પ્રારંભ - 75 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 75

પ્રારંભ પ્રકરણ 75

કેતન રાજકોટથી જામનગર આવ્યો હતો અને ખાસ મનાલી લોકોને મળવા માટે પટેલ કોલોની આવ્યો હતો. પરંતુ અહીં આવ્યા પછી એને ખબર પડી કે અડધી કલાક પહેલાં જ મનોજભાઈ હાર્ટ એટેક થી દેવલોક પામ્યા છે.

કેતન પાસે સંજીવની વિદ્યાની સિદ્ધિ હતી અને એ મૃત્યુ થયા પછીના એક કલાકની અંદર કોઈપણ વ્યક્તિને જીવંત કરી શકતો હતો. એણે પોતાની સંજીવની વિદ્યાનો ઉપયોગ કરીને મનોજભાઈને ફરી ચૈતન્ય આપ્યું અને જીવંત કરી દીધા.

મનાલીના ખૂબ જ આગ્રહથી કેતન એમના ઘરે રાત રોકાવા માટે તૈયાર થયો હતો અને એમના ઘરે સાંજે હૈદરાબાદી બિરયાનીનો પ્રોગ્રામ નક્કી કર્યો હતો. જમવાને હજુ ઘણી વાર હતી એટલે સમય પસાર કરવા માટે કેતને મનોજભાઈને નજીકના ગાર્ડનમાં જઈને બેસવાની વાત કરી હતી.

" ચાલો હવે આપણે નીકળીએ. પાંચ વાગ્યા છે એટલે ગરમી પણ ઓછી થઈ છે. હું મારી ગાડી લઈ લઉં છું " મનોજભાઈ બોલ્યા.

" હા ચાલો હું તો તૈયાર જ છું. " કેતન બોલ્યો અને ઉભો થયો.

અને બંને જણા બંગલાની બહાર આવ્યા અને બંગલા પાસે પાર્ક કરેલી ગાડીમાં બેઠા.

"અરે મનોજભાઈ તમે અત્યારે જાતે ગાડી ચલાવીને બહાર જાઓ છો ? માનવામાં જ નથી આવતું. ઉપર જઈને કોઈ પાછું આવ્યું હોય એવી ઘટના તો મારી જિંદગીમાં પહેલી વાર જોઈ. " બાજુના બંગલાના કમ્પાઉન્ડમાં ઉભેલા વલ્લભભાઈ બોલ્યા.

" આ બધી કેતનભાઇની મહેરબાની છે વલ્લભભાઈ. જીવતો તો થયો જ છું. પરંતુ એટલી બધી સ્ફૂર્તિ મારામાં આવી ગઈ છે કે જાણે મને જુવાની પાછી આવી ગઈ છે. " મનોજભાઈ હસીને બોલ્યા.

" એ તો દેખાય જ છે. ખરેખર કેતનભાઈ તમે તો જાદુગર નીકળ્યા !"
વલ્લભભાઈ બોલ્યા.

શેરીમાં ઉભેલા બીજા લોકો પણ મનોજભાઈને ગાડી ચલાવીને બહાર જતાં જોઈ છક થઈ ગયા.

મનોજભાઈએ ગાડીને ગાર્ડન તરફ લીધી. ગાર્ડન બહુ દૂર ન હતો. બહાર ગાડીને પાર્ક કરીને બંને અંદર પ્રવેશ્યા અને થોડેક દૂર ચાલીને લીમડાના વૃક્ષ નીચે એક બાંકડા ઉપર બેઠા.

થોડીવાર પછી કેતને ગાર્ડનમાં એક વ્યક્તિને વોકીંગ કરતી જોઈ અને એ આશ્ચર્યચકિત થઈ ગયો. કેતને એની માયાવી અવસ્થા દરમિયાન એક મોટી કોર્પોરેટ હોસ્પિટલ ઉભી કરી હતી અને એમાં જામનગરના જાણીતા સર્જન ડૉ. મહેન્દ્ર શાહને હોસ્પિટલના સુપ્રીનટેન્ડેન્ટ બનાવ્યા હતા. એ ડૉ. શાહ અત્યારે અહીંયા ક્યાંથી ?

ચાલતા ચાલતા એ જ ડોક્ટર જ્યારે કેતન અને મનોજભાઈની સામેથી વોક કરતા પસાર થયા એટલે તરત જ મનોજભાઈએ એમને બૂમ પાડી.

" અરે શાહ સાહેબ..."

ડૉ. શાહ પોતાના નામની બૂમ સાંભળીને તરત જ ઊભા રહ્યા અને મનોજભાઈની નજીક આવ્યા.

"બોલો મનોજભાઈ. કેમ છે તમારી તબિયત ? તમે જલ્દીથી હવે બાયપાસ કરાવી લો અને હમણાં ઘરમાં સંપૂર્ણ આરામ કરો. તમારી તમામ નળીઓ બ્લોક છે." ડૉ. શાહ બોલ્યા.

ડૉ. મહેન્દ્ર શાહ જામનગરના જાણીતા કાર્ડિયાક સર્જન હતા. ૬૦ વર્ષની ઉંમર થઈ ગયા પછી હોસ્પિટલમાંથી નિવૃત્ત થયા હતા અને એમણે પોતાનું પ્રાઇવેટ હાર્ટ ક્લિનિક ખોલ્યું હતું. એ પણ પટેલ કોલોનીમાં જ શેરી નંબર ૩ માં રહેતા હતા. મનોજભાઈ એમના પેશન્ટ હતા.

" ડોક્ટર સાહેબ આ મારા ખાસ મહેમાન કેતનભાઇની ઓળખાણ તમને કરાવું. એ મુંબઈ રહે છે અને આજે જ જામનગર આવ્યા છે. આજે બપોરે મેં દેહ છોડી દીધો હતો. અમારા ફેમીલી ડોક્ટરે પણ મારું ડેથ ડીક્લેર કર્યું હતું. પરંતુ આ કેતનભાઇએ મને સજીવન કર્યો. " મનોજભાઈ બોલ્યા.

ડૉ. શાહ હસવા લાગ્યા. " જેનું ખરેખર મૃત્યુ થઈ ગયું હોય એ માણસ કદી પણ જીવતો ના થાય સાહેબ. તમે કહો છો એવી પરિસ્થિતિ ઘણીવાર ઊભી થાય છે જેમાં થોડી ક્ષણો માટે હાર્ટ બંધ થઈ જાય છે અને સીપીઆર આપવાથી ફરી ચાલુ પણ થાય છે. એટલે તમારું મૃત્યુ થઈ ગયું હતું એવું તમે ના માનતા."

"ખોટું ના લગાડતા શાહ સાહેબ. તમે અહીંના જાણીતા સર્જન છો. હું તમારું રિસ્પેક્ટ કરું છું. પરંતુ મનોજભાઈનું ડેથ થઈ ચૂક્યું હતું અને લગભગ અડધી કલાક સુધી એ મૃત અવસ્થામાં જ હતા. એ પછી જ મેં એમને સજીવન કર્યા છે. એનીવેઝ મારે તમને કન્વીન્સ નથી કરવા." કેતન બોલી રહ્યો હતો.

" પરંતુ હમણાં જ તમે કહ્યું કે એમની તમામ નળીઓ બ્લોક છે અને તાત્કાલિક બાયપાસ સર્જરી કરવાની જરૂર છે. તો ફરી તમે એન્જિયોગ્રાફી કરીને એમની નળીઓ ચેક કરી શકો ?" કેતન હસીને બોલ્યો.

" હા હા એમની ૯૦ ટકા નળીઓ બ્લોક છે. એક મહિના પહેલાં જ એન્જિયોગ્રાફી કરી છે એટલે ફરી કરાવશો તો પણ કોઈ ફરક નહીં પડે." ડોક્ટર બોલ્યા.

"કાલે સવારે એમની એન્જિયોગ્રાફી કરી દો. તમે ટાઈમ આપો એ પ્રમાણે હું એમને લઈને આવી જાઉં " કેતન બોલ્યો.

"ઠીક છે કાલે સવારે ૯ વાગે ક્લિનિક ઉપર આવી જાવ. જૂના રિપોર્ટ પણ લેતા આવજો. " ડૉ. શાહ બોલ્યા.

કેતને નજીકથી જોઈને ખાતરી કરી કે પોતાની માયાવી અવસ્થામાં આ જ ડોક્ટર શાહ પોતાની હોસ્પિટલના સુપ્રીનટેન્ડેન્ટ બન્યા હતા. પરંતુ એ વખતે એ ઓર્થોપેડિક સર્જન હતા જ્યારે હકીકતમાં એ કાર્ડિયાક સર્જન છે !

આટલી વાતચીત પછી ડોક્ટર શાહ ફરી પાછા ગાર્ડનમાં વોક કરવા આગળ ચાલ્યા.

" મનોજભાઈ કાલે સવારે ૯ વાગે આપણે જવાનું છે. જોઈએ તો ખરા નવી એન્જિયોગ્રાફીનો રિપોર્ટ શું કહે છે !! " કેતન બોલ્યો.

" હું તૈયાર જ છું કેતનભાઇ. મારે પણ લેટેસ્ટ રિપોર્ટ જોવો છે " મનોજભાઈ બોલ્યા.

એ પછી કલાક જેટલું બેસીને બંને જણા ઘરે ગયા. મનોજભાઈને હવે ખૂબ જ સારી ફિલિંગ આવતી હતી. એકદમ ઉર્જાનો અનુભવ કરતા હતા. એમને વિશ્વાસ હતો કે હવે રિપોર્ટ સારો જ આવશે.

આજે મનાલીએ હૈદરાબાદી બિરયાની દિલથી બનાવી હતી અને એની સાથે સાલન પણ બનાવ્યું હતું જેમાં લીલા મરચા તલ કોપરું મરી આમલી આદુ મગફળી વગેરેનો ઉપયોગ થતો હોય છે.

" ખરેખર મનાલી જમવાની બહુ જ મજા આવી. મનોજભાઈ કહેતા હતા એમ રસોઈમાં તારો હાથ સારો છે. " કેતને દિલથી પ્રશંસા કરી.

" થેન્ક્સ. મારા હાથની રસોઈ એક વાર તમને જમાડવાની મારી ઈચ્છા પૂરી થઈ. " મનાલી હસીને બોલી.

એ રાત્રે મનોજભાઈની સાથે કેતન સૂઈ ગયો. વહેલી સવારે પાંચ વાગે ઊઠીને એના ક્રમ મુજબ એ ધ્યાનમાં બેસી ગયો. આજે એની ઈચ્છા ચેતન સ્વામી સાથે વાત કરવાની હતી. એણે દિલથી પ્રાર્થના કરી એટલે સ્વામીજી માનસિક ભૂમિકા ઉપર એની સામે આવ્યા.

"આજે પાછો મને કેમ યાદ કર્યો ? તેં મનોજભાઈને જીવંત કર્યા એ ખબર મને પડી ગઈ. " સ્વામીજી બોલ્યા.

" મનોજભાઈની ઘટનાને લઈને જ મેં આપને યાદ કર્યા છે. મને સંજીવની વિદ્યા જે પ્રાપ્ત થઈ છે તેમાં ગુરુજીએ એવું કહેલું છે કે મૃત્યુ થયાને એક કલાક થાય ત્યાં સુધી જ આ વિદ્યા કામ કરે. પછી ના કરી શકે. તો એવું કેમ ? આ સવાલનો જવાબ મેળવવા માટે જ મેં આપને તકલીફ આપી છે." કેતન બોલ્યો.

" મૃત્યુ પછીના એક કલાક સુધી આત્મા દેહને વીંટળાયેલો હોય છે એટલે કે દેહની આજુબાજુ જ હોય છે. એનો સિલ્વર કોર્ડ પૂરેપૂરો છૂટો પડ્યો હોતો નથી. એક કલાક પૂરો થાય પછી આત્મા દેહથી સંપૂર્ણપણે છૂટો પડી જાય છે અને સિલ્વર કોર્ડ તૂટી જાય છે. એટલે એક કલાક પછી આત્માને શરીરમાં પુનઃ પ્રવેશ કરી શકાતો નથી. એટલા માટે જ એક કલાકની મર્યાદા બતાવી છે. " ચેતન સ્વામી બોલ્યા.

" હવે મને સમજાઈ ગયું. આપને આજે તકલીફ આપી એ બદલ માફી માગું છું. " કેતન બોલ્યો.

"માફી માગવાની કોઈ જરૂર નથી. હું તારી સાથે જોડાયેલો જ છું. તને મળેલી સિદ્ધિઓનો ટેસ્ટ કરવાનો આ સમય ચાલી રહ્યો છે. હંમેશા એક વાત યાદ રાખવાની કે તું કર્તા નથી કર્તા માત્ર ઈશ્વર છે. તું તો નિમિત્ત માત્ર છે. તેં કોઈને જીવતો કર્યો એવું અભિમાન ક્યારે પણ તું કરતો નહીં. " કહીને ચેતન સ્વામી અદ્રશ્ય થઈ ગયા.

કેતન ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવ્યો. એણે બેગમાંથી બ્રશ વગેરે કાઢીને બ્રશ કરી લીધું. નાહી લીધું અને ગાયત્રીની ૧૧ માળા પણ પૂરી કરી.

સવારના ૭ વાગી ગયા હતા. મનોજભાઈ હજુ સૂતા હતા. એણે બેડરૂમનો દરવાજો ખોલ્યો અને બહાર આવ્યો.

" અરે તમે તો નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયા ! બેસો ચા બની જ રહી છે. " કીચનમાંથી મનાલી બોલી.

" તું પણ વહેલી ઉઠી જતી લાગે છે. હું તો પાંચ વાગે ઉઠી જાઉં છું. " કેતન બોલ્યો.

" તમે જામનગર આવ્યા અને ખાસ મને મળવા આવ્યા એ મને બહુ જ સારું લાગ્યું. તમારા તરફ મારું એટલું બધું ખેંચાણ છે કે હું તે કહી શકતી નથી. પરંતુ મારી લાગણીઓ વ્યક્ત કરવાનો હવે કોઈ જ મતલબ નથી. તમારાં મેરેજ પણ થઈ ગયાં છે. " મનાલી કીચનની બહાર આવીને બોલી.

" આ જગત આખું ઋણાનુબંધથી ચાલે છે મનાલી. જે મળવાનું છે તે મળે જ છે. જે નથી મળવાનું એ ક્યારેય પણ નથી મળવાનું. જનમો જનમ સંબંધો બદલાતા જાય છે. પાછલા જન્મનો કોઈ સંબંધ આપણી વચ્ચે ચોક્કસ હશે. એટલે એવું પણ બને કે આવતા જન્મે આપણે એક થઈએ. " કેતન બોલ્યો.

"એ તો હવે એ રીતે જ મન મનાવવાનું છે ને સર ! આવતા જનમમાં આપણે પાછલો જનમ જ ભૂલી જઈએ છીએ. એટલે મિલનનો કોઈ મતલબ જ રહેતો નથી. " મનાલી નિઃસાસો નાખીને ફરી કીચનમાં ગઈ.

થોડીવારમાં મનાલી ચાના બે કપ લઈને બહાર આવી. કેતનની સામેની ટીપોઈ ઉપર એક કપ મૂક્યો. એક કપ લઈને એ પોતે સામે બેઠી.

" તમને નાસ્તો કરવાની ટેવ હોય તો ગરમાગરમ બટેટાપૌંઆ બનાવી દઉં અથવા બ્રેડ બટર આપું. ગાંઠિયા ખાવાની ઈચ્છા હોય તો બહારથી લાવવા પડે. અમારી શેરીમાં જ બને છે. " મનાલી બોલી.

" મને બ્રેકફાસ્ટની એવી કોઈ ટેવ નથી. નાસ્તો મળે તો પ્રેમથી જમું છું. ન મળે તો મને કોઈ ફરક નથી પડતો. જીવનને મેં મારી રીતે કેળવ્યું છે. એટલે તારે કંઈ પણ કરવાની જરૂર નથી. ચા મસ્ત બની છે. માણું છું. " કેતન હસીને બોલ્યો.

"તમે કેવી સરસ સરસ વાતો કરો છો. ઉંમરના પ્રમાણમાં તમે ઘણા બધા મેચ્યોર્ડ છો સર. " મનાલી હસીને બોલી.

એટલામાં મનોજભાઈ પણ ઊઠીને બેડરૂમમાંથી બહાર આવ્યા. બંનેને ચા પીતાં જોઈને બોલ્યા.

" તમારા બંનેની સવાર વહેલી પડી ગઈ લાગે છે. અરે બેટા કંઈક નાસ્તો તો બનાવવો હતો કેતનભાઇ માટે ! " મનોજભાઈ બોલ્યા.

" મેં પૂછ્યું પપ્પા પણ એમણે ના પાડી." મનાલી બોલી.

"સારું ચાલો હું હવે તૈયાર થઈ જાઉં." કહીને મનોજભાઈ બ્રશ કરવા માટે બાથરૂમમાં ગયા. ત્યાં સુધીમાં મંજુલાબહેન પણ બહાર આવી ગયાં.

" આજે તમે પપ્પા સાથે ક્લિનિકમાં જવાના છો તો હવે તમે જમીને જ રાજકોટ જજો. હું રસોઈ ફટાફટ બનાવી દઈશ. " મનાલી બોલી.

" ઠીક છે. અત્યારે મારે ના પાડવાનું કોઈ કારણ નથી. જમીને જ જઈશ." કેતન બોલ્યો અને પછી એણે છાપુ હાથમાં લીધું.

મનોજભાઈ તૈયાર થઈ ગયા એટલે કેતન અને મનોજભાઈ પોણા નવ વાગે ડૉ. મહેન્દ્ર શાહના ક્લિનિક ઉપર જવા માટે નીકળી ગયા અને ૯ વાગે પહોંચી ગયા.

" તમે ટાઈમસર આવી ગયા તે સારું કર્યું. બસ દસ મિનિટમાં તમને અંદર લઈ લઉં છું. " કહીને ડૉ. શાહે પોતાના આસિસ્ટન્ટને ઓટીમાં બધી તૈયારી કરવાનું કહ્યું.

" ચાલો આવી જાઓ આપણે ફરી
એન્જિયોગ્રાફી કરી લઈએ." ડોક્ટર બોલ્યા અને મનોજભાઈ એમની સાથે અંદર ગયા.

અડધા કલાક પછી ડૉ. શાહ મનોજભાઈ સાથે પોતાની ચેમ્બરમાં આવ્યા.

" ધિસ ઈઝ આ મિરેક્લ ઈન માય લાઈફ. આવું તો ક્યારેય પણ શક્ય ન બને. હું માની શકતો જ નથી કે મનોજભાઈની નળીઓમાં હવે કોઈ બ્લોકેજ નથી. ક્યાંય કોઈ રૂકાવટ નથી. તમામ નળીઓ એકદમ ક્લીન થઈ ગઈ છે. કદાચ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ પણ હવે નોર્મલ આવશે. હૃદયના ધબકારા પણ કોઈ યુવાનના હોય એટલા બધા નોર્મલ છે." ડૉ. શાહ બોલ્યા.

" હા સાહેબ એટલે જ હું તમને કાલે કહેતો હતો કે મારું મૃત્યુ થઈ ગયું હતું. અને અડધા કલાક પછી કેતનભાઇ આવ્યા અને એમણે મને સજીવન કર્યો. " મનોજભાઈ બોલ્યા.

"આ તો અમારા મેડિકલ વિજ્ઞાનમાં એક જબરદસ્ત ચમત્કાર છે. તમારી વાત હવે મને સાચી લાગે છે કારણ કે એક મહિનામાં તમામ બ્લોકેજ અદ્રશ્ય થઈ ગયા એ ક્યારેય પણ શક્ય નથી. સોરી કેતનભાઇ મેં તમને કાલે અંડરએસ્ટીમેટ કર્યા. " ડોક્ટર બોલ્યા.

" જી સર. ઈશ્વરકૃપાથી હું મૃત્યુ પછીના એક કલાકમાં જીવન આપી શકું છું. એ મને મળેલું વરદાન છે. " કેતન નમ્રતાથી બોલ્યો.

" તમે તો હોસ્પિટલમાં આ રીતે ઘણા લોકોના પ્રાણ બચાવીને માનવ સેવા કરી શકો. " ડોક્ટર બોલ્યા.

" માફ કરજો સર.. પણ જેનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય એને એક્સટેન્શન નથી આપી શકાતું. ઈશ્વર કોઈને બચાવવા માગતો હોય એવા જ કેસમાં હું નિમિત્ત બનું છું. હું કોઈ જ દાવો કરતો નથી. ઈશ્વર જ પોતાનું કાર્ય કરી રહ્યો છે. મને આનંદ છે કે એ મને નિમિત્ત બનાવે છે. " કેતન બોલ્યો.

" વાહ કેતનભાઈ. તમારા વિચારો જાણીને ખૂબ જ આનંદ થયો. અને મનોજભાઈ તમને દિલથી અભિનંદન કે તમે મૃત્યુના મુખમાંથી બહાર આવ્યા અને તમારા હાર્ટના બધા જ પ્રોબ્લેમ દૂર થઈ ગયા !! હવે તમારે બીપી ની ગોળી લેવાની પણ જરૂર નથી. " શાહ સાહેબ હસતાં હસતાં બોલ્યા.

"જી સાહેબ હવે અમે રજા લઈએ ?" મનોજભાઈ બોલ્યા.

" કેતનભાઇ તમે જેમ જીવનદાન આપી શકો છો એમ મૃત્યુદાન આપી શકો ખરા ? " ડોક્ટર બોલ્યા.

"હું સમજ્યો નહીં સર."કેતન બોલ્યો.

"મારા ડોક્ટર મિત્રનો એક પેશન્ટ છે. એમના કેન્સર નર્સિંગ હોમમાં એડમિટ છે. ફેફસાનું કેન્સર છે અને લીવર સુધી લંબાઇ ગયું છે. ભયંકર રીતે રીબાઈ રહ્યો છે. ભારે માં ભારે પેઈન કિલર ઇન્જેક્શન આપીને એને શાંત રાખવો પડે છે. એક મહિનાથી હેરાન થાય છે. ફેમિલી પણ કંટાળી ગયું છે. હવે દિવસો ખેંચવાનો કોઈ મતલબ નથી. એ શાંત થઈ જાય એમ બધા ઈચ્છે છે. " ડોક્ટર બોલ્યા.

" ઠીક છે ચાલો પેશન્ટને જોઈ લઈએ. ત્યાં ગયા પછી નક્કી કરીએ." કેતન બોલ્યો.

" થેન્ક્યુ. હું જરા મારા ડોક્ટર મિત્ર સાથે વાત કરી લઉં. " કહીને ડોક્ટરે પોતાના કેન્સર સ્પેશિયાલિસ્ટ મિત્ર સાથે પાંચ મિનિટ સુધી ફોન ઉપર વાત કરી. મનોજભાઈ ના કેસની પણ ચર્ચા કરી.

" ચાલો એ પણ ક્લિનિકમાં જ છે. આપણે અત્યારે જ જઈએ. " ડોક્ટર બોલ્યા અને ઉભા થયા.

ત્રણેય જણા પવન ચક્કી રોડ ઉપર આવેલા કેન્સર નર્સિંગ હોમમાં ગયા.
કેન્સર સર્જન ત્રણેય જણાને પેશન્ટ પાસે લઈ ગયા.

" આ પેશન્ટ છે. લંગ્સ અને લીવર કેન્સર છે. એક મહિનાથી કોઈ સુધારો નથી. પેશન્ટ પીડા સહન કરી શકતો નથી. ભાનમાં આવે એટલે ખૂબ જ રાડો પાડે છે. હાથ પગ પછાડે છે. સતત ઇન્જેક્શન આપીને ઘેનમાં રાખવો પડે છે. પરિવાર પણ પૈસે ટકે ખુવાર થઈ ગયો છે. " ડોક્ટર બોલ્યા.

"મેં આવો કોઈ પ્રયોગ હજી સુધી કર્યો નથી. મૃત્યુદાન આપવાની તાકાત મારામાં છે કે નહીં એ પણ મને ખબર નથી. મને યાદ છે ત્યાં સુધી કાયદાની દ્રષ્ટિએ પણ કોઈને મૃત્યુ આપી શકાતું નથી. કોઈને પીડામુક્ત કરવાનો આનંદ મને જરૂર છે પણ ખરેખર આવું આપણે કરી શકીએ ? " કેતન હસીને બોલ્યો.

"તમારી વાત સાચી છે પરંતુ તમે કોઈને મારી નાખતા નથી. નથી એનું ગળું દબાવતા કે નથી કોઈ પોઈઝનનું ઇન્જેક્શન આપતા. માત્ર તમારી આધ્યાત્મિક શક્તિઓથી એનો છૂટકારો થતો હોય તો મારી દ્રષ્ટિએ તો એ કોઈ ગુનો બનતો નથી. કોઈની પીડાને કાયમ માટે દૂર કરવી એ તો એક માનવતાનું કાર્ય છે. અને આ વાતની આપણા ચાર સિવાય કોઈને પણ ખબર નહીં પડે." ડોક્ટર બોલ્યા.

"ઠીક છે. તમે આટલું કહેતા હો તો મને કોઈ વાંધો નથી. " કેતન બોલ્યો.

કેતને પેશન્ટ સામે જોઈને બે મિનિટ માટે આંખો બંધ કરી દીધી અને ઉભા ઉભા જ એ ઊંડો ઉતરી ગયો. એ પછી એણે ગુરુજીને મનોમન પ્રાર્થના કરી.

કોઈના મૃત્યુ માટે પોતે નિમિત્ત બને એવી કેતનની ઈચ્છા તો ન હતી છતાં કોઈ વ્યક્તિને પીડા અને વેદનામુક્ત કરવો એ પણ પૂણ્યનું જ કામ હતું એવું એને અંદરથી સમજાયું.

ફરી એણે ગુરુજીને પ્રાર્થના કરી અને પેશન્ટના માથે પ્રેમથી હાથ મૂક્યો. એ વખતે પેશન્ટના કોઈ સગા હાજર ન હતા એ એક પ્લસ પોઈન્ટ હતો.

કેતને હાથ મૂક્યા પછી માત્ર ૬૦ સેકન્ડમાં જ પેશન્ટનો દેહ શાંત થઈ ગયો. ડોક્ટરે એને તપાસી લીધો. ખરેખર એ બીજી દુનિયામાં ચાલ્યો ગયો હતો.

બંને ડોક્ટરો એકબીજાની સામે જોઈ રહ્યા ! આવું બને જ નહીં ! આ માણસમાં આટલી બધી શક્તિ ! મેડિકલ સાયન્સ માટે આ એક પડકાર છે !

કેન્સર સર્જન કેતનને પ્રેમથી ભેટી પડ્યા.

"કેતનભાઈ તમારી પાસે જે પણ વિદ્યા હોય હું સલામ કરું છું. સમાજને તમારી ખૂબ જરૂર છે !! મારી પાસે તમારી પ્રશંસા કરવાના કોઈ શબ્દો જ નથી !! " ડોક્ટરે કેતનનો હાથ હાથમાં લઈને ઉમળકાથી દબાવ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)