ચેતક ચિતોડમાં
ઈ. સ.૧૫૫૯ની સાલ હતી. રાજસ્થાનના મેવાડમાં , ચિત્તોડગઢમાં મહારાણા ઉદયસિંહ શાસન કરતાં હતા. આગ્રાથી મોગલ સલ્તનત પોતાનું કાઠુ વધારી રહી હતી. ૧૭ વર્ષનો કિશોર અકબર મોગલ શહેનશાહ હતો. સત્તાનો ખરો દોર તેના ફુઆ અને સેનાપતિ બહેરામખાનના હાથમાં હતો. તેણે કડક હાથે અફધાનો ને કચડી નાખ્યા હતા.
એ જમાનો યુદ્ધનો હતો. ભારતમાં પહેલાં હાથીઓનો ખૂબ ઉપયોગ થતો. પોરસનો પોતાનો એક અતિ પ્રિય હાથી હતો. મેસિડોનિયાથી પંજાબ સુધી વિજયોની પરંપરા સર્જીને આવેલા સિકંદર પાસે મજબૂત અશ્વ દળ હતું. તેનો અતિ પ્રિય ઘોડો બુસેફેલસ હતો.
એક જમાનામાં ભારતની સેનામાં હાથીઓની બોલબાલા હતી. રાજા હાથીની અંબાડી પર બેસીને યુદ્ધમાં આવતો. આથી જ સંસ્કૃત સાહિત્યમાં હાથી માટે કેટલા પર્યાયી શબ્દો છે. : કરી,ગજ ,નાગ, કુંજર, દ્વિરક, મતંગ, હન્તી , વિતુંડ , કુંભી.
હાથી-સેના સામ્રાજ્યની શાન ગણાતી. રામાયણકાળમાં, મહાભારતકાળમાં, ગુપ્તકાળમાં ,મૌર્યકાળમાં, હાથીઓ ખાસ ઉછેરવામાં આવતા , ઇન્દ્રનો ઐરાવત હાથી ઘણો વિખ્યાત હતો.
પરંતુ હાથીનો જમાનો ૧૫મી સદીમાં અસ્ત થયો. પાણીપતના યુદ્ધમાં ઇ. સ.૧૫૨૬માં જોવામાં આવ્યું કે, અરબી ઘોડાઓ ની સરખામણીમાં હાથીઓ ઝડપી ગતિ કરી શકતા નહીં. તોપના ધડાકાઓથી હાથીઓ મહાવતના કાબૂબહાર જઈ ગાંડાતૂર બની તોફાન મચાવતા. આથી ઇબ્રાહિમ લોદી હાર્યો અને માર્યો ગયો. ગ્વાલિયરનો રાજા વિક્રમાદિત્ય માર્યો ગયો. બાબર અરબી ઘોડાઓની સેના અને તોપગોળાના સફળ ઉપયોગના કારણે જીતી ગયો.
ઇ.સ ૧૫૫૬માં રાવ હેમુ પણ આ કારણે જ ઘવાયો. હાથમાં તીર વાગ્યું હાથી પરથી જમીન પર પડ્યો અને બહેરામખાને એને જીવતો પકડી કેદ કરી લીધો. ભરદરબારમાં બહેરામખાને એનું મસ્તક ઉડાવી દીધું.
હવે યુદ્ધ માટે અશ્વોની વિશેષ પસંદગી થતી. અરબી જાતવંત હયની હંમેશા રાજા રજવાડામાં માંગણી રહેતી. ઘોડાઓને વેચનાર વેપારીઓને તડાકો પડવા માંડ્યો હતો. હવે તેઓ પણ શાહ સોદાગર બની ગયા હતા. જ્યારે યુદ્ધની તૈયારીઓ ચાલતી હોય ત્યારે શસ્ત્રોના સોદાગરો ન્યાલ બની જતા હોય છે. ઇન્સાન કફન ખરીદવા મજબૂરીથી જાય છે પરંતુ કફન વેચનાર ગ્રાહકના દીદાર થતાં ખુશ થઈ જાય છે. સંત જીવન માટે પ્રાર્થના કરે છે પણ કફન વેચનાર મોતની સંખ્યા ની વૃદ્ધિ ની પ્રાર્થના કરે છે
અરબસ્તાનથી ઘોડાના વેપારીઓ હિન્દુસ્તાનના રાજ-રજવાડામાં ફરતા. મોં માંગી કિંમત વસૂલ કરીને વતન પાછા ફરતા અરબસ્તાનના ઘોડાઓના વેપારીઓ માટે ભારત સોનેરી ચીડીયા બની ગયું હતું
દિલાવરખાન એક એવો સોદાગર હતો તે જબરો અશ્વ-પરીક્ષક હતો. અશ્વ- ઉછેરની કળા તેણે હાંસિલ કરી હતી. તેની જીભમાં જબરી મીઠાશ હતી. હસતો ચહેરો અને ધારદાર વાણી વડે, હિન્દુસ્તાનની ચાર ખેપોમાં તો તેની ગરીબી ગાયબ થઈ ગઈ અને ઘોડાઓનો શાહ સોદાગર બની ગયો.
આ તેની પાંચમી ખેપ હતી. આ વખતે તે ત્રણ બેનમૂન અશ્વો લઈને નીકળ્યો હતો. ખૈબરઘાટની સુની વાટમાં ,આ અશ્વોની ઉપજનાર મોટી કિંમતના સપનામાં તે એવો તો ખોવાઈ ગયો કે, ક્યારેય આખો ખૈબરઘાટ પસાર થઈ ગયો તેની તેને ખબર ન પડી. લક્ષ્મી આવવાનો ભરોસો પણ માનવીને મદહોશ બનાવી દે છે. છતાં આપણી લક્ષ્મીને નશીલો પદાર્થ ગણતા નથી. ખારું હોય છે છતાં મીઠું કહેવાય છે. વેશ્યાની જેમ વારંવાર વફાદારી બદલે છે છતાં એને રાજનીતિ કહેવામાં આવી છે. પહેલવાન ઉતરે છે તો ખાડામાં પરંતુ કહેવાય છે કે પહેલવાન અખાડામાં ઉતર્યો છે
એણે ભારતની આન અને શાન માત્ર સાંભળી જ ન હતી. પ્રત્યક્ષ નિહાળી હતી. તે પ્રથમ આવ્યો ત્યારે હુમાયુનો શાસન હતું. પછી આવ્યો ત્યારે શેરશાહનો સૂર્ય તપતો હતો. ત્રીજી વખત આવ્યો ત્યારે ‘રાવ હેમુ’ વિક્રમાદિત્યની બોલબાલા હતી. અને છેલ્લે ચોથીવાર આવ્યો ત્યારે ૧૫૫૬માં બહેરામખાનનું નામ ગાજતું હતું.
આગ્રામાં લાલકિલ્લામાં મોગલ શહેનશાહ બિરાજયા છે. તેમની બાજુમાં રાજ્યના સંરક્ષક બેરામખાન બિરાજે છે. હમણાં ઘણાં યુધ્ધો લડ્યા હતા આ યુદ્ધોમાં હારેલા રાજ્વીઓના અશ્વો અને ધન વિપુલ પ્રમાણમાં મળ્યા હતા. યુદ્ધનું વાતાવરણ મંદ પડતું જતું હતું. મેળવેલા વિસ્તારની રાજ્ય વ્યવસ્થા મજબૂત કરવાની નીતિ અખત્યાર કરી હતી।
શાહ સોદાગર દિલાવરખાન નીલગગનના ભગવાન શશાંકના આગમન સાથે આગ્રામાં પ્રવેશ્યો. એક પરિચિત સરદારના ગૃહે રાત્રી મુકામ કર્યો. રાજા-મસ્જીદ જેવો કદાવર હતો તેવો દિલાવર હતો એક વેળા તેના કદાવર બદનને ઝીલે તેવો કદાવર ઘોડો ખાસ અરબસ્તાનથી દિલાવરખાન લઈ આવ્યો હતો ત્યારથી બંને જાનીસાર દોસ્ત બની ગયા હતા. આસમાનમાં કલાનિધિ પ્રસ્થાન કરે અને આદિત્ય પ્રવેશ કરે એ દરમિયાન એણે પોતાનું નિત્ય કાર્ય પૂર્ણ કર્યું.
ભાનુ પોતાનો પ્રભાવ વિસ્તારતા હતા ત્યારે ત્રણ તોખાર સાથે દિલાવરખાન આગ્રાના દરબાર તરફ , પોતાના રસાલા સાથે શીઘ્રગતિએ પ્રસ્થાન કરતો હતો.
ઉદધિના વારિ ઉછળે તેમ તેના હૈયાની આનંદોર્મિ હિલોળા લેતી હતી. મારા આ ત્રણ અદ્વિતીય ઘોડાઓનું મૂલ્ય મોગલ દરબારમાં અવશ્ય અંકાશે. શહેનશાહ બાબરનો વંશજ, મારી અપેક્ષાઓ પૂર્ણ કરશે જ એ ભરોસે એણે દરબારમાં પ્રવેશ કર્યો.
“ બોલો સોદાગર, કઈ મુરાદે પધાર્યા છો ? બહેરામખાને પ્રશ્ન કર્યો.
“ હજૂર , “ અરબસ્તાનથી હું ત્રણ બેનમુન તોખાર લાવ્યો છું. આપ એના દીદાર કરો એવી મારી ખ્વાઈશ છે”
” અચ્છા, હમ પટાંગણમાં આવીએ છે ઘોડા લઇ આઓ”
શાહ સોદાગર પટાંગણમાં ત્રણે ઘોડા લઈ આવ્યો. ભગવાન ભાસ્કરના કિરણોમાં, આ ઘોડાઓની કેશવાળી ચમકતી હતી ઊંચી ગરદન હતી. ભરાવદાર બદનને કારણે રૂઆબદાર લાગતા હતા મર્દાનગી ભરી, લાલ ગુલાલ જેવી, લોહીની ટસરોવાળી આંખો હતી સોહામણા લાગતા આ અશ્વોને દરબારીઓ જોતાં જ રહી ગયા. દરબારીઓના મનમાં થતું કે આવો એક ઘોડો અમારી પાસે હોય તો! આવા સુંદર અશ્વો તરફથી આંખો ખસેડી લેવાનું કોઈનું મન થતું ન હતું.
સોદાગરને ઘોડાઓની કિંમત કરવા કહ્યું સોદાગરે કિંમત કહી. આંકડો ઘણો મોટો હતો બહેરામખાનનો વિચાર પણ ઘોડા ખરીદવાનો ન હતો.
મોગલ દરબારમાં રાજપુતોના વટ અને વહેવારની ઈચ્છા થતી હતી. રાજપુતાના સંપૂર્ણ સ્વતંત્ર હતું. એના રાવ, રાણા અને મહારાજાઓની અક્ષયકીર્તિ દિગંત સુધી વ્યાપેલી હતી. સમગ્ર હિંદમાં મોગલ સરદારોને મેવાડપતિ સિસોદિયા મહારાણાઓની કીર્તિ સાંભળી તેજોદ્વેષ થતો હતો બાદશાહ બાબરની જેમ હર એક મોગલ રાજપુતાનાના શીર્ષોદય રાજવંશને ભવિષ્યનો પોતાનો કટ્ટર હરીફ માનતો હતો.
તેઓએ પણ જાણતા હતા કે ,કીર્તિના કળશો જેના પ્રભાકરને સ્પર્શે છે એમનો ખજાનો ખાલી છે હિરણ્યહીન મેવાડપતિને ઝંખવાણા પાડવાનો સુઅવસર મોગલ-સરદારો કેમ ચૂકે ?
ફૂલની સુગંધ, પળવારમાં પ્રસરી જાય તેમ આ કૂચક્ર દરબારીઓમાં વહેતું થયું. જ્યાં ઘોડાઓને ખરીદવાનો ઈન્કાર થયો ત્યાં તો સોદાગર બોલી ઉઠ્યો “ અરે, મારો ફેરો માથે પડ્યો. આવા કિંમતી ઘોડાઓને કોણ ખરીદશે ? ઈબાદતખાંને વિચાર્યું કે , મેંવાડના રાણા પાસે આ સૌદાગર ને મોકલવો જોઈએ. આ કિંમતી અશ્વોઓના મૂલ એ ચૂકવી શકશે નહિ એટલે એમની આબરૂ ઝંખવાશે. આ એક મોકો છે જ્યારે એ ગર્વીલા રાણાને નમવું પડશે.
“અરે, શાહ સોદાગર, નિરાશ ના થા. તારા અશ્વોનું મૂલ્ય રાજપુતાનામાં, મેવાડમાં, ચિત્તોડગઢમાં ત્યાં નો રાણો ઉદયસિંહ આંકશે. માટે ત્યાં જા.”
શાહ સોદાગરની ચાણક્ય દ્રષ્ટિ એ જોઈ લીધું કે, આ દરબારમાં કોઈ સાચો જૌહરી નથી કે જે હિરાની પરખ કરી શકે, આ દરબાર સમર્થ અશ્વ-પરીક્ષક વિહોણો છે. સૂર્ય ઢંકાયે, પ્રકાશની અપેક્ષા વ્યર્થ માની તેણે ચાલતી પકડી.
મહારાણા ઉદયસિંહ દૂરંદેશી હતા. ઈ.સ ૧૫૪૦માં બાળવયે તેમણે રાજયની ધુરા સંભાળી. મેવાડમાં તેમણે શૂન્યમાંથી સર્જન કરવાનું હતું. લડાયક સેના તૈયાર કરવામાં તેમણે પોતાનું ધ્યાન પરોવ્યું હતું. તેમને જોયું કે મોગલો દૂરથી તોપના અગનગોળા છોડતા એથી હાથોહાથની લડાઈ લડવાની ટેવાયેલા રાજપુતોની હિંમતમાં ઓટ આવી હતી. એ જોમ મને ફરી જાગૃત કરવા વિકલ્પ તરીકે તીરંદાજી વિકસાવવા એમણે બિહારથી કુશળ તીરંદાજો બોલાવી રાજ્યના તીરંદાજોને કુશળ બનાવ્યા હતા. ભીલોને રાજ્યના ખર્ચે તાલીમ આપી હતી. તેમની પડખે ફતા સિસોદિયા અને જયમલ રાઠોડ હતા.
સપ્તરથી ભગવાન ભાસ્કર ગગનમાં પધાર્યા એટલે મયંકે મેદાન છોડી પોતાના મહાન પૂર્વજને આવકારવા ચિત્તોડપતિના મહેલમાં શરણાઈના સૂર છેડાયા. મહારાણાએ સુર્યને નમસ્કાર કર્યા. રવિએ કિરણો દ્વારા તેનો સ્વીકાર કર્યો છે.
ગજશાળામાં હાથીઓ ચિંઘાડતા હતા. અશ્વશાળામાં ઘોડા હણહણતા હતા. કોયલની કુ હું ,,,કુ હુ નો ટહુકો સંભળાતો હતો. ભમરાવો ગુંજન કરતા હતા. શસ્ત્રો સજી સિપાહીઓ માર્ગ પરથી જતા હતા. ચિત્તોડગઢના કિલ્લાની વૃક્ષરાજીની હરિયાળી મનોહર હતી. પોતાના રસાલા સાથે કિલ્લામાં પ્રવેશ કરતા દિલાવરખાનને મનોરમ્ય વાતાવરણ નો અનુભવ થયો .
કિલ્લાના ચોકીદાર સાથે વાતો કરી. મેદાનના પ્રદેશનો મુસાફિર મળી ગયો. એટલે મેવાડીઓ ઉત્કંઠાથી તેની સાથે વાતો કરતા. અફીણ કસુંબાની સ્વાગતપળો પણ વીતી ગઈ. દરબાર ભરાવાની વેળા થઈ એટલે પોતાના ત્રણે અશ્વો લઈને સોદાગર રાજમહેલ તરફ ઉપડ્યો.
મહારાણા પધાર્યા. બારોટે બુલંદ અવાજે બિરદાવલી ઉચ્ચારી. ધીમા પણ મક્કમ પગલે, ગૌરવને પ્રગટ કરતી ચાલે મહારાણા ઉદયસિંહ , સિંહાસનારૂઢ થયા. નિત્યના કાર્યો ઉકેલાવા માંડ્યા.
" મહારાજ, એક અરબી શાહ સોદાગર દરબારમાં ઉપસ્થિત થવાની રજા માંગે છે."
"ખુશીથી, પરદેશી શાહ સોદાગરને માન સહિત પેશ કરો."
રજા મળી એટલે શાહ સોદાગરે દરબારમાં પ્રવેશ કર્યો. એમણે જોયું કે, દરબારખંડ ભવ્ય અને આલીશાન હતો. આઠસો વર્ષ જૂના રાજવંશની વાત સાંભળીને જ તે છક થઇ ગયો હતો. આજે પ્રત્યક્ષ નિહાળી ધન્ય બની ગયો. મહારાણા ઉદયસિંહ શાનથી બેઠા છે. એમની જમણી બાજુએ એક ઓગણીસ વર્ષનો આકર્ષક યુવાન બેઠો છે. એની તેજસ્વિતા પૌરુષસભર ચહેરો જોઈને દિલાવર ખાન સમજી ગયો કે આ સમગ્ર રાજપુતાના ના પંકાયેલા યુવરાજ 'કીકાજી' છે. સમસ્ત રાજપુતાનામાં યુવરાજ પ્રતાપ ‘કિકા’ ના લાડકા નામે પ્રસિદ્ધ હતા. તેમની વીરતા તેમના પરાક્રમો રાજપુતાના પ્રત્યેક રાજપૂત માટે ગૌરવનો વિષય હતો. ઊંચું અને કદાવર બદન, મોટી મોટી લીંબુની ફાડ જેવી આંખો ,મહાવીર યોદ્ધાની યાદ આપતા હતા. ચિત્તોડગઢના દરબારના વિરાજતા દરબારીઓના નૂરથી દિલાવર અંજાયો. તેને શ્રદ્ધા જાગી કે, મારા અશ્વોની અહીં કદર થશે.
“બોલો, સોદાગર તમારા આગમનનું પ્રયોજન? “
“ મહારાજ , હું અરબસ્તાનથી ખૈબરઘાટના માર્ગે મારા અરબી ઘોડા વેચવા આવ્યો છું. હિન્દુસ્તાનનો આ મારો પાંચમો ફેરો છે. મોટી ઉંમ્મીદ સાથે, બેમિસાલ ત્રણ અશ્વો લઈને આ વખતે હું આવ્યો છું. હિન્દુસ્તાનમાં મારાં આ અશ્વો અજોડ નામના કાઢશે. એવી મારી શ્રદ્ધા છે હું મામૂલી સોદાગરમાંથી શાહ સોદાગર થયો છું. મારા અશ્વોની કદર કરનાર હીરાને પરખનાર મને હજુ સુધી આ દેશમાં મળ્યો નહિ.
“ શી વાત ? ભારતના કોઈ રજવાડાએ તમારા અશ્વોના પાણીના મૂલ કર્યા નહીં.” કદાચ તમે બધે ફર્યા નથી.”
‘બધે’ નો મતલબ સોદાગર સમજી ગયો. મહારાણાજી , હું મોગલદરબારમાં પણ ગયો હતો. ત્યાં હવે ટટ્ટુઓ એટલા બધાં વધી ગયા છે કે, અશ્વોની કિંમત સાંભળતા ભડકી જાય છે. મને જાકારો આપતાં તેઓ બોલ્યા કે, સોદાગર તમારા ઘોડા મેવાડપતિ જરૂર ખરીદશે, ત્યાં જાવ અને વેપલો પતાવો.
“ શાહ સોદાગર તમારા ઘોડાઓ પાણીદાર હશે તો એનું મૂલ પાણીદાર અંકાશે. અહીં ટટુ અને ઘોડાની કિંમત એક સરખી અંકાતી નથી. ભગવાન એકલિંગજીના અમે તો દિવાન અમારા દરબારમાં આવેલા કદી નિરાશ કરતાં નથી. તમે મૂલ માંગો છો ભલે આપીશું પરંતુ અમે પાણી માંગીએ છીએ. તમારા ઘોડા પાણીદાર છે એની કસોટીમાં પાર ઉતરવું પડશે. બોલો છે મંજુર?"
“હા, મહારાણાજી હું એવો સોદાગર છું જે હંમેશા પાણીદાર હીરો લઈને જ બજારમાં આવે છે, કાચનો ટુકડો નહીં, પ્રતિક્ષા છે માત્ર કુશળ જૌહરીની,
મહારાણા ઉદયસિંહે નજર ઉઠાવીને દરબારના દરબારીઓ તરફ જોયું તો સર્વે દરબારીઓ ગુસ્સાથી રાતા પીડા થઈ ગયા હતા. મોગલ દરબારની ચૂનોતીની વાત સાંભળી તેમનો હાથ તલવારની મૂઠ સુધી પહોંચી ગયો હતો. મહારાણાએ ઇશારાથી તેમને શાંત પાડ્યા.
વીર જયમલથી રહેવાયું નહિ તેઓ બોલી ઉઠ્યા, “ શાહ સોદાગર આપબડાઈ બહુ સારી નહિ. એ તો નીવડે વખાણ. તમારા અશ્વો બતાવો. અમે સૌ એ અશ્વો જોવા ઉત્સુક છીએ"
" જી, આપની ઉત્કંઠા હમણાં જ સંતોષાશે. મારા રસાલા સાથે મેં પટાંગણમાં જ પડાવ નાખ્યો છે.
આપ સહુ ત્યાં પધારો અને પારખો એ ત્રણે દૈવતવાળા અશ્વોને , “ સોદાગર નમ્રતાથી બોલ્યો
મોગલ દરબારે પોતાની નિર્ધનતાને ઠેકડીનો વિષય બનાવ્યો એ વાતે મહારાણા ઉદયસિંહનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. શરીરમાં ગુસ્સો ઉકળતો હતો. તેમણે પોતાના દરબારના અશ્વપરીક્ષકોને તત્કાળ બોલાવ્યા , સાથે લીધા,
મેવાડના દરબારીઓ પણ અશ્વોથી અંજાયા, ધારીધારીને જોવા લાગ્યા. આ અશ્વો એવા તો મોહક હતા કે, કોઈની યે આંખો વારંવાર નિહાળ્યા છતાં ધરાવતી ન હતી. ઘોડા દરબારીઓની નજરને, લોહચૂંબક જેમ આકર્ષે તેમ આકર્ષી રહ્યા હતા. અશ્વ પરીક્ષકો એ અશ્વોને જોયા પરીક્ષા લેવા કમર કસી. એમને અશ્વોની ચપળતા અને આજ્ઞાંકિતપણું પારખવા હતા.
“ સોદાગર, તમારી પાસે જે ત્રણ અશ્વો છે તેમાંથી ગમે તે એક અશ્વને પટાંગણની મધ્યમાં ઉભો રાખો અમે તેના ચારેય પગના દાબડા ઈંટ ચુનાથી ચણતર કરી લેવા માગીએ છીએ.
“ જરૂર, તમારો આદેશ મને માન્ય છે.” હસતા હસતા સોદાગર બોલ્યો.
“ અબ્દુલ એક ઘોડાને લઈને આગળ આવ. ” સોદાગરે પોતાના સાથીને હુકમ કર્યો. તે ઘોડાને લઈને આગળ આવી ઉભો રહ્યો.
હવે સોદાગર ઘોડા આગળ આવ્યો. તે બોલ્યો તેના શબ્દોમાં પિતૃ-વાત્સલ્ય હતું. દીકરા ? જરાય હાલતો નહીં. આજે તારી અગ્નિ-પરીક્ષા છે. મારા વેણની લાજ રાખશે.” પછી રાજસ્થાનીમાં તે ભાવવાહી સ્વરે બોલ્યો “ મ્હારી ઈજ્જત, સો થારી ઈજ્જત. "
આ સાંભળતા જ વાતાવરણમાં ગંભીરતા છવાઈ ગઈ. ઇન્સાનનો ઇન્સાન પ્રતિ પ્યાર તો સૌએ જોયો હતો. પરંતુ ઇન્સાનનો જાનવર પ્રત્યેનો પ્યાર, જે અંહી જોયો તે ખરેખર અદ્ભુભૂત હતો.
એક અરબી શુદ્ધ સ્વરે રાજસ્થાનીમાં પ્રેમનું વાક્ય બોલ્યો. એનો અહેસાસ માણીને રાજપૂત સરદારો હર્ષોનમત્ત બની ગયા.
ઘોડો હણહણયો , જાણે કહેતો હોય, “નચિંત રહેજો. મારૂ પાણી હું નહિ ગુમાવું.”
પૂતળાની માફક અશ્વ સ્થિર ઊભો રહ્યો તાત્કાલિક ઈંટ ચૂનો લાવવામાં આવ્યા. બે કડિયાને બોલાવવામાં આવ્યા. શીઘ્રાતિશીઘ્ર અશ્વના ચાર ડાબળાને ચણી લેવામાં આવ્યા.
આવનારી પળો માટે સૌ ઉત્સુક હતા. બધું થંભી ગયું, પળવાર માટે. સરકતા સમયને ધ્યાનમાં રાખી, શાંતિનો ભંગ કરતા દિલાવરખાન બોલ્યા.
“અશ્વ પરીક્ષકો મારો ઘોડો દાબડે ચણાયો છે. હવે કસોટી બાકી છે કે ,પૂરી થઈ?”
ત્યાં તો અચાનક, કોઈ કાંઈ સમજે તે પહેલાં ,પહેલો પરીક્ષક પોતાનું મો ખોલે તે પહેલાં ,બીજા પરીક્ષકનો ચાબુકવાળો હાથ ઊંચો થયો. તેણે ભયંકર ચૂપકીદીવાળા શાંત વાતાવરણમાં સટાક સટાક ઘોડાને ચાબુક ફટકારી.
એક જ ચિનગારી અને દારૂગોળો ધડાધડ ફૂટે અને સૌ સ્તબ્ધ થઈ જાય એવું બન્યું તેજીને ટકોરો હોય કે? પાણીદાર ઘોડાના ડાબલા ધરતીને ધ્રુજાવે. એવો પાણીદાર ઘોડો ચાબુકના સાટકા સહન ન કરે. શિશુપાળની એકસો એકમી ગાળે, શ્રીકૃષ્ણની આંગળીએથી સુદર્શનચક્ર વછૂટ્યું હતું. તેમ ચાબુકનો સાટકો પડતાં જ છલાંગ મારી અશ્વ દોડયો. દાબડા ચણાયેલા હતા તે રહી ગયા ને લોહીલુહાણ હાડકાંવાળાં પગો દોડ્યા. થોડું દોડયા અને પ્રાણ તજી દીધા. પાણીદાર અશ્વે પોતાના માલિકની આબરૂ અને વેણ રાખવા પ્રાણોની આહુતિ આપી.
મેવાડીઓએ બલિદાનો આપ્યા હતા, સાંભળ્યા હતા. પરંતુ એક વફાદાર પ્રાણી નું આવું ધારદાર મોત. એમના હૈયાને સ્પર્શી ગયું. નવાઈથી આંખો પહોળી થઈ ગઈ. વાઘને પણ ડારે એવા મુછાળા મર્દોની આંખોની પાંપણો ભીની થઈ ગઈ. અશ્વ પરીક્ષકો માટે પણ આ કલ્પનાતીત વાત હતી. હવે એમની પાસે આ અશ્વોની પ્રશંસા કરવા માટે પૂરતા શબ્દો ન હતા તેમનો અવાજ દર્દથી ભીનો થઈ ગયો તેઓ બોલ્યા,
“ માન ગયે, શાહ સોદાગર, તારા અશ્વો બેમિસાલ છે. એનું મૂલ્ય જ ન હોઈ શકે. આવા દૈવતવાળા અશ્વો લાખેણા ગણાય.
મહારાણા ઉદયસિંહ પ્રસન્ન થયા. તેમણે યુવરાજ પ્રતાપને કહ્યું,” પ્રતાપ, તું આ અશ્વોમાંથી એક અશ્વને પસંદ કર. તારી રીતે પારખ.”
યુવરાજ પ્રતાપે એક કદાવર અશ્વની લગામ પકડી. અશ્વની આંખો પ્રતાપની આંખો સાથે મળી. જાણે બંને ચિર પરિચિત હોય. પ્રતાપ અશ્વારૂઢ થયા, ત્યાં તો અશ્વ ઉપડ્યો, જાણે ઊડ્યો. તીવ્રગતિથી દોડતા અશ્વને જોઈ મેવાડીઓના જીવ પડીકે બંધાયા હતા. પરંતુ શાહ સોદાગર અને મહારાણા ઉદયસિંહ સામસામે જોઈ હસતા હતા. બન્ને નિર્ભય હતા. સોદાગરને પોતાના અશ્વ પર ભરોસો હતો અને મહારાણા ને યુવરાજ પ્રતાપ પર.
થોડીવારમાં જ અશ્વ અને અશ્વારોહી દેખાયા.
“પિતાજી, આ અશ્વ, માત્ર અશ્વ નથી. પણ એનો આત્મા દેવતાઈ છે. આનાં તે કાંઇ મોલ હોય ?.
મહારાણા ઉદયસિંહ હર્ષોન્મત્ત થઈ ગયા. “યુવરાજ, આજથી આ અશ્વ તમારો.” પછી સોદાગર તરફ ફરી કહ્યું.
"સોદાગર, મેવાડી દરબાર આજે તમારી પર ખુશ છે. અમે ગર્વ નથી કરતા કે, તમારા બેનમુન અશ્વોની પૂરેપૂરી કિંમત અમે ચૂકવીએ છીએ. પરંતુ તમારી અપેક્ષા અવશ્ય પૂર્ણ કરીશું. તમારા અશ્વોએ તમારી લાજ રાખી છે તો ભગવાન એકલિંગજી અમારી લાજ રાખશે."
સોદાગર આખરે શાહી સોદાગર હતો, પોતાના અશ્વોની કદર થઇ એથી એ ઘણો ખુશ થયો હતો.
એણે ત્રણે અશ્વો ની કિંમત કહી.
મહારાણાએ એક પણ સોનામહોરો ઓછી કર્યા વગર તે ચૂકવી દીધી. સોદાગર ખુશ થઈ ગયો. એના હૈયામાં આનંદ ઉછળી રહ્યો હતો. મહારાણા તેને ભેટી પડ્યા.
મહારાણાજી, આજ મૈં સિર્ફ ઘોડે નહીં બેચ રહા હું, અપને લડકોં કો, આપકો સૌંપ રહા હું, આપને ઈનકા મૂલ્ય દિયા હૈ લેકિન અગર આપને સિર્ફ પ્યાર હી દિયા હોતા ફિર ભી મૈ યે દોનોં અશ્વ આપ કો હી દેકર જાતા, ક્યોંકિ જબ મૈં ચિત્તોડ મેં આયા તબ બાત ચંદ સોના મુહર કી નહીં, મેરે યે બચ્ચોં કી આબરૂ કી રહ ગઈ થી, આજ કા માજરા ઇતિહાસ મેં સદા અમર રહેગા."
શાહ સોદાગર અને તેનો રસાલો ચિત્તોડાધિપતિની મહેમાનગતિ માણીને ખુશ થતાં થતાં ખૈબરઘાટને પંથે પડ્યા.
“ પિતાજી આ અશ્વ ચકોર છે. મારા ઈશારા ક્ષણાર્ધમાં સમજી જાય છે જાણે મારી ચેતના સાથે એના હૈયાનું સંધાન ન હોય ! જબરો ચેતનવંતો ઘોડો છે. આજથી હવે એ ‘ચેતક’ ના નામે ઓળખાશે. આમ, ચેતક ચિત્તોડના પ્રવેશ પામી ચૂક્યો.
મહારાણા ઉદયસિંહ વિચારમાં પડયા. બીજો અશ્વ કોને સોંપવો ? પાણીદાર અશ્વનો સવાર પણ એટલો જ પાણીદાર હોવો જોઈએ.
ઓગણીસ વર્ષનો દીર્ધકાળ વીતી ગયો હતો. મેવાડના મહારાણા તરીકે. બાપા રાવળના વંશ તરીકે રાજપુતાના શીર્ષોદય વંશના પ્રતિનિધિ તરીકે અત્યાર સુધી ઘણા કાર્ય કર્યા હતા. મેવાત ,અજમેર ,બિકાનેર, જોધપુર બુંદી વગેરે રાજકીય આંધિમાં અસ્તવ્યસ્ત થઇ ગયા હતા, સત્તા પલટાઓ આવ્યા હતા પરંતુ મહારાણાએ એ સમય દરમિયાન ચિત્તોડગઢ ની શાન વધારી હતી.
એકાએક મહારાણાને શક્તિસિંહ યાદ આવ્યો. એ સાથે જ બાર વર્ષ પહેલા બનેલા બનાવની આવી ગઈ. શક્તિસિંહને મેવાડ છોડી સલુંમ્બર જવું પડ્યું હતું. એક ઘટના મેવાડના રાજવંશ માટે કરુણ હતી.
નિશાના તોફાનોની ધરતીએ ફરિયાદ કરી,” મહારાજ, નિશાએ પૃથ્વી પર આતંક ફેલાવી દીધો છે. સજજનો ડરના માર્યા બારણાં બંધ કરીને સુઈ ગયા છે. પંખીઓ પોતાના માળામાં ભરાઈ ગયા છે. હિંસક જાનવરો અને દુર્જન માનવીઓ પોતાની લીલા આચવવા માંડ્યા છે. મારી આતંકીત પ્રજાને નિશાથી બચાવો.”
ભગવાને પોતાના અનુચર સખા સૂર્યનારાયણને આદેશ કર્યો કે, પૃથ્વીને નિશાથી નિર્ભય કરો. આથી ભગવાન ભાસ્કર એની વહારે ચઢયા. સાત ઘોડાવાળા રથમાં આરૂઢ થઇને આભમાં આવ્યા. બીકણ પરંતુ ચાલાક નિશા ભાગી ગઈ, કારણ કે ચંદ્રે મોટાભાઈ સામે મોરચો માંડવાની કે સાથ આપવાની વાતનો ધરાર ઈનકાર કરી દીધો. પંખીઓએ એનો વિજયનાદ કલશોરથી કર્યો, પવને મંદ મંદ વહીને, પોતાની સાથે સુગંધિત સુરભીથી વાતાવરણ સુગંધમય બનાવીને વ્યક્ત કર્યો. પ્રાણી, પંખી અને માનવો નિર્ભય બની પોતાના કર્મક્ષેત્રે પ્રવૃત્ત થયા ત્યારે ચિત્તોડગઢમાં શિરોહીનો કારીગર પ્રવેશયો.
મેવાડના દરબારમાં શિરોહીથી પાણીદાર હથિયારો વેચવા એક વેપારી આવ્યો. મહારાણાની ડાબે જમણે શક્તિ અને પ્રતાપ, મહારાણી જયવંતિદેવીના બે પુત્રો, રામ લક્ષ્મણ ની માફક શોધતા હતા.
આગંનતુક પોતાની સાથે શિરોહીથી પાણીદાર તલવારો લાવ્યો હતો. મેવાડના નવા મહારાણા ઉદયસિંહ સૈનિકો અને શસ્ત્રો ભેગા કરતા હતા. ચિત્તોડગઢની ફરીથી સમૃદ્ધ કરવાના એમણે સ્વપ્નાં સેવ્યા હતાં. એ સાકાર કરવા એ રાત-દિવસ એક કરી રહ્યા હતા.
વિક્રમાજીતનો વધ કરીને મહારાણા બનેલા વનવીરે રાજ્યની તિજોરીથી વારાંગનાઓના પાયલની ઝુંકારો ખખડાવી હતી. વીરોના અપમાન કરી વીરોને કાઢી મુક્યા હતા. વિલાસી મહારાણા એ પ્રખર મેવાડ ભક્તોને વિદ્રોહી જાહેર કરી કાઢી મૂક્યા હતા. સર્વત્ર ત્રાસ, અન્યાય અને જંગાલિયત નું પ્રદૂષણ ફેલાઈ ગયું હતું. ત્યારે ઉદયસિંહે મેવાડને વનવીરના ત્રાસમાંથી મુક્ત કર્યું હતું. હવે ઉદયસિંહ ફરી ચિત્તોડની વીરતાની ચમકાવવા શસ્ત્રો અને સૈનિકો વસાવી રહ્યા હતા. ત્યારે શસ્ત્રનો વેપારી મોટી આશાએ દરબારમાં આવ્યો હતો.
શિરોહીની શમશેરો ખરીદવામાં આવી.
" અન્નદાતા, મારી પાસે એક કીમતી કટાર છે"
" તારી કટાર પાણીદાર છે એની અમને ખાત્રી કરાવ, પછી વિચારીએ"
રૂ નાં પડ ભેગા કરી, પેલો વેપારી કટાર ફેરવી તેની ધાર ની પરીક્ષા કરતો હતો,
પાંચ વર્ષનો શક્તિસિંહ આ જોઈ હસી પડ્યો, બોલી ઉઠ્યો.
“ આ કટાર માનવી પર ચલાવવાની છે કે રૂ ના તાંતણઓ પર?
આવી તે કોઈ પરીક્ષા હોય? શસ્ત્રોતોની પરીક્ષા એ કંસાર આરોગવાનું મોઢું નથી.”
એ ઉઠ્યો. એણે કારીગરના હાથમાંથી કટાર લીધી. અને તે જ પળે, આંગળીપર તે ચલાવી આંગળીમાંથી લોહીની ધારા વછૂટી, મહારાણાની બાજુમાં આસન પર લોહી છંટાયું.
મહારાણાને શક્તિમાં અવિનય, ઉદંડતા નો ભાસ થયો જ્યારે દરબારીઓને વીરતાનો. સત્તાની દ્રષ્ટિ સામાન્ય ક્યાંથી હોઈ શકે?
લોહીના લાલ રંગના મહારાણાને લાલ પાઘડીવાળો જોષી દેખાયો. શક્તિસિંહના જન્મ વખતે એક જ્યોતિષીએ ભવિષ્ય ભાખ્યું હતું કે. આ રાજકુમાર મેવાડ માટે ભય રૂપ બનશે. જ્યારે જ્યારે મેવાડની ધરતી પર યુદ્ધ થશે ત્યારે ત્યારે એ મેવાડની સાથે નહીં હોય સામે હશે.
ગમ્મતમાં હસી કાઢેલી ભવિષ્યવાણી પેલી લોહીની ધાર જોતાં તાજી થઈ. પ્રિય સહોદરને વિદાય આપવા મથુરાનો સમ્રાટ પોતે સારથી બની ને રથ હાંકતો હતો. પરંતુ આકાશવાણી એ એને ચમકાવી દીધો. કુમાર સિદ્ધાર્થની ભવિષ્યવાણીથી રાજા શુધોધન ચમક્યો હતો તેમ મહારાણા ઉદયસિંહ ચમક્યા.
" આ અવિનયી, ઝનૂની રાજકુમારે , મારી ગાદી સમીપે લોહીના છાંટા કર્યા. એનો વધ કરો. “ દીકરો કુલાંગર પાકશે એવી આશંકાથી મહારાણા ઉદયસિંહ ક્રોધથી લાલચોળ બની ગયા.
સમગ્ર સભા તો સ્તબધ હતી કે, પાંચ વર્ષના બાળકે જરા પણ અચકાયા વગર આંગળી કાપી કટારી ની પરીક્ષા કરી મનનો સર્વે ની વીરતા ના વખાણ કરતા હતા. મહારાણાના આદેશે સૌના હૈયા ને આંચકો આપ્યો.
સ્તબ્ધ બનેલા સાત વર્ષના પ્રતાપે સલુંમ્બરાધિપતિ તરફ જોયું. સહોદર શક્તિને કદાચ એ જ ભયાનક આદેશથી બક્ષી શકે એ આશાએ સભામાં સન્નાટો છવાઇ ગયો હતો.
સલુંબરાધિપતિ કૃષ્ણસિંહજી ચંદાવત વંશના હતા. પરમ ત્યાગી, મેવાડી ભીષ્મપિતામહ ચૂંડાજીના આ વંશજનું સ્થાન મેવાડી દરબારમાં પ્રથમ પંક્તિનું હતું સલુંમ્બરાધિપતિ આ આવેલા નિ:સંતાન હતા. સંતાનવિહોણા ચંદાવત કૃષ્ણસિંહજી ને પ્રતાપ સાથે દ્રષ્ટિ મળતાં વિચાર કર્યો કે શક્તિને હું માંગી લઉં તો ?
તેઓ પોતાના આસનનેથી ઉઠ્યા . મહારાણા પાસે પહોંચ્યા
મહારાણાજી આપની રજા હોય તો હું કંઈક કહેવા માગું છું
“ અવશ્ય , આપને તો અધિકાર છે જ "
“ મેં અને મેરા પૂર્વજોએ આ તખ્તની ઘણી સેવા કરી છે. મારા હૈયામાં નિસંતાનપણાની વેદના સતત ડંખ આપ્યા કરે છે. આપની આજ્ઞા હોય તો રાજકુમાર શક્તિને હું મારે ત્યાં લઈ જાઉં ?”
એ જ પડે મહારાણાની નજર પોતાની પટરાણી જયવંતી દેવી પર પડી મન પણ શાંત થયું હતું. તેઓ બોલ્યા
" શક્તિને સચવાય તો લઈ જાઓ તમે ભલે એને દત્તક બનાવો પરંતુ મારા જીવતા એ મારી છાયામાં ના રહેવો જોઈએ.
" કબૂલ છે, મહારાણાજી “કહી ચંદાવતકૃષ્ણ સિંહજીએ શક્તિને ઉપાડી લીધો.
" શિરોહીના કારીગરે મહારાણાના ચરણોમાં નજરાણુ પેશ કર્યું. મહારાણાએ ખજાનામાં નજરાણું જમા કરવા મોકલ્યા મોકલી આપ્યું
એ શક્તિ સિંહ આજે સત્તર વર્ષનો જુવાન થયો હશે. આ પાણીદાર અશ્વ કેમ એને ન સોંપવો ?
" પ્રતાપ બીજા ઘોડાનું શું કરીશું?
" પિતાજી, ચેતકના સહોદરને પ્રતાપના જ સહોદરને સોંપો. એવી મારી ઈચ્છા છે. સાંભળ્યું છે કે, પાછળથી જન્મેલા સલુંમ્બરાયના પુત્ર-પુત્રીના કારણે શક્તિસિંહ ત્યાં પણ ઉપેક્ષિત થતો જાય છે. આ ભેટ આવી પળે એના મનમાં ના પ્રેમ જગાડવા કામ આવશે"
મહારાણા ઉદયસિંહ બેહદ ખુશ થયા મેવાડના ભાવિ મહારાણાની આવી અનોખી સૂઝ માટે ગર્વ થયો અને એ અશ્વ સલુંમ્બર શક્તિસિંહ માટે મોકલાયો.