બધું કહું છું.. પેલા કહો કે વિવાન ક્યાં છે? અને તમારી લાડકી વહુને પણ અહીં બોલાવી લો.' સમાઈરા ગુસ્સાથી રાતી પીળી થતા બોલી.
'શું થયું સમાઈરા બેટા?' કહેતા કૃષ્ણકાંત હોલમાં આવ્યાં. ત્યાં સુધીમાં ગઝલ પણ તેની રૂમમાંથી નીકળીને નીચે આવી.
સમાઈરાએ એક તુચ્છકાર ભરી દ્રષ્ટિ ગઝલ સામે ફેંકી પછી બાકી બધા તરફ જોઈને બોલી:
'આ, તમારી વહાલી વહુ.. જેને તમે માથા પર ચઢાવીને દિકરીનો દરજ્જો આપ્યો છે, એના વિષે તમને કોઈ જાણકારી છે કે નહીં?'
'આ શું બોલી રહી છે તું?' દાદી ગૂંચવાઈને બોલ્યા.
'દાદી, મામા.. તમારી આ ગઝલને લીધે જ કાવ્યા અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. આને કારણે તેનો એક્સિડન્ટ થયો છે.' સમાઈરા ગઝલ તરફ આંગળી ચીંધીને બોલી. ઉશ્કેરાટથી એ રીતસરની ધ્રુજી રહી હતી.
'વ્હોટ?' કૃષ્ણકાંત આંચકાથી બોલ્યા.
'મારા લીધે?' ગઝલ જબરદસ્ત મુંઝવણમાં હતી. તેને કશું સમજાતું નહોતું.
'હાં તારા લીધે..' સમાઈરા ગઝલની નજીક જતાં બોલી.
'પણ વહુએ કર્યું છે શું?' દાદીએ પૂછ્યું.
'દાદી, આપણી કાવ્યા જે છોકરાને પ્રેમ કરતી હતી, એ છોકરા સાથે ગઝલનાં લગ્ન નક્કી થયા હતાં.' સમાઈરાએ બોમ્બ ફોડ્યો.
આ સાંભળીને ગઝલને જોરદાર આંચકો લાગ્યો. બધા તેની સામે જોઈ રહ્યાં હતાં.
'મલ્હાર..!' ગઝલ બોલી. એનાથી બોલાઈ ગયું.
'યસ, મલ્હાર.. એજ તારો મલ્હાર જેણે મારી કાવ્યાને ફસાવી. તારા માટે થઈને તેણે કાવ્યા સાથે દગો કર્યો.. આજે એ હોસ્પિટલના ખાટલે કોમામાં પડી છે.' બોલતા સમાઈરા રોઈ પડી.
'તને આ બધુ કહ્યું કોણે?' કૃષ્ણકાંતને હજુ આખી વાતની ગડ બેસતી નહોતી.
'કોણે કહ્યું? શા માટે કહ્યું? એનાથી શો ફરક પડે છે મામા? આ છોકરીના કારણે આપણી કાવ્યા તો હોસ્પિટલમાં પહોંચી ગઈ ને?' સમાઈરા રડતા રડતા ગઝલ તરફ આંગળી ચીંધીને બોલી.
'પપ્પા, મને.. મને તો આમાંથી કોઈ વાતની જાણ નથી. મલ્હાર જોડે મારા લગ્ન નક્કી થયા હતાં એ સાચું પણ એ આવું બધું કરતો હશે એ મને નહોતી ખબર.' ગઝલ હજુ આઘાતમાં હતી.
'વાહ! ગઝલ વાહ! શું મસ્ત એક્ટિંગ કરે છે તું!' સમાઈરા તાળીઓ પાડતા તેની નજીક ગઈ અને બોલી: 'કાવ્યા અને મલ્હાર વચ્ચે પ્રેમ હતો, તું વચ્ચે આવી, તારુ પણ મલ્હાર સાથે અફેર ચાલુ થયું. એ વાતની ખબર કાવ્યાને પડી. તું એને છોડી ના દે એટલે તારા એ યારે મારી બેનનું એક્સિડન્ટ કરાવીને એનો કાંટો કાઢવાનું નક્કી કર્યું. વિવાનને આ બધી હકિકતની જાણ થતાં ગુસ્સામાં આવીને તેણે તારા લગ્નમાંથી તને કિડનેપ કરી અને તારી સાથે બળજબરીથી લગ્ન કર્યા..' સાચુ કે ખોટું? બોલ.. સમાઈરા તાડુકી.
'વ્હોટ??' કૃષ્ણકાંત આશ્ચર્યાઘાતથી બોલ્યા.
'હાં મામા.. પૂછો આ તમારી લાડકી વહુને કે વિવાને એની સાથે બળજબરીથી લગ્ન કર્યા છે કે નહીં?' સમાઈરા લાલઘૂમ આંખે ગઝલ તરફ જોતા રહીને બોલી.
સમાઈરાની વાત સાંભળીને ગઝલ ફસડાઈને નીચે બેસી પડી. એ અત્યાર સુધી એવું જ માનતી હતી કે વિવાન તેને ખૂબ પ્રેમ કરે છે અને મલ્હારની ચુંગાલમાંથી બચાવવા માટે થઈને તેણે એની સાથે બળજબરીથી લગ્ન કર્યા છે. પણ આ લગ્ન પાછળ આવું કારણ હશે એવી તો તેણે કલ્પના પણ નહોતી કરી.
'નહીં.. ખોટી વાતો છે આ બધી.. વિવાન મને સાચો પ્રેમ કરે છે.. હું બીજુ કંઈ નથી જાણતી..' ગઝલ ગળગળા સાદે બોલી.
'બિલકુલ નહીં, મલ્હાર સાથે બદલો લેવા માટે જ વિવાને તારી સાથે લગ્ન કર્યા છે. પ્રેમ બ્રેમ એ બઘુ નાટક તેનુ છે, મલ્હારની બરબાદી જ એકમાત્ર ધ્યેય છે તેનું. કેમ કે વિવાન ફકત એની બહેનને પ્રેમ કરે છે. કાવ્યા માટે થઈને એ પોતાનો જીવ પણ આપી શકે છે અને કોઈનો જીવ લઇ પણ શકે છે.. મલ્હારને બરબાદ કરવાના વિવાનનાં પ્લાનમાં તું તો માત્ર એક પ્યાદું જ છે.' આટલું બોલીને સમાઈરા એક ક્ષણ અટકી.
પછી ગઝલ સામે ધારદાર નજરે જોયું અને કટાક્ષયુક્ત અવાજે બોલી: 'કાલે કાવ્યાનું ઓપરેશન થશે એટલે કાવ્યા સાજી થઇ જશે અને મલ્હાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે.. એકવાર મલ્હારને સજા થઇ જાય એટલે વિવાનનો બદલો પૂરો.. પછી એ તને છોડી દેશે..'
સમાઈરા પોતાના મનમાં જે આવતુ હતું એ વગર વિચારે બોલી રહી હતી અને ગઝલને તે બધું સાચું લાગી રહ્યું હતું. સમાઈરાના શબ્દો હથોડાની જેમ તેના માથામાં વાગતાં હતાં. ગઝલએ બેઉ હાથે પોતાના કાન ઢાંક્યા અને બેહોશ થઈને ઢળી પડી.
'ગઝલ બેટા..' દાદીની ચીસ નીકળી ગઈ..
.
.
ક્રમશઃ
**
શું પેલો વ્યક્તિ તેના મકસદમાં કામિયાબ થશે?
ગઝલનું હવે શું થશે?
શું સમાઈરાનો હેતુ સિદ્ધ થશે?
પોતાના લગ્ન પાછળની હકીકત જાણીને ગઝલ કેવું રિએક્ટ કરશે?
વિવાને ગઝલનું અપહરણ કરીને આ લગ્ન કર્યા છે એ જાણીને વિવાનની ફેમિલી કેવું રિએક્શન આપશે?
""
મિત્રો, આ નવલકથા વાંચવી આપને ગમતી હોય તો દિલ ખોલીને તમારા અમૂલ્ય પ્રતિભાવો આપશો. 🙏🙏
❤ હું તમારા પ્રતિભાવોની પ્રતિક્ષા કરીશ. ❤